yagna books and stories free download online pdf in Gujarati

યજ્ઞ



 યજ્ઞ..............વાર્તા.........  દિનેશ પરમાર  “ નજર “
આખોય દરિયો ફીણમાં પલટી નાખવા ,
સાબુ ની ગોટી એકલી  મેદાને પડી ગઇ .
                                -અસરફ ડબાવાલા
____________ ______________________

    અમદાવાદ થી મહેસાણા તરફ જતા ,કલોલ નંદાસણ રોડ  પર , હોટેલ ગંગોત્રી પેલેસ સામે આવેલ છત્રાલ જીઆઇડીસી માં સ્ટેનલેસ સ્ટીલ ના વાસણો બનાવવાની ફેક્ટરી ધરાવતા રસિકલાલ શેઠની , સીજી રોડ પર  ગિરીશ કોલ્ડ ડ્રીંક ચાર રસ્તા સામે શિવ નંદન કોમ્પ્લેક્સ ના બીજા માળે આવેલ ઓફિસમાં વર્ષોથી નોકરી કરતા સવાઇલાલ આજે ઉચાટમાં હતા.

                              મૂળ તેમના બાપુજી  ચીમનલાલ અને રસિકલાલ શેઠ સાથે ભણતા હતા. એટલે રસિકલાલે જ્યારે  શરૂઆતમાં નાના  પાયે  નરોડા ખાતે વાસણો બનાવવા ની ફેક્ટરી શરૂ કરી ત્યારે  સામેથી  જ સવાઈલાલ ને  મદદ માટે બોલાવી  લીધેલા . ઓગણીસો સિત્તેર માં શરૂ થયેલી   આ કંપનીમાં લગભગ   અઢાર વર્ષની ઉંમરે સવાઇલાલ જોડાયા હતા .

  ફેક્ટરીની પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે ,   સવાઇલાલે ખૂબ જ  ખંત અને મહેનતથી  દિવસ રાત કામગીરી કરી  પોતાનો પ્રાણ રેડી દીધો હતો. આ ફેક્ટરીમાંથી સારો એવો નફો કર્યા બાદ  રસિકલાલ શેઠે મોટા પાયે છત્રાલ ખાતે વાસણો બનાવવા નું કામ શરૂ કર્યું હતું. અને આના વહીવટ માટે ની ઓફીસ પણ    રીચી રોડ મોર્ડન સિનેમા પાસેથી ખસેડી સીજીરોડ ખાતે   શિફ્ટ કરવામાં આવી હતી .

  રસિકલાલ  શેઠ પોતાના કર્મચારીઓ અને સ્ટાફને  કુટુંબ ની જેમ સાચવતા હતા. વાર-તહેવારે તે પોતાના સ્ટાફ અને કર્મચારીઓને ભેટ- સોગાત થી ખુશ રાખતા હતા. તેઓ કહેતા,  " આ ફેક્ટરી  ના પ્રગતિના યજ્ઞમાં ,મારા અર્થનુ યોગદાન છે પરંતુ ....સાથે સાથે તમારી મહેનત , ઈમાનદારી અને સંઘર્ષ નું યોગદાન પણ છે જ... જેનાથી આપણે ઉત્તરોત્તર પ્રગતિનો  લક્ષ્યાંક સિદ્ધ કરી શક્યા છે. "

                                ધુળેટી ની રાત્રિએ અચાનક એટેક આવતા રસિકલાલ શેઠ  ઊંઘમાં જ ગુજરી ગયા.   ફેક્ટરી ના  કર્મચારીઓ માથે જાણે વીજળી તૂટી પડી. લગભગ પંદર દિવસ ફેક્ટરી નું કામકાજ બંધ રહ્યું. ત્યારબાદ આ ફેક્ટરીનુ  કામકાજ રસિકલાલ ના એકના એક દીકરા દિવ્યકાંત દ્વારા સંભાળી લેવામાં આવ્યું.
     
     દિવ્યકાંત ગઈ સાલ  ઇંગ્લેન્ડની  પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કરી આવ્યા હતા. તે ધંધા બાબતે ખૂબ મહત્વકાંક્ષી હતા. કાર્યાલયમાં આવતાની સાથે જ એમણે તેમના વિશ્વાસુ  રામ શંકર મિશ્રા ને રાખી લીધા હતા.

    રામશંકર મિશ્રા ચાલાક અને લુચ્ચો માણસ હતો . તે રામ શંકર મિશ્રા ની વાતો માં આવી, દિવ્ય કાંતે  ફેક્ટરી ના મેનેજમેન્ટમાં  ધરમૂળથી ફેરફાર કરી દીધા.  તેઓ સીજી રોડ ખાતેની ઓફિસે આવતા ત્યારે પણ  રામ શંકર તેમની સાથે જ રહેતો. ઓફિસમાં કામ કરતા, સ્ટાફને કારણ વગર   દિવ્યકાંતશેઠ તેમની ચેમ્બરમાં બોલાવી ધમકાવી નાખતા અને તેનુ અપમાન કરી  ઉતારી પાડતા.  સ્ટાફ પણ લાચારીથી સાંભળી લેતો. વાતવાતમાં કાઢી મુકવાની ધમકી આપતા.
        ફેક્ટરીની મુલાકાત સમયે પણ  કામ કરતા સ્ટાફ, કારીગરો , મેનેજર ને  ધમકાવી નાખતા  અને કહેતા " જુઓ    ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. માણસો  કામચોર અને  હરામ હાડકા ના થઈ ગયા છે. તેમની પાસેથી બરાબર કામ લો નહિતર ના છૂટકે મારે કડક પગલા લેવા પડશે ."

 તેમના પિતાશ્રી  પુષ્કળ પ્રમાણમાં મિલકત મુકતા ગયા હોવા છતાં પણ તેઓ વધુ ને વધુ પૈસા માટે કારણવગરની  માથાકૂટ કર્યા કરતા.

                  **************

     સવાઇલાલને બરાબર યાદ છે કે  દર વર્ષે રસિકલાલશેઠ વાઘ બારસના દિવસે કંપનીના દરેકે દરેક કર્મચારીને બોનસ તરીકે રોકડ રકમ, ભેટ તથા કપડા આપતા . પરંતુ રસિકલાલ  હવે રહ્યા નથી.આમ છતાં આ પરંપરા માટે ડરતા ડરતા ગયા અઠવાડિયે તેમની ચેમ્બરમાં જઈને સવાઇલાલે આ પરંપરાની વાત  દિવ્યકાંત શેઠને  કરી હતી. દિવ્યકાંતે ,  સવાઇલાલ ખૂબ જૂના અને તેમના પિતાશ્રીના ખાસ  વિશ્વાસુ હતા એટલે કશું કહ્યું નહિ પરંતુ મોઢુ બગાડી   પટાવાળા ને બૂમ પાડી ,"  રમેશ... આ ચા ઠંડી થઈ ગઈ છે જા લઈ જા." અને સવાઇલાલને નજર અંદાજ કરી  ફાઇલ જોવા લાગ્યા હતા.
  સવાઇલાલ પણ કશું બોલ્યા વગર ચેમ્બર ની બહાર નીકળી  ગયા હતા.

 આજે વાઘ બારસ હતી અને સાંજે ચાર વાગ્યા સુધી દિવ્યાંગ શેઠ કે તેમના પીએ રામ શંકર મિશ્રાના  ઓફિસે આવવાના  કોઈ અણસાર જણાતા ન હતા. પટાવાળો રમેશ , હાઉસકીપર સુરેશ ,  એકાઉન્ટ લખતા   હસમુખભાઈ અને પ્રવીણભાઈ ,   અેટેન્ડન્ટ  મુકેશ તથા અન્ય સ્ટાફ ગણ ઉદાસ ચહેરે એક આશા સાથે સવાઇલાલ તરફ જોઈ રહ્યા હતા.

      સવાઇલાલે  થાકી-હારીને છેવટે દિવ્યાંગ શેઠને  મોબાઈલ કર્યો.  રીંગ વાગ્યા પછી  મોબાઈલ   શેઠ ના બદલે તેમના આસિસ્ટન્ટ રામ શંકરે ઉઠાવ્યો."  
બોલો ? "
     "  શેઠ નથી? "
"  શેઠ  યજ્ઞમાં બેઠા છે "  સાવ નિરસ રીતે રામ શંકર બોલ્યો.
"  શાનો યજ્ઞ છે ? "   સવાઇલાલે  પ્રશ્ન કર્યો .
"  આ તમે લોકો બરાબર કામ કરતા નથી અને તેના કારણે પ્રોડક્શન  ખૂબ ઓછુંથાય છે.ટર્નઓવર વધારવા શેઠે  આજે યજ્ઞ કરાવ્યો છે,  બીજું કંઈ પૂછવું છે ? " આટલું બોલી રામ શંકરે ફોન કાપી  નાખ્યો .

         મોબાઈલ બંધ કરી દૂર  ઉભેલા સ્ટાફ તરફ જોયું . તેમના પ્રશ્નાર્થ ચહેરા જોઈ મનોમન નક્કી કરી સ્ટાફ તરફ  નજીક જઇ , બોલ્યા ,"      શેઠ સાથે વાત થઈ ગઈ છે. હું આવું છું. તમે હમણાં  રોકાજો ."
 તેઓ   પોતાનુ જૂનું એકટીવા લઇ ,  પોળના ઘરે ગયા.  તમને બાળક નહોતું અને પત્ની બે વર્ષ પહેલા ગુજરી ગયા હતા, એટલે    તાળુ જાતે ખોલી ઘરમાં ગયા અને તિજોરી ખોલી અંદરના ખાનામાંથી  પોતાની પત્નીને લગ્ન સમયે  રસિકલાલ શેઠ દ્વારા આપવામાં આવેલ સોનાનો હાર કાઢ્યો.
   હાર  લઈ તેઓ માણેક ચોક સોની બજારમાં ગયા. અને તે હાર લાખ રૂપિયામાં વેચી, બજારમાંથી થોડા કપડા, નાના બાળકોની ભેટો વિગેરે લઈ તેઓ સીજી રોડના  કાર્યાલય પર આવ્યા.  સવાઇલાલના હાથમાં ભેટ જોઈ સ્ટાફના ચહેરા પર આશા અને ખુશી ફરી વળી.
     નવરંગપુરા ખાતે યજ્ઞમાં બેઠેલા દિવ્યાંગ શેઠ  બ્રાહ્મણો દ્વારા  બોલાતી ઋચાના અંતે " ઓમ સ્વાહા "  સાથે ધૂપ અને ઘી હોમતા હતા તે જ સમયે કાર્યાલય ખાતે  સવાઇલાલ  એક એક કર્મચારી ના હાથમાં પેન્ટ પીસ, ભેટ અને રોકડ રકમ નુ કવર મુકતા જતા હતા.  આ સમયે એક એક કર્મચારી ની આંખ માં આભાર અને આનંદ ની જ્યોત, યજ્ઞના પવિત્ર અગ્નિ-જ્યોત ની જેમ પ્રજ્વલિત   થયે જતી હતી... 
  ___________________________________
   દિનેશ પરમાર " નજર " 
( ddp41060@gmail.com )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED