ક્રિષ્ના ઊભી થઈ અને પાછી ઓફિસમાં ગઈ, મીરા સાથે વાત કરીને એને સારું લાગેલું. ત્યાં બધી છોકરીઓ સાંજે શું પહેરીને પાર્ટીમાં આવશે એની ચર્ચા કરી રહી હતી. ક્રિષ્ના પણ મોઢું હસતું રાખી એ લોકોની ચર્ચામાં જોડાઇ.
“જે ડીસાઇડ કરો એ મને પણ કહેજો." ક્રિષ્નાએ હિંમત સાથે બધા જોડે દોસ્તી કરવાને ઇરાદે પહેલ કરી કહ્યું.
“અમે બધાએ વન-પીસ પહેરવાનું વિચાર્યું છે. તારી પાસે એવો ડ્રેસ છે?” શિવાનીએ એની પહોળી સ્માઇલ ફરકાવી. એની નજર ક્રિષ્નાને પગથી માંથા સુંધી માપી રહી....
“ઓહ! સરસ! મારી પાસે એવો ડ્રેસ છે." ક્રિષ્નાને આ આઇડીયા ગમ્યો ન હતો છતાં એણે કહ્યું.
બધા છૂટા પડ્યા અને સાંજે બોસને બંગલે મળવાનું નક્કી થયું. ક્રિષ્ના એના રૂમ પર પાછી ફરી. હજી છો વાગવામાં પાંચ મિનિટ બાકી હતી. સાંજે આંઠ વાગે બોસના ઘરે જવાનું હતું. ક્રિષ્નાએ એના ઘરે ફોન જોડ્યો. વીસેક મિનિટ મમ્મી સાથે વાતોમાં ગઈ પછી એણે પાર્થને ફોન કર્યો. ઘણા દિવસોથી એની સાથે નિરાંતે વાત નહતી થઈ. આજે સમય હતો અને મુડ પણ!
“હલ્લો!" બે લાંબી રીંગ ગઈ પછી પાર્થનો જાણે કોઇ ઊંડી ખીણમાંથી બોલતો હોય એવો અવાજ સંભળાયો. હકીકતે એનો અવાજ જ એવો હતો. એ એકદમ શાંતિથી વાત કરતો.
“શું સાહેબજી, વાત કરી શકાય એમ છે કે?” ક્રિષ્નાએ રમતિયાળ અવાજે પૂછ્યું.
“હા હા બોલને.” પાર્થ એક મિટિંગમાં હતો. એણે હાથથી પાંચ મિનિટ રાહ જોવાનો ઇશારો કર્યો અને ફોન લઈને એ એક ખુણામાં થોડે દૂર ચાલ્યો ગયો.
“શું કરે છે?”
“ખાસ કંઇ નહીં. ઘરે જવાની તૈયારી કરતો હતો. તું બોલ.”
“કેમ છે ઘરે બધા, મમ્મી પપ્પા મજામાંને?”
“હા બધા મજામાં છે, બીજુ બોલ.”
“હવે બીજુ શું બોલું! બધું હું એકલી જ બોલ્યા કરું? કંઇક તું પણ વાત ચાલું કર.”
“ઓકે. તને ફાવી ગયુ ત્યાં?”
“હ્મ્મ્મ...ધીરે ધીરે ગોઠવાઇ રહી છું. સારું છે, એક વરસ નીકળી જશે.”
“સરસ. સરસ. બીજુ બોલ."
“કપાળતારું!" ક્રિષ્ના હસી પડી, “બીજુ બોલ... ચાલ મુકું છું પછી વાત કરીશું.”
“કેમ, શું થયુ?”
“કંઇ નહીં. બસ તારા હાલચાલ જાણવા જ ફોન કરેલો તે જાણી લીધા!”
“ઓકે. ટેક કેર! બાય...”
“બાય." ક્રિષ્નાએ ફોન મુક્યો.
એને લાગ્યું હતું કે, હાલ પાર્થ વ્યસ્ત હશે છતાં, એણે વાત કરી. એ કેટલો સમજદાર અને કેરીંગ છે! મનોમન એ વિચારવા લાગી. એને અચાનક જ આજ સવારે મુરલી સાથે થયેલી વાતો યાદ આવી ગઈ.
મુરલી...હુહ!
કેટલોતો કાળો છે અને એની વાતો, છી..! સભ્યતા નામની એક વસ્તું નથી એનામાં! એકતો કોઇ અજાણી છોકરીને પેલ્લીજ મુલાકાતમાં પ્રપોજ કરે અને પેલીની ‘ના’, સાંભળીને....બાપરે બાપ! કેટકેટલું સંભળાવ્યું મને! ક્રિષ્નાના મોં ઉપર ઘડીકમાં હાસ્યના તો ઘડીકમાં ગુસ્સાના ભાવ આવતા રહ્યા.
સાડાસાત વાગે ક્રિષ્ના તૈયાર થવા ઊભી થઈ. એને કેમનું તૈયાર થવાનું છે એ એણે પહેલાથી જ વિચારી રાખેલું. આમેય એને તૈયાર થતા બહું વાર નથી લાગતી.
ઢીંચણથી ખાસ્સે નીચે સુંધીનું લગભગ એંકલ લેંન્થ જેટલું લાંબુ, એકદમ આછા ગુલાબી રંગનું ફ્રોક એણે પહેર્યું. સીના પર અને પાછળ પીંઠ પર ડીપ યુ શેપનું ગળું કટ કરેલું એ ફ્રોક સીના પર અને કમર પર ચપોચપ આવી રહેતું અને કમરની નીચેથી ઝીણી ઝીણી ચપટીઓ લઈને સીવેલો ઘેર નીચે જતો જતો ઘણો જ પહોળો થતો હતો. નીચેના ઘેરની અંદર લાલ મોટા ગુલાબની છૂટી પ્રિંન્ટ ખુબ સુંદર લાગતી હતી. એણે હળવુ ફાઉંડેશન અને કોમ્પેક્ટ પાવડર લગાવી હોઠ પર આછી ગુલાબી, ચમકતી લીપસ્ટીકનો લસરકો કર્યો. વાળમાં કાંસકો ફેરવી લીધો અને પગમાં લાલ મોકેશન ચઢાવી, સીનામાં હવા ભરી એ અરીષા સામે ઉભી રહી. એના પોતાના પ્રતિબિંબ પર એ પોતે જ મોહી પડી!
હજી થોડી મિનિટો એની પાસે બચી હતી. એણે એના રૂમમાં લગાવેલા ક્રુષ્ણના ફોટા આગળ અગરબત્તી ફેરવી અને બે ઘડી આંખો મીંચી ભગવાનનો આભાર માન્યો.
એને યાદ આવ્યું જો અત્યારે એ એના ઘરે અમદાવાદ હોત અને આમ એકલી પાર્ટીમાં જતી હોત તો મમ્મીએ સલાહ સુચનનો આખો પહાડ ખડો કરી દીધો હોત! પપ્પા એને લેવા મુકવા આવત. એને પહોંચ્યાને અડધો કલાક તો માંડ થયો હોત ને મમ્મીનો ફોન આવી જાત, “હવે ક્યારે નીકળે છે? તારા પપ્પા આવી ગયાછે, બહાર ઊભા છે. જોજે, એકલી નીકળી ના પડતી! અને હા, કોઇનું આપેલું કંઇ પણ ખાવા પીવાનું લેતી નહીં. બધા લોકો જ્યાંથી લેતા હોય, ત્યાંથી જ જાતે ખાવાનું લઈ લેજે!”
ક્રિષ્નાને બારણે ટકોરા પડ્યા. એ આસ્થા હતી. એણે એક મોટી, ચુસ્ત ટી શર્ટ જેવું કેસરીયા રંગનું ઢીંચણ સુંધીનુ ટોપ પહેર્યુ હતું. ખુલ્લા વાળમાં એ સુંદર લાગતી હતી. એણે બહારથી જ પુછ્યુ હતું,
“ક્રિષ્ના રેડી?”
બારણું ખોલીને ઊભેલી ક્રિષ્નાને જોતા જ એણે વ્હિસલ વગાડી અને પહેલી આંગળી અને અંગુઠાથી એક ગોળાકાર બનાવી બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખી એણે,
“મસ્ત લાગે છે!" એમ ઇશારો કર્યો અને ઉમેર્યું,
“ચાલ, નીકળીશું? આપણે બન્ને ચાલતા જ જતા રહીયે, એમનું ઘર બહું દૂર નથી. સરિતા, માધુરી અને શિવાની, એ ત્રણેય સાથે આવવાના છે એમના વ્હિકલ પર.”
“ઓકે.” ક્રિષ્ના અંદર ગઈ તાળું લેવા. પાછી એની નજર અરિષામાં ગઈ. એક ક્ષણ કંઈક વિચારીને એણે કબાટ ખોલ્યું અને લાલ રંગનુ એક સ્કાર્ફ જેવું રેશમી કપડું લઈને ગળાપર એવી રીતે વીટાળ્યું કે એના બે છેડા છાતી પર ઝુલતા રહે. તાળું મારી, ચાવી પર્સમાં સરકાવી એ આસ્થા સાથે બહાર નીકળી ગઈ.
એ લોકો બોસને ઘરે પહોચ્યાં ત્યારે બાકીની ત્રણે છોકરીઓ પણ એમને ગેટ પર જ મળી ગઈ. બધી એકબીજીને ધારી ધારીને થોડી પળ જોઇ રહી. જાણે મનોમન એકબીજાની તુલના કરી રહી...
પાછળથી આવેલી ત્રણેય છોકરીઓએ લગભગ એકસરખું ટૉપ પહેરેલુ. ઢિંચણથી ખાસ્સું, એક વેંત જેટલું ઉપર, સ્કિની ટાઇટ એ લોકોનું ટૉપ બાયની જગાએ બે પતલી પટ્ટીઓ વાળું હતું. સરિતાનું ભરાવદાર શરીર એમાં વધારે ભરાવદાર લાગતું હતું.
“ઓહ્ માય ગોડ! આ ગળામાં શું લટકાવ્યું છે?” શિવાનીએ ક્રિષ્નાના સ્કાર્ફ તરફ જોઇને પુછ્યું.
ક્રિષ્નાએ ફક્ત સહેજ હસીને વાત ટાળી દીધી.
બોસના ઘરની બહાર ગાર્ડનમાં એક મોટું ટેબલ ગોઠવાયેલું હતું. એમાં વેજ- નોનવેજ ઘણી બધી વાનગીઓ રાખેલી હતી. ધીમું સંગીત ચાલતું હતું. ક્યાંક ક્યાંક ઝાડીઓમાં ગોઠવેલા પીળા ગોળા પ્રકાશ રેલાવી રહ્યા હતા. શ્રીવિજ્યાકુમાર અહિં એકલા જ રહેતા હતા. એમનો પરિવાર અહીંયા હાજર ન હતો. બધી છોકરીઓ આવીને ગાર્ડનમાં મુકેલી ખુરસીઓ પર બેઠી એની થોડીક જ મિનિટો બાદ બોસ આવેલા.
“વેલકમ ટુ માય હોમ માય ગોર્જીયસ ગર્લસ!”
“થેંક્યુ સર!” બધીએ કોરસમાં કહ્યું.
થોડીક આડીઅવળી વાતો ચાલી બૉસ અત્યારે ક્રિષ્નાને નજરઅંદાજ કરી રહ્યા હતા, ક્રિષ્નાને તો એ ગમ્યું હતું. એક છોકરો આવીને બધાની આગળ ગ્લાસ ભરેલી ટ્રે ધરતો હતો. બધાએ એમાંથી એક એક ગ્લાસ ઉઠાવ્યો. ક્રિષ્ના આગલ ટ્રે ધરતા જ એણે પુછ્યું,
“આ શું છે?”
“બીયર!” છોકરાએ ધીરેથી કહ્યું.
ક્રિષ્નાએ ડોકું ઘુણાવી ના પાડી. બધા એના તરફ જોઇને હસી પડ્યા. થોડી મજાક મસ્તીભરી વાતો ચાલી. પછી બોસ ઊભા થયા અને ક્રિષ્ના પાસે આવીને હાથ લંબાવી એને ડાન્સ માટે ઇન્વાઇટ કરી.
“નો! સર મને નહી ફાવે!" ક્રિષ્નાએ એક સુંદર સ્મિત સાથે એકાક્ષરી જવાબ આપી પાછળ બહાનું બતાવ્યું. બધાનું ધ્યાન એવખતે ત્યાં જ હતુ.
“તને ખબર છે તું કોને ના પાડે છે? છોકરી એનો મતલબ ખબર છે?” બોસમાં બે પેગ પછી ઉર્જા આવી ગઈ હતી.
“હા.” ક્રિષ્નાએ એકદમ સ્વાભાવિકતાથી જવાબ આપ્યો, “પણ સર કદાચ તમને ખબર નથી લાગતી, જ્યારે કોઇ છોકરી ‘ના’ કહે ત્યારે એનો મતલબ ‘ના’ જ હોય! ‘નો મીન્સ નો’ તમે પિન્ક નથી જોયું?" ક્રિષ્નાએ સહેજ હસીને કહ્યું હતું
ક્રિષ્ના બોલી કે તરત જ માધુરી મોટેથી ખી ખી કરતી, એનું આખું શરીર ધ્રુજાવતી હસી પડી. એને જોઇને બાકીની બધી છોકરીઓ પણ હસી પડી. ક્રિષ્નાના મોં પરના સ્મિતને બોસ કંઇક ઘુરકીને થોડીવાર જોઇ રહ્યો.
બોસ પણ પિન્ક ફિલ્મ જોઇ ચુકેલા હતા. “નો", નો મતલબ એ સારી પેઠે સમજી ગયા. ક્રિષ્નાનું આજનું વર્તન એમને અપમાનજનક લાગેલુ પણ, હાલ એમણે ચૂપ રહેવાનું જ મુનાસીબ માન્યું.
આખી પાર્ટીનો મૂડ ખરાબ ના થાય એટલે સરિતા એની જગાએથી ઊભી થઈ અને બોસ પાસે જઈને કહ્યું,
“જવાદોને સર! એ છે જ એવી! સાવ મણિબેન! ચાલો આપણે ડાન્સ કરીયે." સરિતાએ બોસનો હાથ પકડ્યો.
બોસે એક નજર સરિતાના માંસલ બદન ઉપર નાખી અને એના ખભા ઉપર હાથ મુકીને કહ્યું, “ઓકે! કમ ઓન સ્વીટી!”
એક બાજુ બેસીને તમાશો જોઇ રહેલી શિવાનીએ ઊભા થઈને માધુરી અને આસ્થાને ડાન્સમાં જોડાવાનું કહ્યું. એ લોકો એક એક બીયરનો ગ્લાસ ટકટકાવી ગયેલા હતા, એમનું મગજ કોઇ અલૌકીક આનંદમાં તરબતર હતું. એ બન્ને પણ ઉભી થઇ અને જ્યાં બોસ અને સરિતા નાચી રહ્યા હતા ત્યાં જઈને ત્રણેય નાચવા લાગી.....
ક્રિષ્ના એકલી બેઠી બેઠી આ આજની, મોર્ડન કહેવાતી પ્રજાનો નાચ જોઇ રહી. એને થયું કે, જો મોર્ડન હોવું એનો મતલબ અડધું શરીર ઉગાડું રહે એવા કપડા પહેરી, દારુ ઢીંચીને નાચવું એજ હોય તો, તો હું મણીબેન બની રહેવાનું જ પસંદ કરું. અચાનક એને થયું કે, જો મમ્મીને ખબર પડે કે, એ જ્યાં પાર્ટીમાં આવી છે ત્યાં આવું બધું ચાલી રહ્યું છે તો ક્રિષ્નાથી ખખડીને હસી પડી પડાયું!
લગભગ અડધો કલાક થઈ ગયો હશે. જમવાનું ઠંડુ થઈ ગયેલું એ ફરીથી ગરમ કરીને મુકાયું. બધા લોકો નાચવામાં અને પીવામાં જ મશગુલ હતા. નશો નશાનું કામ બરોબર કરી રહ્યો હતો. બધા ઝુંમવા લાગેલા, પગ લથડવા લાગેલા. બોસ અને સરિતા એક્બીજાને ભેંટીને જાણે એકબીજાને પડતા બચાવતા હતા! અંગ્રેજી સંગીતના તાલે છોકરીઓ તાલ મિલાવવા મથતી હતી. એ બધી હવે કુદી કુદીને થાકી હતી છતાં, નાચે જતી હતી. નવ વાગી ગયા હતા. ક્રિષ્નાને હવે ભૂખ લાગેલી....પેટમાં ઊંદેડા દોડી રહેલા...
એ ઊભી થઈ અને ટેબલ પાસે આવી. વેજ વાનગીમાં પનીરની કોઇ ગ્રેવીવાળી ડીસ હતી. ક્રિષ્નાએ એ અને એક રોટલી લીધા. સાથે વધારે પ્રમાણમાં સલાડ ડીસમાં ભર્યો. શ્રીખંડ જેવી લાગતી એક વાનગીને એ જોઇ રહી હતી, એ વેજ હશે કે કેમ એમ એ વિચારી જ રહેલી કે ત્યાં ઊભેલા એક છોકરાએ જણાવ્યું,
“એ વેજ છે મેમ."
ક્રિષ્નાએ એ છોકરાનો આભાર માનીને એ વાનગીને પણ ડીસમાં સ્થાન આપ્યું. સવારનો ઉપવાસ હતો, ક્રિષ્ના બીજા બધાની પરવા કર્યા વગર આરામથી એકલી બેસીને જમી!
જમ્યાં પછી ક્રિષ્નાએ એનો ફોન પર્સમાંથી બહાર નિકાળ્યો. વોટ્સએપ પર એક નજર નાખી પછી ફેસબુક પર ક્લિક કર્યું.
ચાર નવી ફ્રેંન્ડ રીકવેસ્ટ હતી. એણે નોટીફીકેશનમાં જઈને કોણે રીકવેસ્ટ મોકલી છે એ જોયું. એક રીકવેસ્ટ એની જુની સ્કુલ સમયની દોસ્તની હતી. એણે એ સ્વીકારી. બે અજાણ્યા લોકોની હતી એને ડિલિટ કરી. હવે છેલ્લી એક રીકવેસ્ટ બચી જે મુરલી એ મોકલેલી!