bal gothiyo books and stories free download online pdf in Gujarati

બાળ ગોઠિયો

લોકડાઉન નો પ્રથમ તબક્કો ચાલી રહ્યો હતો. ધંધાની દોડધામમાં ઘરે ટાઈમ નથી આપી શકાતો, તેવો કકળાટ કરતા લોકોને ઘરે કંટાળો આવવા લાગ્યો છે. હું મારા ઘરે ચીકુડી ના ઝાડ ના શીતળ છાયા નીચે રાખેલા હિંચકે બેસી મારા બાપુજીની યાદો ને સંઘરીને બેઠેલા હાર્મોનિયમ પર ગઝલોની રિયાઝ કરી રહ્યો હતો.

એટલામાં બાજુમાં પડેલા ફોનની રીંગટોને મારી રિયાઝ માં ખલેલ પહોંચાડી. મેં ફોન રિસીવ કર્યો. કોઈક unknown નંબર પરથી ફોન આવતો હતો. મેં ફોન રીસીવ કરી હલો કહ્યું. સામેથી મારા કોઈ પરિચિત હોય તેમ મને નામથી સંબોધ્યો.

"ઓળખાણ પડી? "

એવો અઘરો પ્રશ્ન પૂછ્યો. આવા અઘરા પ્રશ્નો નો મોટાભાગે મારી પાસે એક જ જવાબ હોય છે, "આમ તો અવાજ જાણીતો છે......., પણ.... ઓળખાણ ના પડી! તમારો નંબર સેવ કરેલો નથી."સામે છેડેથી ઓળખાણ આપી.

" હું વીરુ બોલું છું, વીરુ ચાવડા.

મારી નજર સામેથી લાંબી રિલ ફાસ્ટ ફોરવર્ડ માં ચાલવા લાગી. તે મારો બાળપણનો ગોઠિયો, મને તેનું દેશી મકાન યાદ આવી ગયું. બે ઘરને એક બેઠા ઘાટનું રસોડું, લાંબી ઓસરી ને ઉપર દેશી નળીયા. તેના ઘરે હું ખૂબ રમેલો. સવારના સમયે તેના ઘરના કરાના વળતા છાયે અમે માચીસની પટ્ટિયું કે લખોટીથી રમતા હોઈએ. ક્યારેક ત્યાં સલાખો પાથરી એના પર બેસી લેસન કરતા હોઈએ. દિવાળીના દિવસોમાં તાજી કરેલી ગારની ભીની મહેક ની એક લહેરખી અત્યારે પણ મને મહેસુસ થઇ આવી. વીરુ અને તેનો નાનો ભાઈ ઇસો બંને મારા મિત્રો. અમે છાયડે બેસી લખતા હોઈએ ત્યારે વીરુના બા ત્રણેયને મગફળી ને ગોળના દડબા ખાવા આપતા જેનો સ્વાદ હજી નથી ભુલ્યો.

વરસાદના પાણીમાં રમવું, પાળા પાછળના ઓકલામાં ગારાની ટાંકીઓ અને ડેમ બનાવવા, મોહી દાંડિયા રમવા, ગેડી દડે રમવા, ટાયર ફેરવવા, ઉતરાયણની અગાઉ દોરી પાવા માટે કાચ ખાંડવો ને પછી નદીના પટમાં જાતે દોરી પાવી. આવા તો અમારા બંને મિત્રો ના સાથેના કેટલા સ્મરણોની પટ્ટી મારા મગજમાં દોડી ગઈ.

વીરુ મારાથી એક ધોરણ આગળ ભણતો. ને ઈસો મારાથી એક ધોરણ પાછળ ભણતો. વીરુના બાપુજી અમારા ગામમાં નાનકડી પાન માવા બીડી ની કેબીન ચલાવતા. ને પોતાનું ગુજરાન ચલાવતા. અમારા ગામમાં પ્રાથમિક શાળામાં ૧ થી ૭ ધોરણ હતા. આઠમા ધોરણ માટે બાજુના ગામમાં જે લગભગ અમારા ગામથી સાતેક કિલોમીટર દૂર હતું તે ગામ નીંગાળા, ત્યાં સાયકલ લઇ અપડાઉન કરવું પડે. અથવા ભાવનગર હોસ્ટેલ માં રહી ભણવું પડે. વીરુ ભણવામાં ખૂબ હોંશિયાર હતો. તેનું પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું થયું.

તે મને કહેતો, "મારે આઠમા ધોરણમાં નિંગાળા ભણવા જવાનું છે. મે મારા બાપુજીને કીધું છે. તે મને નવી સાયકલ લઇ દેશે."

એ વખતે મને યાદ છે સાયકલ ની કિંમત 540 કે 600 રૂપિયા જેવી હતી. પણ એટલા પણ બહુ વધારે કહેવાતા. પછી અચાનક શું થયું ખબર ના પડી. વીરુએ ભણવાનું પડતું મૂકી. સુરત હીરાના વ્યવસાય માં જતો રહ્યો. મને એટલી જ ખબર હતી. ત્યારે તેના ગયા પછી હું તેના નાના ભાઈ ઈસાની સાથે રમતો. અમુક વર્ષો પછી તે આખું કુટુંબ સુરત જતું રહ્યું. ઘણા વર્ષો સુધી તેના કોઈ સમાચાર ન હતા.

આજે અચાનક વીરું નો ફોન આવતા મને બધું જ યાદ આવવા લાગ્યું. તેણે મારો નંબર ક્યાંકથી ગોતી મને ફોન કર્યો હતો. તેણે મારા બધા સમાચાર પૂછ્યા. મેં કહ્યું, " તું તો સુરત છો ને ?"તેણે ઊંડો નિસાસો નાખ્યો. વાત ચાલુ કરી.

" મિત્ર હું સુરત ખુબ સરસ સેટ થઇ ગયો હતો. ત્યાં મારે પોતાનો ફ્લેટ પણ થઈ ગયો ને પોતાનું હીરાનું કારખાનું પણ હતું. ઠીક ઠીક મિલકત પણ કરી નાખી હતી. હવે ભગવાને સામું જોયું હોય તેવું લાગતું હતું. ત્યાં મારો નાનો ભાઈ ઇસો એક કેસમાં ફસાઈ ગયો. તેનું મિત્ર વર્તુળ એવું હતું કે તે કંઈ ને કંઈ તોફાન કર્યા જ કરતો. પરંતુ આ વખતે તે બરાબર ફિટ થઈ ગયો. તેને છોડાવવા માં મારો ફ્લેટ વેચાઈ ગયો ને કારખાનું પણ બંધ થઈ ગયું. મારા બા બાપુજી સાથે ઢસા રહેવા આવી ગયો છું. અહીં એક કારખાનામાં 12000 પગારમાં મેનેજર માં રહી ગયો છું."

તેના અવાજમાં બધુ ખોય બેઠા નો અફસોસ સ્પષ્ટ જણાતો હતો. મેં તેને આશ્વાસન આપ્યું.

"ભાઈ કંઈ વાંધો નહીં ભાઈને છોડાવવામાં બધુ ખોયું છે ને એ તો ફરી ભાગ્યમાં હશે તો મળી જશે. ઇસો શું કરે છે?"

તે ઘડીક કંઈ ના બોલ્યો પછી થોડો હસ્યો, "એ તો ફરી પાછો ગોરખ ધંધા જ કરે છે. તેણે તો ફ્લેટ, પ્રોપર્ટી બધુ વસાવી લીધું. એ તો એ.. ય...ને મોજ કરે છે..બા - બાપુજીને પણ તેડાવતો નથી. "

ઘડીક તે સૂનમૂન થઈ ગયો. ફરી નિસાસો નાખી બોલ્યો, "મારી પાસે કંઈ ન રહ્યું દોસ્ત."

મેં તેને બિરદાવતા કહ્યું, "તારી પાસે બા-બાપુજી છે એ દુનિયાની મોટામાં મોટી મૂડી છે. અને તું એને સાચવે છો તેનો મને ગર્વ છે."

મારી વાતથી તેને સારું લાગ્યું. તે ઉત્સાહમાં આવીને કહેવા લાગ્યો,

"તને તો ખબર છે હું ભણવામાં કેવો હોશિયાર હતો?" મેં હા પાડી. "હું ભણ્યો હોત તો તારી જેમ જ ક્યાંક સારી પોસ્ટ પર હોત."

મને યાદ આવ્યું ,મેં તેને પૂછ્યું, "તું આગળ ભણવાનો હતો ને અચાનક સુરત કેમ જતો રહ્યો?"

વીરુ કહેવા લાગ્યો, "મેં આ વાત જિંદગીમાં કોઈને નથી કહી, આજે તને કહી રહ્યો છું. મારે સાતમાં ધોરણનું વેકેશન હતું. હું મારા બાપુજીને રોજ સાયકલ લઇ દેવા કહેતો. જેનાથી અપડાઉન કરી હું નિંગાળા ભણીશ. મારા બાપુજી આજકાલ કરતાં રોજ નવા વાયદા કરતા હતા. મને ખબર ન હતી કે તેમને હમણાં ધંધો બંધ હતો. હું આશા રાખી સપના જોતો. કે નવી સાયકલ લઇ હું કેવો ભણવા જઈશ! મારા બાપુજીએ એક દિવસ મને દસની નોટ આપી તેમના માટે ચારભાઈ બીડી ની જૂડી મંગાવી, એ વખતે દોઢ રૂપિયાની બીડી ની જૂડી મળતી હતી. હું પૈસા ખિસ્સામાં મૂકી બીડી લેવા ગયો. દુકાને જઈ જોયું તો દસની નોટ ખિસ્સામાં ન હતી. મને એમ કે રસ્તામાં ક્યાંક પડી ગઈ હશે. હું આખા રસ્તે જોતો જોતો પાછો આવ્યો. પણ નોટ ક્યાંય ના મળી. મે ઘરે આવી મારા બાપુજી ને કહ્યું, દસની નોટ ક્યાંક ખોવાઈ ગઈ."

આટલું બોલી વીરુ ઘડીક શાંત થઈ ગયો. મેં હલો.... હલો કર્યું. ત્યારે ફરી તે ગળે બાજી ગયેલો ડૂમો દૂર કરી બોલ્યો.., "એ દિવસે મારા બાપુજીએ મને ખૂબ માર્યો. આ પહેલા તેણે ક્યારેય મને માર્યો ન હતો. તે દિવસે હું ખૂબ રડ્યો. મે મારા બાપુજીને પૂછ્યું તમે મને ક્યારેય નથી માર્યો ને આજે દસ રૂપિયાની નોટ ખોવાઈ તેમાં આટલો બધો કેમ માર્યો?"

પછી વીરુ આગળ ના બોલી શક્યો. મને ખાલી તેના હિબકાનો અવાજ સંભળાતો હતો. હું પણ ઘડીક કઈ ના બોલી શક્યો. થોડો સ્વસ્થ થઇ.

તે ભારે અવાજે બોલ્યો, "પછી તે દિવસે મારા બાપુજી પણ રડી પડ્યા હતા. ને મને કહ્યું, ગાંડા આ છેલ્લી નોટ હતી."

હવે તે આગળ કડકડાટ બોલવા લાગ્યો, "ભાઈબંધ પછી મેં નક્કી કરી નાખ્યું કે હવે મારે ભણવું નથી. મારે મારા બાપુજીને મદદરૂપ થવું છે. મેં તે દિવસે જ મારા મામા ને સુરત ટપાલ લખી નાખી. ને અઠવાડિયામાં મારા મામા મને સુરત લઈ ગયા."

"મિત્ર આજે કેટલાય વર્ષે તું મળ્યો મારો ભાર હળવો થયો."આટલું બોલી તે આગળ બોલી ન શક્યો. તેના હીબકા મને સંભળાતા હતા.

મારો ખભો આજે જાણે તેના આંસુથી ભીનો થઈ ગયો.

લેખક: અશોકસિંહ ટાંક
૨૭/૪/૨૦૨૦
(સત્યઘટના પર આધારિત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED