Shraddh books and stories free download online pdf in Gujarati

શ્રાદ્ધ

અરે સાંભળો છો! સાડા છ થઈ ગયા હવે જાગો, પંડિતજી ના આવવાનો પણ સમય થઈ ગયો અને તમે હજી ઊંધો છો. ગૌરવ ને ઢંઢોળતા દિપાલી બોલી. અરે પણ વહેલો જગાડાય ને ગૌરવ પથારી માંથી બેઠો થતા બોલ્યો. ટૂથબ્રશ પર કૉલગેટ લગાડી ને ગૌરવ ને આપતા દિપાલી એ કહ્યું હવે ફટાફટ તૈયાર થઈ જાવ. બા તો સવાર ના પાંચ વાગ્યા ના તૈયાર થઈ ગયા છે ને માળા ફેરવે છે. સારૂ તું મિતુલ ને તૈયાર કર હું પંદર મિનિટ માં રેડી થઈ ને આવું છું ગૌરવે કહ્યું.
ગૌરવ ના પપ્પા સુરેશભાઈ નું આજે શ્રાદ્ધ હતું. ગૌરવ નવમા ધોરણ માં હતો ત્યારે સુરેશભાઈ એ રેલવે ના પાટા પર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. પી ડબલ્યુ ડી વિભાગ ના હેડ ક્લાર્ક સુરેશભાઈ રણછોડદાસ જાની એ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી આવું જેતે સમયે છપાઓ માં આવ્યું હતું. સુરેશભાઈ રહેતા હતા તે સરિતા સોસાયટી માં લોકો વાતો કરતા હતા કે ઉર્મિલા બેન સાથે ઝઘડો થતા સુરેશભાઈ એ મોતને વહાલું કર્યું. તો કેટલાક લોકો કેહતા કે દેવાળીયો થઈ ગયો એટલે આત્મહત્યા કરી લીધી. પરંતુ હકીકત એ હતી કે આટલા સરસ સુખી દામ્પત્યજીવન માં આવો દિવસ આવશે એની ખુદ ઉર્મિલાબેને કલ્પના પણ નોહતી કરી. ગૌરવ દસમા ધોરણ માં બોર્ડ માં કે જિલ્લામાં ટોપ કરશે તો સ્ફુટી લઈ આપીશ આવું તો હજી ગઈકાલે જ કેહતા હતા, અને અચાનક આ શું થઈ ગયું? ગૌરવ પણ નાનો હતો પણ નાદાન કે ના સમજ નૉહતો. તે એટલું તો વિચારી શકતો હતો કે પપ્પા એ કોઈ અસહ્ય પીડા, અગમ્ય કારણ કે ભારેખમ મજબૂરી ના કારણે આ પગલું ભર્યું છે.
સુરેશભાઈ ના મિત્ર જીતુભાઇ એ સુરેશભાઈ ની અંતિમક્રિયા થઈ ત્યારથી લઈ ને તેરમાં ની વિધિ પુરી થઈ ત્યાં સુધી આ મુશ્કેલ ઘડી માં ઊર્મિલાબેન અને ગૌરવ ની સાથે હતા. જીતુભાઇ સુરેશભાઈ સાથે જ કચેરીમાં જુનિયર ક્લાર્ક ની પોસ્ટ પર હતા. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. અને આજે સુરેશભાઈ ની ગેરહાજરીમાં જીતુભાઇ એમની ફરજ પૂરેપૂરી નિભાવી રહ્યા હતા. જીવન વીમા કંપની માં પણ દોડાદોડી કરી ને જીતુભાઈએ સુરેશભાઈ ના વીમા પકવ્યા હતા. ઊર્મિલાબેન નો પેન્શન કેસ તૈયાર કરી મંજુર પણ કરાવી દીધો હતો.
પણ જ્યારે લેણદારો ઘરે આવી ને ઉભરહ્યા ત્યારે ખબર પડી કે સુરેશભાઈ દેવા ના દાસ બની ને બેઠેલા હતા. વિમાની બધી રકમ દેવા માં ચૂકવ્યા બાદ પણ દેવું પુરૂ કરવા એમનું બે રૂમ રસોડા નું ઘર વેચવું પડ્યું હતું. પતિ ની સાથે સાથે ઊર્મિલાબેને ઘર પણ ગુમાવવું પડ્યું હતું. પછી ઊર્મિલાબેન ભાડા ના ઘર માં રહેવા જતા રહ્યા સિલાઈ કામ જાણતા એટલે એક સિલાઈ મસીન ઘરે વસાવી બ્લાઉઝ,ચણીયા,ઇન્ટરલોક ફોલ, વગેરે સિવવાનું કામ કરવા લાગ્યા. અને થોડી રકમ પેંશન ની આવતી હતી, એટલે માં દીકરાનું ગાડું ગબડયે જતું. ભણવામાં તેજસ્વી ગૌરવ બીજા વર્ષે જિલ્લા માં પ્રથમ અને બોર્ડ ના રેન્ક માં સાતમા ક્રમે આવ્યો હતો પણ એને સ્ફુટી લઈ આપવા પપ્પા નોહતા, એ દિવસે એ ઘણું રડ્યો હતો. સુરેશભાઈ ની ઈચ્છા ગૌરવ ને ડોકટર બનાવવાની હતી પણ ગૌરવ નો ગોલ હવે અલગ હતો.
એણે દસમા ધોરણ માં હાઈએસ્ટ રેન્ક મેળવ્યો હોવા છતાં કોમર્સ ના વિષયો પસંદ કર્યા. આજે એ સી.એ થઈ ગયો હતો, અને શૅર એન્ડ સ્ટોકસ માર્કેટ માં તેમજ ઈન્ડસ્ટ્રીઓ માં ફાઈનાઇન્સ એડવાઇજર તરીકે એની બોલબાલા હતી. હજી ચાર માસ પેહલા જ તે આ સાડા ત્રણ કરોડ ના બંગલા નો ઑનર બન્યો હતો. રથયાત્રા ના દિવસે માતા ઊર્મિલાબેન, પત્ની દિપાલી અને દીકરા મિતુલ સાથે તે અહીંયા રહેવા આવ્યો હતો. અને આજે આઠમ નું શ્રાદ્ધ સુરેશભાઈ ના આત્મા ની શાંતિ માટે કરવાનું હતું. બધી તૈયારીઓ ગઈકાલે જ થઈ ગઈ હતી, સગાંવહાલાં બધા ને ફોન કરી બોલાવી લીધા હતા. બસ પંડિતજી આવે શ્રાદ્ધ ની વિધિ શરૂ થાય. કાગ ને વાસ નખાઈ જાય એટલે સુરેશભાઈ ની પાછળ સગાંવહાલાં ઉપરાંત ગરીબો માટે પણ એણે જમણવાર રાખ્યો હતો, ગૌશાળા માં ઘાસચારા ની દસ ટ્રકો ની સેવા નોંધાઈ દીધી હતી.
શ્રાદ્ધ ની વિધિ પુરી થવા આવી ને ગૌરવ ના મોબાઈલ પર રિંગ આવી , મિતુલ ફોન લઈ પપ્પા ને આપવા માટે આવ્યો, ફોન પર વાત કરતા એના ચહેરા ની રેખાઓ બદલાઈ, ઊર્મિલાબેન ને કંઈક અજુગતું થયા નો અણસાર આવી ગયો. એમણે પૂછ્યું બેટા શુ થયું? ગૌરવ બોલ્યો પપ્પા નું શ્રાદ્ધ થઈ ગયું. પપ્પા ના આત્મા ને શાંતિ મળી ગઈ. અરે પણ દીકરા વાત તો કર શુ થયું? ગૌરવ બોલ્યો જીતુ કાકા આ દુનિયામાં નથી રહ્યા.
સમાચાર સાંભળતા ઊર્મિલાબેન રડમસ થઈ ગયા, બેટા તારા પપ્પા એ જ્યારે આત્મહત્યા કરી ત્યારે આપણી સાથે ને સાથે રહ્યા, અને આજે એ પણ??? અરે ભગવાન બંને મિત્રો ને તે કેમ આવું અપમૃત્યુ આપ્યું.
માં ને સાંભળતા ગૌરવે કહ્યું માં ચિંતા ન કર. દરેક માણસ ને એના કર્મોનું ફળ ભોગવવું જ પડતું હોય છે. એક જુનિયર ક્લાર્ક માંથી સફળ ઉદ્યોગપતિ બનેલા જીતુભાઇ કાઈ દૂધે ધોયેલા નોહતા. પરંતુ મારા બાપ ના મોત નું કારણ હતા. હા મમ્મી એ આત્મહત્યા નહીં હત્યા જ કહેવાય. પપ્પા ના અંતિમ સંસ્કાર કરી ઘરે આવ્યા ત્યારે પપ્પાના ડ્રોવર માં એમની સ્યુસાઇડ નોટ હતી. જે મને મળી હતી. એ વાત તું પણ નથી જાણતી. પપ્પા ને શૅર બજાર ના રવાડે ચઢાવનાર આ માણસ હતો. એણે રોકેલા નાણાં ખોટ માં જતા પપ્પા ના નામે શૅર ખરીદ વેચાણ કરતો હતો. પપ્પા ને શેર બઝાર ની કઈ ખબર જ નોહતી. પપ્પા ના નામે લીધેલા શૅર માં પણ લાખો ની ખોટ જતા એણે હાથ ઊંચા કરી દીધા. પપ્પા સાથે વિશ્વાસઘાત કર્યો, લેણદારો એ પપ્પા પર ટોર્ચરિંગ શરૂ કર્યું અને અંતે પપ્પાએ અંતિમ પગલું ભર્યું. લે જો આ ચિઠ્ઠી. કહી ને એના દસ્તાવેજો ની ફાઇલ માં લેમીનેશન કરાવી ને રાખેલી ચિઠ્ઠી ઊર્મિલાબેન ના હાથ માં મૂકી.
આ ચિઠ્ઠી મારા હાથ માં હતી ત્યારે હું નાનો હતો, પણ મેં નક્કી કર્યું હતું કે મારા પપ્પા ના મોત નું કારણ બનનાર ને હું પાયમાલ કરી નાખીશ. અને ત્યારે અમારા નવમા ધોરણ માં ગણિત માં શૅર અને ડિવિડન્ડ ચેપટર આવતું હતું. મેં મારા સાહેબ પાસેથી આના વિશે વધુ જાણ્યું અને પપ્પા ની ઈચ્છા હતી કે હું ડોકટર બનું પરંતુ મારે શૅર એક્સપર્ટ થવું હતું. આજે ઘણા લોકો મારી સલાહ થી લાખોપતિ કરોડપતિ થઈ ગયા છે. અને આ જીતુકાકા ને પણ ખબર નોહતી કે હું એના કર્મો જાણું છું. એટલે એપણ મારી જ સલાહ થી ફાઇનાન્સિયલ કામ કરતો. બે દિવસ પહેલા જ કરોડો માં દેવાઈ ગયો અને આજે લટકી ગયો. ખરેખર મમ્મી આજે પપ્પા નું શ્રાદ્ધ થયું. હવે એમના આત્મા ને શાંતિ મળશે. ઊર્મિલાબેન દીકરાને ભેટી ને ચોધાર આંસુએ સુરેશભાઈ ને યાદ કરતા રડી રહ્યા હતા. બીજા દિવસે છાપા માં હેડલાઈન હતી કે મશહૂર ઉદ્યોગપતિ જીતુભાઇ દવે ની આત્મહત્યા.
લેખક:- મેહુલ જોષી (શિક્ષક)
બોરવાઈ- મહીસાગર
(9979935101)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED