Pasti books and stories free download online pdf in Gujarati

પસ્તી..


પસ્તી... ....... વાર્તા............. દિનેશ પરમાર નજર
______________________________________
કિંમત સુરજની આંખમા , ઝાકળની કોડી હતી
જે રીતે વરસાદમા , કાગળની હોડી હતી.

હસતી રહી દુલ્હન બની,ગઈકાલ ઓઢીને ખબર
ખૂણે પડેલ પસ્તીની ,આજ કફોડી હતી.
‌ ‌ - દિનેશ પરમાર “નજર”
-----------------------------------------------------------------
રોજની જેમ સ્કૂલેથી છુટીને જ્યારે ચિન્ટુ ઘરમાં દાખલ થયો, ત્યારે દાદાને ન જોતા વિચારમાં પડી ગયો. તેણે તેની મમ્મીને સીધો જ પ્રશ્ન કર્યો," દાદા ક્યાં ગયા છે?"

તેની મમ્મી રસોડામાં કામ કરતી હતી, ત્યાંથી જ જવાબ આપ્યો," મને ખબર નથી, કદાચ તેમના જૂના મિત્રોને મળવા બગીચે ગયા હશે."

પરંતુ મમ્મી ની વાતથી ચિન્ટુ ને સંતોષ ના થયો. તે વિચારવા લાગ્યો. " હું સ્કૂલેથી આવું પછી જ દાદા મને ચોકલેટ આપી બગીચે જતા હોય છે. તો આજે વહેલા કેમ ગયા હશે ?"
અંધારું થવા આવ્યું તો પણ દાદા આવ્યા નહોતા. પપ્પા પણ ઓફિસથી આવી ગયા હતા. છેવટે પપ્પાને પણ પૂછી જ નાખ્યું ." પપ્પા... દાદા કેમ દેખાતા નથી ?"
તેના પપ્પા મનીષભાઈ , હેંગરમાં શર્ટ ભરાવતા ભરાવતા બોલ્યા," બેટા ચિન્ટુ... તેમની ઉંમર ના બધા મિત્રો એ ગઈકાલે હરિ દ્વાર જવાનો પ્લાન બનાવ્યો હતો , મને તો આજે સવારે જ જણાવ્યું, કેહેતા'તા ચિન્ટુ સ્કૂલે જાય પછી હું મિત્રો સાથે હરિદ્વાર જવા નીકળીશ. જેથી ચિન્ટુ રડે પણ નહિ અને સાથે આવવાની જીદ ના કરે."

" તે દાદા ક્યારે પાછા આવશે પપ્પા ?"

કાડા પરથી ઘડિયાળ ઉતારતા તેના પપ્પા ચિડાઈને બોલ્યા , " ચિન્ટુ તુ જ્યારે ને ત્યારે પ્રશ્નો બહુ કરે છે , દાદા વગર ચલાવતા શીખ, હરિદ્વાર થી દાદા ત્રણેક મહિને આવવાની વાત છે સમજ્યો?"

ચિન્ટુ ને દાદા વગર જરાયે ના ચાલતું , તેથી તે રડમસ થઇ ગયો અને વિચારમાં પડી ગયો "દિવાળીને પંદરદિવસની વાર છે. તો શું દાદા દિવાળીમાં અહીંયા નહિ હોય ? હું ફટાકડા કોની સાથે ફોડીસ ? "

ઉદાસ થઈ તે જમ્યા વગર પોતાના સ્ટડી રૂમમાં ચાલી ગયો.

તેના પપ્પા મનીષભાઈ તેમની પત્ની જયાબેન સામે જોવા લાગ્યા. તેનો રડ્મસ ચેહરો જોઇ, મોં પર આંગળી મુકી ઈશારો કરી ચુપ રહેવા જણાવ્યું. કારણ કે આજે સવારે તેમનો બાપુજી સાથે ,તેમની પત્નીની હાજરીમાં જે બોલાચાલી થઇ હતી તેની ,તે ત્રણ સિવાય કોઇને જાણ નહતી , અને બાપુજી કયાં ગયા છે ? તે પણ તેમણે ખાનગીમા જાણી લીધુ હતું.

****************************************

દિવાળી ને બહુ વાર નહોતી તેથી રજાના દિવસે સાફ-સફાઈ કરવાનું કામ ચાલુ હતું. સાફ-સફાઈ પત્યા પછી જ્યારે સામાન ગોઠવવાનું કામ શરૂ થયું ત્યારે મનીષભાઈ ને તેમનો અને તેમની પત્ની નો માઉન્ટ આબુ ફરવા ગયા ત્યારે પડાવેલ રંગીન લાર્જસાઇઝ
ફોટોફ્રેમ ન દેખાઇ. તપાસના અંતે તેમનું અચાનક ધ્યાન ગયુ તો એ ફોટોફ્રેમ તેમણે નિકાલ કરવાની ઘરની બહાર આંગણામાં એકઠી કરેલી પસ્તીના ઢગલામા જોઇ.

આ જોઈ તેમના ગુસ્સાનો પાર ના રહ્યો . તેમના ઘરે કચરા પોતુ કરતાં, અને દિવાળીના કામમાં મદદ કરવા આવેલ કામવાળા કરમશી સામે આંખો કાઢી તાડૂક્યા ," તને ભાન-બાન પડે છે કે નહીં?, જીવતાજાગતા અમે બેઠા છીએ ને અમારો ફોટો આ પસ્તીના ભાવે નિકાલ કરવા મૂકી દીધો ?"

નોકર કરમશી હજુ કંઈ વિચારી જવાબ આપે તે પહેલા ત્યાં ઉભેલા તેમના દિકરા ચિન્ટુએ કહ્યું," પપ્પા,કરમશીકાકાનો કોઈ વાંક નથી. મેં જ કરમશીને આ ફોટો ત્યાં મૂકવા કહેલું "

મનીષભાઇ એ ગુસ્સમા હાકોટો કર્યો" પણ કેમ ? "
" પપ્પા તમે થોડા દિવસ પહેલા મમ્મી સાથે વાતો કરતા હતા ત્યારે તો બોલ્યા' તા , કે આ માઉન્ટ આબુ નો ફોટો જૂનો થઈ ગયો છે.ચાલ, આ વખતે દિલ્હી હરિદ્વાર બાજુ ફરી આવીએ અને આ એક્નાએક ફોટાને કાઢી નાખી નવોજ ફોટો તેની જગ્યાએ ગોઠ્વી દઈએ." ચિન્ટુ સહેજ ગભરાઈને બોલ્યો.

“પણ..નવો ફોટો હજી આવવા તો દે ?” મનિષભાઇ અકળાઇને બોલ્યા.

પિન્ટુ તેની મમ્મી સામે જોઇ બોલ્યો, “ તમે દિવાળીમા દાદાને પગે લાગવા તો જસો જ ને? દિવાળીને કયાં વાર છે? .”
મનીષભાઈ તેમની પત્ની જયાબેન સામે આંખો ફાડીને જોઇ રહ્યા પછી મનોમન નક્કી કરી, પોતાની ગાડી લઈને સોસાયટીની બહાર નીકળી પડ્યા .

થોડીવાર પછી તેમની ગાડી શહેર થી થોડે દૂર આવેલ "મનોમંથન- વૃદ્ધાશ્રમ" તરફ જઈ રહી હતી.

***************************************************

અઠવાડિયા અગાઉ ચિન્ટુ ની સ્કૂલ તરફથી ગોઠવવામાં આવેલ પ્રવાસના ભાગરૂપે ,"મનોમંથન‌-વૃદ્ધાશ્રમ" જવાનુ થતા , પોતાના દાદાને વૃદ્ધાશ્રમમાં જોયા હતા. તે સમયે દાદાને દુ:ખના થાય તેથી તેમનાથી છુપાતો રહ્યો , પણ મમ્મી પપ્પાને સબક શિખવાડવાનુ નક્કી કરી ,તેણે અને કામવાળા કરમશીએ ભેગાથઈ આ પ્લાન બનાવ્યો. જેમાં તેઓ સફળ થયા હતા.

તેના મમ્મી પપ્પા ના ગયા પછી ચિન્ટુ અને કરમશી એકબીજાને તાલી આપી કયાંય સુધી હસતા રહ્યા...............

*********************************************
( ddp41060@gmail.com )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED