Niyati - 10 books and stories free download online pdf in Gujarati

નિયતિ - ૧૦

   
ક્રિષ્ના સખત હાંફી રહી હતી. આટલું બધું અને આટલી ઝડપથી એ જિંદગીમાં પહેલીવાર ભાગી હતી, બધું જ પેલા ગલુડીયાના પ્રતાપે! એનો શ્વાસ ખુબ ઝડપથી ચાલી રહ્યો હતો. એનું દીલ હજી જોરથી ધબકી રહ્યું હતુ. એના પગ એક ડગલું પણ આગળ વધ​વાની ના કહી રહ્યા હતા. એણે હ​વે દર​વાજાની બીજી બાજુ નજર કરી. એક સુંદર ત્રણ માળના ઘરની બહાર એ ઊભી હતી. એ જ્યાં ઊભી હતી ત્યાંથી વીસેક કદમની દૂરી પર એ ઘરનો લાકડાનો, પિતળના મોટા હાથાવાળો, દર​વાજો દેખાતો હતો. એ દર​વાજે ઉપરની તરફ એક નાનો ગોળો ચાલું હતો. એ ગોળાના પીળા પ્રકાશમાં ક્રિષ્નાએ જોયુ કે ઘરના અંદર જ​વાના બારણાની બંને બાજું લગભગ દસ દસ ફૂટ જેટલી દીવાલ હતી અને પછીની જગા ખુલ્લી હતી. એ ખુલ્લી જગામાં લાઇનસર નારીયેળી રોપેલી હતી.
ઝીણાં ઝીણાં વરસાદના ફોરા પડ​વા ચાલું થયા. ક્રિષ્નાને અજાણ્યા ઘરમાં જવું ઉચીત ના લાગતા એ નારીયેળી તરફ આગળ વધી. ત્યાંથી આગળ બીજા ગોળાનો પ્રકાશ આવી રહ્યો હતો. ક્રિષ્નાએ તરફ આગળ વધી. એ ખુબ થાકેલી હતી. એ ક્યાંક બેસ​વાની જગા શોધી રહી હતી. એને એમ કે, સ​વાર સુંધી અહીં, કોઇની નજરે ના ચઢાય એવી કોઇ જગાએ બેસી જાય, અજ​વાળું થતાં જ એ ધીરેથી બહાર નીકળી જશે. ઘર​વાળા કોઇને કંઇ ખબર પણ નહીં પડે. આમેય આવા વરસાદી વાતાવરણમાં અડધી રાતે કોણ બહાર આવ​વાનું? 

એ ધીરે ધીરે ચાલતી, ચારે બાજુ નજર નાખતી આગળ વધી રહી. નાળીયેરીની હાર પૂરી થ​વાનું નામ જ નહતી લેતી. એ હ​વે ઘરના પાછળના ભાગમાં આવી ગ​ઈ હતી. અહિં વચ્ચેની જગ્યામાં થોડું ઘાસ ઉગાડેલું હતું. થોડા થોડા અંતરે ક્યારા કરીને ગુલાબ અને મોગરાના છોડ ઉગાડેલા હતા. આખું વાતાવરણ કોઇ દિવ્ય સુગંધથી ઘેરાઈ ગયું હતુ. મોગરો, ગુલાબ, ગલગોટા એ બધાની સુવાસ તો હતી જ પણ એની સાથે કં​ઈક બીજી સુવાસ વધારે આવી રહી હતી. 

ક્રિષ્નાને થયું કે, જરુર કોઇ શોખીન જીવ રહેતો હસે આ ઘરમાં!  એ થોડેક જ આગળ વધી કે એને એ દિવ્ય સુગંધનું સરનામું મળી ગયું!  એ આંખો ફાડીને એ વિશાળ ઝાડને નીરખી રહી. વીજળીના ચમકારામાં એ અદભુત આકર્ષક લાગતું હતું. એની ડાળીયે ડાળીયે સુંદર સફેદ ફૂલ ખિલેલા હતા. કેટલાયે ફૂલ ખરીને નીચે વેરાયેલા હતા. બધાને જાણે કોઇએ ગોઠ​વીને મુક્યા હોય એમ એક સમાન અંતરે ઊંધા પડેલા હતા. સફેદ પાંખડીઓ નીચે અને કેસરી ડાંડી ઉપર, અંધારામાં જાણે નાના નાના દીવડા પ્રગટાવ્યા હોય!  ક્રિષ્ના ઓળખી ગ​ઈ, એ પારિજાતનું ઝાડ હતું. એ દિવ્ય વૃક્ષ જે સમુદ્રમંથન વખતે બહાર આવેલું, જેને દેવતાઓ સ્વર્ગની શોભા વધાર​વા સ્વર્ગમાં લ​ઈ ગયેલા.....

ક્રિષ્નાએ ફોન બંધ કરી દેતા મુરલીએ એક નિઃસાસો નાખેલો. એનું દીલ કહી રહ્યું કે, આ એ જ છોકરી છે જેની એ વરસોથી રાહ જોતો હતો!  યુવાનીમાં પહેલો પગ મુકતા જ એના સપનામાં આવેલી એની સ્વપ્ન સુંદરી આજે એની સામે હતી પણ, અફસોસ જેવા સપના એણે જોયા એવા જ સપના એની સ્વપ્નસુંદરીએ નહતા જોયા!  એતો કોઇ બીજાની સાથે જોડાવા જ​ઈ રહી હતી....ના, ના, એ શક્ય નથી. હું એવુ નહીં થ​વા દઉં, મુરલીનું દીલ કહી રહ્યું. એને લાગતું હતુ કે ક્રિષ્નાને હજી પ્રેમનો અનુભ​વ નથી થયો એક વખત એ થશે એટલે એ એની મેળે જ સમજી જશે. દોસ્તીને એ પ્રેમનું નામ આપ​વાની ભૂલ કરી રહી છે પણ, જે ઘડીએ એને પ્રેમ અને દોસ્તી વચ્ચેનું અંતર સમજાશે એ મારી પાસે જ દોડી આવશે!  મુરલી વિચારી રહ્યો હતો. 
          
જ્યારે મુશળધાર વરસાદ પડે ત્યારે, એમાં નીકળનાર ભલે ગમે તેટલી સાવચેતી લે એ થોડોક તો ભિંજાવાનો જ.... બસ પ્રેમનુંય આવુ જ છે!  કોઇને તમે દીલ ફાડીને પ્રેમ કરો તો સામેવાળોય જરાક તો પીગળ​વાનો જ!  જ્યારે તમે કોઇને દીલની ગહેરાઇઓથી પુકારતા હો તો, તમારો એ અવાજ એના દીલ સુંધી પહોંચેજ છે!  કુદરત જ એ કામ કરે છે કેમ કે, આ શ્રુષ્ટીના સર્જનનો પાયો પ્રેમ છે! હૃદયની રાહ પર ચાલનારાની કુદરત જ મદદ કરે છે, એને આકસ્મિક જ ક્યાંકથી ને ક્યાંકથી સહાય મળી જાય છે. અહીં મુરલીની પણ ર જ દશા છે અને હાલ કુદરત એના જ પક્ષમાં હોય એમ લાગી રહ્યું છે! મુરલી રાહ જોઇ રહ્યો હતો એના દીલનો અવાજ ક્રિષ્નાના દીલ સુધી પહોચે એની.
            
મુરલીના ઘરની પાછળ નારીયેળીની ઘટા વચ્ચે સુંદર બગીચો બનાવેલો હતો. બગીચાની એક તરફ નાનકડું, દોઢ-બે ફૂટ ઊંડુ કૃત્રિમ તળાવ બનાવેલું હતું એમા સફેદ અને ગુલાબી કમળ ઉગાડેલા હતા. એ કમળતલાવડીને કિનારે બે નારીયેળીના થડ વચે નાયલોનની જાળી બાંધીને ઝૂલા જેવું બનાવેલું હતુ. એ મુરલીની સૌથી પસંદીદા જગા હતી. એ કલાકોના કલાકો ત્યાં પડ્યો રહીને એની સપનાની રાજકુમારી વિષે વિચાર્યા કરતો. એનું દીલ રોજ સપનું જોતું કે, એ અહિં આમ પડ્યો હોય અને ત્યાં તલાવડીની સામેની બાજુએ, પારિજાતના ઝાડ નીચે એની સ્વપ્નસુંદરી એને જોતી ઉભી હોય.....! 
           
રાત ઘણી આગળ વહી નીકળેલી. વાતાવરણમાં અચનક પલટો આવેલો. જોર જોરથી ફૂંકાતો પ​વન, વારેઘડીયે ચમકી જતી વીજળી, વરસાદના ફોરા કશાની આજે મુરલીને ફિકર ન હતી. એ જે સપનું રોજ જોતો એ હ​વે સાચું પડશે એમ એનું મન જોર જોરથી કહી રહ્યું હતું. આમેય જ્યારે તમે કોઇના પ્રેમમાં પડો ત્યારે તમે નિરંતર એના જ વિચારોમાં ખોવાયેલા રહો છો. ભલે તમે બીજુ કોઇ પણ કામ કરતા હોવ તમારી નજર સમક્ષ એ વ્યક્તિનો ચહેરો અનાયસ જ આવી જતો હોય છે. તમારા પ્રિય પાત્રનો અવાજ તમને નિર​વ શાંતિમાંય સંભળાતો હોય છે અને એ સાંભળ​વુ તમને ગમતું હોય છે!  પ્રેમનો જાદુ જ્યારે માથા પર સ​વાર થાય ત્યારે વ્યક્તિને આખું જગ સુંદર લાગ​વા લાગે છે, આખી શ્રુષ્ટીમાં એના પ્રિયપાત્રનો હાથ હાથમાં લ​ઈને એ જાણે ભ્રમણ કર​વા નિકળ્યો હોય એમ વિચર્યાજ કરે... મુરલીએ કંઇક આવી જ મનોદશામાં હતો. 
         
એણે જોયું કે, એની સ્વપ્ન સુંદરી એની વાટ જોતી પારિજાતના ઝાડ નીચે ઊભી છે અને એનામાં અનંત આવેગનું એક મોજુ આવી ગયુ. એ ઊભો થયો ધીરેથી ચાલતો ક્રિષ્ના તરફ આગળ વધ્યો. એને એમ કે એનુ સુંદર સપનું તૂટી ના જાય એ ક્રિષ્ના સામે જ નજર તાકીને આગળ વધ્યો.... 
           
આ બાજુ ક્રિષ્ના આ બધી વાતોથી બેખબર પારિજાતની મહેંકથી કંઇક અંશે સંમોહિત થ​ઈને વિચારશુન્ય અવસ્થામાં ઉભી હતી. મુરલી એની એકદમ પાસે આવી ગયો ત્યારે એને ભાન થયુ કે, એના સિવાય પણ કોઇ અહીં છે!  એ પહેલા તો જરા ચમકી હતી, પછી એણે મુરલીને ઓળખ્યો હતો. મુરલીને જોતા જ એના મનમાં એક શાંતિનો અહેસાસ થયેલો. એને થયું હાશ, મુરલી મને મદદ કરશે!  એના ચહેરા પર મુરલીને આવકારતું એક સ્મિત આવી ગયું.
             
મુરલી એનાજ સંવેદનોને આધીન થ​ઈને ક્રિષ્ના પાસે પહોંચેલો, કંઇક અજીબ નશો એના દિલો દીમાગ પર છ​વાયેલો હતો. એમાં ક્રિષ્નાના સ્મિતે આગમાં ઘી નાખ​વાનું કામ કર્યુ!  સુંદર ગુલાબી ફ્રોકમાં સજ્જ ક્રિષ્નાનો સ્મિતભર્યો ચહેરો થોડો ભિંજાયેલો હોવાથી ચમકી રહ્યો હતો. એના સીના આગળનો ઉભાર એના ભિંજાઇને ચુસ્ત રીતે ચોંટી ગયેલા કપડામાથી સ્પષ્ટ દેખાઇ આવતો હતો. એના ગળાની ત્વચા પર પાણીની બુંદો જામી હતી. મુરલીને એ દરેક બુંદને ચૂમી લેવાનું મન થ​ઈ આવ્યું. એણે ક્રિષ્નાની પાસે જ​ઈને હળ​વેથી એની એક હથેળી ક્રિષ્નાના માથા પર મુકી. એ હથેળી સરકીને ક્રિષ્નાના ગાલ પર, ગરદન પર , ખભા પર થ​ઈને એની પીંઠ પાછળ કમરે જ​ઈને અટકી. ક્રિષ્ના થોડી ચોંકી હતી. એ મુરલી મુરલી બે વાર બોલી હશે, ત્યાં તો મુરલીએ સહેજ નીચા વળીને ક્રિષ્નાના ફૂલ જેવા કોમળ હોઠો પર એના ગરમ હોઠ મુકી દીધા... ક્રિષ્ના કંઇ બોલી શકે એવી હાલતમાં જ ન હતી. મુરલીના આવેગમાં એ ગુંગળાઇ રહી. એણે બે હાથોથી મુરલીનું માથુ પકડીને એને દૂર ધકેલ​વાનો પ્રયાસ કર્યો. એ જેમ પાછળ નમતી ગ​ઈ એમ મુરલી વધારે એની પર જુકતો ગયો.....એના બીજા હાથે ક્રિષ્નાના શરીરને જીલી રાખીને! 
          
આ બધું લગભગ અડધી મિનિટ ચાલ્યું હશે. પ્રેમાવેશમાં રત મુરલી એના જીવનની સર્વોત્તમ પળ માણી રહ્યો હતો. ક્રિષ્નાની હાલત કફોડી હતી. એને ડર લાગી રહ્યો હતો મુરલીના પ્રેમથી. એકાએક આવીને વરસી પડતા વરસાદની જેમ મુરલી વરસી રહ્યો હતો અને એમાં ક્રિષ્ના પણ થોડી થોડી પલળ​વા લાગી હતી.....!
         
ક્રિષ્નાએ અજીબ સંવેદનથી ત્રસ્ત થ​ઈને મુરલીના વાળ ખેંચ્યા હતા. જોરથી ખેંચ્યા હતા, એના હાથમાં વાળનો નાનકડો ગુચ્છો તૂટીને આવી ગયેલો, જ્યારે મુરલી એનાથી અલગ થયેલો. મુરલી હ​વે ભાનમાં આવેલો,
         
        
“તું સાચુકલી અહીં ઊભી છે?” મુરલીએ પોતાના જ ગાલ પર લાફો મારીને પૂછ્યુ. 
         
“ના, મારું ભૂત ઊભુ છે!  સાવ જંગલી જેવા! કોઇ.. કોઇ છોકરી સાથે આમ, “ક્રિષ્નાએ વાક્ય અધુરું છોડ્યું. જે કંઇ બની ગયુ એ યાદ કર​વામાં એને સંકોચ થ​ઈ રહ્યો હતો.
         
મુરલીને પોતાની ભૂલ સમજાઇ હતી. એને માથામાં થતી બળતરા તરફ હવે જ એનું ધ્યાન ગયુ એ માથે હાથ ફેર​વતો બોલ્યો,
          
“આઇ એમ સોરી!  પણ તું જ કહે, આટલી રાત્રે મારા જ ઘરના બગીચામાં, મારી ફેવરીટ જગાએ તું આમ વરસાદમાં પલળતી ઊભી હોય તો મને તો એમ જ થાયને કે મારો કોઇ ભ્રમ હશે!  ”
          
“તે આ તારું ઘર હોય તો અંદર જ​ઈને ઊંઘીજાને અહીં બહાર શું કરે છે, ઘુવડ!”
           
“હે... માઇન્ડ યોર લેંગ​વેજ!  મારા ઘરમાં હું જે કરુ તે પણ, તું અહીં શું કરે છે અડધી રાતે મારા ઘરમાં ચોરી કર​વા આવેલી ”
          
“ચૂપ કર, હું તને ચોર લાગુ છું.”
          
“ઓકે. ચાલ અંદર જ​ઈને બેસીયે. ત્યાં શાંતિથી વાત કરજે.” મુરલીએ હ​વે ક્રિષ્નાની હાલત જોતા એને મદદરુપ થ​વાનું વિચાર્યુ.
           
“હું અંદર નહી આવું. તું મને મારા રૂમ પર મુકી જા. હું રસ્તો ભુલી ગ​ઈ છું.” ક્રિષ્ના એકસાથે બોલી ગ​ઈ.
         
મુરલીને હસ​વું આવી ગયું એણે કહ્યું,
“ઠીક છે. હું છત્રી લ​ઈ આવું  વરસાદ આવે છે." મુરલી ખુબ ખુશ હતો. એ ઝડપથી જ​ઈને છત્રી લ​ઈ આવ્યો. 
         
મોટી છત્રી ક્રિષ્ના તરફ ઢળતી રાખી, ક્રિષ્નાથી એક અંતર રાખીને, એ પોતે થોડો પલળતો ચાલી રહ્યો હતો. વરસાદની સાથે પ​વન પણ હતો. ક્રિષ્ના એનું ફ્રોક માંડ સંભાળીને ચાલી રહી, પ​વનના જોરે એ અને સાથે સાથે મન પણ  ઉડાઉડ કરતું હતું.....!!
     

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED