અદાલતની અટારીએથી Sanjay Thakker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદાલતની અટારીએથી

*અદાલતની અટારીએથી!!*

હમણાં રામાયણ અને મહાભારત જેવી ધાર્મિક સીરીયલો જોઈને સમય પસાર કરૂં છું માટે તે ભાષા શૈલીથી પ્રભાવિત થઈ, લૉક ડાઉન દરમિયાન અદાલતે આંટો મારતાં થયેલાં અનુભવોને એ જ ભાષા શૈલીમાં આપની સાથે વહેંચવાની ઈચ્છા ને હું રોકી શકતો નથી.

આ સાર્વત્રિકબંધનો સૌથી વધુ પ્રતિકૂળ પ્રભાવ અદાલતની ફાઇલો ઉપર પડ્યો છે, હજારો ફાઈલો કેટલાંય દિવસોથી તિજોરીમાં મુંઝાય છે. કેટલાંય દિવસોથી તેમણે ખુલ્લી હવામાં શ્વાસ લીધો નથી. કાયમ ક્લાર્કના હાથમાં રમતી આ ફાઇલોને કેટલાંય દિવસોથી કોઈએ લાડ પ્યારથી પંપાળી નથી. કાયમ ન્યાયાધીશની અમી દ્રષ્ટિ ઝંખતી અને ન્યાયાધીશના હાથે મોક્ષની કામના કરતી એ ફાઈલોના મોક્ષના દિવસો લંબાતા જાય છે. એમાં વળી, દિવાની કેસોની ફાઈલો તો, ઉપરથી પાછું ઉનાળુ વેકેશન આવશે અને પોતાની 'તિજોરી કેદની સજા' વધું લંબાશે એવા ડરથી વધારે મૂંઝાઈ રહી છે. જેનો હમણાં જ પહેલો જન્મદિવસ ગયો તે નવયુવાન ફાઇલ તો જાણે વધારે પડતી હતાશ જણાય છે.

જિર્ણ અવસ્થામાં જણાતી, જેનાં પાનાં પીળાં પડી ગયેલાં છે, જેણે અહીં જીવન પચ્ચીસી પૂરી કરી છે અને જે એક બે વખત ડિસમિસ ફોર ડીફોલ્ટ થયાં પછી ફરી ફાઈલે લેવાયેલી છે, એવી 'ઇચ્છામૃત્યુને વરેલી' ફાઈલ કે જેને બાકીની બધી ફાઈલો 'પિતામહ' તરીકે સંબોધે છે. એ વૃદ્ધ પ્રતાપી ફાઈલે આ નવોદિત ફાઈલને આશ્વાસન આપતાં કહ્યું કે, "હે વત્સ! ધીરજ રાખ જીવન અને મૃત્યુ એકબીજાનાં પર્યાય છે. દરેક ના જન્મ અને મૃત્યુનો દિવસ નિશ્ચિત છે." તેમ કહી પોતાની શંકાના સમાધાન માટે કુળગુરૂને મળવાં આજ્ઞા કરી.

આ સમયે ત્યાં બે દસકા વટાવી ચૂકેલ અને જાત જાતના પ્રશ્નોમાંથી પસાર થઈ દળદાર બની ગયેલ એવી એક ફાઈલની પધરામણી થઇ. આ ફાઇલ કે જેણે ત્રણ ચાર વખત હાઇકોર્ટની અને એક વખત સુપ્રીમ કોર્ટની જાત્રા કરી જ્ઞાનની પરાકાષ્ઠા પ્રાપ્ત કરેલી માટે બાકીની બધી ફાઈલોએ તેને કુળગુરુનું બિરુદ આપી, ગુરૂવર તરીકે સંબોધતી. તે લાલ પુન્ઠામાં બંધાયેલી વૃદ્ધ ફાઈલ પાસે જઈ, શાશ્ટાન્ગ દંડવત પ્રણામ કરી, આ નવયુવક ફાઈલ બોલી, "હે ગુરૂવર! આપતો સ્વયં જ્ઞાની છો, આપ તો કહો છો કે જીવન ક્ષણભંગુર છે, તો પછી મારો આ ભવફેરો કેમ પૂરો થતો નથી? મારી શંકાનું સમાધાન કરો"

તો બે દસકાના લાંબા તપથી તેજસ્વી બનેલી તે વૃદ્ધ ફાઈલે ઉપદેશકની ભાષામાં જણાવ્યું કે, "હે પ્રિય શિષ્ય! દરેકને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે, થોડી ધીરજ રાખ. નિર્ધારિત દિવસે કોઈ નિપૂર્ણ ન્યાયાધીશના હસ્તે તારો મોક્ષ થશે! વળી, ઉનાળું વેકેશન દરમિયાન 'તિજોરી બંધ સજાની' તું ચિંતા કરીશ નહિ. મારી દીર્ઘદ્રષ્ટિ મને એવું સૂચવે છે કે વહીવટી કુશળ અધિકારીઓ આ સાર્વત્રિક બંધમાં જે સમયે વ્યતીત થયો છે તે ઉનાળું વેકેશન રદ કરીને અને કદાચ દર બીજા અને ચોથા શનિવારે પડતી 'તિજોરી બંધની કેદ' ની સજા માંથી મુક્તિ આપીને વ્યતિત થયેલો સમયને મજરે આપશે."

વધુમાં 'આ સમય પણ વહી જશે' એવાં સૂત્રનું સતત સ્મરણ અને જાપ કરવાનું સૂચન આપી ગુરુદેવ ત્યાંથી સિધાવ્યા.

જીવનની કેટલીય ચઢતી પડતી જોઈ ચુકેલ અને કેટલાંય તડકા છાંયા વેઠી ચૂકેલી આ વૃદ્ધ અનુભવી ફાઇલો દ્વારા અપાયેલ આશ્વાસનથી કંઈક અંશે શાંતિ પાપ્ત થતાં, હમણાં જ તાજી જન્મેલી ફાઈલ કે જેને 'જામીન અરજી' જેવું રૂપાળું નામ મળેલ તેનાં જન્મોત્સવની ઉજવણીમાં આ નવયુવાન ફાઈલ પણ હર્ષભેર જોડાઈ ગઈ.

'ઢગલો કામ હોવા છતાં પણ આજે કંઈ કામ નથી.' તે વાક્ય સાથે દિવસ પૂરો થાય તે પહેલાં અને આ લાંબો સાર્વત્રિક બંધનો સમય ક્યાંક મને આળસું અને પ્રમાદી ન બનાવી દે તેવી ચિંતા માંથી મુક્તિ મેળવવા, દલીલના તબક્કે રહેલ ચાર-પાંચ ફાઇલોને મેં ઉપાડી પોટલામાં બાંધી. મારા આ કૃત્યને બાકીની ફાઈલો અહોભાવ સાથે જોઈ રહી, તેમનાં મોઢા ઉપર હર્ષની લાગણી જોઈ, હળવું સ્મિત વેરી, મેં ત્યાંથી વિદાય લીધી.
સંજય_૦૮_૦૪_૨૦૨૦
slthakker123@gmail.com