DIWANI books and stories free download online pdf in Gujarati

દીવાની

"દીવાની , એ દિવાની..ચલ ઉઠ સાત વાગી ગયા છે. કોલેજમાં નથી જવું? હજુ કોલેજ શરૂ થવાને છ મહિના જ થયા છે. એમ આળસ કરીશ તો કેમ ચાલશે? ભણવું તો પડશે જ ને?" દીવાનીની માતા રમિલાબહેન દીવાનીને નીંદરમાંથી ઉઠાડતા કહેતાં હતાં.

દીવાનીના પપ્પા કલેકટર ઓફિસમાં અધિકારી તરીકે નોકરી કરતા હતાં. એક શહેરમાંથી તેમની અહી બદલી થઇ હતી. શહેરથી અજાણ હતા.પરિવારમાં બે જ દીકરીઓ હતી. દીકરાની ઝંખના હતી પણ એ નસીબે પૂરી ન થવા દીધી. મોટી દીકરી દીવાની શહેરની જાણીતી કોલેજમાં કોમર્સના બીજા વર્ષમાં ભણતી હતી. નાની બહેન સુહાની બારમાંમા ભણતી હતી. દીવાનીના પિતા કુંદનભાઈ જોશિયારા સરકારી અધિકારી હોવાને લીધે સરકારી ક્વોટામા શહેરની જાણીતી શાળા અને કોલેજના બંને દીકરીઓને પ્રવેશ મળી ગયો હતો. સ્વભાવે શાંત પણ શિસ્તપ્રિય એવા કુંદનભાઈ વહેવારુ અને આનંદ પ્રિય હતાં. જ્યારે દીવાનીની માતા રમીલાબહેન થોડા ઉગ્ર અને બોલકણા સ્વભાવના હતાં. આખો દિવસ બોલ બોલ કર્યા કરતા રહેતા.

દીવાની દેખાવમાં હિરોઈનથી કમ નહોતી. પાણીદાર માંજરી આંખો, ઘટાદાર લાંબા અને છૂટા વાળ, મધ્યમ ઊંચાઈ, ઝીરો ફિગર ધરાવતી દીવાની બોલવામાં મધુર. બોલે ત્યારે જાણે શબ્દો નહી પણ સુગંધી મઘમઘતા ફૂલો વરસતા હોય તેમ લાગતું હતું. બોલે ત્યારે જુદા ભાવ તરી આવે. હસે ત્યારે ગાલ પર ખંજન પડે. દાંત એકસરખા જાણે ચોકઠું બેસાડેલું હોય તેમ લાગે. નવીનવી ફેશનનાં કપડાં પેહરતી. તેની બહેન સુહાની પણ કઈ કમ નહોતી. કરિશ્મા અને કરીના કપૂરની જોડી જાણે.

દીવાની દેખાવમાં જેટલી સુંદર અને દેખાવડી તેટલી જ ભણવામાં પણ હોશિયાર હતી. હંમેશા સારા માર્ક્સસાથે પાસ થાય. સુહાની પણ બહેનની જેમ ભણવામાં હોશિયાર. સરકારી અધિકારીની દીકરી હોવા છતાંય તેમને કોઈ ઘમંડ નહોતો. બધા સાથે મિત્રતા હતી. કોલેજમાં બહેનપણીઓ તો હતીજ પણ છોકરાઓ જોડે પણ મિત્રતા કરી લીધી હતી.

દીવાનીને કોમેડી, રોમાંસ અને સંગીત પ્રધાન ફિલ્મો જોવી ગમતી જ્યારે નાની બહેન સુહાનીને રહસ્મયી, હોરર, સસ્પેન્સ ફિલ્મો જોવી ગમતી.

" હાય , ડીયર સંયમ, યાર એક નવી ફૂલઝડી આવી છે યાર. દોસ્તી કરવાનું મન થાય છે પણ પહેલ કરવાની હિંમત નથી થતી. તું કંઇક કર ને યાર. ચક્કર ચલાવ." મયંક સંયમને ઉત્સાહિત થઈ કહેતો હતો.

" જો ભાઈ મયંક , સાંભળી લે આપણે અહી ભણવા આવ્યા છીએ નહી કે રોમાન્સ કે ફ્લર્ટ કરવા આવ્યાં. સારું ભણી સારા નાગરિક બનવા આવ્યા છીએ. આપણા મા બાપની ઈચ્છાઓ પૂરી કરવા આવ્યાં છીએ. છોકરીઓ જોડે મિત્રતા કરવી હોય તો આપણે સામે ચાલીને શું કામ જવું? તું સારો રહે, ભણવામાં હોશિયાર રહે, સ્વભાવ મળતાવડો અને સારો રાખ, બધાને ઇજ્જત આપ, બધાની મદદ કર, બીજી પ્રવૃત્તિમાં પણ આગળ રહે તો છોકરીઓ આપમેળે તારી પાસે મિત્રતા કરવા આવશે. તારે જવું જ ન પડે."

" તું તો યાર મહારાજ સાહેબની જેમ વ્યાખ્યાન આપવા બેસી ગયો." મયંક ચહેરા પર રોષ ભાવ ઠાલવતા કહેતો હતો.

સંયમ સંયમમાજ રહ્યો. મયંકને પ્રત્યુત્તર આપવાનું મુનાસીબ નહોતું લાગ્યું. નાહકનું દલીલ બાજી ઉભી થઇ જાય અને સંબંધ બગડે. તે કરતા ચૂપ રહેલું સારું. મનમાં વિચારી મયંકને ફક્ત એટલુંજ બોલ્યો, "ચલ જોઈશું યાર હમણાં તો જઈએ કોલેજમાં. મોકો મળે તો કરી આપીશ મિત્રતા .ઓકે?"

" હમમ.. ઠીક છે" મયંકનો ટૂંકો જવાબ.
સંયમ ભણવામાં અવ્વલ હતો પણ ઇતર પ્રવૃત્તિમાં પણ અવ્વલ જ રહેતો. દેખાવમાં સોહામણો સંયમ કોલેજમાં જ્યારે પણ નાટકો થતાં નાયકની ભૂમિકા સંયમને જ કરવી પડે. છ ફૂટિયો સંયમ , મજબૂત શરીર બાંધો, કસાયેલું શરીર, પહાડી આવાજ સ્પીકરની જરૂર જ ન પડે. જેવું બોલે તેવા હાવભાવ ચહેરા પર દેખાતા. કાળી આંખો, ભરાવદાર મૂંછ, કાળા ભમ્મર વાળ, ગજબની હેર સ્ટાઇલ.

આવતા મહિને કોલેજમાં ત્રણ દિવસ વાર્ષિક સ્નેહ મિલન અને મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં એક રોમેન્ટિક નાટક પણ હતું. એ નાટક માટે પાત્રોની પસંદગી લગભગ પૂરી થઈ ગઈ હતી.ફક્ત નાયિકાની શોધખોળ
ચાલતી હતી.કોલેજમાં જ કોલેજની જેટલી પણ સુંદર છોકરીઓ હતી બધાનું એક દિવસ ઓડીશન થયું. ૫૦માંથી દસ છોકરીઓની પસંદગી થઈ . દસ માંથી કોઈ એકનું જ ભવિષ્ય જાગવાનું હતું. દસ માંથી ત્રણનું રિહર્સલ થઈ. આ ત્રણમાં એક હતી દીવાની જોશીયારા. નાયક તરીકે અર્થાત્ જ સંયમ કાપડિયાની અગાઉ પસંદગી થઈ જ ગઈ હતી.

દીવાનીની નાટક માટે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા માટે પસંદગી થતાં તે હર્ષ ઘેલી બની ગઈ હતી. ઘરે આવીને તેણીએ વાત કરતા બહેન સુહાનીનેને વળગી નાચવા લાગી. મમ્મી પપ્પા પણ ખુશ થઈ ગયા હતાં.

બીજે દિવસથી જ કોલેજમાં નાટકની રિહર્સલ નાટ્ય ગૃહમાં શરૂ થઇ ગઇ હતી. નાટકના બધા પાત્રો પોતપોતાના કિરદારને યોગ્ય ન્યાય આપવાની કોશિશ કરતા હતા. બીજા પાત્રો પણ અનુભવી હતાં એટલે રિહર્સલમા બહુ ખાસ તકલીફ આવતી નહોતી. દીવાનીને અનુભવ ન હોવાને લીધે નાટકના સંવાદો બોલવામાં તકલીફ થતી હતી. સંયમ અનુભવી હોવાથી દીવાનીને હિંમત આપતો. થોડો રમૂજ કરી લેતો જેથી દીવાની હળવાશ અનુભવે. સંવાદોમા ક્યાં ચઢાવ ઉતાર લેવાના, ક્યારે આવાજ ધીમો રાખવો ક્યારે ઊંચો રાખવો તે કહેતો હતો. અભિનયમાં કેવા હાવ ભાવ રાખવા તેનું માર્ગદર્શન આપતો. એક મહિના સુધી નાટકની રિહર્સલ ચાલતી હતી. રિહર્સલ બાદ નવરાશની પળોમાં સંયમ અને દીવાની વાતચીત કરતાં.બંને એકબીજાને પરિવાર વિશેની, તેમજ અંગત વાતોની આપ લે કરતાં. કોઈ વાર કોલેજની કેંટીનમાં ચા નાસ્તો પણ કરી લેતાં. કોલેજના સ્નેહમિલનનો દિવસ ઊગ્યો. દીવાની પહેલીજ વાર નાટક ભજવવાની હતી. અને તે પણ મુખ્ય નાયિકાની ભૂમિકામાં. મનમાં ગડમથલ થતી હતી. શંકાઓ ઉત્પન્ન થતી હતી કે બધાની સામે અભિનય બરાબર થશે કે નહી? ગભરામણ તો નહી થાય ને? દીવાનીની આ હાલત જોઈ સંયમ ધિરોસો આપતો." દીવાની, તું નાહક તનાવમા નહી રહે. મનથી સ્વસ્થ રહે. સામે દર્શકો છે તે ભૂલી જવાનું. તું રિહર્સલ કરતી છે તેમ જ માનવાનું શું? "

દીવાની મંદ સ્મિત રેલાવી સ્વસ્થ થઈ જતી. સંયમ પર તેનો પૂરો વિશ્વાસ હતો. નાટકનો સમય થઈ ગયો હતો. બંને સ્ટેજ ઉપર આવ્યાં દર્શકોએ તાળીઓથી વધાવ્યાં. નાટક ચાલુ થયું. દીવાની ઓતપ્રોત નાટકના પાત્રમાં તલ્લીન થઈ ગઈ હતી. નાટક પૂરું થયું ને બધાયે સંયમ કરતા દીવાનીના અભિનયની પ્રશંસા કરી. પરંતુ દીવાની એનો શ્રેય સંયમ નેજ આપતી હતી.

સંયમ અને દીવાની વચ્ચે ગાઢ મૈત્રી થઈ ગઈ હતી.બંને ક્યારે એક બીજાના નજીક આવી ગયા તે ખબર જ નહોતી પડી.

સંયમ " દીવાની, બી કોમ પછી આગળ શું કરવાની? મતલબ આગળ શું ભણવાની કે પછી .....

દીવાની," પછી..? આગળનું બોલો
સંયમ," મતલબ બી કોમ પછી લગ્ન કે આગળ ભણવાનું?
દીવાની," હમમ..જેમ મમ્મી પપ્પા કહે તેમ. ભણવાંનો વિચાર છે પણ સારા માગાં આવે તો પરણાવી પણ દે ખરા. નહી કોઈ મુરતિયો મળે તો એમ.સી. એ કરવાનો વિચાર છે."
દીવાની સંયમને ત્રાંસી આંખે જોતી હતી. સંયમના ચહેરાનું અવલોકન કરતી હતી. સંયમ થોડો અસ્વસ્થ જણાતો હતો. ચકળ વકળ થઈ ગયો હતો પણ તરત જ એને મનની સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી.
બંને એક બીજા સામે જોઈ મલકાયા
દીવાની, " તમે શું કરવાના એમ કોમ પછી?
સંયમ" સી.એ અથવા આઇ સી ડબલ્યુ એ.

એક દિવસ સંયમ લાગણીઓને રોકી ન શક્યો. લાગણીઓને બાહર આવવા દીધી અને લાગ જોઈને દીવાની આગળ પ્રેમનો એકરાર કરી લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. સંયમનો પ્રસ્તાવ સાંભળી દીવાની અસ્વસ્થ થઈ ગઈ. એ માનસિક રીતે હજુ એ વિશે તૈયાર નહોતી. એણે એના મમ્મી પપ્પાને આ વિશે જાણ નહોતી કરી. તેમને માહિતગાર કરી તેના મમ્મી પપ્પાનો શું વિચાર છે તે જાણવો હતો.
હજુ કોલેજનું ભણવાનું ચાલુ હતું.એક વર્ષ બાકી હતું.અત્યારથી એ બાબત વિચારીએ તો ભણવણમાં ચિત્ત નહી ચોટેં. ભણવા પરથી મન ઉઠી જાય.અત્યારે કરિયર પર ધ્યાન આપવાનું છે.એમ વિચારી દિવાનીએ મમ્મી પપ્પાના મરજીનું બહાનું સંયમ આગળ ધરી દીધું અને થોડા વખત માટે આ વિષય પર ચર્ચા નહીં કરવાનું મુનાસીબ સમજ્યું.

જોત જોતામાં બંને છેલ્લા વર્ષમાં આવી ગયા અને પ્યાર મોહબ્બતના તાણાવાણાની વાતોમાં આવી બન્ને છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા પણ આપી. પરીક્ષા આપી બધા એકબીજાને ભેટી છૂટા પડ્યા.કોઈ નોકરી કરવાના હતા,કોઈ બાપ દાદાના ધંધામાં જોડાવાના હતાં તો કોઈ બીજા શહેરમાં ભણવા જવાનાં હતાં તો કોઈ એજ શહેરમાં બીજી કોલેજમાં જવાનાં હતા. સંયમ મનથી અસ્વસ્થ જણાતો હતો.તેની માનસિક અસ્વસ્થતા જોઈ દીવાની પણ સંયમની દીવાની થઈ ગઈ હતી. તે પણ સંયમ સાથે જીવન વિતાવવાના સપના જોતી હતી. અત્યારે જો મમ્મી પપ્પા ને જાણ ન કરીએ તો સંયમ હાથમાંથી જતો રહે એમ વિચારી તેણીએ એક દિવસ પપ્પા મમ્મી આગળ સંયમ સાથેના સંબંધની જાણ કરી. બંને રાજી થઈ ગયા. બંને તરફથી આ સંબંધ માટે લીલી બત્તી થઈ ગઈ હતી. આ વાતની જાણ દીવાનીએ સંયમને કરતા સંયમ સંયમમાં નહોતો .ગેલમાં આવી ગયો.

એક સારો દિવસ જોઈ સંયમના માતા પિતા દીવાનીના માતા પિતા આગળ રીતસરના માગા નાંખવા ગયા.

દીવાની જોડે લાંબી મંત્રના કરી બહુ વિચાર્યા બાદ દીવાનીના પિતા કુંદનભાઇ જોશીયારાએ બંનેના સંબધં ઉપર મંજૂરીની મહોર મારી. સંયમ અને દીવાની રાજીના રેડ થઈ ગયા. બેઉ ભાવિ જીવનના સપના જોતાં થઈ ગયા.

લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ અને એ સમયે બંનેના લગ્ન પણ થઇ ગયા અને ગૃહસ્થાશ્રમમા પ્રવેશ મેળવી લીધો.

સંયમ એના માતા પિતાનો નાનો સુપુત્ર. સહુથી મોટો ગગન એક ખાનગી કંપનીમાં નોકરી કરતો. ગગન પરિણીત હતો અને ચાર વર્ષનો પુત્ર પણ હતો. ગગનની પત્ની લગ્ન પહેલા જોબ કરતી હતી પણ પુત્ર નાનો હોવાથી અને તેની દેખભાળ કરવા માટે નોકરી છોડી દીધી હતી. સંયમના પિતા એક ખાનગી પેઢીમા મુનીમજીની નોકરી કરતા હતા અને તેની મમ્મી ઘરકામ કરતા હતાં. આર્થિક પરિસ્થિતિ એકદમ સાધારણ હતી. પૂર્વજોની કોઈ જાયજાદ,મિલકત નહોતી. ફક્ત જે ફ્લેટમાં રહેતા હતા તે જ એમની મિલકત. બીજું કશુજ નહોતું. સંયમ અને ભાઈ ગગન વચ્ચે કોઈજ અણબનાવ નહોતો. સંયમ દીવાની કરતા બે વર્ષ સિનિયર હતો.દીવાની બી કોમના બીજા વર્ષમાં હતી તો સંયમ એમ કોમના પ્રથમ વર્ષમાં હતો. સંયમને સાહસિક પ્રવાસ ખેડવાનો શોખ હતો. પહાડીઓ,જંગલોમાં પ્રવાસે જવાનું એને ગમતું. કુદરતી વાતાવરણમાં મહાલવું એનો મનપસંદ શોખ. ઘણીવાર એ મિત્રો જોડે એવા પ્રવાસો કરી આવેલો.

સંયમ હનીમૂન માટે શહેરથી થોડેક દૂર પહાડી વચ્ચે જંગલ વિસ્તારમાં જવાનું વિચાર્યું. સંયમના આયોજનથી દીવાની થોડીક વીફરી હતી.
" આપણે નવ પરિણીત છીએ નહી કે સાહસિક. નવ પરિણીત હનીમૂન માટે કોઈ વિદેશમા રોમેન્ટિક સ્થળે અથવા આપણા જ દેશની રોમેન્ટિક સ્થળે જતા હોય છે અને તમે એક એવા છો કે જંગલમાં હનીમૂન કરવા વિચારો છો. કોઈને કહીએ તો મારી મજાક જ ઉડાવશે. મને મારી બહેનપણીઓ તો એમજ કહેશે કે તારા પતિ જંગલ ખાતાંમાં વન અધિકારીની નોકરી કરે છે કે શું? બીજા કોઈ સ્થળ દેખાયા નહી?"

સંયમ સમજાવતો હતો કે " એવું નથી. અહી પણ ઘણા પ્રેમી યુગલો, નવ પરિણીત યુગલો આવે છે. તું જોજે પ્રત્યક્ષ આંખેથી"

સંયમના સમજાવટથી દીવાની ના છૂટકે માની ગઈ હતી." જેમ તમે કહો તેમ.મારા પર તો હવે તમારો જ અધિકાર. હું હવે મારા મનની નથી."

લગ્નના પછીના બીજે દિવસે સત્ય નારાયણ ભગવાનની કથા થઈ હતી. તે પછીના ત્રીજા દિવસે બંને હનીમુંન જવા ઉપડ્યા. જે જગ્યાએ હનીમૂન માટે જવાનાં હતાં તે જગ્યાએ સરકારી બસ તેમજ ખાનગી વાહનો જઈ શકતા હતા. રહેવા માટે ત્યાં સરકારી ગેસ્ટ હાઉસો તેમજ માટીના અને નળિયાવાળા છાપરાના નાના ઘરો હતા. સાંજે ચાર વાગે બંને જણાં અહી અણજાણ સ્થળે પહોંચ્યા હતાં. સંયમે માટીનું એક નાનું મકાન ત્રણ દિવસ માટે ભાડેથી રાખ્યું હતું. મકાન માલિક બાજુના ગામડે રહેતો હતો.ઘરની દેખરેખ માટે એજન્ટ રાખ્યો હતો.એજન્ટ જ વહીવટ કરતો. એજન્ટને પૈસા ચૂકવી સંયમ અને દીવાની ઘરમાં પ્રવેશ્યા. ઘરની હાલત જોઈ દીવાનીની છિકા છિક ચાલુ થઈ ગઈ. કેટલા દિવસથી ઘરની સાફ સફાઈ થઈ નહોતી. સહુથી પહેલાં દીવાનીએ ઝાડુ હાથમાં લઈ આખું ઘર વાળી કાઢ્યું. સંયમે પણ સફાઈ કામમાં મદદ કરી હતી. રાતના ભોજન માટે આજુ બાજુ નાની નાની હોટેલો હતી. બંને જણાં થાકેલા હોવાથી આજે કશે જ ફરવા નહોતા ગયા. રાતના આઠ વાગે હોટેલમાંથી જમી આવ્યા અને વાત કરતા કરતા એક બીજાને બાઝી સૂઈ ગયા. સૂતા પહેલા મુખ્ય દરવાજો બરાબર બંધ કર્યો હતો પણ બારીઓ ખુલી રાખી હતી જેથી પવનની અવર જવર રહે. રાતના પવનના સૂસવાટા બોલતાં થયા. બારીઓ ધડામ ધૂમ અથડાતી હતી. દીવાની તો ઘેરી નીંદરમા હતી પણ સંયમની નીંદર ટૂટી. એ બારી બંધ કરવા ઉઠ્યો અને બારી પાસે ગયો. કઈ અજગતી હિલચાલ થયાનો એને ભાસ થયો. થોડીક વાર ઉભો રહ્યો. કોઈ ન દેખાતા. પાછો સૂઈ ગયો. કલાકની નીંદર બાદ રાતના સાડા બાર વાગ્યા હશે સંયમને કોઈ માણસના પગલાંનો આવાજ સંભળાયો. ફરી એ જોવા ઉભો થયો. જોઈને સ્તબ્ધ થઇ ગયો. એણે જોયું કે એક વૃદ્ધ માણસ એક હાથમાં લાકડી અને એક હાથમાં ફાનસ લઈ જતો હતો. થોડેક દૂર ગયા પછી એણે પાછળ વળીને જોયું પણ ખરું. એ વૃદ્ધ કોણ હશે તેનો તાગ મેળવતો હતો પણ એનાથી તે શક્ય ન બન્યું. એ અજાણ વૃદ્ધને ન ઓળખી શક્યો. આ બધી ઘટના બની ત્યાં સુધી દીવાની નીંદરમાં હતી. સવારે ઉઠીને સંયમે જ્યારે આ ઘટના ક્રમની જાણ કરી ત્યારે દીવાની ગભરાઈ ગઈ હતી.વધુ ચિંતિત લાગતી હતી. મકાન બદલવાનું સૂચન કરતી હતી.પણ સંયમે કહ્યું, ગભરા નહી દીવાની એક દિવસ જોઈએ ફરીથી આવું બને તો કાલે મકાન બદલી કાઢીશું.આજનો રાતવાસો આ ઘરમાં કરી લઈએ. સવારે નવ વાગે બંને જણાં પહાડી, ઝરણું અને જંગલ વિસ્તારમાં ફરવા નીકળી પડ્યા. ઝરણાંનું સંગીતમય વહેણ દીવાનીને તૃપ્ત કરી નાખ્યું. ઝરણાની નજીક જઈ એક પથ્થર પર બેસી વહેણ નું સંગીત ધ્યાનથી સાંભળતી હતી. ઝાડના પાંદડાઓનો સળવળાટ , પક્ષીઓની કલબલ , ચિંચિં કરતો મધુર અવાજ અને કોયલની કુહૂ કુહૂ સાંભળી દીવાની દીવાની બની ગઈ હતી. સંયમે ઝરણાની પેલે પાર આવેલ ટેકરી પર જવાનું કહ્યું. ઝરણાં પર એક નાનો અમસ્તો પૂલ હતો.તેના પરથી જઈ સામે ટેકરી પર જવાય એમ હતું.દીવાની રાજી થતાં બને એક બીજાનાં હાથમાં હાથ ઝાલી કુદરતી સૌન્દર્ય નિહાળતા નિહાળતા જતાં હતાં. બીજા પણ લોકો હતાં.કોઈ પરિવાર સાથે, કોઈ મિત્રો જોડે ,કોઈ પ્રેમી પ્રેમિકા તો કોઈ નવ યુગલો પણ હતાં. આ બધાને જોઈ દીવાની મનથી મજબૂત બની હતી. તેના મનમાંથી ડર નીકળી ગયો હતો. હવે બિન્દાસ્ત લાગતી હતી. અચાનક સંયમનો હાથ જકડી રાખી બોલી, " સોરી, મને ખબર નહોતી કે આટલી મસ્ત જગ્યા છે. મે તમને નાહક ટોક્યા અને અહી આવવા માટે વિરોધ કર્યો. કુદરતના ખોળામાં પ્રેમ રૂપી વર્ષના આનંદનો લહાવો માણવાની કઈ ઓર મજા છે. સારું કર્યું આપણે અહી આવ્યા તે.શહેરોમાં તો ઘોંઘાટ, દોડાદોડ, ગરમી એવા વાતાવરણમાં રોમાન્સની મજા નહિ આવે. બંને વચ્ચે રોમેન્ટિક વાતો થતી હતી.કોલેજકાળની વાતો,બચપણની વાતો, સિવાય રહી ગયેલ વાતોનો દોર ચાલ્યો. બધે ફરી આવ્યા પછી સાંજના સાત વાગે બધા પોત પોતાના કુટિર માં જતાં હતાં. સંયમ અને દીવાની પણ પોતાના મકાનમાં આવી પહોંચ્યા. ફ્રેશ થઈ હોટેલમાં જમવા ગયા. જમીને પાછા ટહેલતા ટહેલતા નવ વાગે મકાનમાં આવ્યા. મોબાઈલમાં વોટ્સ એપ ચાલુ કરી પરિવારો જોડે ચેટિંગ કરી.મોબાઈલમાં લીધેલ ફોટાઓ મોકલ્યા. સાથે સાથે અજાણ જગ્યાનું સરનામું, અને એજન્ટના ઓફિસનો ફોન નંબર પણ જણાવ્યો. કલાકની ચેટિંગ બાદ ફેસબુક પર પણ ફોટા મૂક્યા હતાં. રાતના અગિયાર વાગી ગયા હતા.બંનેને નીંદર સતાવતી હતી એટલે તરત પથારીને શરણે થયા. દીવાની બહુ થાકેલી હતી એટલે તરત સૂઈ ગઈ. રાતના ઠંડા પવનના સૂસવાટા બોલતાં હતાં. બારીઓ ધમ પછડા કરતી હતી. આજે ફરીથી સંયમને કોઈ માણસના પગલાંનો અવાજ સંભળાયો. એની નીંદર ટુટી. પથારીમાં જ સુતા સુતા એ અવાજની દિશા તરફ કાન સર્વે કર્યા. ચાલવાનો અવાજ જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ વધતો હતો. આ વખતે સંયમે પાકું વિચારી લીધું હતું કે જેવો ફાનસ વાળો વૃદ્ધ નજીક આવે એટલે તરત એણે પકડી લઉં અને ખખડાવી દઉં. સંયમ સતર્ક થઈ ગયો હતો. દીવાનીને સુવા દીધી. એ એકલોજ ધીમેથી બારણાં ખોલી બાહર આવ્યો. ત્યાર સુધીમાં આગંતુક થોડો દૂર જતો રહ્યો.સંયમે એનો પીછો કર્યો. ઘરથી લગભગ અડધો કી.મી દૂર સુધી પીછો કર્યો.એક ઘટાદાર વૃક્ષની નીચે એ વૃદ્ધ ઉભો રહ્યો. સંયમ નજીક આવતાની સાથે એણે સંયમ સામે જોયું. સફેદ દાઢી, માથે સફેદ વાળ ,કરચલી વાળી ચામડી, ધ્રુજતા હાથે ફાનસ સંયમની મોં આગળ ધર્યું. વૃદ્ધનો ચહેરો અને આંખો જોઈ સંયમ ક્ષણિક ગભરાયો. સંયમે તરડાઈને પૂછ્યું કે તમે કોણ છો? રોજ રોજ કેમ અમારા ઘર તરફ આવો છો? શું કામ છે તમને?

વૃદ્ધે એક શબ્દ પણ ઉચ્ચાર્યા વગર ઇશારાથી બંને હાથ પોતાના કાને લગાડી માફ કરો એમ ઇશારાથી કહી ચાલવા માંડ્યો. સંયમ જ્યારે પાછો મકાન તરફ આવવા નીકળ્યો અને પહોંચતાં એની નજર બારી પર ગઈ. ચાંદની રાતમાં બારી પર કંઇક ભીનું ભીનું એણે જોયું. થોડો નજીક ગયો.બારી ગમે જોયું. જોઈને ને ચકીત થઈ ગયો." ઓ બાપ રે, લોહીના ડાઘા? લોહીના લીસોટા જોઈ એ ભયભીત થઈ ગયો. એણે દીવાનીને ઉઠાડી અને ગભરાતા ગભરાતા પૂછ્યું, " દીવાની ,અહી કોઈ આવેલું મારા ગયા પછી?"
" ના મને તો કઈ જ ખબર નથી.હું તો ઊંઘતી હતી.તમે જગાડી ત્યારેજ જાગી? અને તમે ક્યાં ગયા હતાં ભળતી રાત્રે?
સંયમે આખી હકીકત વિગતવાર કહી. સંયમને ગભરાયેલો જોઈ દીવાનીએ તરત પીવા માટે પાણી આપ્યું. સંયમે એકી શ્વાસે પાણી પી ગયો. રાતના એક વાગી ગયો હતો. હવે બીજે કશે જવાનો મતલબ નહોતો રાત અહીં રોકવું પડે એમ હતું. વારા ફરતી બંને એ જાગવાનું અને એક સૂઈ જવાનું નક્કી કર્યું. દીવાની સૂઈને ઉઠી હતી એટલે એ જાગતી રહી અને સંયમ સૂઈ ગયો પણ મનમાં ડર ઘર કરી ગયો હતો. જેમ તેમ ઊંઘી ગયો. રાતના અઢી વાગે ઉઠ્યો. હવે સૂવાનો દિવાનીનો વારો હતો. સંયમે જાગવાનું હતું. દીવાની સૂઈ ને ઉઠી હતી એટલે જલ્દી ઊંઘ આવતી નહોતી. આમ તેમ પડખા ફેરવતી રહી અને વિચારોના ચકડોળે ચઢી ગઈ. વિચારોને વિચારોમાં એની આંખ અનાયાસે બંધ થઈ ગઈ અને નીંદરની સોઢમાં ભરાઈ ગઈ. સાડા ત્રણ વાગે ફરીથી એ વૃદ્ધ ફાનસ લઈ સંયમ તરફ આવતો હતો. આ વખતે અહીં જ પકડી પાડી ગોંધી રાખી અને સવારે પોલીસને હવાલે કરી દઈશું એમ વિચારી એ ઘરની બહાર આવ્યો અને વૃદ્ધને પકડવા હતો એટલી વારમાં તો વૃદ્ધ ત્યાંથી ચાલી નીકળ્યો. આ વખતે એ બીજી દિશા તરફ ગયો હતો. સંયમે તેનો પીછો કર્યો. નજીક જઈને જોયું તો એ અચાનક ગાયબ થઇ ગયો હતો. થોડીવાર સંયમ ત્યાજ ઉભો રહ્યો પણ વૃદ્ધ દેખાયો નહીં. ઘરમાં દીવાની એકલી હતી એટલે એ તરત દોડતો દોડતો ગયો.ઘરમાં પ્રવેશ્યો.જોયું તો હેબતાઈ ગયો. દીવાની જગ્યા પર નહોતી. શોધ ખોળ આદરી પણ વ્યર્થ. દીવાની અચાનક બહારથી આવી. આવતાની સાથે સંયમે પૂછ્યું," ક્યાં ગઈ હતી?
" તમને શોધવા ગઈ હતી.
"સંયમનું વિકટ હાસ્ય..દેશી..ગામડાની ભાષા... દીવાની ને બબલી કહેતો..

દીવાનીએ પૂછતાં સંયમ ખડખડાટ વિકટ હાસ્ય હસવા લાગ્યો. ગામડાની દેસી ભાષામાં વાત કરતો હતો.
" બબલી, હેડ ને ખેતરમા .તને તારા બાપા ને સારું ઉલ્લુ બનાવતા આવડસ . આપડે તે દિનની જમ મસ્તી કરહુ..સાલ.." સંયમ દીવાનીનો હાથ ખેચવા લાગ્યો. દીવાનીએ જોરદાર ઝાટકો આપી સંયમને ધક્કો માર્યો અને એનાથી દૂર ખસી ગઈ. દીવાની બહુજ ગભરાઈ ગઈ હતી. સંયમનું વિકરાળ સ્વરૂપ જોઈ હેબતાઈ ગઈ હતી. રાતનો સમય હતો .કોઈને મદદ માટે બોલાવ્યા એવું હતું નહી.

થોડી વારમાં સંયમ નોર્મલ થઈ ગયો. દીવાનીએ પૂછતાં સંયમ બોલ્યો, " હું તો નોર્મલ જ હતો. ક્યાં હસતો હતો? તું રડતી હતી તે પણ મને ખબર. તે સપનું જોયું હશે.ચલ સૂઈ જા.હમણાં સવાર પડે એટલે બાહર નીકળીએ."
દીવાની શાંત પડી પણ સંયમ પર એનો ભરોસો નહોતો.સંયમને એ શંકાની નજરે જોવા લાગી. વધુ વાતચીત કરવાનું ટાળતી.

બંને સવારના નવ વાગે બાહર નીકળ્યા.દીવાની સંયમથી થોડેક દૂરથી ચાલતી. અડધે સુધી આવ્યા અને દીવાની અચાનક ઉભી રહી મોબાઈલ ઘરમાં જ ભૂલી આવી ની જાણ કરતા કહ્યું, "હું મોબાઈલ ભૂલી આવી હમણાંજ લઈ આવું છું.તમે જતા થાઓ."

દીવાની મોબાઈલ લઈ થોડીક વારમાં આવી ગઈ. સંયમની સમીપ આવી ચાલતી હતી. દીવાની ચાલવામાં પાછળ રહી ગઈ હતી.સંયમે પાછળ વળીને જોયું તો દીવાની દેખાઈ નહીં.આમતેમ જોયું, દીવાનીને બૂમો પાડી. એટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગઈ? હાફળો ફાફ્ળો થઈ આમતેમ જોતો હતો.પગલાના નિશાન જોઈ તાગ મેળવ્યો. એ દિશામાં થોડેક આગળ ગયો. જોઈ અવાક્ પામ્યો. એણે પાછળથી જોયું દીવાની કોઈની જોડે હાથમાં હાથ ઝાલી ચાલતી હતી. એણે બૂમ પાડી " દીવાની" પણ દીવાનીને સંભળાયું નહોતું. કોણ હતો યે યુવાન જે દીવાનીનો હાથ ઝાલી ચાલતો હતો? સંયમ ને પાછળથી એ યુવાન એનો ખાસ મિત્ર મયંક જેવો લાગતો હતો. રસ્તો ઓબડ ખાબડ ઝાડી ઝાંખરા વાળો હતો એટલે દીવાની સુધી પહોંચવામાં તકલીફ થતી હતી. હવે સંયમ એમનાથી થોડેક જ દૂર હતો .બૂમ પાડી દીવાની ..દીવાની... અને મયંક જેવો દેખાતો યુવાન ઝાડીમા ગાયબ થઈ ગયો. એક ઝાડ નીચે સંયમ ઉભો રહ્યો. પાછળથી કોઈએ તીક્ષ્ણ હથિયારથી સંયમના માથા પર જોરદાર ઘા કર્યો. સંયમ બેભાન જેવો થઈ ગયો. માથામાંથી લોહી ઘળઘળા વહેતું થયું. માથું પકડી એણે પાછળ જોયું.પણ આંખે અંધારા આવી ગયા હતા એટલે મારનાર વ્યક્તિનું મોં સ્પષ્ટ દેખાયું નહિ. પણ દીવાની જેવો ચેહરો અસ્પષ્ટ દેખાયો. સંયમ કઈ બોલવા જતો હતો એટલે ક બીજો ઘા કર્યો. સંયમે જોરદાર ચીસ પાડી " દીવાની" અને એ જમીન પર ઢળી પડ્યો. સંયમની ચીસ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા. દીવાની પણ દોડી આવી. લોકોએ સ્થાનિક પોલીસને બોલાવી. ત્રણ પોલીસ અને એક પી.એસ.આઇ ઘટના સ્થળે આવ્યા.આ કોણ છે ? આની સાથે કોણ છે? તે પૂછતાં દીવાની રડતા રડતા બોલી કે હું " એમની પત્ની છું દીવાની . હું મોબાઈલ લેવા ગઈ હતી. એમની ચીસ સાંભળતા દોડતી આવી. જોયું તો આ હાલતમાં જોવા મળ્યા."
પોલીસે દીવાનીના મોબાઈલથી દીવાનીના માતા પિતાને ફોન કર્યો. બે કલાકમાં બંનેના માતા પિતા આવી પહોંચ્યા. લાશનો કબ્જો પોલીસે લઈ લીધો હતો. પોલીસ સ્ટેશને દીવાની અને બીજા ભેગા થઈ ગયા હતાં.દીવાની રડ્યાજ કરતી હતી. પોલીસે શાંત રહેવા તાકીદ આપી.

બે કલાકમાં બંનેના માતા પિતા,સંયમના ભાઈ ભાભી આવી પહોંચ્યા. રડતા રડતા દીવાનીએ આખી ઘટના કહી. બધા લાશ નજીક નીચે બેસી રડતા હતાં . અચાનક કોઈ છોકરીનો હસવાનો આવાજ સંભળાયો. બધાયે ઉપર જોયું તો જોઈ હેબતાઈ ગયા. દિવાનીનું રૌદ્ર સ્વરૂપ જોઈ અને ખડખડાટ વિકટ હાસ્ય જોઈ અવાક્ પામ્યા. દીવાનીના પિતાએ પૂછ્યું , " દીકરા , તું કેમ એવું હસે છે? તારો પતિ હણાઈ ગયો ને તું ખડખડાટ હસે છે? "
સંયમના પિતા બોલ્યાં, " દીકરા શું બગાડ્યું હતું સંયમે? તમારા મરજીથી લગ્ન કરાવ્યા હતા? તે કેમ એવું પગલું ભર્યું?

" હમમ.હા..હા..હા..કોણ દીવાની અને કોણ સંયમ. હા..હા..હા..હું દીવાની નથી..હું બબલી છું..બબલી..ખડકી ગામના ગરીબ ખેત મજુર રમણીકની દીકરી.
આ સંયમ નથી આ મારો લછયો છે..હા...હા મારો લછયો..
દીવાની હસતા હસતા વિગત કહેતી હતી..

આજથી ૫૦ વર્ષે પૂર્વે ખડકી ગામડે હું મારા ગરીબ ખેત મજુર માતા પિતા જોડે રહેતી હતી. આ લછયો પણ રહેતો હતો. મારું રૂપ અને યૌવન જોઈ એ મારા ઉપર મોહી પડ્યો. હું એને ભોળો સમજી એને દિલ દઈ બેઠી.
હું વીસ વરસની જોબનવંતી છોકરી એકાએક વરસી પડી ને ભીંજાયો લછયો.
વેલીની જેમ વળગી પડી ,ને જકડાઈ ગયો લછયો.
અલબેલી ઓળઘોળ થઈ ને તરબતર થઈ ગયો લછયો
અમે બેઉના જીવનમાં વરસ્યો પહેલો વરસાદ
આંબાના ઝાડ નીચે પ્રેમ પાંગર્યો કેરી જેવો મીઠો મીઠો .અમારા પ્રેમની મધુરતા છવાઈ ગઈ. ફૂલની સુગંધ ની જેમ બેઉની જિંદગીઓ ફોલી રહી. બેય હળવા લાગ્યાં મળવા લાગ્યા .વગડા વચાળે મીઠા મીઠા ફળ ચાખવા લાગ્યાં. બેય ખૂબ પ્રેમ કરતા હતાં. બંને તેટલો છાનો માનો..છુપો છુપો.

અમો ચૂપકે ચૂપકે ખેતરમાં મળતા. એક વાર એને શરીર સુખ માણવાની જીદ પકડી. મે એની જીદ આગળ નમી મારી જાતને આ લંપટ આગળ સોંપી દીધી. મને અપવિત્ર કરી. ઘણી વાર એને શરીર સુખ માણ્યું. એક વાર મે લગ્નની વાત કરતા એ ઉડાઉ જવાબ આપ્યો હતો. અને થોડા દિવસ પછી ગામમાં દેખાતો બંધ થઈ ગયો. ક્યાં ગયો તે મને કહીને નહોતો ગયો. એક નહી પૂરા પાંચ વર્ષ મે એની રાહ જોઈ. ગામમાં બીજા યુવાનો ભૂખ્યા વરુની જેમ મારા પર તરાપ મારવાની કોશિશ કરતા હતા. એ પાંચ મવાલીઓ આગળ હું એકલી ઝઝૂમી હતી. અંતે નદીમાં છલાંગ મારી. મને તરતા આવડતું હતું એટલે હું તરીને પેલે પાર ગઈ. મારા માતા પિતા આ ઘટનાનો આઘાત જીરવી ન શક્યા. આઘાતમા પિતાને હ્રુદય રોગનો હુમલો થયો ને તરફડી મરી ગયા. તેમનું મોત નિપજતા મારી મા બેભાન થઈ ગઈ હતી. હોંશમા આવતાની સાથે ઘરમાં ઘાસ કાપવાનું ઓજાર હતું.ઘડીનો વિલંબ કર્યા વગર પેટમાં ઘોચી જીવન ટુપાવી દીધું. હું જંગલમાં રખડતી,રઝળપાટ કરતી એક નાના ગામમાં આવી. ત્યાં એક સત્યવાદી સાધુ બાબા હતાં. તેમના શરણે ગઈ. મે મારી હકીકત બયાન કરી. તેમને મને શિવજીની ભક્તિ કરવા કહ્યું. અને કહ્યું તારો બદલો તું આવતા જનમમા લઇ શકીશ. તે માટે તારે ૫૦ વર્ષની રાહ જોવી પડશે. મૈં તૈયારી દર્શાવી હતી. કેમે કરી મારે બદલો લેવો હતો.

તેમણે કહ્યું કે આવતા જનમમાં તું એક સંસ્કારી અને સરકારી ઓફિસરના ઘરે દીવાની નામથી જન્મ લઈશ. અને એ લંપટ હવસખોર લછયો એક સામાન્ય પરિવારમાં જન્મ લેશે. સ્વભાવે સારો રહેશે .તારી મુલાકાત કોલેજમાં થશે અને નામ એનું ' સ ' અક્ષર પરથી રહેશે.

"મે સાધુને પૂછ્યું હું કેવી રીતે ઓળખીશ? "

" તમારા લગ્ન થશે. લગ્નના થોડાક જ દિવસમાં એક એવો પ્રસંગ કે ઘટના બનશે અને એના બોલવા પરથી તને અચાનક યાદ આવી જશે" સાધુએ મને જવાબ આપતા કહ્યું હતું.

એ સાધુ જ્યાં રહેતો હતો એજ અતિ નાના ગામમાં હું મારું નામ ગમલી રાખી રહેતી હતી. એક દિન એ ગામમાં ચાર પાંચ યુવાનો ફરવા આવ્યાં. હું મંદિરે જતી હતી. યુવાનોની નજર મારી ઉપર પડી. એક યુવાને મને ઓળખી લીધી હતી. મારો એકલતાનો લાભ ઉઠાવવાના ઇરાદે તેમનામાં ભૂખ્યા વરુની વાસનાની ભૂખ જાગી અને મારી ઉપર ટૂટી પડ્યા. મારું શીલ ભંગ કર્યું. હું મારો જીવ બચાવવા જંગલમાં આમતેમ ભાગતી હતી. ભાગતા ભાગતા મારો પગ લપસ્યો. હું મારું સંતુલન જાળવી ન શકી અને ગબડતી ગબડતી ઊંડી ખાઈમાં પડી. હું મરણવશ થઈ ગઈ હતી. ખાઈના તળીયે બે જણI ઢોર ચરાવવા આવ્યા હતા. મારી હાલત જોઈ તે લોકો મને વૈદ્ય પાસે ઉંચકીને લઈ ગયા પણ ત્યાં સુધી હું બેહોશ થઈ ગઈ હતી. લોહી વહી ગયું હતું. માથામાં ગંભીર ઇજા થઇ હતી. મે એ બે છોકરાઓને જોયા જે મને વૈદ્ય પાસે લઈ ગયા. મે તેમની સામે કૃતજ્ઞતાથી મારો હાથ ઊંચો કર્યો .બીજી જ ક્ષણે મારી આંખો ખુલી રહી ગઈ અને પ્રાણે શરીર ત્યાગી દીધું.

ગઈ કાલે રાતે જે બનાવ બન્યો ત્યારે સંયમે ગામડાની ભાષા વાપરી જે લછયો બોલતો એવીજ ભાષા અને લહેકામાં બોલ્યો એટલે હું ચમકી અને મને ગયા જન્મમાં સાધુએ જે કહ્યું હતું તે જેમની તેમ એક એક શબ્દ યાદ આવ્યો. હું તરત જ ઓળખી ગઈ કે આ એ જ હવસખોર અને લંપટ લછયો છે જે મારા માં બાપનો હત્યારો છે. મે તે જ રાત્રે મનમાં બદલાની ગાંઠ વાળી. સમય જોઈને મે એનું કાસળ કાઢયું. મને બિલકુલ પસ્તાવો નથી. મને મારો નહી પણ મારા મા બાપનો બદલો લેવો હતો જે ૫૦ વર્ષે પૂરો થયો.
ખડખડાટ હસતી દીવાનીના શરીરમાંથી બબલીનો આત્મા નીકળી ગયો અને હવે એ પૂર્ણત: દીવાની હતી.

પોલીસે દીવાનીના મતલબ બબલીના બયાનની નોંધ લીધી. મહિલા પો.કો.ને દીવાનીને હિરાસતમાં લેવા આજ્ઞા કરી. દીવાનીના માતા પિતા એ બહુ વિનંતી કરી પો. ઇને કે દીવાનીના મતલબ બબલીના સાચા બયાનને આધારે મુક્ત કરી દો.

પો. ઇ કહ્યું, " આ પોલીસનો મામલો છે. કાયદો સબૂત માગે છે. સબૂતને આધારે મુક્ત કરાય છે. દીવાનીજે પૂર્વ જન્મની કહાની કરી તેના પર કાયદો કે પોલીસ વગર સબૂત માન્ય નહી રાખી શકે. દીવાની અને સંયમની લાશ અમારા કબજામાં રહેશે. લાશને પોસ્ટ મોર્ટમ માટે હમણાંજ શહેર મોકલી દેવામાં આવશે. પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવે એટલે તમને જાણ કરવામાં આવશે. પછી લાશનો કબ્જો તમને સોંપવામાં આવશે. પોલીસની નજરે દીવાની ખુની છે. એની પર કેસ થશે. અને જેલની સજા થશે.
સજા દરમ્યાન એનું વર્તન સારું રહેશે તો પોલીસ મુદત પૂરી થાય તે પહેલા જેલ મુક્ત કરવાની ભલામણ કરીશે ."

દીવાની પોલીસ હિરાસતમાં હતી. તેના માતા પિતા અને સંયમના માતા પિતા અને ભાઈ ભાભી રડતા નયને પાછા ફર્યા. દીવાની ચોધાર આંસુએ રડતી હતી.

સમાપ્ત...

.......... ભરતચંદ્ર શાહ.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED