kodiyu books and stories free download online pdf in Gujarati

કોડિયું (દીવો)

*કોડિયું ( દીવો)*

આમ તો મેં બહુ જગ્યાએ પ્રવાસ કર્યો પણ આ વખતનો પ્રવાસ અણધાર્યો પ્રવાસ યાદગાર રહી જાય તેવો છે. મિત્રોએ અચાનક જ પરિવાર સાથે અનજાણ જગ્યાએ અણધાર્યા પ્રવાસનું આયોજન કર્યું હતું. ચોમાસાનો મોસમ હતો. વરસાદ મનમૂકીને હેલિયે ચઢ્યો હતો. ધરતી માતા હરિયાળીથી શણગારાઇ હતી. ભીની માટીની સોડમ ચારેકોર ફેલાઈ હતી. મોસમ રોમેન્ટિક હતો. ત્રણ પરિવારના ફૂલ નવ સભ્યો જેમાં ત્રણ બાળકો હતાં. બધા અણધાર્યા પ્રવાસની મોજ માણવામાં મશગુલ હતાં. બધાને ઉત્કંઠા જાગી હતી કે અનજાણ જગ્યા કેવી હશે? શહેરથી લગભગ ૪૦૦ કી.મી.દૂર દક્ષિણે ડુંગરાળ અને ગીચ વનરાજી ,દરિયા કિનારો જ્યાં પક્ષીઓનો કલબલાટ ઊડાઊડ ,પશુઓની ચહલ પહલ,આવન જાવન ,દોડાદોડ, તેમાં વળી વિશાળ દરિયાઈ કિનારો.એવી જગ્યાએ ભાગ્યેજ કોઈ જતું હોય.

સાંજના ૪ વાગે બોલેરો લઈ અમે બધા પરિવારજનો સાથે ખાવા પીવાની તેમજ સ્વબચાવ માટેની વસ્તુઓ ,જરૂરી દવાઓ, ચાદર,ચટાઈ,રમતના સાધનો,વગેરે લઈને નીકળ્યા હતાં. થોડેક દૂર એટલે કે ૧૦૦ કી.મી.સુધી પહોંચ્યા ને ઝરમર વરસાદ ચાલુ થયો. રસ્તાની આજુબાજુ ચારેકોર હરિયાળી છવાયેલી હતી. જાણે ધરતીએ લીલી ચાદર ઓઢેલી હોય તેવું લાગતું હતું.

જે જગ્યાએ જવાનાં હતાં તે વિકસાવેલો
નવો દરિયા કિનારો છે. અપ્રતિમ કુદરતી સૌન્દર્ય, વિશાળ દરિયો તટ, આ બધું આનંદમાં ઉમેરો કરનારું હતું. ગાડીમાં અંતાક્ષરીની રમઝટ જામી હતી. રસ્તામાં ૩ કલાકના પ્રવાસ બાદ સાંજે લગભગ ૭ વાગે એક હોટેલમાં એક કલાકનો મુકામ કર્યો હતો.
કુદરતી સૌન્દર્યને કેમેરામાં કેદ કરતા હતા,કોઈ ચાની ચૂસકી અને નાસ્તાને ન્યાય આપતા હતા. અમારી સાથે બીજા લોકો પણ પરિવારો સાથે હતાં. તેમજ કોલેજીયન યુવકો અને યુવતીઓ પણ હતી. યુવકો અને યુવતીઓ કોઈ ભેદી વસ્તુની ખોજમાં જતા હતા એવું તેમના વાતચીત પરથી પ્રતીત થતું હતું. મે મનમાં વિચાર્યું કે એવી કઈ ભેદી વસ્તુની ખોજમાં આ લોકો જતા હશે? મારું મન થયું કે એ લોકોને પૂછી લઉં પણ બધાયે ના પાડી કે અજાણ છોકરાઓ છે કઈ ભેરવી નાખે તો? પણ પરિવારના શંકાનું નિવારણ થઈ ગયું હતું. અમારી સાથે જે બીજા પરિવારો હતાં તેમાંથી એક ભાઈ હિંમત કરીને બે કોલેજીયન છોકરાઓને પૂછી જ લીધું કે કઈ ભેદી વસ્તુની ખોજ કરવા તમે જઈ રહ્યા છો?

કોલેજીયન છોકરાઓના કહ્યા મુજબ ત્યાં એક અજબ વૃદ્ધ માણસ તેના પૌત્ર સાથે રહે છે અને તેમની પાસે એક એવી વસ્તુ છે જેથી માણસ રાતોરાત માલામાલ થઈ જાય છે. મતલબ કોઈ જાદુઈ કે મંત્ર સિદ્ધ કરેલું અલગ જ ધાતુનો કોડિયું ( દીવો) છે . પૂજામાં મૂકી દીવાને પ્રકટાવી તેમાંથી અજીબ માનવ આકૃતિનું એલીએન પ્રકટ થાય છે અને એ ઈચ્છાઓ પૂરી કરે છે. હવે એ જાદુઈ કે મંત્ર સિદ્ધ કોડિયું ( દીવો) કેવી રીતે મેળવવાનો તેની મથામણ કરતા હતાં. તેમની વાત સાંભળી મારામાં પણ ઉત્કંઠા જાગી. કેમે કરી કોડિયાંનું રહસ્ય જાણવું.

મે પૂછ્યું," ભાઈઓ, આ સમાચાર તમને કોણે કીધાં? તમે ક્યાંથી જાણી લાવ્યાં? ક્યાંથી ખબર પડી તમને?

"અંકલ, અમોએ થોડા દિવસ પહેલા છાપામાં આ વિશે વાંચ્યું હતું. પણ ત્યાં કેવી રીતે જવાનું? ક્યાંથી જવાનું? કોણે પૂછવું ? તે અમોને ખબર નહોતી. આ અનજાણ દરિયો કિનારો ક્યાં છે તેટલું જ લખેલું હતું." એક છોકરાએ કહ્યું.

એક કલાકના વિરામ બાદ રાતના આઠ વાગે અમો ત્યાંથી નીકળ્યા. અમારી પાછળ પાછળ કોલેજીયન યુવાનો અને યુવતીઓ પણ નીકળ્યા. ગાઢ જંગલ, રસ્તો સૂમસામ, ઘોર અંધારીયું, ઝરમર વરસાદ, રસ્તા ઉપર પાણીના ખાબોચિયા ,તેમાં ગાડી ચાલે એટલે પાણી ઉડે. રસ્તામાં અચાનક કોઈ જંગલી જાનવર ગાડીની સામે ઉભુ રહી જાય તો અંધારામાં ખબર પણ નહી પડે કે કયું પ્રાણી રસ્તામાં ઉભુ છે. કોઈ હિંસક પ્રાણી હોય અને આપણે જોવા ઉતરીએ તો આપણી ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડે અને આપણે કઈ વિચારીએ એટલી વારમાં ખેંચીને જંગલમાં પણ લઈ જાય.

આખરે દસ કલાકના મુસાફરી કરી અમે રાતના લગભગ સાડા ત્રણ વાગ્યે દરિયા કિનારે પહોંચ્યા. અમને જોવા આજુ બાજુની ઝૂંપડીમાં રહેતાં માછીમારો ધારિયું અને જાડા જાડા ડંડા લઈને અમારી ઉપર હુમલો કરવા દોડી આવ્યાં. અમોએ તેમને સમજાવ્યા કે ભાઈ, " અમો અહીં સહેલગાહ માટે અમારા પરિવાર સાથે આવ્યા છીએ.સાથે નાના બાળકો પણ છે". ખાતરી કરવા માછીમારો ગાડીમાં બેઠેલા બધાને જોવા ગયાં કે અમો સાચું બોલીએ છે કે જૂઠું. પૂર્ણ ખાતરી થાય બાદ માછીમારો તેમની ઝૂંપડીમાં જતા રહ્યા. અગર પરિવાર અને બાળકો ન રહ્યા હોત તો અમારી ઉપર ચોક્કસ હુમલો કરી પતાવી નાખત.
દરિયા કિનારાથી થોડેક દૂર સારી જગ્યા જોઈ અમે તંબુ બાંધ્યો . કિનારેથી થોડેક દૂર માછીમારોના ઝૂપડા હતાં.
હું અને કોલેજના છોકરાઓ બીજે દિવસે સવારે ૭ વાગે ઉઠી પ્રાત:વિધિ પતાવી દરિયા કિનારે લટાર મારવા નીકળ્યા હતાં. દરિયામાં ભરતી હોવાથી કિનારા સુધી પાણી હતું.

હું અને એક કોલેજીયન છોકરો હિંમત કરી એક ઝૂંપડીમાં માછીમારને મળવા ગયા. એક માછી મારને પૂછ્યું ," ભાઈ, અમે અહીં શહેરથી સહેલગાહ માટે આવ્યા છીએ . અમે એવું સાંભળ્યું છે કે અહીં એક વૃદ્ધ અને એનો પૌત્ર રહે છે અને એમની પાસે જાદુઈ કે મંત્ર સિધ્ધ કરેલું તાંબાનું કે કોઈ ધાતુનું કોડિયું છે.

" હા..છે " દરિયાની વચ્ચે સામે જે નાનકડો ટાપુ છે ત્યાં વચ્ચે એક ટેકરી છે ત્યાં વૃદ્ધ અને એનો પૌત્ર રહે છે. એમની પાસે કોઈ જાદુઈ કે મંત્ર સિધ્ધ કોડિયું છે.અમોએ બેઉને જોયો નથી કે કોડિયું જોયું નથી. એ બેઉ અહીં નથી આવતાં ત્યાજ રહે છે. એમને મળવું હોય તો રાતના જ જવું પડે રાતના જોખમ બહુ છે. દરિયામાં મગર અને શાર્ક જેવી માછલીઓ ફરતી જ હોય. અચાનક માણસ પર હુમલો કરે છે. તમારી પાસે જો હત્યાર હોય તો પણ હુમલો થાય જ. એટલે જવું હોય તો સાંજે ૫ વાગે અહીંથી નીકળી જવું પડે છે. ઘણાખરા રાતના ગયા હતાં જે પાછા ફર્યાજ નથી. તમ તમારે જોખમ લેવી હોય તો બેશક જાઓ. અમારા તરફથી કોઈજ મદદ નહી મળે. સાંજે ૫ કે સાડા ૫ વાગે નીકળતા હોય તો અમો આવવાની કોશિશ કરીશું. કારણ અમારા માછીમારોમાથી પણ ચાર જણ ગયા હતા તે પાછા આવ્યા નથી. સાંજના ૬ પછી તમે જશો તો કોઈ નહી આવશે. તમને એકલાજ જવું પડશે.

મને અને કોલેજના યુવકોને કોડિયાંનું રહસ્ય જાણવાની તાલાવેલી જાગી હતી. મે પૂછ્યું, " ભાઈઓ, તમારી ઈચ્છા છે ટેકરીપર જવાની અને ભેદી વસ્તુની રહસ્ય જાણવાની? હોય તો આપણે કોશિશ કરીએ જવાની?

ચાર કોલેજીયન છોકરાઓમાંથી ત્રણ છોકરાઓ અને હું જવા તૈયાર થયા. એક છોકરો અને બેઉ છોકરીઓ આવવાની ના પાડી હતી. હું અને ત્રણ છોકરાઓ મળી ચાર જણ સાંજે ૫ વાગે બોટ લઇને અને બે માછીમારોને લઈ નીકળ્યા. સાડા પાંચે અમો ટેકરીના તળીયે પહોંચ્યા. બોટમાંથી ઉતર્યા ટેકરીના તળીયે પગ મૂક્યો અને માછીમાર પાછો જતો રહ્યો. બીજે દિવસે સવારે સાત વાગે આવવાનું કહી ગયો. બોટમાં આવતી વખતે બે શાર્ક માછલીઓ વારા ફરતી અલગ અલગ દિશાએથી હુમલો કર્યો હતો પણ કોલેજના છોકરાઓ હોશિયાર હતા તેમણે તરતજ બે માણસના બાહુલા બનાવ્યા જેમાં થોડુંક રૂ, કાપડના ઘાબાં ભર્યા,નાની લાકડીઓથી હાથ પગ બનાવ્યા અને હાડપિંજર જેવુ બનાવ્યું તેમાં થોડુંક રૂ,કપાસ, સ્પાંજ ભર્યું અને દોરી, સૂતલીથી બાંધી બિલકુલ માણસ જેવું બાહુલું બનાવી તરત બુદ્ધિ દોડાવી અને દરિયામાં શાર્કની સામે ફેકી દીધું.માણસ સમજી શાર્ક મોંમા પકડી છેક દરિયાના તળિયા સુધી લઈ ગયું. આ કામમાં મે પણ મદદ કરી હતી.

કોલેજીયન છોકરાઓ બધીજ તૈયારી સાથે આવ્યા હતા.દોરડા, ધારિયું, ડંડા, ચપ્પુ, બેટરી, દવાઓ,બેગ, તાડપત્રી , સ્પંજ, રૂ, કપાસ, લાકડીઓ, જૂના કપડાના ઘાબા વગેરે સાથે લઈ આવ્યા હતાં. એટલે માણસનું બાહૂલું બનાવાનું સહેલું રહ્યું. અને જાણ બચી અમારી બધાની.

રાતના ૧૨ વાગ્યાની આસપાસ બેઉ જણા ટેકરી પર લટાર મારવા નીકળે છે એવું માછીમાર કહેતાં હતાં. તળિયેથી ટેકરી પર જવાનો રસ્તો શોધ્યો અને તરત ટેકરી ચઢવાની શરૂઆત કરી દીધી.અંધારામાં જ બેટરીના પ્રકાશમાં ટેકરી ચઢયા. ટેકરીનું ચઢાણ થોડુંક કપરું હતું. પણ અમે બધા એક બીજાને હિંમત આપી રાતના અગિયાર વાગે ટેકરીના શિખર સુધી પહોંચી ગયા હતાં.

બરાબર બારના ટકોરે અમને પ્રકાશ દેખાયો. લાકડીનો અવાજ સંભળાયો. અમે એક જગ્યાએ સંતાઈ ચૂપકેથી જોતાં હતાં. સફેદ શણની ધોતી, હાથમાં લાકડી, એક હાથમાં ફાનસ સાથે એ વૃદ્ધ અને ધોતીનો છેડો પકડી એક ૮ થી ૧૦ વર્ષનો છોકરો ધીમે ધીમે ચાલતા હતાં.અને આમતેમ જોતાં હતાં. તેમના હલચલ પરથી માલુમ પડ્તું હતું. કે એ વૃદ્ધને અમે આવ્યા છીએ તેનો અણસાર આવી ગયો હોવો જોઈએ.

અમે જ્યાં સંતાયા હતાં ત્યાં એ વૃદ્ધ આવી પહોંચ્યો હતો.કેવી રીતે એમને શોધી કાઢ્યા હશે તે અમને કોઈને જ ખબર ન પડી.

વૃદ્ધે સફેદ શણની ધોતી પહેરી હતી, શરીર પર કાળી બંડી, ચિતકાબરી પાઘડી, એક હાથમાં ફાનસ,એક હાથમાં ડંડો, આંખો લાલ ચટક જાણે અગનગોળા વરસતા હોય તેમ.આવાજ ફાટેલ સ્પીકર જેવો ઘોઘરો, જાડી જાડી મૂછો,બે દાંત આગળ મોંમાંથી ડોકિયું કાઢતાં હતાં. ગળામાં જાતજાતની કંઠ માળાઓ, મણકાની માળા પહેરી હતી. મોઢું લંબ ગોળ ઉંચાઈ પહાડ જેવી પગમાં મોજડી હતી કે પાદુકા ટક ટક અવાજ આવતો હતો. એ વૃદ્ધનો પૌત્ર પણ ટૂંકી ચડ્ડી, લાંબુ ઘૂંટણ સુધીનું શર્ટ, ગળામાં માળાઓ, ચહેરો તરબુજ જેવું આંખો ચીનાઓ જેવી ઝીણી ઝીણી, દેખાય નહિ એવું ચપટું નાક જાણે નાકના છિદ્ર જ છે બીજું કશુંજ નથી. મોઢું પણ નાનું કોળિયો પણ નહી જાય. એ છોકરાનો આવાજ ન છોકરી જેવો કે ન છોકરા જેવો. પેટ પણ મોટા માણસની જેમ ફૂલેલું.

બંને અમારી નજીક આવ્યાં ઇશારાથી અમને પૂછ્યું તમે કોણ છો? અને શા માટે અહીં આવ્યા છો?
ઘોધરા અવાજમાં વૃદ્ધ બોલ્યાં, " જેવા આવ્યા તેવાજ ઊંધા પગલે જતાં રહો અહીંથી નહી તો ખેર નહી તમારી."
વૃદ્ધના ધમકીથી પરસેવો વળી ગયો.બોલ અંદરની અંદર જ ગોળ ગોળ ફરવા લાગ્યા.શું જવાબ આપીએ?
હિંમત એકઠી કરી એક વડિલને નાતે હું બોલ્યો," દાદા,અમે અહી કોડિયાંનું રહસ્ય જાણવા આવ્યા છીએ. અમને એ કોડિયું લેવા નથી આવ્યાં.રહસ્ય જાણવા આવ્યા છીએ.અમે અમારા પરિવાર સાથે આવ્યા છીએ. "
મારા કહેવાથી વૃદ્ધ થોડો શાંત થયો. વૃદ્ધને શાંત થયેલો જોતાં એક કોલેજીયન છોકરો પણ હિંમત કેળવી બે શબ્દ બોલવાની કોશિશ કરી અને શાંત પાડતાં કહ્યું," હા..દાદા સાચું કહીએ છીએ અમને કોડિયું નથી જોયતું"

અમારી વાત પર વૃધ્ધને વિશ્વાસ બેસતા હાશકારો થયો.

મે થોડા ઇશારાથી અને થોડાક બોલ બોલીને પૂછ્યું," કોડિયું ક્યાં છે? અમને જોવું છે"

વૃદ્ધે ઇશારાથી તેની પાછળ પાછળ આવવા કહ્યું. એ વૃદ્ધ અમને એક અંધારી ગુફામાં લઈ ગયો. ટેકરી પર ગુફા હતી જેમાં એ વૃદ્ધ અને પૌત્ર રેહતા હતાં.

ગુફામાં જવાનો રસ્તો બહુ વિકટ. દરવાજો માંડ માંડ ત્રણ ફૂટનો. કમર જેટલું વાંકા વળીને જવું પડે.પણ અહો આશ્ચર્યમ...છ ફૂટિયો વૃદ્ધ ત્રણ ફૂટનો થઈ ગયો ને આસાનીથી અંદર પ્રવેશ્યો..અંદર પ્રવેશ્યા પછી પાછો છ ફૂટનો! જોઇને મન ચકરાઇ ગયું. ગુફાની અંદર અમે જ્યાં ઉભા હતાં ત્યાજ અમને ઉભા રહેવાની તાકીદ આપતાં એ હજુ બીજા દરવાજેથી બીજી એક નાની ગુફામાં ગયો. પાંચ મિનિટમાં એક લાકડાની પેટી લઈને અમને જ્યાં ઉભા રાખ્યા હતાં ત્યાં આવ્યો.

અમારી સામે ઉભો રહ્યો. પેટીમાંથી કોડિયું કાઢ્યું. અમને ઉભાજ રાખ્યા હતાં. કોડિયાંની પૂજા કરી. કંઇક મંત્ર બોલ્યો. મંત્ર પૂરો થયો ને કોડિયાંમા દિવેટ ન હોવા છતાંય પ્રકટયો .ધીમે ધીમે પ્રજ્વલિત થયો.વધુ પ્રજ્વલિત થયો. તેમાંથી એલિયન્સ જેવી માનવ કૃતિ
પ્રકટી . તેણે આંખો પહોળી કરી. લાલ લાલ આંખો, પેટ ફૂલેલું, પાંપણ વગરની મોટી મોટી આંખો ને કાન નહોતા, મોઢું એકદમ ઝીણું, ચહેરો લંબગોળ , રંગ ફિક્કો લીલો. એ જ્યારે પૂર્ણતા: બહાર આવ્યો અચાનક દરિયામાં મોજા ઉછળવા માંડ્યા. જોરદાર વાવાઝોડું આવ્યું, ધોધમાર વરસાદ વરસવા માંડ્યો. શાર્ક માછલીઓ, વ્હેલ માછલીઓ, મગર દરિયામાંથી ટેકરી પર આવવા મથતા હતાં. એકંદર બિહામણું , ડરામણું દૃશ્ય ખડું થઈ ગયું. અમે હાથ જોડીને વૃદ્ધને વિનંતી કરી કે આ શાંત કરો. વૃદ્ધ કંઇક મંત્ર બોલ્યો અને દસ મિનિટમાં દરિયો શાંત થયો,વરસાદ પણ બંધ થઈ ગયો,વાવાઝોડું શમી ગયું,શાર્ક,વ્હેલ માછલીઓ,મગર પાણીમાં ગરકાવ થઈ ગયા. થોડીક જ વારમાં પરિસ્થિતિ થાળે પડી. ગુફાની બીજે દરવાજેથી ૪ અપ્સરાઓ આવી નૃત્ય કરવા લાગી. દરેકના હાથમાં માટીનું માટલું હતું. અમને દરેક અપ્સરાઓએ માટલીમાંથી દ્રવ્ય પીવા આપ્યું. એ પીવાથી અમારામાં જોમ, ઉત્સાહ જાગ્યો, અજબ શક્તિનો સંચાર થયો. ફ્રેશ જેવું લાગતું હતું.

" તમે સારા માણસો છો.સારા વિચારોથી આવ્યાં હતાં એટલે તમને કઈ ઇજા નથી થઈ કે વાળ પણ વાંકો ન થયો. તમે હેમખેમ છો.અને હેમખેમ પાછા જશો. દરિયામાં ન તો શાર્ક આવશે કે ન મગર આવશે.અત્યાર સુધી જે પણ આવ્યા તે બધા ખરાબ, મતલબ, સ્વાર્થની ભાવના અને કોડિયું લઈ જવાના લાલસાથી આવ્યાં હતાં એટલે તેમનો અંજામ પણ ખરાબ જ થયો. આ કોડિયાંનું રહસ્ય વારસા ગત અમને જ ખબર છે. મારા પરદાદા ને ખબર હતી,તેઓ મારા દાદાને કહ્યું, મારા દાદાએ મને ,મે મારા પુત્રને કહ્યું અને એ મારા આ પૌત્રને કહેશે. એ સિવાય અમે કોઈને કહેતાં નથી. અમને ચોક્કસ ખબર છે કે માનવ જાત મતલબી અને સ્વાર્થી છે.લાલચી છે. હમણાં ખોટું બોલીને કોડિયું લઈ જશે અને તેનો દુરુપયોગ ચોક્કસ કરશે જ. અમને બહુ વર્ષો પહેલા જાદુઈ મણકાની માળાનો અનુભવ થઈ ચૂક્યો છે. આ કઈ એવી તેવી વસ્તુ નથી. દુરુપયોગ કરશો અથવા પોતાના સ્વાર્થ ખાતર કરશો તો માનવ જાતનું વિનાશ ચોક્કસ જ છે. તમે અત્યારે નમૂનો જોયો જ છે. એ કોડિયું કોઈ મુનિનું હતું જે મુનિ આ કોડિયાંમા દિવેટ મૂકી પ્રકટાવતા અને તપ કરતા. એ તપના લીધે આ સાધારણ કોડિયું રહસ્યમયી બન્યું." વૃદ્ધે આટલું કહી કોડિયાંનું રહસ્ય બતાવવાનો સાફ ઇન્કાર કરી દિધો.અમે થોડા નિરાશ જરૂર થયાં પણ એ વૃદ્ધની વાત અમને સાચી લાગી.આ કાળા માથાના માનવીની ભરોસો ન મૂકાય. આપણે વિશ્વાસ આપી લઈ જઈએ પણ કોઈ આપણી પાસેથી ચોરી ચૂપેથી અથવા ધાક ધમકી આપી ઝૂંટવી લઈ જઈ દુરુપયોગ કરે તો માનવ વિનાશનું મોટું પાપ લાગે તેના કરતા ન લઈ જઈએ તે સારું.મારા આ વિચાર કોલેજીયન યુવકોને ગમ્યો અને વધાવી લીધો. મારા વિચારોને સહમત થયાં.

અમે બધા વૃદ્ધને હાથ જોડી અંત:કરણથી આભાર વ્યક્ત કરી ગુફામાંથી નીકળી ટેકરીના શિખર પર આવ્યા. એટલી વારમાં વૃદ્ધ અને તેનો પૌત્ર અચાનક અલોપ થઈ ગયાં. ક્યાં ગયા કેવી રીતે ગયા અમને કોઈને જ ખબર ન પડી કે કોઈએ જતાં પણ નહોતા જોયા.

શિખરેથી તળીયે આવતા અમને બે કલાકનો સમય થઈ ગયો હતો. અમે બધા થાકેલા હતાં. માંડ માંડ નીચે ઉતર્યા. મળસ્કે ચાર વાગી ગયાં હતાં. હજુ ત્રણ કલાકનો સમય ટેકરીના તળીયે ગાળવાનો હતો. કેમકે પેલો માછી માર સવારે સાત વાગે અમને લેવા આવવાનો હતો. અમે ચાર જણમાંથી બે જણ સૂઈ ગયા અને બે જણ જાગતા હતાં. કલાકની નીંદર પછી બે જણ ઉઠ્યા અને જે જાગતા હતા તે સૂતા.એમ કરતાં કરતાં ત્રણ કલાક પૂરાં કર્યા. સાત વાગે માછીમાર બોટ લઇને આવ્યો.અમે બધા બોટ પર સવાર થયા સાડા ૭ વાગે દરિય કિનારે સુરક્ષિત પહોંચ્યા. હું અને કોલેજીયન છોકરાઓ એક બીજાને ભેટી છૂટા પડ્યા અને પોત પોતાના તંબુમાં ગયા. ચા નાસ્તો કરી પોત પોતાની રીતે ઘરે જવા નીકળ્યા. મે બધાને હકીકત બયાન કરતા બધાને નવાઈ લાગી. બધાના જીવ અધ્ધર થઈ ગયા હતાં. સવારે દસ વાગે અને અનજાણ જગ્યાની વિદાય લઈ તે રાત્રે આઠ વાગે ઘરે સુખ રૂપ આવી પહોંચ્યા કોડિયાંની સુમધુર યાદમાં.

સમાપ્ત..
......... ભરતચંદ્ર શાહ........











બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED