Fevikwik books and stories free download online pdf in Gujarati

ફેવીક્વીક

ગોલુ નું મોઢું આજે ઊતરેલું હતું. ખુશ હોય ત્યારે ગોલુનુ મોઢું માખણના પિંડા જેવું લાગે. પણ આજે તો તેના ભમપોલિયા ગાલ ઢીલા ઢફ લાગતા હતા. મોટી મોટી આંખો બીમાર હોય એવી લાગતી હતી. કાયમ કૂદાકૂદ ને દોડાદોડ કરતો ગોલુ સોફામાં પડ્યો પડ્યો ટીવી જોઈ રહ્યો હતો. કાયમ કાર્ટૂન ચેનલ ની જીદ કરતો ગોલુ આજે પપ્પા સાથે ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો.

ગોલુની ઉમર 10 વર્ષની છે. મમ્મી પપ્પા નો લાડકો. પપ્પાએ ચોકલેટો ખવડાવીને ગોલુને ગોળમટોળ બનાવી દીધો છે. ઓફિસેથી આવે એટલે એક મોટી ચોકલેટ ગોલુ માટે ફરજિયાત લાવવાની. મમ્મી હાઉસવાઈફ એટલે ગોલુ ને ખૂબસાચવેલો.

ગોલુના મમ્મી-પપ્પા વચ્ચે ખૂબ પ્રેમ. ક્યારેક નાના મોટા ઝઘડા થાય, પણ ગોલુ બંનેના ઝઘડાને મસ્તી કરીને શમાવી દેતો. બાકી હર્ષદ નો સ્વભાવ ખૂબ ગરમ હતો. વાતવાતમાં ગરમ થઈ જાય. હર્ષું પણ એમ કાંઈ ગાજી જાય તેવી નહીં.

બંનેનો સંસાર રથ આમ ને આમ ચાલ્યા કરતો. એક દિવસ હર્ષદ ઓફિસેથી કંઈક ટેન્શનમાં આવ્યો. આજે રોજના ટાઈમ કરતા ઘણું મોડું થઈ ગયું હતું. આમ તો તેને મોડું થાય તેવું હોય તો તે હર્ષુઁ ને ફોન કરી દેતો. પણ આજે તેને આવો ટાઈમ ના રહ્યો. એટલે હર્ષું ના મગજનો પારો પણ ચડેલો હતો. હર્ષદ આવ્યો, પણ એ તેની નોંધ ના લીધી. તે મોબાઇલમાં બીજી રહી. હર્ષદે પાણીની રાહે વોલેટ, મોબાઈલ બધુ મૂકવા માંડયો. પણ જાણે હર્ષૂં એ તેને જોયો જ ના હોય તેવું વર્તન કર્યું. હર્ષદે જાતે પાણી પી લીધું. ફ્રેશ થઈ નાઈટ ડ્રેસ પહેર્યો. તેને મનમાં એમ કે હમણાં ચા આવશે. પણ હર્ષુઁ હજી મોબાઈલ માં જ હતી. એક કલાક થવા આવી પણ હર્ષું નો મોબાઈલ પુરો ના થયો. ને ચા પણ ના આવી.

ઓફિસથી કંટાળીને આવેલા હર્ષદ નો મગજ હવે ગયો.

તેણે હર્ષા ને કહ્યું,. " મોબાઈલ માંથી ચા આવે તેમ છે? કે પછી swiggy માંથી મંગાવી લઉં? ".

હર્ષુઁ મોબાઇલમાં જ ધ્યાન રાખીને બોલી,. "હું કામવાળી નથી. તમારો ઓર્ડર જ માન્યા કરવાનો અમારે?".

હર્ષદ નો ચહેરો લાલચોળ થઈ ગયો. તે તાડુંક્યો, "તો હું તમારો કામવાળો છું? આખો દિવસ બળદની જેમ મારૅ કામ જ કર્યા કરવાનું છે?".

બંનેનો ઊંચો અવાજ સાંભળી ગોલુ બહાર રમતો હતો ત્યાંથી દોડી અંદર આવ્યો. પણ આજે તો બંને વચ્ચે બરાબર નું મહાભારત જામ્યું હતું. ગોલુનો જીવ ઊંચો થઈ ગયો. તે ઘડીક પપ્પા સામે તો ઘડીક મમ્મી સામે જોવા લાગ્યો. એ પપ્પા ને શાંત કરવા પગે ચોંટ્યો પણ હર્ષદે એક ઝાટકે તેને પણ ધકેલી દીધો.

આજ નો ઝગડો લાંબો ચાલ્યો ને બંને એ ખૂબ ઝેર ઓક્યું. હર્ષદ એ ગુસ્સામાં આવી તેનો મનગમતો ફ્લાવરપોટ લાદીમાં પછાડ્યો. રાજસ્થાન ફરવા ગયા ત્યાંથી હર્ષુ ને ખૂબ ગમેલો તે સિરામિક નો પોટ બંને ખૂબ સંભાળીને લાવ્યા હતા. તેના આજે કટકે કટકા ભાંગેલા સ્વપ્ના જેમ વિખરાયેલા પડયા હતા. ગોલુની ગોળમટોળ આંખોમાંથી આંસુના ટુકડા પણ લાદી પર વિખરાતા ગયા. ગોલુએ ફ્લાવરપોટ ના ટુકડા વીણીને એક ખૂણામાં ભેગા કર્યા.

હર્ષદ છેલ્લો ધડાકો કર્યો,. " પોસાય તો જ મારા ઘરમાં રહેજે નકર રસ્તો પકડ.".

આટલું બોલ્યો તેની 15 મિનિટ પછી હર્ષું ના હાથમાં બેગ હતી. ગાલ પર હર્ષદ ના આંગળા નાં નિશાન ઉપસી આવ્યા હતા. ને બંને આંખોમાં શ્રાવણ-ભાદરવો વહેતો હતો. તેણે ચાલતા ચાલતા ગોલુનો હાથ પકડ્યો. ગોલુ તેની સાથે ખેંચાવા લાગ્યો. હર્ષદે વિકરાળ આંખો કરી, ઊભો થઇ
બોલ્યો,

"ખબરદાર, છોકરો મારો છે." એમ કહી ગોલુનો હાથ પકડી ઝાટકો માર્યો. ગોલુ તેના તરફ ખેંચાઈને પડી ગયો.

હર્ષુ એ કહ્યું,. " મારા ગોલુને મારાથી કોઇ નહી છીનવી શકે".

હર્ષદે કહ્યું, "જા હવે, વેતી પડ, આપણા સંબંધમાં હવે તિરાડ પડી છે. એ ક્યારેય નહીં સંધાય. આપણા સંબંધના ટુકડા થઈ ગયા આજે. હવે તો કોર્ટમાં જ આપણો ભેટો થશે.".

ગોલુનાં બાળ મન પર સબંધ ના ટુકડા અને સંબંધ માં પડેલી તિરાડ. આ વાતની ખૂબ ગંભીર અસર થઇ. તે સૂનમૂન થઈ ગયો.

હર્ષા રડતી રડતી ચાલી ગઈ. આજે એ વાતને ત્રણ દિવસ વીતી ગયા. હર્ષદ ત્રણ દિવસથી ઓફિસે ગયો નથી. ગોલુ પણ સ્કૂલે ગયો નથી. ગોલુ ને પણ મમ્મીની ખૂબ યાદ આવે છે. કેટલીય વખત રડી રડીને છાનો રહી ગયો. તેને મમ્મી અને પપ્પા ના સબંધ માં તિરાડ પડી એટલું સમજાયું.

હર્ષદે ટિવીમાંથી નજર ફેરવી તો ગોલુ લંઘાયેલા ફૂલની જેમ સોફામાં પડ્યો છે. હર્ષદ ને થયું કે ગોલુ ને કંઈક પ્રવૃત્તિમાં પરોવું તો તે હળવો થાય. હર્ષદ નું ધ્યાન ખૂણામાં ફ્લાવરપોટ ના ટુકડા પર ગયું.

તેણે ગોલુ ને કહ્યું, " બેટા ગોલુ, લાવ ને પેલી ફ્લાવરપોટ, આપણે તેના ટુકડા ને ચોંટાડી ફરીથી જોડી દઈએ. ગોલુ ના મોઢા પર થોડી ચમક આવી,

"પપ્પા, તૂટેલી ફ્લાવરપોટ જોડી શકાય ?".

હર્ષદે કહ્યું, "હા બેટા, તું બહાર બુક સ્ટોલથી ફેવી ક્વીક લેતો આવ. આપણે ટુકડા જોડીશું.".

હર્ષદે દસ રૂપિયા આપ્યા. ત્રણ દિવસથી લંઘાય ગયેલા ગોલુ નાં મોઢા પર આજે ચમક દેખાણી, તે દોડતો ગયો. ને ઘડીકમાં તો પાછો દોડતો આવ્યો. તેના હાથમાં બે ફેવિકવિક હતી.

ગોલુ એ કહ્યું, " પપ્પા, આ ફેવીક્વીક થી ટુકડા સંધાઈ જશે? તિરાડ પણ સંધાઈ જશે?".

હર્ષદે આજે ત્રણ દિવસ પછી ગોલુ નાં મોઢા પર રાજીપો જોયો. હર્ષદે ખુશ થઈ કહ્યું, "હા, બેટા ફેવિકવિક બધા ટુકડા જોડી દે. તિરાડો ને સાંધી દે.".

ગોલુ રડવા લાગ્યો, ને બોલ્યો, "પપ્પા, તો તો આ ફેવીક્વીક તમારા અને મમ્મીના તૂટી ગયેલા સંબંધ ના ટુકડા ને પણ જોડી દેશે ને!!? તિરાડોને પણ પૂરી દેશે ને!!?".

ગોલુ નાં હાથમાં રહેલ ફેવિકવિકના પેકિંગ નો પીળો કલર ઘેરાયેલી ઉદાસી પર ફરીવળ્યો...........

લેખક: અશોકસિંહ ટાંક (તા.૧૬/૩/૨૦૨૦)
(વાર્તા કાલ્પનિક છે)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED