Gokhalo books and stories free download online pdf in Gujarati

ગોખલો...


ગોખલો................ વાર્તા
કાંઠા ભલેને સાદ દે , પણ માછલી કદી 
જળ ઉંબરો ત્યજે નહી ઘરની રજા વગર
                          ધુની માંડલિયા

                      પાંચ વર્ષ પહેલાપરણીને આવેલી  પદ્મા એ ,  ઘરના આંગણામાં ઢાળેલા ઢોલીઆ પર    સૂતેલા રતનસિંહ તરફ  નજર નાખી કે જે ક્ષયરોગથી છેલ્લા છ મહિનાથી પથારીવશ હતા.   બીમાર રતનસિંહ ઘસઘસાટ ઊંઘતા હતા દિવાલે  લટકતા દાતરડા ને  કમર મા ખોસી   પદ્મા ખેતર તરફ કામે જવા ચાલી નીકળી.  
  પદ્માને બરાબર યાદ છે કે તે જ્યારે પરણીને આવી ત્યારે  તેની સાસુ   ને  સાંજે દીવો કરતા જોઈ,  પ્રશ્ન કરેલો કે બા આ ગોખલામાં આપણે સાંજે  દીવો શા નો કરીએ છીએ
    પદ્મા ના સાસુ  સીતા બા,  પદ્મા નો હાથ ઝાલી ઘરમાં લઈ ગયેલા અને હસતા હસતા તેને સમજણ આપેલી કે " સાંભળ, બેટા  છેલ્લાપાંચ પેઢીથી આ પરંપરા જાળવવામાં આવે છે મને યાદ છે મારા સાસુ પણ દીવો કરતા હતા અને એમના સાસુ પણ  આ રીતે ગોખલામાં દીવો કરતા હતા . આ દીવો  આપણા સતીત્વનો અને ઘરના સત્યનો  પ્રતીક છે."
 "એટલે": પદ્મા પ્રશ્નાર્થ કરી  સાસુ ની સામે જોઈ રહેલી.
    "  એટલે એમ કે વર્ષો પહેલા આપણા  પિતૃઓ મા થઈ ગયેલ મહિપતસિંહે , ગામમાં લૂંટ  કરવા આવેલ લુટારા  ઓ એ ગામ ની બેન દીકરીની ઈજ્જત  પર નજર નાખતા  તે માટે પોતાનો  જીવઆપી દીધો હતો. આજે પણ તેમનો પાળિયો  ગામના પાદરે   હયાત છે. ત્યાંથી પસાર થતી બેન-દીકરીઓ   માન થી શિર ઝુકાવે છે. અને  વહુઓ પસાર થતા તેમની લાજ કાઢે છે. 
     ત્યાર પછીની   પેઢી એ થઈ ગયેલ અર્જુનસિંહે પણ  પોતાના પિતાની જેમ જ ગામની દીકરીના થયેલ અપહરણ માં ,  તેઓનો પીછો કરી ,  આંતરી,  પડકારી તેઓ સાથે લડાઈ કરી ગામની દીકરી ની  ઈજ્જત બચાવેલ તે સમયે  ગામવાળાએ તેમનું સન્માન કરેલ. 
 ત્યારથી લઈને સતીત્વની રક્ષા કાજે અને સત્યની પરંપરા જાળવવા પેઢી-દર-પેઢી આપણા ઘરે ગોખલામાં દીવો કરવાની રસમ જળવાતી આવી છે. અને આ રસમ તારે પણ જાળવવાની છે."  સાસુ સીતાએ  પદ્માને સઘળો ઇતિહાસ સુપેરે સમજાવેલ. 
 સાસુ ની આજ્ઞા  માથે ચઢાવી  પદ્મા રોજ સાંજ પડે આંગણામાં તુલસી ક્યારા ના દીવા સાથે ગોખલામાં અવશ્ય દીવો કરતી.
 પદ્મા નો ઘરવાળો રતનસિંહ બાજુમાં આવેલ તાલુકામાં છે કે એક પ્રાઇવેટ કંપનીમાં કેમિકલ ફેક્ટરીમાં નોકરી જતો હતો પદ્માને ખુબજ પ્રેમ કરતા રતન સિંહ અને  પદ્માનો સંસાર સારી રીતે   ચાલતો હતો .  પરંતુ બધા દિવસો સરખા હોતા નથી.   રતનસિંહ ને હવે ખૂબ થાક લાગતો હતો અને હાંફ ચડતી હતી જિલ્લા મથકે  સિવિલ હોસ્પિટલમાં બતાવતા ખબર પડી કે રતનસિંહ ને ક્ષય લાગુ પડ્યો છે. ધીરે-ધીરે તબિયત બગડતી ચાલી અને છેવટે પથારીવશ થઈ ગયો. 
    જમાનો બદલાયો હતો. લોકોમાં પહેલા જેવી લાગણી નહોતી.  કોઈ મદદ કરે તેમ નહોતુ.  છેવટે ઘર ચલાવવા પદ્માને દાડીએ જવાનો વારો આવ્યો. પદ્મા રોજ વિષ્ણુ પટેલ ના ખેતરે  કામ કરવા જતી અને ઘરનું ગુજરાન એ રીતે ચાલતુંહતુ.
  આજે પદ્મા ખેતર પહોંચી કામે વળગી બપોર સુધીમાંઅન્ય બહેનો સાથે , ખાસુ એવું કામ  ખેંચી કાઢયુ. સાંજના સમયે જ્યારે સૂર્ય ક્ષિતિજમાં ઢળી રહ્યો હતો અને અંધારા ઉતરતા હતા.બધા મજુરો ઘર તરફ રવાના થઇ ગયા હતા  ત્યારે તે બોર રુમની બાજુમાં હાથપગ ધોઇ  ઘરે આવવાની તૈયારી કરતી હતી ત્યાં જ વિષ્ણુ પટેલ ખેતર પર આવ્યા અને બોલ્યા ,"  પદ્મા,  પાણીનુ એન્જિન બંધ કરી  આવને.." 
  ભોળાભાવે  પદ્મા એન્જિન બંધ કરવા ગઈ  તે તકનો લાભ લઈ  વિષ્ણુ અંદર આવ્યો અને  ઓરડીનો દરવાજો આડો કરી  પદ્મા ને  ઝાલી લીધી. પદ્મા ગભરાઈ ગઈ અને છૂટવા માટે પ્રયત્ન કરવા લાગી પરંતુ  વિષ્ણુ એ કામાંધ  બની પકડ ઓર મજબુત કરી  છેવટે પદ્માએ પોતાના સતીત્વ ની રક્ષા કાજે હતી એટલીબધી તાકાત અજમાવી,  ઝાટકો મારી કમરમાં ખોસેલ દાતરડું કાઢી વિષ્ણુ ના ગળા પર ફેરવી દીધું.
  પાણીની ઓરડીમાં ઢળી પડેલા વિષ્ણુના ગળામાંથીએક કારમી ચીસ નીકળી ગઈ,  લોહીના કુટી  નીકળેલા રેલા વચ્ચે વિષ્ણુ તરફડિયા મારી ને શાંત થઈ ગયો . 
      ઉતરતા અંધારામાં જ્યારે પોલીસ  પદ્મા ના ઘરે ખૂનના આરોપ સર ધરપકડ કરવા આવી ત્યારે આજુ બાજુ મહોલ્લાના લોકો એકત્ર થઈ ગયા હતા. 
 ઘરે આવીને એણે સાસુને સઘળી વાત કરી હતી.   આથી      સીતા બા એ પોલીસ સામે જોયુ અને પદ્મા તરફ ફરી બોલ્યા  "   બેટા સાંજ પડી ગઈ છે આથી આપણી પરંપરા ને પૂરી કરો"
 પદ્મા એ સાસુ તરફ પ્રેમથી જોયું અને તુલસી ક્યારે તથા  ગોખલામાં દીપ  પ્રગટાવ્યા. જ્યારે ગોખલામાં દીપ મૂક્યો ત્યારે  પદ્મા નો ઘૂંઘટ થી   ઢાંકેલો ચહેરો દીપ ના અજવાળા માં ઝળહળી ઉઠ્યો.
  ઘર  ઉંબર છોડતા પહેલા આંગણામાં ઢોલિયા પર સૂતેલા પોતાના  માથાના તાજ રતનસિંહ ની તરફ એકવાર નજર નાખી.   ક્ષયગ્રસ્ત  રતનસિંહે ઝળઝળીયા ભરી નજરે પદ્મા તરફ જોયું અને  ડોક ઘુમાવી   ગોખલા તરફ નજર નાખી ,  દીવડાના કિરણોથી ગોખલો ,  ઝળઝળિયાં માં ઝિલાઇને  ઝળહળી ઉઠયો હતો.

 આભથી ઉતરતા અંધારા માં જ્યારે પોલીસની વાન  પદ્માને લઈ વિદાય થઈ ,  ત્યારે" ધુંધટે  ઢાંક્યુ રે એક કોડિયું "  ગીત દુર દુર   રેડિયો  દ્વારા  આકાશવાણી માં   રેલાતું  હતું.
____________________________________
 દિનેશ પરમાર નજર 
( ddp41060@gmail.com )
 લખ્યા તારીખ ૯ ફેબ્રુઆરી ૧૯



                                                         
    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED