ધરતીનું ઋણ
વ્રજલાલ હિરજી જોષી
જેલમાંથી છટક્યા
ભાગ - 1
ઘરરર...ના એન્જિનના અવાજ સાથે માછીમારની મોટર બોટ પંજોરપીરથી આગળ ફુલ સ્પીડમાં ધસી રહી હતી. પાણી કપાતી ગતિ સાથે આગળ વધતી મોટરબોટની બંને સાઇડમાં દરિયાનું પાણી પ્રેશરથી ઉપરની તરફ ઊછળતું હતું.
બોટમાં માછીમારના વેશમાં પરાધીન થયેલ આદિત્ય અને પ્રલય બેઠા હતા. ખુશનુમા ભરી સવાર હતી. આકાશમાં વાદળ છવાયેલા હતા. પક્ષીઓ કલરવ કરતાં ઊડી રહ્યા હતાં.
ભારતની જળસીમા પાર કરી તેઓ પાકિસ્તાનની જળસીમામાં મોટરબોટને ઘુસાડીને આગળ વધ્યા.
પ્રલય, બ્રેડ-બટર અને જામ કાઢ. આપણે નાસ્તો કરી લઇએ, પછી ભગવાનને જાણ ક્યારે જેલના રોટલા ખાવ મળશે.
આદિત્ય...તારી વાત સાચી છે.. ચાલ પેટ ભરીને નાસ્તો કરી લઇએ, ઊભા થઇને નાસ્તાનાં પેકેટ ઉપાડતાં પ્રલય બોલ્યો.
બંનેએ પેટ ભરીને નાસ્તો કર્યો. ઠંડુ પાણી પીધું, પછી બોટને આમથી તેમ દરિયામાં ઘુમાવતા રહ્યા.
લગભગ બાર વાગ્યાના ટાઇમે તેઓ પાકિસ્તાન કોસ્ટલ ગાર્ડની બોટની નજરે ચડી ગયા.
‘હોલ્ટ...હોલ્ટ...’ ના અવાજ સાથે રાયફલ તાકી ઊભેલા ગાર્ડોએ તેમને ઘેરી લીધા.
પ્રલયે બોટનું એન્જિન બંધ કર્યુ. પછી બંને હાથને ઉપર કરી ઊભા રહ્યા. કોસ્ટલ ગાર્ડના સિપાઇઓએ તેની તલાસી લીધી. તેમની બોટના નંબર નોંધ્યા અને બંનેનાં નામ ખીમો અને નરો નોંધ્યા. બાદ તેઓને પોતાની બોટમાં બેસાડ્યા અને પ્રલય, આદિત્યની બોટનો કબજો લઇ દરિયાઇ માર્ગે કરાંચી તરફ આગળ વધી ગયાં.
બીજા દિવસે કોર્ટની વિધિ પતાવ્યા બાદ બંનેને કરાંચીની સેન્ટ્રલ જેલમાં મોકલાવી દેવામાં આવ્યા.
હાશ...વિના વિધ્ન જેલમાં પહોંચી આવ્યા. આળસ મરડીને બેરેકની અંદર બનેલા ઓટલા પર નિરાંતે બેસતાં પ્રલય બોલ્યો.
‘પ્રલય...હવે આગળની યોજના ઘડવાનું ચાલુ કરી દઇએ.’ આદિત્ય બોલ્યો.
‘આદિત્ય..આપણને મહેમુદ નામનો વોર્ડન મળવા આવશે. તેને મળ્યા બાદ જ આગળ શું કરવુ તે નક્કી થશે.’ પોતાની ચામડાની ચંપલ લઇને તેનું તળિયું ખોલતાં પ્રલય બોલ્યો.
ચંપલના તળિયામાંથી પ્રલયે માઇક્રો સેલફોન બહાર કાઢયો. તે લગભગ શર્ટના બટન જેટલો હતો.
‘આ શું છે...’ આશ્ચર્યથી આદિત્ય જોઇ રહ્યો.
‘આદિત્ય...અહીં આવતાં પહેલાં સોમુકાક(મેજર-સોમદત્ત) ના સંપર્કમાં રહેવા માટે મેં મારી ચંપલના તળિયામાં આ માઇક્રો સેલફોન છુપાવી દીધો હતો,આના દ્વારા આપણે સોમુકાકાને કોન્ટેક્ટ કરી બધી વિગતોની જાણ કરતા રહેશું અને સોમુકાકા આપણા માટે રોટલા-પાણીની વ્યવસ્થા કરતા રહેશે.’
‘સાંભળ...હવે તું ખ્યાલ રાખજે કોઇ આવી ન જાય, હું સોમુકાકાથી વાત કહી લઉં..’ કહી પ્રલય ઊભો થયો અને બેરેકમાં બનાવેલા બાથરૂમમાં ઘૂસી ગયો.
‘હલ્લો..સોમુકાકા.’
‘રામ..રામ..ભાઇ ખીમા કેમ છો...’ હસતાં-હસતાં સામેથી મેજર સોમદત્ત બોલ્યા.
‘હસો...હસો...તમારાયે દિવસો છે...કાકા...બાકી કાકી કેમ છે ? મઝામાંને...?’ પ્રલય પણ મૂછમાં હસતાં બોલ્યો.
‘કાકી ?...કઇ કાકી...? બેટા...’
‘કાકા...અમને બધી ખબર છે. દરરોજ બગીચામાં ઘૂમો છો. ફિલ્મ જોવા સાથે જાવ છો, ગેટ-વે ઓફ ઇન્ડિયા પાસે રેકડી પર ભેળ-પુરી ખાવ છો, અને અમને બનાવો છો, કઇ કાકી...?’
‘સેટ-અપ...તારું મગજ ઘૂમી ગયું લાગે છે. બેટા એક વખત ભારત પાછો આવ, બરાબર સીધો કરી આપીશ...’ ગુસ્સા ભર્યા સ્વરે સોમદત્ત બોલ્યા.
‘અરે...કાકી...અરરર સોરી...કાકા ભારત પાછું આવવા જ કોણ માગે છે. અહીં તો મજો એ મજો છે. મારા બાપ આખો દિવસ માખી, મચ્છર મારવાના અને તેનો હિસાબ જેલરને આપવાનો અને બે ટાઇમ પેટ ભરીને ભોજન ખાવાનું, ‘‘બાપ હવે રે નહીં આવું ઇન્ડિયા રે લોલ...હવે રે નહીં જાઉં ઇન્ડિયા રે લોલ, સવા બસેરનું મારું...’’
‘સેટઅપ...સામેથી સોમદત્તનો ગુસ્સોભર્યો અવાજ સંભળાયો અને માઇક્રોફોનનું કનેક્શન ડીસક્નેકટ થઇ ગયું.
હસતાં-હસતાં પ્રલયે ફરીથી કોન્ટેક્ટ કર્યો.
‘જો તારે તોફાન જ કરવાં હોય તો મને...તારો બકવાસ સાંભળવાનો ટામન નથી...’ સામેતી મેજર સોમદત્તનો અવાજ સંભળાયો.
‘સોમુકાકા, હું ક્યાં બકવાસ કરું છું.હું તો મારી કાકી...અરેરેરે...ચચચ...સોરી કાકા હવે બકવાસ બંધ.’
‘હં તો બોલ શું સમાચાર છે ?’
‘સોમુ કાકા...અમે કરાંચીની જેલમાં કેદી બનીને રોટલા ખાઇએ છીએ, અને મચ્છર મારીએ છીએ. પણ કામ સારું છે. કાકા જો તમારે કોન્ટ્રાક્ટ લેવો હોય તો...’
‘ફરીથી તારી ગાડી પાટા પર ઊતરે છે, એક મુક્કો લગાવીશ તો બત્રીસી બહાર આવી જશે. પછી કાકાને બદલે તને દાદા કહેવો પડશે.’
‘વા...કાકા... વા... મારો.... મારો... લ્યો મોંને માઇક્રોફોનની સાવ નજદીક રાખ્યું, અરે એકવાર મુક્કો મારી તો બતાવો...મારી કાકીના સમ...અરરર...ફરીથી વચ્ચે કાકી આવી ગઇ...’ શરારત સાથે પ્રલય બોલ્યો.
‘ખીમલા...યાદ રાખજે ભારત પાછો આવ પછી તારા ટાંટિયા ભાંગી ન નાખું તો તારો કાકો સોમુ નહીં...સાંભળ હવે મજાક છોડ અને વાત કર.’
‘સોમુકાકા...અમે આરામથી જેલમાં પહોંચી ગયા છીએ, હવે શું કરવાનો છે...?’
‘ખીમલા...આજ બપોરના તને મહેમુદ મળવા આવશે. 303 એ પ્લાન તૈયાર કરી રાખ્યો છે. તેના પ્લાન મુજબ તારે અને નુરાએ કામ કરવાનું છે. બરાબર...’
‘હોકે...હોકે...’ પ્રલય બોલ્યો.
‘હવે ગધેડાને બદલે માણસ બની જા...’ કહીને સામેથી મેજર સોમદત્તે કોન્ટેકટ કટ કર્યો.
અને બપોરન મહેમુદ તેમને મળવા માટે આવ્યો.
‘સોમુ અને નુરો તમે છો...? ભારતીય માછીમાર...?’ આવતાં જ તેણે સીધો પ્રશ્ન પૂછ્યો.
‘હા...મહેમૂદ ખાન તમે...?’
‘હા...હું મહેમૂદખાન છું, મુસ્તાક મારો મિત્ર છે.’
‘બોલો શું સમાચાર લાવ્યા છો...?’ પ્રલયે પૂછ્યું.
‘મુસ્તફાએ પૂરો પ્લાન તૈયાર કર્યો છે. એકદમ સિમ્પલ પ્લાન...પાંચ તારીખના તે કેદીને મેડિકલ ચેકઅપ માટે જેલની હોસ્પિટલમાં લાવવામાં આવશે અને તમારે હોસ્પિટલમાંથી જ તેને નસાડવાનો છે.’
‘આ સિમ્પલ પ્લાન છે...? તમે તો બકરી દોહવા જેવી સાદી વાત હોય તેમ કહો છો,’ આદિત્ય બોલ્યો.
‘ભાઇએ કહ્યું કે સિમ્પલ પ્લાન છે, તો તે સિમ્પલ જ હશે, તમ તારે ચાર દિવસ મોજ કરો, હું તમને આવતા વેન્સડેના મળીશ. બીજી કોઇ વસ્તુની જરૂર હોય તો બોલો મંગાવી આપુ. બાકી આ આખા પ્લાનમાં ક્યાંય મારો ઉલ્લેખ થવો ન જોઇએ ભાઇસાબ મારી નોકરીનો સવાલ છે.’
‘તું ચિંતા ન કર મહેમૂદ, કોઇને જરાય ખ્યાલ પડવા નહીં દઇએ કે અમારા પ્લાનમાં મહેમુદ સામેલ હતો. પણ તે કેદીને ભગાડવા માટે શું પ્લાન બનાવ્યો છે મુસ્તફાએ, એ તો કહે ?’
‘ખબર નથી પણ વેન્સડેના ચોક્કસ તમને જણાવીશ. ભલે ત્યારે ખાવો-પીવો અને મોજ કરો. લ્યો આ પત્તાની બાટ તમને ટાઇમપાસ કરવા કામ લાગશે.’ ખિસ્સામાંથી પત્તાની બાટનું પેકેટ કાઢી તેમને આપતાં મહેમૂદ બોલ્યો.
ત્યારબાદ તરત તે ત્યાંતી ચાલ્યો ગયો.
કરાંચી એરપોર્ટ પર તમારું હાર્દિક સ્વાગત છે.
પ્લેન કરાંચી એરપોર્ટના રન-વે પર દોડી રહ્યું હતું. સાથે કરાંચી પહોંચી આવ્યાનું એનાઉન્સમેન્ટ પણ થઇ રહ્યું હતું.
એરપોર્ટની બિલ્ડિંગ પાસે પ્લેન ઊભું રહ્યું.
સીટ બેલ્ટ ખોલી બધા યાત્રીઓ ઊભા થયા અને એક પછી એક સીડી પર થઇને નીચે ઊતરવા લાગ્યા.
લાઇનમાં પાંચમા નંબર પર એક યુવાન પ્લેનની સીડી ઊતરી રહ્યો હતો.
ખૂબસૂરત ચહેરો, રેશમી બાલ, ભૂરી આંખો, આંખો પર કાળાં ચશ્માં અને કાળાં પેન્ટ-શર્ટમાં તે પરાધીન હતો.
તેનો મોહક ચહેરો જોતાં જ ગમી જાય તેવો હતો.
ચારે તરફ આનંદ સાથે નજર ફેરવતો હસતા ચહેરે તે નીચે ઊતર્યો. સામાનમાં તેની પાસે એક નાની હેન્ડબેગ જ હતી.
એરપોર્ટની ચેકિંગ પાસ કરી તે એરપોર્ટની બિલ્ડિંગ બહાર આવ્યો.
‘ટેક્ષી..સર...ટેક્ષી...વેલકમ સર-મારી ટેક્ષીમાં પધારો.’ કમરથી થોડા વળી હાથને મસ્તક તરફ લઇ જઇ સલામ ભરવાની અદા સાથે એક ટેક્ષી ડ્રાઇવર બોલ્યો.
‘ઠીક છે, ભાઇ ચાલ હોટલ નુરાની લઇ ચાલ...ક્યાં છે, તારી ટેક્ષી,’ તે યુવાન ચારે તરફ નજર ફેરવતાં બોલ્યો.
‘હુકમ...સાહેબજી આય થોંભો, હમણાં જ લઇ આવ્યો કહેતાં તે ટેક્ષી સ્ટેન્ડ તરફ ઝડપથી જવા લાગ્યો.
કરાંચીની ખૂબસૂરત સડક પર ગાડી રફતારથી જઇ રહી હતી. ટ્રાફિક ઘણો હતો. ગાડીના ગોગલ્સ કાચ ચડાવીને યુવાન સડકની બંને સાઇડનો ખૂબસૂરત નઝારો જોઇ રહ્યો હતો. તેણે બેગમાંથી જી.પી.આર.એસ. નેવીગેશન સિસ્ટમ બહાર કાઢી સેટ કરી બાદ તે લોકેશન જોવા લાગ્યો અને દિમાગમાં ઉતારતો ગયો.
ગાડી મેઇન રોડથી ડાબી તરફ વળી ત્યારબાદ એક ખૂબસૂરત બિલ્ડિંગમાં પોર્ચમાં ઊભી રહી.
‘સર...આપની હોટલ આવી ગઇ.’
‘ઓ...કે...કહીને તે યુવાને ઘડિયાળમાં ટાઇમ જોયો. એરપોર્ટથી હોટલ નુરાનીનો રસ્તો કલાકનો સમય લેતો હતો.
નેવીગેશન સિસ્ટમને બેગમાં મૂકી ચશ્માં ચડાવીને તે ટેક્ષીની બહાર આવ્યો. ગાડીનું ભાડું ચુકાવી તે હોટલના ફૂલથી સુશોભિત રસ્તા પર ચાલતો બિલ્ડિંગ તરફ આગળ વધ્યો.’
‘સર...આપને મારી જરૂર હોય તો જણાવજો. આ મારું કાર્ડ, તમને કરાંચી પૂરું શહેર ઘુમાવીશ.’ કાર્ડ આપતાં તે ટેક્ષી ડ્રાઇવર બોલ્યો.
‘ઓ...કે...’ કહી કાર્ડને હાથમાં લઇ ખિસ્સામાં નાખ્યું અને હોટલના પ્રવેશદ્વારમાં પ્રવેશી ગયો.
હોટલ નુરાનીનો તે કમરો ખૂબસૂરત હતો. લગભગ ડબ્બલ બેડનો પલંગ, છત પર બેલ્જિયમનું મીનાકારી ઝુમ્મર, એકદમ સફેદ દીવાલો, કાચનું સુંદર ટેબલ, ટેબલ પર ફૂલોથી સુશોભિત ફૂલદાની, તેની બાજુમાં નેતરની ખુરશી, ખૂબસૂરત તે કમરો હતો.
તે યુવાને બેગને એક તરફ મૂકી ત્યારબાદ પૂરા કમરાની ખૂબ ચીવટથી તલાસી લીધી. ત્યારબાદ સ્નાન કરવા તે બાથરૂમમાં ઘૂસી ગયો.
સ્નાન કર્યા બાદ તેણે બ્રેડ-બટર અને ચાં મંગાવ્યાં. નાસ્તો કરી નિરાંતે પલંગ પર બેસી સિગારેટ પીવા લાગ્યો.
છત તરફ વધતી સિગારેટનો ધ્રુમસેરને તે તાકી રહ્યો હતો. સાથે-સાથે તેના દિમાગમાંથી વિચારો પણ બહાર આવી રહ્યા હતા.
સિગારેટ પી લીધા બાદ તેણે ઊભા થઇને કમરાના દરવાજાને અંદરથી બરાબર રીતે બંધ કર્યો. ત્યારબાદ એસી ચાલુ કરીને તે સૂઇ ગયો.
તે જ્યારે જાગ્યો ત્યારે સાંજ પડી ગઇ હતી. બ્રશ કરી હાથ ધોઇ તેણે ઇન્ટર ફોન દ્વારા ચા મંગાવી. પછી ચાની વાટ જોતો તે ચેર પર બેસી આરામથી સિગારેટ પીવા લાગ્યો.
ચા પી લીધા બાદ તેણે તે ટેક્ષી ડ્રાઇવનું કાર્ડ ખિસ્સામાંથી કાઢી ફોન કર્યો અને ટેક્ષી લઇને હોટલમાં આવવાનું જણાવ્યું.
થોડીવાર પછી તેની ટેક્ષી લીઆરી એક્સપ્રેસ હાઇવે પર દોડી રહી હતી. ટેક્ષીના ડીસ્કબોર્ડ પર પાણી ભરેલો ગ્લાસ મૂકી દેવામાં આવે તો તે ગ્લાસનું પાણી ન છલકાય તેવો માખણ જેવો પોલીસ રોડ હતો.
‘સર...કઇ તરફ આપને જવું છે.’
‘’આ હાઇવે પર ક્યાં-ક્યાં સ્થળ જોવા જેવા છે...?
‘સર...અહીંથી આગળ સામીર-હસની રજા હાઉસ ચોક આવશે, તેનાથી થોડે દૂર આગળ વધતાં ‘‘જન્ન્તે હર’’ ખૂબસૂરત ગાર્ડન છે. ત્યાંથી ચોકની ડાબી સાઇડમાં આગળ વધતાં જૂના પુરાણાં ખંડેરો છે. જો કે હવે તો કોઇ વ્યકિત તે તરફ જોવા જતું નથી. સર...હાઇવે પર આગળ વધતાં જમણી તરફ કરાંચીની સેન્ટ્રલ જેલ આવેલી છે અને સર...ત્યાંથી આગળ લીઆરી એક્સપ્રેસ ઠેઠ કરાંચી બંદર સુધી આગળ વધે છે.’
‘સાંભળ...સાંભળ..’ તેને વચ્ચેથી અટકાવીને યુવાન બોલ્યો.
‘સાંભળ...હું લેન ડેવલોપર્સ છું, હું ઇસ્લામબાદથી આવ્યો છું. મારે અહી બે સારી સોસાયટી બનાવવી છે. એ માટે સરસ જગ્યાની મારે તલાસી છે. માટે મારે એક-એક જગ્યા ચીવટપૂર્વક જોવી છે.’
‘સર..આપ લેન્ડ ડેવલોપર્સ છો...? સર સેન્ટ્રલ જેલથી આગળ ઉસ્માનિયા કોલોની આવેલી છે. તેની આજુબાજુમાં સોસાયટી ડેવલોપ કરો, ખૂબ સારા ભાવ આવશે અને સર...મારે પણ એક પ્લોટ ખરીદવો છે, તમે મને રસ્તા ભાવે આપશો...? સર આ ટેક્ષીના ધંધામાં થોડું ઘણું મળી રહે છે. મેં થોડી બચત કરી છે. જો...’
‘સાંભળ...મારું સોસાયટી બનાવવાનું નક્કી થઇ જાય તો તને પડતર ભાવે પ્લોટ આપી દઇશ. તું પૈસાની ચિંતા ન કરતો બરાબર...’
‘ઓ થેંક્યુ સર...’ તે આનંદ સાથે બોલ્યો.
ત્યારબાદ રાત્રી સુધી તે યુવાને ઉસ્માનિયા કોલોની, સેન્ટ્રલ જેલની આજુબાજુનો વિસ્તાર, તે ખંડેરો અને ઠેઠ કરાંચી પોર્ટ સુધી ચક્કર લગાવીને પૂરું નિરીક્ષણ કર્યું. સાથે-સાથે નેવીગેશન સિસ્ટમથી નામ વાઇઝ એરિયા ચેક કર્યો.
તેઓ જ્યારે હોટલ પર પાછા ફર્યા ત્યારે રાત પડી ગઇ હતી. હોટલના ડાઇનિગ હોલમાં જ ભોજન કરી તે પોતાના રૂમમાં દાખલ થયો.
કોટ, ટાઇ, બૂટ, મોજાં ઉતારી તેણે હાથ-મોં ધોંયા. પછી નિરાંતે વાંસની ચેર પર બેસીને રિમોટથી પહેલાં એ.સી. ચાલુ કર્યું. પછી ટી.વી. બાદ સિગારેટ સળગાવી નિરાંતે સિગારેટ પીતાં ટી.વી.ન્યૂઝ જોવા લાગ્યો.
ટી.વી. પર તબાહીનું મંજર જોઇ તે ચોંક્યો અને ચેર પર ટટ્ટાર થયો. સિગારેટ તેના હાથમાં જ રહી ગઇ.
***