Angarpath - 3 books and stories free download online pdf in Gujarati

અંગારપથ ભાગ-૩

અંગારપથ

ભાગ-૩

બસ... એક જ હરકત અને આ દુનિયાનાં તમામ દુઃખ દર્દોમાંથી તેને મુક્તિ મળી જવાની હતી. છેલ્લી વાર આંખો ખોલીને સામે કબાટમાં લટકતાં પોતાનાં આર્મી યુનિફોર્મને જોઇ લીધો. યુનિફોર્મની છાતી ઉપર લાગેલાં પોતાનાં જ નામનાં બેચમાં નામ વાંચ્યું... “ મેજર, અભિમન્યુ સૂર્યવંશી. “ તેની આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યાં. દેશની રક્ષા કાજે તેણે સૈન્ય જોઇન કર્યું હતું. યુનિફોર્મ જોઇને તેની છાતીમાં એકાએક ગર્વ ઉભરાયો અને રિવોલ્વર મોઢામાં હતી છતાં હાથ ઉંચો કરીને યુનિફોર્મને સૈલ્યૂટ ઠપકારી. એ ઘણી ભાવુક ક્ષણ હતી, પણ હવે તે ઢીલો પડવા નહોતો માંગતો. ફરીથી આંખો બંધ કરી અને અપાર હિંમત જૂટાવતાં ટ્રિગર ઉપર જમણાં હાથનો અંગૂઠો દબાવી દીધો. “ ખટટ્..... “ અવાજ થયો અને તેનાં કપાળેથી પરસેવાનો રેલો ઉતરી ગળા સુધી પહોંચ્યો. લાગ્યું કે તેની ખોપરીનાં પરખચ્ચા ઉડી ગયાં હશે પરંતુ નહિં... વાર ખાલી ગયો હતો. રિવોલ્વરનાં એ ખાનામાં ગોળી હતી જ નહી.

“ અભિ.. લાગે છે હજું તારે ઘણું જીવવાનું છે. “ તે સ્વગત બબડયો અને રિવોલ્વરને ટિપોઇ ઉપર મુકી... ઉભો થયો અને ફ્રીઝમાંથી મન્કી શોલ્ડર ત્રીપલ માલ્ટની બોતલ ઉઠાવી લાવ્યો. ગ્લાસ ભર્યો અને ઓન ધ રોક્સ, નીટ એક જ ઘૂટમાં ગ્લાસ ખતમ કર્યો. પેટમાં દારૂ જવાથી તેનાં જીગરમાં આગ સળગી. તે વિચારે ચડયો...ઓહ, તો હજું જીવવાનું છે, પણ કોના માટે...?

@@@@@@@@@@@@

આ દુનિયામાં પોતાની કહી શકાય એવી ફક્ત એક જ વ્યક્તિ હતી. તેની સગી બહેન “ રક્ષા સૂર્યવંશી.“ જે ગોવામાં કોઇ એન.જી.ઓ માં કામ કરતી હતી. આમ તો વર્ષભરમાં તેઓ ક્યારેક જ મળી શકતાં કારણકે બન્નેની ડયૂટી જ એવી હતી કે આપસમાં તેમનો સમય એડજસ્ટ થતો જ નહી.

અભિમન્યુથી તે ઉંમરમાં ઘણી મોટી હતી. હજું સુધી તેણે લગ્ન નહોતાં કર્યા. મા- બાપનાં ગુજરી ગયાં પછી રક્ષાએ જ અભિમન્યુને ભણાવી- ગણાવીને સૈન્યમાં ભરતી થવા લાયક બનાવ્યો હતો. ત્યારબાદ બન્નેનાં રસ્તા ફંટાયા હતાં. તે સૈન્યની નોકરીમાં ગળાડૂબ બની ગયો હતો અને રક્ષા ગોવા ચાલી ગઇ હતી. તે જે એન.જી.ઓ.માં કામ કરતી હતી એનું હેડક્વાટર ગોવામાં હતું એટલે તેને ત્યાં ડ્યૂટી મળી હતી. હજું હમણાં થોડા દિવસો પહેલાં જ તે મુંબઇ ભાઇનાં ઘરે રોકાવા આવી હતી. નોકરીમાંથી આવતાં પગાર અને બાકીની લોન લઇને અભિમન્યુએ મુંબઇમાં નાનકડો અમથો એક ફ્લેટ લીધો હતો. જ્યારે છૂટ્ટી મળતી ત્યારે તે અહી આવતો અને રક્ષાને પણ બોલાવી લેતો, જેથી ભાઇ બહેન થોડો સમય સાથે વિતાવી શકે.

@@@@@@@@@@@@@

“ પેટૂ... પેલી ઔરતનું નામ શું હતું...? “ કાંબલેએ ચા નો ઘૂંટડો ગળા નીચે ઉતારતાં પુંછયુ. તેઓ અત્યારે બાગા પોલીસ ચોકીમાં બેઠા હતાં.

“ હતું નહી સાહેબ, છે...! એ ઔરત હજું જીવે છે. રક્ષા... રક્ષા નામ છે તેનું. “ પેટ્રીકે જવાબ આપ્યો.

“ તેનાં ઘરેથી કોઇ આવ્યું કે...? આઇમીન, તેનાં કોઇ સબંધી...? “

“ નહી સાહેબ, જાણવા મળ્યું છે કે એ કોઇ એન.જી.ઓ.માં કામ કરે છે, અને તેનો એક ભાઇ પણ છે જે ભારતીય સેનામાં છે. અમે ફોન કર્યા હતાં પરંતુ કોઇ રિપ્લાઇ મળ્યો નથી. “ પેટ્રીકે વિસ્તારથી જણાવ્યું.

“ કમાલ કહેવાય નહીં...! આજનાં ઇન્ટંન્ટ જમાનામાં પણ લોકો ફોનનો જવાબ નથી આપતાં. “ કાંબલેએ આશ્વર્ય ઉછાળ્યું. “ અચ્છા પેટૂ, તેની હાલત કેવી છે...? “

“ વેન્ટીલેટર પર છે સાહેબ, ડોકટરે હજું કંઇ કહ્યું નથી પરંતુ મને લાગે છે કે શાયદ જ એ બચે...! બહું બેરહમીથી તેને મારવામાં આવી છે. “

“ હમમ્... અને પેલી ફોરેનર યુવતી વાળા કેસનું શું થયું...? “ અચાનક કાંબલેએ ટ્રેક બદલ્યો. તેને ખબર હતી કે એ યુવતીનો કેસ ઉપરથી ઓર્ડર આવતાં બંધ કરી દેવો પડયો હતો છતાં તેણે પુછયું. “ આ બન્ને કેસ આપસમાં સંકળાયેલા હોય એવું તને નથી લાગતું ...? “

“ શું સાહેબ તમે પણ જે મનમાં આવે એ વિચાર્યે રાખો છો...! “ પેટ્રીકે હસતાં હસતાં સાહેબની ખીલ્લી ઉડાવી. “ ક્યાં એ ગોરી ફોરેનર અને ક્યાં આધેડ ઉંમરની એક સામાજીક કાર્યકર્તા, બન્નેનો કોઇ મેળ જ નથી. “

“ હમમમમ્.... “ કાંબલેએ ફરીથી હું- કાર ભર્યો. “ અચ્છા પેટ્રીક, આપણાં પોલીસ બેડામાં એક નવી ભરતી થઇ છે એનું શું છે...? સાંભળવામાં આવ્યું છે કે એ કંઇક નવીન રીતે ગુનેગારો સાથે વર્તે છે..! “ આ વખતે તેનાં શબ્દોમાં ભારોભાર ઉપહાસ ભળેલો હતો.

“ તમે મીસ. ચારુ દેશપાંડેની વાત કરો છો..? અરે એ મરાઠી ઔરત મને તો માથા ફરેલ લાગે છે. જૂઓને, આજે સવારે જ તેનું આ ચોકીમાં પોસ્ટિંગ થયું. ઉપરથી આવતાં વેંત એ તમને મળ્યા વગર ફિલ્ડ પર જવાં નિકળી પણ ગઇ. અને તમને ખબર છે સાહેબ, કે એ કોને સાથે લઇ ગઇ છે..? “ પેટ્રીક જાણે કોઇ મહાન વાત કહેવાનો હોય એમ અટકયો અને કાંબલે સામું જોઇ રહ્યો.

“ અરે મને ક્યાંથી ખબર હોય...! એક મિનિટ... એક મિનિટ. “ અચાનક કાંબલેને જાણે મહા જ્ઞાન લાધ્યું હોય એમ ખડખડાટ હસી પડયો, અને હસતાં હસતાં જ બોલ્યો..” કોન્સ્ટેબલ ભીમરાવ કરાડેને તો ક્યાંક નથી લઇ ગઇને..? “

કોન્સ્ટેબલ ભીમરાવ કરાડે સાવ સીધો સાદો અને સરળ માણસ હતો. પોલીસ બેડામાં આવા માણસોને કમ- અક્કલ તરીકે ઓળખવામાં આવતાં હોય છે. પેટ્રીકે જવાબ ન આપ્યો એટલે કાંબલે સમજી ગયો કે ચારું તેને જ સાથે લઇ ગઇ હશે. તે ફરી વખત જોરથી હસી પડયો.

ત્યારે ખબર નહોતી કે આ હસવાનું ભવિષ્યમાં તેને બહું ભારે પડવાનું હતું.

@@@@@@@@@@@@@

અભિમન્યુએ મરવાનો વિચાર માંડી વાળ્યો હતો અને મોડી સાંજે તે બહાર નિકળ્યો હતો. થોડુંક મન હળવું કરવાં અને રાતનું ડિનર લેવા તે મુંબઇની સડકો ઉપર ટહેલવા લાગ્યો. આ તરફ નવો જ વિસ્તાર ડેવલપ થતો હોવાથી રસ્તા ઉપર વધું ભીડ નહોતી. રોડનાં કિનારે તેણે એક લીકર શોપ( દારૂની દુકાન) જોઇ. તે એ તરફ ચાલ્યો. દારૂની દુકાન કોઇ શો- રૂમની જેમ સજાવેલી હતી. કાચનો દરવાજો ખોલીને તે દુકાનમાં પ્રવેશ્યો. “ વાહ... ક્યા બાત હૈ...! “ અનાયાસે જ તેનાથી બોલી પડાયું. દુકાન એકદમ વેલ મેઇનટેંન્ડ હતી. અંદર ઘણાંબધા રેક ગોઠવેલાં હતાં જેમાં વિવિધ બ્રાન્ડની બોટલો હારબંધ ગોઠવાયેલી હતી. અને વળી સેલ્ફ સર્વિસની સુવિધા હતી એટલે કોઇપણ વ્યક્તિ પોતાની પસંદગીની ખરીદી કરી કાઉન્ટર ઉપર બીલ ચૂકવી શકે. અભિમન્યુ રેક તરફ ચાલ્યો.

બરાબર એ સમયે જ ધડાધડ કરતાં બે બંદૂકધારી યુવાનો દુકાનમાં દાખલ થયાં. આવીને સીધા જ તેમાનાં એકે કાઉન્ટર પર બેઠેલાં દુકાન માલિકનાં કપાળે બંદૂક ઠેરવી દીધી. “ જે કંઇપણ કેશ હોય એ આપી દે... “ ધમકી ભર્યા શ્વરે તેણે માલિકને કહ્યું. એ દરમ્યાન બીજો યુવાન અભિમન્યુ તરફ આગળ વધ્યો. દુકાનમાં અત્યારે અભિમન્યુ, દુકાન માલીક અને બીજા બે ગ્રાહકો એમ, કુલ ચાર જ વ્યક્તિ હતાં. ઘડીભરમાં તો સમગ્ર દુકાનમાં સોપો પડી ગયો. બધાએ ગભરાઇને પોતાનાં હાથ ઉંચા કરી દીધા. દુકાન માલિક ગલ્લો ખોલીને રૂપીયા કાઉન્ટર ઉપર ઠલવવા લાગ્યો. પરંતુ એ બઘડાછટીની સહેજે અસર અભિમન્યુ ઉપર થઇ નહોતી. એ તો હજું પણ પોતાની પસંદગીની વ્હિસ્કીની બોટલ શોધવામાં વ્યસ્ત હતો.

“ એય, તને સંભળાતું નથી...! “ એ યુવાને અભિમન્યુને હાંક મારી. અભિમન્યુ તેની તરફ ફર્યો... યુવકનાં હાથમાં લાંબા નાળચા વાળી બંદૂક હતી. અભિમન્યુએ એક નજરમાં એ બંદૂક જોઇ, અને ફરી પાછો રેકમાં ખાખાખોળા કરવા લાગ્યો. જાણે તેને અહી શું થઇ રહ્યું છે એની કોઇ પરવા જ ન હોય..! બંદૂકની બીક પણ તેને લાગી નહોતી. પેલો યુવક હેબતાઇ ગયો. આજ સુધી તેણે બંદૂક જોઇને ભલભલાને ગભરાઇ જતાં જોયા હતાં. અરે... બીકનાં માર્યા પેન્ટ ભીની કરતાં જોયાં હતાં. આ પહેલો માણસ હતો જે ડર્યો નહોતો.

“ એય.. તને કહું છું..! પૈસા કાઢ, તારી પાસે જે પણ હોય એ આપી દે નહિંતર આ બંદૂકથી તને ભૂંજી નાંખીશ.. “ અભિમન્યુની નજીક સરકતાં ધમકીભર્યા શ્વરમાં તે બોલ્યો અને બંદૂકનું નાળચું અભિમન્યુ તરફ તાકયું. અભિમન્યુએ હાથમાં હતી એ બોટલ રેકમાં મુકી અને બે ડગલાં ચાલીને આગળ વધ્યો. તેની આંખોમાં ખૌફનું નામોનિશાન નહોતું. તે એક આર્મી અફસર હતો. ડર નામની ચીજ એનાં જહેનમાં દુર દુર સુધી નહોતી. તેણે એ યુવકનાં હાથમાં રહેલી બંદૂકનાં નાળચાને તાકયું.

“ તને ખબર છે બચ્ચા... આ પોઝીશનમાં તું ગોળી ચલાવીશ તો ગોળી મારા પેટમાં વાગશે, અને તેમાં હું બચી જાઉં એનાં સો ટકા ચાન્સ છે. પછી હું તને ધોઇ નાંખીશ. “ અભિમન્યુએ ઝપટ કરીને નાળચું હાથમાં પકડી લીધું અને પોતાની છાતીનાં ડાબા ભાગે ટેકવ્યું... “ હવે બરાબર છે. ગોળી સીધી જ હદયમાં વાગે તો માણસનાં જીવતાં બચવાનાં ચાન્સીઝ રહેતાં નથી. ચલાવ બંદૂક... “

પેલો યુવક તો સામે ઉભેલા હટ્ટા કટ્ટા માણસનાં તેવર જોઇને જ હેબતાઇ ગયો. બંદૂક ચલાવવી કે અહીથી પોબારા ભણી જવું એ ફીરાકમાં તે કોઇ નિર્ણય કરી શકતો નહોતો.

“ બેવકૂફ, ભૂંજી નાખ એને.. “ કાઉન્ટર પર ઉભેલા તેનાં બીજા સાથીએ બૂમ પાડી.

“ એ સાચું કહે છે. ઉડાવી દે મને... આમ પણ આજે હું મરવાં જ નિકળ્યો હતો. અચ્છા ચલ... એક નવી ટ્રાઇ કર.. “ હદય ઉપરથી નાળચું ખસેડીને અભિએ તેનાં કપાળની બરાબર વચ્ચે ગોઠવ્યું. “ હવે ચલાવ, કોઇ ચાન્સ જ નહી રહે બચવાનાં. કમ ઓન બડી.. શૂટ મી. ડોનટ વેસ્ટ ટાઇમ... “ પેલો ધ્રૂજી ઉઠયો. આવા માથાફરેલ વ્યક્તિ સાથે ક્યારેય તેનો પનારો પડયો નહોતો. તેણે નજર ફેરવીને પોતાનાં સાથીદાર તરફ જોયું. એ પણ ગભરાઇ ગયો હોય એવું માલુમ પડતું હતું.

“ કમ ઓન... શૂટ... અધર વાઇઝ આઇ વીલ ફીનીશ યું... “ અભિમન્યુ ચિલ્લાયો અને તેણે એક જ ઝટકે હુમલાખોરનાં હાથમાંથી બંદૂક છીનવી લીધી. ડરીને પેલો યુવક બે ડગલાં પાછળ હટી ગયો. તેનાં મોતીયા મરી ગયા હતાં કારણકે હવે બંદૂક અભિમન્યુનાં હાથમાં હતી અને તેની આંખોમાં ક્રોધ ઉમડયો હતો.

( ક્રમશઃ ) વધું આવતાં સોમવારે..

મિત્રો, આપનાં કિંમતી સૂચનો આવકાર્ય છે.

રેટિંગ અને કોમેન્ટ ચોક્કસ કરજો.

મારી સાથે જોડાવા ૯૦૯૯૨૭૮૨૭૮ પર વોટસઅપ કરી શકો છો.

ફેસબુક અને ઇન્ટા. પર મને ફોલો પણ કરી શકો છો.

ઉપરાંત મારી અન્ય નોવેલ્સ જેવી કે

નો રીટર્ન-૧ અને ૨,

નસીબ,

નગર,

અંજામ,

આંધી. પણ વાંચજો. આ બધી બુક્સ તરીકે પણ બજારમાં અવેલેબલ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED