*પોસ્ટ કાર્ડ !!!*
'બહાર ખાવું અને ઘરે જાવું' એ શહેરી સૂત્ર તે દિવસોમાં અમારાં ગામડામાં સાર્થક ન હતું, વળી આવળ, બાવળ, બોરડી, ને કેર કંથેર એમ કાંટાનો નહિ પાર, એવો અમારો કાંટાળો પ્રદેશ એટલે 'ઘરે ખાવું અને બહાર જાવું' એ ઉક્તિને અનુસરવામાં કોઇ તકલીફ પણ ન પડતી. તે દિવસે, હું જળપાત્ર લઈ ગામથી દૂર આવેલી બાવળની ઝાડીમાં પ્રવેશ્યો. હજુ તો માંડ દસ ડગલાં મેં એ ઝાડીમાં માંડ્યા હશે ત્યાં તો અંદરથી કંઇ સળવળ્યું. એક ત્રીસ બત્રીસ વર્ષનો પુરુષ ઠીકઠીક કદ કાઠીનો, વધેલી દાઢી, લાંબા કાળા ભમ્મર પણ ગુંચવાયેલા વાળ, જેમાં ઝાડી ઝાંખરાના પાન પત્તા ભરાઈ ગયેલાં, તામ્રવર્ણી પણ મેલી ઘેલી ત્વચા, શરીર ઉપર લૂગડાંના નામે માત્ર એક ફાટેલું પેન્ટ. જોતાં જ કોઈ અઘોરી હોય તેવો લાગે. આવા નિર્જન સ્થળે તેની હાજરી ભયોત્પાદક વર્તાતી હતી. જેવી તેની નજર મારાં પર પડી ત્યાં તો મારી 'હિમ્મતે' મને હાથ જોડ્યાં ને મુઠ્ઠીઓ વાળી એતો માંડી ભાગવા. પગ ધ્રૂજવા લાગ્યાં. ભય સિવાયના તમામ આવેગો શાંત થઈ ગયા. પાણીનો ત્યાં જ જળાભિષેક કરી મેં પણ પુરા જોરથી 'હિંમતનો' ઘર સુધી પીછો કર્યો, ઘરના ઓટલા પાસે બા કુતરાને ખવડાવતી હતી, તેને જોતાં જ પાસે ઉભેલ 'હિંમતે' કુદીને મારામાં પુનઃ કાયાપ્રવેશ કર્યો.
થોડીવાર થઇ હશે ત્યાં તો દૂરથી મેં પેલી વ્યક્તિને અમારા ઘર તરફ આવતાં જોઈ, તે શેરીના દરેક ઘર પાસે માત્ર ક્ષણેક વાર ઉભો રહેતો હતો, આજીજી ભરી દ્રષ્ટિ નાખતો ને આગળ વધતો હતો. મારા ઘરની આગળ આવી તેની નજર કુતરાની ચાટ ઉપર પડી, ચાટ માંથી તેણે કેટલાંક રોટલાના ટુકડાં ઉઠાવ્યાં ને ત્યાં બેસીને ખાવા લાગ્યો, 'ઉંઘ ન જાણે તૂટી ખાટ, ભૂખ ન જાણે જુઠી ભાત', એમ કેટલાંય દિવસનો ભૂખ્યો હોય તેમ, તેણે રોટલાને ચાવવાની દરકાર પણ ન કરી. મારી 'બા' આ બધું જોતી હતી ને હું તેનાં ચહેરાને જોતો હતો, પણ બાના ચહેરા ઉપરનાં ભાવ તે વખતે કંઈક કળાયા નહીં.
હું સમજણો થયો તે દિવસથી જોતો આવ્યો છું કે વહેલી સવારે પાંચ વાગે 'બા' પોતાના માટે ચાની તપેલી ચુલે ચડાવે તે જ વખતે કૂતરાની લાપસીના આંધણ પણ મુકે. પંચોતેર વર્ષની વયે પણ તેનો આ ક્રમ હજુ સુધી ભાગ્યે જ ટુટ્યો હશે. દૂબળું ઘર પણ તોય એક બે માણસનું વધારાનું તે રાંધતી. તે દિવસ પછીથી કાયમ એક જૂની થાળી અલગ પિરસાવા માંડી અને તે રખડતો જીવ ત્યાંથી તૃપ્ત થઈ જવા લાગ્યો.
ગામ આખાના કુતરાં મારાં ભાઇબંધ, દરેક ઝાડ સાથે આપણી દોસ્તી, વાડ સાથે વાતો કરૂં, એમાં વળી આ વ્યક્તિ અછૂતો કેમ રહે!! એ આવે ને ખાવાં બેસે ને કુતરાઓ ભસવા લાગે તે વખતે કૂતરાઓને દૂર રાખવા, એ મારી ડ્યુટી. કોણ જાણે કેમ પણ કોઈ સાથે વાત ન કરતો તે, ધીરે-ધીરે મારી સાથે થોડુંક થોડુંક બોલવાં લાગ્યો. તે પણ અંગ્રેજીમાં, હું અને મારા મિત્રો તેની સાથે 'ગુગ્રેજી'માં વાત કરતાં. અમને ધીરે ધીરે તેનામાં રસ પડતો ગયો. કેટલાંય દિવસોની મહેનત પછી અમે માત્ર તેનું સરનામું જાણી શક્યાં.
હવે અમે તેને તેનાં સાચાં નામ 'સુરેશ'થી બોલાવતા થયાં હતાં. એક દિવસ મારાં મોટાભાઈએ તેણે જણાવેલ સરનામે પોસ્ટકાર્ડ લખ્યું. તે લખાયાં પછી પાંચ-સાત દિવસ પણ વિતી ગયાં હશે, અમે લગભગ એ પોસ્ટ કાર્ડ લખાયાની વાતને ભૂલી જ ગયેલાં કે, અચાનક એક દિવસ એક વ્યક્તિ મારા મોટાભાઈનું નામ પૂછતી પૂછતી અમારાં ઘરે આવી પહોંચી. પીળા પોસ્ટકાર્ડે તેની ફરજ પ્રમાણિકપણે બજાવી હતી. આવનાર વ્યક્તિ તે સુરેશનો મોટો ભાઈ છે તે સમજાતાં વાર ન લાગી. પચ્ચીસ પૈસાના એ પોસ્ટ કાર્ડે કમાલ કરી હતી, તેને 'હનુમાન કાર્યથી' ઓછું આંકી શકાય તેમ નહોતું, સેંકડો કિલોમીટર દૂર બેઠેલાં સુરેશના સ્વજનોને સચોટ સંદેશો પહોંચાડ્યો હતો.
આવનાર આગંતુકે વ્યગ્ર સ્વેરે જણાવ્યું કે પોતે મુંબઈ મુકામે રહે છે, સુરેશ ત્યાં ફર્નિચરની દુકાન ધરાવતો હતો અને તે પોતે પણ સારો કારીગર છે, સારું ભણેલો-ગણેલો છે, પરંતુ ભાગીદારે તેની સાથે ધંધામાં કંઈ દગો કર્યો, ત્યારથી તેને ચિત્તભ્રમ થઈ ગયું ને કેટલાંક વર્ષ અગાઉ તે ઘરેથી નીકળી ગયેલો. અત્યાર સુધી પરિવારે તેને શોધવાં લોહી પાણી એક કરી દીધાં છે.
સુરેશનો ભાઈ તે સુરેશને લેવાં આવ્યો છે, તેવી વાતને નાના ગામમાં વાયુવેગે ફેલાતાં વાર ન લાગી, ઘડીવારમાં તો જાણે મેળો ભરાયો હોય તેમ ગામ આખું મારાં ઘર પાસે એકઠું થઈ ગયું.
થોડીવારમાં સુરેશને પણ ત્યાં લઈ આવ્યાં. તેની દશા જોતા જ તેના ભાઈની ભાવનાનો બંધ તુટ્યો, તે પોતાની જાતને સંભાળી ન શક્યો. તો વળી ભાઈનું મિલન થયું તેનો હર્ષ પણ રુદન રૂપે તેમાં ભળ્યો, પવન થંભી ગયો, વાતાવરણમાં ભાર વર્તાવા લાગ્યો, એના કરુણ આક્રંદે ત્યાં ઊભેલા સૌના હૃદયને હચમચાવી નાંખ્યા. કોલાહલ કરતું ટોળું સાવ શાંત થઈ ગયું. ભરત મિલાપ જેવું કરુણ દ્રશ્ય ત્યાં ઊભું થયું. ટોળામાં ઉભેલી નાની બાળાઓની ભીની આંખોએ માહોલને વધારે ગમગીન બનાવ્યો.
થોડી વાર આમ ચાલ્યાં પછી ડૂસકાંઓ સમવા લાગ્યા. ત્યારબાદ અમારાં ઘરનાં ઓટલા ઉપર જ ત્રણ-ચાર ડોલ પાણીથી સુરેશને ઘસી ઘસીને તેના ભાઈએ નવડાવ્યો, ગામમાંથી બોલાવી લાવેલ વાળંદે તેનાં વાળ દાઢી કરી આપ્યા, ને વળી મારા ભાઈના જુનાં કપડાં જેવાં ધારણ કર્યા ને સુરેશ તો જાણે રાજાનો કુંવર હોય એવો લાગવા માંડ્યો. સુરેશે તે દિવસે છેલ્લી વખત અમારે ત્યાં પેટપૂજા કરી, તેનાં મોટા ભાઈએ મારી બાના ચરણસ્પર્શ કરી વિદાય લીધી. એક મોટું ટોળું મારી આગેવાનીમાં બસ સ્ટેશન સુધી તેને વળાવવા ગયું.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના 'નિષ્કામ કર્મ યોગ'ને સમજવા માટે વર્ષો ઓછાં પડે, પરંતુ આમ જોઈએ તો, આ નિષ્કામ કર્મ યોગનું જ તો ઉત્તમ ઉદાહરણ હતું !! જેમને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યું તેમને મારા મોટા ભાઈ ક્યાં ઓળખતાં પણ હતાં? જેનાં માટે પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યું તેની સાથે ક્યાં કોઈ સંબંધ નાતો હતો? પોસ્ટકાર્ડ લખવામાં પાછળ ક્યાં કોઈ સ્વાર્થ સમાયેલો હતો? હા, તે લખાયું હતું તો, માત્ર નિષ્કામ ભાવે, કોઈપણ પ્રકારની સ્પૃહા વિના તેનો શબ્દે શબ્દ નિઃસ્વાર્થ ભાવે નિરુપાયેલ, માટે જ તો તેનું પરિણામ પણ કેટલું ઉત્તમ હતું !!!
એ વાત કેટલી સનાતન અને સત્ય છે કે, જ્યારે કોઈ સત્કાર્ય નિસ્વાર્થ ભાવે આરંભવામાં આવે ત્યારે તેને સફળ બનાવવા સકળ સૃષ્ટિની સહાય પ્રાપ્ત થાય ને, પુરી કાયનાત તે કાર્યની સિદ્ધિ કાજે કામે લાગી જાય !!!
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर ।
असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः।।
સંજય_૨૧_૦૪_૨૦૨૦
slthakker123@gmail.com