GULER books and stories free download online pdf in Gujarati

ગુલેર

ગુલેર.....એ ગુલેર..... ગુલેર.
દિવસના લગભગ કેટલી વખત આ બૂમ આખા ફળીયામાં બધાને જ સંભળાયા કરતી હતી. ગામમાં નાનકડી નદી કિનારે મિત્રો જોડે રમવામાં મશગુલ ગુલેરને ક્યાંથી સંભળાય એ બૂમ? એની દુનિયા જ અલગ ૬-૭ વર્ષનો અને ગામડાંની સરકારી શાળામાં ભણતો ગુલેર એના મા બાપનું પહેલું સંતાન. ગામમાં જમીનદારને ત્યાં નોકરી કરતો બાપુ દિનકર પાક્કો બેવડો. સાંજે ઢીંચીને આવે અને પત્નીને મારઝૂડ કરે. ઘરમાં ખાવા પીવાના ફાંફાં . ફટીચર જેવી હાલત. બીનાબહેન લોકોને ત્યાં કચરા- પોતાં કરે, અનાજ દળી લાવે, રસોઈ કરવા જાય અને તેમાંથી જે કંઈ મળે બન્ને છોકરાઓનું ભરણ પોષણ કરે. પતિની કમાણી હતી પણ ન હતી જેવી જ.

ગુલેર ભણવામાં નબળો. એની મા રોજ સમજાવીને થાકી ગઈ. રોજ કોઈક ને કોઈક નવી મુસીબત લાવે. કોઈની સાથે લડાઈ કરે, કોઈક છોકરાનો શર્ટ ફાડી નાખે તો કોઈ છોકરા જોડે મારઝૂડ કરે. કોઈકને માથા પર છૂટું કંઈ પણ મારે. બીનાબહેન તો બિચારા કંટાળી ગયા. એક તો પતિનો ત્રાસ તેમાં છોકરાઓના ત્રાસનોય ઉમેરો. નાનો ચિકુ વરસ બે વરસનો. કેટલાને સાચવે ? ઘરમાં સાસુ-સસરા જેઠ-જેઠાણી હોય તો સમજાવે. ગામમાં આજુ-બાજુ બે ત્રણ વડીલો હતાં એ બિચારા સમજાવે પણ દીન્યાના મગજને અને જ્ઞાન તંતુઓને દારૂનો એવો કાટ લાગેલો કે ખુદ ભગવાનને પણ દિમાગ પરનો કાટ કાઢવા નાકે દમ આવી જાય. કોઈ પણ જાતનું એસિડ કે રસાયણ એ કાટને દૂર કરવા કામ ના આવે. બાપડી બિચારી બીનાબહેન આખો દિવસ વિચાર્યા જ કરે આ છોકરાનું શું થશે? શું કરું?

પિયરમાં એક ભાઈ મનસુખ તે પણ શહેરમાં નાના પાયાપર ધંધો કરે. પત્ની અને ૮ થી ૧૦ વરસના છોકરાનું ગુજરાન ચલાવે. કોઈ વ્યસન નહોતું. ભાઈ મનસુખ અવાર-નવાર નાની બહેનને મળવા આવે. છોકરાઓ માટે કપડાં, ખાવા પીવાનું લઈ લાવે. જ્યારે જાય ત્યારે બહેનને થોડા પૈસાની મદદ કરતો જાય. આમ સ્વભાવથી બીનાબહેન સ્વમાની. ભલેને ભાઈ હોય પણ ઘરનો ધણી જ બેકાર જેવો હોય તો શું કરે? બિચારી ના છૂટકે શરમના મારે કે છોકરાઓ માટે મદદ લઇ લેતી. ઘણીવાર એ ભાઈને ફરિયાદ પણ કરે કે ગુલ્યાને સમજાવ કાં તો એણે લઈ જા, ક્યાંક મૂકી આવ. કોઈક હોસ્ટેલમાં કે બોર્ડિંગમાં. મારી જાન છૂટે. હું તો હવે એનાથી બહુજ કાંટાળી ગઈ છું એનાથી. બીના,ધીરજ રાખ બધું સારું થઈ જશે. ભગવાન પર ભરોસો રાખ.સુધરી જશે." મનસુખભાઈ હૈયા ધરપત આપતા બોલ્યાં.

એકદિવસ ગુલેર કોઈક છોકરાને ચપ્પુ હુલાવી આવ્યો અને હાથપર ચપ્પુંનો ઘા કરી ઇજા પહોંચાડી. બીનાબહેને બહુજ માર માર્યો ને અધમૂઓ બનાવી દીધો. બાપો તો પેગ લગાવી ક્યારનો બાજુમાં આવેલ ખંડેર જેવા ઘરના ઓટલા ઉપર લઘર-વઘર અવસ્થામાં પડેલો. બીના બહેને તો ગુલેર જોડે બોલવાનું પણ બંધ કરી દીધું. કોઈક ભલા માણસના હાથે શહેરમાં ભાઈને ચિઠ્ઠી લખી મોકલી. બીજા અઠવાડિયે ભાઈ આવ્યો. બહેને આખી હકીકત સંભળાવી અને છેવટે કંટાળીને કહી દીધું કે, "કાં તો એ રહે કાં તો હું રહું. મારી હવે બહુ જીવવાની ઈચ્છા નથી." બહેન,એવું કદી ના કરીશ. આ તારો ભાઈ છે હજુ જીવતો. તું હિંમત રાખ. હું આજે ગુલેરને લેવા જ આવ્યો છું. કોઈ પણ હિસાબે હું એને લઈ જઈશ. સારી શાળામાં ભણવા મૂકીશ. એટલે એ સુધરી જશે. તું ચિંતા ના કર.

બસ .. બીનાબહેનનું ટેન્શન ઓછું થયું. બીજે દિવસે જવાની તૈયારી થવા માંડી. ગુલેરને જ્યારે આ વાતની ખબર પડી કે મામા તેડવા આવ્યાં છે. તે દિવસે ગુલો આખો દિવસ ગુમસુમ જ હતો. રમવા પણ નહોતો ગયો. છોકરાઓ બોલાવવા આવે તો કશુજ બોલે નહીં. જમ્યો પણ નહોતો. મામા ખાવા-પીવાનું લાવ્યાં હતાં. તે પણ કંઈ ખાધું નહોતું. ખૂણામાં બેસી રહ્યો. જાણે ભવિષ્યના અણસાર એણે થઈ ગયા હોય. મામા જોડે બોલે નહીં, મા જોડે બોલે નહીં. બીનાબહેને એના લઈ જવાનાં કપડાંનું પોટલું તૈયાર કર્યું પણ ચું કે ચાં કરી નહોતી. બીજે દિવસે જવાનો સમય આવ્યો. બળદ ગાડું મંગાવવામાં આવ્યું. પહેલાં ગુલેરના મામા બેઠાં પછી ગુલેર બેઠો. એની મા સામે પણ એણે જોયું નહોતું. છેવટે બીનાબહેનથી રહેવાયું નહીં. "મા તે મા બીજા બધાં વગડાના વા." દીકરા, તું કેમ નથી બોલતો? કાલનો ભૂખ્યો તરસ્યો છે. દીકરા કંઇક તો ખાઈ લે. મારા જીવને શાંતિ થાય. તું આમ ભૂખ્યો તરસ્યો ના જા. મારા ગળે વળગી જા. થોડા દિવસની વાત છે પછી તો હું તને તેડવા આવીશ જ. તું સારો થઈ જા. સુધરી જા. મામા તને સારું રાખશે. ગાડામાં બેઠાં પછી પણ ટસ કે મસ ના થયો. મા એની કાકલૂદી કરતી જ હતી. ગાડું ચાલતું થયું અને બીનાબહેન આંસુભરી આંખોથી જોતા હતાં. છેક ગાડું અદૃશ્ય થાય ત્યાં સુધી જોતાં જ રહ્યાં. આંખોમાંથી જાણે આંસુઓનો ઘોડાપૂર ઉમટયો.રુક્તા રૂકે નહીં.

બીજે દિવસે મામાએ ગુલેરને શહેરની સારી શાળામાં દાખલ કર્યો. થોડા દિવસ ગુમસુમ રહ્યો. કોઈની જોડે બોલે નહીં.મામા જોડે પણ નહી. મામાને એમ કે થોડા દિવસ પછી લાઈન પર આવી જશે. ટેવાતાં વાર લાગશે.એમ મનને સમજાવી પોતાના કામે લાગી જતાં. થોડા દિવસ પછી મામીનો જુલમ ચાલુ થયો. મજૂરની જેમ કામ કરાવડાવે. મનસુખભાઈને મહેણા-ટોણા મારે. પોતાના છોકરાને વહાલથી જમાડે પછી ગુલેરને તે પણ વધેલું ઘટેલું આપે. મારઝૂડ કરે .ઘરની બહાર ઊભો રાખે. ભર બપોરે ધગધગતા તાપમાં કોઈ વસ્તુ લેવા મોકલે. મનસુખભાઈ આ વાતથી વાકેફ હતાં પણ કરે શું? એમની પણ કંઇક મજબૂરી હશે તો જ પત્નીના મહેણા- ટોણા સહન કરે. પ્રેમથી બહુ સમજાવ્યો પણ વ્યર્થ. જોતજોતામાં ૬ મહિના વીતી ગયા હતા.

છોકરો શહેરમાં ગયો. સારો બનીને આવશે. સુધરીને આવશે. ભણી ગણીને આવશે.કમાતો થશે. દુઃખનાં દિવસો જતાં રહેશે. સુખનાં દિવસો આવશે. સારું કમાતો થાય એટલે સારી ગુણવાન છોકરી જોઈ પરણાવી દઈશ. ચિકુને પણ હોંશિયાર બનાવશે. ચિકુને પણ ભણવામાં મોટાભાઈની જેમ મદદ કરશે. ફરજો બજાવશે. પછી હું એના છોકરાઓનું જ ધ્યાન રાખીશ. બસ, રોજ આ જ સપના જોતાં બીના બહેન દુઃખ ભૂલી જતાં હતાં. પણ બિચારીને ક્યાં ખબર હતી કે કિસ્મતમાં શું લખેલું છે? કંઇક જુદું જ લખેલું હતું વિધાતાએ.

ચોમાસુ બેઠું. રોજ વરસાદ આવે. છોકરો ગુલેર પલળતો જાય અને પલળતો આવે. છત્રી નહી કે રેઇનકોટ નહી. મામીએ જાણી જોઇને છત્રી તોડી નાખી. રેઇન્કોટ લેવા દીધો નહોતો. મનસુખભાઈ આખો દિવસ ધંધામાં મહેનત કરે ને મામી ઘરના અને બહારના કામ સાચવે. છોકરાને જરીક શરદી સળેખમ થઈ ત્યાં તો મામીએ હંગામો મચાવી દીધો." તમારા લાડકા ભાણીયાને અમસ્તી શરદી તો થઈ છે. મરી થોડો જવાનો? " એમ ગુસ્સે થઈ કહેતાં હતાં. એક દિવસ મુશળધાર વરસાદ વરસતો જ રહ્યો. છોકરો ગુલેર વરસાદમાં જ પલળતો ગયો. મનસુખભાઈ ચિંતા કરવા લાગ્યાં. સાંજ પડી ગઈ. બધાજ છોકરાઓ પોત-પોતાના ઘરે પહોંચી ગયા હતા પણ ગુલેરના કોઈજ વાવડ નહોતા. આખું ગામ ખૂંદી વળ્યા. પોલીસમાં ફરિયાદ નોંધાવી. ઓળખીતાઓ પોતપોતાની રીતે શોધખોળ કરવા નીકળી પડ્યા. રાત સુધી ગુલેર ઘરે નહોતો આવ્યો. મનસુખભાઇનું ટેન્શન વધવા લાગ્યું. એકજ વિચાર મનમાં સતાવતો હતો. ગુલેરને કઈ થાય તો બીનાને હું શું જવાબ આપીશ? ક્યાં મોઢે જવાબ આપીશ? ભગવાનને પ્રાર્થના કરી કે હે,ભગવાન ! ગુલો જ્યાં પણ હશે ત્યાં સુરક્ષિત રાખજો. કોઈ હાની ના પહોંચાડશો." આખી રાત જાગતા રહ્યાં. મધરાત થઇ તો પણ ગુલેરના કોઈ જ સમાચાર નહોતા. મનમાં ભળતા વિચાર આવતાં હતા. મનસુખભાઈ જમ્યા નહોતા. બીજા મિત્રોએ પણ બહુ કોશિશ કરી પણ બધું વ્યર્થ. બીજા ફળિયાના લોકો મનસુખભાઈની બાજુમાં ઉભા રહી તેમના ખભે હાથ મૂકી સાંત્વના આપતા કહેતાં હતા કે," મનસુખભાઈ ગુલેરને કઈ થાય નહીં. ચિંતા ના કરો.વરસાદનો જોર ઓછો થાય અને સવાર પડે એટલે બધા શોધવા નીકળીએ. બસ, હવે તો ભગવાનને પ્રાર્થના કરો.છેવટે તો એજ આપણો તારણહાર."

મળસ્કે વરસાદનો જોર ઓછો થઇ ગયો હતો . વહેલી સવારે બંધ પણ થઈ ગયો. ફળિયામાં બધા જ શોધવાં નીકળી પડ્યા. કોઈક અજાણ્યા માણસે સમાચાર આપ્યા કે હવેલીની પાછળના ભાગમાં ઓરડામાં અર્ધ બેભાન અવસ્થામાં એક ૮-૧૦ વર્ષનો છોકરો પડેલો છે. બસ! એજ છે ગુલેર .! એમ માની મનસુખભાઈએ એ તરફ દોટ મૂકી.હાશ ! ગુલેર દેખાયો. ગુલેર જે જગ્યાએ હતો તે જગ્યાએ કોઈ ફરક્યું જ નહોતું. આખું ગામ ખૂંદી વળ્યા હતાં. ગામમાં રાજમલ શેઠની ખંડેર જેવી થયેલી હવેલીમાં કોઈ જોવા ગયું નહોતું. જેવો ગુલેર દેખાયો મનસુખભાઈએ સહુથી પહેલા ભગવાનનો પાડ માન્યો. જેવો ગુલેરને ઊંચકી કેડ પર લેવા ગયા. તેજ ક્ષણે મનસુખભાઇની પકડ ઢીલી થતાં રહી ગઈ. ગુલેરને આશરે ત્રણ ડિગ્રી સુધીનો તાવ હતો. મનસુખભાઈ તરત એણે દવાખાને લઈ ગયાં. ડોક્ટરે પ્રાથમિક ઈલાજ કર્યો પણ હાલતમાં કઈ સુધારો થયો નહોતો. એટલે મનસુખભાઈ એને બીજા ડોક્ટર પાસે લઈ ગયા. બે દિવસ દવાખાને રાખ્યો. બધો જ ઈલાજ કર્યો પણ વ્યર્થ. છેવટે ડોક્ટરે સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તપાસ્યું. બધા રિપોર્ટ કઢાવ્યાં અને જોયા પછી નિદાન કર્યું ન્યૂમોનિયાનું ! છાતીનો એક્ષરે રિપોર્ટ જોયો તો ફેફસામાં કાણું! અને તે પણ ગંભીર સ્વરૂપ લઇ લીધેલું.

મનસુખભાઈએ જિંદગીની લગભગ પોણા ભાગની કમાણી લાડકા ભાણિયાના ઇલાજમાં ખર્ચી નાખી હતી. ગુલેર આખી રાત તાવમાં કણસતો હતો. બકબક કરતો રહ્યો. મિત્રો જોડે રમતમાં જે બોલતો તેજ બબડતો હતો." એ પકડ.. સાલાને....સાલા છોડ...એણે ઠો કરો...આ લાકડાને નદીમાં ફેકો...! ડોક્ટરે ઘેનની દવા આપી સુવડાવ્યો. સવારે ઊઠીને મામાને ધીમા અવાજે કહેતો હતો. મામાના કાન નજીક બોલ્યો, "મામા,મારી માને બોલાવો. મને મારા ગામ જવું છે. હું હવે ડાયો ડાયો રહીશ. માને હેરાન નહી કરું. મા જેમ કહે તેમ રહીશ. કોઈને હેરાન નહી કરું. મારી માને બોલાવો."

" હા દીકરા, તારી માને બોલાવી છે. સવારમાં આવી જશે. પછી તું સારો થઈ જા એટલે તને અને તારી માને હું જાતે જ ગામ મૂકવા આવીશ હં. હમણાં તું સૂઈ જા." મનસુખભાઈએ પ્રેમથી માથા પર હાથ ફેરવી સમજાવ્યો.

સવાર પડી અને બીનાબહેન આવ્યાં. દોડતા જ એના રૂમમાં ગયા. ગુલેરે ધીમાં અવાજે કહ્યું, " મા, મને આપના ગામ લઈ જા. અહી નથી રહેવું. હું તને હેરાન નહી કરું. તારું ધ્યાન રાખીશ. ચિકુનું પણ ધ્યાન રાખીશ. તું જેમ કહીશ તેમજ રહીશ. તું જે ખાવાનું આપે અને જેટલું આપે તેટલું ચૂપચાપ ખાઈ લઈશ. લડાઈ-ઝગડો, મારઝૂડ કરીશ નહીં. ભણીને મોટો થઈશ તને સુખેથી રાખીશ. મારા પર ભરોસો રાખ. મા મને તારી સાથે જ આવવું છે." નર્સે બીનાબહેનને બહાર જવા કહ્યું. બહાર આવી બીનાબહેન કાચમાંથી દીકરાનું મોં જોયું. મનમાં દીકરાને ગળે વળગાડવાનો વસવસો રહી ગયો. ગુલેરે ધીમેથી જરીક આંખ ખોલી અને મા તરફ જોયું. જમણો હાથ ઉપર કર્યો અને બીજે જ ક્ષણે હાથ નીચે. આંખ બંધ કરી દીધી. નર્સે જોયું. ડોકટરને તત્કાળ બોલાવ્યાં. ડોક્ટર આવ્યાં નાડીના ધબકારા તપાસ્યા. દિલના ધબકારા તપાસ્યા. ધીરેથી સ્ટેથોસ્કોપ કાઢી નિરાશ ભાવે મનસુખભાઇને નજીક બોલાવીને કહ્યું," સોરી મનસુખભાઈ, હિ ઈઝ નો મોર." મનસુખભાઈના પગેથી જાણે ધરતી ખસી ગઈ. આભ તુટી પડ્યું. આ વાત જેવી બીનાબહેનને ખબર પડી તેજ ક્ષણે જોરદાર ચીસ પાડી ગુલે............ રરર........ને બીનાબહેન બેભાન થઇ જમીન પર ઢળી પડ્યા.

સમાપ્ત.

............ ભરતચંદ્ર શાહ...............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED