Pratiksha - 37 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ૩૭

“મને ખબર છે તમારા મનમાં વિચાર ચાલી રહ્યો છે પણ એક વાયદો કરશો?”
રઘુ ફક્ત હકારમાં માથું ધુણાવી રહ્યો.
“જ્યાં સુધી રેવા આ પૃથ્વી પર છે એના ઉર્વિલને તકલીફ થાય એવું તમે કંઇજ નહિ કરો!” રેવાની આંખો કોરી હતી છતાં પણ એમાં ભારોભાર વિનવણી હતી. રઘુએ ફક્ત તેનો હાથ જોરથી દાબી છોડી દીધો. અને ડોક્ટર તેને લેબર રૂમમાં લઇ ગયા.

***

દેવ અને સ્વાતિ રઘુની સામે જ ઉભા હતા પણ રઘુ બન્નેમાંથી કોઈ સાથે કંઇજ વાત કરવા સમર્થ નહોતો. એકતરફ ત્યાં અંદર રેવા ઠીક હશે કે નહિ તેની ચિંતા હતી અને બીજી તરફ તેના મગજમાં હજુ ઉર્વિલને જોડાયેલો ફોન જ ચાલી રહ્યો હતો. તે ત્યાં લોબીમાં જ આંટા મારી રહ્યો હતો કે લેબર રૂમમાંથી નર્સ બહાર આવી,
“બેબી ઈઝ અ ગર્લ...” ખુશ થતા નર્સ સ્વાતી સામે જોઈ બોલી પડી અને તેનું વાક્ય પૂરું કરતા પહેલા જ સ્વાતી સીધી લેબર રૂમમાં દોડી ગઈ.
“રેવા?” રઘુ બેબાકળો થઇ પૂછી બેઠો.
“એ પણ હવે ઠીક છે. એમને ઘેનનું ઇન્જેક્શન આપ્યું છે.” નર્સ માહિતી આપી રહી.
રઘુ ત્યાંજ આંખો મીંચી ભગવાનને આભારવશ થતા ઉભો રહી ગયો. રેવા ઠીક છે એ સમાચાર જ એની રાહત કરવા માટે પૂરતા હતા.

તેણે જેવી આંખ ખોલી સ્વાતી વ્હાઈટ કપડામાં વીંટાળેલુ બાળક સામેથી લઈને આવી રહી હતી. રઘુ જોઈ જ રહ્યો તેની સામે. રૂ ના પૂમડા જેવા નાના હાથ અને પગ રઘુને નવો જ રોમાંચ આપી રહ્યા હતા. રઘુએ સાવચેતીથી તેને પોતાના હાથમાં લીધી. તેના હાથ જરા ધ્રુજી રહ્યા હતા. તે ગભરાઈ રહ્યો હતો અને તો ય આ નાનકડા જીવનો સ્પર્શ તેના જન્મોની તૃષાનો અંત હતો. તેની આંખોમાં ભીનાશ ઉતરી આવી અને હોઠો સ્મિતમાં વંકાઈ ગયા.

તેના હોઠો એવી જ રીતે હસી રહ્યા હતા જેવી રીતે ૨૦ વર્ષ પહેલા ઉર્વાને પહેલી વખત હાથમાં લેતી વખતે હસ્યા હતા. તે બાલ્કનીથી ફરી રૂમમાં લાઈટર લેવા આવ્યો અને ખિસ્સામાંથી સિગરેટ સળગાવી ફરી બાલ્કનીમાં જતો રહ્યો.

***

સવારથી ઉઠીને ઉર્વિલ ઘરના આ નવા માહોલમાં સેટ થવાની અને સ્વસ્થ રહેવાની કોશિશ કરી રહ્યો હતો પણ સત્ય જાણવાના ય પોતાના ગેરલાભ હોય એટલે તે કોઈ રીતે સ્વસ્થ રહી જ નહોતો શકતો. ઉર્વા અને મનસ્વી સાથે એક જ ટેબલ પર નાસ્તો કરતી વખતે તે ભયાનક ગુંગળામણ અનુભવી રહ્યો હતો, અને સાથે જ તે એ પણ જોઈ શકતો હતો કે ઉર્વા તેની આ ગુંગળામણની પુરેપુરા મજા લઇ રહી હતી. મનસ્વીએ નોંધ્યું કે ઉર્વિલને થોડા ઘણા નિશાન પડ્યા છે શરીર પર પણ ઉર્વિલે પડી ગયો હતો નું બહાનું ચલાવી માર્યું હતું.

બપોરે જમતી વખતે ઉર્વાના બનાવેલા ગુવારના શાકમાં તે રેવાની હાથોટી પ્રત્યક્ષ રીતે અનુભવી શકતો હતો. પોતાની દીકરીના હાથનું જમવાનું મળવું અને છતાં પણ તે ગળેથી ના ઉતારી શકવું એનાથી મોટી કરુણતા કઈ હોઈ શકે? તે પળેપળ ઉર્વાની સાથે રેવાનો આભાસ કરી રહ્યો હતો. જો કે પ્રત્યક્ષ રીતે ઉર્વા કે ઉર્વિલ વચ્ચે શબ્દોની કોઈજ આપલે નહોતી થઇ છતાં ક્ષણાર્ધમાં અથડાતી ઉર્વા અને ઉર્વિલની બદામી આંખો વર્ષોનો સંવાદ કરી લેતી હતી.

“રચિત કાલે સવારે આવે છે.” બપોરે જમીને ઉર્વિલ સોફા પર બેસવા જતો હતો ત્યાંજ મનસ્વી બોલી. ઉર્વા તેની બાજુમાં જ ખુરશી પર બેસીને કોઈ પુસ્તક વાંચી રહી હતી તે નીચે મૂકી તેણે વાતમાં ધ્યાન આપ્યું
“સરસ.” ઉર્વીલને જે સુજ્યું તે તેણે બોલી નાંખ્યું.
“અને...” મનસ્વી સહેજ થોથવાતા કંઇક કહેવાની કોશિશ કરી રહી.
“અને?”
“અને પરમદિવસે સાંજે મમ્મી આવવાના છે. બુધવારે ડોક્ટરની અપોઈન્મેન્ટ છે.
“મનસ્વી...!” ઉર્વિલનો અવાજ ઊંચકાયો
“ઉર્વિલ પ્લીઝ મમ્મી બે જ દિવસ આવવાના છે તો પ્લીઝ તમે કંઈ...” મનસ્વી ઉર્વિલને શાંત પાડી રહી હતી.
“ઈઝ એવેરીથીંગ ઓકે?” ઉર્વાને આ વર્તન કંઈ સમજાયું નહી.
“અરે મમ્મીને અને ઉર્વિલને સહેજ....” મનસ્વીને પોતે પણ ના સમજાયું કે શું કહે.
“તમારા મમ્મી આવે એ...” ઉર્વા અનુમાન લગાવવા ગઈ.
“મારા મમ્મી. આઈ હેટ માય મધર.” ઉર્વિલ ઉર્વા સામે જોઈ સીધું બોલી ગયો
“ઉર્વિલ...” મનસ્વી થોડા દબાતા અવાજે ઉર્વિલને શાંત પાડવા મથી રહી.
“મમ્મીની વહુનું ઘર છે. એમને આવવું હોય તો આવે. બટ પ્લીઝ મારાથી કોઈજ આશા નહિ રાખતા.” ઉર્વિલ આટલું કહી ઉભો થઇ પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો.
“ઓલ ઓકે?” ઉર્વા ધીમેથી મનસ્વી સામે પૂછી રહી.
“ઘરમાં ચાર વાસણ હોય તો ખખડે.” મનસ્વીએ આંખ મીંચકારી. “ચલ આપણે કુકીઝની તૈયારી કરીએ?!” ત્યાંથી ઉભી થઇ રસોડા તરફ જતા મનસ્વીએ ઉમેર્યું.
ઉર્વા કંઇજ બોલ્યા વિના તેની પાછળ દોરવાઈ પણ તેની સમજદારી માટે તેને મનસ્વી માટે અનેકગણું માન થઇ આવ્યું.

***

“કહાન, હજુ કેટલી વાર?” દેવ રેવાના હોલના સોફા પર બેઠો બેઠો પુસ્તકોની થોકડીઓ એક બોક્સમાં પેક કરતા કરતા જ બુમ પાડી. દેવ અને કહાન રેવાના ઘરેથી ઉર્વાનો જરૂરી સામાન ભેગો કરી રહ્યા હતા. દેવે રચિતને પણ મનાવી લીધો હતો કહાનને સાથે લઇ જવા માટે.
“એ કહાન તને કહું છું...” દેવે ફરી બુમ પાડી પણ કોઈ જવાબ ના આવતા તે ઉભો થઇ જાતે જ અંદર ગયો.

કહાન ઉર્વાના કબાટની આડશે ઉભો રહી એના કપડાં અને બોક્સ પર માર્દવતાથી હાથ અડકાવી રહ્યો હતો. તેણે થોડી વસ્તુઓ બેડ પર રાખેલા ડફલમાં પેક કરી હતી અને બાકી થોડા કપડાં અને બેગ્સ બેડથી નીચે પડ્યા હતા.
“કહાન , જલ્દી કર. ટાઈમ નથી.” દેવ તેની નજીક આવી બોલ્યો અને કહાન ફરી કબાટમાંથી કપડાઓ ઉઠાવી બેડ પર મુકવા લાગ્યો. ત્યાં કપડા વચ્ચે જ તેના હાથમાં એક પ્લેન વ્હાઈટ ડ્રેસ આવી ગયો કહાન ઘડીભર તેને જોઈ રહ્યો પછી તેને છાતી સાથે દબાવી રહ્યો.

કહાને રૂમના સાઈડ પર ડેસ્ક પર નજર કરી. ઉર્વા ત્યાંજ બેઠી હતી ત્યારે. એનો ૧૬મો બર્થડે હતો અને કહાન આ ડ્રેસ તેના માટે લઇ આવેલો.
“ઓહ માય ગોડ!! આઈ જસ્ટ લવ ધીઝ ડ્રેસ... લવ યુ કહાન!” ઉર્વા ડેસ્ક પરથી ઉતરી ખુશીથી ઉછળીને કહાનને વળગી પડી હતી.
“જાડી થોડું ધીમે... ગમ્યો ડ્રેસ?” કહાને તેના બન્ને ખભા પર હાથ રાખી પૂછ્યું હતું
“ઇટ્સ બ્યુટીફૂલ. જસ્ટ લવ ઈટ.”
“એય... યુ જસ્ટ સેઇડ યુ લવ મી...” અત્યાર સુધી ફ્રેન્ડ જ રહેલો કહાન આગળ વધવા મથી રહ્યો હતો. ઉર્વાને નખશીખ ઓળખતો કહાન ક્યારેય નહોતો સમજી શકતો કે ઉર્વા રીએક્ટ કેમ કરશે?
“હા તો?” ઉર્વાએ બેફિકરીથી જ જવાબ વાળ્યો.
“ડુ યુ?” કહાન એ વાતે પણ ડરી રહ્યો હતો કે ક્યાંક ઉર્વા રેવા કે દેવને ના કહી દે અને વાતનું વતેસર ના થઇ જાય.
ઉર્વા બે ક્ષણ ગંભીરતાથી જ ઉભી રહી અને પછી એકદમ કહાનની નજીક આવી બોલી,
“યુ વોન્ટ મી ટુ?”
“ઉર્વા આઈ...” કહાન તેની લાગણીઓને શબ્દો આપવાનો જ હતો કે ઉર્વાએ તેને રોકી દીધો અને તેના હોઠોની એકદમ નજીક જઈ હોઠ તેના પર મૂકી દીધા.
“આઈ લવ યુ કહાન...”

“કહાન કપડાં છોડ એ હું કરું છું. તું એનો મેકઅપ વગેરે જોઈ લે તો...” દેવને કહાનની મનોવ્યથા બહુ સારી રીતે સમજાતી હતી, એટલે તે જ કબાટ પાસે આવી કપડા મુકવા લાગ્યો અને કહાનને ડ્રોઅરમાંથી એક બોક્સ આપી દીધું.
કહાન બોક્સમાંથી બધી વસ્તુઓ અલગ કરી રહ્યો હતો ને ત્યાં જ બોક્સમાંથી નેઈલપોલિશ કાઢી બેડ પર મુકવા જતા એક તેના હાથમાંથી છૂટી ગઈ
“અરે... અરે... ધ્યાનથી. આ ફૂટી ગઈ ને એકપણ ડાઘ રહી ગયો ને તો ઉર્વા ચીરી નાખશે તને.” છટકેલી નેઈલપોલિશ ફરી બેડ પર મુકતા દેવે કહ્યું. પણ આ વાક્ય સાંભળી કહાનના હાથ સ્થિર થઇ ગયા. તે એકીટશે દેવ સામે જોઈ રહ્યો.
“શું થયું?”
“ઉર્વા આવશે પાછી આ ઘરમાં? એ જોશે આ ફ્લોરને ફરીથી ક્યારેય?” કહાનના અવાજમાં ભારોભાર ગભરાહટ હતી.
“એ...ય એ આવશે અહિયાં. તું જાય છે ને એને સમજાવવા... બસ તો! આ ઘર છે એનું... તું લઇ આવીશ એને પાછો.” દેવ કહાનનો ખભ્ભો દબાવતા બોલી તો ગયો પણ તે પોતે ય જાણતો હતો કે આ શબ્દો કેટલા બોદા હતા એ.
“ચલ હવે જલ્દી એની જરૂરી બધી વસ્તુ પેક કરી દે. હું એની બુક્સ પેક કરી દઉં. હ્મ્મ્મ!!” દેવે ફિક્કા સ્મિત સાથે કહ્યું અને રૂમની બહાર નીકળી ગયો. કહાનનો પણ આ ખાલી રૂમમાં જીવ અકળાતો હતો. તેણે પણ ફટાફટ સામાન પેક કર્યો અને રૂમની બહાર આવી રચિતને ફોન કરી પોતે તૈયાર છે એવું જણાવી દીધું.

***

રચિત માટે આ બધું બહુ નવું હતું પણ તે ટેવાઈ રહ્યો હતો. ઘરે આવતા જ તેણે જોયું કે તેની મમ્મી અને મનસ્વી પોણો કલાકથી ફોન પર અલકમલકની વાતો કરી રહ્યા હતા એટલે મનસ્વી અને ઉર્વા બન્ને ઠીક છે તેની તેને ધરપત થઇ ગઈ. ફરી અમદાવાદ જવા માટે પણ તેને કંઈ બહાના કે ખોટું બોલવાની જરૂર ના પડી. અત્યારે ટ્રેઈનમાં બેઠા બેઠા પણ રચિતને આરતીનો ખીલખીલાટ હસતો ચેહરો તરવરી રહ્યો હતો. રચિતના પાંચ વખત બોલાવ્યા પછી પણ આરતી અને મનસ્વીનો ફોન પૂરો જ નહોતો થઇ રહ્યો તે યાદ કરીને જ રચિત હસી પડ્યો.

કહાન તૈયાર છે એવો ફોન આવતા જ રચીતે ઉર્વાને ફોન કર્યો પણ ઉર્વાનો ફોન લાગ્યો નહી. બાકી બધું તો હજુ સરળ હતું પણ તેને મળતા પહેલા રઘુભાઈને શું કામ મળવાનું તે હજુ તેને સમજાતું નહોતું. તેણે હજુ ઉર્વાને કહ્યું નહોતું કે કહાન પણ તેની સાથે આવવાનો છે. થોડું મનોમંથન કરી તેને ઉર્વાને ના જણાવવું જ બરાબર લાગ્યું. ટ્રેઈન મુંબઈ સેન્ટ્રલથી ઉપડી એને ૨ કલાક વીતી ગઈ હતી પણ રચિત કે કહાન વચ્ચે કોઈ વાતચીત જ થઇ નહોતી. કહાન કાનમાં હેન્ડ્સફ્રી લગાવી બેઠો હતો ને રચિત ટેબલેટમાં ગેમ રમી રહ્યો હતો. ત્યાંજ ઉર્વાનો ફોન આવ્યો અને રચિત પોતાની સીટથી ઉભો થઇ દરવાજા પાસે વાત કરવા ચાલ્યો ગયો.

“હેય! હું નીકળી ગયો છું.”
“હં ગ્રેટ. તારો ફોન હતો કંઇક.”
“હા, તે અમદાવાદ આવીને તને મળતા પહેલા રઘુને મળવાનું કેમ કીધું છે?” રચિત શક્ય તેટલો પોતાનો અવાજ દબાવતા બોલ્યો.
“અરે મને મળીને એને મળવા જઈશ તો પણ ચાલશે.”
“ઓકે બટ વાત શું છે?”
“તારે બહુ જ ચોકસાઈથી એમનો ભરોસો જીતીને જાણવાનું છે કે સ્વાતી મજુમદારના મર્ડર વિષે કેટલા લોકો જાણે છે?”
“સ્વાતી... મજુમ..દાર. યુ મીન”
“યેસ કહાનના મમ્મીના મર્ડર વિષે. એન્ડ આ તારે જ કરવું પડશે.”

***

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED