FIRST RAIN books and stories free download online pdf in Gujarati

પહેલો વરસાદ.....


એ રીતે તુ મળ મને વરસાદમાં
જે રીતે ઈશ્વર મળે પરસાદમાં
સાવ સુકીભઠ્ઠ નદીમાં સળ પડે
ઝરણું ફૂટે સહેજ ઉપરવાસમાં
દિનેશપરમાર’નજર’
.............................................................................
"આ કયાં મરી ગઇ. .??,અલી..ધરુડી..??" ચંદ્રિકાએ ધરની બહાર નીકળી , તેની ભાણી ધરા ન દેખાતા બુમ પાડી.
કાયમની જેમજ મામીના ગુસ્સાથી થરથરતી ધરા, ચોકડીમાંથી મોંઢુ કાઢી બોલી ," મામી હું કપડા ધોઇ રહી છું"
"કંઇ વાંધો નૈ...જરા જલ્દી કરતી હોય તો..! હજુ તો કચરા પોતુ બાકી છે. કયારે આમાથી નવરી થઇશ?"
આગળ ધરા કંઇ બોલે તે પહેલા તો તેની મામી ઘરમાં ચાલી ગઇ.
ધરા ચોકડીની પાળીના ખુણા પરથી , સામે ઘરના ફળિયામાં મામા- મામીની તેના કરતા એક જ વર્ષ નાની છોકરી ગીતા ને , તેની બેનપણીઓ સાથે રમતા જોઇ ઉંડો નિસાસો નાંખી પાછી કપડા ધોવા બેસી ગઇ.
*****************************

આજથી લગભગ પાંચ વર્ષ પહેલા , અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના મ્યુ.ગાર્ડન પાસેની બાપા -સિતારામ વસાહતમાં રહેતા , જસવંતભાઇ દેસાઇ અને તેમના પત્ની ,દિકરી ધરા સાથે બાધા પુરી કરવા જુનાગઢ જતા હતા ત્યારે , ચોટિલા પછીના જટિલ વળાંક પર ઉભી રહી ગયેલી ટ્રક સાથે અથડાતા, અકસ્માતમાં ઘાયલ થયેલા પતિ -પત્ની એ અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાં વારાફરથી શ્વાસ છોડયો હતો.
કુટુંબમાં આગળ પાછળ કોઇ ન હોવાથી, અમદાવાદમાં જ ભૈરવનાથ રોડ પર ,સ્લમ ક્વાટર્સ પાસે આવેલી કૈલાસનગર સોસાયટી ખાતે રહેતા ધરાના મામા રણજીત , પોતાની પત્ની ચંદ્રિકાની મરજી વિરુધ્ધ , ધરાને પોતાના ઘરે લઇ આવ્યા.છ વર્ષની ધરા ત્યારે બીજા ધોરણમાં ભણતી હતી .અને તેમની પોતાની દિકરી ગીતા પહેલા ધોરણમાં હતી.
પોતાની મરજી વિરુધ્ધ ધરાને તેના મામા લઇ આવ્યા હોઇ, વટવા ખાતે યાર્ન બનાવતી ફેકટરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા રણજીત સવારે આઠ વાગે જેવા નોકરી જવા નિકળે કે તરત જ ધરાના મામી , ધરાને ડરાવી ધમકાવી,આંખો કાઢીને ત્થા જરુર પડે ધોલ ધપાટ કરીને ઘરનું બધુજ કામકાજ કરાવતા ને પોતાની દિકરીને આંખ માથા પર રાખતા.
ખાવા પીવામાં પણ ભેદ રાખતા, મામી ને તેમની દિકરી જમી લે પછી વધ્યુ-ઘટ્યુ હોય તે ધરાને ભાગ આવતું.સ્કુલે જવું હોય તો પહેલા ઘરનું કચરા-પોતા,વાસણ અને કપડા ધોવાયા હોય તો જ જવાનું નહિ તો ઘરકામ કરવા સ્કુલે રજા પાડવાની.
બાળપણમાં રમવાની ઉંમરમાં, મા બાપ વગરની ધરાને ભાગે દિવસ રાતની ઉંધા પડી ને વેઠ કરવાની આવી.આથી તે હોંશિયાર હોવા છતાં દસ ધોરણથી આગળ ભણી ના શકી.સ્કુલ તરફ થી યોજાતા પ્રવાસમાં , ગીતા અચુક જતી ,સધળી વાતથી અજાણ તેના મામા ધરાને પુછતા પણ ખરા," બેટા, તારી સ્કુલમાં પ્રવાસ જેવું કંઇ હોતુ નથી?"
મામી ના કોપથી પહેલેથી ડરમાં સંકોચાઇ ગયેલી ધરા પોતાની ઇચ્છાઓને અંધકારના અગોચર ખુણામાં દાબી એટલું કહેતી,"મામા મને તો બહાર જવાનું જ ગમતુ નથી."
ગીતા શિયાળામાં બહેનપણીઓ ના ગ્રુપમાં ,આઉટ ડોર ટુરમાં જતી ,કેમ્પ ફાયરની મઝા લેતી.તો ઉનાળાના વેકેસનમાં સમર-કેમ્પમાં ,ટ્રેકિંગમાં જતી.તો વરસાદમાં બહેનપણીઓ સાથે,મકાઇ ડોડા કે ગરમા ગરમ ભજિયાની મઝા માણવા બિન્દાસ્ત નિકળી પડતી.ત્યારે ધરા મામીની બીકથી ઘરમાં પુરાઇનીચુ જોઇ કંઇ ને કંઇ ઘરનું કામકાજ કર્યા કરતી. આમ તેની જિંદગી એક બંધિયાર , હવડ કુવાના સિમિત પરિધ વચ્ચેના અંધકારમય વાતાવરણમાં વિતતી ચાલી.આમ કરતા ધરા વીસ વર્ષની કયારે થઇ ગઇ તે ધરાને જ ખબર ના પડી.

****************

વડોદરા , કારેલીબાગ ના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ અલકનંદા સોસાયટીમાં રહેતા ને વડોદરામાંજ કોર્પોરેશનમાં નોકરી કરતા ,તેમના જ સમાજના આકાશ નામના છોકરાની વાત , રણજિતના ખાસ મિત્ર સુમનભાઇ , જ્યારે તેમની ભાણી ધરા માટે લઇને આવ્યા ,ત્યારે રણજીતના આનંદનો પાર ન રહ્યો,પરંતુ ચંદ્રિકાના પેટમાં તેલ રેડાયુ.
તેણે તરત જ કહ્યું ,"હજી તો નાની છે."
"ના ના હવે . લગ્નની ઉંમર તો થઇ જ છે ને?"રણજિત બોલ્યા.
ના રહેવાતા તે બોલી ," પણ તે જતી રહેશે તો આ ઘરનું કામકાજ અટકી પડશે."
"એટલે ?"
બોલવામાં બફાઇ ગયા પછી આ પ્રશ્નનો કોઇ જવાબ નહતો.તેથી નમાલી થઇ એટલું બોલી, "કંઇ નૈ.."
વધુ સમય ના ખેંચતા, હોળી પછી સગાઇનો રુપિયો લઇ ને સારુ મુહર્ત જુલાઇના શરુઆતમાં આવતુ હોઇ તે તિથિ પ્રમાણે લગ્ન લીધા.તે દિવસે ખુબજ ગરમી અને બફારો હતો.

***********************

વિદાયસમયે ધરા જે ગણો તે સઘળું જેમાં નાનપણથી ભાળેલું તે મામાને બાઝીને ખુબ રડી .મામા પણ ,પોતાની એકની એક ભાણી, જેનાપ્રેમથીથી ખરા અર્થમા વંચિત હતી તે સ્વર્ગસ્થ બેન-બનેવીને યાદ કરી ,ખુબ રોયા .
ભારે હૈયે ધરાને ,તેના સસરાને સોંપતા હાથ જોડી એટલુ બોલ્યા,"બાળોતિયા ની બળેલી મારી જુઇની વેલ આજ તમને સોંપુ છું."
આકાશના બાપુજી એટલું બોલ્યા,"હવે આ મારી દિકરી,તેની જરાય ચિંતા ના કરતા."
લગ્ન પતાવી જાનને વિદાય આપી ત્યારે સાંજ પડી ગઇ હતી.વાતાવરણમાં અસહ્ય બફારો હતો.

***********************

વડોદરા પહોંચી ને સઘળી વિધિ પતાવતા પતાવતા રાતના અગિયાર વાગી ગયા . વર વઘુની સુવાના રુમની વ્યવસ્ પહેલા માળે હતી.
આકાશે રાત્રે મોડેથી રુમનો દરવાજો હળવેકથી ઉઘાડ્યો. ગુલાબ અને મોગરા ના ફુલો ત્થા તેનીવેરાયેલ પાંખડીઓથી મઘમઘતા ઓરડામાં ,ઢોલિયા પર પોતાના અસ્તિત્વને સંકોરી બેઠેલી ધરા આકાશનાઅણસારથીવધુ સંકોરાઇ.
આકાશ સહજ ખેંચાતો ધરા તરફ ઝુક્યો..ને..ધીરે રહી ને પાલવ ઉઠાવ્યો .જુઇની વેલના લચી પડેલા લાવણ્યમય માંડવા ની જેમ કશુક ઝંખતા,ધરાના બે નેણ શરમાઇને ઢળી પડ્યા.
વાતાવરણમાં માઝા મુકેલ ગરમી અને બફારાના પરિણામ સ્વરુપ બહાર કડાકા સાથે વિજ ઝબકારો થતા જ ધરા ચમકીને આકાશને વળગી પડી.
પછી અળગી થઇ એટલુ બોલી," તમને વાંધો ના હોય તો ઉપર ધાબે જવું છે. જીંદગી માં પહેલી વાર હું વરસાદમાં ભિંજાવા માંગુ છું."
આકાશ સગાઇ થી લઇને લગ્ન સુધી ના સમયગાળામાં ધરાના જીવનની સઘળી હકીકત જાણી લીધી હોઇ અને તેના કારણે તે ધરાને ખુબ પ્રેમ આપી ખુશ રાખવા માંગતો હોઇ તેમાં ધરબાયેલી લાગણીઓને વહેવા દેવા તપ્તર આકાશ તેનો કોમળ હાથ ઝાલી જાતેજ ધાબા પર લઇ આવ્યો.
ગોરંભાયેલું આકાશ,અસહ્ય ગરમી ના આવરણને વેતરી ,પ્યાસી ધરા પર ચારે તરફથી વરસી પડ્યું.
ને.....ધરા...
જિંદગી માં પહેલી વાર ખરા અર્થમા આદિમ્આવેગે , આકાશથી વરસતા મેધના આવિસ્કારને પોતાના કોરાકટ અસ્તિત્વમાં મનમૂકીને ઝીલતા ઝીલતા, ભિંજાઇને ખુલ્લા મનથી નર્તન કરતી રહી......... .
આજ ધરા પર આકાશથી વરસેલો , પહેલો વરસાદ મન મુકી ને ભિંજવતો રહ્યો.
*********************************************** (પૂર્ણ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED