Jamlo books and stories free download online pdf in Gujarati

જામલો

હું આજે મારી કંપની ની ગાડી લઇ, કંપનીના કામ માટે જઈ રહ્યો છું. સાથે બીજા બે કર્મચારી પણ છે. અમારે અવાર-નવાર બહાર ફિલ્ડમાં જવાનું થતું હોય છે. આજનો અમારો રુટ ધારી, ચલાળા ,તુલસીશ્યામ થઈ ધોકડવા જવાનો છે. આમ પણ કુદરતને માણવી એ મારો શોખ છે. ઘણી વખત કંપની ના કામે પાલીતાણાના કદમગીરી રૂટ તરફ જતો હોવ ત્યારે પણ પર્વતોની વચ્ચેથી પસાર થતાં રસ્તાના કિનારે પડેલા મોટા પથ્થર પાસે બાઇકને સ્ટેન્ડ કરી પથ્થર પર બેસીને કુદરતનો નજારો માણી લેતો હોવ છું. તો આજે તો અફાટ કુદરતી સૌંદર્ય વચ્ચે થઈને પસાર થવાનું હતું.
આજનો અમારો રસ્તો ગીરના જંગલમાં થઈને જવાનો હતો. ગીર ને જે ઓળખે છે એના માટે તો 'ગીર' શબ્દમાં જ બધું વર્ણન સમાયેલું છે. એમાં પણ અત્યારનો સમય ભરપૂર ચોમાસાનો છે. મેહુલા ના પાણી પીય.. પીયને ખાખરા, સાગ,સાજડ,જાંબુ,હરમી,કરમદા ને આવા તો કેટકેટલાય લીલાછમ વૃક્ષોથી ગીર જાણે ઉભરાઈ પડ્યું છે.

આમ તો આ રસ્તે નીકળનાર ના મનના એક ખૂણામાં આશા તો હોય જ કે કદાચ રસ્તામાં સાવજ જોવા મળી જાય! હું આ રસ્તે થઇ ઘણી વાર નીકળ્યો છું. પરંતુ ક્યારેય સાવજ જોયો નથી. પરંતુ આજે કોણ જાણે કેમ મારા મનમાં એવું થતું હતું કે આજે સાવજ જોવા મળી જાય તો મજા આવે. અમે આગળ વધતા ગીરના ચેકનાકા સુધી પહોંચ્યા. ચેક નાકે અમારી ગાડી નો નંબર ગાડી માં કેટલા વ્યક્તિ બેઠેલા છે તે, એન્ટ્રી ટાઇમ આ બધું નોંધીને અમને રસીદ આપી. આજે અચાનક જ મારાથી ચેક નાકે ઊભેલા ગાર્ડ ને પૂછાઇ ગયું, "રસ્તામાં સાવજ જોવા મળે?" તેણે કહ્યું, "ના સાવજ તો ના મળે પરંતુ પહુડા,રોઝ,શિયાળવા,સસલા,ઘણી જાતના પંખી આ બધું જોવા મળે."

ડ્રાઇવર ગાડી ચલાવે જતો હતો. ગાડીમાં વાતો ચાલતી હતી. હું બંને બાજુ નિરાતે ફેલાયેલા જંગલ ને માણી રહ્યો હતો. પાંચ વાગ્યા આજુબાજુ નો સાંજ નો સમય હતો.ખૂબ વરસેલા વરસાદને લીધે રસ્તો બહુ સારો રહ્યો ન હતો. બપોરે જ વરસી ગયેલા વરસાદને લીધે રસ્તામાં ખાડા પાણીથી ભરેલા હતા. જંગલમાં વચ્ચે પાણીના વોકળા વહેતા હતા. સાગના પાંદડામાંથી પાણી ટપક્યા કરતું હતું. ગીરના જંગલમાંથી વરસાદમાં પલળીને સડેલા સૂકા લાકડા, સૂકા પાંદડા, જાતભાતના જંગલી ફૂલ, પ્રાણીઓના મળ અને ઘાસ મિશ્રિત એક અલગ જ પ્રકારની ભીની સુગંધ ગીરને વધુ ગાઢ બનાવી રહી હતી.

એટલામાં મારી નજર આગળ રસ્તા પર ઉભેલી બે કાર પર પડી. મેં ડ્રાઇવરને કહ્યું, "જલ્દી ચલાવો ત્યાં કંઈક છે."ત્યાં જઈને જોયું તો રસ્તાની થોડે જ દૂર એક ડાલામથ્થો ને એક સિંહણે ગાયનો શિકાર કરેલો હતો. સાવજે અમારી ગાડી તરફ જોઈ તેની પૂંછડી ઊંચી કરી અમને સાવચેત કરી તેનો શિકાર થોડો ઢસડી આગળ લઈ ગયો. પછી જાણે અમારું અસ્તિત્વ જ ના હોય તેમ બંને ગાયને ફાડવા લાગ્યા. ગાયનું ચામડું ફાટવાનો ચોખ્ખો અવાજ અમને સંભળાઇ રહ્યો હતો. સિંહ ને સિંહણ આખા કીચડ વાળા બગડેલા હતા. શિકાર કરતી વખતે અહીં ખાડામાં ગાયને પછાડી હશે તેવું લાગી રહ્યું હતું.

મેં હજુ સુધી પ્રાણીસંગ્રહાલયમાં અને નેશનલ પાર્કમાં જ સિંહ જોયેલો છે. એક વખત કદમગીરી ના ગાળામાં પણ જોયેલો છે.એટલે મારા મનમાં એવો ખ્યાલ હતો કે પુખ્ત ગાય કરતા તો સિંહનું કદ નાનું હોય. પરંતુ આ સાવજ જોઈને મારી માન્યતા ખોટી ઠરી. ગાયથી પણ તે મોટો લાગતો હતો ને કાદવ થી લખપત અને લોહીથી ખરડાયેલ મોઢાને લીધે તે વિકરાળ લાગી રહ્યો છે.
મને ગીર ના નિયમ ની ખબર હતી કે તમે જંગલમાં ગાડીમાંથી નીચે ના ઉતરી શકો. બીજુ સાવજ નો ભય પણ લાગ્યો એટલે મેં નીચે ઉતરવાનું સાહસ ના કર્યું. ગાડીમાં બેઠા બેઠા અમે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. એટલામાં અમારી ગાડી પાસે એક બાઈક આવીને ઊભી રહી. તેના હેન્ડલે નાની કેસરી ધજા લગાડેલી હતી. બાઇક ચલાવનાર ના હાથમાં પહેરેલ સરલિયા પરથી તે માલધારી હશે તેમ અમે માન્યું. માલધારી યુવાન હતો અને તેના મોઢા પર તેજ હતું. આછી આછી દાઢી માં તે સોહામણો લાગતો હતો. તેની પાછળ મોટી ઉંમરના દાદા બેઠેલા હતા. તે બન્ને પણ સાવજને જોવા લાગ્યા. બંને ગીરના નેસડા ના હોય એવું જ લાગતું હતું. દાદા એ આંખે નેજવા કરીને બરાબર નિહાળી તેના છોકરાને કહ્યું, " જામલો લાગે છે !!"એના છોકરા એ જાણે સાંભળ્યું જ ન હોય તેવું વર્તન કર્યું. ફરી દાદાએ નેજવા ચડાવ્યા ને બોલ્યા, " પાકુ જામલો જ છે. " પણ આજે તણ વરહ થઈ ગયા, પેલી વાર બાર નીકળ્યો."

મને દાદા કંઈક જાણતા હોય તેવું લાગ્યું. મે વિન્ડોગ્લાસ આખો ખોલી દાદા ની નજીક મોં કરી પૂછ્યું, " દાદા તમે આ સાવજ ને ઓળખો છો? "દાદા ઘડીક કંઈ ના બોલ્યા. તેના છોકરા સામું જોયું. છોકરાએ અણગમો દર્શાવ્યો. દાદા જરાક મરક્યા. મેં ફરી પૂછ્યું, " દાદા તમે આ સાવજને ઓળખતા લાગો છો સાચું કહો ને વળી!!"
દાદા કહેવા લાગ્યા, " ભલા માણસ જામલા ને તો ઓળખું જ ને !! મારી નજર હામુ મોટો થ્યો છે. અમે ગર્ય માં ભગર્યું ચારવા જાતા ત્યારે હાવ બચોળીયા જેવડો એની માં હારે રખડતો ને અમને તાક્યા કરતો. પણ અમે તો ક્યક હાવજ્યું ને જોયેલા પણ આ નાનપણથી કંઈક નોખી ભાત્ય નો હતો. એની મા હારે નીકળે તો અમારી ભગર્યુ કોર દોડતો થાતો. અમારા જીવ ઉંચા કરી દેતો. ચોમાહા ઉપર ચોમાહાં જાવા મંડ્યા. જામલો મોટો થાવા મંડ્યો. માલધારી ને ફુરેસ્ટર સાબ્યું બધા એને હોંશથી જામલો કહેતા. પણ જામલા ને દાઢી ફૂટી ત્યાં તો ગમે એવી ભગરી ને પણ એક થપાટે ફાડી નાખતો એવો તો ઈ લોઠકો થઈ ગયો હતો. જામલા ને ભૂખ લાગે એટલે ગમે એટલા માલધારીની વસાળેથી પણ ભગરી ને ઉઠાવી જ લેતો એવો ભાયડો હતો. જામલા ની જુવાની ધુવાડા નાખી ગઈ હતી. એવામાં એક સોમાહે વાદળા ગરજ્યા ને મોરલા બોલ્યા. હાવજો ની સીઝન આવી. જામલા ની જુવાની ઉપર હયણી નામની સિંહણ મોય ગઈ. હયણી નામ પરમાણે જ નમણી હતી. દિવસ-રાત બેય હારે ના હારે હોય. જયાં હયણી જાય ન્યા જામલો એની કુદરતી નિશાની ગંધરૂપી હદ બાંધતો જાય. કોઈની તાકાત નથી કે જામલા ની હદમાં આવી હકે. ઢળતી હાંજે બેય ટેકરી પર પડ્યા હોય. તો બપોરે નદી નાં ધરા પાસે નમેલા ઝાડના છાયડામાં વેંત એક જીભ કાઢી હાફતા હોય. ક્યારેક ઊંચા શિખર પર ચડી જામલો હુકારા કરી ગીર ગજવતો હોય. બેય ની જોડી જોઈ અમારો આતમ પણ બહુ રાજી થાતો. પણ આ પરણય લાંબો નો હાલ્યો. કોણ જાણે હયણી ને શું કરાગ થઈ ગયો. એતો ગળવા મંડી. આખો દાડો પાણીના ધરા પાસે પડી રહે. શિકાર પણ ના કરે. ખાલી પાણી પીધા કરે. જામલો પણ એને મૂકી આઘોપાછો નો જાય. અમે ફૂરેસ્ટર શાબ ને કીધું, " શાબ હયણી માંદી થઈ લાગે." શાહેબો એ દવા દારૂ કરાવ્યા.દાક્તર લાવ્યા.પણ કાઈ ફેર નો પડ્યો. જામલો આઘોપાછો જાય નહિ. હયણી ને ચાટ્યા કરે.ને હુક્યા કરે. એક દાડો હવારે અમે જોયું તો હયણી પાણી ના ધરા પાહે મરેલી પડી હતી. જામલો બેબાકળો થઇ ઘડીક પાણી પીવે તો ઘડીક હયણીને ચાટે તો વળી ઘડીક હૂકે પાછો ઘડીકમાં રેતીમાં આળોટે.

ફૂરેસ્ટર શહેબો આવ્યા. પણ જામલો કોઈને હયણીની પાહે ફરકવા નો દે. છેવટે કેટલી ગાડીયુને કેટલાય શાહેબો થયા તયે માંડ માંડ હયણીનો દેહ ઉઠાવા દીધો. પણ તે દાડે થી જામલો ઈ ધરા પાહે ઝાડના છાંયે પડ્યો રહેતો. કાંઈ ખાય નહીં પાણી પીધા કરે ને પડ્યો રહે. શિકાર પણ ન કરે. ફુરેસ્ટેર શાબ્યો આવી ને ખાવાનું નાખી જાય છે એમાંથી ક્યારેક થોડું ખાઈને પડ્યો રહે.દિવસો, મહિના વિતવા લાગ્યા. શાબ્યો જામલા ને ન્યાથી હાકે તોય પાછો ન્યા આવી જાય ને હુક્યાં કરે ને હયણીએ દેહ છોડ્યો ન્યા આલોટ્યા કરે .હવે શાહેબો પણ કંટાળ્યા . રોજ પાણી ના ધરે આવી ખોરાક નાખી જાય. હવે તો જાણે એ જામલો જ નહોતો રહ્યો. અમી ભગરીયું પાવા ધરે જાવી તો અમારી હામે તાકે પણ નહીં. ધરાના કાઠે નમતા ઝાડ ના છાયે હયણી નાં વિલાપ માં આખ્યું બંધ રાખી પડ્યો રહે. આમને આમ ત્રણ વરહ વહ્યા ગયા. કોયે જામલા ને જંગલ મા ભાળ્યો જ નહી. ક્યાંથી ભાળે? આયા મધ ગીરમાં પાણીને ધરે જ પડ્યો રેતો."

દાદા ના મોઢા પર ખુશી જોઈ શકાતી હતી. તે આગળ બોલ્યા, " તણ વરહે આજ પેલી વાર ઈ ધરો છોડીને આયા રોડ કાંઠે આવ્યો છે. ને તણ વરહે પંડયે શિકાર પણ કર્યો છે. મને લાગે એને નવી હયણીનો મિલાપ થઈ ગ્યો છે."
દાદાએ આટલી વાત કરી ત્યાં સુધી બંને શિકાર ખાતા હતા. હવે ધરાઇ ને બેસી ગયા છે. રોડે ગાડીઓના થપ્પા લાગી ગયા છે. જામલો સિંહણને ચાટે છે. સિંહણ કાલુડી થઈ જામલા ના મોઢા આગળ આળોટે છે. દાદાએ આંખે નેજવું કરીને જોયું. પાછળથી કોઈ કે બૂમ પાડી, "ફોરેસ્ટર ની ગાડી આવે છે" બધી ગાડીઓના એન્જિન હણ હણવા લાગ્યા. દિવસ આથમી ગયો છે. તેમાં થોડું વધારે ગીરના જંગલનું અંધારું ભળી ગયું છે. ગાડીઓ ની હેડ લાઇટ ચાલુ થઈ. સામેથી આવતી લાઈટ નો શેરડો દાદા ની આંખમાં પડ્યો. દાદા ની આંખમાં છલકાયેલા આંસુમાં પણ લાઈટ જબકી ઉઠી.......

લેખક : અશોકસિંહ એ. ટાંક
તારીખ : ૩/૯/૨૦૧૯
( મારા મિત્રે આપેલ કથા બીજ પરથી)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED