MATRUBHASHA BACHAO books and stories free download online pdf in Gujarati

માતૃભાષા બચાઓ

માતૃભાષાનું મહત્વ સમજવા માટે એક નાની અમસ્તી વાર્તા :

આપણા ભારત દેશના એક મહાનગરમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં એમ. કોમ. ફર્સ્ટ ક્લાસ ભણેલો યુવાન ઊંચા હોદ્દાની જગ્યામાટે મુલાકાત (Interview ) આપવા જાય છે. મુલાકાત લેવાવાળા સાહેબ અંગ્રેજીમાં સવાલો પૂછે છે અને યુવાન બહુજ સરળતાથી અને સહેલાઈથી જવાબો આપે છે. જેથી મુલાકાત લેનાર સાહેબ પ્રભાવિત થઈ જાય છે. પછી બીજા સાહેબ આપણી રાષ્ટ્ર ભાષા હિન્દીમાં સવાલો પૂછે છે. યુવાન સવાલોના જવાબો અટકી અટકીને આપે છે. સવાલ કઈ હોય ને જવાબ ભળતાજ આપે છે. ત્યારબાદ ત્રીજા સાહેબ માતૃભાષામાં સવાલો પૂછે છે. અહીં પણ યુવાન ગોથા ખાય છે. સવાલોના ભળતાજ જવાબો આપે છે. આ યુવાન નર્સરી, સી. કે જી થી લઇ એમ. કોમ. સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલો હોય છે. યુવાનના માતા પિતા બહુ કાંઈ ખાસ ભણેલા નહોતા. દાદા તો પાંચ કે છ ચોપડી સુધીજ ભણ્યા હતાં. પરિણામે એ યુવાન હિન્દી અને માતૃભાષામાં લેવાયેલ મુલાકાતમાં નાપાસ (Fail) થાય છે. તેની જગ્યાએ બીજા યુવાનની પસંદગી થાય છે. કેમ કે બીજા યુવાને અંગ્રેજી સિવાય રાષ્ટ્ર ભાષા અને માતૃભાષામાં પુછાયેલા સવાલોના જવાબો બહુ સહેલાઈથી છે. જેથી મુલાકાત લેનાર સાહેબ પ્રભાવિત થઈ તેની પસંદગી કરે છે. આપણી રાષ્ટ્રભાષા અને માતૃભાષાના અપૂરતા જ્ઞાનના અભાવે હાથમા આવેલી સારી મોભાદાર નોકરીની તક જતી રહે છે યુવાન હતાશા અનુભવે છે.

એ યુવાન જ્યારે ત્રીજા ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે તેના દાદા આંગળી પકડીને પગે ચલાવતા બજારમાં, નજીકમાં કોઈ મિત્રના કે સગાને ત્યાં લઇ જતા. રસ્તામાં કોઈ પ્રાણી દેખાય તો એના દાદા કહેતા ' જો દીકરા, બળદ જાય છે. બકરી ઘાસ ખાય છે, ગાય દોડે છે. એ બાળક વિમાસણમાં પડી જાય છે. મનમાં એ દ્વિધા અનુભવે છે. એ બાળકની ભણવાની ચોપડીમાં તો બકરીનું ચિત્ર દોરેલુ હોઈ તેની બાજુમાં અંગ્રેજીમાં ( Goat ) લખેલુ હોય તે જ રીતે ઘોડાનું ચિત્ર હોઇ બાજુમાં અંગેજીમાં ( Horse ) લખેલુ હોય છે. એ બાળક દાદાને સવાલ પૂછે છે ' દાદા, બકરી એટલે શું? ઘોડ઼ો અને ગાય એટલે શું? ઘાસ એટલે શુ?

તાત્પર્ય :

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક હિન્દુસ્તાની બાળકને પોતાની રાષ્ટ્રભાષા તેમજ માતૃભાષાનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે. કમસે કમ માધ્યમિક સુધી (એટલે દસમા ધોરણ સુધી )એનું ભણતર માતૃભાષા અને રાષ્ટ્રભાષામાં જ થવું જોઈએ. આપણે માની લઇએ કે આજના દોરમાં અંગ્રેજીનો વપરાશ વધારે થઈ ગયો છે. જીવનમાં આગળ જતા કાંઈક કરવું હોય તો અંગ્રેજી અતી આવશ્યક છે જે આજના સમયની માંગ છે.

