તરબૂચ Sanjay Thakker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરબૂચ

*તરબૂચ!*


થેલી નબળી નીકળી કે પછી તરબૂચે પોતાનો ભાર વધાર્યો તે કંઈ ખબર ન પડી પણ થેલી ફાટી ને, પોતાની જન્મદાત્રીનો ખોળો ખુંદતું હોય તેમ તરબૂચ માટીમાં આળોટવા લાગ્યું ને રળતુ રળતુ એક દુબળા, શ્યામલ પગ પાસે જઈ અટક્યું. દોડીને ઉઠાવવા ગયો પણ તરબૂચને હાથ લગાવું તે પહેલાં મારી નજર એ માસૂમ ચહેરાઓ ઉપર પડી.

હું આભો બનીને તેનાં માસુમ ચહેરાને નિહાળી રહ્યો. એની આંખમાં આંખ પરોવીને જોયું તો એણે પાંપણની પાછળ બંધ બાંધી રાખેલ હતો. આંસુથી છલોછલ ભરેલો એ બંધ ક્યારે છલકાશે તે નક્કી નહીં, વળી જો ક્યાંક તેની પાળ તૂટી તો, એના આંસુનાં જળપ્રપાતમાં આખું જગત ડૂબી જશે. ધરતી ઉપરનાં આવાં જીવો ને જોઈને મન મસ્તકમાંથી વાક્ય સરી પડ્યું કે, ઈશ્વરે સર્જેલું આ બ્રહ્માંડ, જીવને માત્ર જીવાડતુ જ નથી પણ તેને જીવન જીવવાનાં અવલંબન આપે છે સાથે સાથે જીવન જીવવાની હિંમત પણ આપે છે.

કમરમાં તેડેલ કુપોષિત બાળક કે જે તેનો નાનો ભાઈ ગણો તો ભાઈ અને તેની ઉંમર જોતાં તેને રમવા માટેનું ટેડીબેર ગણો તો ટેડી બેર. અત્યારે તે તેની મોટી બહેન જ નહોતી, પણ તેની મા ગણો કે બાપ તે આ માત્ર બાર વર્ષની નાની બાળા જ હતી. ત્રણ વર્ષનાં આ નાના ભાઈને ઉછેરવાની, તેનું ભરણપોષણ કરવાની જવાબદારી એનાં ઉપર આવી પડેલી હતી. માતાએ તો આ નાનકાનું મોઢું પણ બરાબર ક્યાં જોયેલું? સુવાવડમાં જ સિધાવી ગયેલી. વળી વરસ'દી પહેલાં એક રાતે નાનકો બહુ ભૂખ્યો થયેલો તેના હારુ બિસ્કિટનું એક પડીકું લેવાં એનો બાપો બજાર બાજુ ગયેલો. અડધી રાતે રખડતો ચોર સમજીને પોલીસ એને પકડી ગયેલી, પછી તો ગામ આખાના વણઉકેલ્યા ચોરીના બધા આરોપ એના બાપના માથે ઓઢાળેલ, તે ઘડીથી તેનો બાપ જેલમાં છે અને તે દિવસથી આ ભગલી તે નાનકાની બહેન ગણો તો બહેન અને માતા ગણો તો માતા, એણે જ આ નાનકાને ઉછેરીને ત્રણ વર્ષનો કર્યો છે. નાનકો જ એનાં જીવનનું અવલંબન. એની આંખોને વાંચતાં વાર ન લાગી, ક્ષણભરના એ મૌન સંવાદમાં સઘડી પરિસ્થિતિ સમજાઈ ગઈ.

રોજ રાત પડે ને સૂતી વખતે આ કુમળી બાળા કુદરતને કરગરે છે કે, હે કિરતાર! હવે સવાર પાડતો જ નહીં, પેટનો ખાડો ભરવામાં રઝળી રઝળીને થાકી જવાય છે. હે પરભુ! તારા ત્રાજવે તોળીને જોજે, એક ત્રાજવામાં પેટનો ખાડો ભરાય એટલું એઠું જૂઠું અન્ન માંડ પડ્યું હશે, તો બીજા ત્રાજવામાં એનાંથી દહ ગણો તોલ થાય તેટલો ધુત્કારને તિરસ્કાર મફતમાં મળે છે.

કમરમાંથી ફાટેલા ફ્રોકને એ નાનકાના પગને આડો દઈ ઢાંકતી ને જેમ તેમ કરીને દુનિયાની નજરથી પોતાનું દારિદ્ર છુપાવતી એ નાની બાળા, ત્રણ વર્ષના નાના ભાઈને મૂકીને મજૂરીએ જવા ઈચ્છે તો પણ ક્યાં જઈ શકતી હતી? એમાં વળી હમણાં આ રોગની કુદરતી આપદાએ પડ્યાં ઉપર જાણે પાટુ માર્યું હોય તેમ એનાં દાંત અને અન્ન વચ્ચે વેર ઉભું કર્યું હતું.

ભૂખથી કથળેલું શરીર અને ઊંડી ગયેલી એ આંખો જોઈ મારૂં મન વિચારોમાં સરી પડ્યું કે, જેનાં પેટમાં ભળભળતો જઠરાગ્નિ સળગતો હોય એને તે વળી ઠંડી શું થરથરાવી શકે? જે ખરા તડકામાં મુઠી અન્ન માટે રઝડતી પરસેવે ન્હાતી હોય એને તાપ શું તપાવી શકે? ભૂખના દુઃખમાં જેની આંખમાંથી કાયમ શ્રાવણ ભાદરવો વહેતો હોય તેને ચોમાસું શું ભીંજવી શકે?

તરબૂચ લેવા લંબાયેલા હાથ ક્ષોભ પામી સંકોચાયા, મને પૂછ્યાં વિના જ હૈયાએ પગને આગળ ચાલવા અનુમતિ આપી દીધી. નાનકાને કેડ માંથી ઉતારી એણે તરબૂચ હાથમાં લીધું, મારી તરફ જોયું ન જોયું કરી ને તેણે આકાશ તરફ દ્રષ્ટિ કરી ઉપરવાળાનો આભાર માનતી હોય તેમ મંદ મંદ મલકાઈ.

મેં અનુભવ્યું કે ક્ષુધાની સુગંધને સૂંઘવાની શક્તિ મારાં કરતાં પેલા તરબૂચમાં વધું હતી એટલે જ તો તેણે કોઈની જીભનો સ્વાદ બનવાનાં બદલે ભૂખથી કકડતા બે કુમળાં ફૂલનાં પેટમાં જલતા જઠરાગ્નિનાં યજ્ઞમાં હોમાવાનું પસંદ કર્યું.

સંજય_૧૦_૦૪_૨૦૨૦
slthakker123@gmail.com