ધરતીનું ઋણ - 1 - 4

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

 • મોતની તબાહી
 • ભાગ - 4

  ર્ડોક્ટર શ્યામસુંદર કેમ્પની બહાર મીરાદ અને રઘુ બેઠા-બેઠા નિર્લેષ ભાવ કેમ્પની ધમાલ જોતાં જોતાં બીડી ફૂંકી રહ્યા હતા.

  ‘મીરાદ...રાત્રે કેટલા માલ ભેગો કર્યો.’ બીડીનો દમ લેતાં રઘુ બોલ્યો.

  ‘માલ તો મળ્યો, પણ ઘણો હેરાન થયો, યાર...’

  ‘કેમ ?’ આશ્ચર્યતી રઘુ બોલ્યો.

  ‘રઘુ...ગામમાં ઘૂસ્યો અને અંદર પડેલી લાશોનું ટોર્ચથી નિરીક્ષણ કરતાં કરતાં તેમના શરીરમાં પહેરેલ ઘરેણા મેં ઉતાર્યા, હું સાથે નાઇફ અને કટર લઇ ગયો હતો. એક એક લાશોનું ઘરેણાં ઉતારવામાં ઘણો સમય લાગે તેમ હતો. તેથી મેં કોઇની આંગળી કાંપી વીંટીઓ ઉતારી,કાન, નાકમાં પહેરેલ દાગીના ખેંચીને કાઢ્યા, તો કેટલીય લાશોની ગરદન કાપી સોનાની ચેનો કાઢી. અંગને કાપીને સોનું ઉતારવામાં ઝડપ થઇ અને ઘણો આનંદ આવ્યો. હસતાં હસતાં મીરાદ બોલ્યો.

  સ્તબ્ધ થઇ રઘુ દુ:ખી મને મીરાદ સામે જોઇ રહ્યો.

  ‘આવું બધું શા માટે કરે છે...’ દુ:ખી મને રઘુ બોલ્યો, ‘મેં પણ હાથ માર્યો પણ સ્મશાનમાં બાળવામાં આવેલ લાશની રાખને ફેંદીને થોડું સોનું કાઢ્યું પણ તારી જેમ પાપ નથી કર્યું.’

  ‘અરે યાર...મુડદાની આંગળીઓ કે કાન કાપી સોનું કાઢવામાં શું પાપ હોય, મેં તો ઘાયલ સ્ત્રીને મલબામાંથી બહાર કાઢવા માટે તે સ્ત્રીના ઘરનું બધું સોનું અને રૂપિયા પડાવી લીધા. સુંદર સ્ત્રી હતી મને ગમી ગઇ પણ તે માની નહીં, નહીંતર...’ મોંમાંથી લાળ ટપકાવતાં મીરાદ બોલ્યો.

  ‘છી...તને દોસ્ત કહેવાની શરમ આવે છે, તું પાપી મામણ છો,’ ગુસ્સાથી રઘુ બોલ્યો.

  ‘છોડને યાર...શા માટે નારાજ થાય છે. મેં થોડો તેના પર બળાત્કાર કર્યો છે...’

  ‘મીરાદ...હું તને એક મોટો દલ્લો (પુષ્કળ ધન) બતાવું. એક ઝાટકે ઘણું મળે તેમ છે. તે મેળવ્યા પછી આપણને કાંઇ જ કરવાની જરૂર નહીં પડે...’

  ‘બતાવ...બતાવ...યાર એવું તો હું શોધું છું. મોટો હાથ સાફ કરવાનો હોય તો ભલે બે-ચાર મારી નાખવા પડે, કોઇને ખબર પણ નહીં પડે. બધું ધરતીકંપમાં ખપી જશે.’ ખુશ થતાં મીરાદ બોલ્યો.

  ‘કોઇને મારવાની જરૂર નથી. પણ શરત એટલી કે મને તારે અડધો ભાગ આપવો પડશે, બોલ કબૂલ છે...?’ મીરાદ સામે જોતાં રઘુ બોલ્યો.

  ‘હં...તું થોડું વધુ પડતી આશા રાખે છે, પણ જો માલ ઘણો હોય તો કબૂલ છે, જા...’ દમ મારી બીડીના ઠૂંઠાને ખુલ્લા પગના તળિયાથી ઓલવતા મીરાદ બોલ્યો.

  ‘તો સાંભળ...અંજારમાં એક ડોશી રહે છે. તેના બંને દીકરા આફ્રિકામા મીતસાસી નામના ગામમાં રહે છે. ખૂબ જ ધનવાન છે. ત્યાં બધું ભેગું કરીને ધનને ડોશી પાસે અંજાર મોકલાવી દે છે. તે ડોશી પાસે પુષ્કળ સોનું છે. યાર...બે-ત્રણ ઘડા ભરાય તેટલું, મેં ડોશીના ઘરે કામ કર્યું છે, મારી નજર ઘણા સમયથી તે ડોશીના દલ્લા પર છે. પણ ડોશી ઘણી ચાલાક છે. અત્યારે તે ડોશીનું ઘર તૂટીને મલબો થઇ ગયું છે. ડોશી પણ તેમાં દટાઇ ગઇ છે.’

  ‘તો ચાલ આપણે તે ડોશીનો માલ કાઢી આવીએ.’ એક બીજી બીડી સળગાવતાં મીરાદ બોલ્યો.

  ‘શુ ચાલ યાર માલ કાઢી આવીએ...! એમ રસ્તામાં થોડું પડ્યું છે. ડોશીના ઘરનો મલબો હટાવવામાં આવે તો જ મેળ ખાય.’

  કચ્છ સરહદી વિસ્તાર હોવાથી સેન્ટ્રલ ગવર્નમેન્ટ કચ્છમાં કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાના ગુપ્તચરોને કચ્છ મોકલવાનું નક્કી કર્યું અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાના ચુનંદા ગુપ્તચરો કચ્છ જવા રવાના થયા.

  અંજાર, ભૂજ, ભચાઉ, રાપર કચ્છના મેઈન શહેરો ધરાશય થયાં હતાં. ચારે તરફ ધમાલ મચી ગઈ હતી. રિલાયન્સ, ફોર્ડ, નિરમા જેવી કેટલીય કંપનીઓએ સેવા માટે પોતાનાં દળો ઉતાર્યાં. સ્વામિનારાયણ મંદિર, સોખડના મંદિર સંસ્થાન, માતા આનંદમયી સેવા ગ્રૂપ, કોરિયાની સંસ્થા, સહારા ઈન્ડિયા, વિષ્ણુ મંદિર ટોરેન્ટો કેટલીય નામી-અનામી સેવાભાવી સંસ્થાઓ સેવાના આશયથી કચ્છમાં આવી. કાટમાળને હટાવી મલબામાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે જોર-શોરથી પ્રયત્નો શરૂ થયા. ઈન્ડિયન આર્મી અને કેટલીય વિદેશી સંસ્થોએ મલબો હટાવવાનું અભિયાન શરૂ કર્યું. કાટમાળની ઓપ્ટિકલ કેમેરા અને ટ્રેઈન સ્કોર્ટ ડોગ લઈને વિદેશી સંસ્થો રાત-દિવસ એક કરી કામે લાગ્યાં.

  એરફોર્સ, આર્મી અને બી.એસ.એફ.ના યુવાનો ખાધા-પીધા વગર રાત-દિવસ તનતોડ મહેનત સાથે લોકોના બચાવ કાર્યમાં લાગ્યા.

  ભારત સરકારના કેટલાય પ્રધાનો, ફિલ્મ જગતની મહાન હસ્તીઓ પણ કચ્છના દુઃખી લોકોના દુઃખમાં ભાગીદાર બનવા કચ્છમાં ઊતરી આવ્યા. ટ્રકો ભરાઈ-ભરાઈને ખાદ્યસામગ્રી, દવો, ધાબળા, કપડાં, ટેન્ટ અને ઘણી જીવન જરૂરિયાતની વસ્તુઓ ભરાઈને આવવા લાગી. મૃતદેહોને અગ્નિદાહ આપવા કચ્છમાં લાકડાં ખૂટી પડ્યાં હતાં. તો લાકડાંઓ ભરીને ટ્રકો આવવા લાગી. પંજાબની સંસ્થાના ઈન્ચાર્જ ડો. સુખવિન્દરસિંગે ભુજમાં મોટી ભંડારો ખોલ્યો અને દરરોજ દસ-પંદર ટ્રકો માલ ભરાઈને પંજાબથી ભૂજ આવવા લાગી. આખા ભારતમાંથી લોકો ખરા દિલથી અને છૂટે હાથે દાનનો વરસાદ વરસાવવા લાગ્યા.

  ટી.વી. ચેનલો, મીડિયા શેલનાં ધાડાં કચ્છમાં ઊતરી આવ્યાં. પૂરો દિવસ ટી.વી. ચેનલો અને છાપાંઓમાં કચ્છના સમાચાર ચમકવા લાગ્યા. ટી.વી. ચેનલો, ઈન્ડિયન એક્સપ્રેસ, ગુજરાત સમાચાર અને જન્મભૂમિ ગ્રૂપના સમાચાર પત્ર કચછમિત્ર સૌએ દેશમાં કચ્છની મદદ માટે આહ્વાન આપ્યું અને તેઓ પણ સેવામાં જોડાયા. કચ્છની મદદ માટે પૈસા એકઠા કરવા ટી.વી. ચેનલો પર નવા નવા પ્રોગ્રામો ગોઠવવામાં આવ્યા. મેડિકલ સેવાઓની સુવિધા સાથે એક ટ્રેન અંજારના રેલવે સ્ટેશને ઊભી રહી. તેમાં ડોક્ટરોની ટીમ, ઓપરેશન થિયેટર, એક્સ-રે મશીનની પૂરી સુવિધા ગોઠવાયેલી હતી.

  દળ.... દળ....દળ... તે સંતની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. ‘હે ઈશ્વર... પરમાત્મા... રહેમ કરો પ્રભુ.... દયા કરો. તમારી આ ષ્ટિના જીવો પર....’

  કચ્છ સરહદની કાંધી પર આવેલા દુધઈ ગામ ધરતીકંપમાં કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. કેટલાય મરણ પામ્યા, કેટલાય ઘાયલ થયા. ઘણાય લોકો ઘરબાર વગરના થઈ રસ્તા પર આવી ગયા હતા. દુઃખી લોકોની આંખમાંથી આંસુ થમતાં નથી. કેમ જિવાશે, ક્યાં રહેશું, શું ખાશુંનાં પ્રશ્નો વચ્ચે મૃત્યુ પામેલ સ્વજનો પતિ-પત્ની, મા-બાપ, ભાઈ-બહેન, જેમના પર ઘરનો બધો આધાર હતો તેવા લોકો મૃત્યુ પામ્યા હતા.

  સંત શ્રી રામેશ્વરાનંદ સરસ્વતીચંદ બાપુ જેમનો ધઈ ગામથી બે કિલોમીટર દૂર ટેકરી પર આશ્રમ હતો. ગામના લોકો તેઓને “પૂજ્ય બાપુ” તરીકે ગુરુ માની આદર આપતા. દુધઈ અને આજુબુના ગામોના તેઓ મા-બાપ હતા. દુઃખી લોકોના તેઓ દુઃખહર્તા હતા. ગામને સંકટમાંથી ઉગારવા તેઓ હંમેશાં ઈશ્વરને પ્રાર્થના કરતા, તેમના પ્રયાસતી દુધઈ ગામ તથા આબાજુ ગામોમાં લોકો જુગાર, દારૂ જેવાં વ્યસનો છોડીને કામ-ધંધા પર જવા વળ્યા હતા. તેવા આ સંત લોકોને અનાજ, કપડાં તથા અન્ય જરૂરી વસ્તુઓ આપી રહ્યા હતા. ધરતીકંપ થતાં જ તેઓ તરત ગામમાં દોડી આવ્યા હતા અને લોકોની શુશ્રુષામાં લાગી ગયા હતા. તૂટી પડેલાં મકાનોના કાટમાળમાં ફસાયેલા લોકોને તે કાટમાળમાંથી બહાર કાઢવા મદદ કરે છે. તો ડોક્ટરને બોલાવી ઘાયલ લોકોને પાટા-પિંડી કરાવે છે.

  ‘ભાઈ... ચિંતા ન કરો, બધુ સારું થઈ જશે, આ તો કુદરતનો પ્રકોપ છે. ઈશ્વરે આપણને દુઃખ આપ્યું છે તો હિંમતથી તેનો સામનો કરો. ઈવર બધાનું સારું કરશે, તે દયાળુ છે.’

  જેમના ઘરના લોકો મૃત્યુ પામ્યા હતા તેઓ દુઃખ અને વેદના સાથે રડી રહ્યા હતા. તેઓને તે સમજાવતા હતા, ‘ભાઈ, ઈશ્વર પાસે આપણં શું ચાલવાનું છે...? જન્મ અને મરણ તો કુદરતી પ્રક્રિયા છે. તેમના આપણી સાથેના લેણા-દેણીના સંબંધો પૂરા થઈ ગયા હશે તેથી તેઓ ચાલ્યા ગયા. મોત સનાતન સત્ય છે. જેનો ટાઈમ આવે તેને જવા માટે કોઈ બહાનું હોય તેમ આ ધરતીકંપ પણ એક બહાનું છે.’ સૌના માથા પર હાથ ફેરવતાં આંસુ લૂછતાં સૌને સમજાવતા, આશ્વાસન આપી રહ્યા હા.

  આજ તેઓએ આશ્રમમાંથી અનાજનો બધો ભંડાર મંગાવી લઈ સૌને જરૂર પ્રમાણે વહેંચી રહ્યા હતા. આશ્રમ પર અનાજ-કપડાં બધું જ ખૂટી ગયું. ઘણા લોકો બાકી રહી ગયા. બાપુએ તરત નવીનભાઈને આશ્રમ પર વધેલું બધું જ અના લાવવા માટે કહ્યું.

  ‘બાપુ... હવે તો આપણા પૂરતું જ અનાજ આશ્રમમાં વધ્યું છે.’

  ‘અરે.. આપણે બે ચાર દિવસ ભૂખ્યા રહીશું, પાણી પીને ચલાવશું, ચાલ ભાઈ જાય... જલદી વધેલું બધું જ અનાજ લઈ આવ.’

  થોડું પણ બાકી રાખી ન આવતો... આજ આપણાં મા, બેન, બેટી, ભાઈને જરૂર છે, જલદી જા ભાઈ....’ બાપુએ કહ્યું.

  દિલ્હીના મુખ્યમંત્રી સાહેબ શ્રી વર્મા કચ્છને મદદ કરવા માટે કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેઓ થોડે દૂર ઊભા ઊબા બાપુની વાત સાંભળી રહ્યા હતા. ગામ લોકોના દુઃખથી વ્યથા પામેલ તે સંતની વાત સાંભળ્યા બાદ તરત તેઓ બાપુ પાસે આવ્યા.

  ‘પ્રણામ બાપુ....’ બે હાથ જોડી તેઓ પગે લાગ્યા.

  બાપુનું કાર્ય જોઈ તેઓ ઘણા પ્રભાવિત થયા હતા અને તરત તેમણે દુધઈ ગામને નવું બનાવવાનો સંકલ્પ લીધો.

  ‘પ્રણામ ભાઈ... ક્યાંથી આવો છો...?’ સામે એજ્યુકેટેડ મોટી હસ્તીને જોઈ બાપુ અંગ્રેજીમાં બોલ્યા.

  ‘બાપુ, હું દિહીથી આવ્યો છું. મારું નામ સાહેબ શ્રી વર્મા છે.’ બાપુને સ્પષ્ટ અંગ્રેજી બોલતા જોઈ તેઓ આશ્ચર્ય સાથે બાપુ સામે જોતાં બોલ્યા.

  ‘ભલે આવ્યા તમે... બોલો આ ગામ માટે શું મદદ કરશો?’

  ‘બાપુ... મારે ઈન્રપ્રસ્થ બનાવવું છે. આ ગામને હું દત્તક લેવા માગું છું. હું અહીં દિલહી બનાવીશ. નવું ગામ જ ઊભું કરીશ, આશીર્વાદ આપો મને, તેઓ બોલ્યા.

  ‘અરે... અટલા સારા કામ માટે આશીર્વાદ છે. ભાઈ આશીર્વાદ, જાવ ઈન્દ્રપ્રસ્થ બનાવો ભગવાન તમને મદદ કરશે,’ હર્ષ સાથે બાપુ બોલ્યા.

  અંજારમાં કાટમાળ હટાવવાનું કામ જોરશોરથી શરૂ થયું હતું. આજ કદમના ઘરનો મલબો ઉપાડવાનું કામ ચાલુ હતું.

  બંને હાથના પંજાને ગોઠણ ઉપર રાખી ઊભે પગે કદમ ઊભો હતો તેને આશા હતી કે તેના મમ્મી, બહેન બહેન અને ભાઈ જીવતા હશે અને હણાં જ બહાર આવશે.

  ભાર્ગવના મમ્મી અરૂણાબેન તેના માથા પર હાથ ફેરવતા ઊભા હતા. ભાર્ગવની નાનીબેન તથા ભાર્ગવનો ભાઈ ભાવેશ તેની બાજુમાં ભાર્ગવ સાથે આતુરતાપૂર્વક હટતા મલબાને જોતા ઊભા હતા.

  ‘હે ભગવાન, મારા પપ્પા તો મને બચપણમાં જ મૂકીને ચાલ્યા ગયા છે. પ્રભુ મારી મા, બહેન અને ભાઈને જીવતા રાખજો... પ્રભુ મને એકલો ન કરી મૂકતા.’ ડબ-ડબતી આંખે કદમ ભગવાનને પ્રાર્થના કરતો હતો. જી.સી.બી. થી હટતા મલબા પર આંખની પાંપણને મટકુ માર્યા વગર ધડકતા દિલે તે નિહાળી રહ્યો હતો.

  તેમનાથી થોડે દૂર ભારતની જાસૂસી સંસ્થાના ચીફ મેજર સોમદત્ત ઊભા ઊભા ચાલતા મલબો હટાવવાના કાર્યને આતુરતાથી નિહાળી રહ્યા હતા. તેઓ ત્રણ દિવસથી અંજાર આવ્યા હતા. સાથે તેનો આસિસ્ટન્ટ આનંદ શર્મા પણ આવ્યો હતો. અંજારમાં આવ્યા બાદ બહંને છૂટા પડી જઈને કાન ખુલ્લા રાખીને ગામમં અલગ અલગ જગ્યએ વિદેશીઓ પર નજર રાખતા હતા. દરરોજ મેજર સોમદત્ત રડતી આંખો તૂટેલા ઘરના કાટમાળની સામે બેઠેલ કદમની પાસે જતા અને તેને ચૂપાચૂપ નિહાળતા. કદમને રોતાં અને હવે હું આ દુનિયામાં એકલો અટૂલો છું. એમ કહેતાં તેમણે સાંભળ્યું હતું. ધીરે-ધીરે તેમને કદમ તરફ લાગણીનો સેતુ બંધાતો જતો હતો.

  ધીરે ધીરે ઘરના કાટમાળ હટતો જતો હતો અને કદમના ઘરની અંદરનું ભયાનક ર્દશ્ય સૌની સમક્ષ ર્દષ્ટિમાન થતું જ હતું.

  એક પછી એક ચગદાયેલી વિકૃત લાશો બહાર કાઢવામાં આવી રહી હતી. કદમના કરુણ રુદનથી વાતાવરણ ગરમીન થઈ ગયું. તેમની માતા, બહેન અને ભાઈની ચૂંથાયેલી અને ફુલાયેલી લાશો જોઈને કદમ હૈયાફાટ રુદન કરી રહ્યો હતો. ‘હવે મારે નથી જીવવું ભગવાન મને લઈ લે મારી મા, બહેન, ભાઈ મને મૂકીને ચાલ્યા ગયા. હવે હું કોના આશરે જીવું... મને નથી જીવવું.... નથી જીવવું....’ તે રડતો હતો, ચિલ્લાતો હતો.

  ભાર્ગવની મમ્મી તેને છાતી સરસો ચાંપીને આશ્વાસન આપી રહી હી. તેની બાજુમાં રડતો ભાર્ગવ ઊભો હતો અને તેની બેન ભૂમિકા, ભાઈ ભાવેશ, મનીષ, મેહુલ, કમલેશ, નવીન કાકા, જિગ્નેશ, હાર્દિક બધા ભીની આંખે કદમને સમજાવી રહ્યા હતા. થોડે દૂર ઊભા મેજર સોમદત્ત તેમની પાસે આવ્યા, તેનાથી કદમનું રુદન સહન થતું ન હતું, તેમનું દિલ ભરાઈ આવ્યું.

  ભાર્ગવના પપ્પા એ આર.એસ. એસ. તથા આર્મીના જુવાનની મદદથી કદમના ભાઈ, બહેન, માતાના મૃતદેહોને અગ્નિદાહ અપાવ્યો. અને કદમને તેમના ઘરે લઈ ગયા. બીજા દિવસે મેજર સોમદત્ત તેઓને મળવા આવ્યા અને પોતાનો સાચો પરિચય આપી કદમને તેમની સાથે લઈ જવા તથા તેને ભણાવી-ગણાવીને મોટો અધિકારી બનાવવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી.

  કદમના પિતા તો કદમ નાનો હતો, ત્યારે જ મરણ પામ્યા હતા. બાકી તેને સાચવી શકે, ભણાવી શકે અને સારી રીતે તેનો ઉછેર કરી શકે તેવું કોઈ જ ન હતું. ખૂબ જ વિચાર કર્યા પછી ભાર્ગવના પપ્પાએ મેજર સોમદત્તને કદમને સાથે લઈ જવાની પરવાનગી આપી અને કદમને ભણાવી-ગણાવી મોટો અધિકારી બનાવવાનું મેજર સોમદત્ત પાસે વચન લેવડાવ્યું.

  મેજર સોમદત્તને હવે અંજારમાં રહેવાનું યોગ્ય ન લાગ્યું. તેઓ જેમ બને તેમ કદમને અંજારથી દૂર લઈ જવા માંગતા હતા. તેમની સાથે આવેલ તેમના સાથી આનંદને બોલાવ્યો અને અંજારમાં રહી વિદેશીઓ પર પૂરું ધ્યાન રાખવું તથા અહીંની રજે-રજની માહિતી એકઠી કરી તેમને મોકલવાની ભલામણ કરી. તેઓ બીજે જ દિવસે કદમને લઈને દિલ્હી જવા રવાના થયા. કદમને વળાવવા ભાર્ગવ, ભરત, હિતેષ તથા ભાર્ગવના ભાઈઓ, બહેન સૌ રેલવે સ્ટેશને આવ્યાં. કદમ ભાર્ગવને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ટ્રેન ધીરે ધીરે આગળ વધી. અંજારનું રેલવે સ્ટેશન છૂટી ગયું. સૌને યાદ કરતો કદમ સોમદત્તને વળગીને બેઠો હતો. ટ્રેનનાં રાક્ષસી ચક્રોની ગડગડાટીના અવાજમાં કદમનું અતીત ખોવાઈ ગયું. ટ્રેન દ્લીહ તરફ ધસમસતી આગળ વધી રહી.

  .........

  ‘બચાવ....બચાવ...ચોર...ચોર...’ જેવા અવાજો રાત્રીના સન્નાટાને તોડતા ભયાનક ભય પેદા કરતા હતા, હાર્ટને જમાવી દે તેવી કાતિલ તે રાત હતી. અંધકાર સાથે ભયાનક ઠંડીનો સામનો કરતા સૌ ગામની બહાર ચારે તરફ બનાવેલ ટેન્ટ હાઉસમાં બેઠા લોકો કોઈ ચોરની તો, કોઈ આત્માઓની વાતો કરતા મોડે સુધી જાગતા બેઠા રહેતા.

  ગામથી બહાર એકાંત વાસમાં કાચા ઝૂંપડામાં મીરાદ અને બહારથી મળવા આવેલ અનવર હુસેન બેઠા હતા. અનવર હુસેનના પિતા અને મીરાદના પિતા બચપણના દોસ્ત હતા. અનવરના પિતા ધંધાર્થે કચ્છની બહાર કલકત્તા રહેવા ચાલ્યા ગયા હતા. ધરતીકંપ થતાં અનવર હુસેન મીરાદની ખબર કાઢવા આવ્યો હતો. તેવું અનવર હુસેને મીરાદને જણાવ્યું હતુંય

  ઝૂંપડાવી બહાર તાપણું સળગાવી મીરાદ અને અનવર હુસેન બેઠા હતા. અનવર હુસેન સિગારેટ પીતો હતો અને મીરાદ બીડીના ઠૂંઠાને ચૂસતો હતો.

  અચાનક કોઈના આવવાના આહટનો અવાજ સાંભળી મીરાદે નજર ઊંચી કરી. અંધકારમાં ઝીણી આંખો કરી જોવાની કોશિશ કરી અને આવનાર વ્યક્તિ નજદીક આવતાં તરત મીરાદ તેને ઓળખી ગયો.

  ‘આવ રઘુ આવ...’ બીડીનો કસ ખેંચતાં તે બોલ્યો.

  ‘શું છે મીરાદ.... આપણા પ્લાનવાળી જગ્યાએ કાટમાળ હટાવવાનું કામ કાલથી...’ પછી અનક બેઠેલા અનવર હુસેન પર નજર પડતા તે ચૂપ થઈ ગયો.

  ‘રઘુ.... આ મારો કાકાનો છોકરો છે, અનવર હુસેન. તે કલકત્તા રહે છે. મને મળવા આવ્યો છે.’

  ‘હલ્લો.... હુસેન, હું રઘુ આ મીરાદનો દોસ્ત....’ હાથ લંબાવી રઘુ બોલ્યો.

  ‘બોલ... બોલ રઘુ તું શું પ્લાનની વાત કરતો હતો. હું તો મીરાદનો ભાઈ છું. માટે મારાથી છુપાવવાની જરૂર નથી.’ રઘુ સાથે હાથ મિલાવતાં અનવર હુસેન બોલ્યો.

  મીરાદે લાચારીથી હોઠ ચાવ્યા પછી હુસેનને કહેવું ન હતું, પણ તેણે બધી વાત અણધમે કહી.

  ‘અરે વાહ આ તો યાર ઘણો મોટો દલ્લો હાથ લાગવાનો છે આપણને...!’ અનવર હુસેન બોલ્યો.

  ‘આપણને નહીં મને અને મીરાદને.... ’ રઘુ સ્પષ્ટતા કરતાં બોલ્યો.

  ‘દોસ્ત... હું પણ તમને મદદ કરીશને યાર, તમે બે કદાચ તે કામ માટે પહોંચી નહીં વળો. હું સાથે હોશ તો તમને ઘણી મદદ કરીશ. આમે દરિયામાંથી બે ઘડા પાણી લઈએ તો દરિયો કાંઈ થોડો પાણી વગરનો થઈ જાય છે.’

  ‘તે તું અને મીરાદ સમજી લ્યો મને તો મારા અડધા ભાગથી મતલબ છે.’ નિર્લેષ ભાવે બીડી સળગાવતાં રઘુ બોલ્યો.

  ‘રઘુ બે નહિ હવે ત્રણ ભાગ થશે. તને પસંદ હોય તો બોલ નહિતર રસ્તો પકડ. હું તો રાતના રખડીશ તોય થોડું ઘણું ભેગું કહી લઈશ,’ મીરાદ ખિન્ન અવાજે બોલ્યો.

  ‘ઠીક છે, તું મારો દોસ્ત છો, તારા વગર હું ક્યાં એકલો કાંઈ કરું છું. ભલે ત્યારે બેના બદલે ત્રણ ભાગ રાખો.’ પોતાના હથિયાર હેઠાં મૂકતાં રઘુ બોલ્યો.

  ‘હા... હા… હા.… હા...’ અચાનક ભયાનક અંધારી રાતના કોઈના ખડખડાટ હસવાનો અવાજ સાંભળી ત્રણે ચમકીને ઊછળીને ઊભા થઈ ગયા.

  ‘ક...ક… કોણ છે...’ ધ્રૂજતા અવાજે રઘુ બોલ્યો.

  ‘જે હોય તો સામે આવ...’ ઝડપથી ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાઢી તરડાયેલા અવાજે મીરાદ બોલ્યો.

  તડાક.... અવાજ સાથે એક નાનો પથ્થર આવીને મીરાદના હાથમાં રહેલ ખુલ્લા ચપ્પુ સાથે અથડાયો અને ચપ્પુ નીચે પડી ગયું. મીરાદ પોતાનો હાથ પકડીને ઊભો રહ્યો.

  ‘મીરાદ, તારા ચપ્પુથઈ હું બી જઉ તેવો નથી. આવા ચપ્પુથી હું નાનો હતો ત્યારે રમતો....’ એક ગેબી અવાજ આવ્યો.

  ‘પણ મારા હાથમાં ચપ્પુ નહીં પિસ્તોલ છે. જરાય ચુંચા કર્યા વગર સામે આવ નહિંતર....’ અચાનક રિવોલ્વર ખિસ્સામાંથી કાઢીન અનવર હુસેન ગર્જ્યો.

  ‘ભાઈ જાવનર હુસેન.... ચ.... ચચચ... ભૂલ્યો મારા ભાઈ અનવર હુસેન, હું તમારી સમે તો આવું છું, પણ યાદ રાખજે તારી રિવોલ્વરની બીકથી નહીં.’

  અને પછી ધબાક... અવાજ સાથે મીરાદના ઝૂંપડાની બાજુમાં ઊગેલ વડના ઝાડ પરથી એક કાળાં કપડાં પહેરેલ છાંયો કૂદકો નાખી નીચે તેમની સામે આવ્યો.

  ‘કોણ છો તું....?’ રિવોલ્વર તાકી અનવર હુસેન બોલ્યો.

  ‘હું તમારો મિત્ર છું મારા દોસ્ત અને તમારા પ્લાનનો ભાગીદાર’ તે કાળો છાંયો બોલ્યો.

  ***

  ***

  રેટ કરો અને રિવ્યુ આપો

  Verified icon

  Hina 4 અઠવાડિયા પહેલા

  Verified icon

  Vasu Patel 1 માસ પહેલા

  Verified icon

  Alpeshbhai Ghevariya 1 માસ પહેલા

  Verified icon

  Alkesh Bhayani 2 માસ પહેલા

  Verified icon

  Divya Shah 2 માસ પહેલા