Angarpath. -16 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૧૬

અંગારપથ.

પ્રકરણ-૧૬.

પ્રવિણ પીઠડીયા.

ચા નો ગ્લાસ હાથમાં લઇને તેણે એક ચૂસકી મારી અને પોલીસ ક્વાટરનાં તોતિંગ દરવાજાને તાક્યો. વહેલી સવારનો અંધકાર ભર્યો માહોલ હતો એટલે ક્વાટરની અંદર અત્યારે કોઇ ચહેલ-પહેલ વર્તાતી નહોતી. એકલ-દોકલ રડયાં ખડયાં દૂધવાળા કે પેપર નાંખવાવાળાઓની અવર-જવર સિવાય આ તરફનો રોડ બિલકુલ શાંત હતો. છતાં તે એકદમ સતર્ક થઇને ચારેકોર નજર નાંખી રહ્યો હતો. ઈન્ડિયન ફોર્સનો તેનો અનૂભવ કહેતો હતો કે જ્યારે વાતાવરણ એકદમ ખામોશ અને શાંત જણાતું હોય ત્યારે વધારે સાવધ રહેવું જોઇએ કારણ કે મોટેભાગે એ ખામોશીમાં જ કોઇ મોટા ધમાકાનો આગાઝ છૂપાયેલો હોય છે.

“બીજી ચાય લેશો સાહેબ?” ચા વાળાનાં પ્રશ્ને અચાનક તે વિચારોમાંથી બહાર આવ્યો.

“નાં બસ,” તેણે ખિસ્સામાંથી સિગારેટ્સનું પાકિટ કાઢ્યું અને તેમાથી એક સિગારેટ મોં માં દબાવીને બહાર ખેંચીને તે બોલ્યો. અને પછી તેની પાસેથી માચિસ લઇને સિગારેટ સળગાવીને એક ઉંડો કશ ફેફસામાં ભર્યો. ફેફસામાં ઈમ્પોર્ટેડ તંબાકુ યુક્ત સિગારેટનો ધૂમાડો જતા એકાએક જ તેની સૂસ્તી ઉડી ગઇ હતી અને મગજમાં ધમધમાટ વ્યાપી ગયો હતો. સિગારેટ્સનો તે બંધાણી નહોતો પરંતુ ઘણી વખત પ્રસંગોપાત તે પી લેતો હતો.

ફેફસામાં ઘૂમરાતા ઘૂમાડાને તેણે બહાર હવામાં ફેંકયો જ હશે કે બરાબર એ સમયે એક કાળા રંગની વાન મારંમાર ભાગતી સામેની તરફથી આવી અને એ વાનનાં ડ્રાઇવરે ભયાનક ટર્ન લઇને વાનને સીધી જ ક્વાટરનાં ગેટમાં ઘૂસાડી દીધી. અભિમન્યુ ચોંકયો અને સિગારેટ ફગાવીને તેણે ગેટ તરફ દોટ મૂકી. ક્ષણનાં ચોથાભાગમાં તેને સમજાયું હતું કે તેનું અનુમાન સાચું પડયું છે. જરૂર આ વાન ચારું માટે જ આવી છે કારણ કે જે ઝડપે વાન ગેટમાં દાખલ થઇ હતી એ તેની શંકાને સમર્થન આપવા પૂરતું હતું. ઝડપથી દોડતી વખતે જ તેણે પોતાની ગન બહાર ખેંચી કાઢી હતી અને ગેટમાં દાખલ થઇ વાને જે તરફ વળી હતી એ તરફની તેણે રૂખ કરી હતી. સવારનાં ધૂંધળા વાતાવરણમાં ઉડતા ધૂળનાં ગોટેગોટ વાનની દિશા દર્શાવવા કાફી હતા. તે એની પાછળ દોડતો ગયો.

અભિમન્યુનું અનુમાન સાચું હતું. એ વાનમાં સંજય બંડુ તેના માણસો સાથે આવ્યો હતો. તે બહું સારી રીતે જાણતો હતો કે આમ સરા-જાહેર તે પોલીસ ક્વાટર ઉપર હુમલો કરીને સમગ્ર ગોવાની પોલીસનો ખૌફ વહોરી લેશે પરંતુ તેની પાસે બીજો કોઇ ઓપ્શન નહોતો. જો આજે સવાર પડતાં પહેલા તેના હાથમાં એ ફાઈલ ન આવી તો તેનો બોસ રોબર્ટ ડગ્લાસ ખતમ થઇ જવાનો હતો અને સાથો-સાથ તેનું પણ નામોનિશાન મટી જવાનું હતું. એટલે જ પરિણામની પરવા કર્યાં વગર તે પોલીસ કેવાટરમાં ઘૂસી આવ્યો હતો. ચારુંનું ક્વાટર થોડું અલાયદું અને સૌથી છેવાડે હતું. વાન સીધી જ એ ક્વાટરનાં પગથારે આવીને ઉભી રહી અને એક ઝટકા સાથે તેનું બારણું ખૂલ્યું. તેમાથી ધડાધડ કરતાં ચાર માણસો નીચે ઉતરી પડયા અને આગળ ડ્રાઇવર બાજુની સીટમાં બેઠેલો બંડુ પણ તેમની સાથે થયો. એ તમામનાં હાથમાં ઓટોમેટિક ગન હતી જેમાથી સેકન્ડોમાં ધાણીફૂટ ગોળીબાર થઈ શકતો હતો. વાનનો ડ્રાઇવર વાનને શરૂ કંન્ડિશનમાં જ રાખીને સ્ટેન્ડબાય પોઝિશનમાં ઉભો હતો જેથી કામ ખતમ થાય એટલે તરત ભાગી શકાય. જો કે હજું સુધી તેઓ અહીં ઘૂસી આવ્યાં હતા એની કોઇએ નોંધ લીધી નહોતી. તેનું એક કારણ એ હતું કે ચારુંનું ક્વાટર થોડી અલાયદી જગ્યામાં બનેલું હતું ઉપરાંત આ સમગ્ર ક્વાટરના કેમ્પસમાં હજું થોડા જ ક્વાટરમાં લોકો રહેતા હતા. અને સૌથી મોટું કારણ તો એ હતું કે પોલીસ ક્વાટરમાં ઘૂસીને કોઇ પોલીસ અફસર ઉપર હુમલો કરી શકે એવું તો ક્યારેય કોઇએ વિચાર્યું પણ નહીં હોય. બંડુએ એનો જ ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું હતું.

ચારુંના ક્વાટરનો દરવાજો બંધ હતો. એ દરવાજા આગળ ડાબી અને જમણી બાજું બે-બે બંદૂકધારીઓ ઉભા રહ્યાં અને બંડુએ ધીમેથી દરવાજો ખટખટાવ્યો હતો. પછી ખામોશીથી દરવાજો ખૂલે એની રાહ જોવા લાગ્યાં હતા.

અભિમન્યુ દોડયો હતો. એક વખત તો થયું કે બુલેટ લઇને આવ્યો હોત તો સારું થાત પરંતુ બુલેટના અવાજથી હુમલાખોરો સતર્ક થઇ જવાનો ભય હતો એટલે જ વાન પાછળ તે દોડતો આવ્યો હતો.

ચારુંને મોડી રાત્રે ઉંઘ આવી હતી. આમ તો આખી રાત તેણે પેલી ફાઇલને સમજવામાં જ વિતાવી હતી અને હજું હમણાં જ તેની આંખ લાગી હતી. અર્ધ તંદ્રાવસ્થામાં જ તેને કોઇક બારણું ઠપકારતું હોય એવું લાગ્યું. અત્યારે કોણ હશે? પથારીમાંથી બેઠા થઇને આંખો ચોળતી તે દરવાજા તરફ આગળ વધી જ હતી કે અચાનક તેની છઠ્ઠી ઇન્ર્દિયે તેને રોકી. તેને ખતરાનો અંદાજો આવ્યો. અભિમન્યુએ કહ્યું હતું કે જ્યાં સુધી આ ફાઇલ તેની પાસે રહેશે ત્યાં સુધી તેણે બહું સાવધાનીથી વર્તવું પડશે. તે ઝડપથી પાછી ફરી અને બેડ હેઠેથી પોતાની ગન લીધી. પછી આગળના દરવાજા તરફ જવાને બદલે તે પાછળ વાડા તરફ ગઇ. વાડાનો દરવાજો ખોલીને બહાર નિકળી જ હતી કે અચાનક ’સનનનન…’ કરતો એક સૂસવાટો તેના કાનની બૂટને ટચ કરતો નિકળી ગયો. ચારુંના ધબકારા તેજ થયા અને નીચા નમીને તે ફરીથી ઘરમાં ભરાઇ ગઇ. તેને સમજતાં વાર ન લાગી કે એ લોકો પાસે સાઇલેન્સર યુક્ત ગન છે અને તેઓ બન્ને તરફથી ઘેરાબંધી કરીને ઉભા છે. તે ગભરાઇ ઉઠી. તે સહેજ માટે બચી હતી. તેની આંખો આગળથી મોત પસાર થઇ ગયું હતું. ધડકતા દિલે જ તેણે પોતાના શ્વાસોશ્વાસ ઠીક કર્યા અને હવે શું કરવું એ વિચારમાં ખોવાઇ. તે બન્ને દિશાએથી ઘેરાઇ ગઇ હતી અને એ લોકો પાસે સાઇલેન્સર ચઢાવેલી ગન હતી. મતલબ સાફ હતો કે તેઓ પૂરી તૈયારીઓ સાથે આવ્યાં હતા.

સંજય બંડુએ તેના બે માણસોને ક્વાટરની પાછળ તરફ મોકલ્યાં હતા. તેને ખ્યાલ આવ્યો હતો કે કદાચ ચારું પાછળની તરફથી ભાગવાની કોશિશ કરશે. એ માણસોમાંથી જ એકે ચારું ઉપર ફાયર કર્યો હતો અને ચારું બાલ-બાલ બચી હતી.

અભિમન્યુ ચારુંના ક્વાટર નજીક પહોંચ્યો અને તેણે ત્રણ માણસોને ચારુંના દરવાજે ઉભેલા જોયાં. એ ત્રણેયનાં હાથોમાં ગન હતી અને તેઓ દરવાજો ખોલાવાની મશક્કતમાં પડયા હતા. અભિમન્યુએ તેની ગન સંભાળી. બને ત્યાં સુધી તે ગનનો ઉપયોગ કરવાનું ટાળવા માંગતો હતો જેથી અહી કોઇ અફરા-તફરી ન મચે. કારણ કે તો પછી મામલો સંભાળવો મુશ્કેલ બની જવાનો હતો. ક્વાટરનાં કંમ્પાઉન્ડમાં ઉગેલા ઝાડ પાછળ સંતાતો તે ક્વાટરની જેમ બને એટલી નજીક પહોંચ્યો. એ લોકો દરવાજા સાથે કશીક ગડમથલ કરતાં હતા. કદાચ તેઓ આગળિયો તોડવાની ફિરાકમાં હતા. અભિમન્યુ માટે આ જ સોનેરી મોકો હતો. અને… તે દોડયો. તેની બાજ જેવી આંખોએ ત્યાંની પરિસ્થિતિનો બરાબર તાગ લીધો હતો. ત્રણ માણસો, અને તેમના હાથમાં રહેલી ઇમ્પોર્ટેડ ગન્સ. એનો મુકાબલો કેવી રીતે કરવો એ પ્લાન તેના મનમાં ઘડાઇ ચૂકયો હતો અને ચિત્તાથી પણ વધું ઝડપે તે દોડયો હતો. ગણતરીની ચંદ સેકન્ડોમાં જ તે ચારુંના દરવાજે પહોંચ્યો અને પેલા ત્રણેય કંઇ સમજે એ પહેલાં તો એમની ઉપર રીતસરનો છવાઇ ગયો હતો. તેનો સૌથી પહેલો શિકાર બન્યો સંજય બંડુ. અભિમન્યુએ પોતાની ગનનું બટ સીધું જ તેની ખોપરી ઉપર દઇ માર્યું હતું. ભારખમ બટ જોરથી માથાની બરાબર વચ્ચે ટકરાયું અને બંડુની આંખો આગળ અંધારા છવાયા. એક જ વારમાં તેના હૌંસલા પસ્ત થઇ ગયા હતા. તેના હાથમાંથી ગન છટકીને હેઠે પડી અને પોતાના બન્ને હાથે માથું પકડીને તે ત્યાં જ બેસી પડયો. એ દરમ્યાન અભિમન્યુએ બંડુની બાજુમાં ઉભેલા શખ્શની ગન પોતાના હાથમાં દબાવી હતી તેનું નાળચું એક ઝટકા સાથે ખેંચી નાખ્યું હતું. અને એ સાથે જ આશ્વર્યમાં ગરકાવ ત્રીજો વ્યક્તિ કોઇ હરકત કરે એ પહેલા તેના પેટમાં અભિમન્યુએ કસકસાવીને લાત ઠોકી દીધી હતી. તે બેવડ વળી ગયો અને વાંકા વળીને પોતાનું પેટ પકડીને ત્યાં જ બેસી પડયો. અભિમન્યુ પહેલા હુમલામાં જ એ ત્રણેય ઉપર ભારે પડયો હતો. અને પછી તે અટકયો નહી. એ ત્રણેયની ગન હાથવગી કરીને તેમને ધોવાનું શરૂ કર્યું. ગણતરીની માત્ર ચંદ મિનિટોમાં એ લોકો અધમૂવા થઇને ધૂળ ચાંટતા થઇ ગયા હતા.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED