કાને પડ્યો જંગલનો અવાજ Sanjay Thakker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

કાને પડ્યો જંગલનો અવાજ

*કાને પડ્યો જંગલનો અવાજ*


શ્રાવણ માસના ઝરમર વરસતા વરસાદમાં, ગીર મધ્યે બિરાજમાન પાતાળેશ્વરની પૂજા કરવાનું મન થયું, ને પગ તે તરફ ઉપડ્યા... સુમસાન વગડામાં એક તરફ નજર કરી ત્યાં નીચી મૂંડીએ ચારો ચરતું સાંભર... તો બીજી તરફ નજર કરી ત્યાં ઉછળકૂદ કરતાં ચિતલના નાનાં બચ્ચાઓ વાતાવરણને હર્યુભર્યું રાખતાં હતાં. ગીર ધરાને ખૂંદતો ખૂંદતો હું આગળ વધતો હતો.
ત્યાં તો વાનરોની ઉછળકૂદ ને ચિચિયારીઓ, મોરનો ટહુકાર અને હરણાંની આંધળી દોટ.. આ બધું મળીને આજુબાજુમાં ભય ઊભો થયો હોય તેવો અણસાર આપવા લાગ્યું!


મને વિચારવાનો બહુ મોકો મળ્યો નહીં. થોડીક દ્રષ્ટિ દૂર કરી ત્યાં તો એક ઉંમરલાયક સાવજ ભૂંડના બચ્ચાનો શિકાર કરીને મોઢામાં લઇ આવતો દીઠો! કોઈ મોટા માણસને આવતાં જોઈને તેની અદબ જાળવવા જેમ આપણે ઊભાં થઈએ તેમ મારા શરીરના રૂવાંટાએ પણ આ મહારાજાની અદબ જાળવી. રુવાંટીનું ઉભું થવું, તેનાથી મોટું ભયભીત થવાનું બીજું શું પ્રમાણ હોઈ શકે !!! પગ થંભી ગયા... બાજુમાં આવેલ બોરડીના ઝાડી-ઝાંખરાંના ઢુવાની આડમાં મેં જાતને સંતાડવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો ભય અને કુતૂહલ વચ્ચે હું જોવું છું કે એક સિંહણ તે જ ઢુવામાં તો બેઠી છે... ને સિંહને આવતો નિહાળી રહી છે.


પરદેશથી કમાણી કરીને આવતાં પુરુષની માફક સિંહ પણ મદમસ્ત થઈને ધીમે-ધીમે ચાલતો ઢૂવાની નજીક આવી પોતાના મોઢામાં રહેલ મારણને સિંહણની સામે મૂકતાં બોલ્યો, 'લે ખાઈ લે!' સિંહણની નજર એ મૃત સૂવર બાળ પર પડી..ત્યાં તો, દરેક ઘરની જેમ અહીં પણ, સિંહણે પોતાની નારાજગીનો સૂર વ્યક્ત કરતાં ઘૂરઘૂરાટી બોલાવવા માંડી. મારા કાન એ તરફ મંડાયા. સિંહણ ગુસ્સામાં બોલી કે, "આખી જીંદગી આ ભૂંડ જ ખવડાવ્યા... આટલા વર્ષમાં ક્યારે કોઈ 'દિ હરણનું મારણ લાવ્યાં..? તમારા ભેગી રહીને તો હું ભૂખે મરી ગઈ..!!! તમને ખબર છે કે ભૂંડ ખાઈને મને પેટમાં ગેસ થાય છે, સવારથી પેટમાં કેટલું દુઃખે છે, જમીન ઉપર પગ પણ મંડાતો નથી.. પણ તમને મારી ક્યાં પડી છે?"
ત્યાં તો થોડોક ગુસ્સો બતાવી અસહાયતા વ્યક્ત કરતા વનરાજ તાડુક્યા, " કે હવે અવસ્થા થઈ છે.. પગમાં ગઠીયો 'વા' આવ્યો છે...આંખે મોતિયો આવ્યો છે...થોડુંક દોડું ત્યાં તો હાંફ ચડે છે. આ ઉંમરે હવે મારાથી હરણના શિકાર શે થાય? અને સાંભળ! આ તને ભૂંડ ખાવાથી ગેસ થાય છે એ તારી ગેરસમજ છે. ખરેખર તો તું જે નદીમાંથી પાણી પીવે છે, તે નદીના ઉપરવાસમાં રહેતાં લોકો તે નદીમાં કપડાં ધુવે છે, પૂજાની સામગ્રીના નામે પોતાના ઘરનો કચરો વહેવડાવે છે અને નદીનું પાણી દૂષિત થાય તેવું શું શું નથી કરતાં !!! આ દુષિત પાણી પીને જ તારું પેટ બગડે છે."

વળી, દુઃખદ સમાચાર આપતા હોય એમ અને પોતાની વાતને પ્રમાણભૂત કરતા હોય તેમ નરકેસરીએ સિંહણને સમાચાર આપ્યા કે, "વધારે દૂધની લાલચમાં આ માણસો પોતાના માલ-ઢોરને ઓક્સીટોસિનના ઝેરી ઇન્જેક્શનો આપે છે. ગઈકાલે સામા કાંઠે રહેતી તારી માસીની દીકરી બેન વાળા સિંહોના ટોળાએ એવી જ એક ગાયનું મારણ કરેલું, તે ખાધા પછી આજ એ સાવજનું આખું ટોળું માંદુ પડ્યું છે !!! "

માસીની દીકરી બેનના માંદગીના સમાચાર સાંભળી સિંહણ થોડી ઠંડી પડી અને બોલી, 'હશે હવે! એ માણસોને આપનાથી થોડું પો'ચાય!! એમના તો કામ જ કાયમ અવડા હોય.. ઈ ક્યાં ક્યારેય સુધારવાના !!' આટલું બોલી સિંહણ પોતાના નસીબને કોસવા લાગી.. 'ચાર ચાર બચ્ચાં જણ્યા.. ઘડપણમાં એકેય કામ આવતું નથી... એમાંય ઓલો મોટો તો સાવ આડા રસ્તે ગ્યો છે... કેટકેટલો સમજાવ્યો કે આપણે તો સાવજની જાત, શિકાર કરીને ખવાય, પણ ક્યાં માને છે? એણે તો લાજશરમ સાવ નેવે મૂકી છે. રોજ ઊઠીને પેલા સિદીબાદશાહની વાડી જઈ કૂતરાંની જેમ બેસે, ને વળી, પેલો સિદીબાદશાહ પણ અંતે તો માણસની જાત.. એ વળી પૈસા કમાવવાની લાલચમાં, શહેરના માણસોને ભેગા કરે છે અને આપણાં આ મોટડાને માંદી મરઘીઓ નાખીને લાયન શૉ યોજે છે... મોટડાને કેટ કેટલો ધમકાવ્યો કે ભૈ આમ આ કૂતરાની જેમ પાલતું થઈને બેસાય ? માંદી મરઘીઓ ખાવાથી આપણી શિકારી તાસીર બદલાશે, તારી વાદે બીજા સિંહો પણ શિકાર જવાના બદલે ખોટા રવાડે ચડશે.. રોગચાળો ફેલાશે અને આપણી આખી જાત જોખમમાં મુકાશે.. પણ એ તમારા જેવો જ પાક્યો છે.. ક્યાં કોઈદી મારું સાંભળે?..ક્યાં કોઈદી મારું માને? મારા ‌તો કરમ જ ફૂટેલા છે.. મારી બા ના પાડી પાડીને થાકી તોય હું તમને વરી.. તે આખી જિંદગી આ ભૂખમરામાં જ કાઢી... એમાં વળી બાકી રહી જતું ત્યાં આ મોટો નખ્ખોદીયો પાક્યો...!!"

સિંહણ જાણે હવે પોતાના હૃદયનો ભાર ઠાલવી દેવા માગતી હોય તેમ બળાપો કાઢતા બોલી,
"સાંભળો! આ રોજની દોડધામ થતી નથી માટે મારું માનો તો હવે આપણે પેલા ફોરેસ્ટરને મળીએ અને એમને કહીએ કે અમને પ્રાણીસંગ્રહાલયમાં મૂકી ધ્યો. આપણા માટે એ ઘરડાંનું ઘર કહેવાય!!"

ત્યાં તો ડાલામથો ડણક્યો..કે 'જીવશું મરશું જંગલમાં. એ પાંજરાની પીડા મારાથી ન સહન થાય અને માનવીના કાળા મોઢા મારાથી ના જોવાય'.

આ શાર્દુલ દંપતીનો સંવાદ સાંભળવાનો મારા માટે અનેરો લ્હાવો હતો પણ જે રીતે તેમના મનમાં માનવીની ખરાબ છાપ ઊભી થયેલી તે જોતાં મને હવે ત્યાંથી ભાગવામાં જ ભલાઈ લાગી..

ધીમા પગલે હું ત્યાંથી સરકી ગયો.. અંતે તો હું પણ માણસની જાત....

સંજય ઠક્કર
slthakker123@gmail.com