CHA PIVANU MAN THAYU PIVA GAYO PAN DUDHAJ FATI GAYU books and stories free download online pdf in Gujarati

ચહા પીવાનું મન હતું ,પીવા ગયો પણ દૂધ જ ફાટી ગયું.

સ્વરૂપવાન સુંદરી .. નિશા
રૂપનો ભંડાર ..નિશા
છલકાતું યૌવન..નિશા
મદમસ્ત અલમસ્ત..નિશા
સૌંદર્યનો ઘમંડ કરતી..નિશા


કોલેજ કેમ્પસમાં એન્ટ્રી મારે એટલે કોઈ એક્શન હીરોની એક્શન મૂવીમાં જેવી ધમાકેદાર એન્ટ્રી થાય તેવી... ભર રર રર..... નિશાની કારની કોલેજ કેમ્પસમાં એન્ટ્રી થાય.
પૈસાદારની વંઠેલ દીકરી કોલેજમાં આવે એટલે સોપો પડી જતો. પૈસાદારના ભલભલા નબીરા લાળ ટપકાવતા હતાં. પૈસાના જોરે નિશાને પોતાની સામે ખેંચવા તનતોડ મહેનત કરતાં. નિશાને પોતાના તરફ આકર્ષવા એવા નબિરાઓમાં હોડ લાગે. મધ્યમ વર્ગના નબીરાઓ પણ પૂરી તાકાત સાથે જોર લગાવતા હતાં. નિમ્ન મધ્યમ વર્ગના છોકરાઓ તો આ બાબત કોસો દૂર. તેમનાથી કઈ વિચારાય પણ નહી. તેનું સૌંદર્ય જોઈને જ સંતોષ માની લેતા. પટાવવાની વાત તો દૂર જ રહી. એનાથી અંતર જ બનાવી રાખેલું. ભૂલે ચૂકે કોઈ નજીક જઈને ફ્લર્ટ કરવાની કોશિશ કરે તો તેનું આવીજ બને. નિશાનું બોલવું તોછડાઇવાળું. બધાની સામે બેઇજ્જતી કરી ઉતારી પાડે. શ્રીમંતના નબીરાઓ તેણીના આગળ લાળ ટપકાવતા હતાં. પણ નિશાએ આજ દિન સુધી કોઈનેય ઘાસ નાખી નહોતી.

અભિજિત દેખાવે સોહામણો,હંમેશાં હસતો ચહેરો, મજબૂત બાંધો,કસાયેલું શરીર એક્શન હીરોની જેમ વ્યકિતમત્વ પણ રહેણી કરણી સાધી અને સરળ. પરિસ્થિતિ માફક રહેતો. નાની કરિયાણાની દુકાન ચલાવનાર નાના વેપારી સોનુભાઈનો એક ને એક પુત્ર ભણવામાં હોશિયાર. છોકરીઓથી દૂર જ રહેતો. ખપ પૂરતી વાત કરે. કોઈની જોડે કોઈ મગજમારી નહી. તેના મિત્રો પણ તેના જેવા જ સામાન્ય ઘરના પણ હોશિયાર. પૈસાદાર નબીરા જોડે ફક્ત હાય..હેલ્લો..બોલવાના સંબંધ એ સિવાય કંઈ નહીં. કોલેજમાં અમુક ટપોરીઓ પણ આવતાં જેમના વાલીઓ દાદાગીરી કરનાર અસામાજિક તત્ત્વો જોડે ઘરોબો ધરાવનાર તે દમ પર કોલેજમાં દાદાગીરી,ગુંડાગીરી કરતાં. એમાંના ઘણા ટપોરીઓ નિશાને તાબે કરવા મથતાં હતાં. પણ નિશા એટલી ભોળી નહોતી કે ઝટ તાબે થાય.

શહેરના વિકસિત લત્તામાં નિશા કાર લઈને ટ્યુશન ક્લાસમાં જતી હતી. ક્લાસનો સમય સાંજના ૫ થી ૭ નો. શિયાળામાં સાંજે સાત વાગે અંધારું જલ્દી થઇ જતું .તે સમયે એ લત્તામાં સૂમસામ રહેતું. રસ્તા પરના લાઈટના થાંભલા પણ અપૂરતા. અજવાળું પણ અપૂરતું. એક દિવસ નિશાની કાર સર્વિસમા આપેલી હતી એટલે ટ્યુશન ક્લાસમાં એક્ટિવા લઈને આવી હતી. એજ ટ્યુશન ક્લાસમાં અભિજિત પણ ભણવા આવતો. પણ એ સાયકલ પર આવતો.
સાંજે સાત વાગે ક્લાસ છૂટ્યો અને બધા નીકળતાં હતાં. નિશા પણ એક્ટિવા લઈને નીકળી. રસ્તાની અધ વચ્ચે આવી અને અચાનક બે ટપોરીયા તેની સામે આવી ઉભા રહી ગયા. તેણીને રોકતાં હલકી અભદ્ર ભાષામાં વાત કરી છેડછાડ કરવા લાગ્યા. પેલી ધમ પછડા કરતી હતી અને પૂરી તાકાતથી સામનો કરતી હતી. બે જણને તાબે ન થતાં બીજા ત્રણ ટપોરીઓ ટપકી પડ્યા. પાંચે પાંચ ગુંડાઓ તેની પર તૂટવાની તૈયારી કરતા હતા એટલેક પાછળથી અભિજિત સાયકલ પર ધીમે ધીમે આવતો હતો. છોકરીની ચીસ એના કાને સંભળાઈ અને તે દિશા તરફ જોવા ગયો. જોઇને તે અવાક્ પામ્યો. નિશાની આબરૂ લેવાની કોશિશ થતી હતી. વીજળી વેગે અભિજિત સાયકલને રસ્તાની બાજુમાં ફેંકી અને તરતજ ચિત્તાની માફક ગુંડાઓ પર તૂટી પડ્યો. મૂવીમાં હીરો જેમ મારામારી કરે તે સ્ટાઈલથી મારા મારી કરતો હતો. માર્શલ આર્ટમા નિપુણ અને બ્લેક કમાન્ડોની તાલીમ લીધેલ અભિજિત હિન્દી પિક્ચરના હીરો ટાઇગર શ્રોફ કે વિદ્યુત જમવલની જેમ ફાઇટ કરતો હતો. ગુંડાઓ પાસે ધાર ધાર હત્યાર હતાં. અભિજિત પાસે કંઇજ નહોતું.
પાછળથી નિશાના ક્લાસના પૈસાદારના નબીરાઓ કાર અને બાઈક લઈને એ સ્થળે આવ્યા. પણ પાંચ પાંચ ગુંડાઓ જોઈ ઊભી પૂંછડીએ ભાગ્યા. કોઈએ અભિજિતની મદદે આવવાની હિંમત નહોતી દાખવી. ગુંડાઓએ અભિજિતનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. બનિયન પર હતો. બે ગુંડાઓએ ચપ્પુ હુલાવી અભિજિતને ખાસી ઇજા પહોંચાડી હતી. અભિજિતનું બનિયન લોહીવાળું થઈ ગયું હતું. અભિજિત ચિત્તાની માફક લડતો હતો. આખરે અભિજિતનો જુસ્સો, હિંમત અને તાકાત જોઈ ગુંડાઓ રફુચક્કર થઈ ગયા. અભિજિત નિશા નજીક આવ્યો અને કહ્યું, " નિશાજી તમે જાઓ ઘરે. હું મારી રીતે જતો રહીશ. તમે બહુ ઘબરાયેલા દેખાઓ છો. ઘરે ચિંતા કરશે. હું ઠીક છું તમે હવે નીકળો વહેલી તકે. અભિજિતના દોસ્તો પણ સાયકલ પર આવી પહોંચ્યા હતાં. અભીજીતે એક મિત્ર ને કહ્યું," દીપક, તું નિશા જોડે જા અને ઘર સુધી સુખરૂપ મૂકી આવ. તરતજ દીપક નિશા જોડે ઘર સુધી મૂકવાં ગયો અને બીજા બે મિત્રો અભિજિતને લઇ તાત્કાલિક દવાખાને ગયા.

નિશાએ આ ઘટનાની વાત ઘરે કોઈના આગળ કરી નહોતી. તે અભિજિતનું વિચારતી હતી. તેની તાકાત હિંમત અને જોશ જોઈ તેણીના હોશ ઉડી ગયા હતાં. અભિજિતનો જોશીલી ચહેરો,કસાયેલું શરીર, ચિત્તા જેવી ચપળતા, સિક્સ પેક શરીર જોઈ દિગ્મૂઢ થઈ ગઈ હતી. આખી રાત અભિજિતનું વિચારતી હતી.

" હેલ્લો અભિજિત , થેંક્યું કાલે તે મારી આબરૂ બચાવી. તું નહી આવતે તો..તો..હું પીંખાઇ જ જતી. હું તને મામૂલી સમજતી હતી તું તો હીરો નીકળ્યો."
" ઇટ્સ ઓકે..એક નીસહાય અને અબલા નારી પ્રત્યે મે મારી ફરજ પૂરી કરી." આટલું બોલી સડસડાટ ત્યાંથી ચાલી નીકળ્યો. નિશાને બહુ વાતો કરવી હતી પણ તે અભિજિતને રોકી ના શકી.
નિશા પૂર્ણતયા અભિજિતમય બની ગઈ હતી. કેમે કરીને અભિજિત આગળ પોતાની લાગણીઓ વ્યક્ત કરવી હતી. સમય જોઇને એક દિવસ અભિજિત પાસે જઈ બોલી," આજે જઈએ કોફી હાઉસમાં મારે એક વાત કહેવી છે. જો તારી સંમતિ હોય તો...બોલતા બોલતા નિશા અટકી. અભિજિતના જવાબની રાહ જોતી હતી. થોડી વાર વિચારીને હકારાત્મક ડોકી ધુણાવી અભિજીતે મૂક સંમતિ આપી.

કોલેજ છૂટ્યા પછી બંને કોફી હાઉસમાં ભેગાં થયાં.નિશાની વાત જાણવા અભિજિત અધીરો બન્યો હતો પણ તેણે તેવું દર્શાવ્યું નહી. વેઇટર કોફીના મગ મૂકી જતો રહ્યો.શાંતિનો ભંગ કરતાં અભિજિત બોલ્યો, " શી વાત હતી? '"
" અભિજિત ,અત્યાર સુધી આપણે મિત્રો હતા પણ મે મિત્રતાનું આગળનું વિચાર્યું છે. મિત્રતાનું સર્કલ પાર કરી હું તારા પ્રેમના સર્કલમાં આવી ગઈ છું.અને મારું આગળનું ભવિષ્ય તારી સાથે જોડવા માગું છે. ટૂંકમાં હું તને ચાહું છું.મને અપનાવી લે"
" વોટ?? શું કહ્યું? નિશાની વાત સાંભળી અભિજિતને જોરદાર આંચકો લાગ્યો." " નિશા , મારા દીલો દિમાગમાં તું સમજે છે તેવી લાગણી નથી. હું ફક્ત મિત્રતાના સર્કલમા છું અને સર્કલમા જ રહેવા માગું છું.મહેરબાની કરી તું આવું ન વિચાર. હું તારા લાયક નથી. સામાન્ય બાપનો સામાન્ય દીકરો છું. અને બીજી ખાસ વાત તારા જેવી તોછડાઈથી વાત કરવાવાળી મારા નફરતને લાયક હોય છે." ઓકે? જઈ એ હવે? નિશા ઊભી થાય તે પહેલાજ અભિજિત ચાલવા માંડ્યો.
નિશાએ આ વાત અભિજિતના ખાસ મિત્રો ને કહી અને કંઇક કરો તેનું સૂચન કર્યું. મિત્રોએ આશ્વાસન આપ્યું.

ત્રીજે દિવસે લાગ જોઇને મિત્રોએ અભિજિતને સમજાવતાં કહ્યું , " અભી, સામે ચાલીને લક્ષ્મી આવે છે મોં ધોવા એમ ના જઈશ.તારી લાઇફ બની જશે. બહુ વાર સુધી સમજાવ્યો પછી મિત્રોની વાત ગળે ઉતરી અને વિચારીને સંમતિ આપી.
તરતજ મિત્રો એ નિશાને જાણ કરી ખુશીના સમાચાર આપ્યાં.બંને વચ્ચે સુલેહ થઈ ગયો હતો.નિશાએ ખાતરી આપી કે હવેથી એ કોઈની જોડે એવી તોછડાઈથી વાત નહી કરે.
" અભી, હું તારા પ્યારની કસમ ખાઈને કહું છું હું ફરીથી આવી ભૂલ નહી કરું.કોઈના દિલને દુઃખ નહી આપીશ."
વરસ સુધી બંને કોલેજ છૂટ્યા બાદ મળતા હતાં. વોટ્સ એપ પર વાતચીત કરતા. ફોટોની આપ લે કરતા. મલ્ટી પ્લેક્સમાં મૂવી જોવા જાવું,હોટેલમાં ડિનર માટે જવું. તળાવ કિનારે એક બીજામાં હાથ પરોવીને ભવિષ્યના સપના જોવા આ નિત્ય ક્રમ બની ગયો હતો.

" અભી, એક વરસ થઇ ગયો આપણે નજીક આવવા.હવે આપણે નિર્ણય લેવો પડશે. હું તને સામે ચાલીને લગ્નનો પ્રસ્તાવ મૂકુ છું.તું તારા ઘરે માતા પિતાને વાત કર હું પણ મારા માતા પિતાને વાત કરું છું."

" ઠીક છે નિશા હું આજે વાત કરું છું"

‌બંને છુટા પડ્યાં.પણ અભિજિત હજુ થોડીક શંકા ધરાવતો હતો.કેમકે નિશા પૈસાદારની દીકરી. તેણીના પિતા આ સંબંધને લીલી ઝંડી આપશે કે નહી તે વિશે શંકા હતી. એક બાજુ નિશા પર થોડો ભરોસો હતો.કેમ કે જીવનમાં એક વાર તેણીને જોરદાર ઠોકર વાગી હતી. ત્યારથી નિશા થોડી ઠરેલ જણાતી હતી.

" પપ્પા, આજે મને તમને એક વાત કહેવી છે."
" બોલ બેટા શી વાત છે"
નિશાએ અભિજિત સાથેના પ્રેમ સંબંધની વાત વિગત સાથે કીધી.કેવી રીતે પ્રેમ થયો , ક્યારે થયો, તેની જાન કેવી રીતે બચાવી તે વિગતવાર કહી. કાલે તેના પિતા અને અભિ તમને મળવા સાંજે છ વાગે આવવાના છે.

નિશાની વાત સાંભળી તેણીના પિતા થોડા ગુસ્સે ભરાયા. ગુસ્સામાં નિશાને ઠપકો આપતાં બોલ્યાં,બેટા અભિજીતે તારી જિંદગી બચાવી તે બહુ સારું.આપણે તેના આભારી છીએ.પણ દીકરા, મે તારા સગપણની વાત ક્યારની કરેલી છે. સુંદરલાલ શેઠનો દીકરો વૈભવ તેની સાથે અમોએ પહેલેથીજ નક્કી કરેલ છે. તમે બંને એકબીજાને સારી રીતે જાણો છો.તમે સાથે હર્યા ફર્યા છો. આપના સ્ટેટ્સ ના છે, એક ના એક દીકરો છે. કરોડપતિનો ફરજંદ છે. રાણીની જેમ તું રાજ કરીશ. અભિજિત સારો નથી એમ હું નથી કહેતો. બેશક ઇન્સાન તરીકે એ બહુજ સરો છે પણ આખી જિંદગી તું સુખી રહીશ? એ તને સુખ આપી શકશે જે અત્યારે તું ભોગવી રહી છે? તું તારા ભવિષ્યનો વિચાર કર. મારી વાતને ઠંડા દિમાગથી વિચાર અને પછી નિર્ણય લે. પછી હું તારા નિર્ણયને આડે નહી આવીશ. તું જે નિર્ણય લેશે તે મને મંજૂર રહેશે."

પિતાની વાત સાંભળી નિશા નિરુત્તર રહી અને નીચે ડોક કરી ચૂપચાપ બેડરૂમમાં જતી રહી.
સવારે નિશાના પિતાએ અભિજિતના પિતાને ફોન કરીને કહ્યું" હું નિશાના પિતા બોલું છું.નિશાએ મને બધી હકીકત કીધી છે. તમે આજે મળવા આવવાના છો પણ અમારે એક અગત્યનું કામ આવી પડ્યું છે.એ કામમાં હું આખો દિવસ વ્યસ્ત રહીશ એટલે તમો આવતી કાલે સાંજે છ વાગે મળવા આવો."

" ઠીક છે તમે જેમ કહો તેમ.અમો કાલે આવીશું"

ત્રીજે દિવસે સાંજે છ વાગે પિતા પુત્ર બંને નિશાના પિતાના ઘરે પહોંચી ગયા. નિશાના પિતાએ પ્રેમથી આવકાર્યા. સામાન્ય વાતો થઈ.અભિજીતે નિશાની જાણ બચાવી તે બદ્દલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

નિશાને નાસ્તો લાવવાનું કહેવામાં આવ્યું.નિશા નાસ્તાની ટ્રે લઇ આવી.પછી જ્યુસ લાવવાનું કહ્યું.
" પપ્પા, અભિજિતને ચહા જોઈએ છે મારા હાથની"
" ઓકે.મને કંઇ વાંધો નથી.ચહા બનાવી લાવ.
નિશા રસોડામાં ગઈ.ફ્રીઝમાંથી દૂધની તપેલી કાઢી.તપેલીમાનું દૂધ જોઈ આંખો પહોળી થઈ ગઈ. તરત જ એને મમ્મીને રસોડામાં બોલાવી દૂધની તપેલી બતાવી.

તેની માતા પણ નવાઈ પામ્યા.કેવી રીતે દૂધ ફાટ્યું હશે?

" કઈ નહી ચિંતા નહી કર રામુ આવે એટલે એને મોકલી આપજો દૂધ લેવા. પાંચ મિનિટમાં આવતો જ હસે ત્યાંસુધી આ લોકોને વાતોમાં રોકી રાખીએ.

થોડીવારમાંજ અભિજિતના મોબાઈલમાં વોટ્સ એપ પર નોટીફિકેશન આવ્યું. એનો મિત્ર દીપકનો મેસેજ હતો. મેસેજ વાંચ્યો. તેના બે મિત્રો બાઈક પર સવાર થઈ જલ્દી જલ્દી નિશાના ઘરે આવી પહોંચ્યા અને ઘરની બહારથી જ મેસેજ કરી અભિજિતને બહાર બોલાવ્યો. બંને મિત્રો હાંફળા ફાંફળા થઈ ગયા હતા. અભિજિત બહાર આવ્યો. દીપક અભિજિત ના કાનમાં કંઈક ગંભીર વાત કહી હતી. જે સાંભળી અભિજિત તરતજ નિશાના ઘરમાં આવ્યો અને પિતાને વોટ્સ એપથી જ મેસેજ કર્યો અને દીપકે જે વાત કહી હતી તે ટુંકમાં જણાવી. અભિજિતના પિતા સમજી ગયા કે કુછ તો ગડબડ હૈ.

" ભાઈ શ્રી માફ કરશો અમને જવું પડે તેમ છે. હમણાજ સંદેશો આવ્યો અમારા એક નજીકના સગાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અમને જવું પડે તેમ છે. બાકી વાત ફરીથી કરીશું. અમે અત્યારે વિદાય લઇએ છીએ."

" જી ઠીક છે"
બંને હાથ જોડી પિતા પુત્ર ત્યાંથી નીકળી સીધા ઘરે જ ગયાં. તેના મિત્રો અગાઉથી ત્યાં જઈ પહોંચી ગયા હતા અને અભિજિત અને તેના પિતાની રાહ જોતા હતાં.
અભિજિતના મિત્રોએ અભિજિતના પિતાને મોબાઈલમાં લીધેલ નિશાના ફોટા અને જોયેલી અને સાંભળેલી સાચી હકીકત ફોટા સાથે બયાન કરી હતી.


" દીકરા જે થાય તે સારા માટે જ થાય છે. ભગવાનનો પાડ માણવો કે એમણે બચાવ્યા નહિતર રોવાનો વારો આવતે. પરિણય બંધનમાં બંધાય તે પહેલાજ ખબર પડી ગઈ સાચી હકીકત.

નિશાની સાચી હકીકત ફોટા સાથે સામે આવી જતા અભિજીતની આંખો સામે અંધારા આવી ગયાં હતાં. નિશાની હકીકત પર તેનો વિશ્વાસ જ બેસતો નહોતો. પ્રેમની ચરમ સીમાએ પહોંચી ગયો હતો. પ્રેમ શિખરના ટોચે પહોંચી ગયા હતાં અને અચાનક ધડામમમ નીચે તળીયે આવી ગયો.

" દીકરા, સારું થયું તારા લગ્ન નિશા જોડે થાય તે પહેલાજ હકીકત સામે આવી ગઈ. તને તેના હાથની ચહા પીવાનું મન થયું હતું,ચહા પીવા ગયા પણ દૂધ જ ફાટી ગયું.

સમાપ્ત

........ ભરતચંદ્ર શાહ .........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED