પ્રણય શત્રુ Sanjay Thakker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય શત્રુ



બેરેકના ખૂણામાં પડેલ પેલી કાનો તૂટેલી વિકલાંગ માટલી ને તળીયે કાણું પડેલ દિવ્યાંગ લોટો. બંને જાણે કે ભવ ભવનાં ભેરુ હોય એમ એકમેકમાં ઓતપ્રોત થઈ પ્રણય ગોષ્ઠિ કરે છે. એમને ક્યાં ખબર કે તેમને જોઈ જોઈને કોઈ ઇર્ષાની આગમાં સળગી રહ્યું છે ને વિરહની વેદના ભોગવી રહ્યું છે.

સાત જ દિવસમાં વ્યોમની જિંદગી જ એકાએક બદલાઈ ગઈ. કેવી હસતી ખેલતી દુનિયા હતી ! પોતે કેવો સ્વપ્ન સૃષ્ટિમાં જીવતો હતો ! અચાનક જ આ કાળકોટડીમાં આવી ભરાયો !! કાયમ વિહંગાવલોકન કરતાં એ ભોળા પક્ષીનું જીવન, માત્ર ખાખી કપડાંની આવન જાવનને દ્રષ્ટિગોચર કરવા પૂરતું જ સીમિત બની ગયું.

એનાં કાનમાં પોલીસ જમાદારના એ શબ્દો સતત પડઘાતા હતાં કે "અવનીએ તારી વિરુદ્ધ નિવેદન આપ્યું છે ને 'પોક્સોનો ગુન્હો' દાખલ થઇ ગયો છે."

એ માની જ નહોતો શકતો કે અવની તેની વિરૂદ્ધ ક્યારેય કોઈ નિવેદન આપે, અને માને પણ કેમ? 'અવની' જ તો તેને ભગાડીને લઈ ગઈ હતી, તેની પાસે તો બસ ભાડાનાં પૈસા કે ઘરેથી ભાગવાની હિંમત પણ ક્યાં હતી?

ના..ના.. મારી અવની એવું ન કરી શકે, તેનો પ્રેમ તો આકાશ જેટલો અસિમ, સાગર સરીખો ગહેરો, પૃથ્વી સમો નકકર, અગ્નિ જેવો પવિત્ર ને વાયુ તુલ્ય સાર્વત્રિક છે. એ ક્યારેય એવું ન કરે. વળી, આ માત્ર કંઈ સહશયનનો સોદો થોડો હતો ? આ તો હતાં સહજીવન અને સહઅસ્તિત્વના કોલ, ને હતી પરિશુદ્ધ પ્રણયની પરિકલ્પનાને પ્રતિકૃત કરવાની પિપાસા, ને વળી હતી એકબીજાને માટે અર્પણ થઈ જવાની અભિલાષા.

તે દિવસે વિરહીજનના નિસાસા અને ડૂસકાંથી જેલ તુરંગનું વાતાવરણ ગમગીન થઈ ગયું. રોજ બાહુબલીઓને પોતાની આગોશમાં લઈ રાજી થતાં એ ફોલાદી દરવાજાઓ પણ આજ વ્યોમના રુદનનો પડઘો ઝીલતાં હતાં.

રોઈ રોઈને સૂજેલી આંખો, પિતા અને મોટાભાઈના હાથનો માર ખાઈ લાલ થયેલાં ગાલ અને ખાધા-પીધા વગરનો નિસ્તેજ ચહેરો લઈ, પોતાની જાતને કોસતી, ને દેહત્યાગના કીમિયા વિચારતી, એક ખૂણામાં બેઠેલી અવનીને વ્યોમ વગરની એક એક ક્ષણ દુષ્કર લાગતી હતી.
વિચારતી હતી કે વ્યોમનો ક્યાં કોઈ દોષ હતો ? મેં જ તો તેને આત્મહત્યા કરવાની ધમકી આપીને મારી સાથે ભાગવા મજબૂર કરેલ. તેણે મને કેટલી સમજાવેલી કે "અવની હજું તને અઢાર વર્ષમાં સાત દિવસ ખુટે છે."
તો ગુસ્સામાં સ્વગત બબડતી હતી કે પોતે કેટલું ગળું ફાડી ફાડીને કહેતી હતી કે "વ્યોમનો કોઈ કસૂર નથી હું જ તેને ભગાડી લઈ ગયેલી"; પણ પિતાજી, પરિવારજનો, આબરૂના ઠેકેદારો અને પેલાં પોલીસ અધિકારી તો તેની વાત સુદ્ધા સાંભળવા પણ ક્યાં રાજી હતાં ? સૌએ સમજાવી, ફોસલાવી અને ઇમોશનલી બ્લેકમેઇલ કરી, લખાણોમાં સહીઓ કરાવી લીધી, ને વ્યોમને ફસાવી દીધો.

એક રૂમમાંથી ઊઠીને બીજી રૂમમાં જતાં સાહેબને તેમની પત્નીએ ટોક્યા કે કેમ આજ તમારાં જીવને ક્યાંય ચેન પડતું નથી ? કોર્ટેથી આવ્યાં ત્યારથી તમો વિહવળ લાગો છો !

તેની વાત પણ સાચી હતી કે આજ મારું મન બેચેની અનુભવી રહ્યું હતું. મારી નજર સામેથી એ માત્ર અઢાર વર્ષનાં કિશોરનો નાદાન ચહેરો હટતો ન હતો. એનું જેલ વોરંટ ભરતી વખતે મારાં હાથ કેટલાં કંપેલા ?

પત્નીનાં સવાલનો જવાબ આપ્યાં વિના જ હું સીધો જ મારાં રૂમમાં ભરાઈ બેઠો. મન મસ્તિષ્કમાં ઉદ્દભવતા સવાલો ત્યાં પણ મારો પીછો છોડે તેમ ક્યાં હતાં !! શું દોષ હતો એ કિશોરનો ? શું નિસ્પૃહ પ્રેમ કરવો એ ગુનો છે ? તો પ્રેમ તો મેં પણ ક્યાં ન્હોતો કર્યો ? અવનીએ અઢાર વર્ષ પુરાં નહોતાં કર્યા, શું એ જ એક કારણ હતું ? તો લગ્ન તો મારી માતા અને દાદીના પણ સોળ-સત્તર વર્ષની વયે જ ક્યાં ન્હોતા થયાં ? અવનીથી વ્યોમ ઉંમરમાં પંદર દિ' મોટો, શું એ જ એનો દોષ ? કેવી સારસ-સારસી જેવી નાદાન બેલડી ! એક માંડ અઢારનો અને બીજી અઢારમાં ફક્ત સાત દિ' નાની ! પણ અહીં તો પ્રીતને સમયમર્યાદાનો બાધ લાગુ પડી ગયો !?!?!

શું મેં ન્યાય કર્યો કે કાયદા આધારિત ફક્ત નિર્ણય ? કાયદાની દોરીએ મારાં હાથ કેવાં બાંધેલા ? પ્રેમ અને વાસના વચ્ચેનો ભેદ પારખી ન્યાય કરવાની મારી શક્તિ કોણે છીનવી ? ક્યાં છે મારો સ્વવિવેક ? ક્યાં છે મારી સંવેદનશીલતા ?
એ અણગમતાં જવાબોથી ભાગવા જ તો હું એક રૂમથી બીજી રૂમ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો.

'પ્રણયશત્રુ'ના દાગથી વિચલિત થયેલાં મનને દિલાસો આપવા સિવાય મારી પાસે બીજો વિકલ્પ પણ ક્યાં હતો કે, રોજ બરોજ પીન્ખાતી કુમળી કન્યાઓનાં શિયળની 'રક્ષાના શુભ આશયથી' ઘડાયેલા કાયદાનું જ તો મેં પાલન કર્યું હતું !!?!!

સંજય_૦૬_૦૫_૨૦૨૦
slthakker123@gmail.com