Angarpath Part-6 books and stories free download online pdf in Gujarati

અંગારપથ-૬

અંગારપથ

ભાગ-૬

( આગળનાં ભાગમાં વાંચ્યુઃ- જૂલી નામનો કોયડો અભિમન્યુ સમક્ષ આવે છે... ઇન્સ. કાંબલે ગૂમ ઇ ગયો હોય છે... અને સુશીલ દેસાઇ અભિનું ધ્યાન રાખવાનું ડેરેનને કહે છે... હવે આગળ.. )

કંઇ જ દેખાતું નહોતું. ચારેકોર ઘોર અંધકાર મઢેલી ખામોશી પથરાયેલી હતી. લાગતું હતું કે તેને અહી લાવીને ભૂલી જવામાં આવ્યો છે. કાંબલેએ ચારેકોર હાથ ફંફોસીને પોતે કઇ જગ્યાએ બંધ છે એ જાણવાની કોશિશ કરી. થોડીવારમાં જ ખ્યાલ આવ્યો હતો કે તે એક અવાવરું બંધ કમરામાં પુરાયેલો છે. જેમાં કોઇ બારી નહોતી, ફક્ત એક મજબૂત દરવાજો હતો અને એ પણ બહારથી મુશ્કેટાઇટ બંધ હતો. કઇ જગ્યાએ હતો તે...? અને અહી કોણ લાવ્યું તેને...? કદાચ આ સવાલોનાં જવાબ ચોક્કસ તે જાણતો હતો...! અને એ જવાબો સમગ્ર ગોવાને હચમચાવી મુકવાં પૂરતાં હતાં. એટલે જ તેને અહી બંદી બનાવામાં આવ્યો હતો એ ન સમજે એટલો તે નાદાન પણ નહોતો.

સવારે ઘરેથી એક બહું જ મોટી “ડીલ” ફાઇનલ કરવાનાં મનસૂબા સાથે તે નિકળ્યો હતો. એ ડીલથી તેની જીંદગી બદલાઇ જવાની હતી. સાત પેઢીનું દળદર ફીટે એટલી મોટી ડિમાંડ તેણે રાખી હતી અને સામેવાળી પાર્ટી એગ્રી પણ થઇ હતી.

સમગ્ર રાજ્યમાં ઉપરથી નીચે સુધી ભૂકંપ સર્જાય એવી માહિતી સાવ અનાયાસે તેનાં હાથમાં આવી પડી હતી એટલે પાર્ટી પાસે એગ્રી થયા વગર છૂટકો પણ નહોતો. પરંતુ અત્યારે તેનાં મનસૂબાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું અને કોઇ ભંડકીયા જેવા કમરામાં તે બંધ હતો.

@@@@@@@@@@@@@

આલમ કાદરીએ રંગા ભાઉ સામું જોયું. એ નજરમાં હજ્જારો સવાલો હતાં. રંગા ભાઉ લાકડાની પાટ વાળા હિંચકે ઝૂલતા હતાં અને આલમ કાદરી તેની સામે ઉભા હતો.

“ ભાઉ... એ પોલીસવાળી ઉપર ભરોસો કરવાં જેવું લાગે છે તમને...? અત્યાર સુધી શું કરી લીધું એ લોકોએ..? મને તો હવે પોલીસનાં નામથી ચીડ થવા લાગી છે. કંઇ કરવાને બદલે તેઓ અહી આવીને આપણને જ હેરાન કરશે. તમે લખી રાખો મારી વાત.. “ આદ્ર સ્વરે કાદરીએ કહયું. તેનાં પાતળા, લાંબા ચહેરા ઉપર પોલીસવાળાઓ પ્રત્યે ભારોભાર તિરસ્કાર છવાયેલો હતો.

“ આલમ, એ નવી નવી પોલીસ ખાતામાં ભરતી થઇ હોય એવું લાગે છે. તેનામાં હજું વર્દીની ગરમી પ્રવેશી નહી હોય. જે રીતે તેણે આપણને સહકાર આપવાની વાત કહી એ રીતભાત કોઇ રીઢા પોલીસવાળાની નહોતી. અને... ક્યારેક તો આપણે કોઇની મદદ લેવી જ પડવાની છે. આખરે સાત... કુલ સાત બાળકીઓ આપણી બસ્તીમાથી ગાયબ થઇ છે. એ પણ પાછલાં થોડો સમયમાં. એ પહેલાં ન જાણે કેટલા બોળકો ખોવાયા હશે..? બસ્તીમાથી તો કોઇ બોલતું નથી કારણકે બધાં ગરીબ અને અભણ લોકો છે. બહારથી આવીને અહી વસ્યા છે. ખાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવીને ખામોશ બેસી રહે છે કે ક્યારેક તો પોલીસવાળા તેમનાં છોકરાઓને શોધી આપશે..! “ રંગા ભાઉ જેવો રુક્ષ આદમી પણ બસ્તીનાં બાળકો ગાયબ થતાં હતાં તેનાથી આહત થયો હતો. એ પીડા તેનાં અવાજમાં સાફ ઝલકતી હતી. “ અચ્છા આલમ... પેલી મેમનું શું થયું...? “ તેણે અચાનક વાત બદલી હતી.

“ કોણ રક્ષા મેમ..? એ હોસ્પિટલમાં છે. બહું ખરાબ હાલત છે તેની. મને નથી લાગતું કે એ બચે..”

“ તે કોઇને કહયું કેમ નહી કે તું એને ઓળખે છે...? “

“ ભાઉ...! શું ફરક પડયો હોત એનાથી...? “

“ ફરક હવે પડશે. આપણે ખામોશ નહી રહીએ. બસ્તીનાં બાળકો ક્યાં ગાયબ થાય છે એ જાણીને જ રહેશું. “ મક્કમતાં સાથે ભાઉ ઉભા થયા અને બીજા કમરામાં ચાલ્યા ગયાં.

@@@@@@@@@@@@@

સાંજ સુધી કાંબલે સાહેબની ભાળ મળી નહી એટલે પેટ્રિકે જ એમનાં ગુમ થવાની ફરીયાદ તેમનાં જ પોલીસ મથકમાં નોંધી હતી.

@@@@@@@@@@@@@

રાતનાં ત્રણ વાગ્યા હતાં છતાં અભિમન્યુની આંખમાં નિંદર નહોતી. વારંવાર નજરો સમક્ષ રક્ષાનો ક્ષપ્ત- વિક્ષિપ્ત ઘાયલ ચહેરો ઉભરતો હતો અને તેનાં દિલમાં ક્રોધનો જ્વાળામૂખી ફાટતો હતો. તેની બહેનની આવી હાલત કોણે અને શું કામ કરી હશે એ વિચારી વિચારીને તેનું દિમાગ પણ હવે તો થાકયું હતું. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કોઇ ભલીવાર નહોતો અને તેને ભરોસો પણ નહોતો કે પોલીસ આ બાબતમાં કશું કરશે. એક જ વિચાર ઝબકતો હતો કે તેણે ખુદ આ કેસની તપાસ કરવી જોઇએ, તો જ રક્ષા ઉપર થયેલાં હુમલાનું તથ્ય બહાર આવશે અને તેનાં ગુનેગારોને સજા મળશે. તેનું મન પણ એવું જ કહેતું હતું કે તે જાતે રક્ષાનાં ગુનેગારોને શોધે.

“ જૂલી “ આ નામ તેને પજવતું હતું. રક્ષાએ હોસ્પિટલ પહોચ્યાં પછી ભાનમાં આવતાં આ નામ ઉચ્ચાર્યું હતું, એટલે જો તેણે જાતે તપાસ આરંભવી હોય તો શરૂઆત જૂલીને શોધવાથી જ કરવી જોઇએ એ સ્પષ્ટ હતું. એક વખત મન બનાવી લીધું એટલે ઘણી રાહત થઇ અને આવતીકાલે સવારથી જ પૂરજોશમાં તપાસ આરંભવાની તૈયારી સાથે પથારીમાં જંપલાવી દીધું. હવે કોઇ સપના તેને પજવતાં નહોતાં અને થોડીવારમાં તે ઘસઘસાટ ઉંઘી ગયો હતો.

@@@@@@@@@@@@@@

અભિમન્યુ તૈયાર થઇને બહાર નિકળ્યો. તેણે બ્લેક ડેનીમ ઉપર લાઇટ ગ્રે ટી શર્ટ પહેર્યું હતું. લાઇટ- ડાર્ક કલરનાં કોમ્બિનેશનમાં તેનું કસાયેલુ શરીર ઓર દીપી ઉઠયું હતું. તે રૂપાળો કહી શકાય એ કક્ષામાં આવતો નહી પરંતુ તેના ચહેરા ઉપર એક સૈનિકનો રોબ.. ભારોભાર આત્મવિશ્વાસ છલકતો, જેનાથી તે સોહામણો અને ઇચ્છનિય લાગતો. મિલિટ્રી કેમ્પની સખ્ખત તાલીમનાં કારણે તેની કરોડરજ્જૂ ટટ્ટાર બની હતી તેનાથી ચાલમાં મગરૂબી છલકતી અને સામેવાળો વ્યક્તિ તેનાથી પ્રભાવીત થઇ ઉઠતો.

રાત્રે નક્કી કર્યા મુજબ આજે તેણે જૂલી વિશે તપાસ આદરવાની હતી. એ પહેલાં તે હોસ્પિટલે જવા માંગતો હતો. રક્ષાની ખબર જાણીને પછી તેણે આગળ વધવાનું મન બનાવ્યું હતું. તે જ્યાં રોકાયો હતો એ હોટલથી હોસ્પિટલ બહું દૂર નહોતી એટલે ચાલતો જ હોસ્પિટલે પહોચ્યો અને રક્ષાનાં કમરા સુધી આવ્યો. ડેરેન લોબોનાં કહેવાથી રક્ષાને એક અલગ કમરામાં શિફ્ટ કરવામાં આવી હતી. તે કમરામાં ઘૂસ્યો. અંદર એક નર્સ હાથમાં ઇન્જેકશન લઇને ઉભી હતી. અભિમન્યુને અંદર આવેલો જોઇને તે હસી..

“ તેનો દવાનો સમય છે.. “ તે બોલી અને રક્ષા તરફ ફરી સ્ટેન્ડમાં લટકતાં બાટલામાં ઇન્જેકશન ખોસ્યું. આખી સીરીંજ બાટલામાં ખાલી કરીને કંઇપણ બોલ્યા વગર તે બહાર ચાલી ગઇ. તેનાં ગયા પછી અભિએ બારણું બંધ કર્યુ અને ત્યાં મુકાયેલી ખુરશી પર બેઠક લીધી. તેની નજરો સામે રક્ષાનો સફેદ પાટામાં લપેટાયેલો ચહેરો હતો. રક્ષાનાં કપાળે અને આંખ નીચે રાતા- કાળા ઢીમચા ઉપસી આવ્યાં હતાં. તેનાં હોઠનાં એક ખૂણે લાંબો કટ પડેલો હતો જેને ટાંકા મારીને સીવવામાં આવ્યો હતો. જેના લીધે તેનો ખૂબસૂરત ચહેરો બેડોળ દેખાતો હતો. રક્ષાને આ હાલતમાં જોઇને અભિને બહું તકલીફ થતી હતી છતાં ખામોશ રહીને તે રક્ષાને જોઇ રહયો. ભારત માતાની રક્ષા કાજે હંમેશા પોતાની જાન હથેળી ઉપર લઇને ફરનારો વ્યક્તિ ખરા સમયે જ પોતાની સગ્ગી બહેનની મદદ માટે ન પહોચી શકયો એનો મલાલ તેનાં દિલમાં છવાયો હતો. ખબર હતી કે તે ઘણો દૂર હતો છતાં એક વસવસો ઉદભવતો હતો. અભિની આંખોમાં નમી છવાઇ અને રક્ષાનો ચહેરો ધૂંધળો થતો ગયો.

બરાબર એ સમયે જ તે ચોંકયો. રક્ષાનાં બેજાન પડેલાં શરીરે એક ઝટકો ખાધો હોય એવું તેને લાગ્યું. તે ખુરશી પરથી ઉભો થઇ ગયો અને બેડની નજીક ગયો. ઘડીક સ્થિર રહ્યાં પછી ફરીથી એક ઝટકો આવ્યો અને જરાક ઉછળીને તે ખામોશ થઇ. એવું કેમ થયું એ અભિને સમજાયું નહી. તેનાં ચહેરા પર અસમંજસનાં ભાવ ઉભર્યા. અત્યારે કમરામાં તેનાં સિવાય બીજું કોઇ નહોતું. અને પછી... એ સીલસીલો એકધારો શરૂ થયો. રક્ષાનાં શરીરમાં જાણે કોઇ ઇલેકટ્રીક કરંટનાં ઝટકા આવતાં હોય એમ તે સતત... એકધારી ઉછળવા લાગી. તે જેનાં પર સૂતી હતી એ પલંગ અને તેનાં શરીરમાં જોડાયેલાં યંત્રો અને નળીઓ એકદમ જોરથી ખળભળવાં લાગ્યાં. અભિ ગભરાઇ ગયો. તેને સમજ ન પડી કે આવી હાલતમાં તેણે શું કરવું જોઇએ...! તે ઝડપથી બહારની તરફ ભાગ્યો. બહાર કમરાની લોબીમાં કોઇ નહોતું. તે રિશેપ્શન ડેસ્ક તરફ દોડી ગયો. ત્યાં એક નર્સ બેઠી હતી તેને કહ્યું એટલે નર્સ તરત ઉભી થઇને રક્ષાનાં કમરામાં આવી. ત્યાં સુધીમાં તો રક્ષાની હાલત ઓર વધુ બગડી ગઇ હતી. તેનું શરીર જાણે ફૂટબોલ હોય એમ ઉછાળા મારવા લાગ્યું હતું. નર્સ “ ડોકટર.... ડોકટર.. “ ની બૂમો પાડતી બહાર ભાગી અને સેકન્ડથી પણ ઓછા સમયમાં તે એક ડોકટરને બોલાવી લાવી. ડોકટરે આવીને ઉછળતી... ઝટકા ખાતી રક્ષાનો હાથ પકડયો અને તેની નસની રીધમ તપાસી. પછી મશીનો તરફ જોયું અને સ્ક્રીનમાં થતાં આકડાઓનાં વધઘટનો તાગ મેળવી નર્સને ઇન્જેકશન ભરવાનો આદેશ આપ્યો. નર્સે જબરી ઉતાવળે ડોકટરે કહયાં મુજબની દવાનું ઇન્જેકશન ભર્યુ અને તેમની તરફ લંબાવ્યું. ડોકટરે તુરંત ઇન્જેકશન સીધું જ રક્ષાની નસમાં આપી દીધું. વળી પાછી કઇંક પ્રક્રિયા કરીને ફરીથી એક ઇન્જેકશન આપ્યું. થોડી જ સેકન્ડોમાં રક્ષાનાં ઉછાળા બંધ થયા હતાં અને તેનું શરીર શાંત પડયું. અભિ હેરાનીથી એ બધું જોઇ રહયો હતો. તેની સમજમાં કંઇ આવતું નહોતું. તે અહી આવ્યો ત્યારે કોઇ અલગ નર્સ રક્ષાને ઇન્જેકશન આપીને જતી રહી હતી. ત્યારપછી જ રક્ષાની તબીયત બગડી હતી. હવે અત્યારે કોઇ બીજી નર્સ હતી જે તેની સારવાર કરતી હતી. અભિનાં કપાળે સળ ઉપસ્યા.

“ તેની આ હાલત ક્યારે થઇ... ? “ ડોકટરે અભિ તરફ ફરતાં પુંછયું.

“ જસ્ટ બે મિનિટ થઇ હશે. હું આવ્યો ત્યારે હોસ્પિટલની એક નર્સે તેને ઇન્જેકશન આપ્યું અને પછી તેની હાલત લથડી હતી.. “ અભિએ જવાબ આપ્યો. ડોકટર ત્યાં હાજર હતી એ નર્સ તરફ ફર્યો.

“ કોણે ઇન્જેકશન આપ્યું હતું...? અહી કઇ નર્સ આવી હતી...? જલદી બોલાવી લાવ તેને.. “ લગભગ ખખડાવતાં સ્વરમાં તે બોલ્યો.

“ બટ સર... આ ફ્લોર પર આજે હું એકલી જ છું. બીજી કોઇ નર્સ ડ્યૂટી પર નથી. “ તેનાં સ્વરમાં ગભરાહટ ભળેલી હતી.

“ વોટ...? “ ઉછળી પડયો અભિ. તેને તુરંત બધુ સમજાઇ ગયું. તે બહાર તરફ દોડયો અને છેક હોસ્પિટલનાં ગેટ સુધી જઇને જોઇ આવ્યો. પેલી નર્સ ક્યાય દેખાઇ નહી. એ છટકી ગઇ હતી..

( ક્રમશઃ )

વધું આવતાં સોમવારે..

રેટિંગ અને કોમેન્ટ ચોક્કસ કરજો. આપનાં મિત્રો અને પરીવાર જનોને આ કહાની જરૂરથી વંચાવજો.

મારી સાથે જોડાવા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટસઅપ કરી શકો છો.

ફેસબુક અને ઇન્ટા. પર મને ફોલો પણ કરી શકો છો.

ઉપરાંત મારી અન્ય નોવેલ્સ જેવી કે

નો રીટર્ન-૧ અને ૨,

નસીબ,

નગર,

અંજામ,

આંધી. પણ વાંચજો. આ બધી બુક્સ તરીકે પણ બજારમાં અવેલેબલ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED