અંગારપથ. પ્રકરણ-૧૭ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અંગારપથ. પ્રકરણ-૧૭

અંગારપથ.

પ્રકરણ-૧૭.

પ્રવીણ પીઠડીયા.

ચારુંના ક્વાટરનાં મુખ્ય દરવાજે ધમાસાણ મચ્યું હતું. અભિમન્યુએ સંજય બંડુ અને તેના બે માણસોને એટલાં ધોયાં હતા કે એ લોકો ઉભા થવાની હાલતમાં પણ નહોતા રહ્યાં. ક્વાટરની નાનકડી અમથી પરસાળમાં જાણે ભયંકર દ્વંદ્ યુધ્ધ ખેલાઇ ગયું હોય એવી ધમાચકડી મચી ગઇ હતી. એ પછી પણ અભિમન્યુ રોકાયો નહોતો. તેના મનમાં ભયંકર ખૂન્નસ છવાયેલું હતું. તેની બહેન રક્ષાનો ઘાયલ ચહેરો તેની નજરો સમક્ષ ઉભર્યો હતો. તે જાણતો હતો કે આ લોકો ચારુંને ખતમ કરીને પેલી ફાઇલ લઇ જવાં આવ્યાં હતા. જો સમયસર તે અહીં પહોંચ્યો ન હોત તો આ લોકોએ ચારુંની હાલત પણ રક્ષા જેવી જ, અથવા તો એથી પણ બદતર કરી હોત. હવે તેને એ કોઇ કાળે મંજૂર થાય તેમ નહોતું. તેની મિલિટ્રી ટ્રેનિંગમાં એક બાબત સ્પષ્ટ શિખવવામાં આવતી હતી કે ભલે પોતાનો જીવ પણ દાવ પર લાગાવી દેવી પડે પરંતુ કોઇ નિર્દોષ વ્યક્તિનો જીવ ક્યારેય ન જવો જોઇએ. જ્યારે અહીં તો પોતાના અંગત વ્યક્તિઓના જ જીવન-મરણનો પ્રશ્ન હતો એટલે અભિમન્યુની માથે ભયાનક ખૂન્નસ સવાર થયું હતું. તેણે એ ત્રણેયને ઢસડીને ક્વાટરની પરસાળથી નીચે ધકેલ્યાં હતા અને પછી ઝડપથી પાછો દરવાજે આવ્યો હતો. તે જાણતો હતો કે હવે એ ત્રણેય કમસેકમ અડધો કલાક તો હલીચલી શકે એવી હાલતમાં આવશે નહી. ક્વાટરનાં દરવાજે આવીને તેણે ચારુંના નામની બુમ પાડી.

ક્વાટરની અંદર ચારું હજુ પણ હાથમાં ગન પકડીને ઉભી હતી. તે નક્કી નહોતી કરી શકતી કે પહેલાં કોની ઉપર હુમલો કરે? તેના ક્વાટરનાં બન્ને તરફનાં દરવાજે માણસો હતો. તેમની પાસે સાઇલેન્સર યુક્ત ગન્સ હતી અને તે બન્ને દિશાઓથી ઘેરાઇ ચૂકી હતી. સાવ અસંમજસ સ્થિતિમાં જ તે રૂમની વચાળે ઉભી હતી કે અચાનક આગળનાં દરવાજેથી કોઇકે તેના નામની બૂમ પાડી હતી. તેની કાળી-ભૂખરી આંખો આશ્વર્યથી પહોળી થઇ હતી કારણ કે એ અવાજ તેણે ઓળખ્યો હતો.

“માયગોડ, અભિમન્યુ તું છે.” તેના ગળમાંથી અવાજ નિકળ્યો અને તે આગળની રૂમ તરફ લગભગ દોડતી જ પહોંચી હતી અને ફટાક કરતો પહેલી રૂમનો દરવાજો ખોલી નાંખ્યો હતો. તેની સામે, રૂમનાં દરવાજાની બારસાખની બરાબર વચ્ચે અભીમન્યુ ઉભો હતો અને તેના હાથમાં ગન ચળકતી હતી. ચારુંના જીગરમાં એકાએક ઉથલ-પાથલ મચી. હજું હમણાં જ તે મરતાં-મરતાં બાલબાલ બચી હતી. એક ગોળી તેની કાનની બૂટને ’ટચ’ કરીને પસાર થઇ ગઇ હતી. ઘડીક તો એમ જ લાગ્યું હતું કે હવે તેનો ખેલ ખતમ થઇ જશે અને તે આ લોકોનાં હાથે જ મરાશે. પણ કોણ જાણે ક્યાંથી અભિમન્યુ અચાનક કોઇ દેવદૂતની જેમ આવી ચડયો હતો અને તેના જીગરમાં અજીબ રાહત છવાઇ હતી. તેની આંખો બારસાખમાં ઉભેલા અભિમન્યુમે જોઇ રહી હતી પરંતુ તેના હદયમાં અપાર સુકુન છવાયું હતું. એ જ અવસ્થામાં તે દોડી હતી અને ધસમસતી આવીને અભિમન્યુનાં ગળે વિંટળાઇ પડી હતી. તેની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાઇ આવ્યાં હતા.

“અરે… અરે…” અભિમન્યુ માટે આ રિએકશન અણધાર્યું હતું. ચારું એટલાં જોસથી દોડીને તેને ભેટી હતી કે તેના શરીરની ગતીનો ધક્કો તેને લાગ્યો હતો અને આપોઆપ તે પાછળ તરફ ખસ્યો હતો. “માયગોડ ચારું, તું મને હમણાં પાડી દેત.” તેનાં મોં માંથી શબ્દો સર્યા હતા અને તેણે ચારુંને સંભાળવા પોતાની બાંહોમાં ભરી લીધી હતી. એ મિલન સાવ અણધાર્યું હતું. હજું ગઇકાલ સુધી એકબીજાથી તદ્દન અજાણ્યાં બે માનવીઓ અત્યારે એકબીજાને ભેટીને ઉભા હતાં. અને એ પણ એવા સંજોગોમાં કે જ્યારે તેમના માથે મોત મંડરાઇ રહ્યું હતું. પણ ખેર, અત્યારે કોઇ પ્રેમાલાપનો સમય નહોતો કે તેઓ પોતાની લાગણીઓનાં પ્રવાહમાં વહી શકે. કારણ કે પાછળનાં બારણે હજું બે આદમીઓ ઉભા હતાં જે ગમે ત્યારે ત્રાટકી પડવાની શક્યતા હતી. અભિમન્યુએ ચારુંને ઝડપથી પોતાનાથી અળગી કરી હતી અને પછી તેણે એ રૂમમાં પ્રવેશ કર્યો હતો.

“પાછળનાં દરવાજે બે માણસો છે. તેમના હાથમાં સાઇલેન્સર યુક્ત ગન છે.” ચારું બોલી ઉઠી.

“હમમમ, તું અહીં જ રહે. બહાર પરસાળમાં પડયાં છે એ લોકો ઉભા ન થાય તેનું ધ્યાન રાખ ત્યાં સુધીમાં હું એ લોકોનો વહીવટ કરતો આવું.” અભિમન્યુ બોલ્યો હતો અને પછી ઝડપથી પાછળનાં દરવાજે પહોંચ્યો.

પાછળ ઉભેલા માણસો ક્યારનાં અસમંજસમાં પડયાં હતા કે અંદર દાખલ થવું કે નહી? કારણ કે તેમણે એ યુવતીનાં હાથમાં ગન જોઇ હતી. યુવતીએ હજું સુધી કંઇ રિએક્ટ કર્યું નહી એની તાજ્જૂબી તેમને ઉદભવતી હતી. જો કે તેમની પાસે વધું વિચારવાનો સમય નહોતો. એક આદમીએ તેની ગનથી આગળીયાનું નિશાન લીધું અને ટ્રિગર દબાવ્યું. ’પીટ’ જેવો અવાજ આવ્યો અને આગળીયાની બાજુમાં મોટું ભગદળું પડયું. બીજા આદમીએ એક જોરદાર લાત ઠોકી અને ધડામ કરતો દરવાજો અંદરની તરફ વિંઝોળાયો. અને… તેની બીજી જ સેકન્ડે તેઓ બન્ને ઠરી ગયા હતા. તેમની આંખોમાં ભય તરી આવ્યો અને આપોઆપ બન્નેનાં હાથ હવામાં અધ્ધર ઉંચકાયા હતા.

બન્યું એવું હતું કે અભિમન્યુ પાછલાં દરવાજે પહોંચ્યો એ વખતે જ કોઇકે ગોળી છોડી હતી. તેણે દરવાજાની બારસાંખનાં છોતરાં ઉડતા જોયા અને થોડો પાછળ ખસીને દરવાજા સમક્ષ નિશાન તાકીને ઉભો રહ્યો જેથી કોઇ અંદર પ્રવેશે કે તુરંત ફાયર કરી શકાય. પરંતુ અચરજ તો તેને પણ થયું હતું કારણ કે દરવાજા બહાર બે માણસો હતા અને એ બન્ને દરવાજો ખૂલતાં જ હાથ અધ્ધર કરીને ખડા થઇ ગયા હતા. ખરેખર તો તેમાથી એકે અભિમન્યુ ઉપર હુમલો કરવો જોઇએ પરંતુ એવું થયું નહી એની તાજ્જૂબી અભિને ઉદભવી હતી. તેની ગન પોઇન્ટના નિશાના ઉપર માત્ર એક આદમી જ આવતો હતો જ્યારે બીજો તેની ઉપર ફાયર કરવા સક્ષમ હતો છતાં તે હાથ ખડા કરીને ઉભો રહી ગયો હતો. તે પોતાનું આશ્વર્ય પ્રગટ કરે એ પહેલાં તેને પોતાની બાજુમાં કશીક હલચલ અનુભવાઇ અને પછી ચારું ગન પકડીને નજદીક આવી હતી. હવે તેને સમજાયું કે કેમ પેલા બન્નેએ પોત-પોતાના હાથ અધ્ધર કર્યાં હતા! તેની અને ચારુંની ગનનાં નાળચે એ બન્નેનાં કપાળ વિંઘાય જાય એમ હતા એટલે તેઓએ હથિયાર ઉંચા કર્યા હતા અને તેમની શરણાગતી સ્વિકારી લીધી હતી.

પણ, એ ચારુંની ગંભીર ભૂલ હતી. અભિમન્યુએ તેને આગળ ઘાયલ થઇને પડેલાં બંડુ અને તેના સાથીદારો ઉપર નજર રાખવાનું સૂચવ્યું હતું એ તેણે કરવા જેવું હતું કારણ કે બંડુને બહું જલ્દી કળ વળી હતી અને તે ઉભો થયો હતો. તેણે જોયું તો ક્વાટરની અંદર કશીક ધમાચકડી મચી હતી. તે એ તરફ જવા માંગતો હતો પરંતુ તેની પાસે કોઇ હથિયાર નહોતું એટલે તેઓ જે વાનમાં બેસીને અહીં આવ્યાં હતા એ વાન તરફની રૂખ કરી હતી. તેને એક વાત બરાબર સમજાઇ હતી કે તેનો પ્લાન ફ્લોપ ગયો છે. જે રીતે અભિમન્યુએ તેની અને તેના આદમીઓની ધોલાઇ કરી હતી એ ઉપરથી તેને અનુમાન આવી જ ગયું હતું એ કોઇ સામાન્ય માણસ નહોતો. તેણે પોતાની અત્યાર સુધીની લાઇફમાં ક્યારેય આટલાં સ્ફૂર્તિલા અને વેલ ટ્રેઇન્ડ માણસનો મુકાબલો કર્યો જ નહોતો. તે ગમ જરૂર ખાઇ ગયો હતો પરંતુ એમ ખાલી હાથે પાછો ફરવા પણ માંગતો નહોતો. એ ફાઇલ તેણે કોઇપણ ભોગે હસ્તગત કરવી જ પડે એમ હતી નહિતર બોસ તેને જીવતો છોડવાનાં નહોતા. તે વાન જ્યાં ઉભી હતી ત્યાં પહોંચ્યો અને ઝડપથી પાછળનો દરવાજો ખોલીને તેમાં ચડી બેઠો. વાનની સીટ નીચે હથિયાર પડયા હતા તેમાથી તેણે એક ઓટોમેટિક ગન ઉઠાવી.

“દાદા, વાનને એ ક્વાટર ભણી ભગાઓ. અને હાં, વાનને બિલકુલ ઉભી રાખવાની નથી. ક્વાટરનાં પાછળનાં ભાગે આપણાં બે માણસો છે. જો એ લોકો આવી શકે એમ હોય તો ઠીક, નહિંતર એમને પણ જતાં કરવાનાં છે. તમે બસ… હું ન કહું ત્યાં સુધી ક્યાંય રોકાતા નહી.” બંડુએ દાંત ભીંસીને વાનનાં ડ્રાઇવરને આદેશ આપ્યો હતો અને, ડ્રાઇવરે વાનને ભયાનક રીતે રેસ કરીને ચારુંના ક્વાટરની પાછળ તરફ ભગાવી મૂકી હતી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

maya shelat

maya shelat 9 માસ પહેલા

Neepa

Neepa 1 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Navin soni

Navin soni 2 વર્ષ પહેલા