રમુકાકા Sanjay Thakker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રમુકાકા


અનાયાસે પ્રાપ્ત થયેલાં આ એકાંતમાં હું ક્યારે શૈશવના સ્મરણોમાં સરી પડ્યો ખબર જ ન પડી!

નાનું એવું ધૂળિયું ગામ, ગામની ભાગોળે જીર્ણ અવસ્થામાં એક ઝુંપડી, જ્યાં રહેતાં વૃદ્ધ યુગલ પૈકીનું એક પાત્ર એટલે રમુકાકા. સાત દાયકા વટાવી ગયેલો તે દુર્બળ, શ્યામલ દેહ જે કાયમ પોતાની ઝુંપડી બહાર પડી રહેતાં તેમનાં જ જેવાં જીર્ણ ખાટલામાં જોવાં મળે.

એવું કહી શકાય કે તેઓ તે ગામનો જીવતો જાગતો સીસીટીવી કેમેરો. ગામની દરેક ચહલ-પહલની નોંધ લે, જ્યાં કોઈ નીકળે કે કાકાની વૃદ્ધ આંખો એ તરફ મંડાય અને જમણો હાથ તુરંત આંખો ઉપર છાજલી સ્વરૂપે ઢંકાય, પ્રેમી પંખીડા તો એ રસ્તેથી આગળ પાછળ પણ ચાલવાનો વિચાર સુદ્ધા ના કરે, પરંતુ મહાભારતકાળના સહદેવ જેવું કાકાનું શાણપણ, કે પૂછ્યાં વગર કોઈને કંઈ કહેવું નહીં.

બીડી પીવાની અનેરી આદત, આકાશ તરફ ઉદગમન કરતી બીડીનાં ધુમાડાની સેરને કાકા સ્થિતપ્રજ્ઞ ભાવે નિહાળી રહેતાં. દમના દર્દી એવાં આ ડોસાને બીડી ન પીવાની કોઈ વણમાંગી સલાહ આપે તો, બીડી અંગેનું તત્વજ્ઞાન અને તર્ક તેમના મુખમાંથી સરી પડતાં, કહેતા કે "અમે બીડી પીએ છીએ એના ધૂમાડાથી તો આ વાદળો બંધાય છે અને વરસાદ પડે છે, બીડી તો સ્વર્ગની સીડી કહેવાય"!!

ગામની નિર્જન ભાગોળને સતત જીવંત અને ભરી ભરી રાખવામાં તેમની ખાંસીના ફાળાને નજર અંદાજ ન કરી શકાય. દર થોડી ક્ષણો બાદ, બ્રહ્માંડમાં ઉપગ્રહ છૂટો મૂકતાં હોય એવાં ભાવ સાથે કાકા હવામાં ગળફો તરતો મૂકે. તો વળી, ક્યારેક ઓલમ્પિકના ગોળા ફેંકના ખેલાડીની માફક દર બીજો ગળફો પહેલાં ગળફાથી આગળ જાય તેવી સતત મથામણ કરતા રહેતાં.

દિવસ દરમિયાન ઘેટાં બકરાના વાળને વણીને દોરડું બનાવતા રહેતાં, દોરડું વણવા માટે તેઓ લાકડામાંથી બનાવેલ 'દકતો' વાપરતા, દકતો એટલે લાકડાંના બે નાનાં ટુકડાંને જોડી તેની વચ્ચે ખીલો મારી ભમરડા જેવું બનાવેલ સાધન, તે હાથવગા સાધનનો ઉપયોગ કરે, તેને ગોળ ગોળ ફેરવે, ને દોરડું વણે. આ વખતે જોવાં જેવી વાત તો એ હોય કે, ચકડોળમાં બેસવાની જીદ કરતાં માખીઓના નાનાં બચ્ચાઓને લઈને, ગામ આખાની માંખીઓ ત્યાં ભેગી થઈ હોય. રમુ કાકા દોરડું વણવા માટે જેવો પોતાનો 'દક્તો' ગોળ ગોળ ફેરવે કે તે સાથે જ બધી જ માખીઓ પોત પોતાનાં બચ્ચાઓને લઇ 'દકતા' ઉપર બેસી જાય ને બચ્ચાઓને ચકડોળનો આનંદ મફતમાં અપાવે.

રાત પડે ને કાકા તુંબળા માંથી બનાવેલ 'જંતર' વગાડે. જેમ જેમ જંતર વાગતું થતું જાય તેમ તેમ આકાશનાં તારાઓ લાઈનમાં ગોઠવાતાં જાય, નક્ષત્ર ટોળે વળી સાંભળવાં બેસી જાય ને વાતાવરણ તો એવું જામે કે જાણે રાત્રિ તે કાકાનાં ખાટલાનો પાયો પકડીને બેઠી હોય ને વીતવાનું નામ ન લેતી હોય, પરંતુ તેવા જ સમયે કાકાને વળી ભજન ગાવાનો ઉભરો આવે. કાકા ભજનનો રાગડો એવો લાંબો તાણે કે આજુબાજુ ફરતાં કુતરાઓ પણ ત્યાં એકઠા થઇ જાય અને કાકાનાં સૂરમાં સૂર પુરાવા લાગે. કયો સૂર કોનો છે તે ઓળખવો મુશ્કેલ બની જાય અને આમ સંગીતનાં સાનિધ્યમાં જામેલું સરસ મજાનું વાતાવરણ એકાએક પલટાઈ જાય. જેમ ભારે પવન થતાં વાદળો વેખરાઈ જાય તેમ કાકાનાં ભજનનો રાગડો સાંભળતાં જ રાત પણ મૂઠી વાળીને ભાગવા માંડે.

આમ માંડ બે-ચાર કલાકની ઊંઘ લેતાં રમુ કાકા તે ગામના મફતના ચોકીદાર. લોકો વાતો કરતાં કે તે વિસ્તારમાં ક્યારે ચોરી થઇ જ નથી. આમ ગુનાખોરી અટકાવવામાં પણ રમુ કાકા તરફથી પોલીસને વણમાંગ્યો સહકાર પ્રાપ્ત થતો.

ભૂખરા સીસમના સોટા જેવો એક પગ ખાટલા ઉપરથી લટકતો રાખવાની એમની આદત ઘણીવાર કુતરાને ખાટલાના પાંચમા પાયાની અનુભૂતિ કરાવી, ભૂલ કરવા પ્રેરણા પુરી પાડતો.

કેવી વૈવિધ્યપૂર્ણ વિશેષતાઓથી ભરેલું એ વ્યક્તિત્વ!!! રમુ કાકાના વ્યક્તિત્વ વિશે વધું વિચારૂં, ત્યાં તો શ્રીમતીજીના કોકિલ કંઠી ટહુકા એ મને વિચારોના વૃંદાવનમાંથી પરત ફરવા મજબૂર કર્યો.

સંજય_૨૮_૩_૨૦૨૦_એકલવ્ય
slthakker123@gmail.com