ચાર નવી ફ્રેંન્ડ રીકવેસ્ટ હતી. એણે નોટીફીકેશનમાં જઈને કોણે રીકવેસ્ટ મોકલી છે એ જોયું. એક રીકવેસ્ટ એની જુની સ્કુલ સમયની દોસ્તની હતી. એણે એ સ્વીકારી. બે અજાણ્યા લોકોની હતી એને ડિલિટ કરી. હવે છેલ્લી એક રીકવેસ્ટ બચી જે મુરલી એ મોકલેલી!
ક્રિષ્નાના હોઠો પર અનાયસ જ સ્મિત આવી ગયું. સવારે એને મુરલી પર ગુસ્સો આવેલો કદાચ, હજી હતો! પણ, હવે એનું મન બીજી દિશામાં વિચારી રહ્યું હતુ. એના બોસે એની સાથે જે વર્તન જે કર્યું એની, એના મન પર ઊંડી છાપ પડી હતી. એને થયું કે, બોસ જેવા સફેદ લિબાસમાં હેઠળ છૂપાયેલા હલકટ માણસ કરતા, મુરલી જેવો યુવાન લાખ દરજે સારો! એ એની સાથે પોતે એકલી હતી છતાં, એણે એક પળ માટે પણ પોતાની જાતને એની સાથે અસુરક્ષીત મહેસુસ નહોતી કરી. હા એની વાત કરવાની રીત બરોબર નહતી! એને જે કહેવું હતુ એ, એણે જરાય વિચાર્યા વીના ચોખેચોખ્ખું બસ, કહી જ નાખ્યું! ક્રિષ્ના હસી પડી. એની સાથે દોસ્તી ફાવશે! એનું મન કહી રહ્યું હતું અને એણે રીકવેસ્ટ સ્વીકારી!
તરત જ મુરલીનો મેસેજ આવ્યો,
“થેંન્ક યુ, સ્વીટ હાર્ટ!”
ક્રિષ્નાએ સામે મેસેજ ટાઇપ કર્યો, “લે, ફોન હાથમાં લઈનેજ બેઠેલો?”
“શું કરું બકા! મારો પગ હજી મોબાઇલ પકડતા શીખ્યો નથી ???” મુલીનો સામો જવાબ આવ્યો.
“જો તારે આમ જ વાત કરવી હોયને તો હું તને અનફ્રેંન્ડ કરવાનું પસંદ કરીશ." ક્રિષ્નાને જરાક ગુસ્સો આવી ગયો.
“અચ્છા એટલે હું કેમ વાત કરું તો, તું મને પસંદ કરવાનું પસંદ કરીશ વિલ યુ પ્લીઝ એક્ષપ્લેઇન ઇટ?" મુરલીને ક્રિષ્નાને ચિદાવવાની મજ આવતી હતી.
“તું પાગલ છે સાફ સાફ તને કહ્યું કે, મેં મારો વર શોધી લીધો છે છતાં, એક વસ્તુ તું સમજતો કેમ નથી?”
સામેથી કોઇ જવાબ ના આવ્યો. ત્રીસેક સેકંડ જ પસાર થઈ હતી પણ, ક્રિષ્નાને એ બહું લાંબી લાગી. એણે ફરીથી ટાઇપ કર્યું.
“કેમ ચૂપ થઈ ગયો ખોટું લાગયું?”
“ના. જરાય નહીં. એમ હાર માની લેવાનું મને ના પોશાય! મને ગમ્યું!”
“શું ગમ્યું?”
“તારું મારી ફીકર કરવાનું!”
“તો રીપ્લાય કેમ ના કર્યો?”
“નિયતિને થોડી ખરીખોટી સંભળાવતો હતો. એણે જો થોડો વખત પહેલા તને મારી લાઇફમાં મોકલી દીધી હોત તો એનું શું લૂટાઇ જાત?”
“કેટલો સમય પહેલા? હું અને પાર્થ તો બાલમંદીરમાંય સાથે ભણતાતા!” ક્રિષ્નાના ચહેરા પર પાછું રમતિયાળ સ્મિત છવાયું.
“અચ્છા! મતલબ એનું નામ પાર્થ છે અને એ તારો બાળપણનો દોસ્ત છે!”
“હા...પાક્કો દોસ્ત.”
“તો એ દોસ્તને દોસ્ત જ રહેવા દે ને, લગ્ન મારી સાથે કરીલે! કોઇ પ્રોબ્લેમ જ નહિં થાય! આમેય પાર્થ ક્રિષ્નાનો દોસ્ત હતો, તું પણ પાર્થને દોસ્ત જ બનાવી રાખ.”
“હા...હા...ક્રુષ્ણજી પાર્થમાટે થઈને સારથી પણ બન્યા હતા. આ ક્રિષ્નાય પાર્થના જિવનરથની સારથી બનશે!”
“એ એમની મરજી ન હતી. યુધ્ધમાં એમણે જોડાવું પડેલું પણ, ક્યારે? એ યુધ્ધ રોકવાના એમના બધા પ્રયત્નો વ્યર્થ ગયા ત્યારે! એટલે જ તો એમણે હથીયાર હાથમાં ના લીધા, નહિંતર કુરુક્ષેત્રનું યુધ્ધ એક પળમાં જ પતી જાત.”
“અચ્છા તો મુરલીને ક્રુષ્ણજીની આવી બધી વાતોનીયે ખબર છે!”
“મુરલી ક્રિષ્ના વીષે નહીં જાણે તો કોણ જાણશે?. એમના દિલમાં ભરેલી હર એક વેદના સુખની હોય કે દુખની એમના હોઠોમાંથી સીધી મુરલીમાં વહીને તો નીકળી છે બહાર, એક સુંદર ધૂન રૂપે! આ યુગમાં ક્રિષ્નાને ધર્મયુધ્ધ લડવા નથી જવાનું એણે બસ પ્રેમની એક અલૌકિક ધૂન છેડવાની છે! આજનું જગત એને પાછો વૃંદાવન બોલાવે છે, લોકોને પ્રેમના પાઠ ભણાવવા! અને એમાં એને મુરલી વગર કેમનું ફાવશે?”
“બાપરે કેટલુ લાંબુ લખે છે તું!”
“એ તો ઠીક છે, તું એ જો કે, તું કેટલા રસપૂર્વક એટલું વાંચે છે!”
અચાનક ક્રિષ્નાને થયું કે, છેલ્લે ક્યારે એણે પાર્થ સાથે આટલી લાંબી વાત કરેલી?
“ચાલ મૂકું છું. એ તો તું ગુજરતીમાં વાત કરે છે ને એટલે!” ક્રિષ્નાને જે સુજ્યું એ બહાનું લખ્યું.
“જુઠ્ઠી એક નંબરની!”
ક્રિષ્નાને ખરેખર નવાઇ લાગી. મુરલીને કઈ રીતે ખબર પડી ગઈ કે એ ખોટું બોલી રહી છે? એનું દિલ જાણે એક ધબકારો ચૂકી ગયું. એણે ફોન બંધ કરી દીધો. થોડીવાર પછી એણે ફરીથી ફોન ઓન કર્યો ત્યારે મુરલીએ એક કવિતા મોકલી હતી,
“સપના નહી તો મને તારો બસ ખ્યાલ આપજે,
તારામાં લીન થઇ શકું એવી યાદ આપજે,
અનેક યુગો હું જીવી લઇશ, તારા વગર!
ફકત જીવનમાં એક વાર તું મુલાકાત આપજે,
મારી આ મુલાકાતને ચાહે તો મુશીબત કહેજે,
પણ જો જીન્દગીમાં કોઇકવાર મારી તને,
યાદ આવી રડાવી જાય તો તેને,
મુરલીની મુહોબ્બત કહેજે!”
મુરલીએ છેલ્લે લખેલું, “ચિંન્તા ના કર હું તને રડવા નહીં દઉં, આઇ પ્રોમીસ!”
ક્રિષ્નાએ ફોન પાછો બંધ કરીને પર્સમાં મુકી દીધો. પાર્ટી કેટલા વાગે પુરી થશે એનું કોઇ ઠેકાણું ન હતું. એને પાછા જવાનો રસ્તો યાદ હતો. એ જગા અહીંથી ખાસ દૂર ન હતી. ક્રિષ્નાએ એની રૂમ પર ચાલ્યા જવાનું વિચાર્યું અને પગ ઉપાડ્યા.
એ બોસના બંગલાની બહાર આવી. અહીં લાઇનસર ખુબ સુંદર સુંદર બંગલા હતા. બધા વૈભવી ઘર વટાવીને એને નાકની ડાંડીએ ચાલ્યા જવાનું હતુ. આગળ રોડ આવી જાય એટલે એ ક્રોસ કર્યા બાદ થોડેક જ આગળ એ જ્યાં રહેતી હતી એ ઇમારત હતી.
વાતાવરણમાં અચાનક થોડો પલટો આવેલો. ઠંડો પવન ચાલુ થયેલો. આકાશમાં થોડી થોડીવારે વીજળી ચમકી જતી હતી. ક્રિષ્ના આમતો બહાદુર હતી. અંધારુ કે વીજળી જોઇને ડરી જાય એમાની એ નહતી. એક હાથ વડે ફ્રોકના ઘેરને ચપટીમાં પકડી, એને થોડુંક ઉપર ઉઠાવી એ સડસડાટ ચાલે જતી હતી. ચારે બાજુ નિરવ શાંતિ હતી. એ શાંતિનો ભંગ કરતો ક્રિષ્નાના જુતાનો “ટક...ટક...” અવાજ એની સાથે જ આગળ ચાલે જતો હતો. એ અવાજે એક નાના ગલુડીયાની સરસ ઊંઘમાં વિક્ષેપ પાડ્યો અને એ જાગી ગયું! એ જેવું જાગ્યું એવી એની નજર અંધારામાં આગળ ચાલે જતી ક્રિષ્ના પર પડી. પાછળથી એના ઘેરદાર ફ્રોકનો આકાર એ ગલુડીયાને વિષ્મયજનક લાગ્યો હશે કે, કદાચ અંધારાને લીધે. એણે ક્રિષ્નાનો પીછો કર્યો. એ ગલુડીયું એક મવાલીની જેમ ક્રિષ્નાની પાછળ પાછળ ચાલ્યું જતુ હતું.
ચાલતા ચાલતા વિચાર આવેલો કે, આજે એક જ દિવસમાં નિયતિએ એના જીવનમાં કેટકેટલી આકસ્મીક ઘટનાઓ લખેલી. રોજની એકધારી જિંન્દગીમાં આજનો દિવસ કંઇક જુદો જ ઊગેલો! એને મનોમન થયું કે, ચાલો આજનો દિવસ પૂરો થઈ ગયો હવે ઘરે જઈને સુઇ જ જઈશ. એને શું ખબર નિયતિ એ એના ભાગ્યમાં કેવી કેવી રમત રમી છે!
ક્રિષ્નાને લાગ્યું જાણે કોઇ એનો પીંછો કરી રહ્યું હોય! એણે પાછળ સહેજ ડોકુ ઘુમાવ્યું. એની નજરે પેલું નાનું ગલુડીયું ચડ્યું. આમ તો એ બહું ક્યુટ હતુ પણ, ક્રિષ્નાને એ જરાયે ના ગમ્યું. એ કુતરાથી ડરતી હતી...! એણે એકવાર ઊભા રહીને એને ભગાડવાની કોશિશમાં “શૂઊ....શૂઊ....” કર્યુ.
એ ગલુડીયું ભાગ્યું તો નહિ પણ એની વધારે નજીક જઈને ભસવા લાગ્યું. હવે ક્રિષ્નાની હિંમત ટૂટી ગઈ. એ થોડી ઝડપથી આગળ દોડી... પેલાએ પણ એની ઝડપ વધારી... ક્રિષ્નાની એ ખુબ નજીક પહોચી ગયું હતું. ક્રિષ્ના હવે ગભરાઈ ગઈ હતી. એણે થોડા ડર અને થોડી ગભરાહટમાં એ ગલુડીયાને આંતરીને બેઉ હાથે ફ્રોક ગોઢણ સુંધી ઉપર ઉઠાવી એની આખી જિંદગીમાં નહીં ભાગી હોય એટલી ઝડપે ભાગી... એને જવાનું હતુ એની વિરુદ્ધ દિશામાં!
ચારેક મિનિટ સતત દોડ્યા બાદ ક્રિષ્ના થાકી હતી. હવે વધારે નહિં દોડી શકાય એમ એ વિચારી રહી. એના પોતાના જ પગલા એને હવે ભારે લાગી રહ્યાં હતા. એનુ દિલ એટલું જોરથી ઉછળી રહ્યુ હતું, એટલી તેઝ ગતીએ ધબકી રહ્યું હતુ કે, જાણે હમણા એના શરીરમાંથી છૂટું પડી જશે. એણે ભાગતાં ભાગતાં જ પાછળ નજર કરી.
જાણે ઓલમ્પીકની રેસમાં ભાગ લીધો હોય એમ એ બદમાશ ગલુડીયું ક્રિષ્નાની પાછળને પાછળ જ દોડી રહ્યું હતું. એ જરાય હાર માનવાના મૂડમાં ન હતું. બન્નેની વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું હતું.....!!
પવન જોર જોરથી ફૂંકાતો હતો. આકાશમાં થતો વીજળીનો ચમકારો એક બે ઘડી માટે આખા રસ્તે અજવાળું પાથરી જતો હતો અને ત્યારબાદ કાન ફાડી નાંખે એવો વીજળીનો અવાજ આવતો. એ વીજળીના ચમકારામાં જ ક્રિષ્નાની નજર એક મોટા દરવાજા પર પડી.
એક બંગલાનો મોટો લગભગ સાતેક ફૂટ ઊંચો અને એટલોજ પહોળો, કળા રંગનો, લોખંડનો દરવાજો પવનથી અંદર બહાર હલી રહ્યો હતો. ક્રિષ્નાની નજર એના પર ગઈ. દરવાજો ખુલ્લો હતો. એણે બે હાથે જોરથી ધક્કો મારીને એ દરવાજાને વધારે ખોલ્યો અને અંદર જઈને દરવાજો બંધ કરી દીધો.
બરોબર આજ વખતે પેલું ગલુડીયું પણ દરવાજાની લગોલગ આવી ગયું હતું. પવનથી ક્રિષ્નાનો ગળે વિંટાળેલો સ્કાર્ફ ખુલી ગયેલો. એનો એક છેડો એના ખભા પરથી પાછળની બાજુએ લહેરાઇ રહ્યો હતો. પેલા નિર્લજ્જ ગલુડીયાએ એ રગવાયા થઈને એ સ્કાર્ફનો છેડો એના નાનકડા મોઢામાં પકડી લીધો.
“છોડ...છોડ...” ક્રિષ્નાએ દરવાજાની બીજી બાજુમાંથી એ સ્કાર્ફ ખેંચતા બૂમ પાડી પણ એ ગલુડીયુંય જબરું હતું. ભસવાનું બંધ કરીને એ, એ રેશમી સ્કાર્ફ ચાવવાં લાગેલું.
“લે. લઈજા ભૂખડા!”
ક્રિષ્નાને સ્કાર્ફ છોડી દીધો. એ થોડીવાર ત્યાં જ ઉભી રહી. રખેને પેલુ ગલુડીયું જો સ્કાર્ફ લઈને જતું રહે તો એ બહાર નીકળી શકે.... પણ પેલાએ ત્યાં જ બેઠક જમાવી. એય થાક્યું હતું. એ દરવાજાની બહાર બેસીને સ્કાર્ફ ચાવી રહ્યું...