ડેવિલ રિટર્ન-1.0 - 20 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-1.0 - 20

ડેવિલ રિટર્ન-1.0

(20)

ક્રિસ પોતાની શક્તિ વડે ટ્રીસા ક્યાં છે એ જાણી લઈને ટ્રીસા ને બચાવી લેવામાં સફળ થાય છે..લેબમાં પોતાનાં ત્રણ આસિસ્ટન્ટ ની લાશ અને ડરેલી હાલતમાં મળેલાં દિપક ને જોઈ શેખ અર્જુનને ત્યાં બોલાવે છે..કુલ સાત રક્તપિશાચ છે એ દિપક જોડેથી જાણ્યાં બાદ અર્જુન અમુક સવાલોનાં જવાબ શોધવા ફાધર વિલિયમને મળે છે..જ્યાં અર્જુનની વાતો સાંભળી ફાધર વિલિયમનાં મુખેથી 'ધ વેમ્પાયર ફેમિલી' નીકળી જાય છે.

ફાધર વિલિયમનાં મુખેથી ધ વેમ્પાયર ફેમિલી સાંભળતા જ અર્જુન વિસ્મય સાથે બોલી પડ્યો.

"શું કહ્યું..? , ધ વેમ્પાયર ફેમિલી..? "

"હા..માય સન..વેમ્પાયર ફેમિલી..એક એવો પરિવાર જેની ઉપર ખૂબ અત્યાચાર ગુજારવામાં આવ્યો..જે પહેલાં તો એક સામાન્ય મનુષ્ય જ હતાં પણ વિધિની વક્રતા એ એમને અત્યારે એ લોકો જે સ્વરૂપમાં છે એમાં લાવવા મજબુર કર્યાં.."અર્જુનનાં સવાલનો ઉત્તર આપતાં ફાધર વિલિયમે કહ્યું.

"એવું તે શું થયું હતું એ પરિવાર જોડે કે તેમને આ રૂપમાં આવવું પડ્યું..? એવો તે કેવો અત્યાચાર થયો હતો એ લોકો સાથે કે એમને આમ રક્ત પીનારાં સજીવો બનીને જીવવું પડ્યું..? "અર્જુનનાં સવાલોમાં એને રક્તપિશાચ પરિવાર વિશે જાણવાની ઉત્કંઠા સાફ દેખાતી હતી.

અર્જુનનાં આ સવાલનાં જવાબમાં ફાધર વિલિયમે ધ વેમ્પાયર ફેમિલી જોડે જોડાયેલું એવું સત્ય અને ભૂતકાળ કહેવાનું શરૂ કર્યું જે વિશે અર્જુન ને થોડો ઘણો પણ ખ્યાલ નહોતો.

"આજથી ચારસો-ચારસો પચાસ વર્ષ પહેલાં ગ્રેટ બ્રિટનમાં મિયારા નામનું એક રાજ્ય અસ્તિત્વ ધરાવતું હતું..આ રાજ્યનાં લોકો ખેતી અને માછલી ઉછેરનો મુખ્ય વ્યવસાય ધરાવતાં હતાં..મિયારામાં ત્યાં સુધી બધું ઠીક ચાલી રહ્યું હતું જ્યાં સુધી કિંગ હેનરીક્સ ત્યાં શાસન કરતો હતાં..પણ અચાનક કિંગ હેનરીક્સ નું નિધન થતાં હેનરીક્સ નાં દીકરા વિકટર અને પત્ની ગ્રેમીની હત્યા કરી હેનરીક્સ નો ભત્રીજો નિકલોસ મિયારા ની ગાદી પર બેઠો."

"કિંગ હેનરીક્સ નાં ઘણાં વફાદાર સેવકો અને સેનામાં હોદ્દો ધરાવતાં લોકોએ નિકલોસ નાં આ કાર્ય નો વિરોધ કર્યો..પણ નિકોલસે એવાં લોકોને જાહેરમાં જીવતાં સળગાવી પોતાની તાકાત અને ક્રુરતા નાં મિયારાની બાકીની જનતાને દર્શન કરાવ્યાં.. જેથી ભવિષ્યમાં કોઈ એની સામે અવાજ ઊંચો કરી ના શકે.."

"નિકલોસ તો ક્રૂર તાનશાહ હતો પણ એનો દીકરો જિયાન તો એથીય વધુ ક્રૂર અને ઘાતકી સાબિત થયો..જિયાને તો ક્રુરતા બતાવવામાં પોતાનાં પિતાને પણ પાછળ ધકેલી દીધાં..એવો એક કિસ્સો હતો કે એકવાર જિયાન પોતાનાં ઘોડા પર સવાર થઈને શહેરમાં ચક્કર લગાવતો હતો..ત્યાં એક આધેડ ઉંમરનાં વ્યક્તિએ એને જોયો નહીં હોય એટલે સલામ કરવાનું ભૂલી ગયો..આ વાતથી જિયાન ને એટલો ગુસ્સો આવ્યો કે એને ચાબુકનાં સો કોરડાં ફટકારવાની સજા એ વૃદ્ધ વ્યક્તિને ફટકારી દીધી.."

"જિયાને આપેલી સજા મુજબ એ વ્યક્તિને જાહેરમાં લાવી શહેરની હજારો જનતા વચ્ચે કોરડાં ફટકારવાની સજા આપવામાં આવી.સજા પુરી થાય એ પહેલાં જ એ આધેડ વ્યક્તિનું દયનિય હાલતમાં મૃત્યુ થયું..જેની ઉપર પોતે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એ રીતે જિયાન હાસ્ય વેરતો ઉભો રહ્યો."

"નિકોલસ અને જિયાનની આવી ક્રુરતા નાં તો અસંખ્ય કિસ્સાઓ મિયારા રાજ્યનાં લોકો વચ્ચે પ્રવર્તમાન હતાં.. ઘણાં લોકો એ તાનશાહ બાપ-દીકરાનાં લીધે હેરાન થઈ ચુક્યાં હતાં પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નહોતું..લોકો ની આ ચુપ્પી એ નિકોલસ અને જિયાનને વધુ ક્રૂર શાસક બનાવી દીધાં.."

"આમ ને આમ ત્રણ-ચાર વર્ષ વીતી ગયાં..હવે જિયાન વીસી વટાવી ચુક્યો હતો..એક પુખ્ત વયનાં પુરુષ તરીકે સુંદર સ્ત્રીને પામવાનાં શમણાં જિયાનને પણ હતાં..પણ એ પહેલાં શક્ય એટલી સુંદર યુવતીઓને ભોગવવાની લાલચ ને વશ થઈ જિયાન પોતાની દરેક રાત કોઈનાં કોઈ ખુબસુરત યુવતી જોડે પસાર કરતો..એ માટે જિયાન ક્યારેય પૈસાનો, ક્યારેક રુતબા નો તો ક્યારેક ડર નો સહારો લેતો..નિકોલસ ને પોતાનાં પુત્રની આ બધી જ આદતો વિશે ખબર હોવાં છતાં એને ક્યારેય જિયાનને આ વિષયમાં ટોક્યો જ નહોતો."

"ઘણાં દરબારીઓએ પણ નિકલોસ ને એનાં દીકરા જિયાન વિશેની ફરિયાદ કરી..પણ નિકલોસ એ લોકોની વાતને એવું કહી ટાળી દેતો કે આ બધું જિયાન અત્યારે નહીં કરે તો પચાસ વર્ષની ઉંમરે કરશે..નિકોલસ નો આવો જવાબ સાંભળી ફરિયાદ કરનાર વ્યક્તિ નીચાં મોંઢે પાછી વળી જતી."

"પણ કહ્યું છે ને કે પર્વત ગમે એટલો મજબૂત અને અડગ ભલે ને હોય નદી પોતાનો રસ્તો બનાવીને જ રહે છે..આવું જ કંઈક એ સમયે બન્યું શહેરનાં ખરીદી બઝારમાં..જ્યાં જીવન-જરૂરિયાતની વસ્તુઓ ની ખરીદી કરવાં નગરજનો આવતાં.."

"જિયાન ઘણી વાર આ બઝારમાં પોતાનો રોફ જમાવવા અને દેખાવડી યુવતીઓને જોવાં આવી પહોંચતો..આવી જ એક સાંજ જિયાન આ બઝારમાં આવ્યો..એક દુકાનમાંથી સફરજન ઉઠાવી બટકું ભરતો-ભરતો જિયાન બઝારમાં ઘુમવા લાગ્યો...પોતાનાં રાજ્યનાં રાજકુમાર ને જોઈ મને-કમને લોકો જિયાનને સલામી પણ આપતાં..કેમકે આવું ના કરવામાં જાનનું જોખમ છે એ વાત બધાં જાણતાં હતાં.."

"ચાલતાં ચાલતાં જિયાન રસ્તામાં મળતી યુવતીઓનાં શરીરનાં ખાસ ભાગોને જાણીજોઈને સ્પર્શ કરતો..દુકાનદારો અને જિયાન ની આ ગંદી હરકતથી હેરાન યુવતીઓ ત્રાહિમામ પોકારી ગયાં હતાં પણ કોઈ જિયાનનો વિરોધ કરવાનું સામર્થ્ય ધરાવતું નહોતું..જિયાનને પોતાનાં રાજકુમાર હોવાનાં અતિ ઘમંડ હતો જે હવે થોડી જ ક્ષણોમાં ગાયબ થઈ જવાનો હતો."

"અચાનક પોતાનાં મિત્ર જોડે રમતો એક બાર વર્ષનો છોકરો જિયાનને આવીને અથડાયો..જિયાને એ બાળકની ઉંમર નો વિચાર કર્યાં વગર એ બાળકને એક જોરદાર તમાચો લગાવી દીધો..જેનાં લીધે એ બાળકનાં હોઠ ચિરાઈ ગયાં અને એમાંથી લોહી નીકળવા લાગ્યું..આમ થતાં એ બાળક રડમસ ચહેરે ધ્રુજતાં શરીરે ત્યાં જ ઉભું થઈ ગયું."

એ બાળકને જોઈ જિયાને ગુસ્સામાં કહ્યું.

"સાલા બે કોડીનાં છોકરાં..તારી ઔકાત શું છે કે તે આ રાજ્યનાં રાજકુમાર ને હાથ લગાવ્યો.."

"રાજકુમાર, મારી ભૂલ થઈ ગઈ..મને માફ કરી દો.."નાનકડું બાળક વિનવણી નાં સુરમાં આજીજી કરતાં બોલ્યું.

એ બાળક અને જિયાન વચ્ચેનો સંવાદ સાંભળી ઘણાં લોકો ત્યાં ટોળું વળીને ઉપસ્થિત થઈ ગયાં..લોકોનું ટોળું જોઈ જિયાનને પોરસ ચડ્યું અને એ બોલ્યો.

"એ હરામી ની ઔલાદ..જો તારે માફી જ જોઈતી હોય તો તારી જીભ વડે મારાં જુતાં સાફ કર.."

"રાજકુમાર જિયાન દ્વારા જે કંઈપણ કરવાનું એ છોકરાને કહેવામાં આવ્યું હતું એ ખરેખર નિંદનીય હતું..આ અન્યાય હતો છતાં ત્યાં ઉભેલાં લોકોમાંથી કોઈ આ વાતનો વિરોધ નોંધાવી ના શક્યું..એ નાનકડો છોકરો પણ જિયાન દ્વારા કારણ વગર આવી અપમાનિત કરતી સજા મળતાં સહમી ગયો હતો."

"કોઈ પોતાની મદદ માટે આગળ આવે એવી આશા સાથે એ બાળકે ત્યાં ટોળામાં ઉભેલાં લોકોની તરફ જોયું..એ બાળકની નજરમાં એક આશ હતી, એક ઉમ્મીદ હતી..પણ પોતે એ બાળકની મદદ કરવામાં અસમર્થ હોવાથી ત્યાં ઉભેલાં લોકોનું શરમથી માથું ઝૂકી ગયું..એક બાર વર્ષનાં બાળક સામે નજરો મિલાવવામાં ત્યાં હાજર લોકોને લજ્જા મહેસુસ થઈ રહી હતી..લોકોનો ઝુકેલો ચહેરો જોઈ જિયાન મનોમન અભિમાનમાં રાચતો એ બાળકની ખમીસ પકડીને બોલ્યો.."

"એ છોકરા..તને જે કહેવામાં આવ્યું એનું પાલન કરવાનું કર..મારાં જુતાં ને તારી જીભ વડે સાફ કર.."

કોઈ પોતાની મદદ માટે નહીં આવે એવું વિચારી એ બાળકે જીંદગીભર ના ભુલાય એવી સજા ભોગવવા તૈયારી બતાવતાં ઘૂંટણભેર રાજકુમાર ની નજીક બેસી ગયો..આંખોમાં પારાવાર દર્દ સાથે એ બાળક પોતાને મળેલી સજા રૂપે રાજકુમાર નાં જુતાં ને જીભ વડે સાફ કરવાં જતો હતો ત્યાં એક ચાલીસેક વર્ષનો વ્યક્તિ એ બાળકની જોડે આવ્યો અને એને ઉભો કરીને બોલ્યો.

"બેટા, તું તારે અહીં થી જા..તારે આ ક્રૂર રાજકુમાર ની વાત માનવાની કોઈ જરૂર નથી.."

એ વ્યક્તિનાં આટલું બોલતાં તો જેમ પિંજરામાંથી પક્ષી ઉડે એમ એ બાળક દોડીને ત્યાંથી ભાગી ગયો..આમ થતાં ત્યાં હાજર જનમેદની નાં ચહેરા પર હાસ્ય ફરી વળ્યું અને રાજકુમાર નાં ચહેરા પર પારાવાર ક્રોધ.

"એ કમજાત..કોણ છે તું..? મારી સજા વચમાં રોકીને તે કેટલો મોટો ગુનો કર્યો છે એની તને ખબર નથી લાગતી..? "ગંદી ગાળો એ વ્યક્તિને આપતાં જિયાન જોરથી બોલ્યો.

"મારુ નામ નાથન પોલોસ્કી છે..અહીં જેટલાં પણ અનાજ અને શાકભાજી નાં વેપારીઓ છે એમનો હું નેતા છું.રાજકુમાર, તમે જે કંઈપણ કરી રહ્યાં હતાં એ એક રાજવી તરીકે તમને અશોભનીય હતું..એક માસુમ બાળકને આવી સજા આપવી યોગ્ય નહોતી એટલે મેં તમને પાપમાં પડતાં રોકયાં.."નાથન નામનો એ વ્યક્તિ શાલીનતા સાથે બોલ્યો.

"હવે તું મને શીખવીશ કે પાપ શું અને પુણ્ય શું..? "આટલું બોલી જિયાને મ્યાનમાં રહેલી તલવાર ખેંચી ને બહાર નીકાળી.

જિયાનને હતું કે જાહેરમાં નાથન દ્વારા એ બાળકને ત્યાંથી રવાના કરતાં પોતાની જે બેઇજ્જતી થઈ છે એને ત્યારે જ દૂર કરી શકાશે જ્યારે પોતે નાથનનું માથું તલવાર વડે અલગ કરીને એને મોતને ઘાટ ઉતારશે.પણ નાથન તો બિલકુલ શાંત બની જિયાનની સામે આંખોથી આંખો મિલાવીને ઉભો રહી ગયો..અને એમાંય જિયાનનું આમ વિચારવું ત્યારે એની ગલતફહેમી સાબિત થઈ જ્યારે નાથન નાં સાથી વેપારીઓ નાથનની મદદે હાથમાં જે કંઈપણ હથિયાર આવ્યું એ લઈને એની પડખે આવીને ઉભાં રહ્યાં.. એ લોકોની આંખમાં રહેલો તાપ જોઈને જિયાન સમજી ચુક્યો હતો કે ત્યાં ઉભાં રહેવામાં હવે મૂર્ખામી હતી.

"સારું..અત્યારે તો હું આ મૂર્ખ નાથનને માફ કરું છું..પણ ભવિષ્યમાં એને એનાં આ દુષ્કર્મ ની સજા અવશ્ય મળશે.."રઘવાટભર્યા સુરમાં જિયાન બોલ્યો.

"ત્યારનું ત્યારે જોયું જશે રાજકુમાર.. બાકી હવે તમે અહીંથી નીકળી જાઓ એમાં તમારી ભલાઈ છે..બાકી આ મારાં સાથીદારો એ ભૂલી જશે કે તમે આ રાજ્યનાં રાજકુમાર છો.."નાથન નાં અવાજમાં વજન હતું.

નાથન અને એનાં સાથીદારો ધીરે-ધીરે જિયાન ની તરફ અગ્રેસર થઈ રહ્યાં હતાં..પોતાનો જીવ અત્યારે જોખમમાં છે એવું સમજાતાં જિયાન ત્યાંથી એમ બોલતો બોલતો નીકળી ગયો કે.

"હું બધાં ને જોઈ લઈશ..હું બધાં ને જોઈ લઈશ.."આખરે પોતાનું કંઈ ના ઉકળતાં તલવારને મ્યાનમાં પાછી રાખી બફાટ કરતો કરતો રાજકુમાર જિયાન ત્યાંથી નીકળી ગયો.

અપમાન નો ઘૂંટડો પીને ત્યાંથી જતાં રાજકુમાર જિયાનને જોઈ ત્યાં હાજર દરેક વ્યકિતનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો..બધાં વેપારી મિત્રોએ નાથનને ખભે ઉંચકી લીધો અને એની જય જયકાર બોલાવી.

એક સામાન્ય વેપારી નાથનનાં લીધે પોતાને જે અપમાન નો કડવો ઘૂંટ પીવો પડ્યો હતો એ સહન ના થતાં રાજકુમાર જિયાન સીધો જ મહેલમાં પોતાનાં પિતા નિકલોસ નાં કક્ષ માં જઈ પહોંચ્યો..પોતાનાં પુત્રનાં ચહેરા પર રહેલી અકળામણ અને ગુસ્સો જોઈને નિકલોસે જિયાનને પૂછ્યું.

"શું થયું..કેમ આટલો બધો ગુસ્સામાં છે..? "

નિકોલસ નાં સવાલનાં જવાબમાં જિયાને શહેરનાં બજારમાં જે કંઈપણ ઘટિત થયું હતું એ બધું વિગતવાર જણાવી દીધું.. બીજો કોઈ રાજા હોત તો પોતાના પુત્ર ને સમજાવત કે એ ખોટો હતો અને જે કંઈપણ બન્યું એને ભૂલી જાય..પણ આ તો નિકલોસ હતો..એને તો પોતાનો પુત્ર જ દરેક વખતે સાચો લાગતો હતો..જિયાનની વાત સાંભળ્યાં બાદ નિકલોસે થોડો સમય કંઈક વિચાર્યું અને પછી જિયાનનાં ખભે હાથ મૂકીને કહ્યું.

"તું ચિંતા ના કર..એ વેપારી નાથનને હું સમય આવે જોઈ લઈશ..પણ અત્યારે તું કંઈપણ પગલું ના ભરતો, કેમકે હમણાં થી પડોશી રાજ્ય સાથે આપણાં સંબંધો બગડયાં છે અને ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે..આવાં સંજોગોમાં રાજ્યનો કોઈપણ નાગરિક આપણાં વિરુદ્ધ જાય એવું હું નથી ઈચ્છતો..માટે તું બધું ભૂલી જા, આગળ હું જોઈ લઈશ.."

પોતાનાં પિતાજીની આ વાતથી જિયાનનો ગુસ્સો તો શાંત ના થયો પણ સમયને માન આપવું જરૂરી હતું..એટલે પોતાનાં પિતાજીની વાત માથે ચડાવી એ ત્યાંથી ચાલતો થયો..એક મહિનો આમ જ શાંતિથી પસાર થઈ ગયો..જિયાન હવે નાથન વિશે બધું ભૂલી પણ ગયો હતો..પણ કહ્યું છે ને કે જે થવાનું છે એ થઈને જ રહે છે..નાથન અને જિયાન વચ્ચે ની આ વિસરી ચુકાયેલી દુશ્મનીમાં નવો વળાંક લઈને આવી નાથનની નાની બહેન..

"રેહાના.."

★★★

વધુ આવતાં અંકમાં.

રેહાનાનાં લીધે આગળ શું બન્યું હતું..? જિયાન નાં કારણે જ વેમ્પાયર પરિવાર નું સર્જન થયું હતું..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)