અંગારપથ ભાગ-૫ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અંગારપથ ભાગ-૫

અંગારપથ

ભાગ-૫

( આગળ વાંચ્યુઃ- અભિમન્યુ ગોવા આવી પહોંચે છે... ચારૂ દેશપાંડે રંગાભાઉને મળવા જાય છે... ઇન્સ. કાંબલે તેનાં નિયત સમયે પોલીસ ચોકી પહોંચતો નથી... હવે આગળ...)

ડેરેન લોબો અભિમન્યુને સીધો જ હોસ્પિટલે લઇ આવ્યો. ગોવાની સરકારી અસ્પતાલનાં આઇ.સી.યુ. વિભાગમાં રક્ષાને રાખવામાં આવી હતી અને તેને સધન સારવાર અપાઇ રહી હતી. અભિમન્યુ રક્ષાની હાલત જોઇને સહમી ગયો. રક્ષાનાં મોં પર અને આખા શરીરે અસંખ્ય ઘાવ હતાં જેનાં પર ડોકટરોએ પાટાપિંડી કરી હતી. તેનાં શ્વાસોશ્વાસ યોગ્ય રીતે ચાલે એ માટે ઓક્સિજન માસ્ક લગાવેલો હતો અને અનેક નળીઓ તેનાં શરીરમાંથી નિકળીને અવનવા મશીનો સાથે જોડાયેલી હતી.

“ કોણે કર્યું આ...? “ ડેરેન તરફ ફરતાં અભિમન્યુએ પુંછયું. તેનાં જીગરમાં બહેનની આવી હાલત જોઇને આગ સળગી હતી.

“ કોઇ નથી જાણતું. પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે..” ડેરેન નિશ્વાસ નાખતાં બોલ્યો. આ મામલો તેનાં અંડરમાં આવતો નહોતો. નોર્કોટિક્સ અફસર થઇને તે લોકલ પોલીસનાં કામમાં દખલ કરે તો તેણે પોતાનાં ઉપરીને જવાબ આપવો પડે એટલે તે ખામોશ હતો.

“ કોનાં ચાર્જમાં છે આ કેસ...? “

“ ઇન્સ. કાંબલે. બાગા બીચ ચોકી..”

“ કંઇ જાણવાં મળ્યું...? ”

“ હજું સુધી તો નહી. કાંબલેનું માનવું છે કે રક્ષા પાણીમાં તણાઇને ત્યાં પહોંચી હશે, કારણકે તેનાં ફેફસામાં દરિયાનું પાણી મોજુદ હતું. “ ડેરેન જે જાણતો હતો એ તેણે કહ્યું.

“ મતલબ કે રક્ષાને અન્ય કોઇ જગ્યાએ મારવામાં આવી હશે અને ત્યાંથી તે બીચ સુધી તણાઇ આવી હશે..? “ અભિનાં ભવા સંકોચાયા. આ વાત તેનાં જહેનમાં ઉતરી નહી. કંઇક ગરબડ હોય એવું લાગ્યું તેને.

“ લગભગ એવું જ કંઇક સમજને... “ ડેરેન બોલ્યો. એ પછી કોઇ કંઇ બોલ્યું નહી. થોડીવાર પૂરતી કમરામાં ખામોશી છવાઇ. એ દરમ્યાન કમરામાં હાજર હતો એ ડોકટર થોડોક આગળ આવ્યો.

“ પેશન્ટને અહી લાવવામાં આવી ત્યારે તેની કન્ડિશન અત્યંત ગંભીર હતી. અમે સારવાર ચાલું કરી એ દરમ્યાન થોડીવાર માટે તે ભાનમાં આવી હતી અને “ જૂલી... જૂલી “ કે પછી એ મતલબનું કંઇક બબડી હતી. મેં ઇન્સ. ને પણ એ બાબતે જણાવ્યું હતું. “ ડોકટરને લાગ્યું કે તેણે આ વાત દર્દીનાં ભાઇને જણાવવી જોઇએ એટલે કહ્યું.

“ જૂલી...! એનો શું મતલબ..? કોઇ છોકરી ઇન્વોલ્વ છે આમાં..? રક્ષાએ જૂલીનું નામ શું કામ લીધું હશે..? ડોકટર, પ્લીઝ ટેલ મી.. એ પછી રક્ષા શું બોલી હતી..? ” અભિમન્યુ એકાએક સતર્ક બન્યો.

“ પછી તો એ કંઇ બોલી નહોતી. બસ, બે ત્રણ વખત જૂલીનું નામ લઇને ફરીથી તે બેહોશીમાં ચાલી ગઇ હતી. “ ડોકટરે અભિનાં ઉત્સાહ પર ઠંડુ પાણી ફેરવી દીધું.

“ આપણે કાંબલને મળવું જોઇએ. તેણે જૂલી બાબતે જરૂર કઇંક તપાસ કરી હશે “ ડેરેને તર્ક લગાવ્યો. ડોકટરે જે કહ્યું તેનો તાળો મેળવવા કાંબલેને મળવું જરૂરી બની જતું હતું.

“ ઓ.કે. ચાલ, અત્યારે જ જઇએ...! ડોકટર, પ્લીઝ ટેક કેર ઓફ માય સિસ્ટર..” રક્ષાને ડોકટરો ભરોસે છોડીને તેઓ બાગા બીચ ચોકી જવાં રવાનાં થયાં.

એ સમયે તેમને ખબર નહોતી કે ઇન્સ. કાંબલે ખુદ સવારથી ગાયબ હતો. તેનાં કોઇ સગડ નહોતાં.

@@@@@@@@@@@@@

સબ ઇન્સ.પેટ્રીક ફર્નાન્ડીઝ હેરાન પરેશાન થતો ચારેકોર ફોન ઘૂમડતો હતો. કાંબલે સાહેબની જ્યાં જ્યાં હોવાની શક્યતાઓ હતી એ તમામ જગ્યાએ તેણે તપાસ કરી લીધી હતી. અરે ખુદ કાંબલનો ફોન પણ સવારથી બંધ આવતો હતો. તેઓ તેમનાં ઘરે પણ નહોતાં. કાંબલેની પત્નીએ જણાવ્યું હતું કે સવારે તૈયાર થઇને તેઓ વહેલાં જ નિકળી ગયાં હતાં અને અત્યારે તે ખુદ પરેશાન થઇને તેમને ફોન લગાવાની કોશિશ કરતી હતી.

પેટ્રીક મૂઝાંતો હતો કે હવે શું કરવું...? કાંબલે સાહેબનો કોઇ પત્તો નહોતો. ઇન્સપેક્ટર કક્ષાનો એક અધીકારી લાપતા બને એ કોઇ નાનીસૂની ઘટનાં નહોતી. ભારે મુંઝવણમાં જ તે પોલીસ ચોકીમાં આમથી તેમ આંટા મારતો ચહલ કદમી કરી રહ્યો હતો કે તેણે ડેરેન લોબોને અન્ય એક ખડતલ બાંધો ધરાવતાં શખ્સ સાથે ચોકીનાં પગથીયા ચડતાં જોયો.

“ આ વળી શું નવી મુસીબત..! “ ડેરેનને અચાનક આવી ચડેલો જોઇ તેનો મૂડ ઉખડી ગયો. એક તો સવારથી કાંબલે સાહેબની ઉપાધી હતી તેમાં આ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનાં અધીકારીને ચોકીમાં આવેલાં જોઇને તેને સમજાયું હતું કે હવે જરૂર કંઇક નવા જૂની થઇને જ રહેશે. તે ઇચ્છતો હતો કે કાંબલે સાહેબ ગુમ થયાં છે એ ખબર હમણાં કોઇને ન થાય. કારણકે તેમાં પોલીસખાતાની જ બદનામી થવાની શક્યતાં હતી. લોકો તો એમ જ કહેને કે જ્યારે ખુદ પોલીસવાળા જ સલામત નથી ત્યારે તેઓ સામાન્ય પબ્લિકની સુરક્ષા કેવી રીતે કરશે..!

“ હેલ્લો પેટ્રીક.. ” ડેરેને હાથ લંબાવ્યો.

“ હેલ્લો ડેરેન... આજે અચાનક અમારી યાદ આવી..? “

“ મીટ માય ફ્રેન્ડ અભિમન્યુ.. “ ડેરેને અભિમન્યુની ઓળખાણ કરાવી. તેને ખ્યાલ આવ્યો હતો કે પેટ્રીકનો મૂડ ઠીક નથી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવું અકસર થતું હોય છે, એક ખાતાનો અધીકારી બીજા ખાતાનાં અફસર સાથે ભાગ્યે જ સરખી રીતે વર્તતો હોય છે, એટલે ડેરેને પેટ્રીકનો ઠંડો આવકાર હસતાં મોં એ સ્વિકાર્યો. “ અભિમન્યુ ભારતીય સૈન્યમાં મેજર છે. મેજર અભિમન્યુ સૂર્યવંશી..” સૂર્યવંશી ઉપર ખાસ ભાર આપીને તે બોલ્યો હતો. અને... પેટ્રીકને એ સમજાયું પણ ખરું.

“ ઓહ.. તો તમે રક્ષા સૂર્યવંશીનાં...? “ વાક્ય અધ્યાહાર છોડયું પેટ્રીકે.

“ જી, એ મારી બહેન છે. અમારે કાંબલ સાહેબને મળવું છે..” અભિમન્યુએ આગળ વધીને પેટ્રીક સાથે હાથ મેળવ્યો. છ ફૂટ ઉંચા અભિમન્યુનાં હાથનાં પંજામાં અસીમ તાકાત હતી એ પેટ્રીકે નોંધ્યું. મનમાં જ તેનાથી અભિમન્યુનાં ગઠીલા શરીરની પ્રશંસા થઇ ગઇ. પણ... કાંબલે સાહેબને મળવાની વાતથી મોઢામાં જાણે કડવાહટ ભળી હોય એવું લાગ્યું.

“ કાંબલે સાહેબનો સવારથી ફોન નથી લાગતો... “ તે બોલ્યો.

“ ફોન નથી લાગતો મતલબ..? શું તેઓ ચોકીએ આવ્યા નથી.? ”

“ સવારથી નથી આવ્યાં. અમે તેમને જ શોધી રહ્યાં છીએ.. “

“ એક મિનિટ.. તારો કહેવાનો મતલબ છે કે કાંબલે સાહેબ ગૂમ છે..? “ ભારે હૈરતથી ડેરેને પુંછયું.

“ જી... “ સાચું બોલવા સિવાય પેટ્રીકનો ચારો નહોતો. “ પણ કદાચ તેઓ કોઇ કામ અર્થે બહાર ગયાં હોય એવું પણ બને. અત્યારે ચોક્કસ કંઇ કહી શકાય નહી. ”

“ ઓહ.. અચ્છા. “ વાત ત્યાં જ પુરી થઇ ગઇ કારણકે કાંબલે વગર કંઇ થઇ શકે તેમ નહોતું. “ કાંબલે સાહેબ આવે એટલે તુરંત મને જાણ કરજે..” કહીને ડેરેને બહાર જવાં પગ ઉપાડયાં.

“ તું જૂલી નામની કોઇ યુવતી કે સ્ત્રીને ઓળખે છે..? “ અભિમન્યુએ અટકીને પેટ્રીકને એકાએક જ પુછયું હતું.

“ જૂલી..? “ પેટ્રીકનાં ચહેરા ઉપર મુંઝવણ ઉદભવી. “ તેનું શું છે..? હું આ નામની કોઇ ઔરતને જાણતો હોઉં એવું તો મને યાદ નથી. “

“ ઓહ.. અચ્છા.. કંઇ નહી. આ તો જસ્ટ એમ જ.. “ અભિમન્યુ પણ પોલીસ ચોકીનાં દાદરા ઉતરી ગયો.

હવે જે કરવાનું હતું એ તેણે પોતાની જાતે કરવાનું નક્કી કરી લીધું. ત્યારબાદ તેઓ ફરીથી હોસ્પિટલે આવ્યાં હતાં. રક્ષાની સ્થિતિમાં કોઇ ફરક આવ્યો નહોતો. ડેરેને અભિમન્યુનાં રહેવાની વ્યવસ્થા હોસ્પિટલની નજીક એક હોટલમાં ગોઠવી આપી હતી.

@@@@@@@@@

ઇન્સ. કાંબલે... બિચારો... સવારે ઘરેથી નિકળ્યો ત્યારે ખૂશખૂશાલ હતો. આજે તેનાં જીવનમાં નવી રોનક આવવાની હતી. એક મોટો સોદો પાડવાં તે જઇ રહ્યો હતો. પરંતુ... તેને ખબર નહોતી કે સામે ચાલીને તે એક સાઝીશમાં ફસાવાનો છે. તેનું ભવિષ્ય અંધકારની ભયાનક ગર્તા હેઠળ દટાઇ જવાનું છે. એક એવી સાઝીશ જેનો તોડ કદાચ કોઇની પાસે નહોતો.

@@@@@@@@@@

“ ડેરેન... સવારનો ક્યાં હતો..? “ સુશીલ દેસાઇએ ડિપાર્ટમેન્ટની લોબીમાં જ ડેરેનને રોક્યો હતો અને પુંછયું હતું. ડેરેન આજે સવારથી તેમને દેખાયો નહોતો એટલે એ એક સ્વાભાવિક પ્રશ્ન હતો. તે ડેરેનને પોતાનાં પુત્ર સમાન માનતાં હતાં.

“ રક્ષા સૂર્યવંશીનો ભાઇ અભિમન્યુ આવ્યો છે. અમે બહું જૂનાં મિત્રો છીએ. એ ભારતીય સૈન્યમાં છે. સવારથી હું તેની સાથે જ હતો. તે તેની બહેનને લઇને ઘણો પરેશાન છે. “ ડેરેને જવાબ આપ્યો. પોતાનાં ઉપરી તેનો કેટલો ખ્યાલ રાખે છે એ જોઇને તેને સુશીલ દેસાઇ પ્રત્યે ઘણું માન થયું.

“ રક્ષા સૂર્યવંશી એટલે... પેલી બીચ ઉપર ઘાયલ અવસ્થામાં મળી હતી એ જ ને..! તેનાં કેસમાં કંઇ પ્રોગ્રેસ થઇ કે નહી..? “ દેસાઇએ મગજ ઉપર ભાર દઇને યાદ કરતાં પુંછયું.

“ હાં.. એ જ. અભિમન્યુ તેની બહેનને ખૂબ ચાહે છે. એ ચૂપ નહી બેસે. પોલીસ વાળા તો કંઇ કરતાં હોય એમ લાગતું નથી. “ કાંબલે વાળી ઘટનાને અધ્યાહાર રાખીને ડેરેને કહ્યું.

“ ચૂપ નહી બેસે એટલે...? શું એ કાયદો અને વ્યવસ્થા પોતાનાં હાથમાં લેશે..? જો તે એવું કંઇ કરવાનો હોય તો તારા એ મિત્રને સમજાવજે કે આ ગોવા છે. અહી ક્યારે શું થઇ જાય એ નક્કી નહી. ઉપર ઉપરથી શાંત જણાતું આ શહેર પોતાની ભિતર ઘણાં રહસ્યોને ભંડારીને બેઠું છે. ક્યાંક તેનાં હાથ દાઝી ન જાય એ જોજે. “ દેસાઇએ સલાહનો ધોધ છૂટો મુકી દીધો. તેને આ જૂવાન છોકરાઓની ફિકર થઇ હતી.

“ હું વાત કરીશ તેને. તેની રગોમાં એક સૈનિકનું લોહી ધગધગે છે એટલે તેને સંભાળવો મુશ્કેલ તો છે છતાં હું કોશિશ જરૂર કરીશ. “ ડેરેન બોલ્યો. “ અચ્છા સર... તમે કોઇ જૂલીને ઓળખો છો..? “ એકાએક જ તેને યાદ આવ્યું હતું અને તેણે દેસાઇને લાગલું જ પુંછી લીધું હતું. દેસાઇનાં કપાળે એ નામ સાંભળીને સળ પડયાં. કદાચ તે ચોંકયો પણ હતો.

“ જૂલી...! નહીં તો...! હું કોઇ જૂલીને ઓળખતો હોઉં એવું મારા ધ્યાનમાં તો નથી. “

“ ઓહ... “ ડેરેને નિશ્વાસ નાંખ્યો.

“ છોડ એ બધી પંચાત અને એ કહે કે તને કામ સોંપ્યું હતું એનું શું થયું...? ડ્રગ્સ્ ડિલરોનું લીસ્ટ તૈયાર થયું કે નહીં..? “

“ એ કામ પાછળ જ લાગેલો છું. થોડો સમય આપો એટલે લીસ્ટ તમારી સમક્ષ હાજર હશે. “

“ સારું ત્યારે... પણ થોડી ઉતાવળ રાખજે. અને હાં... એક લીડ આપું તને, તારા ફૌજી મિત્રને કહે કે રોબર્ટ ડગ્લાસ અને સંભાજી ગોવરેકરને ખંગોળે. કદાચ તેને ત્યાંથી કશુંક મળી જાય. બાકી આ સામાન્ય પોલીસવાળા કશું કરે એ અપેક્ષા વધું પડતી છે. “ કહીને દેસાઇએ ડેરેન સામે આંખ મિચકારી અને પછી પોતાની ઓફીસ તરફ ચાલતી પકડી.

ડેરેન આભો બનીને પોતાનાં આ વૃધ્ધ થતાં જતાં બોસને આશ્વર્યથી તાકી રહ્યો. જતાં જતાં તે એક જબરજસ્ત ક્લ્યૂ આપી ગયો હતો. મનમાં જ તેણે દેસાઇની તારીફ કરી. “ સાલ્લો.. બુઢ્ઢો બોસ... “ તે હસ્યો અને પછી કામે વળગ્યો.

ત્યારે તેને પણ ખબર નહોતી કે અભિમન્યુને એક ભિષણ જંગ તરફ તે ધકેલી રહયો છે.

( ક્રમશઃ )

વધું આવતાં સોમવારે..

મિત્રો, આપનાં કિંમતી સૂચનો આવકાર્ય છે.

રેટિંગ અને કોમેન્ટ ચોક્કસ કરજો.

મારી સાથે જોડાવા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટસઅપ કરી શકો છો.

ફેસબુક અને ઇન્ટા. પર મને ફોલો પણ કરી શકો છો.

ઉપરાંત મારી અન્ય નોવેલ્સ જેવી કે

નો રીટર્ન-૧ અને ૨,

નસીબ,

નગર,

અંજામ,

આંધી. પણ વાંચજો. આ બધી બુક્સ તરીકે પણ બજારમાં અવેલેબલ છે.

રેટ કરો અને રિવ્યુ આપો

milind barot

milind barot 6 દિવસ પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 1 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Keval

Keval 3 વર્ષ પહેલા

Navin soni

Navin soni 2 વર્ષ પહેલા