MRUTYU MONGHU THAYU CHHE books and stories free download online pdf in Gujarati

મૃત્યુ મોંઘુ થયું છે

*મૃત્યુ મોંઘુ થયું છે*

"નીરવ, હું પણ એક માનો દીકરો છું. મારી માને હું બહુ પ્રેમ કરું છું. એક દીકરાની હેસિયતથી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારી મા સો વરસ નહીં પણ હજારો સાલ જીવે. પણ..પણ.. એક ડોકટરની હેસિયતથી કહું છું કે તમારી મા ટૂંક સમયના મહેમાન છે. તમારી માની જિંદગી એટલીજ છે જેટલી આ વેંટીલેશન ચાલુ છે ત્યાંસુધી. તમારી માની જિંદગી અને મરણ વચ્ચે ફક્ત આ વેંટીલેશન જ છે. આ હટાવી દઈએ તો.." બોલતા બોલતા ડોક્ટર સમય વાડિયા રડમસ થઇ ગયાં. છેલ્લા દોઢ મહિનાથી ડોક્ટર સમય નીરવની માતાને બચાવવાં અથાંગ પ્રયાસો કરતાં હતાં.

નીરવના પિતા હસમુખલાલ એક ખાનગી પેઢીમાં મહેતાજીની નોકરી કરતા હતાં. પરિવારમાં નીરવ, તેના પિતા હસમુખલાલ અને માતા યશોદાબહેન બસ આટલો સુખી પરિવાર. ભલે પૈસે ટકે સુખી નહોતો પણ ઘરમાં બધાજ સુખ શાંતિથી રહેતાં હતાં. કોઈ ને પણ કોઈ જાતની તકલીફ નહોતી.

પણ અચાનક કોણ જાણે
નીરવનાં પિતા હસમુખલાલને બ્રેઇન ટયુમર થઈ ગયો. ઘણા દિવસો સુધી એમના જુદા જુદા રિપોર્ટ ડોક્ટરોએ કઢાવ્યા. આખરે બ્રેઇન ટ્યુમરનું નિદાન થયું. ડો. રાઘવે નીરવ અને નયન મામાને બાજુમાં બોલાવીને ખાનગી રીતે કહ્યું ,
" નયનભાઈ, હસમુખલાલને બ્રેઇન ટયુમર છે. આ સમાચાર સાંભળી નીરવ તો બેબાકળો થઈ ગયો. ચક્કર આવવાં માંડ્યા. નયનમામાએ હાથ પકડી બેસાડ્યો.

" મામા, પપ્પાને બ્રેઇન ટયુમર? કેવીરીતે થયું હશે? કઈ સમજાતું નથી." રડમસ થઈ નીરવ નયન મામાના ખભા ઉપર ડોક મૂકીને બોલતો હતો.

હસમુખલાલને આ વાતની ખબર નહોતી. તેવો વિચારમાં પડ્યા કે નીરવ અને નયનભાઈ કેમ આટલા દુઃખી અને ચિંતાગ્રસ્ત છે?

નીરવની મમ્મી પણ આ વાતથી અજાણ હતાં. તેમણે કેવીરીતે આ વાત કહેવી? નીરવ કહી શકે તેવી હાલતમાં નહોતો. મારેજ આ વાત યશોદાબહેનને કહેવી પડશે તેમ મનોમન નયનભાઈએ નક્કી કરી લીધું હતું.

નીરવ ભણવામાં હોશિયાર અને સ્વભાવે શાંત અને સમજુ. પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી જેમ તેમ ગ્રેજ્યુએટ કર્યું. પિતાની ખાસ એવી બચત નહોતી. બે રૂમ રસોડાનો ફ્લેટ તે પણ બેંકની લોન લઇ રિસેલમાં લીધો હતો. હસમુખલાલ અને યશોદાબહેનને લગ્ન બાદ આઠ વર્ષે નીરવ રૂપી સંતાન પ્રાપ્ત થઈ હતી. જેમ માતા યશોદાએ ભગવાન કૃષ્ણને લાડકોડ અને સ્નેહથી ઉછેર્યો તેવીજ રીતે આ માતા યશોદાબહેને પણ નીરવને લાડકોડ અને પ્રેમથી ઉછેર્યો હતો. નીરવનાં જન્મ વખતે પિતા હસમુખલાલે બહુ ખર્ચ કર્યો હતો. નીરવની હાલત બહુ કમજોર હતી. જન્મ થયો ને તરતજ બાળકોની હોસ્પિટલમાં મહિનો દાખલ કર્યો. હસમુખલાલની થોડી ઘણી બચત હતી બધીજ વપરાઈ ગઈ હતી. બાપ દાદાની કોઈ મિલ્કત કે પૈસો નહોતો. ભગવાનના દયાથી બધું સમુસુતરું પાર પાડી ગયું. સમયના વહેણ સાથે સાથે પરિસ્થિતિ સુધરતી ગઈ. નીરવ મોટો થતો હતો. શાળા, કોલેજમાં જતો થયો. કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. હસમુખલાલની તબિયત દિવસે દિવસ વધુ વિકટ થતી હતી. નીરવની ચિંતા તેમને કોરી ખાતી હતી. હું જીવિત છું ત્યાંસુધી ઠીક છે. મારા અવસાન પછી કોણ જોશે? ચિંતામાં ને ચિંતામાં તેમની તબિયતે ગંભીર સ્વરૂપ લઇ લીધું હતું. એક દિન રાતના હસમુખલાલને બહુજ ખાંસી આવતી હતી. લોહીની ઊલટીઓ થવા માંડી. માથું સખત દુખતું હતું. રાતોરાત નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો પણ સવાર સુધીમાં તો ખેલ ખતમ થઈ ગયો. હસમુખલાલની મેડિકલ ફાઈલ સદાને માટે બંધ થઈ ગઈ. હવે પરિવારમાં બેજ જણ હતા. નીરવ અને તેની માતા યશોદાબહેન.

નીરવ પણ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ખાનગી નોકરી એટલે ઓછા પગારમાં વધારે કામ. રજા પાડે એટલે પગાર કપાઈ જતો. હાથમાં જોઈએ તેટલાં પૈસા બચતાં નહોતા. નીરવનાં પિતાના અવસાનને અઢી વર્ષ થઈ ગયા. નીરવની નોકરી પણ કાયમની થઈ ગઈ.

યશોદાબહેન નીરવનાં લગ્નનું વિચારતાં હતાં. યશોદાબહેનને ડાયાબિટીસ અને પ્રેશરની તકલીફ હતી. ડોક્ટરની દવા લેતાં હતાં તેમજ પરેજી પણ રાખતાં હતાં. દિવસે દિવસ તબિયત નબળી થતી હતી.

" નીરવ, મમ્મીને સારા હોસ્પિટલમાં થોડા દિવસ માટે દાખલ કરી દે." નયન મામા નીરવને કહેતાં હતાં. તરતજ નીરવ અને નયન મામા યશોદાબહેનને ડો.સમય વાડિયાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. બધીજ સુવિધાઓ ધરાવતી અદ્યતન હોસ્પિટલ હતી. નયન મામાની ડો. સમયજોડે ઓળખાણ પણ હતી. નયન મામા ડો.સમય જોડે વાત કરતા બોલ્યાં,
"સમયભાઈ, યશોદાબહેન મારી કઝીન છે. મારા માસીની પુત્રી છે. નીરવ મારો ભાણિયો છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે. તમારા સહકારની આશા છે. વધારે પડતો મોંઘો ઈલાજ એમને પરવડે એવી એમની સ્થિતિ નથી."

" અરે, નયનભાઈ, તમે ચિંતા શું કામ કરો છો? મારા ઉપર ભરોસો રાખો
તમારી બહેનને કઈ થાય નહીં." ધીરજ આપતા ડો. સમય બોલ્યાં.

૨૫ દિવસ થઈ ગયાં હતા છતાંય યશોદાબહેનના તબિયતમાં જોઈએ તેવો સુધારો નહોતો. ખાવાપીવાનું સદંતર બંધ થઈ ગયું હતું. ઘરમાં કોઈ જ ન હોવાથી હોસ્પિટલમાં યશોદાબહેન જોડે કોઈ રહેવાવાળું નહોતું એટલે નીરવે એક મહિનાની પગાર વગરની રજા લીધી હતી. યશોદાબહેનની બેઉ કિડની ફેઇલ થઈ ગઈ હતી. છેવટે ડોક્ટરોએ ડાયાલિસિસ પર રાખી હતી. શ્વાસમાં તકલીફ થતી હતી. ડોક્ટરોએ વેન્ટીલેટર પર રાખી હતી. વેન્ટીલેશનનો ખર્ચો નીરવને પરવડે તેમ નહોતું પણ તેની આર્થિક સ્થિતિ જોતાં ડોક્ટરે બને તેટલાં ઓછાં ખર્ચે ઈલાજ ચાલું રાખ્યો હતો.

નીરવે બહુ જ ખર્ચો કર્યો. પોતાની થોડી ઘણી બચત હતી તે બધીજ ખર્ચી નાંખી હતી. ઓફિસમાંથી લોન લીધી હતી. સગાં વહાલાંઓએ પણ મદત કરી હતી. હવે નીરવ પાસે કોઈ જ પર્યાય રહ્યો નહોતો. નીરવને માની ચિંતા સતાવતી હતી. પૈસો ખલાસ થઈ ગયો હતો. માની તબિયતની હાલત જોઈ નીરવ બેબાકળો થઈ ગયો હતો. નીરવની હાલત ડો. સમય સમજી ગયા. તેમણે મનોમન કંઇક વિચાર કર્યો. નયન મામાને ફોન કરી હોસ્પિટલમાં બોલાવ્યા. અડધા કલાકે નયન મામા હોસ્પિટલે આવી પહોંચ્યા અને સીધાજ ડો. સમયની કેબિનમાં ગયા.

" નયન ભાઈ, હું જે કંઈ કહેવા જઈ રહ્યો છું તે તમે ધ્યાન થી સાંભળજો. છેવટે નિર્ણય તમારે જ લેવાનો છે. તમારા બહેનની હાલત નાજુક છે. જીવવાની કોઈ આશા નથી. જેટલાં દિવસ વેન્ટીલેશન ચાલશે તેટલાં દિવસ તેમનો શ્વાસ ચાલશે.જે દિવસે અને જે સમયે વેન્ટીલેશન કાઢી નાંખીએ તો બીજીજ ક્ષણે.... તમે સમજી ગયા હશો તે હું શું કહી રહ્યો છું. નાહક પૈસાનું પાણી કરીને કોઈજ મતલબ નથી. તમે બીજી મોટી હોસ્પિટલમાં લઇ જાઓ કે બીજા દેશમાં સારવાર કરાવો કોઈ મતલબ નથી. પૈસાનો ચૂરાડો થશે. તે કરતા તમે અને નીરવ ચર્ચા કરી વહેલી તકે નિર્ણય લઈ લો. બસ આ વાત કહેવા માટેજ મે તમને બોલાવ્યા હતાં. આ વાત હું નીરવને સીધો કહી નહી શકતો."
ડો. સમયની વાત સાંભળી નયન મામા ચોંકી ગયા. તેમની સામે મોટું સંકટ ઊભું થયું. નીરવને આ વાત વહેલી તકે કેવીરીતે કહેવી? મનોમન નક્કી કરતાં તેમણે વિચાર કર્યો કહેવું તો પડસેજ.

"નીરવ, ડો. સમય કહે છે કે.. આંખમાં આંસું ઝળકી આવતાં નયન મામા વાત કહેતાં કહેતાં અટકી ગયા. નીરવને મામાની વાતનો અણસાર આવી ગયો હતો. છતાંય મામાની અધૂરી વાત સાંભળવા કાન સરવા કર્યા. "શું વાત કહી ડોક્ટરે? બોલતા બોલતા તમે કેમ અટકી ગયા મામા? " બેબાકળો થઈ નીરવે સવાલ કર્યો.

નીરવને એક ખૂણે લઈ ગયા અને ડોક્ટરે જે હકીકત કહી હતી તે બધીજ બયાન કરી દીધી. મામાની વાત સાંભળી નીરવ ચોધાર આંસુએ રડવા માંડ્યો. આંખોમાંથી આંસુઓ ટપ ટપ ટપકવા માંડ્યા. નીરવને થોડીવાર રડવા દીધો. મન હલકું કરવા દીધું. પછી શાંતિથી ખભા ઉપર હાથ મૂકતા નયન મામા બોલ્યાં," નીરવ,હું સમજુ તારા ઉપર શું વીતી રહી છે પણ ડોકટરની વાત પણ સાચી જ છે. બીજો કોઈજ વિકલ્પ હવે છે નહીં. મનને અને દિલને પત્થર જેવું કઠણ કરવું જ પડશે.

" પોતાની જનેતાને જીવતે જીવ મારી નાખવું કેટલું મોટું પાપ છે . આવું જઘન્ય કૃત્ય કરનારને ભગવાન કોઈ દિવસ પણ માફ નહી કરે. મા પૃથ્વી પરના સાક્ષાત ભગવાન છે. તેમને જ મારી નાખવું મહા પાપ. મામા મારાથી આવું કૃત્ય નહી થાય. તે પહેલાં જ હું આ દુનિયા છોડી જવું તે બહેતર છે." રડતા રડતા નીરવ મામાને કહેતો હતો. તેની આંખો લાલ થઈ ગઈ હતી. કેમે કરીને નીરવ માને છોડવા તૈયાર નહોતો. નયન મામા અને અન્ય બે વડીલોએ બહુ સમજાવ્યો. " દીકરા,હું જાણું તારા પર શું વીતી રહી છે. દીકરા તું જાણે છે મૃત્યુ આપણા હાથની વસ્તુ નથી. ભગવાનને એવુંજ મંજૂર હશે. તેમાં તારો કંઇ વાંક ગુનો નથી. તું તો એક નિમિત્ત છે. ઉપરવાળાના મરજી વગર કોઈનું કંઇક ચાલે નહીં. તું તારી માને આવી રીબાતી જુએ તે કરતા એણે મુક્ત કરી દે તેમાજ તારી માના જીવને સાચી શાંતિ મળશે. કલાકના સમજાવટ પછી નીરવ જડ અંતકરણે તૈયાર થયો. અંતે ડો. સમયે કહ્યું તે મુજબ કર્યું.

આજ માણસનું જીવન કેટલું દુષ્કર બની ગયું છે. કેવીરીતે જીવન જીવવું તે આજના માનવીનો સળગતો સવાલ છે. માણસ જીવન ઝઝુમી રહ્યો છે. જીવનનું કોઈપણ ક્ષેત્ર એવું નથી જે સસ્તું છે. દરેક ક્ષેત્રમાં મોંઘવારી વધી ગઈ છે. કોઈ મહિલાને પ્રસવ પીડા ઉપડી હોય તો તબીબ રાહ જોયા વગર તરતજ સિઝેરિયનની સલાહ આપે છે. સામાન્ય માણસને પરવડે તેમ ન હોવા છતાં તેણે તબીબની સલાહ માનવી પડે છે. ત્યાંથીજ ખર્ચાની શરુઆત થઈ જાય છે. બાળક જન્મે ત્યાંથીજ ખર્ચાઓ ચાલુ થઈ જાય છે. હોસ્પિટલનું લાંબુ લચક બિલ જોઈ માણસ અધમૂઓ થઈ જાય છે. જેમ માનવી જન્મ ખર્ચાળ થઈ ગયું છે તેવીજ રીતે મરણ પણ ખર્ચાળ થઈ ગયું છે. નાના રોગો ગંભીર સ્વરૂપ લઇ લે છે જેથી તબીબ પણ હેરત પામે છે. ઘણા રોગો એટલાં ગંભીર હોય છે કે તેનું નિદાન કરવામાં તબીબ પણ થાપ ખાઈ જાય છે. માણસ સ્વજન ને બચાવવા, મૃત્યુના મુખેથી છોડાવવા છેલ્લે સુધી મરણિયા પ્રયાસ કરે છે. સાજા થવાની આશા રાખી જીવનની પૂંજી ખર્ચી નાખી છે. દેવાદાર બની જાય છે. વૈદ્યકીય ખર્ચાઓ સામાન્ય માણસને પરવડે તેમ નથી.

છેલ્લે ના છૂટકે નીરવ જેવી પરિસ્થિતિ પેદા થાય અને તબીબના કહેવા પ્રમાણે કરવા મજબૂર થઈ જાય છે. માણસ મરતે સમયે પણ પરિવારજનોને ખર્ચા કરાવી અવસાન પામે છે. અસલમાં જૂના જમાનામાં આવા કોઈજ અસાધ્ય રોગો ફેલાયા નહોતા જે આજે આપણે જોઈ રહ્યા છીએ. સાત્વિક ખાવા પીવાનું હતું. મહેનત અને હાડમારી પણ ઓછી પરિણામે કદ કાઠી મજબૂત રહેતી. એટલે તબિયત સારીજ રહેતી. શાંતિથી જીવન જીવતાં હતાં. અત્યારનો સમય બહુજ હાડમારી, ભાગદોડનો છે જેથી માણસ શાંતિથી જીવન જગી શકતો નથી.

છેવટે એમજ કહેવું પડે કે માણસનો જન્મ અને જીવન જેમ મોંઘુ થઈ ગયું છે તેમ મૃત્યુ પણ મોંઘુ થઈ ગયું છે.

સમાપ્ત.

........... ભરતચંદ્ર શાહ............





બીજા રસપ્રદ વિકલ્પો