નિયતિ - ૩૪ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - ૩૪

વીડિયો પૂરો થઈ ગયો. આ એજ વીડિયો હતો જ ક્રિષ્નાએ મુરલીને મોકલાવેલ થોડું એડિટ કરીને પછી અહિં મૂકેલો.


થોડીવાર ચૂપ રહ્યા પછી મુરલીએ પૂછ્યું, “એણે આ વીડિયો તને કેમ મોકલ્યો?


ફક્ત એને જ નહિ મને પણ મોકલ્યો છે!નટખટ એનો મોબાઈલ બંધ કરતા બોલ્યો, “આજે સવારે જ મેસેજ આવેલો પણ, દોડધામમાં મે સવારનું નેટ જ ઓન નહતું કર્યું. "


હવે મુરલીએ એનો ફોન ઓન કર્યો. ઘણા બધા લોકોએ એનું એપ ડાઉનલોડ કરેલું. એમાંથી મોટાભાગના એના અને ક્રિષ્નાની ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ હતા.


એના છેલ્લા શબ્દ ના સાંભળ્યા, દોસ્તો ડાઉનલોડ ધ એપ!  મતલબ એણે આ મેસેજ ફેસબુકના દરેક મિત્રને મોકલ્યો છે, મારા અને એના બંનેના. એની જ કોશિસનું આ પરિણામ છે સવારથી લઈને સાંજ સુધીમાં સાતસોછયાંસી લોકોએ મારું એપ ડાઉનલોડ કર્યું!  મુરલી બોલતો બોલતો ચૂપ થઈ ગયો. કદાચ એના ગળે ડૂમો બાઝી ગયો હતો....


ભરતભાઈ એના માટે પાણી લઈ આવ્યા. થોડું પાણી પી લે. એ મુંબઈમાં જ છે આપણે એને શોધી લઈશું. તું ચિંતા ના કર.


ભરતો સાચું કહે છે યાર!  ક્રિષ્નાને આપણે શોધી લઈશું. ભરતા તું કંઇક યાદ કર, મગજ પર જરા જોર દઈને વિચાર એ લોકોએ કોઈનું નામ દીધું હોય, કોઈ જગા, કોઈ સરનામું જ્યાં એ જવાના હોય એ લોકો અહીંથી કેવી રીતે ગયેલા ટેક્ષી કરેલી કે ઑટો?”


ખબર નથી. એ લોકોને દરવાજા સુધી વળાવીને હું અંદર આવી ગયેલો."


કેવો માણસ છે તું એક બુઝુર્ગ માણસ માટે તું ટેક્ષી  કે રિક્ષાય ના બોલાવી શકે.


હવે મને એવું ન શુજ્યું એ વખતે!  એ લોકોને ક્યાં જવું છે એ એમને ખબર હતી એ લોકો હોસ્પિટલ હોસ્પિટલ કરતા હતા પણ કઈ એ નહતા બોલ્યા!”


અને સાહેબ એવું પૂછેય શું કરવા ક્યાં એમના પરિવારનું કોઈ હતું!  દયા જેવું કંઈ છેજ નહિ.નટખટ એની ચીઢ ભરતભાઈ પર ઉતારી રહ્યો.


હા, મારામાં દયા જેવું કંઈ નથીને એટલે જ હું એક અજાણ્યા ફેમિલીને મારા ઘરે લાવ્યો, રાત રોકાવા દીધા!  એતો કોઈ હિંમતભાઈની રાહ જોતા બીચ પર જ બેઠી રહેત જો હું,”


એક મિનિટ, એક મિનિટ કોણ હિંમતભાઈ કહ્યું તે?” મુરલી ભરતભાઈને વચ્ચેજ રોકીને પૂછ્યું.


હા. હિંમતભાઈ. એ એમના કોઈ ઓળખીતા છે. એ અહી જ રહે છે મુંબઈમાં. એ એકલાજ છે. ગુજરાત ફરવા માટે ગયેલા. એ દિવસની એમની ટિકિટ કઢાવેલી હતી. એ સાંજે આવી જવાના હતા પણ.... હા, વાસુદેવભાઈએ કહેલું કે એમનો કોઈ ફેસબુક મિત્ર એમને ભુજમાં મળી ગયેલો. એની સાથે એ એના ઘરે ગયા  અને વાતોમાંને વાતોમાં એમની ટ્રેન મિસ થઈ ગયેલી.


હિંમતભાઈ, મુંબઈ, ફેસબુક અને ભુજનો મિત્ર. ઓલ રાઇટ!  આ ચાર કલું પરથી કદાચ હું એ હિંમતભાઇને શોધી લઈશ." મુરલી ઘણા સમય બાદ કશુંક બોલ્યો.


પણ, એ કેવી રીતે મુંબઈમાં તો કેટલાય હિંમતભાઈ હશે એમાંથી કયો આપણા કામનો?” ભરતભાઈએ એમની શંકા વ્યક્ત કરી.


મુંબઈમાં હિંમતભાઈ ઘણા હશે પણ એમાંથી ફેસબૂક વાપરતા હોય એવા કેટલા અને એમાંય હમણાં ગુજરાત ફરવા ગયા હોય એવા કેટલા? ભુજમાં રહેતો કોઈ એમનો એફબી ફ્રેન્ડ હોય એવા કેટલા?”


એટલે મારી સમજમાં કંઈ નથી આવતું!” ભરતભાઈએ માથું ખંજવાળતા કહ્યું.


એ બારમી ફેલ એ તારી સમાજમાં આવશે પણ નહીં. એ એન્જિનિયરોએ સમજવાની વાત છે.” નટખટ ભરતભાઈને ખભે ધબ્બો મારતા બોલેલો.


વાંદરા તું સીધો રેજે,” ભરતભાઈએ નટખટનો કાન આમળતા કહ્યું.


આ બધી ધમાલથી બેખબર મુરલી ઘરમાં એક ખૂણે ટેબલ પર પડેલું કોમ્યુટર જોઈ ત્યાં બેસી ગયો. ભરતભાઈએ ટેબલના ખાનામાંથી ડોંગલ કાઢી એને સીપીયુ સાથે કનેક્ટ કર્યું. મુરલીએ ફેસબૂક ઓન કર્યું. સર્ચ ઓપ્શનમાં જઈ હિંમતભાઈ ટાઈપ કર્યું. એક લાંબુ લીસ્ટ આવ્યું હિંમતભાઈ નામવાળા એફબી યુઝરનું.  ફિલ્તરમાં જઈ મુંબઈ ટાઈપ કરતા નામ ઓછા થઈ ગયા. એમાંય એ લિસ્ટમાંથી ગુજરાતના હાલમાં લીધેલા ફોટોગ્રાફ્સ સર્ચ કરતા બીજા ઘણા બધા નામ નીકળી ગયા હવે ફક્ત ચાર જણા એવા હતા જે લોકોનું નામ હિંમતભાઈ હતું, મુંબઈમાં રહેતા હતા અને તાજેતરમાં જ ગુજરાત ફરી આવ્યા હતા. એ ચાર જણાની પ્રોફાઈલ ચેક કરતા બે જણાજ વૃઘ્ધ અને એકલા હોય એવા મળ્યા. એમનું ફ્રેન્ડ લીસ્ટ ચેક કરતા એક જ હિંમતભાઈ દેસાઈ એવા મળ્યાં જેમનો કોઈ મિત્ર ભુજ રહેતો હતો.


મળી ગયા. હિંમતભાઈ દેસાઈ જ એ વ્યક્તિ છે જેમના ઘરે ક્રિષ્ના રોકાઈ હશે."


સરસ કામ કર્યું વ્હાલા!નટખટ મુરલીનું માથું ચૂમતા બોલ્યો.


એનું સરનામું અહીં નથી આપ્યું.” મુરલીએ મોનીટર સામે જોતા કહ્યું.


એનું ફ્રેન્ડ લીસ્ટ ફરી ચેક કરી જો, કદાચ કોઈ આપણું ઓળખીતું મળી જાય." નટખટ માથું ખંજવાળતા બોલ્યો.


મુરલીએ હિંમતભાઈ દેસાઈ અને એના મ્યુચ્યુઅલ ફ્રેન્ડસ જોયા. ફક્ત એક નામ મળ્યું. નિયતી કાપડિયા!  ત્યાં હાજર દરેક જણના મોં પર એક હળવું સ્મિત આવી ગયું.


મુરલીએ એના ફોન પરથી એક નંબર ડાયલ કર્યો. એક આખી રિંગ પૂરી થવા આવી ત્યારે જ સામેથી ફોન ઉચકાયો,


હલ્લો!


હાય!  મુરલી! તારો નંબર સેવ કરેલો જ છે, બોલ કેમ યાદ કરી?"


એક તમારા ફેસબુક ફ્રેન્ડનું સરનામું જોઈએ છે, અર્જન્ટલી!  હિંમતભાઈ દેસાઈ નામ છે, મુંબઈ રહે છે.


હું એમના બહું કોન્ટેક્ટમાં નથી, પણ મારો બીજો એક મિત્ર છે સતીશ રાવલ એ એમનો ખાસ મિત્ર છે. એ હમણાંજ એમના ઘરે ભુજ રોકાયેલા ત્યાંના ફોટોગ્રાફ્સ પણ શેર કરેલા. તું એક મિનિટ રાહ જો હું એમની સાથે વાત કરીને કહું છું.


મુરલીએ ફોન મૂક્યો કે તરત ભરતભાઈએ ટકોર કરી,


નિયતી જોડે પેલાને ફોન કરાવે છે એના કરતા તું જ હિમતભાઈને એફબી પર કોલ કર ને.


ભરતું એ દાદા આપણી જેમ નવરા નથી. આખો દાડો એફબી પર ચિપકેલા નથી હોતા. અત્યારે આપણી પાસે સમય નથી. નિયતી મેડમને કોલ કરવામાં વાંધો નહીં એ મુરલીને સારી રીતે ઓળખે છે.


મુરલીના ફોન પર નિયતીની રિંગ આવી,


હલ્લો!


હા, મુરલી સતીશભાઈ પાસે એમનું પાકું સરનામું નથી પણ, એમનો ફોન નંબર આપ્યો છે. એ હું તને વોટ્સેપ કરું છું ઓકે?”


ઓકે. થેંકસ!


ફોન મુકાઈ ગયો. હિંમતભાઈનો નંબર મળતા જ એમણે રિંગ કરી. સામે છેડેથી ફોન ઉચકાયો,


નમસ્કાર!  જી કોણ બોલે છે?”


હું...હું...


મુરલીનું દિલ ફફડી રહ્યું હતું. ખબર નહિ આ વડીલ શું કહેશે ક્રિષ્ના ત્યાં હશે કે નહિ હશે તો એ કઈ પરિસ્થિતિમાં હસે....?” મુરલી ફોન ભરતભાઈને આપીને સોફામાં બેસી ગયો. આગળનું જાણવા એ આતુર હતો પણ હિંમત નહતો કરી શકતો.


હલ્લો હિંમતભાઈ હું ભરત બોલું છું. તમારા ઘરે વાસુદેવભાઇ આવ્યા છે અમદાવાદથી. એ રાત્રે એ લોકો મારા ઘરે રોકાયેલા, એમના વાઇફનો ફોન એ અહીં ભૂલી ગયા છે. જો તમે તમારું સરનામું આપો તો હું ત્યાં આવીને આપી જાઉં. ભરતભાઈએ વિચારીને શાંતિથી કહ્યું.


અમે લોકો અત્યારે ઘરે નથી. ક્રિષ્ના એમની દિકરનું ઓપરેશન ચાલે છે અમે હોસ્પિટલમાં છીએ."


હા, હા, વાંધો નથી હું ત્યાં આવીને આપી જઈશ. તમે કઈ હોસ્પિટલમાં છો?”


ભરતભાઈનું મોં હસુ હસુ થઈ રહ્યું. ફોન મૂકતાં જ એમણે મુરલીના ખભા પકડતા કહ્યું, “ક્રિષ્ના હોસ્પિટલમાં છે ચાલ એને મળવા જઈએ.


મુરલી ઊભો થઈને ભરતભાઈને ભેટી પડ્યો. પાછળથી આવીને નટખટ પણ બેઉને વળગી પડ્યો. ત્રણેની આંખો ભીની હતી. આજ સવારની આ પહેલી જરી સારી ખબર મળી હતી!  ભૂખ, તરસ, થાક બધું વિસરી જઇને આજનો આખો દિવસ ક્રિષ્નાને શોધવામાં જ પસાર કરેલો. ક્રિષ્ના હેમખેમ હોય એથી વધારે હવે કોઈ અપેક્ષા ન હતી....


હોસ્પિટલ જઈને પછી નાસ્તો કરી લઈશું એમ નક્કી કરી ત્રણે મિત્રો ભરતભાઈની ગાડીમાં રવાના થઈ ગયા. મુંબઈનો ટ્રાફિક અત્યારે રાતના સમયે પણ જેમનો તેમ હતો. એ લોકોની ગાડી હોસ્પિટલના દરવાજે પહોંચી ત્યારે રાતના અગિયાર વાગી ગયા હતા.


જ્યાં ભરતભાઈએ એમની ગાડી પાર્ક કરી ત્યાંજ, એની બાજુમાં પાર્થ ગાડી પાર્ક કરીને નીચે ઉતર્યો હતો. મુરલી અને એની આંખો મળી હતી. ભરતભાઈ અને નટખટ બાજુમાં પાર્ક થયેલી લેન્ડ રોવરને જોઈ રહ્યા હતા........