સમણાની રાખ Sanjay Thakker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમણાની રાખ


લગ્નજીવનની પચ્ચીસમી વર્ષગાંઠે, ઉગતી ઉષાના સાનિધ્યમાં, ઘરનાં ફળિયામાં ઝૂલા પર બેઠેલ સમીરે ઝૂલાને હળવી ઠેસ મારી ત્યાં તો તે ઠેસ જાણે સીધી દિલમાં વાગી તેમ કંઈક ઝણઝણ્યુ. અધુરામાં પુરુ તે જ વખતે એક ચકલી મોઢામાં તરણું લઈ આવી.. તેણે સમીરની દુ:ખતી રગ દબાવી. સિગરેટના કસ ઉપર કસ ખેંચતો સમીર, સિગરેટની ધુમ્રસેર પર સવાર થઈ અતીતના ઊંડાણમાં ગરકાવ થઈ ગયો ને વિચાર શ્રૃંખલા અવિરત વહેતી થઈ..

લગ્ન પહેલાનું એનું જીવન કેટલું ચંચળ..!! અદ્દલ અલ્લડ વાદળાં સરીખું.. મન ફાવે ત્યાં મ્હાલવાનું.. ને મોજ આવે તો મન મુકીને વરસવાનું.. મનગમતાં આકાર ધરવા.. ને ના કરવી કોઈની પરવા.. જીવન પચ્ચીસીનો એ પહેલો પડાવ તે એમાં ઉંમરની અસર.. વિશુદ્ધ, વિમલ અને પ્રગાઢ પ્રેમની ઝંખના.. એની મનોકામના પરિપૂર્ણ થઈ, સ્વપ્ન સુંદરી સમી શ્રધ્ધાએ એની જીવનનૌકાનું સુકાન સંભાળ્યું.

બંનેએ કેવાં કેવાં સ્વપ્નો સેવેલાં કે, "આ ચકલા ચકલીની જેમ એક તણખલું તું લાવજે ને એક તણખલું હું લાવીશ.. આપણે સાથે મળીને મસ્ત મજાનો માળો ગુંથીશુ.. માળાને એક એક તાંતણે એવી રીતે ગુંથીશુ કે જ્યાં એક બીજાની ભાવનાની કદર થતી હોય.. એકબીજાના પ્રેમનું સન્માન થતું હોય.. જ્યાં લીલીછમ લાગણીઓ લહેરાતી હોય.. ભીની ભાવનાઓથી ભવન ભર્યુંભાદર્યું હોય.. જ્યાં ઉર્મિ અને આત્મીયતાનો અફાટ સાગર ઊછાળા મારતો હોય.. જ્યાં ઉમંગની છોળ હોય.. ને જિંદગી એકબીજા પર ઓળઘોળ હોય.. જ્યાં પરસ્પર માટે ત્યાગ હોય.. ને કંઈ કરી છૂટવાની દિલમાં આગ હોય.. ભલે હોય શરીરે બે જુદા પરંતુ આચાર-વિચાર ને શ્વાસ-વિશ્વાસે એક હોય.. એક લાવશે સ્નેહ રૂપી ચોખાનો દાણો અને બીજું લાવશે પ્રેમરૂપી મગનો દાણો.. ગૃહસ્થ જીવન કેવું સ્વાદિષ્ટ હશે..!! "
એને તો એકબીજાનાં હાથમાં હાથ પરોવી દુર ક્ષિતિજ સુધી ડગ માંડવા હતાં.. પ્રિયજનનો હાથમાં હાથ હોય ને હુંફાળો સંગાથ હોય, પછી મંઝિલ કરતાં મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ જ કેવો મનમોહક બની જાય..!!

પારિજાતના પુષ્પોની કોમળ પાંખડીઓ ઉપર પ્રભાતનાં પ્હોરે મોતી સ્વરૂપ વિખરાયેલાં તુષારના બિન્દુઓને અરમાનોની દોરમાં ગુંથી એને તો કલ્પનાની ફૂલગુલાબી દુનિયા વસાવવી હતી.

પરંતુ બન્યું શું ? સમીર સ્વગત બબડ્યો.. અહિં તો એકમેક માટે પાંજરા બનાવ્યા છે.. એ મને પાંજરામાં પુરવા ફરે છે અને હું એને.. કોઈ પત્ની તરીકેનો અધિકાર ભાવ ધરાવે છે ને કોઈ પતિ તરીકેનો.. આ અધિકાર ભાવરૂપી સુવર્ણ પાંજરાની વ્યવસ્થાએ પેલાં મનોરમ્ય માળો ગૂંથવાની પરિકલ્પના ઉપર પૂર્ણ વિરામ જ લગાવી દીધું છે.
શું શેષ રહ્યું છે આ જીવનમાં ? બસ યંત્રવત વ્યવહાર.. ભાવશૂન્ય સંવાદ.. ઔપચારિક અભિગમ.. બિમાર સંવેદનાઓ.. કૃત્રિમ સ્મિત.. એકબીજાને જવાબદારીની 'ખો' આપવાના ખેલ.. તો એકબીજાને નમાવવા લાગણીઓની લડાઈ.. ઘરનાં પ્રવેશદ્વારે જાણે અજંપો, અશાંતિ, ઉચાટના તોરણ ઝૂલે છે.. માત્ર બચ્યા છે તો ખોખલા સંબંધોના તાણાવાણા.. ને અણગમતાં ગીત અને ગાણાં.. બંને ના વિચારો ને જાણે પુર્વ જન્મનું વેર.. બધુ મળીને આ ઘર હવે આમ્રકુંજના આલ્હાદક માળાના બદલે શ્વાસ રૂંધાય એવી બખોલ બની ગયું છે..

જીવન પુરબહાર ખીલે તે અભિલાષાએ તેણે ફુલ, મહેક અને કલરવના કેટલાંય છોડને સ્વપ્નોના કુંડામાં વાવેલાં, પણ તે કુંડાને ન મળી જોઈએ તેવી સંબંધોની ઉષ્મા, વ્હાલ કે ભાવભીની ભીનાશ.. અંતે તેની સ્વપ્નસૃષ્ટિ કરમાઈ ગઈ.. તેમાં પુષ્પોના બદલે ઉગ્યા તો માત્ર ઝાડી ને ઝાંખરા ને ટહુકાની જગ્યાએ તમરાંનો કર્કશ અવાજ.. શરૂ શરૂમાં સુંદર અને પુલકીત લાગતું જીવન સુકાઈ ગયેલ સરિતા સમુ શુષ્ક બની ગયું છે. બહારથી જાજવલ્યમાન લાગતું તેનું જીવન ભીતરથી કેવું જીર્ણ થઈ ગયું છે, જાણે સમયનાં વહેણની સાથે રહી સહી તમામ જાહોજલાલી તણાઇ ગઇ છે.
જીવન નિષ્પ્રાણ બની ગયું છે કે જાણે ટહુકા વગરની કોકીલ, ગર્જન વગરનો સમંદર, પીંછા વગરનો મયુર, ત્રાડ વગરનો સાર્દુલ..
એને તો જોઈતી'તી વાસંતી વાયરાની લીલીછમ લ્હેરખીઓ.. પરંતુ તેના બદલે તેને મળી છે ગ્રીષ્મની દઝાડતીથી લુ'ની આંધીઓ..

એવું નથી કે બંને મળતાં નથી.. એવું પણ નથી કે બંનેના મન મળતાં નથી.. મળે છે પરંતુ એવી રીતે કે જાણે સુકાઈ ગયેલી નદીનાં બે કિનારા એકબીજાને મળતાં હોય.. કિનારાને મળવાં તરસતાં સાગરનાં મોજાને હોય એવી મિલનની કોઈ આતુરતા જ ક્યાં શેષ છે ?!? વૃક્ષને વીંટળાતી વેલ સમુ વ્હાલ પણ હવે નામશેષ છે. એકબીજા માટે હવે ક્યાં દિલમાં આવેગ છે ? ક્યાં સ્પંદન છે ?
હાથમાં રહેલી સિગરેટની ગરમ ભસ્મ પગ ઉપર પડતાં જ તંદ્રામાંથી જાગેલા સમીરને લાગ્યું કે જાણે આજે પોતાના સમણાની રાખનાં ઢગલાં ઉપર બેઠો છે.

ત્યાં જ અચાનક એણે કોઈનો પગરવ સાંભળ્યો, એ અવાચક રહી ગયો.. ઓ.. હો.. આ.. શું... એણે પશ્ચિમ તરફ જોયું.. ખરાઇ કરી કે સૂર્ય એ તરફ તો નથી ઉગ્યો ને!! ટ્રે' માં ચાના બે કપ લઇ આવતી શ્રદ્ધા કેવી જાજરમાન લાગે છે! આજે પણ એનો ઠસ્સો એવો ને એવો જ મનોહર છે! એમાં વળી તેણે પહેરેલી કેસરી અને પીળી ભાતની સાડી તો કેવી લાગે છે કે જાણે ગ્રિષ્મમાં ગુલમહોર અને ગરમાળો એક જ ડાળીએ ખીલ્યા ન હોય !!
શ્રદ્ધાએ લગ્નજીવનની રજત જયંતિની શુભેચ્છા પાઠવી ચાનો એક કપ સમીરના હાથમાં મૂક્યો. શ્રદ્ધાના વર્તનમાં અને વ્યવહારમાં આજે તેને કંઈક સુધારો જણાયો. હળવી ચુસ્કી લેતા સમીરનું મનોમંથન તેજ થયું.. ફિનિક્સ પક્ષીની જેમ તેની મૃત ઇચ્છાઓ ફરીથી આળસ મરડીને રાખમાંથી બેઠી થતી જણાઈ.. બીત ગઈ સો બાત ગઈ.. એ ભૂતકાળને ખંખેરીને વર્તમાનમાં જીવવાની ઈચ્છા કરાવવા લાગ્યો.. જે થયું છે તેને ભૂલી જઈ જો શ્રદ્ધા એનો અહંકાર ત્યજે તો એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી બાકી રહેલી જિંદગી ને ખુશહાલ બનાવવાનું વિચારવા લાગ્યો.. પણ તેની મહેચ્છાનો આંબો મ્હોરાય તે પહેલાં તો શ્રદ્ધાના હોઠ ફફડ્યા.. "જો સમીર આજે કામવાળી આવવાની નથી માટે હું જમવાનું બનાવવાની નથી તું બાને મોટાભાઇના ઘરે જઈને મૂકી આવજે.."
શ્રદ્ધાના રૂપ રંગથી તે દિવસે પણ છેતરાયેલો ને આજે પણ..!! એણે બાકી રહેલી સિગરેટને નીચે નાંખી પગની પાનીથી મસળી.. ના..ના.. એણે માત્ર સિગારેટને જ મસળી ન્હોતી વાસ્તવમાં તો તેણે પોતાની જીજીવિષાને મસળી હતી..

કંઈ જ બોલ્યા વગર પહાડ જેવડી પીડા લઇ ત્યાંથી ચાલતો થયો ને પોતાના નિર્ણય ને કોસતો હતો કે સ્વભાવ જોઈને પરણવાના બદલે માત્ર સ્વરૂપ જોઈને પરણી ગયો..!!!

દિલ કો દેખો.. ચહેરા ના દેખો.. ચહેરોને લાખો કો લુંટા.. દિલ સચ્ચા ઓર ચહેરા જુઠા.. એ ફિલ્મી ધુનને ગુન ગનાવતો એ દુર નિકળી ગયો..

સંજય_૨૨_૦૫_૨૦૨૦
slthakker123@gmail.com