અસ્થિવિસર્જન DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્થિવિસર્જન

More
અસ્થિવિસર્જન...............(વાર્તા.) દિનેશ પરમાર નજર
______________________________________________
પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારો
નડે તમને તમારા વાવટા તો ખાવ ખોંખારો

તમે મ્રુતપ્રાય છો એવું ગણીને સ્નેહીને મિત્રો
કબર ખોદીને મંડે ડાટવા તો ખાવ ખોંખારો
- અસરફ ડબાવાલા
------------------------------------------------------------------

વટવા ખાતે કેમિકલની ફેક્ટરી ધરાવતા શ્રેણીકચંદ શેઠ ની ઓઢવ રોડ પર આવેલ ઓફિસમાં વર્ષોથી નોકરી કરતા કાંતિલાલ શાહ છેલ્લા મહિનાથી પથારીવશ જેવા હતા.
આખી જિંદગી શેઠના ત્યાં ક્લાર્ક તરીકે નોકરી કરનાર કાંતિલાલ, ખાડિયા વિસ્તારની એક પોળમાં, બાપદાદા તરફથી વારસામા મળેલ મકાનમાં રહેતા હતા . બે મજલા ધરાવતું મકાન આશરે ૬૦ વર્ષ જુનુ હતું. પત્ની ગુજરી ગઈ હતી. બે દીકરાઓને પરણાવેલા તેઓ આ મકાનમાં ઉપર નીચે રહેતા હતા. નાનો દીકરો જયપ્રકાશ અને તેની પત્ની રાધિકા નીચે રહેતા હતા જ્યારે મોટો દીકરો ચંદ્રકાંત અને તેની પત્ની નંદિની ઉપર રહેતા હતા.
કાંતિલાલ ની ઉંમર થઇ હોવાથી અશક્તિના કારણે નોકરી નિયમિત જઇ શકતા નહોતા . બંને દીકરાઓને સારુ ભણાવેલા અને સારી જગ્યાએ નોકરી લગાડેલા. આમ છતાં બંને દિકરાઓએ કાંતિલાલ ને રાખવા માટે મહિનાના વારા કાઢ્યા હતા.

કાંતિલાલ સાથે કાર્યાલય માં નોકરી કરતા તેમના સ્ટાફના અને તેમની જેમજ શેઠ ના ખાસ એવા શૈલેષ પારેખ તેમની ખબર જોવા આવ્યા હતા.
પથારીમાં પડ્યા પડ્યા કાંતિલાલે આજુબાજુ જોયું. તેમની પુત્રવધુ ના દેખાતા, સામેની તરફ આવેલ ભીંતમા ફિટ કરેલ , જૂના જમાના ના લોખંડના પટારા તરફ આંગળી કરી ધીમે રહીને શૈલેષ ને કહ્યું ," શૈલેષ, પાંચ પાંચ લાખની બે ફિક્સ ડિપોઝીટ, તથા સોના ચાંદીના દાગીના આ પટારામાં છે. "
શૈલેષે રજા લીધી ત્યારે ખબર ના પડે તેમ કાંતિલાલે ઓશિકા નીચેથી પટારા ની ચાવી કાઢી શૈલેષ ના હાથમાં સેરવી દીધી.
રસોડામાં શૈલેષ માટે ચા બનાવતી જય પ્રકાશ ની પત્ની રાધિકા સમગ્ર બાબત સાંભળી ગઈ હતી . રાત્રે ચારે જણા ઉપરના માળે ભેગા થયા અને ચર્ચા કરી." બાપુજી તો છુપા રુસ્તમ નીકળ્યા, તેમની પાસે તો ફિક્સ ડિપોઝીટ અને સોનાના દાગીના પણ છે. " રાધિકા બોલી .
પછી તો ચારે જણા બાપુજી ની ખુબ સાર સંભાળ લેવા લાગ્યા. થોડા સમય પછી કાંતિલાલ મૃત્યુ પામ્યા ત્યારે દીકરાઓ અને પુત્રવધૂઓ પોક મૂકીને રોયા. છાપામાં જાહેરાત આપી બેસણા નો કાર્યક્રમ રાખ્યો. રીત-રિવાજ પ્રમાણે બારમાના દિવસે સગા વાલા ને ચોખ્ખા ઘી ના લાડવા સાથે ભોજન કરાવ્યું. દસ દિવસ પછી અમાસ આવતી હોઇ તે પહેલા અસ્થિ વિસર્જન કરી ત્યાર પછી બાપુજી નો પટારો ખોલવાનુ નક્કી કર્યું .

ત્રણ દિવસ પછી બન્ને દીકરા ,પુત્રવધૂઓ, બાળ ગોપાળ , નજીક ના સગા સંબંધી જ્યારે ચાંદોદ કરનાળી ખાતે અસ્થિ વિસર્જન માટે ઘરેથી નીકળતા હતા ત્યારે સામે શૈલેષ પારેખ મળ્યા.
શૈલેષભાઈ એ ચંદ્રકાંત અને જયપ્રકાશ ને બાજુ પર બોલાવી કહ્યું " થોડા સમય પહેલા અમારા શેઠના કાર્યાલય, ઘર અને ફેક્ટરીએ ઇનકમ ટેક્ષ ની રેડ પડવાની હતી ત્યારે ખાસ વિશ્વાસુ એવા મને અને તમારા પપ્પાને શેઠે તેમની એફ ડી આર અને દાગીના ખાનગીમાં સાચવવા આપ્યા હતા . જે પૈકી બે ફિક્સ ડિપોઝીટ અને દાગીના તમારા ઘરના પટારામાં તમારા બાપુજીઅે મૂક્યા છે. જે લેવા શેઠે મને મોકલ્યો છે . "
આ સાંભળતા જ , " હેં શું વાત કરો છો ? " ના ઉચ્ચારણ સાથે ચારે જણ ના મોઢા પહોળા થઇ ગયા , ને આઘાતમા , નાના દીકરા જયપ્રકાશના હાથમાં રહેલો અસ્થિકુંભ છટકી ગયો . જમીન પર પટકાયેલા અસ્થિકુંભ માંથી વેરવિખેર થઇ વેરાઇ ગયેલા અસ્થિ ફૂલ ચારે જણા રડમસ ચહેરે ભેગા કરવા લાગ્યા.

____________________________________

( dp41060@gmail.com )