ધરતીનું ઋણ - 2 - 3 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરતીનું ઋણ - 2 - 3

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

ડોશીનો આત્મા....કે...!

ભાગ - 3

શરીરનાં રુંવાટાં ઊભાં કરી દે તેવા ભયાનક વાતાવરણમાં કોઈની નજરે ન ચડી જવાય તેનો ખયાલ રાખતા ચૂપા-ચૂપ કાટમાળ વચ્ચે માર્ગ કરતા સાંકડી ગલીઓમાંથી પસાર થતા અનવર હુસેન અને ચોથો પાર્ટનર જઈ રહ્યાં હતા. ગાઢ અંધકારમાં કૂતરાઓના ભસવાના અને બચાવ... બચાવના બિહામણા અવાજો વાતાવરણને ભયાનક બનાવતા હતા. સોનાથી ભરેલ વજનદાર થેલો એક એક હાથેથી પકડી બંને ઠંડીમાં ધ્રૂજતા આગળ ગામની બહાર જવાના રસ્તે વધી રહ્યા હતા.

લગભગ વીસ મિનિટ પછી બંને સવાસર નાકાના રસ્તે થઈને. ગામની બહાર રોડ પર આવ્યા. સર્વત્ર અંધકાર છવાયેલો હોવાથી દિશા સૂઝતી ન હતી. વળી બંને ગામથી અજાણ્યા હતા.

‘અહીંથી મીરાદના ઘરે જવા માટેનો રસ્તો શોધવો પડશે,’ ચોથો પાર્ટનર બોલ્યો.

‘મીરાદના ઘરે નથી જવાનું...’ અનવર હુસેન બોલ્યો.

‘કેમ....?’ ચોંકી ઊઠતાં ચોથો પાર્ટનર બોલ્યો.

‘સાંભળ.... આપણે આ દલ્લો લઈને રફુચક્કર થઈ જવાનું છે. મીરાદ અને રઘુ ગયા તેલ પીવા સમજ્યો. આ દલ્લામાંથી આપણે બંને બરાબરના ભાગ પાડી લઈશું’ મીરાદ અને રઘુને તું ભૂલી જા.’

‘પણ.... પણ આ તો આપણે મીરાદ અને રઘુથી દગો કર્યો કહેવાય. આ પ્લાન તેઓનો હતો અને મીરાદ તો તારો ભાઈ થાય. સગો થાય. મિત્ર થાય તેને તું દગો કરીશ?’

‘મીરાદ મારો કોઈ સગો નથી, હું મીરાદનો ભાઈ નથી અને હું કલકત્તાનો પણ નથી.’

‘સું વાત કરે છે...?’ તું મીરાદનો સગો નથી...? તું કલકત્તાથી આવ્યો નથી...?

‘ના.... ભાઈ ના... હવે આપણે અહીંથી જલદી નાસી જવાનું છે, સામે મકાનની બહાર કોઈનું બાઈક પડ્યું છે. તું અહીં થોભી જા, હું તે બાઈક કોઈ તીકડમ ભરાવીને લઈ આવું’ કહી અનવર હુસેન તે મકાન તરફ જવા લાગ્યો.

ચોથા પાર્ટનરે એક સિગારેટ સળગાવી અને કંઈ વિચારતાં ત્યાં ઊભો રહ્યો. તેને ઊપજેલી શંકા સાચી લાગતી હતી.

થોડી જ વારમાં અનવર હુસેન બાઈક લઈને આવ્યો. તેમના નસીબે બાઈકની ટાંકી પણ ફુલ પેટ્રોલથી ભરેલી હતી. બાઈક લુ રી બંને ભાગી છૂટ્યા.

રઘુ અને મીરાદ વાતો કરતાં કરતાં ઘરે પહોંચ્યા. ઘરે જઈને ચારે તરફ ચેક કર્યું. પણ અનવર હુસેન કે ચોથો પાર્ટનર પહોંચ્યા ન હતા.

