અંગારપથ.
વન્સ અપોન ઇન ગોવા
કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “
આ કહાનીમાં એકશન છે, થ્રિલ છે, રહસ્યોની ભરમાર છે, જીવ સટોસટની જંગ છે, કાવાદાવા અને અટપટા દાવપેચ છે, શ્વાસ અધ્ધર થઇ જાય એવાં જીવલેણ સ્ટંન્ટ છે અને છેલ્લે... ભરપુર મનોરંજન પણ છે. તો તૈયાર છો ને...? સીટ બેલ્ટ બાંધી લો કારણકે આપણે આ વખતે ગોવા જઇ રહયાં છીએ...! ધેન લેટ્સ ગો...
ભાગ-૧
ગોવાનાં કલંગૂટ બીચ પર સવારનો કુમળો તડકો પ્રસરવો શરૂ થયો જ હતો કે એક સનસની ફેલાઇ ગઇ. કલંગૂટ બીચ ઉપર બાર અને રેસ્ટોરન્ટ ધરાવતાં રેસ્ટરન્ટનાં માલીક અને કર્મચારીઓ હજું પોતાનો ધંધો શરૂ કરે એ પહેલાં તેઓએ બીચની દક્ષિણ દીશા તરફની રૂખ કરી હતી. બીચનાં દક્ષિણ કિનારે પથરાયેલી સોનેરી રેતીનાં પટથી થોડે આઘે સમુદ્રી પથ્થરોનો એક નાનો.. થોડો સપાટ ટેકરો હતો. એ ટેકરાનાં ખાબોચીયામાં ભરતી વખતે સમુદ્રનું પાણી ભરાતું... એવાં જ એક ખાબોચીયાની વચ્ચે એક યંગ વિદેશી યુવતી ઉંધે માથે પડી હતી. લાગતું હતું કે તેણે રાત્રે વધું પ્રમાણમાં દારૂ ઢીંચી લીધો હશે એટલે પોતાનાં હોશ ખોઇને તે પડી ગઇ હશે. ગોવામાં આવું બનવું સામાન્ય હતું એટલે અહીનાં રહેવાસીઓ અને સહેલાણીઓ માટે આ કોઇ નવીન બાબત નહોતી, પરંતુ અહીં નવીન એ હતું કે યુવતીનાં માથાનાં ભાગેથી ખૂબ સારા પ્રમાણમાં લોહી નિકળીને ખાબોચીયામાં ભરેલાં પાણીમાં ભળતું હતું એટલે જબરી ઉત્સુકતાથી લોકો એકઠા થઇને તરેહ- તરેહની વાતો કરતાં હતાં. કોઇકે ફોન લગાવીને આ ઘટનાની જાણકારી લોકલ પોલીસને કરી હતી. તરત એક એમ્બ્યૂલન્સ તેજ ગતીએ સાઇરન વગાડતી બીચની દીશામાં નિકળી પડી હતી.
એ દરમ્યાન એક ઉત્સાહી નવયુવાન છોકરો ભારે જીજ્ઞાસા વશ ઉંધી પડેલી યુવતીની સાવ નજીક ગયો હતો. એ યુવતીએ ગહેરા પિંક રંગનું, શરીર સાથે ચપોચપ ફીટ થાય એવું વન પીસ ફ્રોક ( ગાઉન ) પહેર્યું હતું. ફ્રોક તેનાં નિતંબને માંડ ઢાંકી શકે એટલું ટૂંકુ હતું અને એ ટૂંકા ફ્રોકમાંથી તેનાં ગોરા.. સૂંવાળા.. લાંબા પગ કંઇક વિચીત્ર પોઝીશનમાં ફાંગાં થઇને પથ્થરો ઉપર ફેલાયેલાં હતાં. યુવાને એ ગોરી યુવતીનાં પડખામાં હાથ નાંખીને તેને ચત્તી કરી... એ સાથે જ ગભરાઇને તે બે ડગલાં પાછળ હટી ગયો. તેની આંખો યુવતીનો ચહેરો જોઇને પહોળી થઇ હતી. દ્રશ્ય હતું જ એટલું દિલ દહેલાવનારું કે કોઇ પણ ચોંકી ઉઠે.