અસલમાં જુના જમાનામાં માનવીનો વહેવાર ગામ કે શહેર કે તાલુકા અને જીલ્લા પૂરતો સીમિત હતો. આજનો માનવી આ બધીજ વાડ ઓળંગી પુરા દેશમાં અને વિદેશમાં નોકરી, વેપાર, વ્યવસાય, ઉદ્યોગમાં પગપેસારો કરતો થયો છે. તે માટે રાષ્ટ્રભાષા કે માતૃભાષાનું જ્ઞાન અપૂરતું છે. આપ બધા જાણો છો કે આપણી માતૃભાષા ધીરે ધીરે લુપ્ત થવાની અણી પર છે. માતૃભાષાને બચાવવાં લેખકો, વિવેચકો, કવિઓ,સાહિત્યકારો સર્જનકારો રાત દિન મંડી પડ્યા છે. ભાષાને બચાવવાં મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. ગામે ગામ, શહેરો શહેરોમાં પરિસંવાદો, ચર્ચાસત્રો, થાય છે પણ કમનસીબે આમાં જોઈએ તેવી સફળતા મળી નથી. અંગ્રેજીનો વપરાશ આજકાલ સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું છે. તમે જોતા હશો કે આપણા હિન્દી ફિલ્મોમાં તેમજ અન્ય પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં અને ટી. વી. શ્રેણીઓમાં તેમજ રિયાલિટી શોમાં લગભગ 80% અંગ્રેજીમાં સંવાદો બોલાય છે. સેલીબ્રિટીઓ શોમાં અંગ્રેજીમાં ફાટફાટ બોલતા હોય, ચર્ચા કરતા હોય છે. આમાં આપણા હિન્દુસ્તાનમાં અંગ્રેજી જાણનાર વર્ગ થોડોક અને માતૃભાષા કે રાષ્ટ્રભાષા જાણનાર વર્ગ મોટો છે. પરિણામે આવી સેલીબ્રિટીઓ, ટી. વી અને ફિલ્મોમાં કામ કરનાર કલાકારો, રમતવીરો, ઉદ્યોજકોના બોલ ઓછું ભણેલા કે અભણ લોકોના મગજ પરથી બાઉન્સર જ જતા હોય છે. એવા લોકોના મેકઅપવાળા ડાચાં જોયા કરતા હોય છે. અંતે તેમની કોઈ જ વાત એમના પદરે ન પડતા ટી. વી. બંધ કરી બીજા જોડે વાતચીત કરે છે.

મારો કહેવાનો મતલબ એ કે નવપરિણીત યુવાન, યુવતીઓ અને ભવિષ્યમાં પરણનાર યુવાન યુવતીઓ પોતાના સંતાનોને માતૃભાષા, રાષ્ટ્રભાષામાં શિક્ષણ અપાવવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી આગળ જતા તેનો ફજેતો ન થાય. ભવિષ્યમાં એ બાળક ઉચ્ચ શિક્ષણ મેળવનાર જ છે.

તમારે જો સમાજના કે દેશના દરેક માનવીના દિલ સુધી પહોંચવું હોય તો તમારે એમની જોડે એમની જ ભાષામાં સંવાદ કરવો જોઈએ જેથી તમે જે કઈ કહેવા માંગતા હોય તે એના મગજસુધી પહોંચે અને સમાજ અને દેશના ઘડતરમાં નાનામાં નાના માણસનું યોગદાન રહે. અંગ્રેજી ભાષા કામની ભાષા છે પરંતુ આપણા દેશની ગૃહિણી ન હોવો જોઈએ. ઘરની રાણી તો માતૃભાષા જ ( ગુજરાતી, મરાઠી, બંગાલી, આસામી, તેલુગુ, તમિલ વિગેરે ) હોવો જોઈએ. જ્યારે માતા તરીકે સંસ્કૃત ભાષા જ હોવી જોઈએ.
ગુજરાતી ભાષા તો આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેયની ત્રિવેણી છે. એવું શ્રી મોરારીબાપુએ "માનસ દર્શન " લેખમાંથી કહ્યું છે. એવીજ રીતે ગુજરાતી કવિ શ્રી હરીહર ગોસ્વામી કહે છે " એક ઘા અને કટકા ત્રણ, એ જાણવું હોય તો ગુજરાતી ભણ. "

ગુજરાતી ભાષાનો વૈભવ તો જુઓ
જતા માણસને પણ " Bye" એટલે કે " જાઓ " નહી, પણ " આવજો " કહીએ છીએ.

આપ બધા જાણતા હશો કે આપણા દેવી દેવતાઓની પ્રાચીન ભાષા સંસ્કૃત જે લગભગ નામશેષ થઈ રહી છે. પશ્ચિમી દેશના લોકો આપણા દેશમાં આવી આપણા પ્રાચીન ગ્રંથો રામાયણ, મહાભારત, ભગવત ગીતા, શિવ પુરાણ, ઉપનિશદોનો અભ્યાસ કરવા પોતાનો દેશ છોડી અહીં આવે છે. આપણા પૌરાણીક ગ્રંથોને કંઠસ્થ કરી પોતાના દેશમાં નામના મેળવે છે. આપણે દેશને માતાનો દરજો આપ્યો છે. તેવીજ રીતે આપણે ધરતીને ધરતીમાતા તરીકે પૂજીએ છે. સંસ્કૃત ભાષા તો દરેક ભાષાની જનની છે. આપણે એ જનનીની ઉપેક્ષા કરીયે છીએ. કોઈ સંતાન પોતાની જન્મ દેતી માતાની ઉપેક્ષા, અવગણના કરીયે છીએ? કોઈ નહીં કરે. સંતાન પોતાની જન્મ દેતી માતાની ઉપેક્ષા, અવહેલના સહન ના કરી શકે તો પછી આપણી માતૃભાષા કે રાષ્ટ્ર્રભાષાની ઉપેક્ષા, અપમાન કેમ સહન કરીએ?

આપણી માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ મીઠું કહીએ છીએ.
ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે.

અંગ્રેજીનો પ્રસાર, પ્રચાર અને વપરાશ કેમ વધ્યો?
તા. 17/02/2019ના ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં ' હોરાઈઝન ' કોલમમાં શ્રી ભવેનભાઈ કચ્છીનો માતૃભાષા વિશેનો રસપ્રદ લેખ વાંચ્યો. વાંચીને દુઃખ તો થયું. લેખના થોડા અંશ અહીં પ્રસ્તુત કર્યા છે.

હિન્દુસ્તાનમાં બ્રિટીશ શાસનનો પાયો નાખાયો ત્યારે 2 ફેબ્રુઆરી 1835ના રોજ બ્રિટનના મહાન ઇતિહાસકાર અને શિક્ષણવીદ લોર્ડ મેકોલોએ બ્રિટીશ શાસન અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લાંબો પત્ર લખ્યો. હિન્દુસ્તાનમાં અરેબીક અને સંસ્કૃત ભાષાને સંપૂર્ણ નાબૂદ કરવાનું જણાવવામાં આવેલ તેની જગ્યાએ અંગ્રેજી ભાષાનો અમલ કરી હિન્દુસ્તાનની શાળાઓ, સંસ્થાઓ, વિદ્યાપીઠો,સરકારી કચેરીઓ, અદાલતો તેમજ બધીજ સેવાનું કામકાજ અંગ્રેજી ભાષામાં જ થવું જોઈએ એવા સૂચનો કરવામાં આવેલ હતાં. શુ કામ આવા સૂચનો કરવા પડ્યા? તેની પાછળ મોકેલની શું મુરાદ હતી? આપણા પ્રાચીન ગ્રંથો જેવા કે વેદ, ઉપનિશદો, ગણિત, ભૂગોળ સંસ્કૃત અને અરેબીક ભાષામાં લખાયેલા હતાં જે વાંચી મેકોલ પ્રભાવિત તો થયો પણ તેણે અંદરથી ખુંચતું હતું.તેણે તોડી પાડવા સુનીયોજીત કાવતરૂ ઘડી કાઢ્યું. ભારતીય પ્રજાને હીણ કક્ષાની ગણાવી હતી. આપણા પ્રાચીન ગ્રંથો માટે નિમ્ન કક્ષાના શબ્દો વાપર્યા હતાં.
આપણી પ્રજા આઝાદી પછી પણ ભૂલ ન સુધારી ઉલ્ટાનું અંગ્રેજો જેવી માનસિકતા કેળવી જેનું અંગ્રેજી સારું અને અંગ્રેજી પર પ્રભુત્વ છે તે સભ્ય સમાજ અને જેને અંગ્રેજી ના આવડતું હોય તેં પછાત વર્ગનો એવી માનસિકતા ઘર કરી ગઈ. આઝાદીના 71 વર્ષો બાદ પણ હજુ ભારતીય વ્યક્તિ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં મુકવા કે માતૃભાષા અથવા રાષ્ટ્રીય ભાષા માધ્યમમાં મુકવા તે નક્કી નથી કરી શકતા. આત્મવિશ્વાસ અને અખતરાના બીકે વાલીઓ પોતાના સંતાનોને મેકોલ બ્રાન્ડ શાળાઓમાં જ અભ્યાસ કરાવવા મોકલે છે. ભારતીય ભાષાઓનો નાશ કરી અંગેજી ભાષા ઠોકી બેસાડવાનો મોકેલનો બદઈરાદો સ્પષ્ટ હતો જે આપણી ભોળી જનતા સમજી ના શકી. અંગેજી વિશેનું અધૂરું જ્ઞાન પ્રાપ્તિ કરી અંગેજી ઓછું જાણવાવાળા કે ન જાણવાવાળા ઉપર પોતાનું મહત્વ કેટલું છે પોતે કેટલો હોશિયાર છે, ચઢીયાતો છે તેવી માનસિકતા મેળવે છે. ભારતીયોમાં એવી લઘુતાગ્રંથિ આકાર પામી કે ' હે જેન્ટલમેન જેન્ટલમેન જેન્ટલમેન લંડન સે આયા મેં બનઠનકે '( દિલીપ કુમાર અભિનીત હિન્દી મુવી ગોપીનું એક ગીત છે)
મેકોલે દેશનું નિકંદન નીકાળી દીધું છે. મેકોલના મૂળિયાં ઊંડે સુધી ઉતરી ગયા છે. એના કારનામામાં એ સદંતર સફળ થયો છે જે આજે આપણી કમનસીબી છે. મેકોલેનો તો પોતાનો એજન્ડા હતો જેમાં તે સફળ થયો. આપણો શું અજેન્ડા હતો? આપણે સફળ થયાં ખરા? કેટલા સફળ થયાં અને કેટલા અસફળ થયાં? લગાઓ હિસાબ કિતાબ. એમના મતે કોઈ પણ ભાષા ચડિયાતી કે ઉતરતી નથી હોતી. ભાષાને ચડિયાતી કે ઉતરતી એના ભાષકો બનાવતા હોય છે. ભાષા પરત્વેનો પોતાનો અભિગમ પ્રજા બદલશે તો આપણી ગુજરાતી ભાષાનો દરજ્જો ઊંચો આવશે.
એમના લેખનું છેલ્લું વાક્ય બહુ સરસ છે
"" પહેલા વોટર લો પછી એમાં ફિંગર બોળો "" એવી તો આપણી ગુજરાતી ભાષા 'ગુજલીશ ' થઈ ગઈ છે

જય જય ગરવી ગુજરાત. વાંચે ગુજરાત ગુજરાતી

ઓછા અભ્યાસને લીધે જો અંગ્રેજી બરાબર બોલતા ના આવડે તો શરમાવું નહીં કારણકે વિદેશી ભાષામાં કોઈ નિપુણ નથી હોતું.

પણ

પોતાની માતૃભાષા બોલતા જો ભૂલ થાય તો જરૂર શરમાવું જોઈએ.

સમાપ્ત
.......................

ભરતચંદ્ર શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED