*નિર્ણય તારા કેટલાં રંગ!!*
પટાવાળાએ આલબેલ પોકારીને મારા આગમનથી સૌને વાકેફ કર્યા. રૂઢી અને રિવાજ મુજબ અદાલતમાં બેઠેલા સૌએ બા અદબ ઉભા થઇ, ન્યાયાધીશના પદનું માન અને ગૌરવ જાળવ્યું.
આરોપીના પાંજરામાં કેટલાંક ઈસમોએ પોત પોતાની જગ્યા ગ્રહણ કરી. કાયમ છકડો રિક્ષામાં બેસવા ટેવાયેલા હોય તેવાં લાગતાં એ જુદા-જુદા કેસનાં આઠેક આરોપીઓએ, ચાર જણ પણ માંડ બેસી શકે તેવી નાની પાટલી ઉપર સાંકળ માંકડ કરીને પોતાનું સ્થાન જમાવ્યું. આમ પણ હું જોતો કે તે ખૂણો કાયમ માટે ઉપેક્ષિત રહેતો, મેં પટાવાળાને તે તરફનો પંખો ચલાવવા સૂચના આપી. મૂઠી જુવારની ચોરીના આરોપીને આઠ-દશ વરસ સુધી દર મુદ્દતે કોર્ટમાં હાજરી આપવી ને આરોપીની પાટલીએ જઈ બેસવું, ને પછી આખી અદાલત તેની બાજુ તિરસ્કાર ભાવથી જોયાં કરતી હોય, તેનાંથી વધારે કઠોર બીજી શું સજા હોઈ શકે? પણ ખેર, જવા દો. તે અંગે ઘણું કહી શકાય તેમ છે. તેને ભવિષ્ય માટે છોડી આપણે મૂળ વાત ઉપર આવીએ.
નિત્યક્રમ મુજબ કાર્યવાહી શરૂ થઈ, કોર્ટની કાર્યવાહી આગળ ધપાવવામાં મને મદદરૂપ થતા બેન્ચ ક્લાર્કે ચોરીના એક કેસની ફાઈલ મારા તરફ લંબાવી, કેસ ફરિયાદીના પુરાવાના તબક્કે હોય, પટાવાળાએ ફરિયાદી નામનો પોકાર કર્યો, ત્યાં તો દરવાજામાંથી શારિરીક દુર્બળ પણ તેજસ્વી અને ખાનદાન દેખાતા વૃદ્ધે પ્રવેશ કર્યો. શરીર બહું નબળું પડી ગયું હતું, ડગલેને પગલે હાંફી જતાં હતાં. હળવાશમાં કહીએ તો જાણે યમરાજના ખભે હાથ મૂકીને ફરતાં હોય એવી ઉંમરવાળા તે સજ્જન નજીક આવી કંઈક બોલવાં મથ્યા. પરંતુ એટલો બધો હાંફ ચડી ગયેલો હતો કે તે થોડીવાર તો કંઈ બોલી ન શક્યા. આમ પણ અમારી અદાલતનું એ લાલ બિલ્ડીંગ જુનું અને તેમાં પણ વળી, મારી કોર્ટ બીજા માળે, વળી પગથિયા તો એવા કે જાણે ગિરનાર ચઢતાં હો તેવો ભાસ થાય. સાક્ષીના પાંજરામાં ચઢવા મદદ કરવા અને ખુરશી મુકવા પટાવાળાને મેં સૂચના આપી. સજજને સાક્ષીના પાંજરા મુકેલ ખુરશીમાં આસન જમાવ્યું. થોડો શ્વાસ બેસતાં જ સૌથી પહેલાં તો તેમણે દાદરાનાં પગથિયાંની જ ફરિયાદ કરી. પછી સોગંદ લઈને એમણે જુબાની આપી કે, ૧૯૯૭-૯૮ના ડિસેમ્બર મહિનામાં તેઓ એક દિવસ વહેલી સવારે મોર્નિંગ વોક કરવા કારેલી બાગ ગયેલ. ત્યાંથી પોતાનું બજાજ સુપર સ્કૂટર રજીસ્ટ્રેશન નંબર જીસીબી ***, કે જે ગેટ બહાર મુકેલ, તે ત્યાંથી ચોરાઈ ગયેલું. એકાદ વર્ષ પછી તે પોલીસે શોધી કાઢેલું અને અરજી કરતાં અદાલતે શરતોને આધીન જામીન ઉપર છોડેલું. સ્કૂટર હાલ પણ પોતાની પાસે જ છે. આ ચોરી કોણે કરેલી તે પોતે નહીં જાણતાં હોવાનું જણાવેલું. આમ, તેમની જુબાની ત્યાં પૂરી થતી હતી. પરંતુ ખુરશીમાંથી ઉભા થતાં થતાં એ સજ્જને ધ્રૂજતા અવાજે પોતે કંઈક રજૂઆત કરવા માંગે છે તેમ મને જણાવ્યું. તે વખતે હું નીચું જોઈ ફાઈલ તપાસતો હતો. પરંતુ તેમના અવાજમાં રહેલી પીડા અને વેદના એટલી હતી કે તે મહેસૂસ કરવા મારે તેમનો ચહેરો જોવાની જરૂર ન પડી. વળી આ વેદનાને એકલો હું જ મહેસૂસ કરતો હતો તેવું નહોતું. કોર્ટમાં પડેલી તિજોરી, ખુરશી જેવી દરેક નિર્જીવ વસ્તુ પણ તેમના દુઃખમાં સહભાગી થયેલી જણાઈ.
તેમણે મને હાથ જોડ્યા. વયોવૃદ્ધને હાથ જોડતા જોઈ હું શરમાયો, થોડો ઝંખવાણો પડ્યો. પરંતુ હું કોઈ વિવેક દર્શાવું તે પહેલાં તો તેમણે રજૂઆત કરી કે, "જ્યારે કોર્ટમાંથી પોતાનું આ ચોરાયેલું સ્કૂટર છોડવેલ તે વખતે કોર્ટે કેટલીક શરતો મૂકેલી છે. જેમાં સ્કૂટરના સ્વરૂપ, કિંમતમાં બદલાવ થાય તેવું કોઈ કાર્ય કરવું નહીં તેમજ સ્કૂટર કોઈને વેચાણ, ગીરો કે બક્ષીસ આપવું નહીં, અદાલત મંગાવે ત્યારે સ્કૂટર રજૂ કરવું વિગેરે" હાંફતા અવાજે તેમણે જણાવ્યું કે, આ શરતો ના કારણે તેઓ પોતાનું સ્કૂટર કોઈને વેંચી શકતાં નથી. સ્કૂટર જુનું ને ખખડધજ હોય તે હવે કોઈ ખપમાં આવતું નથી. કેટલાંય વર્ષોથી તેને કોઈએ કીક મારી ચાલુ પણ કર્યું નથી. ઓસરીનો એક મોટો ભાગ આ સ્કૂટર રોકીને બેઠું છે. તેમણે આગળ જે વાત જણાવી તેનાથી તો હું આઘાત સાથે અચંબિત થઈ ગયો. તેમણે કહ્યું કે, આ સ્કૂટરની ચિંતામાં પોતે સરખી રીતે સૂઈ પણ શકતાં નથી અને ક્યાંય ગામતરે જાય તો સતત આ સ્કૂટરની ચિંતા તેમને સતાવે છે.
એવું કેમ? એવો સવાલ પૂછવાની મને જરૂર પડે તે પહેલાં જ મારી આંખોનો પ્રશ્નાર્થ તેઓ સરળતાથી વાંચી ગયાં. તેમણે કહ્યું કે, "રખેને ચોરાઈ જાય અને ભવિષ્યમાં અદાલત સ્કૂટરને રજૂ કરવાનું કહે તો હું ક્યાંથી લાવું? કોર્ટ તો એવું જ સમજે ને કે મેં કોઈને વેંચી માર્યુ હશે! હું તો રાજદંડનો અપરાધી બની જાઉંને. મારે ઢળતી ઉંમરે ધોળામાં ધૂળ પડે. એનો કલર ના બગડે કે ચોરાઈ ન જાય એ ડરથી મેં તેને ચાદરમાં લપેટીને દોરીથી બાંધીને સાચવી રાખ્યું છે. એવું લાગે તો આ સ્કૂટર તમે પેલાને (ચોરીના આરોપી તરફ હાથ કરી ને) આપી દો. કોર્ટમાં પાછું લઈ લો. હું છેલ્લા તેર ચૌદ વર્ષથી એને સાચવી સાચવીને થાકી ગયો છું. એક વખત વકીલની પણ સલાહ લીધેલી તો તેણે કહેલ કે કેસ પૂરો ન થાય ત્યાં સુધી આમાં કંઈ ના થઈ શકે. હવે મારી ઉંમર થઈ છે, મહેરબાની કરીને મને આમાંથી હવે રાહત આપો." આ પીડા સાંભળી તે પછી તેમની સાથે આંખ મિલાવવાની મારી હિંમત ચાલતી નહોતી. હું બહું જ ક્ષોભ અનુભવતો હતો. એક નાનાં અમથા નિર્ણયે આ સજ્જનને કેટલાં વર્ષો પીડા આપી છે તે હું અનુભવી શકતો હતો. ક્ષણ પૂરતું વિચારી મેં સરકારી વકીલને સૂચના આપી કે 'તેમની જુબાની પૂરી થઈ ગઈ છે, હવે સ્કૂટરની ઓળખ અંગે કોઇ તકરાર નથી, તમે એમને વેચાણ માટે પરવાનગી માંગતી અરજી કરવામાં મદદ કરો.' સરકારી વકીલે જેટલી તત્પરતાથી અરજી તૈયાર કરાવી, તેથી બમણી ત્વરાથી તે અરજી મેં તત્ક્ષણે મંજૂર કરી દીધી.
સ્કૂટર વેચવાની પરવાનગી મળ્યાનું સાંભળતાં જ વૃદ્ધ સજ્જન જાણે પોતાની ઉપર કોઈ મોટો ઉપકાર કર્યો હોય તે ભાવ સાથે મને નિરખી રહ્યાં. તેમનાં મોઢાં ઉપરનાં આનંદને કોર્ટમાં હાજર દરેક સજીવ નિર્જીવે સારી રીતે અનુભવ્યો. તેમના પગમાં આવેલ નવું જોમ અને જુસ્સો કોઈથી છાનો ન રહ્યો. જાણે પોતાનું પાંચ વર્ષનું આયુષ્ય વધી ગયું હોય તેવાં ભાવ સાથે તે સજ્જને ત્યાંથી વિદાય લીધી.
સાંજે ચેમ્બરમાં બેઠાં બેઠાં હું આ પ્રસંગને વાગોળતો હતો. વિચારતો હતો કે, 'નિર્ણય' ની બાબતમાં પણ 'સાપેક્ષવાદ' લાગુ પડે કે કેમ? કોઈ એક દ્વારા કરવામાં આવેલ 'યોગ્ય નિર્ણય' બીજા માટે તે 'અયોગ્ય નિર્ણય' કેમ ન હોઈ શકે? કોઈ સમય લેવાયેલ 'સાચા નિર્ણયને' સમય અને સંજોગો 'ખોટો' પણ કેમ ઠેરવી ન શકે? હું આ વિચારતો જ હતો કે તે સમયે એક દુઃખી દાંપત્યજીવનથી પીડીત કારકુન મારી સહી લેવા માટે આવ્યાં. રોજની ટેવ મુજબ તેમણે પોતાની પીડા મારી સમક્ષ રજૂ કરવાની તક ઝડપી લીધી. પોતાનાં એક અપરિપક્વ નિર્ણયને કોસતા તે કારકુને જગ પ્રસિદ્ધ લેખક શ્રી ગુણવંત શાહની એ પંક્તિને ટાંકી કે, 'બે ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો ને આખાં શરીરને પરણવાની ભૂલ કરી બેઠો'.
તેણે ઉચ્ચારેલી પંક્તિઓએ મને વિચારતો કરી મુક્યો કે, દરેક નિર્ણયનો કેવો અનુકૂળ- પ્રતિકુળ પ્રભાવ પડતો હોય છે! દરેક નિર્ણયનાં કેટલાં જમાં અને ઉધાર પાસાં હોય છે! કેટલી સારી અને નરસી બાજું હોય! ખરેખર 'કોઈ નિર્ણય કરવો' તે દુનિયાનું કેટલું કઠિન કાર્ય છે?!?!?
સંજય_૧૪_૦૪_૨૦૨૦
slthakker123@gmail.com