ખોફનાક ગેમ - 10 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 10 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

પ્રયોગશાળામાં વિસ્ફોટ

ભાગ - 2

સ્નેકબોનની ચીસોના અવાજથી હોલ ગુંજી ઊઠ્યો. મુરારીબાબુ ક્રોધથી પાગલ થઇને સ્નેકબોનને હન્ટરથી મારતા જ રહ્યા. સ્નેકબોનના કપડાં ચિરાઇ ગયાં અને કપાયેલી ચામડીમાંથી લોહીની ટસરો ફૂટી થોડીવારમાં જ તે લોહી-લુહાણ થઇ ગયો.

“મુરારીબાબુ તેને છોડી દ્યો, પ્લીઝ...આપણી પાસે સમય ઓછો છે. જલદી આપણે અહીંથી નીકળી જવાનું છે...” પ્રલય ચિલ્લાયો અને મુરારીબાબુના હાથ અટકી ગયા.

“મુરારીબાબુ...યાદ રાખજો હું તો મરીશ પણ તમારી આ પ્રયોગશાળા અને તમને સૌને લેતો જોઇશ...” હાહાહા...હા સ્નેકબોનના અટ્ટહાસ્યથી ગુફા ગુંજી ઊઠી, અત્યારે લોહી-લુહાણ શરીર દીવાલને ટેકે ઊભો ઊભો તે હાંફતો હતો. તે ખૂબ જ વિકરાળ લાગતો હતો.

“સાલ્લો કમજાત...” પાછળ વળી મુઠ્ઠીઓ વાળી ક્રોધથી મુરારીબાબુએ દાંત કચકચાવ્યા પછી થોડી જ વારમાં તેઓ ગુફાવાળા રસ્તે જંગલ તરફ નીકળી ગયા.

ટાપુ પર ગાઢ અંધકાર ફેલાઇ ચૂક્યો હતો. આખું જંગલ જાનવરોની ભયાનક ચીસોથી ખળભળી ઊઠ્યું હતું. મુરારીબાબુ સાથે સૌ ટાપુના પશ્ચિમકિનારા તરફ ભાગતા હતા. મુરારીબાબુએ પ્રયોગશાળામાંથી ભાગતી વખતે એક નાની પેન્સિલ ટોર્ચ, માચીસ, પાંચ-સાત મીણબત્તી અને તેઓ પીતા હતા તે સિગારેટ સાથે લઇ લીધી હતી. દોડતા-દોડતા સૌના શ્વાસ ધમણની જેમ ચાલતો હતો અને તેઓ પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા. ટાપુ પર છવાયેલ ગાઢ ધુમ્મસ ટાપુની ભયાનકતા વધારતો હતો.

“ધડામ...ધડામ...” અચાનક જોરદાર ધડાકાઓના અવાજથી ટાપુ આખો ધ્રુજી ઊઠ્યો. દોડતા સૌના પગ અટકી ગયા.

“ધડાકાઓ પ્રયોગશાળામાં થયા છે. જરૂર ત્યાં આગ લાગી લાગે છે....” દહેશતથી ફાટી આંખે પ્રયોગશાળા તરફ મુરારાબાબુ જોઇ રહ્યા.

પ્રયોગશાળા તરફના ભાગમાં આગના લબકારા દેખાવા લાગ્યા. પછી એક જોરદાર ધમાકો થયો અને પ્રયોગશાળાવાળી ગુફાના કુચ્ચે-કુચ્ચા ઊડી ગયા. ત્યારબાદ આખી પ્રયોગશાળા આગની લપેટમાં આવી ગઇ. લબકારા મારતી આગની જવાળાઓ આકાશ તરફ ઊંચે ચડતી હતી.

મુરારીબાબુ એક પથ્થર પર પોતાનું માથું બંને હાથેથી પકડીને બેસી ગયા. વેદના અને દુ:ખથી તેમનો ચહેરો મુરઝાઇ ગયો હતો. વિખરાયેલા વાળ અને આગના પ્રકાશથી તેમનો ચહેરો ભયાનક લાગી રહ્યો હતો.

“બધું બરબાદ થઇ ગયુ...મારી વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું. ખતમ થઇ ગયો મારો આવિષ્કાર...બધું ખતમ થઇ ગયું...” તેઓના ચહેરા પર પાગલપન છવાતું જતું હતું. તેઓનો ચહેરો વિકૃત બનતો જતો હતો.

“મુરારીબાબુ...પ્લીઝ તમે હિંમત રાખો, હજુ કાંઇ જ નથી બગડ્યું...” તેમની પીઠ પર આશ્વાસન ભર્યો હાથ ફેરવતાં પ્રલય બોલ્યો.

“મિ. પ્રલય...અફસોસની વાત તો એ છે, કે જ્યારે મારા મનમાં માનવકલ્યાણના વિચાર આવ્યા તે જ વખતે બધું બરબાદ થઇ ગયું. મારાં વૈજ્ઞાનિક સાધનો મારા આવિષ્કારનાં પુસ્તકો ” દુ:ખ ભર્યા ચહેરે તેમણે પ્રલય સામે જોયું.

“મુરારીબાબુ તમે ફિકર ન કરો, ભારત સરકાર તમને તમામ જાતની સહાય આપશે, તમને ફરીથી સારી પ્રયોગશાળા ભારતમાં ઊભી કરી આપવામાં આવશે. આ મારું તમને વચન છે, તમે હિંમત રાખો...” માંડ-માંડ સમજાવીને પ્રલયે તેમને ઊભા કર્યા પછી સૌ આગળ વધ્યા.

તેઓ પશ્ચિમ તરફ આગળ વધતા હતા. ચારે તરફ પ્રાણી માનવો દેખાતા હતા. પ્રાણી માનવો સંપૂર્ણ જંગલી બની ગયા હતા. તેઓ હવે ચારે પગે ચાલી રહ્યા હતા. મુરારીબાબુના હાથમાં હંન્ટર જોઇ તેઓ ડરીને જંગલમા ભરાઇ જતા હતા.

સામે તરફની પહાડીઓમાં આગના લબકારા સ્પષ્ટ દેખાતા હતા. તેમાંથી નીકળતી આગના લબકારાનું પ્રમાણ વધતુ જતું હતું

વાનર માનવ સૌને લઇને એક મોટી ગુફા પાસે આવ્યો. ગુફા અંદરથી વિશાળ હતી. વિનય અને કદમ સૂકાં લાકડાં વીણી આવ્યા અને ગુફાના મોં આગળ તાપણું સળગાવ્યું અને સૌ તાપણાની આસ-પાસ બેઠા, વાનર-માનવ થોડા ફળો તોડી આવ્યો, ત્યારે જ બધાને યાદ આવ્યું કે આજ પૂરા દિવસમાં તેઓએ કાંઇ જ ખાધું ન હતું, તેઓ ફળો પર તૂટી પડ્યા. મુરારીબાબુને સિગારેટ પીતા જોઇ કદમે તેની પાસે એક સિગારેટ માંગી અને સળગાવી પછી તે નિરાંતે દમ ભરવા લાગ્યો. મોડી રાત્રે સૌ સૂઇ ગયા.

સમ...સમ...સમ...કરતી રાત્રીનો સમય વહી રહ્યો હતો. જાનવરોના ચિત્કારોના અવાજ સિવાય ચારે તરફ ખોફનાક સન્નાટો છવાયેલો હતો. ફેલાયેલા ગાઢ ધુમ્મસ વચ્ચે પહાડીની ટોચ પર ભભૂકતી આગના લબકારા જાણે કોઇ દૈત્ય મોંમાંથી આગ ઓકી રહ્યો હોય તેવું ભાસતું હતું.

અચાનક આવેલ ખખડાટના અવાજથી કદમની નીંદર ઊડી ગઇ, ફેલાયેલા અંધકારમાં આંખોને તાણી-તાણી તેણે ચારે તરફ નજર ફેરવી, સૂનકાર...સાવ સૂનકાર...ક્યાંય કશું જ દેખાતું ન હતું. ધીરે-ધીરે તે બેઠો થયો. તાપણું હોલવાઇ ગયું હતુ. પણ તેના કોલસા હજુ સળગી રહ્યાં હતાં. બાજુમાં પડેલી ટોર્ચને હાથ ફંફોળી તેણે શોધી કાઢી, પછી હાથમાં લઇ સળગાવી ચારે તરફ ગુફામાં નજર ફેરવી.

ટોર્ચના ફરતા ગોળ વર્તુળમાં તેણે ત્યાં સૂતેલા સૌ પર એક નજર ફેરવી અને...કદમ ચોંક્યો સાથે હેબતાઇ પણ ગયો.

ગુફાની અંદર સૌ સૂતા હતા. પણ મુરારીબાબુ તેમાં ન હતાં.

“પ્રલય...પ્રલય...ઊઠ.” કદમે પ્રલયને છંછેડીને ઉઠાડ્યો.

“શું થયું...?” ચોંકીને પ્રલય બેઠો થયો. સાથે વિનય પણ જાગી ગયો.

“પ્રલય...મુરારીબાબુ દેખાતા નથી.”

“શું વાત કરે છે...?” ક્યાં ગયા તેઓ અડધી રાત્રીના આજુ-બાજુ તપાસ કર. તેઓ અહીં ક્યાંક હશે...’’ સફાળા ઊભા થતાં પ્રલય ગુફાની બહાર આવ્યો.

ત્રણે ગુફાની આજુ-બાજુ તપાસ કરી મુરારીબાબુ ગુમ થયેલ હતા, સાથે વાનરમાનવ પણ ન હતો.

“ચાલો જલદી આપણે જંગલમાં તપાસ કરીએ...” વિનયે કહ્યું અને ત્રણે જંગલ તરફ આગળ વધ્યા.

અચાનક આગળ ઝાડીમાં ખખડાટનો અવાજ થયો. પ્રલયે ટોર્ચને તે તરફ ઘુમાવી પ્રકાશ નાખ્યો. શાંત સન્નાટાભર્યા વાતાવરણમાં થોડો ખખડાટ પણ ભયાનક લાગતો હતો ત્યાં જ કાંઇ જ ન હતું. તેઓ આગળ આવ્યા.

અચાનક ચીસોના અવાજથી જંગલ ખળભળી ઊઠ્યું.

“ચીસોન અવાજ મુરારીબાબુનો જ છે,દોડો...” કદમે રાડ નાખી.

ત્રણે અંધાધુંધ ગીચ ઝાડીમા દોડવા લાગ્યા.

“ત્યાં કોઇ આવી રહ્યું છે...” રિર્વોલ્વર ખિસ્સામાંથી કાઢી હાથમાં લેતાં વિનય બોલ્યો. કદમ અને પ્રલય તે તરફ નજર ફેરવી.

ટોર્ચના આછા પ્રકાશમાં તેઓએ એક પ્રાણી માનવને તેઓ તરફ દોડતું આવતું જોયું. જુઓ...જુઓ...સામેથી કોઇ પ્રાણી માનવ આવી રહ્યું છે. પ્રલય ચિલ્લાયો. તે પ્રાણી માનવ નજીક આવ્યું, તેના શરીરમાંથી ચારે તરફથી લોહી નીકળી રહ્યું હતું.

“અરે...આ તો વાનરમાનવ છે. તે ઘાયલ થયેલો જણાય છે...”

વાનર માનવ પર કોઇ પ્રાણી માનવે હુમલો કર્યો લાગે છે.

હાંફતુ-હાંફતું વાનર માનવ જેઓ પાસે આવ્યું, ડરથી તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતુ.

“શું થયું...? આ તને કોણે માર્યું...” કદમ તેનો હાથ પકડતાં બોલ્યો.

“પ્રાણી-માનવોએ મોરારીબાબુ પર સાથે મળીને હુમલો કર્યો છે.તે લોકો ભગવાનને મારી નાખશે...” ધ્રુજતા અવાજે તે બોલ્યો.

“ચાલ...અમને બતાવ...જલદી કર...” લગભગ દોડતા દોડતા જ કદમ બોલ્યો.

મુરારીબાબુનું શું થયું હતું તે હવે જોઇએ.

ચર...ચર...ચરચરાટના અવાજથી મુરારાબાબુની નીંદર ઊડી ગઇ. તેઓ બેઠા થયા અને ચારે તરફ નજર ફેરવી જોવા લાગ્યા. ક્યાંય કશું જ દેખાતું ન હતું, તેમણે સૂતેલા પ્રલય, કદમ અને વિનય પર એક નજર નાકી, પછી ઊભા થઇ ચૂપાચૂપ ગુફામાંથી બહાર નીકળી ગયા. અત્યારે પણ તેના હાથમાં હંટર પકડેલું હતું.

અવાજ ગુફાથી થોડે દૂર આવતો હતો. મુરારીબાબુ ચૂપાચૂપ જરાય અવાજ ન થાય તેનો ખ્યાલ રાખતા તે તરફ આગળ વધ્યા.

થોડે દૂર જતાં જ તેઓ ચોંક્યા.

આગળ એક ટેકરી પર સાત-આઠ પ્રાણી માનવોની વચ્ચે સ્નેકબોન લોહી-લુહાણ હાલતમાં પ્રેતની જેમ બેઠો હતો, તેનો ચહેરો અને કપડાં લોહીથી ખરડાયેલાં હતા.

સ્નેકબોનને જોતા જ મુરારીબાબુનાં જડબાં સખત રીતે ભીંસાઇ ગયાં, હંટર પર હાથની પકડ મજબૂત કરતાં ગુસ્સાથી રાતા-પીળા થતા તેઓ આગળ વધ્યા અને એકા-એક સ્નેકબોનની સામે જઇને ઊભા રહ્યાં.

અચાનક મુરારીબાબુને જોઇને સ્નેકબોનના ચહેરા પર ઝેરીલું સ્મિત ઊભરાઇ આવ્યું. બંને એકબીજાને સળગતી આંખોએ તાકી રહ્યા.

અને પછી એકા-એક મુરારીબાબુ પર પાછળથી કોઇક ત્રાટક્યું. મુરારીબાબુ કાંઇ સમજે-વિચારે તે પહેલાં તેઓ નીચે ધરતી પર પછડાયા. તેના હાથમાંથી હંટર છૂટી ગયું.

“પકડી લ્યો...” સ્નેકબોને ત્રાડ નાખી.

અને નીચે પડતા મુરારીબાબુ પર બે પ્રાણી-માનવો કૂદ્યો અને એક તેની છાતી પર ચડી બેઠો અને બીજો નહોરથી તેનું મોં પીંખવા લાગ્યો. મુરારીબાબુ હેબતાઇ ગયા. છૂટવા માટે ધમપછાડા કરવા લાગ્યા. પોતે એકલા અહીં આવીને ભૂલ કરી તેને પસ્તાવો થવા લાગ્યો, પણ હવે શું થાય...?

થોડીવારમાં જ વાઘમાનવ અને ચિત્તા માનવે તેમને જખ્મી કરી દીધા.

મુરારીબાબુ ચીસો પાડતા રહ્યા અને સ્નેકબોન તેમની હાલત પર તાળીઓ પાડીને હસતો રહ્યો.

ત્યારબાદ મુરારીબાબુને એક ઝાડ પર વેલાઓની મદદથી ઊંચા લટકાવી દેવામાં આવ્યા. સ્નેકબોન તેઓની સામે એક હાથમાં રિર્વોલ્વર અને બીજા હાથમાં હંટર લઇને ઊભા હતો.

“મુરારીબાબુ, તમારો ખેલ ખતમ થઇ ગયો. તમારી લેબોરેટરી પણ મેં ટાઇમ-બોમ્બતી ઉડાવી નાખી...હવે આ જંગલ પર મારું રાજ છે....અહીંના બધા માનવ પ્રાણીઓ મારા કબજામાં છે.. તમારા પછી હવે મિ. મોરીસની પણ તમારા જેવી જ હાલત કરીશ...અહીંનો હું સમ્રાટ બની જઇશ… હા...હા… હા...હા… હા...હા...” પિશાચની જેમ તે અટ્ટહાસ્ય વેરી રહ્યો. ભયાનક ખોફનાક જંગલમાં જાણે ભૂતાવળ થતી હોય તેવું ર્દશ્ય લાગી રહ્યું હતું.

હસતો ગયો તે હસતો જ ગયો, પછી અચાનક તેના પકડેલા હંટરવાળો હાથ ઊંચો થયો અને પછી સટાક...સટાક ના અવાજ સાથે મુરારીબાબુના શરીર પર વીંઝાવા લાગ્યો. મુરારીબાબુની ચીસોથી જંગલ ખળભળી ઊઠ્યો. થોડીવારમાં મુરારીબાબુનાં કપડાંના લીરે-લીરા થઇ ગયાં અને શરીર પર પડેલા ચીરાઓમાંથી લોહી વહી તેના મોં પર થઇને નીચે ટપકવા લાગ્યું.

મારી-મારીને થાકેલ સ્નેકબોન એક ટેકરી પર બેસી ગયો.

“ભગવાન...! આ તમારા ભગવાનને જુઓ મેં તેની કેવી હાલત કરી નાખી છે...આજ ભગવાન છે, જેવો તમને હંટર મારી બિવડાવી, ધમકાવી પોતાના કબજામાં રાખતા હતા...જુઓ તેની હાલત… હા...હા… હા...હા… હા...હવે તમારા સૌ પર મારો કબજો હશે...ત્યાં એકઠા થયેલા પ્રાણીમાનવો પર નજર ફેરવી તે આગળ બોલ્યો, હવે મારો એટલે કે શેનાનનો તમારા પર અધિકાર હશે...તમે આજથી માસ ખાવા માટે સ્વતંત્ર હશો...ચાર પગે ચાલવા માટે સ્વતંત્ર હશો...”

“ચાર પગે ચાલવું તે અમારો કાયદો છે.”

“માંસ ચટાકા લઇને ખાવુ તે અમારો કાયદો છે...”

“સ્નેકબોન અમારા માલિક...અમારા માલિક...”

“શેતાનની અમે પૂજા કરશું...સ્નેકબોન શેતાન...શેતાન...”

ભયાનક અટ્ટહાસ્ય કરતો સ્નેકબોન બોલી રહ્યો હતો. તેના પર અત્યારે પાગલપન છવાયેલું હતું

એક વાઘમાનવ લટકતા મુરારીબાબુની પાસે આવી તેના શરીરમાંથી ટપકીને નીચે રેલાતું લોહી ચાટવા લાગ્યો.

અચાનક સ્નેકબોનની નજર તેના પર પડી.

“પીઓ...લોહી પીઓ...મહેફિલ ઉડાવો...તમારા ભગવાન મુરારીબાબુનું માંસ ચટાકેદાર છે. ખાવ તેમનું માંસ ખાવ...તેના માંસની ઊજાણી કરો...આ જંગલમાં આજ મારા શાસનની પહેલી ખોફનાક રાત્રી છે. આજ આનંદન પર્વ છે. ચાલો સૌ સાથે મળીને મુરારીબાબુના માંસની મહેફિલ ઉડાવો...હા...હા...હા...હા...”

અને પછી તાનને પણ શરમાવે તેવું ર્દશ્ય ત્યાં ખડું થયું. ભલભલાના રૂંવાટ ઊંભા કરી દેવા માટે તે ખોફનાક ર્દશ્ય હતું.

વાઘ-માનવ, ચિતા-માનવ, રીંછ-માનવ સૌ મુરારીબાબુના ઝાડ પર લટકતા દેહ પાસે એકઠા થયા અને પછી કોઇ બાળક આનંદથી કુલ્ફી ખાય તેમ તેઓ મુરારીબાબુના શરીર પર બટકાં ભરી તેઓનું માંસ ઉખેડીને ખાવા લાગ્યા. ખૂબ જ ભયાનક ખોફનાક ર્દશ્ય હતું. આ ર્દશ્ય જોઇને ચંદ્રમાં પણ ઘટાદાર વાદળોની વચ્ચે છુપાઇ ગયો.

“મૂકી દ્યો...મૂકી દ્યો...તેઓ આપણા ભગવાન છે...છોડો...છોડો...” થોડે દૂર એક વૃક્ષ પાછળ છુપાઇને આ ર્દશ્ય વાનર માનવ જોઇ રહ્યો હતો. તેનાથી આ સહન ન થતાં તે દોડી આવ્યો અને બધાને અટકાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. મુરારીબાબુની ગુંજતી કારમી ચીસોમાં તેનો અવાજ ભળી જતો હતો, અચાનક એક રીંછ-માનવની નજર તેના પર પડી ને રીંછ માનવે તે વાનરમાનવ પર ભયાનક ઘુરકાટ કરતો ત્રાટક્યો, અને નહોરથી મારવા લાગ્યો.

વાનરમાનવ માંડ-માંડ પોતાની જાતને તેના પંજામાંથી છોડાવીને ભાગ્યો.

“જુઓ સામે...” આંગળી ચીંધી બતાવતા વાનર માનવે ઇશારો કર્યો.

સામેનું ર્દશ્ય જોઇને સૌનાં રોંગટાં ઊભાં થઇ ગયાં. તેઓથી થોડે જ દૂર એક વૃક્ષની ડાળી પર મુરારીબાબુ ઊંધે માથે લટકતા હતા અને કેટલાય પ્રાણી-માનવો મોં વડે તેમને બચકાં ભરી તેમનું માંસ તોડી-તોડીને ખાઇ રહ્યા હતા. તે વૃક્ષ પાસેની એક ટેકરી પર સ્નેકબોન બેઠો હતો અને અટ્ટહાસ્ય કરી રહ્યોહતો.

ધાય...ધાય...ધાય...ગુસ્સાથી કાંપી રહેલા પ્રલયે સ્નેકબોન પર કેટલીય ગોળીઓ છોડી. ગોળીઓના ધડાકાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું અને ડરના માર્યા પ્રાણીમાનવો નાસી ગયા.

સ્નેકબોનનો દેહ લથડાયો અને ટેકરી પરથી રડતો નીચે પટકાયો અને તરત તેનું પ્રાણ-પંખેરું ઊડી ગયું.

“મુરારીબાબુ...મુરારીબાબુ... “ચિલ્લાતાં પ્રલય, કદમ અને વિનય મુરારીબાબુ પાસે દોડી ગયા. કદમે બૂટની હિલમાંથી છૂરી કાઢીને મુરારીબાબુના શરીરમાં વીંટેલા વેલાનાં બંધોનો તોડી નાખ્યા. પ્રલય અને વિનય ખૂબ જ સંભાળપૂર્વક મુરારીબાબુના દેહને ધરતી પર સુવડાવ્યો.

“મુરારીબાબુ...! વિહ્વળભરી ર્દષ્ટિએ જોતાં કદમ બોલ્યો, પછી આજુ-બાજુ નજર કરી. તેની નજરનો અર્થ સમજીને વિનય પાણીની તપાસ કરવા દોડ્યો પણ અડધી રાત્રીના ગાઢ અંધકાર ભર્યા જંગલમાં પાણી ક્યાં શોધવું, હા...આજુ-બાજુ ક્યાંય ઝરણું વહેતું હોય તો તે શોધવા વિનય આગળ વધ્યો.

“બેટા”...અચાનક મુરારીબાબે આંખો ખોલી..’’ બેટા...મારી અંતિમ ઘડી આવી ગઇ છે. બેટા...તમે તમારા સાથીને છોડાવી જેમ બંને તેમ આ ટાપુ છોડી દેજો...બેટા...સામેની પહાડીઓના પાછળ એક મેદાનમાં તમને મિ.મોરીસનું હેલિકોપ્ટર મળી આવશે. તે લઇને નાસી જજો...’’ અટકતા-અટકતા તેઓ બોલ્યો.

“મુરારીબાબુ તમને કાંઇ જ નહીં થાય. આ જખમો તો ભરાઇ જશે. અમે તમને અમારી સાથે લઇ જઇશું...તમે હિંમત રાખો...” પ્રલયે મુરારીબાબુનો હાથ પોતાના હાથમાં લીધો.

“બેટા...મારો સમય પૂરો થયો છે. મેં કરેલાં કૃત્યોનો હિસાબ આપવા માટે જવું જ પડશે...બેટા બની શકે તો મને માફ કરજો...” બોલતાં-બોલતાં જ અચાનક મુરારીબાબુને આંચકી આવી પછી તેમનું શરીર ખેંચાવા લાગ્યું. મોંમાંથી ફીણ નીકળવા લાગ્યાં.

તેમનો ચહેરો પ્રાણી માનવોએ કરડીને ખાધો હતો. લટકતાં માંસના લોચાવાળો લોહી નીતરતો ચહેરો ભયાનક લાગતો હતો.

વિનય દોડતો આવ્યો, થોડે જ દૂર એક ઝરણું વહેતું હતું. વિનય પોતાનુ શર્ટ ઉતારી પાણીથી તરબોળ કરીને દોડતો-દોડતો પાછો ફર્યો, “પ્રલય...પ્રલય...પાણી પિવડાવે લે...” નજદીક આવીને બોલ્યો પછી પ્રલયના ખોબામાં શર્ટ નિચોવી તેમણે પાણી ઠાલવ્યું. પ્રલયે ખોબાનું પાણી મુરારીબાબુના મોંમાં રેડ્યું. મુરારીબાબુએ સંતોષ ભરી આંખે તે ત્રણ સામે એકવાર જોયું. પછી તેમની આંખો કાયમને માટે બંધ થઇ ગઇ. તેમની બિડાતી આંખોમા છેલ્લી ઘડીએ પોતાના દીકરાઓના હાથનું પાણી મળતા બાપને જે સંતોષ થાય તેવો સંતોષ છવાયેલો હતો. પછી આંખોની રોશની બુઝાઇ ગઇ. કદમે તેમનો હાથ પકડી પલ્સ ચેક કર્યાં. તેમના ધબકારા બંધ પડી ગયા હતા. નિરાશાથી માથું ધુણાવતો કદમ ઊભો થયો.

તે રાત્રી ભયાનક હતી. આખી રાત પ્રાણી માનવોની ચીસોના શોરથી જંગલ ખળભળતું રહ્યું. પ્રલય, કદમ, વિનય મુરારીબાબુના મૃતદેહ પાસે જ તાપણું સળગાવીને આખી રાત બેસી રહ્યા. કેટલીય વખત રીંછ,ચિત્તા, વાઘ માનવોએ તેઓ પર હુમલો કરવાની કોશિશ પણ કરી હતી. એક વખત બે વાઘ માનવો તેમના પર ધસી આવ્યા હતા. પણ પ્રલયની રિર્વોલ્વરની ગોળી ખાઇને માર્યા ગયા. પછી દૂરથી જ પ્રાણી માનવો તેમના તરફ ઘૂરતા રહ્યા પણ કોઇ નજીક આવ્યું નહી. સામેની પહાડીઓ બે-ચાર ધમાકા થયા હતા અને વિસ્ફોટ પછી ભયાનક આગની જવાળાઓ પણ નીકળતી રહી હતી. મુરારીબાબુએ તેઓને કહ્યું જ હતું કે આ ટાપુ પર જવાળામુખી ફાટવાની તૈયારીમાં છે. માટે તમે જલદી આ ટાપુ છોડી દેજો.

***