તે યુવતીનો આખો ચહેરો લોહીથી લથપથ હતો. તેનાં કપાળે ઉંડો ઘાવ હતો. લોહી એ ધાવમાંથી જ વહેતું હતું. લાગતું હતું કે કોઇએ ભારે તાકતથી યુવતી ઉપર પ્રહાર કર્યો હશે એટલે આટલો ઉંડો કાપો પડયો હોવો જોઇએ. અથવા તો બીજી શક્યતા એ પણ હતી કે દારૂનાં નશામાં યુવતી પડી ગઇ હોય અને કોઇ અણીયાળા પથ્થરની નોક તેનાં કપાળમાં ખૂંપી ગઇ હોય. પણ એ બીજી શકયતા નહિવત જણાતી હતી કારણકે ઘા એવી રીતે પડયો હતો કે કોઇએ તેની ઉપર ધારદાર હથીયારથી વાર કર્યો હોય એવું પ્રાથમીક દ્રષ્ટીએ જ જણાઇ આવતું હતું. યુવતી મરી ચૂકી હતી. તેનાં શ્વાસાશ્વાસ બંધ હતાં.
ત્યાં એકઠા થયેલાં લોકો તેની હાલત જોઇને સ્તબ્ધતામાં સરી પડયા હતાં. એક વાત બધાને બરાબર સમજાઇ ગઇ હતી કે આ મામલો નાનો સૂનો નથી જ. જરૂર મોટી બબાલ સર્જાશે. એક વિદેશી યુવતી ઉપર હલ્લો થવાની ઘટનાનાં પ્રતિઘાત સમગ્ર ગોવા રાજ્યને હચમચાવી નાંખવા પુરતાં હતાં. છેલ્લા ઘણાં લાંબા સમયથી ગોવા પોલીસ આવી બાબતે ઘણી સખ્તાઇથી વર્તતી હતી. એટલે તેઓ પણ હાથ ધોઇને આ કેસ પાછળ લાગી પડશે. જ્યાં સુધી કેસનો નિવાડો નહી આવે ત્યાં સુધી તેઓ જંપશે નહી અને કોઇને જંપવા દેશે પણ નહી. વિદેશી લોકો ઉપર થતાં ક્રાઇમે ઘણીવખત ગોવાને નાલોશી અપાવી હતી એટલે ગોવાનાં પોલીસ વડાએ પોતાનાં તમામ ઓફીસરોને આ બાબતે સખત હીદાયત દઇ રાખી હતી.
@@@@@@@@@@@@@@
ઇન્સ. કાંબલેએ માથા ઉપરથી કેપ ઉતારીને બગલમાં દબાવી. ગોઠણ વાળીને અધૂકડા બેસતાં તેણે આંખો ઝીણી કરી અને એ યુવતીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું. તેની સાથે તેનો સહાયક સબ ઇન્સ. પેટ્રીક ફર્નાન્ડીઝ હતો.
“ ઇકડે યે ના.... “ કાંબલેએ હાંક મારી પેલા યુવાનને નજીક બોલાવ્યો. “ તું આ યુવતીને અડયો હતો..? “
“ હાં સાહેબ.. એટલે જ તો મને ખબર પડી કે તેને કંઇક વાગ્યું છે.. “ ભારે ઉત્સાહથી યુવાન બોલ્યો. જાણે કોઇ બહું મોટું રહસ્ય ઉજાગર કરી નાંખ્યુ હોય એવા તેનાં હાવભાવ હતાં. કાંબલેને એક ઝાપટ ઠોકી દેવાનું મન થયું. અત્યારે જો તે પોલીસ સ્ટશનમાં હોત તો એવું કર્યું પણ હોત. મહા મુસીબતથી તેણે ગુસ્સો કાબુમાં રાખ્યો.
“ તને ખબર છે બાળા... કે કોઇપણ ગુનાહીત સ્થળે ક્યારેય કોઇ સબૂતને અડકવું જોઇએ નહી... હેં... ? “ તેનાં અવાજમાં ભારોભાર કટાક્ષ હતો. પેલો યુવાન ખાસીયાણો પડી ગયો. “ નેક્ટ ટાઇમ આવું કંઇ થાય તો તારી સ્માર્ટનેસને કાબુમાં રાખજે હોં... “ અને પછી ફરીથી એ યુવતીનું નિરીક્ષણ કરવામાં પરોવાઇ ગયો. કાંબલેની અનુભવી આંખો કહેતી હતી કે આ ખૂનનો મામલો છે. કોઇએ યુવતીનાં માથે બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી હોવી જોઇએ. તેણે તુરંત પંચનામું શરૂ કર્યુ અને ફોટોગ્રાફરને કહી વિવિધ એંગલથી ફોટા લેવરાવ્યાં હતાં.
યુવતી બેહદ રૂપાળી માલુમ પડતી હતી. તેનો આખો ચહેરો લોહીથી ભીંજાયેલો હતો. સમુદ્રનું ખારું પાણી અને લોહીનાં મિશ્રણથી ચહેરા ઉપર ઓઘરાળા પડયા હતાં. લગભગ વીસ- બાવીસ વર્ષની યંગ યુવતી માલુમ પડતી હતી. એ પછી કાંબલેએ ફટાફટ બધું પતાવ્યું હતું અને મૃત યુવતીનાં દેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઉતાવળ કરવાનું કારણ એ હતું કે આ બીચ ઉપર બારેમાસ સહેલાણીઓનો ભારે ઘસારો રહેતો હોય છે. એવા માહોલમાં લોકોમાં જો કોઇ ગેરવ્યાજબી અફવા ફેલાય તો ગોવા ટૂરીઝમને ચોક્કસ મોટો ધક્કો લાગે. અને એ પરિસ્થિતિ અહીની લોકલ પોલીસ માટે પણ શરમજનક ઘટના ગણાય. કાંબલે એવું કંઇ ન થાય એ માટે હંમેશા ભારે સતર્ક રહેતો. એમ્બ્યૂલન્સ યુવતીની બોડી લઇને ગઇ પછીએ પોતાનાં આસીસ્ટન્ટ તરફ ફર્યો.
“ પેટુ... તને શું લાગે છે..? આ હત્યા છે કે અકસ્માત...? “ પેટ્રીક છેલ્લા બે વર્ષથી તેની સાથે હતો એટલે તેમની વચ્ચે સારો ધરોબો કેળવાયો હતો. અને વળી કાંબલેથી પેટ્રીક ખાસ્સો યંગ હતો. એ ન્યાયે તે મોટેભાગે તેને “ પેટુ “ કહીને જ સંબોધતો.
“ શું સર.. તમે મારી ટાંગ ખેંચો છો...! ચોખ્ખુ દેખાય છે કે આ કત્લનો કેસ છે. મારું અનુમાન તો કહે છે કે જરૂર આનો કોઇ બોયફ્રન્ડ હોવો જોઇએ. અને તેણે જ આનું ખૂન કર્યુ હશે. “ પેટ્રીકે દાંત દેખાડતા કહયું. પેટ્રીક હાઇટમાં કાંબલેથી થોડો નીચો અને ગઠીલા બદનનો વ્યક્તિ હતો. કરાટેમાં તે માસ્ટર ડીગ્રી ધરાવતો હતો અને પોલીસની ટ્રેનીગમાં અવ્વલ નંબરે પાસ થયો હતો. મૂળ તે ગોવાનો જ હતો અને તેની પ્રથમ પોસ્ટીંગ કાંબલેની નીચે ગોવામાં જ થઇ હતી એટલે તેને ભાવતું મળ્યું હતું.
“ થાંબા.... થાંબા... બાળા...! હમણાં એટલે દૂર સુધી પહોંચવાની જરૂર નથી. પહેલાં આ યુવતી કોણ હતી અને ક્યાંથી આવી હતી એ જાણવું જોઇએ. તેમાંથી આપણને કોઇ રસ્તો મળી રહેશે. “ કાંબલેએ પેટ્રીકનાં ઉત્સાહ ઉપર ઠંડુ પાણી રેડતાં કહયું. પછી તેઓએ આસપાસમાં પુછપરછ આદરી.
કલંગૂટ બીચ ખાસ્સો ફેમસ એરીયા છે. ગોવા આવતાં મોટાભાગનાં ટૂરીસ્ટો અહી ન આવે એવું તો ભાગ્યે જ બને. ઉપરાંત આ વિસ્તારમાં હોટલોની અને રેસ્ટોરન્ટની પણ ખાસ્સી ભરમાર હતી. અને તેમાં સ્થાનીક નિવાસીઓનાં રહેણાંકો પણ ખરાં. કાંબલે સારી રીતે સમજતો હતો કે તેનું કામ આસાન નહી નિવડે. છતાં તેણે પોતાની ભરપૂર કોશિશો આદરી હતી.
@@@@@@@@@@
પરંતુ... બહું જલ્દી કાંબલેનાં હાથ હેઠા પડયાં હતાં અને મહીનાથી પણ ઓછા સમયમાં એ કેસને અભરાઇએ ચડાવી દેવામાં આવ્યો હતો. કાંબલે ચાહવા છતાં કંઇ કરી શકયો નહોતો કારણકે એ કેસમાં તેનાં હાથમાં કોઇ સબૂત પણ લાગ્યાં નહોતાં. આખરે એવું કોના દબાણથી થયું હતું...? આ પ્રશ્નનો જવાબ કદાચ ક્યારેય ન મળ્યો હોત... જો આ ઘટના બની તેનાં બરાબર સત્તર દિવસ બાદ બીજી એક ઘટના બની ન હોત તો...! શું હતી એ ઘટના...? અને તે આ ગોરી યુવતીનાં કેસ સાથે કેમ કરતાં સંકળાઇ હતી...?
@@@@@@@@@@@
કલંગૂટ બીચથી ઉત્તર તરફ બાઘા બીચ છે. આ બન્ને બીચનો દરિયા કીનારો સળંગ છે. કલંગૂટ બીચથી જમણી બાજું ચાલતાં- ચાલતાં જ તમે બાઘા બીચ ઉપર પહોચી શકો. લગભગ દોઢ થી બે કી.મી. નું અંતર બન્ને બીચ વચ્ચે હશે.
બાઘા બીચનાં ઉત્તર તરફનાં છેડે, ઉંચા પથ્થરોની એક ભેખડ સમુદ્રમાં ઘણે અંદર સુધી ફેલાયેલી છે. એ ભેખડનાં કારણે એ તરફનાં બીચનો કીનારો કુદરતી રીતે જ ગોળાકાર ધારણ કરતો હતો. મોટાભાગનાં સહેલાણીઓ આ ગોળાકારનાં એન્ડ સુધી આવવાનું પસંદ કરતાં નહી કારણકે એ તરફ સમુદ્રનાં પાણીમાં રેતીની જગ્યાએ અણીયાળા પથ્થરોની ભરમાર હતી.
એ ગોળાકાર જેવી જગ્યામાં ઘણાં નવરા યુવાનો પડયા પાથર્યા રહેતાં અને દારૂ, ગાંજા, ચલમનો વ્યાપાર ધમધમાવતાં હતાં. પોલીસ પણ આવા તત્વો પ્રત્યે આંખ આડા કાન કરતી હતી કારણકે અહીં વામન શેખનું સામ્રાજ્ય ચાલતું હતું. નામ તો તેનું જહાંગીર શેખ હતું પરંતુ તેનાં ઠીંગણાં શરીરને કારણે તે વામન શેખ તરીકે પ્રખ્યાત થઇ ગયો હતો.
@@@@@@@@@@@@@@@@@
કલંગૂટ બીચ ઉપર વિદેશી યુવતી વાળી ઘટનાં બની તેનાં બરાબર સત્તરમાં દિવસે બાઘા બીચ ઉપર... પથ્થરોની ભેખડનાં છેડે... લગભગ પાત્રીસેક વર્ષની એક ઔરત લોહી- લુહાણ હાલતમાં ચત્તીપાટ પડી હતી. તેનાં આખા શરીરે મારનાં અસંખ્ય જખમ હતાં. લાગતું હતું કે કોઇએ ભારે બેરહમીથી તેને માર મારીને અહી ફેંકી દીધી છે. તે ઔરત જીવિત હતી. અત્યંત ધીમી ગતીએ તેનાં શ્વાસોશ્વાસ ચાલતાં હતાં. ત્યાં પોતાનાં રખડું મિત્રો સાથે હંમેશા અડ્ડો જમાવીને બેસતાં આલમ કાદરીએ તે ઔરતને સૌ પ્રથમ જોઇ હતી અને તે ગભરાઇ ગયો હતો. તેણે તુરંત એમ્બ્યૂલન્સને ફોન ઘૂમડયો હતો. તે નહોતો જાણતો કે એક ભિષણ જંગનો પાયો એ સેકન્ડે જ નંખાઇ ગયો હતો.
( ક્રમશઃ )
મિત્રો... એક નવી નવલકથાની શરૂઆતનાં ટાણે હું કશુ જ કહેવા નથી માંગતો. બસ... હંમેશની જેમ વાંચો અને બીજાને પણ વંચાવો.
આ નવલકથા હમણાં અઠવાડીયે એક વખત આવશે. નો રીટર્ન-૨ સમાપ્ત થશે પછી તેનાં હપ્તા વધારીશું.
રેટીંગ અને કોમેન્ટ્સ ભૂલાય નહી હોં...
ધન્યવાદ. આપનો જ...
પ્રવિણ પીઠડીયા.