ખોફનાક ગેમ - 6 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 6 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ખજાનાવાળો ટાપુ

ભાગ - 2

‘‘મોગલો, બોટને ઊભી રાખવા કેટલું ઊંડાણ હશે તો ચાલશે...?’’ વિનયે પૂછ્યું.

‘‘લગભગ બારથી પંદર ફૂટ હોય તો ચાલે...’’

‘‘ઠીક છે. તમે બોટને અહીં જ થંભાવો હું પાણીમાં ઊતરી આગળ તપાસ કરી આવું છું...’’ ઊભા થઇ પહેરેલ પેન્ટ અને શર્ટને ઉતારતાં વિનય બોલ્યો.

શર્ટ ઉતારતાં જ વિનયનું સશકત શરીર સૂર્યપ્રકાશમાં ચળકી રહ્યું.

પેન્ટ ઉતારી વિનય બોટના ડેક પર બેસીને ધીરેકથી પાણીમાં સરી ગયો અને ધીરે ધીરે ટાપુ તરફ આગળ વધવા લાગ્યો. બેટના કિનારા પાસેના પાણીમાં સુંદર રંગબેરંગી માછલીઓ ચારે તરફ આમથી તેમ દોડી રહી હતી. ચારે બાજુ અજબ રંગ અને આકારનાં છીપલાં ફેલાયેલા હતાં. પેટાળની રંગીન દુનિયા નિહાળતાં નિહાળતા વિનય પાણીમાં જ આગળ વધતો રહ્યો. વચ્ચે બે વખત તે શ્વાસ લેવા માટે પાણીના ઉપર આવ્યો હતો પણ પછી ઝડપથી કિનારે પહોંચી ગયો. ટાપુનો કિનારો લાલ રંગની ચમકતી એકદમ ચોખ્ખી રેતીથી છવાયેલો હતો. સૂર્યના ત્રાસ પ્રકાશમાં રેતી સોનાના કણની જેમ ચમકી રહી હતી. કિનારે ઊભા રહી થોડીવાર તો વિનય કુદરતનો ચારે તરફ ફેલાયેલો નઝારો જોતો રહ્યો. પછી બોટ તરફ હાથ હલાવીને રાડ નાખતો તે બોલ્યો, ‘‘પ્રલય...પ્રલ...બોટને લઇને આવી જાવ. તળિયું ઊંડું છે. કમ...ઓન...’’

ડેક પર રેલિંગ પકડીને ઊભેલા પ્રલયે વિનયની બૂમ સાંભળીને તરત મોગલોને બોટ આગળ વધારવા સંકેત કર્યો અને થોડીવારમાંજ બોટ ખાડીમાં થઇને ટાપુના કિનારે પહોચી ગઇ. તરત જ કદમે લંગરને ફરાવી-ફરાવીને ‘‘ઘા’’ કર્યો. બોટ-કિનારા પર સ્થિર થતાં જ સૌ ઝડપથી કિનારે ઊતરી પડ્યા.

સાંજ પડવા આવી હતી. સૂર્યનો રતુંબડો રંગ ટાપુની ધરતી પર છવાઇ ગયો. કિનારા પર ફેલાયેલી લાલ રેતી ઔર લાલ ગુલાબી દેખાવા લાગી. ટાપુ ખૂબ જ સુંદર હતો. ચારે તરફ કિનારા પર નારિયેળી, બોટલ પામ તથા ખજૂરનાં વૃક્ષો છવાયેલાં હતાં.

સૌ થોડીવાર ટાપના કિનારે આજુ-બાજુ ફરતાં રહ્યાં. આજ ડેનિયલ ખૂબ જ આનંદમાં જણાતો હતો.

‘‘મિ. પ્રલય...હમણાં જ અંધકાર છવાઇ જશે. આપણે મોટરબોટ પર પરત ફરી જઇએ. અજાણ્યા ટાપુ પર રાત્રીના રહેવું જોખમભર્યુ છે. આપણે આપણી બોટ પર સલામત રહીશું. કાલ સવારના આપણે ટાપુ પર આવશું...’’ મોગલો બોલ્યો.

‘‘યસ...મિ. મોગલો...અત્યારે આપણે બોટ પર પરત ફરી જઇએ અને આનંદ માનવીએ, આજ તો ભોજનમાં તમારે સ્વીટ બનાવવી પડશે...’’

બોટ તરફ ચાલતાં-ચાલતાં હસતાં ડેનિયલ બોલ્યો.

‘‘હા...મોગલો...ડેનિયલ સાહેબનું સસુરાલ મળી ગયું અને કાલ તો તેને દહેજ પણ મળશે. માટે આજ લાપસી બનાવજો. ડેનિયલ સાહેબને ચાંદલો-ચોખા કરી લાપસી જમાડશું...કેમ...?’’

“યસ... મિ. કદમ, એકદમ પરફેક્ટ....” સમજ્યા વગર આનંદમાં ડેનિયલ બોલ્યો અને સૌ ખડખડા હસી પડ્યા.

ટાપુ પર ધીરે ધીરે અંધકારની ચાદર છવાતી જતી હતી. બોટ પર પહોંચી સૌએ કોફી અને નાસ્તો કર્યો પછી ડેક પર બેસી ટાપુનો નજારો જોતા રહ્યા અને ગપ્પાં મારતાં રહ્યા. ડેનિયલ આનંદમાં ને આનંદમાં ત્યાર સુધી ચાર પેગ લગાવી ચૂક્યો હતો.

રાત્રીને સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ સુંદર દેખાતો તે ટાપુ ભયાનક દેખાવા લાગ્યો. ચારે તરફ ગાઢ અંધકારમાં છવાયેલાં ઊચાં ઊંચાં વૃક્ષો ભયાનક ભાસતાં હતાં. તે વૃક્ષોમાંથી પસાર થતો પવન ભયાનક સુસવાટા મારતો હતો. ટાપુના ઊંડાણમાંથી રાની નિશાચર ટાપુઓની ભયાનક ત્રાડોથી આખો ટાપુ પર ખૌફ છવાઈ ગયો. રાત્રીના ભોજના કર્યા પછી સૌ મોડે સુધી ડેક પર બેસીને વાતો કરતા રહ્યા. લગભગ બાર વાગ્યાના સમયે સૌ ડેક પરથી ઊભા થયા અને આરામ કરવા કેબિન તરફ ચાલવા લાગ્યા. મોગલોએ ડેક પર જ ચાદર પાથરીને લંબાવ્યું.

સવારના સૌ જાગ્યા ત્યારે સૂર્ય ભગવાન પોતાનાં કિરણો રૂપી આશીર્વાદ ધરતી પર વરસાવી રહ્યા હતા. મંદ-મંદ ઠંડો પવન વ્હાઈ રહ્યો હતો.

સવારનો નિત્યક્રમ પતાવી સૌ ડેક પર આવ્યા અને સાથે બેસીને કોફી સાથે નાસ્તો કર્યો. ત્યારબાદ સૌ બોટ પરથી ટાપુ પર જવા રવાના થયા.

“આજ આપણે ટાપુ પર ચક્કર લગાવે મને તો આ ટાપુ પર માનવવસ્તી હોય તેવું લાગતું નથી.” એક સિગારેટ સળગાવતાં કદમ બોલ્યો.

“હા... મિ. કદમ, આ ટાપુ માનવ વસ્તીવિહોણો છે. પણ પ્રૃતિક સૌંદર્ય ખોબે-ખોબે ભરીને ચારે તરફ ફેલાયેલું છે...” ડેનિયલે સિગારેટ સળગાવતાં કહ્યું.

“મિ. ડેનિયલ... અત્યારે આપણે ટાપુ પર ચક્કર લગાવી આવીએ, ત્યારબાદ તમારો ખજાનો કઈ તરફ છે તે કહો એટલે શોધવા લાગી જઈએ...” ચાલતાં-ચાલતાં પ્રલય બોલ્યો.

“મિય ડેનિયલ... એક-બે દિવસમાં તમારો ખજાનો મળી જાય તો આપણે ખોપરીવાળા ટાપુ પર રળતીના થઈ જઈએ...” હસતાં-હસતાં વિનય બોલયો.

દરિયા કિનારે ચારે તરફ બોટલપામ, નારિયેળી, તાડ અને ખજૂરીનાં વૃક્ષો છવાયેલાં હતાં. તેઓ વૃક્ષોનાં ઝુંડમાંથી પસાર થતા આગળ વધ્યા. આગળ વધતાં સામેની તરફ સુંદર લાલ રેતીના ઢગલા જેવી નાની-મોટી ટેકરીઓ ફેલાયેલી હતી. સૌ વાતો કરતા કરતા ટેકરીઓવાળી દિશા તરફ જવા લાગ્યા.

ટેકરીઓ પસાર કરી તેઓ આગળ વધ્યા. ટેકરીઓના પાછળના ભાગ તરફ ચારે તરફ ગીચ જંગલ ફેલાયેલું હતું. જેમ જેમ જંગલમાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમ ટાપુનો સુંદર નઝારો ચારે તરફ ફેલાયેલો દેખાવા લાગ્યો. ચારે તરફ ઊંચા-ઊંચા ફેલાયેલા વૃક્ષોની વચ્ચે ધીરે ધીરે સુંદર ફૂલોના છોડે દેખાવા લાગ્યા. થોડા આગળ એક મોટી પહાડી પરથી ખળ-ખળનું સંગીત રેલાવતું ઝરણું વહી રહ્યું હતું. ઝરણાના કિનારે ચારે તરફ સુંદર ફૂલોના છોડ ફેલાયેલા હતા. એટલું મન-મોહક દૃશ્ય હતુ કે સૌ આનંદવિભોર થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં જાત-જાતનાં અલગ અલગ કલરનાં સુંદર ફૂલો છવાયેલાં હતાં. તેની આસ-પાસ જામપળ, કેળાં, સીતાફળ, દાડમના વૃક્ષો ફેલાયેલાં હતાં અને તેની પર ચારે તરફ ફળો લચી રહ્યાં હતા.

“વાઉ... વા... કેટલું સુંદર દૃશ્ય છે. વા.... ફૂલો તો જુઓ જાણે કોઈ ‘વેલી ઓફ ફલાવર્સ’માં આવી પહોંચ્યા હોએ તેવું લાગે છે.” બંને હાથ લાંબા કરતાં ભાવવિભોર બની પ્રલય બોલ્યો.

“અરે જુઓ તો ખરા કેટલી જાતનાં સુંદર ફૂલો છવાયેલાં છે. ગુલાબ, ડેઝી, ચંપો, જાસૂદ, કચનાર ‘અરે વા’ કેટલાં સુંદર છે. આ પુષ્પો...” આનંદ સાથે ઊછળતાં કદમે કહ્યું.

“અરે... આ જુઓ ચારે તરફ ફળો ઝાડ પર લચી રહ્યા છે. જુઓ તો ખરા, ફળો પણ કેટલાં મોટાં અને પાકેલાં સુંદર છે... અને આ જુઓ ચારે તરફ રંગ-બેરંગી પક્ષીઓ અરે સામે લાલ કલરનો પોપટ અને નાની-નાની રંગીન ચકલો જુઓ સામે મોટા વૃક્ષ પર ગોલ્ડન કલરનો કળા કરી બેઠેલો મોર...” વિનય આનંદથી નાચી ઊઠ્યો.

જ્યાં નજર પડે ત્યાં દૂર દૂર સુધી વૃક્ષોની હારમાળા વચ્ચે સુંદર ફૂલો છવાયેલાં દેખાતાં હતાં. ચારે તરફ રંગ-રંગીન પક્ષીનો મધુર કિલકિલાટ છવાયેલો હતો. પક્ષીઓના મધુર કલરવમાં ઝરણાના પાણીનો ખળભળાટ સંગીતનાં સૂર રેલાવતો હતો.

આટલું મન-મોહક દૃશ્ય કોઈ અજ્ઞાત ટાપુ પર હોઈ શકે તે કોઈ માની શકતું ન હતું.

‘અરે સૌ અહીં આવો જુઓ તો જરા...’ ફૂલના છોડો વચ્ચે આગળ ને આગળ વધી ગયેલા ડેનિયલે જોરથી રાડ પાડી, સૌને નજીક આવવા હાથનો સંકેત કર્યો.

ધીરે-ધીરે ફૂલોના છોડો વચ્ચેથી આગળ વધતાં સૌ ડેનિયલ પાસે પહોંચ્યા.

અતિરિક્ત આનંદ અને અનેરા આશ્ચર્ય સાથે મુગ્ધ બની સૌ જોઈ રહ્યાં.

ડેનિયલ ડેઝી ફૂલના છોડો વચ્ચ ઊભો હતો અને તેની ચારે તરફ છવાયેલાં રંગીન ફૂલો પર સોનેરી કલરનાં ખૂબ સુંદર પતંગિયાં ઊડી રહ્યા હતા.

“જુઓ... આ જુઓ ‘ગોલ્ડન બટરફલાય...’ મારા સ્વપ્નના ટાપુ પરનો અદ્ભુત નજારો...” પતંગિયાંઓ તરફ હાથ ફેલાવતો અતિરિક્ત આનંદ સાથે ડેનિયલ બોલી રહ્યો હતો.

ખરેખર... પતંગિયા ખૂબ જ સુંદર હતાં. તેની પાંખો એકદમ સોનેરી હતી અને તેના સૂર્યનો પ્રકાશ પડતાં ચારે તરફ સોનેરી ચમક પેદા થતી હતી. પાંખોની વચ્ચે ગોળ રાઉન્ડ હતો અને રાઉન્ડની વચ્ચે લાલ ટપકા હતાં.

‘માય.... ગોડ... અત્યાર સુધી આટલાં સુંદર પતંગિયાં મેં ક્યારેય જોયાં નથી...’ પ્રલય પતંગિયાંનું નિરીક્ષણ કરતો બોલ્યો.

કદમે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો અને પતંગિયાંના ફોટા લેવા લાગ્યો.

લગભગ કલાક સુધી સૌ કુદરતના તે ઉદ્યાનમાં ફરતા રહ્યા અને કુદરતના નઝારાને ધરાઈ ધરાઈને પીતા રહ્યાં. ત્યારબાદ સૌ ઝરણા પાસે આવ્યા. ઝરણાના કિનારે બેસી સૌએ ધરાઈને રણાનું પાણી લીધું. પાણી એદમ ઠંડું અને મીઠું હતું. ત્યારબાદ આજુબાજુ ઝાડ પરથી વિનય અને મોગલો ફળો તોડી આવ્યાં.

સૌએ પેટ ભરીને ફળોનો આહાર કર્યો.

લગભગ બાર વાગ્યાના સમયે તેઓ કિનારા તરફ જવા લાગ્યા. જ્યારે તેઓ મોટર બોટમાં પહોંચ્યા ત્યારે એક વાગ્યાનો સમય થયો હતો. કદમ અને મોગલોએ ફટાફટ ભોજન તૈયાર કર્યું. ડેક પર બેસીને સૌએ સાથે ભોજન કર્યું. આજ ડેનિયલ ખૂબ જ ખુશ જણાતો હતો.

બોજન કરી ડેનિયલે ફોલ્ડરમાંથી નકો કાઢ્યો અન ટેબલ ર પાથરી અને નકશાનું અધ્યયન કરવા લાગ્યો. પછી ખિસ્સામાંથી સ્કેચપેન કાઢીને અમુક અમુક જગ્યાએ ટપકા કરવા લાગ્યો. પૂરા એક કલાક સુધી તે નકશામાં ડૂબેલો રહ્યો.

‘હાશ...’ બંને હાથ ઊંચા કરી આળસ મરોડતાં ડેનિયલ ખુરશી પર પગ લાંબા કરી આરામથી બેઠા પછી સામે બેઠેલા પ્રલય સામે જોઈને તે બોલ્યો, મિ. પ્રલય આપણે હવે બોટને નહેરમાંથી બહાર કાઢી અને ટાપુના ઉત્તર ભાગમાં જઈએ આજ ફક્ત આપણે ખજાનાવાળા વહાણનું લોકેશન જોવાનું છે. તમે સૌ તૈયાર છો...?’ સૌ તરફ નજર ફેરવતાં તે બોલ્યો.

“ડેનિયલ સાહેબ અત્યારે ભરતી ચલુ છે. આપણી મોટરબોટ ઝડપથી નહરેની ખાડીમાંથી બહાર આવી જશે.” ઊભા થતા મોગલો બોલ્યો.

“ચાલો અમે સૌ તૈયાર જ છીએ...” ઊભા થઈ કદમ પણ બોલ્યો.

મોટર-બોટ ધીરે ધીરે નહેરની ખાડીમાંથી બહાર આવી રહી હતી. એન્જિન રૂમમાં મોટર-બોટ ચલાવતાં મોગલોની પાસે ડેનિયલ બેઠો હતો. સામે ડેસ્ક બોર્ડ પર નકશો પાથરેલો હતો. ડેનિયલ મોગલેને નકશામાં જોઈ દિશાની સિચ્યુએશન સમજાવતો જતો હતો.

ખાડીમાંથી બહાર આવી મોટર-બોટ દરિયામાં ટાપુને અર્ધ રાઉન્ડ ફરી ઉત્તર દિશા તરફ આગળ વધી રહી હતી. ડેનિયલ નકશાને જોતાં જોતાં સતત મોગલોને આદેશ આપતો જતો હતો. કલાકના સમયમાં તેઓ ટાપુની ઉત્તર દિશામાં પહોંચી ગયા, ઉત્તર તરફ ડેનિયલે બોટને આમથી તેમ રાઉન્ડ મરાવ્યા પણ તેને સંતોષ ન થયો.

સાંજ પડવા આવી હતી. સૂર્યો લાલગોળો પશ્ચિમ દિશા તરફ ઢળવા લાગ્યો હતો. ડેનિયલ નકશામાં જોઈ બોટને ઉત્તર દિશામાં ચક્કર લગાવતો રહ્યો. સૌ કંટાળ્યા હતા. પ્રલય, કદમ અને વિનય ડેક પર ઊભા ઊભા ચારે તરફ નિરીક્ષણ કરતાં વાતો કરી રહ્યાં હતાં. સાંજ ઢળી રહી હતી. દરિયાઈ પક્ષીઓ ક્વિક-ક્વિકનો કિલ્લો કરતાં ટાપુ તરફ ઊડી રહ્યા હતાં. ડેનિયલ એન્જિન રૂમમાંથી બહાર આવ્યો.

‘મિ. ડેનિયલ શું થયું ? ખજાનાવાળા જહાજનું લોકેશન મળ્યું...?’ વિનયે ઉત્સુકતાપૂર્વક પૂછયું. સૌ ડેનિયલના ચહેરા સમે તાકી રહ્યા.

‘ના, મિ. વિનય... નકશા પ્રમાણે તે જહાજ ક્યાં પડ્યું છે. તેની એકઝેટલી સિચ્યુએશન બેસતી નથી....’’ થાકેલા અવાજે ડેનિયલ બોલ્યો.

‘મિ. ડેનિયલ... સાંજ પડી ચૂકી છે... હમણાં જ અંધકાર છવાઈ જશે. હવે આપણે પરત ફરવું જોઈએ...’ કદમે કહ્યું.

‘યસ... આપણે પાછા જઈએ કાલ સવારના વહેલા પાછા આવશું.’

અને થોડીવાર પછી તેઓ પરત જવા રવાના થયા. યથાવત સ્થળે પહોંચ્યાં. ત્યારે ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. મોગલોએ ખૂબ કુશળતાપૂર્વક મોટર-બોટને નહેરમાં લઈ અને અખાત જેવા તે કિનારે લીધી.

રાત્રીના ભોજન પછી સૌ ડેક પર બેસીને વાતો કરી રહ્યા હતાં. એક ડેનિયલ જ તેઓની દૂર બલ્બના પ્રકાશની નીચે ટેબલ-ખુરશી રાખી ટેબલ પર નકશો પાથરીને એક ધ્યાને તેનું અધયાયન કરી રહ્યો હતો.

બીજા દિવસની સવારના સૌ વહેલા ઊઠી ગયા અને સૂર્યોદય થાય તે પહેલાં સૌ તૈયાર થયા. બોટને ખાડીમાંથી બહાર લાવીને ઉત્તર દિશા તરફ હંકારી મૂકી હતી. સૌ ડેક પર બેસી આરામથી વાતો કરતા-કરતા નાસ્તો કરી રહ્યા હતા, પણ ડેનિયલ તેઓથી થોડે દૂર ડેક પર ઊભા રહીને સિગારેટ પર સિગારેટ પી રહ્યો હતો. ચહેરા પર ચિંતાના ભાવ છવાયેલા હતા. રાતના ઉજાગરાથી તેની આંખો સૂજીને લાલ થઈ ગઈ હતી.

લગભગ બપોરના એક વાગ્યાના સયે એક સ્થળે ડેનિયલ બોટને થોભાવી.

“મિ. પ્રલય... આ આજ સ્થલ પર તે જહાજ ડૂબ્યું હતું...”

“મિ... ડેનિયલ.... તમને ખાતરી છે કે તે સ્થળ આ જ છે, તો આપણે તપાસ કરીએ...” વિનયે પૂછયું.

“યસ.... મિ. વિનય.... બસ આજ સ્થળ હોવું જોઈએ.... મિ. મોગલો, બોટને લંગર નાખો...” મોગલો તરફ ફરતા ડેનિયલ બોલ્યો.

“પ્રલય... વિનય... અહીં આવો...” ડેકના છેવડે જઈ ઊભા રહેતાં કદમ બોલ્યો.

“પ્રલય અને વિનય તરત તેની પાસે પહોંચ્યા.”

“કદમ... બોલ શું કહેવા માંગતો હતો...?”

“પ્રલય.... ખજાનો શોધવા માટે આપણા ત્રણમાંથી કોઈ બે વ્યક્તિને જ નીચે પાણીમાં જવાનું છે. આપણા ત્રણમાંથી કોઈ પણ એક મોટર-બોટ પર રહે કેમ કે મને ડેનિયલ કે મોગલો પર વિશ્વાસ નથી.”

“તારી વાત સાચી છે. કદમ... તું મોટર-બોટ પર રહેજે. પહેલાં હું દરિયામાં ઊતરીશ, પછી જરૂર પડતાં વિનયને બોલાવી લઈશ.”

“પ્રલય... હું તારી સાથે ચાલીશ. વિનય મોટર-બોટ પર બધું સંભાળી શકશે... હવે ચાલો ડેનિયલ પણા તરફ આવી રહ્યો છે. તેને વહેમ પડે તેવું કોઈ જ કામ આપણે નથી કરવાનું.”

“જુઓ મિ. પ્રલય, અહીં જ ક્યાંક તે જહાજ દરિયાના પાણીમાં હોવું જોઈએ, હવે તમે દરિયામાં ઊતરવાની તૈયારી કરો, હું તમને ચોક્કસ જગ્યા બતાવું. ત્યાં નીચે ઊતરી તપાસ કરવા માંડો.”

“ઓ.કે.... મિ. ડેનિયલ અમે તૈયાર જ છીએ...” કહી સૌ ડેનિયલ સાથે તેની કેબિન પર આવ્યા. ડેનિયલે પ્રલયને મરજીવાનો પોષાક સાથે ઓક્સિજન માસ્ક, સિલિન્ડર બધું જ કાઢી આપ્યું. પ્રલયે તરત તૈયારી કરવા માંડી.

***