અંગારપથ - ૧૮ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગારપથ - ૧૮

અંગારપથ.

પ્રકરણ-૧૮.

પ્રવીણ પીઠડીયા.

“દાદા, વાનને ક્વાટરનાં પાછલાં ભાગ તરફ લો. ત્યાં આપણાં બે માણસો છે.” બંડુના શ્વરમાં ભારે ઉત્તેજનાં હતી. અભિમન્યુએ તેને એટલો ઠમઠોર્યો હતો કે તે વાનની સીટ ઉપર સરખો બેસી પણ શકતો નહોતો. તેની જગ્યાએ જો કોઇ સામાન્ય માણસ હોત તો ક્યારનો બેહોશ થઇને ત્યાં જ પડયો રહ્યો હોત. પરંતુ આ બંડુ હતો. ખતરનાક અને વિચક્ષણ. તેણે પોતાની લાઇફમાં આવી કેટલીય પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. તે જાણતો હતો કે જે દિવસે તમે મનથી હારી ગયાં એ દિવસે તમારું મોત નિશ્વિત છે. એટલે જ તે પોતાની તમામ પીડાઓને ભૂલાવીને વાન સુધી આવ્યો હતો.

વાનનાં ડ્રાઇવરે વાનને ’રેસ´ કરી હતી અને ભયાવહ વેગે ક્વાટરની પાછળ તરફ ભગાવી. ક્વાટરનો એ તરફનો ભાગ સાવ ખૂલ્લો જ હતો. વાન બરાબર ક્વાટરની પાછળ પહોંચી કે ભયાનક ચિચિયારી સાથે દાદાએ બ્રેક મારીને તેને ઉભી રાખી દીધી હતી. એ તરફ અજબ ટેબ્લો પડયો હતો. ક્વાટરનાં પાછલાં દરવાજે બંડુનાં બન્ને આદમીઓ અભિમન્યુ અને ચારુંના ગન પોઇન્ટ ઉપર હતા અને અભિમન્યુ તેને બહાર તરફ ચાલવાનો ઈશારો કરતો હતો. બરાબર એ ક્ષણે જ તેણે વાનને આવતી જોઇ હતી. તેનું માથું ઠનકયું. સાથોસાથ વાનનાં પાછલાં દરવાજે ટિંગાતાં બંડુને જોયો હતો. તેને આશ્વર્ય ઉદભવ્યું કે બંડુ આટલી જલ્દી અહીં કેવી રીતે આવી ચડયો! તે જબરજસ્ત દુવિધામાં પડયો. પરંતુ એટલી ઝડપે જ તે સ્વસ્થ થયો હતો. તેણે આવી તો કેટલીય વિકટ પરિસ્થિતિઓને હેન્ડલ કરી હતી. આર્મીની ફરજ દરમ્યાન એક સેકન્ડનાં સો માં ભાગે તે રિએક્ટ કરતાં શિખ્યો હતો. કોઇ વિચાર મનમાં ઉદભવે એ પહેલાં હલ્લો કરી દેવાનો ગુણ તેનામાં આપોઆપ આવી ગયો હતો. વિજળીની ઝડપે તેનું શરીર પ્રતિક્રિયા કરી નાંખતું. અહી પણ એવું જ થયું. તેને આશ્વર્ય તો ઉદભવ્યું જ હતું પરંતુ એ આશ્વર્યનું તે પૃથ્થકરણ કરે એ પહેલાં તેના હાથની આંગળીઓએ હરકત કરી નાંખી હતી. બે વખત તેની આંગળી તેણે પકડેલી ગનનાં ટ્રિગર ઉપર દબાઇ હતી અને પેલાં બન્ને ત્યાં જ ઢેર થઇને પડી ગયાં. સાથોસાથ તેણે ચારુંનો હાથ પકડયો અને રીતસરનો હવામાં ઉડતો જ હોય એમ ચારુંને લઇને ક્વાટરની લોન ઉપર છલાંગ લગાવી દીધી હતી. તેણે સંજય બંડુનાં હાથમાં ઓટોમેટિક ગન જોઇ હતી. તે સમજી ગયો હતો કે એ ગન ખાલી દેખાડવા માટે જ બંડુ સાથે લાવ્યો નહી હોય. તેની એ ધારણાં એ સમયે જ સાચી પડી. જેવા તેઓ બન્ને નીચે લોન ઉપર ખાબક્યાં કે બંડુની ગન ગરજી ઉઠી હતી. એવું લાગ્યું જાણે એકસાથે હજ્જારો ગોળીઓનો સૈલાબ તેમની તરફ આવ્યો છે. એ ગોળીઓ ક્વાટરનાં પાછલાં દરવાજા અને તેની બારસાખ આસપાસનાં સમગ્ર ભાગનાં છોતરાં ઉડાડતી દિવાલમાં ખલાઇ ગઇ. દરવાજાનાં લાકડાં અને પ્લાસ્ટરનાં પોપડાં રીતસરના હવામાં ઉડયાં હતા. અસંખ્ય ગોળીઓનાં નિશાનથી ક્વાટરનો પાછળનો આખો ભાગ ચિત્રાઇ ગયો. અભિમન્યુએ જો સેકન્ડભર માટે મોડું કર્યું હોત તો તેના અને ચારુંના શરીર અત્યારે છલણી થઇને ક્વાટરનાં વાડામાં પડયાં હોત.

“દાદા, જલ્દી વાન ભગાઓ.” બંડુએ લગભગ ચીખ જ નાંખી હતી. પોતાનો વાર ખાલી ગયેલો ભાળીને બંડુ ખિજાયો. એ સાથે જ વાન તેજ રફ્તારે ઉપડી. “એ તરફ નહી. આગળ… આપણાં માણસો પડયાં છે ત્યાં વાનને લઇ લો.” તે ફરીથી ચિલ્લાયો. દાદાએ અસમંજમાં જ વાનને પાછી ક્વાટરનાં મૂખ્ય દરવાજા તરફ ભગાવી હતી અને તેમનાં બે માણસો પરસાળની નીચે પડયા હતા તેની લગોલગ લાવીને થોભાવી હતી. “આને ઉઠાવીને વાનમાં નાંખો.” બંડુ બોલ્યો અને ભયંકર ઝડપે તે બન્નેએ ભેગા મળીને તેમના માણસોને વાનમાં નાંખ્યાં હતા. અને… બંડુએ એક ખતરનાક કામ કર્યું. તેણે વાનની સીટ નીચેથી એક ગ્રેનેડ હાથમાં લીધો. તેની પીન કાઢી અને ચારુંનાં કેવાટરની અંદર તરફ ઉલાળી દીધો. સેકન્ડનીય વાર લગાડયાં વગર તે પાછો વાનમાં સવાર થયો અને એ સાથે જ વાન હવા સાથે વાતો કરતી હોય એમ ક્વાટરનાં મેઈન ગેટની બહાર નીકળી ગઇ. ભયંકર ઝડપે એ બધું થયું હતું. કોઇ કંઇ વિચારે કે અચાનક આ શેની ભાગદોડ મચી છે એ પહેલાં તો એક ભયાનક ધમાકો થયો હતો અને ચારુંનાં ક્વાટરનો આગળનો આખો ભાગ રીતસરનો હવામાં ઉંચકાઇને ટૂકડાઓમાં વિખેરાઇ ગયો હતો. સમગ્ર પોલીસ ક્વાટર એ ધમાકામાં ધણધણી ઉઠયું. એ ધમાકાનો અવાજ ઘણે દૂર સુધી પડઘાયો હતો અને ક્વાટરમાં રહેતાં લોકો એકાએક ત્યાં દોડી આવ્યાં હતા.

@@@

અભિમન્યુ જેવો કઠણ વ્યક્તિ પણ એક વખત તો ઘ્રૂજી ગયો. પોલીસ હેડક્વાટર ઉપર હુમલો થવો અને ગ્રેનેડથી ક્વાટરને ઉડાવી દેવું એ કોઇ નાનીસૂની વારદાત નહોતી. આ હુમલો દર્શાવતો હતો કે તેનો પનારો કોઇ સામાન્ય કક્ષાનાં અપરાધીઓ સાથે નથી પડયો. એક સંગઠિત ગીરોહ હતો કે જેણે ગોવાની સમસ્ત પોલીસફોર્સને લલકારી હતી અને ધોળે દિવસે ગોવા પોલીસની આબરુંના ધજાગરાં ઉડાવ્યાં હતા. એ હૈરાન કરવા વાળી વાત હતી.

આ હુમલામાં તે અને ચારું બાલ-બાલ બચ્યાં હતા. જો તેણે જમ્પ માર્યો ન હોત તો અત્યારે તે બન્નેની લાશો ત્યાં પડી હોત. બંડુએ તેમને મારવામાં કોઇ કસર બાકી છોડી નહોતી.

તે ઉભો થયો. હવે અહીં રોકાવા જોખમ ભર્યું હતું. પોલીસ ક્વાટરમાં રહેતાં અફસરો ચારુંના ક્વાટર તરફ દોડી આવ્યાં હતા. તેમને ખબર નહોતી કે આ ધમાકો કેમ કરતાં થયો હતો. એ સમજાતાં સમય લાગવાનો હતો. અભિમન્યુંએ સંભાળીને ચારુંને ઉભી કરી. એ તો સાવ ધરબાઈ જ ગઇ હતી. તેણે તેનો હાથ પકડયો અને કોઇની નજરોએ ચડયાં વગર તેઓ ક્વાટરથી દૂર નીકળી આવ્યાં. ક્વાટરની બહાર ચા-વાળાની લારી પાસે તેનું બુલેટ પડયું હતું. તેના પર સવાર થઇને તેઓ હોટલ તરફ નીકળી પડયાં.

પેલી ફાઇલ હજું પણ ચારુંની પાસે જ હતી. એ ફાઇલ વિસ્ફોટકોનો ખજાનો હતી. કોઇ નહોતું જાણતું કે આવનારાં સમયમાં ગોવાનો ઈતિહાસ કેવી કરવટ બદલશે!

@@@

ડેરેન લોબો ધરબાઇ ગયો હતો. જે સમાચાર તેના કાને અફળાયાં હતા એ દિલ ધડકાવનારાં હતા. તેને ખબર તો હતી જ કે અભિમન્યુ જરૂર કંઇક નવા-જૂની કરશે. પરંતુ એ નવા-જૂની બોંમ્બ ધમાકાં સ્વરૂપે હશે એ તે નહોતો જાણતો. અને બોમ્બ ધમાકો થયો પણ ક્યાં હતો, પોલીસ ક્વાટરમાં! આ ખતરનાક બાબત હતી. તેનું માથું ચકરાતું હતું. અભિમન્યુને તે ઘણાં લાંબાં સમયથી જાણતો હતો. તેના જેવો મરહટ્ટો સૈનિક મળવો મુશ્કેલ હતો. તે મનમાં જે કાર્ય નક્કી કરી લેતો, એ કાર્ય ગમે તેવા વિકટ સંજોગોમાં પણ તે પાર પાડીને જ જંપતો. તે ગોવા આવ્યો ત્યારે જ તેણે સમજી જવાની જરૂર હતી કે હવે આ શહેરનું આવી બનવાનું છે. તે એક આદમી જ પૂરા ગોવાનું ધનોત-પનોત કાઢી નાંખવાં પૂરતો હતો. જેની શરૂઆત તેણે કરી દીધી હતી. ખરેખર એ બદમાશોએ તેની બહેનને ટાર્ગેટ બનાવીને બહું મોટી ભૂલ કરી નાંખી હતી. હવે એનું પરિણામ તેઓએ ભોગવવાનું હતું.

સૌથી વધું ચિંતા તેને પોતાનાં બોસ સુશિલ દેસાઈની થતી હતી. એને શું જવાબ આપવો એ તેને સમજાતું નહોતું.

@@@

હોટલનાં પ્રાંગણમાં આવીને અભિમન્યુંએ બુલેટ થોભાવ્યું. એક વખત તેના મનમાં વિચાર આવી ગયો કે હવે આ હોટલમાં રોકાવાં જેવું નથી કારણ કે હવે તે ખૂલ્લો પડી ગયો હતો. ક્યારેય પણ તેની ઉપર હુમલો થઇ શકે તેમ હતો. ’ગોલ્ડનબાર’માંથી જે ફાઈલ તે ઉંચકી લાવ્યો હતો એ ફાઈલ કોઇ જીવતાં બોમ્બની માફક તેની સાથે જ હતી. એ બોમ્બ ક્યારે ફાટે એ નક્કી નહોતું. તેનું એક રિએકશન તો હમણાં જ તે જોઇને આવ્યો હતો. એક ફાઈલ મેળવવાં માટે થઇને પોલીસ ક્વાટર ઉપર હુમલો થયો હતો અને એ પણ ધોળે દિવસે, એ કોઇ નાનીસૂની વાત નહોતી. પરંતુ… એમ પાછી પાની કરવી તેના સ્વભાવમાં નહોતું. દુશ્મન જેટલો શક્તિશાળી હોય એટલી જ વધું મજા તેને આવતી. એટલાં જ વધારે ઝનૂનથી તે દુશ્મનો ઉપર ત્રાટકતો અને તેમનાં ભૂક્કા બોલાવી નાંખતો. તેણે ચારું સામું જોયું. તેને હવે એકલી મૂકાય એમ નહોતી. ભલે તે એક પોલીસ અફસર હોય, પરંતુ ગોવા હવે તેના માટે પણ સુરક્ષિત નહોતું.

“જ્યાં સુધી આ કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી તું મારી સાથે જ રહેજે. આમ પણ હવે તું તારાં ક્વાટર પર જઇ શકવાની નથી. મારું માન તો હમણાં ડ્યૂટી ઉપર રજા મૂકી દે. એ જ સારું રહેશે.” તેણે કહ્યું.

“તને લાગે છે કે હું એટલી ડરપોક છું?” ચારુંએ તેની આંખોમાં ઝાંકતાં પૂછયું.

“મને તારી ફિકર છે એટલે કહું છું. તું બહાદૂર છો એ હું જાણું છું છતાં તને મરતી જોવી મને બિલકુલ પસંદ નહી આવે.” અભિમન્યુને આટલી તંગ પરિસ્થિતિમાં પણ મજાક સુજી હતી. ચારુંએ મોં મચકોડયું અને તેની બાંહમાં પોતાનો હાથ પરોવ્યો.

“તું છોં પછી મજાલ છે કોઇની કે મને મારી શકે?” ચારું બોલી ઉઠી. એ પણ ક્યાં પાછી પડે એમ હતી.

(ક્રમશઃ)