દૂર આકાશ ભણી થોડીવાર તાકી રહીને, એક મનમોહક સ્મિત ચહેરા પર અનાયસ જ ઉભરી આવ્યુ હોય એમ હસીને, ક્રિષ્ના સામે એક નજર કરી પાછું આકાશ તરફ જોતા મુરલીએ બોલવાનું ચાલુ કર્યું....
“મને બરોબર યાદ છે એ દિવસે ગુરુવાર હતો. હું મારા બ્લોગ ઉપર ઊંટીના જંગલો વિષે લખી રહ્યો હતો. આ જંગલોમાં પ્રાણીયોનું પ્રમાણ સારું એવું છે. હરણ, રીંછ, હાથી અરે વાઘ પણ છે! એ લોકોની આ નાનકડી સુખી દુનિયામાં માનવનો પગપેસરો કેટલો જોખમી હોઇ શકે એ વિષે હું એક આર્ટિકલ લખતો હતો. એને માટે મારે જંગલના થોડાક ફોટો જોઇતા હતા. ખરેખરી જંગલની દુનિયા અડધી રાત પછી જ જોવા મલે! એકદમ રિઅલ વ્યુ! હું બુધવારે મોડી રાતનો મારા એક ફ્રેંડ સાથે જંગલોમાં ભટકતો હતો. ક્યારે સવાર પડી ગઈ એનો મને ખયાલ જ ન હતો. હું બસ કુદરતના સૌંદર્યને મારા કેમેરામાં કેદ કરવામાં મસ્ત હતો. મારો દોસ્ત પાછળ ક્યાંક રહી ગયેલો,” પાછું મુરલીના મુખ પર અનાયસ જ એક સ્મિત ફરકી ગયું. એણે એની નજર હવે ક્રિષ્ના તરફ ફેરવી અને ત્યાંજ ઠેરવી!
“હું એક ઝાડીમાંથી બહાર આવેલો. મારા મગજમાં હજી કયા એંગલેથી કેવો ફોટો લેવો જોઈએ એ જ રામાયણ ચાલુ હતી. ત્યાં મને કોઇ અવાજ સંભળાયો . પહેલાતો થયુ કે મારો વહેમ હશે પણ, ના એ વહેમ ન હતો. જંગલમાંથી સાચેજ કોઇના ગાવાનો અવાજ આવી રહ્યો હતો! કોઇ સ્ત્રીનો સુરીલો અવાજ હતો એ! એ ગીત, એના શબ્દો સીધા જાણે મારા કાનમાં થઈને મારા દિલમાં ઉતરી રહ્યા.....”
થોડીવાર મુરલી આંખોમીચીને ચુપ રહ્યો, જાણે એ પાછો એ જ સમયમાં પહોંચી ગયો. મનની ગતી જેટલું તેજ આ જગમાં બીજુ કંઇ નહી હોય! એક પળમાં એ કાપી નાખે જોજનોની દુરી....શું ભૂત, શું ભવિષ્ય મનને કોઇ સીમાડા ક્યાં નડે છે! એ વખતે જોયેલા નજારાને મુરલી હાલ, અહિં બેંચ પર બેઠો બેઠો જોઇ રહ્યો હતો, માણી રહ્યો હતો.
એની આંખ આગળ ખડું થયેલું કોઇ ચિત્ર જોતો હોય એમ મુરલી હવામાં જોતો બોલી રહ્યો, “સફેદ કલરના ગોઠણથી નીચે સુંધી આવતા એના વન પીસ ડ્રેસમાં એકદમ આછા ગુલાબી ગુલાબની છુટી- છવાઈ પ્રીંટ હતી. કમર આગળથી એકદમ ચૂસ્ત અને કમર નીચેથી ઘેરદાર થતા જતા એ ડ્રેસમાં, એ બાર્બી-ડૉલ જેવી લાગતી હતી. એના છૂટા વાળ હવામાં લહેરાઇ રહેલા. એક એક ઝાડને એનો મુલાયમ સ્પર્શ આપતી એ છોકરી એની મસ્તીમાં ઝુમી રહી હતી. એનુ એ ગીત, તેરા સાથ હે કિતના પ્યારા! મારું ફેવરીટ ગીત બની ગયું. મેં મારા કેમેરાનો લેન્સ એ છોકરી તરફ ગુમાવ્યો. ઝૂમ કરતા જ એ છોકરીનો ચહેરો મને સાફ સાફ દેખાયો. અને હું.....”
મુરલી પાછો અટક્યો. એની નજર હવે ક્રિષ્ના તરફ પાછી ફરી.
“મને લાગ્યું કે, જાણે મારામાં ક્યાંક, કોઇ મોટો ફેરફાર થઈ ગયો! હું મારું દિલ હારી બેઠો. બસ એક નજર એને જોઇ અને હું એના પ્રેમમાં પડી ગયો! છોકરીઓથી હંમેશા દૂર ભાગનાર મને પોતાને જાણે એવુ લાગ્યું કે, મારા મન પર કોઇ અજાણી શક્તિ કબજો લઈ રહી હોય! એ સામે ઉભેલી છોકરી, તદ્દન અજાણી છોકરી જાણે મારા માટે જ અવતરી છે, આ આખી દુનિયામાં એ જ મારી છે અને હું એનો, ફક્ત એનો છું એમ મન કહી રહ્યું.... મારી રગોમાં મારું લોહી વધારે ઝડપથી દોડતું હું મહેસુસ કરી રહ્યો. એ બધુ લોહી એ ગરમ લોહી જાણે મારા હોઠોમાં આવીને અટકી ગયુ! મને તિવ્ર ઇચ્છા થઈ આવી કે, હું એ છોકરીને મારા ગળે લગાડી લવ, એના રુપકડા ચહેરાને મારા ચુંબનોથી ભિંજવી દવ.... અને એ જ વખતે અજાણતા જ મારાથી કેમેરાનું બટન દબાઇ ગયુ. એના અવાજથી તું ચમકી હતી. તે આસપાસ જોયું હતું ને પછી તું બહારની તરફ આવેલી. મેં જિંદગીભરના સંભારણા માટે ફરીથી તારા બે ફોટો લીધેલા. તું જે જગ્યાએથી ઢોળાવ ઉતરીને નીચે આવત એ જગા થોડી ચિકણી હતી. હું એ બાજુથી જ નીચે ઉતરેલો એટલે મને ખબર હતી. મેં જોયુ કે તું ઝડપથી એ લીસી ચિકણી સપાટી વટાવી રહી છે એટલે તને સાવચેત કરવા હું તારી તરફ આગળ વધેલો. ત્યાંતો તારો પગ લપસ્યો. મેં મદદ માટે હાથ આગળ ધર્યો તો, મેડમ મોંઢું મચકોડીને ચાલ્યા ગયા!” મુરલી પાછો હસી પડ્યો.
“મને થયુ કે, જે કંઇ થયુ એને એક હસીન ખ્વાબ માનીને ભુલી જવામાં જ સાર છે.... આમ રસ્તા પર મળેલી એક અજાણી છોકરી ફરી કદી જોવાય મળશે કે કેમ કોને ખબર? હું તને એક ખુબસુરત યાદ ગણીને ભુલી જવા માંગતો હતો પણ, મારી તકદીરમાં નિયતિએ કંઈક જુદુ જ લખ્યુ હશે! તું એ જ દિવસે વારંવાર મારી સામે આવતી રહી. તું તારા મમ્મી પપ્પા સાથે ફરી રહેલી અને હું ત્યાંની ખ્યાતનામ જગાઓના ફોટા લેતો હતો. મારી સાથે મારો મિત્ર પણ હતો. હું બીજુ તો કંઇ કરી શકું એમ હતો નહી એટલે બસ તારા ફોટો લેતો રહ્યો....”
“થોડી પૈસાની કડકી હતી. અહિંના એક ન્યુજ પેપેરવાળાને છેલા પાને કોઇક રમુજી કાર્ટુન મુકવાની ઇચ્છા હતી. એના છાપામાં મારી એક કોલમ દર અઠવાડીયે છપાય છે, એણે મને આ વાત કરી. મને થયુ કે ટ્રાય કરી જોવું. ઘણું વિચારી જોયેલુ પણ કંઇ સુજેલુ નહી. ઊંટીથી પાછા આવીને હું મારા ખેંચેલા ફોટો જોતો હતો ત્યારે તારા ફોટા પર મારી નજર ગઈ. દરેકે દરેક ફોટામાં તું જુદી લાગતી હતી. તારા ચહેરા પર દર વખતે કંઇક નવીન ભાવ મને દેખાયા, એ ભાવ મને વંચાયા....મે એક પેંસિલ ઉઠાવી અને તારું સ્કેચ રેડી કર્યું. જે મને એ વખતે લાગ્યું એવું મેં લખ્યું ને એ લખાણ છાપાવાળાને બતાવ્યું. એને એ કોન્સેપ્ટ ખુબ ગમ્યો ને એણે એ છાપ્યો! !!”
મુરલીએ હવે બોલવાનું બંધ કર્યુ. ક્યારનીયે ચુપચાપ બધું સાંભળી રહેલી ક્રિષ્નાને થયુ કે એણે કંઇક કહેવું જોઇએ પણ, શું આડકતરી રીતે આ સાવ અજાણ્યો માણસ એને એ પોતાને પ્રેમ કરે છે એમ જણાવી રહ્યો હતો! ક્રિષ્નાને પોતાને એક વાતનું આશ્ચર્ય થઈ રહ્યું કે એને મુરલી પર જરાય ગુસ્સો નહતો આવી રહ્યો..! કેમ? કદાચ એણે નિખાલસપણે બધી કબુલાત કરી લીધી એટલે! ક્રિષ્નાના મને જ એને જેવો આવડ્યો એવો ઉત્તર આપ્યો. થોડુંક વિચારીને ક્રિષ્નાએ કહ્યુ,
“મારા કાર્ટુન બનાવીને તને ફાયદો થયો તો ઠીક છે, ચાલ એ વાતે તને માફ કર્યો. આમેય હવે દોસ્તી કરી છે તો નીભાવી તો પડશે જ ને!”
“મારી આખી વાત સાંભળીને પણ તું આમ જવાબ આપીશ? ચાલ એમ ના સમજે તો તને ચોખું કહી દવ. આઇ લવ યુ! તને જોઇ એ ઘડીથી હું ફક્ત અને ફક્ત તને જ ઝંખુ છું! તારા સિવાય હવે આ દિલને કોઇ બીજુ ગમશે નહીં. હું...હું જીવનભર તારી સાથે રહેવા માંગુ છું.... હું તારી સાથે,”
“અરે! બસ કર યાર! હદ થાય છે હવે!” ક્રિષ્નાએ એની જગાએથી ઉભા થઈ જતા કહ્યુ, “ના જાન, ના પહેચાન મેં તેરા મહેમાન જેવી વાત ના કર! તું મને પ્રેમ કરતો હોય એટલે, કંઇ હું પણ તને જ ચાહતી હોઉં એ જરુરી તો નથી ને? અને આમેય મારા લગ્ન નક્કી થઈ ગયા છે!” ક્રિષ્નાએ ગંભીર થઈને કહ્યું.
“લગ્ન નક્કિ જ થયા છેને થઈ તો નથી ગયા...તું ના પાડી દેજે!”
“તું ખરેખર પાગલ છે કે ખાલી એવી એક્ટિંગ કરે છે?” ક્રિષ્ના હવે થોડી ચિઢાઇ.
“પાગલ હું નથી પાગલ તું છે!”
“એક્ષ્ક્યુજ મી! તને કંઇ ભાન છે તું શું બોલી રહ્યો છે?”
“હા હું પુરા ભાનમાં જ છું ભાન તો તને નથી. તું હાથે કરીને એક એવા છોકરા સાથે લગ્ન કરી રહી છે જેને તું જરાય પ્રેમ નથી કરતી! અને યાદ રાખજે કદી એને પ્રેમ કરી પણ નહીં શકે!”
“અચ્છા અને તને આવું કેમ કરીને લાગયું તું કોઇ જ્યોતીશ છે?”
“એના માટે છે....ને થોડી કોમન સેન્સ નામની વસ્તું જોઇએ, જે તારામાં જરાય નથી! અને ખરેખર તો દુનિયાની નેવું ટકા સ્ત્રીઓમાં હોતી જ નથી! સારું ઘર જોયું કે લગ્ન માટે તૈયાર! છોકરાને સારી નોકરી મળી કે લગ્ન માટે તૈયાર! કોઇ કોઇ વળી જરીક કોઇ હીરોને મળતો આવતો હોય તો, તરત લગ્ન માટે રેડી! યુ.એસ. ના વિઝા મળ્યા તો ઘડીયા લગ્ન! બસ આમ જ નક્કિ કરશે એનો જીવનસાથી અને પછી લગ્નના બીજે મહીને અરે ઘણા કિસ્સામાંતો બીજે દિવસે જ જગડવાનું ચાલું....આખી જિંદગી પુરી થઈ જાયને તોય પેલા બિચારાને ખબર ના પડે કે પેલી કેમ એની સાથે ઝગડ્યા કરે છે!”
“તું હવે બકવાસ કરી રહ્યો છે હોં! છોકરી સાથે કોઇ આવી રીતે વાત કરતું હશે હાલ તો બઉ પ્રેમની વાતો ચાલતી હતી ને જેવું મેં કહ્યું કે મારા લગ્ન બીજે થવાના છે એટલે સાહેબને મરચા લાગયા, કેમ?" ક્રિષ્ના હવે ખિજવાઇ હતી.
“છોકરી સાથે આ રીતે વાત થાય? એટલે શું, હેં? તને બકા બકા કરીને ફોંસલાવીને વાત કરું? તું શું હજી દસ વરસની નાની કીકલી છે તે તને બેબી બેબી કહું! છોકરી છે...ને એટલે જ આમ દુર બેસીને વાત કરુ છું, જો છોકરો હોત અને સમજ્યા વગર મગજનું દહી કરતો હોત તો ક્યારનાય બે ચાર મુક્કા જડી દીધા હોત તારા થોબડા પર!”
“ઓ માય ગોડ! તું એક બદ્તમીજ માણસ છે, સારા ઘરની કોઇ છોકરી તારી સાથે લગ્ન તો શું કરે બે ઘડી ઉભીયે ના રહે!”
“તે ચાલવા માંડોને, કોના માટે ઉભા છો?” મુરલીએ ક્રિષ્નાને નીચે જવાના પગથિયા તરફ હાથ કરતા કહ્યું.
“એ જ કરવું પડશે” ક્રિષ્ના ગુસ્સાથી પગથિયા ઉતરવા લાગી.
એની પાછળ મુરલી પણ ચાલ્યો. “જુઓ...કોઇ અજાણી જગા પર મેડમ એકલા નીકળી પડ્યા. રસ્તામાં કોઇ એમના કાકાશ્રી એમને ઉઠાવી જાય તો દુનિયા તો મને જ પૂછવાનીને.... ”
ક્રિષ્ના કંઇ જવાબ આપ્યા વીના નીચે ઉતરી ગઈ. નીચે રિક્ષાવાળો ત્યાંજ ઉભો હતો. ક્રિષ્ના એમાં બેસી ગઈ ને કહ્યું,
“ચલો. જહાં સે આયે થે વહીં.”
રિક્ષાવાળો ઉભો રહ્યો. એ મુરલીની રાહ જોતો હતો. એ પણ આવી ગયો ફુલવાળાને એની છાબડી પાછી સોંપીને. એ રિક્ષામાં બેસવા જતો હતો કે, ક્રિષ્ના નીચે ઉતરવા ગઈ.
“હવે શું થયુ?”
“મારે તારી સાથે નથી બેસવું!”
“જો ઝઘડો થાય એનો મતલબ એમ નહિં કે દોસ્તી પુરી! આવું તો ચાલ્યા કરવાનું." મુરલી રિક્ષામાં અંદર ગયો ક્રિષ્નાએ કમને પાછળ ખસવું પડ્યું.
મુરલીએ જોયુ કે ક્રિષ્નાનું મોંઢુ ફુલેલું હતું. એના મોં પર એક સ્મિત આવી ગયું.
“થોડું વધારે બોલાઇ ગયુ, નહી?” મુરલીએ મમરો મુક્યો.
“ઓકે યાર, આઇ એમ સોરી! હવે માફ કરી દે!”
ક્રિષ્ના ચુપ જ રહી.
“જો તું છે...ને તારા બોસની પરમીશન લીધા વગર ઓફિસ ટાઇમમાં મારી સાથે ફરી રહી છે....તારે મારી મદદની જરુર પડશેે!”
ક્રિષ્નાને અચાનક પોતાની ભુલ સમજાઇ. બોસને જાણ કરવાનું કેમ કરીને ભુલાઇ ગયું? સાથે સાથે મુરલીએ જ આ નવી મુસિબત નોતરી છે એમ પણ લાગયુ! એને મુરલી પર વધારે ગુસ્સો આવ્યો.....
ઓફિસની ઇમારત આગળ આવીને ઓટૉરીક્ષા અટકી. પહેલા મુરલી નીચે ઉતર્યો પછી ક્રિષ્ના ઉતરી. ક્રિષ્ના આગળ વધવા જતી હતી કે, મુરલીએ એને રોકી.
“ક્રિષ્ના આ પ્રસાદ...”
ક્રિષ્ના ઊભી રહી. હજી એનું મોં ફુલેલું હતું. એણે પ્રસાદ લેવા હાથ લંબાવ્યો. મુરલીએ સાકરનું પેકેટ ક્રિષ્ના તરફ લંબાવ્યુ. ક્રિષ્ના એને લેવા જ જતી હતી કે, મુરલીએ એને થોડુંક પાછું ખેંચી લીધું....
“આમાંથી અડધું મારું છે!" એbજ મનમોહક સ્મિત સાથે મુરલીએ કહ્યું. મુરલીએ જાણે આજે ક્રિષ્નાને તંગ કરવાનું જ નક્કી કરેલું.
“તો તું જ રાખીલે!" ક્રિષ્ના કોઇ વાત કરવાના મૂડમાં ન હતી. એ આગળ ચાલવા ગઈ ત્યાંજ મુરલી એની આગળ આવીને ઊભો રહી ગયો.
“કેવી રીતે રાખી લવઅડધું તારુંય છે!” મુરલી હસી પડ્યો.
“તું કંઇ સલમાનખાન નથી એના ડાયલોગ મારવાનું બંધ કર!” મુરલીને હસતો જોઇ ક્રિષ્ના વધારે ગિન્નાઇ.
“તે તુંયે ક્યાં કરીનાકપૂર છે?”મુરલીએ સાકરનું પડીકું ક્રિષ્નાના હાથમાં પકડાવ્યું અને જાણે સ્વગત બબડતો હોય એમ બોલ્યો, “શી'સ સો બ્યુટિફુલ! સો હૉટ!”
“લુચ્ચો એક નંબરનો!” ક્રિષ્ના ફટાફટ એની ઓફિસમાં ભાગી.
ક્રિષ્ના ઓફિસમાં દાખલ થઈ. ત્યાં શું ચાલી રહ્યું હશે?બોસને ક્રિષ્ના બહાર ગઈ છે એમ, કોઇએ કહ્યું નહી હોય તો એમને હજી ખબર નહીં હોય... હે ભગવાન બસ, આજે બચાવી લેજે પછી કદી આવું નહીં કરું! આવું બધું મનમાં વિચારતી ક્રિષ્ના એમની ઑફિસમાં પ્રવેશી ત્યારે એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ! ત્યાં કોઇ ન હતું!