નિયતિ - 1 Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - 1

નિયતિ 

ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!


પ્રસ્તાવના:
એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આવે, કોઈક અજાણ્યાં માણસ સાથે ઠરીઠામ થવાની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે, પછી એવો જે એને પોતાને ફૂલની જેમ ખીલવાની મોકળાશ આપે? એક એવો લાઈફ પાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે, પછી એવો જે એના સપનાને સાચોસાચ એની દુનિયામાં લાવી એને હકીકતમાં ફેરવી નાખે!  કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશી ખુશી વિતાવવાનું પસંદ કરે કે, કોઈ એવી વ્યક્તિ જેની સાથે વિતાવેલી એક પળ પણ એક યુગ જીવ્યા કરતાં વહાલી લાગે?
 તમે ક્યારેય વિચાર્યું છે એક એવા માણસ વિષે જેને તમે ક્યારેય જોયો નથી છતાં એ તમારો હોય! તમારો પોતીકો, તમારો માનીતો! જેની સાથે તમે હાથમાં હાથ આપીને વાદળો પર ઉડ્યા હોય, ફૂલોની ગલીઓની સફર ખેડી હોય, ચાંદ પર પીકનીક ઉજવી હોય અને... જેની સાથે બહુ બધાં, બહુ જ બધાં સપના જોયા હોય, સાવ ગાંડા જેવા વિચિત્ર સપનાઓ જોયા હોય એ તમારા વિચારોનો પુરુષ તમારી સમક્ષ આવીને ઉભો રહી જાય તો?તમારા ખ્વાબોની દુનિયાને તમે હકીકત રૂપે ઉભરતી જોઈ શકો ખરા?
એક એવો દોસ્ત જે હરપળ તમારી સાથે હોય, તમારી મદદ કરવા તૈયાર હોય, તત્ત્પર હોય અને એ જ દોસ્ત એક દિવસ અચાનક આવીને તમને કહી દે કે એ તમને ખુબ ચાહે છે! તમને સાચો પ્રેમ કરે છે ત્યારે? જેણે આજ સુંધી તમારા સિવાય બીજી કોઈ સ્ત્રી વિષે વિચાર્યું પણ નથી, જે હંમેશા બસ તમને જ પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો હોય અને તમને પોતાને પણ એ વિષે ખબર હોય ત્યારે? એક સારો દોસ્ત સારો જીવનસાથી બની શકે? દોસ્તી એ પ્રેમનું પહેલું પગથીયું છે એવું ઘણા લોકો કહે છે, માને છે એ સાચું છે? હું એવું નથી માનતી. દોસ્તી તો ઘણાં બધાં સાથે થઇ જાય, પણ પ્રેમ એક જ વાર થાય! 
વિચારમાં પડી ગયાને..?આવાજ સવાલોનો જવાબ શોધવાની નિયતિની એક કોશિશ એટલે મારી આ નવલકથા, “નિયતિ”! અહીં મારી નાયિકા ક્રિષ્ના દ્વિધામાં છે જીવનસાથી તરીકે કોને પસંદ કરવો, એના બાળપણના દોસ્ત પાર્થને કે અચાનક આવીને એના દિલના તાર છેડી જનારા એના પ્રેમી મુરલીને?
દોસ્ત અને પ્રેમી વચ્ચે અટવાતી ક્રિષ્ના સાથે જાણે બરોબર મજાકના મુડમાં હોય એમ નિયતિ પણ એક પછી એક એવા સંજોગ ઊભા કરે જાય છે કે ક્રિષ્નાની મુસીબત ઘટવાને બદલે વધતી જ જાય...! 
છેવટે ક્રિષ્ના કોના ઉપર પોતાની પસંગીનો કળશ ઢોળી એને પોતાના જીવનસાથીના રૂપમાં પસંદ કરે છે અને શા માટે એતો આ નવલકથા વાંચશો ત્યારે જ સમજાશે...
તો ચાલો મારી સાથે પ્રેમ નામના પ્રેદેશમાં થોડું ડૂબીને, થોડું તરીને ફરી આવીએ! તમને મજા આવશે!
નિયતી કાપડિયા.


પ્રકરણ ૧ 

“તેરા સાથ હૈ કિતના પ્યારા.... 
તેરા સાથ હૈ કિતના પ્યારા, કમ લગતા હૈ જિવન સારા, 
 તેરે મિલન કી લગન સે,
 હમે આ...ના પડેગા, દુનિયા મેં દુબારા 
 હમે આ...ના પડેગા, દુનિયા...મેં દુબારા...”
પોતાની જ મસ્તીમાં મસ્ત બનીને ગાઇ રહેલી ક્રિષ્ના અચાનક કં​ઈક અવાજ આવતા અટકી. શેનો અવાજ હતો એ કોઇ જંગલી પ્રાણી , સાપ...ક્રિષ્ના થોડી ડરી ગ​ઈ!  એણે આજુ બાજુ નજર દોડાવી, ત્યાંજ એને ફરીથી, પહેલા ના જેવોજ અવાજ સંભળાયો....એ કેમેરાનો અવાજ હતો!  ડરનું સ્થાન હ​વે અણગમાં એ લીધુ!  કોઇકે એનો ફોટો ક્લિક કર્યો કે, પછી એને એવો ભ્રમ થયો!  
ચારે બાજુ લહેરાઇ રહેલી, ઊંચી દેવદાર અને ગુલમહોરની ઘટાટોપ ઝાડીમાંથી ક્રિષ્ના જરાક ઉતાવળે બહાર આવી. ઊંટીની પહાડી ચડતા વચ્ચે આવતા ત્રિભેંટે, એક નાનકડા ચા- નાસ્તાના ખુમચા આગળ એની ગાડી પાર્ક કરીને, રોડની એકબાજુએ આવેલા જંગલ તરફ એ એકલી ગ​ઈ હતી. એ ઊભી હતી એ જગા રોડ કરતા ત્રણેક ફૂટ ઊંચાઇ પર હતી. નીચેની જમીન થોડી ચિકણી થયેલી, કદાચ વરસાદના જીણા જીણા ફોરાને કારણે. ઉતાવળે નીચે ઉતર​વા જતા એનો એક પગ જરાક લપસ્યો...!
“ટેક કેર (સાચ​વીને )...”
રોડ પર ઊભેલા એક યુવાને ઝડપથી નજીક આવીને ક્રિષ્ના તરફ એનો હાથ લંબાવ્યો.
ક્રિષ્નાએ પેલાની મદદ વગર સમતોલન મેળ​વી લીધેલું, એ પડી નહી... એની નજર પળ વાર માટે સામેના યુવક તરફ ગ​ઈ, સહેજ શ્યામ કે, કાળો જ કહી શકાય એટલો ઘાટો એની ચામડીનો રંગ હતો, કાળા ભમ્મર વાંકડીયા વાળ પહેલી નજરે જ એ સાઉથ ઇન્ડિયન હશે એવી છાપ ક્રિષ્ના ના મનમાં છોડી ગ​ઈ. એના ગળામાં લટકતા કેમેરા પર ક્રિષ્નાની નજર જતાજ એના હોઠ અનાયસ જ ડાબી બાજુ થોડા વધારે ખેંચાઇ ગયા. 
કોઇ એને પુછ્યા વગર એનો ફોટો લે એનો જે અણગમો અત્યાર સુંધી એના મગજમાં હતો એ, હવે ચહેરા પર જળકી આવ્યો!  
ક્રિષ્ના ગુજ્જુ છોકરી હતી, એ પેલાને ગુજરાતીમાં કંઈ કહે તોય પેલાને કંઇ ખબર પડ​વાની ન હતી. એટલે, એણે ફક્ત મોંઢું મચકોડીને સંતોષ માન્યો! 
પેલા યુવકે એનો મદદ માટે લંબાવેલો હાથ ઉપર એના માથા તરફ લ​ઈ જ​ઈને એના વાળના ગુચ્છામાં ફેર​વ્યો ને હસીને બોલ્યો, “વેલકમ!  ”
“હુંહ...ચાંપલો કંઇનો!” થોડુંક મોટેથી બબડીને ક્રિષ્ના રોડની બીજી બાજુ એ ઉભેલા એના માબાપ પાસે આવી ગ​ઈ. એ લોકો ત્યાં ચાવાળા પાસે ચા પીવા ઊભા હતા.
“ક્યાં ચાલી ગયેલી, ક્રિશુ?” ક્રિષ્નાની મમ્મીએ કહ્યું, “અજાણી જગાએ આમ એકલા જ​વાતુ હોય ત્યાં જંગલી ઝાડીમાં કોઇ સાપ બાપ કરડી જાય તો, કંઈ ખબર પડે છે કે નહી!”
“બહુ દૂર ક્યાં ગ​ઈ’તી અહિં સામે જ તો હતી. જોને આ જંગલ કેટલું... મસ્ત છે!  ઊંટીની ખરી મજા તો આ જંગલોમાં છે, ગાર્ડનમાં તો નરી ભીડ હોય છે.”
“મારી દીકરી સાચુ કહે છે, તું હ​વે એને બોલ નહિં!” ક્રિષ્નાના પપ્પાએ ચાનો કપ એની તરફ લંબાવ્યો, “કુદરતી સૌંદર્ય આગળ માન​વ નિર્મિત બાગબગિચાનું કંઇ ના ઉપજે!  બેટા તું પાર્થ સાથે આવેને આ બાજુ એટલે નિરાંતે ફરજે આખા જંગલમાં, મારે તો આ ઢિંચણનો દુ:ખાવો... માથાનો દુ:ખાવો બની બેઠો છે!” એમણે એમના ઢીંચણને પંપાળતા કહ્યું. 
“પાર્થ સાથે..? એય તે જંગલમાં?” ક્રિષ્ના ખડખડાટ હસી પડી, “એ તો આમ રોડ વચે મને ઊભીયે ના રેવાદે!  કહેશે, જાનુ સંભાળજે!  જોજે બસ આવી જશે! જો લપસી પડીશ! ચાલને તને મસ્ત હોટેલમાં ફર્સ્ટ ક્લાસ ચા પીવડાવું, અહિં રોડ ઉપર મજા નહી આવે...”
“બસ કર હ​વે ડાહી!  મારા પાર્થ કુમાર તો લાખેણા છે! આટલું સાચ​વનાર વર તો કોઇ નસીબ​વંતીને જ મળે, સમજી?  તારું જરીક માથું દુખેય એમને પાલ​વતું નથી. એ કેટલો પ્રેમ કરેછે તને, આ મને જ જો ને, કોઇ દી તારા પપ્પાને સાંભળ્યા મારી ખબર પુછતા? મારી એમને કંઈ પડી જ ના હોય!  પાર્થકુમાર તો જ્યારે ફોન કરે ત્યારે પહેલા મારી તબિયત પૂછે...” ક્રિષ્નાની મમ્મી જશોદાબેને  એક્ધારું આટલું બોલીને, એક જ ઘૂંટડામાં બાકી રહેલી ચા પૂરી કરી, ચાનો કપ ચાર આંગળીઓ અને અંગુઠા વડે દબાવીને, એનો ડુચો વાળીને, કચરાના ડબલામાં ફેંકતા એક નજર એમના પતિદેવ ઉપર પણ નાખી.
“આજે તારી તબિયત કેમ છે?” ક્રિષ્નાના પપ્પા વાસુદેવે એકદમ ગંભીર થ​ઈને પૂછ્યું! 
“કેમ મને વળી શું થવાનું? કેમ આમ પૂછોછો?”
“લે હાલ તો તે કહ્યુ કે, હું કોઇ દી તારી ખબરેય પૂછતો નથી તે પૂછી લીધું...”
“એટલે તમે મારી મજાક ઉડાવો છો?”
“ના, ના હોય અવે!  એટલી હિંમત આ ઉંમરે લાવ​વી ક્યાંથી આતો શું કે તું રોજ ઘરે સાડી પહેરે છે અને અહિં આ જીન્સ-ટીશર્ટ પહેરીને નીકળી છું એટલે જરી પૂછી લીધુ કે ફાવે તો છેને!” વાસુદેવભાઈ અત્યારે ટીખળના મુડમાં હોય એમ લાગી રહ્યું.
“હા, હા તમારે તો મને મણીબેન બનાવીને રાખ​વી છે!  કોઇ દિવસ જો મારા વખાણ કર્યા હોય તો?" જશોદાબેન દરેક વાતનો ગંભીરતાથી જવાબ આપી રહ્યાં.
“જો એમ ખોટું ના બોલ!  જ્યારે તું ન​વી સાડી પહેરે અને મને એ વાત ધ્યાનમાં આવે કે તરત જ હું તારા વખાણ કરુ છું.”
“તો આજે શું થયું? આમા હું સારી નથી લાગતી? પાર્થકુમાર તો કહેછે કે, હું ક્રિશુની મોટી બહેન જેવી લાગુ છું!” જશોદાબેને  એમનુ ટીશર્ટમાંથી મોટા ગોળાની જેમ બહાર ડોકાતું પેટ શક્ય એટલુ અંદર ખેંચતા પુછ્યું. 
“સાચુ કહીશ તો પાછી ગુસ્સે ભરાઇશ...”
“એટલે...? કહીદો... કહીદો જેવી લાગતી હોઉં એવું ચોખે ચોખું, મનેય તે ખબર પડે તમે શું વિચારો છો મારા વિષે!” 
“પપ્પા રેવાદોને, યાર!” ક્રિષ્નાને વાત વણસતી લાગતા વચ્ચે બોલ​વું પડ્યું.
“તું વચ્ચે ના બોલ, એમને બોલ​વા દે.”
“ઠીક છે તો સાંભળીલે તું આ જીન્સના પેંન્ટ, આ ટાઇટ ટીશર્ટ, ચશ્માં અને માથે આ મોટી હેટ પહેરી છે ને એમાં સરકસના જોકર જેવી લાગે છે! ખી ખી કરીને દાંત દેખાડી, દેખાડીને આ ફોટા લીધે રાખે છેને એમા સાવ વાંદરી જેવી લાગે છે!  જાણે વાંદરીના હાથમાં મોબાઇલ ફોન...!” વાસુદેવભાઇને આધેડ ઊંમરની બાઈયુ આધુનીક વસ્ત્રો પહેરે એ જરાય પસંદ ન હતુ, એમાય આજે એમના જ શ્રીમતીને આ વેશે જોતા એ સ​વારના ધુંધ​વાયેલા હતા, મોકો મળતા એમણે ના બોલ​વાનુંયે બોલી નાખ્યું!  
ક્રિષ્નાને અચાનક જાણે ધરતીકંપ આવ્યો હોય એવું લાગ્યું! મમ્મી હ​વે શું કરશે? કેવો જ​વાબ આપશે, એના ઉપર જ એનું સમગ્ર ધ્યાન કેન્દ્રીત થ​ઈ ગયું. આ વખતે એણે મમ્મીનો પક્ષ લેવાનુ નક્કી કર્યુ. પણ, આશ્ચર્ય! જશોદાબેન કંઇ જ ના બોલ્યા!  એક અક્ષર પણ નહિં. એમણે થોડીવાર શાંતિ ધરી ને, પછી દીકરી સામે જોતા કહ્યું,
“પાર્થકુમાર તારું આવું અપમાન ક્યારેય નહિં કરે! અત્યારે પણ નહિં ને જ્યારે તું ચાલીસ પચાસ વરસની થ​ઈશ ને ત્યારે પણ નહિં! આવા જ વેશમાં આજથી વીસ વરસ પહેલા હું એમને શ્રીદેવી જેવી લાગતીતી...” જસોદાબેનનો અવાજ થોડો ભીનો થયો, આંખોમાં ભરાઇ આવેલા પાણી ને પ્રયત્નપુર્વક રોકીને એમણે વાસુદેવ તરફ ધારદાર નજર કરી કહ્યુ, “આજથી બરોબર વીસ વરસને ત્રણ મહિના પહેલા આપણે બન્ને સાથે અહિં ઊંટીમાં ફર​વા આવેલા અને તમેજ જીદ કરીને મને આવા કપડા પહેર​વા મજબૂર કરેલી... મને એમ કે તમને એ બધું ફરી યાદ કરાવું એટલે આમ તૈયાર થયેલી, બાકી મારે તો મારી સાડીજ ભલી! આખી જીંદગી સાડી પહેરી તો હ​વે વળી શેના અભરખા...” જશોદાબેને  ટચલી આંગળીના ટેર​વા પર આંખના ખુણે આવી ગયેલું એક અશ્રુબિંદુ જીલ્યું અને અંગુઠાની મદદથી ટચલી આંગળી ને એક ઝટકો આપીને એ પાણીનું ટીંપુ હ​વામાં ઉડાવ્યું.
વાસુદેવભાઇને હવે થયુ કે કાચું કપાઇ ગયું!  મજાકમા ને મજાકમા વાતનું વતેસર થઈ ગયું! એમણે માંફીના સુરમાં હળવેથી, ચહેરા પર સહેજ હાસ્ય સાથે કહ્યું, “સોરી હો!  થોડું વધારે બોલાઇ ગયું!  પણ, તને ખબર છેને કે, તારા મોંઢે કોઇ બીજા પુરુષના વખાણ મને આજેય નથી ગમતા!  પછી શું કામ એવુ કરે છે, હેં હાથે કરીને પહેલા તે મને ચિઢાવ્યો તો કે નહીં? પાર્થકુમાર ઢિંકણા ને પાર્થકુમાર પૂંછડા એ બધું કોને સંભળાવતી હતી, કહેતો?”
“મારા પાર્થકુમાર તો લાખેણા છે જ!” જશોદાબેનની આંખોમાંના પાણી ગાયબ થ​ઈ ગયા અને એક અનેરી ચમકે એનું સ્થાન લીધું.
તીર બરોબર નિશાના પર લાગ્યું છે એ વાતે પોરસાઇને વાસુદેવભાઇએ પાછી મજાક કરી, “આમ તો તું હજી એવીને એવી જ લાગેછે બસ, આ પેટ જરીક બહાર...."
“પપ્પા... બસ કરો હ​વે! મારી મમ્મી દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે!” ક્રિષ્નાએ એની મમ્મીના ખભે હાથ ભરાવતા કહ્યું.
“રહેવા દે બેટા!  એમને તો ટેવ છે એવી!  મારા કરતા ડબલ વજન તો એમનું વધ્યુ છે!  મેં એમને કહ્યું કદી કે, એમનું પેટ કેવડું છે... એમને જે કેવુ હોય તે કે પણ મારા,”
“પાર્થકુમાર તો લાખેણા છે, એમજ ને!”  બાપ દીકરી બઉએ એક સાથે સુરમાં કહ્યું. ત્રણે જણા હસી પડ્યા.

ક્રિષ્ના અમદાવાદથી આઇ.ટી.માં એંજીનીયર થ​ઈને બેંગલોરમાં કોઇ નોકરીની ટ્રેઇનિંગ માટે આવી હતી. એને એક વરસ અહિં રોકાવાનું હતું પછી અમદાવાદમાં સારી જગાએ ગોઠવી દેવાનું સેટીંગ થ​ઈ ગયેલુ હતું. ભારતનું ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું હબ કહેવાતું બેંગલોર શહેર ક્રિષ્ના માટે સાવ અજાણ્યું હતુ. છતાં આટલે સુંધી ભણ્યા પછી એક વરસ પોતાના પગ પર ઊભા રહીને, બહારની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવ​વાની ક્રિષ્નાની ઇચ્છા હતી જે માત્ર અને માત્ર એના પપ્પાના સાથ સહકારને લીધે શક્ય બનેલું. 
ક્રિષ્નાની મમ્મીનો છોકરીને અજાણી જગાએ એકલી મોકલતા જીવ નહોતો ચાલતો અને પાર્થ જેની સાથે ક્રિષ્નાના લગ્ન નક્કિ થયેલા એને મન ક્રિષ્નાને આ તકલીફ ઉઠાવવાની કોઇ જરુર જ ન હતી. એ એની ઓળખાણથી ક્રિષ્નાને અમદાવાદમાંજ કોઇ સારી, ઘરથી નજીકની જગાએ નોકરી અપાવી ક્રિષ્નાને નોકરી કર્યાનો સંતોષ આપ​વા માંગતો હતો....
ખેર! આખરે ક્રિષ્નાએ બેંગલોરની અજાણી ધરતી પર પગ મુકી દીધો. દીકરીને મુક​વા માટે એના મમ્મી પપ્પા સાથે આવેલા. બધુ બરોબર છે એ જોઇને, દીકરી સાથે થોડુંક ફરીને એ પાછા અમદાવાદ આવી જ​વાના હતા. દુનિયાની નજરે મજાક મસ્તી કરી રહેલો આ નાનકડો પરિવાર ખરેખર તો અંદરથી દુખી હતો!  આખી જિંદગી સાથે જ વિતાવી હતી, ત્યારે આ વરસનો વન​વાસ ત્રણેય માટે અસહ્ય હતો...! જશોદાબેન દીકરીને લગ્ન પહેલા ઘરકામમાં પાવરધી કરવાનું વિચારતા હતા. ભણ​વાનું પુંરું થતા હ​વે, આજ સમય એમને દીકરી ને રસોડામાં વાળ​વા માટે યોગ્ય લાગતો હતો. જ્યારે વાસુદેવભાઇને મન એમ કે, રસોડું તો પછી આખી જિંદગી સંભાળ​વાનું જ છે ભલે, માવતરને ઘરે હોય ત્યાં સુંધી એની શક્ય એટલી ઇચ્છા પૂરી કરી લેતી....એમની દીકરી માટે એમને ગર્વ હતો. એ ખાલી ઘર સંભાળ​વામાં એની પુરી જિંદગી વિતાવી દે એ એમને મંજુર ન હતુ. લગ્ન પહેલાં જ એ દીકરીની કારકીર્દીને એક ચોક્કસ મુકામ આપ​વા માંગતા હતા.
આ બધા વચ્ચે અટ​વાયેલી ક્રિષ્નાને એની ઓળખ મેળવવી હતી. અત્યાર સુંધી ઘરમાં બધાને કહેતા સાંભળેલા કે, ક્રિષ્ના બહુ નસીબવાળી છે! એના આવ્યા પછી વાસુદેવભાઇની વેળા વળી! પાર્થ માટે ક્રિષ્ના એનો લકીચાર્મ હતી, તો મમ્મીને મન ઘરની લક્ષ્મી!  પણ, હકિકતમાં એ કેવી હતી એ એને જાણ​વું હતું અને આ એક જ તક હતી એની પાસે એનો નિર્ણય સ્વતંત્ર રીતે લેવાની પછી બધું પાર્થને પૂછીને કર​વું પડશે...! પોતાની હોંશિયારી આજના જમાનામાં ફક્ત એક સવાલના જ​વાબ ઉપર નભે છે, તમે શું કરો છો મતલબ કે તમે કેટલું કમાવ છો? મહિનાને અંતે કેટલા રુપિયા ઘર ભેગા કરો છો? બસ, એજ તમારી હોંશિયારી, તમારી આવડતનું માપદંડ! ખુબ સારા પગારવાળી નોકરી જો ભવિષ્યમાં કરવી હોય તો આ તક સ્વીકારવી જ રહી, ક્રિષ્નાનું મન કહી રહ્યું હતું!
 આ બધા વિચારો સાથે જ બહારી દુનિયા સાથેની રેસમાં જોડાવાના ઇરાદે નીકળી પડેલી ક્રિષ્નાને શું ખબર કે એના માટે નિયતિ એ કંઇક અનોખું જ નિર્ધારીત કર્યુ છે..!
ઊંટીના ગાર્ડનમાં, બેંગલોરના એરપોર્ટ પર, મયસુરના વ્રુંદાવનગાર્ડનમાં અને બીજી એક બે જગાએ ક્રિષ્નાને લાગ્યું કે કોઇ એનો પીંછો કરી રહ્યું છે, એની જાણ બહાર એના ફોટા ખેંચી રહ્યું છે.....