‘બંને સુવરો હજી કેમ આવ્યા નથી?’ ઝૂંપડાની બહાર ઓટલા પર બેસતાં રઘુ બોલ્યો.

‘આવી જશે.... આપણે અહીં બેસીને થોડીવાર તેમની વાટ જોઈએ,’ બીડી સળગાવી મીરાદ બોલ્યો.

દસ મિનિટ થઈ. પંદર મિનિટ થઈ. અડધો કલાક થયો, બંને વાટ જોઈ જોઈને કાંળી ગયા. મીરાદના ચહેરા પર ચિંતાના ભાવ છવાયેલા હતા.

કલાક થયો રઘુએ ઘડિયાળમાં જોયું.

‘મીરાદ કલાક થવા આવ્યો. હજી આ લોકો આવ્યા નહીં. હું તને કહેતો હતો ને કે આનો વિશ્વાસ ન કરાય.’

‘કદાચ તારી વાત સાચી હતી. ચાલ આપણે ગામમાં ચક્કર લગાવીને તપાસ કરી આવે. ક્યાંય કોઈ બખેડો ઊભો થયો ન હોય અને કદાચ તે પોલીસ કે આર્મી વાળના હાથમાં સપડાઈ ગયા ન હોય.’ ઊભા થતાં મીરાદ બોલ્યો.

અને પછી બંને જણા આખા ગામમાં રખડી આવ્યા. ગામની અંદર પણ ચેક કર્યું અને ગામની બારોબાર પણ રાઉન્ડ લગાવ્યો. ક્યાંય અનવર હુસેન કે ચોથા પાર્ટનરનો પત્તો ન લાગ્યો.

સવારનો ઉજાસ ધીમે-ધીમે અંધકારને હટાવતો ચારે તરફ ફેલાવા લાગ્યો. બંને જણા રખડી રખડીને થાકી ગયા હતા. આખી રાતનો ઉજાગરો અને ચિંતાથી બંનેના ચહેરા લેવાઈ ગયા હતા. રાદને હવે રઘુની વાત સાચી જણાતી હતી. પણ સવારના પોલીસ સ્ટેશને તપાસ કર્યા પછી જ પૂરી ખબર પડે. એટલે હોટલે જઈ બેંનેએ ધોયું અને ચાનો ઓર્ડર આપી બેસી બીડી પીવા લાગ્યા.

સવારના બંને પોલીસ સ્ટેશને તપાસ કરી પણ અનવર હુસેન કે ચોથા પાર્ટનરના કોઈ સગડ મળ્યા નહીં. મીરાદ સમજી ચૂક્યો હતો કે પંખી ઊડી ગયું છે.

કંટાળેલા રઘુ અને મીરાદ વીલા મોંએ ચાલતા ચાલતા ગંગા નાકા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે માણસોનું એક ટોળું ઊભેલું જોયું અને બૂમ બરાડાના અવાજ સાંભળી બંને તે તરફ ગયા.

‘શું થયું છે? શાની રાડારાડ થઈ રહી છે?’ મીરાદે પૂછ્યું.

‘અરે ભાઈ... એક બહેનને કાટમાળમાંથી બહાર કાઢી રહ્યા છે, તેનો પગ મોટી શિલાની નીચે ફસાયેલો છે. તેના પગને બહાર કાઢવા માટે ધમાલ ચાલી રહી છે.’ તે વ્યક્તિ બોલી.

બંને લોકોના ટોળા પાસે જઈને ઊભા રહ્યા.

આર્મીના જવાનો અને બહારના દેશથી મદદ માટે આવેલા ટીમની સાથે મળીને એક બેનને કાઢવાની કોશિશ કરી રહ્યા હતા.

આ શિલાની નીચેથી બેનનો પગ નીકળી નહીં શકે, તે પગને બહાર કાઢવા માટે આ મકાનનો પૂરો કાટમાળ હટાવવો પડે અને તે માટે આખો દિવસ નીકળી જશે.’ આર્મીનો એક ઓફિસર બોલ્યો.

‘તો સર..... શું કરશું...?’

‘આ બેનના સગા કોણ છે...?’ ઓફિસર બોલ્યો.

‘સાહેબ મારી પત્કી છે,’ એક ભાઈ બંને હાથ જોડીને બોલ્યા.

‘જો ભાઈ... આ બેન સગર્ભા છે. આને દર્દ પણ ચાલુ થઈ ગયું છે. હવે બેન અને બાળકને બચાવવાં હોય તો આ બેનને જલદી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવાં પડે અને તે માટે આપણે તેનો પગ કાપી નાખવો પડશે. આ કાટમાળ હટાવવા માટે હવે સમય નથી.’

‘ભલે સાહેબ... આપની જેવી મરજી, તમને યોગ્ય લાગે તે કરો પણ મારી પત્ની અને બાળકને બચાવી લો...’ રડતાં-રડતાં તે ભાઈ બોલ્યા.

‘’ઠીક છે... જલદી જર્મનથી આવેલ ડોક્ટર્સની ટીમને બોલાવો. ઓફિસરે ઓર્ડર આપ્યો.

અને થોડીવારમાં જ ડોક્ટરની ટીમ આવી પહોંચી, ચારે તરફ પડદા નાખી થિયેટર બનાવ્યું અને ડોક્ટરે લોકલ એનેસ્થેશિયા આપીને તે બહેનનો પગ કાપવા માંડ્યો અને તે જ વખતે બેનને પ્રસૂતિની પીડા પણ વધી ગઈ. રાડા-રાડ અને ધમાલ વચ્ચે બેને એક સુંદર બાળકને જન્મ આપ્યો. ડોક્ટરે ફટાપટ બાળકને હોસ્પિટલ લઈ જવાનું સૂચન આપ્યું અને ફરીથી કામે લાગ્યા.

ભેગા થયેલ લોકોના ટોળામાં આનંદ છવાઈ ગયો. મીરાદ અને રઘુ પણ તાજા જન્મેલા ખૂબસૂરત ફૂલ જેવા બાળકને જો ખુશ થયા.

‘હે ખુદા... પરવર દિગાર તું ખૂબ જ દયાળુ છો.’ બંને હાથને ઉપરનો તરફ લઈ જઈ મીરાદ બોલ્યો.

‘હે ઈશ્વર આ બાળકની માતાની પણ બચાવી લેજે દયાળુ...’ રઘુ બોલ્યો.

અને થોડી જ વારમાં બેનનો પગ કાપીને તેને બહાર કાઢવામાં આવ્યાં અને તરત આર્મીના જવાનો બેનને સ્ટ્રેચરમાં નાખીને હોસ્પિટલ તરફ દોડવા લાગ્યા.

ચાલતાં-ચાલતાં રઘુ અને મીરાદ ગંગા બજારમાં આવ્યા. અહીં પણ ધમાલ મચેલી હતી. અંજારના ઉપપ્રમુખ ભરતભાઈ શાહનું મકાન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું અને તેમાંથી તેમની પત્ની તથા પુત્રી અંજલીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. શહેરના અગ્રણીઓ ભરતભાઈને દિલાસો દેવા એકઠા થયા હતા. મૃતદેહો બહાર નીકળતાં જ સૌ સન્નાટામાં આવી ગયા હતા.

મૃતદેહ જોઈ મીરાદનું મન દુઃખથી ભરાઈ ગયું. ‘ચાલ રઘુ’ કહીને તેણે ચાલવા માંડ્યું.

‘ચાલ...’ કહી રઘુ પણ તેની સાથે ચાલવા લાગ્યો.

‘મીરાદ આપણે કોઈ કેમ્પમાં જ જમી લઈશું..?’

‘ના... રઘુ, મને ભૂખ નથી... તારે જમવું હોય તો જમી લે...’

‘મીરાદ દોસ્ત...આજ તું ઘણો જ ઉદાસ લાગે છે...પણ દોસ્ત જે આપણા નસીબમાં ન હોય તે આપણને ક્યાંથી મળે ? તેં જોયું નહીં, કોઇ વ્યક્તિને અગ્નિ સંસ્કાર નસીબમાં નથી તો કોઇનાં મા, બાપ, ભાઇ, બહેન, પુત્ર કે પત્ની આ ધરતીકંપમાં ભરખાઇ ગયાં છે. જો...તે બેન પણ ગઇ અને પુત્રનો જન્મ પણ થયો અને આપણાં આ ડોશી ઘરમાંથી જીવતાં બહાર નીકળ્યાં અને તારા જેવા શેતાનના મનમાં ખુદા વસ્યો કે તું તેને હોસ્પિટલ પહોંચાડવવા માટે તૈયાર થયો અને તેને કારણે તને મોટી દોલત ગુમાવવી પડી...’ ચાલતાં-ચાલતાં રઘુ બોલ્યો હતો.

‘અરે રઘુ...આપણે તો ડોશીને તો ધણાલમાં ભૂલી જ ગયા દોસ્ત, ચાલ આપણે ડોશીની તબિયત કેમ છે તેની પણ પૂછા કરી આવીએ.

‘હા...યાર ચાલ આપણે તેની ખબર પૂછી આવીએ’ કહી બંને ર્ડો.શ્યામસુંદર કેમ્પ તરફ વળ્યા.

કેમ્પમાં પહોંચ્યા કે કેમ્પની બહાર એક એમ્બયુલ્નસ ઊભી હતી અને તેના દરવાજા પાસે વ્રજલાલભાઇ સોની પોકે રડી રહ્યા હતા. તેમના પત્નીનો મૃતદેહ આજ તેના ઘરના કાટમાળમાંથી કાઢવામાં આવ્યો હતો. તેમના પત્નીનો મૃતદેહ એકદમ ફુલાઇ ગયો હતો અને ઘરમાં ગેસ ફાટ્યો હોવાથી ઘણી જગ્યાએ બળી ગયેલ હતો. તેનો ચહેરો અને શરીર એકદમ વિકૃત બની ગયાં હતાં. વ્રજલાલભાઇ સોનીનું સર્વસ્વ લૂંટાઇ ગયું હતુ. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા અને ર્ડોક્ટરને હાથ જોડીને વિનંતી કરતા હતા. ‘સાહેબ...કાંઇક કરો મારી પત્નીને બચાવો.’ ર્ડોક્ટરનું મન ભરાઇ આવ્યું. તે સમયે પ્રોફેસર જયશીલભાઇ સીતાપરા વ્રજલાલભાઇ સોનીને બાથમાં લઇને આશ્વાસન આપવા લાગ્યા.

વ્રજલાલભાઇ સોનીનું હ્રદય વિહ્વળ રુદનથી મીરાદનું મન વિચલિત થઇ ગયું. વ્રજલાલભાઇ સોનીનું દુ:ખ જોઇ ન શક્યો અને ત્યાંથી ખસી જઇ કેમ્પની અંદર તરફ જવા લાગ્યો.

રઘુ, મીરાદના થઇ રહેલા આ પરિવર્તનને સવારથી જ રહ્યો હતો. કાન, હાથ અને ગળું કાપી શેતાનને શરમાવે તેવાં કામ કરનાર મીરાદ આજ લોકોના દુ:ખ જોઇ દુ:ખી થઇ રહ્યો હતો.

‘કેમ છો મા...?’ ડોશીની બાજુમાં બેસતાં રઘુ બોલ્યો.

‘બેટા...જીવતી છું. જોઇ લે. હાડકાં સ્મશાને પહોંચી ગયાં છે છતાં ભગવાને મને બચાવી, મારા કરતાં કોઇ બાળકને કે કોઇ જુવાન મા-બાપ બચાવ્યાં હોત તો તેનાં નાનાં બાળકોને સંભાળી શકત. બેટા મારું શું, આજ બચી ગઇ તો કાલ ભગવાનના દરબારમાં જવા પણ નીકળી પડું...પણ બેટા મને મકાનમાંથી બહાર કોણે કાઢી...?’

‘મા...મેં અને મારા આ મિત્ર મીરાદ મળીને તમને બહાર કાઢ્યાં છે.’ બાજુમાં ઊભેલી મીરાદ સામે હાથ લાંબો કરતાં રઘુ બોલ્યો.

‘આવ બેટા મારી પાસે બેસ...!’ લાગણીથી મીરાદનો હાથ પકડતાં ડોશી બોલ્યાં.

અને મીરાદ ડોશીની બાજુમાં બેસી ગયો.

‘આ માજી સાથે કોણ છે ?’ કેમ્પસમાં સેવા માટે આવેલ દિલ્હીથી લીલાવતી હોસ્પિટલના ર્ડોક્ટર ડોશી પાસે આવીને બોલ્યા.

‘અમે છીએ, બોલો સાહેબ...!’ રઘુ બોલ્યો.

‘અડધી રાતના માજીને મૂકીને કેમ ચાલ્યા ગયા હતા...?’ ‘આ પોજીશનમાં તો માનો ખ્યાલ રાખો. બધું મળશે પણ મા ફરીથી નહીં મળે...’ ર્ડોક્ટર બંને સામે જોઇ બોલ્યા, ફરી આગળ કહ્યું ‘માજી હવે બરાબર છે. તેને ઘરે લઇ જાવ હા...આનો દીકરો કોણ છે...?’ બંને તરફ નજર ફેરવી ર્ડોક્ટર બોલ્યા.

‘ર્ડોક્ટર...આ મારી મા છે.’ ડોશીનો હાથ પોતાના હાથમાં લઇ વહાલથી માથા પર હાથ ફેરવી મીરાદ બોલ્યો.

રઘુ છક્ક થઇને આશ્ચર્યથી મીરાદ સામે જોઇ રહ્યો, તેના મોં પર આનંદ અને હર્ષના ભાવ છવાયા.

‘તમારું નામ શું છે...?’ ર્ડોક્ટરે પૂછ્યું.

‘મીરાદ...મીરાદખાન,’ મીરાદ ર્ડોક્ટર સામે જોઇને બોલ્યો.

‘મીરાદ...પણ આ માજી તો મિસ્ત્રી છે...?’ આશ્ચર્યથી ર્ડોક્ટર બોલ્યો. ‘કેમ સાહેબ...? મુસલમાનને મા નથી હોતી, હિન્દુ અને મુસલમાન બે ભાઇ નથી...? ર્ડોક્ટર એક મુસલમાન હિન્દુ માતાને મા નથી બનાવી શકતો...? આ મારો ભાઇ છે. રઘુ...તે પણ સાહેબ હિન્દુ જ છે...’

ર્ડોક્ટર અને રઘુ ખૂબ જ આશ્ચર્ય સાથે મીરાદની વાતને સાંભળી રહ્યાં. તેઓના ચહેરા પર મીરાદ માટે પ્રેમ અને લાગણીના ભાવ છવાઇ ગયા.

કેમ્પની બહાર રેડિયા પર ગીત વાગી રહ્યું હતું.

‘ઇશ્વર...અલ્લા...તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન...

રઘુપતિ રાઘવ રાજા રામ...પતિતપાવન સીતારામ...

ઘરરર...અંધકારભરી કાતિલ ઠંડી રાતના અનવર હુસૈન અને ચોથો પાર્ટનર બાઇક પર ભાગી રહ્યા હતા. સવારે પડે તે પહેલાં અંજારથી જેટલું દૂર નીકળી શકાય તેટલું સારું એમ વિચારીને અનવર હુસૈન બાઇકને ફુલસ્પીડમાં દોડાવી રહ્યો હતો. સૂમસામ રસ્તા પર બાઇકનો ઘરરાટીનો અવાજ ગુંજતો હતો. અંધકારમાં રોડની બંને તરફ ડોલતાં ભૂતાવળ સમાં વૃક્ષો પર બાઇકની હેડલાઇટનો પ્રકાશ ચમકતો હતો. રોડ પર પડેલ ખાડાઓમાં ઉછળતી જમ્પ કરતી બાઇક એકધારી ગતિથી આગળ વધી રહી હતી.’

કાતિલ ઠંડીમાં પાછળ બેઠેલા ચોથો પાર્ટનર ધ્રૂજતો હતો અને તે વિચારી રહ્યો હતો કે આ સાલ્લો...અનવર હુસેન કઇ માટીના છે કે જરાય ધ્રૂજ્યા વગર ફુલસ્પીડમાં બાઇક હંકારી રહ્યો હતો. ખરેખર આ અનવર હુસેન કોણ હશે...? અત્યારે તે આ દોલત સાથે મને ક્યાં લઇ જઇ રહ્યો છે,શું મારી ધારણા સાચી પડશે...? તે વિચારી રહ્યો.

મિત્રો...તમે પણ અત્યારથી જ વિચારવાનું ચાલુ કરી દેજો. જો આ સ્ટોરીને પહેલા પાનાથી જ ધ્યાનથી વાંચશો તો તમને જરૂર સમજાઇ ગયું હશે. થોડા સમય પછી તો હું તમને જરૂર બતાવીશ, પણ ત્યાં તમે તમારા દિમાગની અગ્નિપરીક્ષા લઇ લો...

હોસ્પિટલમાંથી રજા મળતાં ડોશીને મીરાદ પોતાના ઘરે ઝૂંપડામાં લઇ આવ્યો.

‘રઘુ...તું જલદી ઊપડ અને માજી માટે ખપે ત્યાંથી અને ખપે તે કિંમતે ફૂટ લેતો આવ...’ મીરાદે સો સોની બે નોટો રઘુના હાથમાં મૂકતાં કહ્યું અને રઘુ ફળો લેવા માટે ચાલ્યો.

‘મા...અમને ક્ષમા કરજો મેં અને રઘુએ તમને કષ્ટ આપ્યું...’ મીરાદ બોલ્યો.

‘બેટા...તમે તો મને કાટમાળમાંથી બહાર કાઢીને મને હોસ્પિટલ પહોંચાડી, તમારું ભગવાન ભલું કરશે...પણ બેટા...તું અને રઘુ મારા ઘરમાં ફરીથી જાવ અને મારો સામાન કાઢી આપો. બેટા મારા ઘરમાં ઘણી દોલત છે. જે મારા છોકરાની પરસેવાની કમાણી છે. બેટા તે બધું લઇ આવો, તેમાંથી અડધો ભાગ હું તને અને રઘુને આપીશ...’ એકાએક ઉધરસ આવતાં ડોશીએ બોલવાનું બંધ કર્યું.

હે અલ્લા...આ ડોશી તો એમ ને એમ અડધી મિલકત આપવા તૈયાર થઇ છે અને મેં, મેં તેની બધી મિલકત લૂંટી લીધી અને તે મિલકત ન મારા હાથમાં આવી ન રઘુના હાથમાં આવી કે ન આ ડોશીને મળી.

અને મીરાદની આંખો સામે અનવર હુસેન અને ચોથા પાર્ટનરનો ચહેરો તરવરી આવ્યો.

સાલ્લા...હરામખોરો તમે મને દગો આપીને બધી મિલકત લઇને ભાગી ગયો છો. પણ સુવરો હું તમને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. મીરાદનો ચહેરો ગુસ્સાથી તમતમી ઊઠ્યો અને બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઇ.

***