ધરતીનું ઋણ
વ્રજલાલ હિરજી જોષી
દુશ્મન દેશની ચાલ કે પછી...!
ભાગ - 3
ભુજ રાત્રી રોકાણ કરી મેજર સોમદત્ત બીજા દિવસે સવારની ફલાઇટમાં દિલ્હી જવાના રવાના થયા.
હલ્લો...હલ્લો...મેજર સોમદત્ત ક્યારથીય દિલ્હીથી પાકિસ્તાન સ્થિત તેમના એજન્ટ મુસ્તફા મીયાંદાદને કોન્ટેક કરવાની કોશિશ કરતા હતા. આખરે સાંજના તેમનો કોન્ટેક્ટ મુસ્તફા મીયાંદાદ સાથે થયો.
‘હલ્લો...હલ્લો...હલ્લો...303 ...હલ્લો...’
‘યસ સર...આઇ એમ 303 સર...મારા માટે શું હુકમ છે.’
હલ્લો...303 તારા સાથે એક ખાસ વાત કરવાની છે. તારું લોકેશન તથા મોબાઇલ ને...ચેક કરી લે.
સર...હું તમને દસ મિનિટમાં પબ્લિક ટેલિફોન બુથમાંથી ફોન કરું છું.’
અને લગભગ વીસ મિનિટ પછી મુસ્તફાનો ફોન આવ્યો.
‘હલ્લો સર...કેમ છો...?’
‘મઝામા છું મુસ્તફા...તું કેમ છે...?’
‘મઝામાં સર, આજકાલ ઘણી મહત્ત્વની માહીતી એકઠી કરું છું. બોલો સર...કેમ યાદ કર્યો...?’
‘સાંભળ મુસ્તફા...કરાંચીની સેન્ટ્રલ જેલમાં એક કેદી છે. તે હિન્દુસ્તાનનો છે. લગભગ દસ વર્ષથી જેલમાં સડે છે...’ કહીને મેજર સોમદત્તે મુસ્તફાને પૂરી વિગત જણાવી. પછી બોલ્યા, ‘મુસ્તફા જો તે મારો સાથીદાર આનંદ શર્મા હોય તો મારે ગમે તે ભોગે તેને છોડાવવો છે. પણ આ પાકિસ્તાનની ચાલ પણ હોઇ શકે, માટે તારે કોઇપણ સંજોગમાં તેને મળીને ચેક કરવાનો છે. તેના ફોટા તને મળી જશે, તે કેદીનો નંબર 107 છે.’
‘સર...ડોન્ટવરી...આ તો મુસ્તફાના ડાબા હાથનો ખેલ છે. બે-ચાર દિવસમાં જ મુસ્તફા કેદી બનીને જેલમાં પહોંચી જશે. સર જેમ બને તેમ તે આનંદ હોય તો જલદી ભારત ભેગો કરી દઇશ. એટલે કે જલદી તેને પાકિસ્તાનની જેલમાંથી આઝાદ કરાવી નાખીશ, ઓ...કે...સર...’
‘ઓ..કે...મુસ્તફા પહેલાં જેલમાં તપાસ કરી મને રિપોર્ટિંગ કર પછી જ આગળ વધશું ઓ...કે...’
‘નૂરજહાં રોડથી ડાબી તરફ ટર્ન લઇને મુસ્તફાની મોટર સાયકલ કરાંચીના મેઇનરોડ તરફ ભયંકર ગતિ સાથે ધસમસતી જઇ રહી હતી. અત્યારે તેમણે લગભગ અડધી બોટલ દારૂની ચડાવી હતી. આમ તો તે પોતાના મિત્રોની પાર્ટી હોય ત્યારે ડ્રિંક્સ લેતો તે સિવાય આજની જેમ ક્યારેય દારૂ પીતો ન હતો. એંસીથી સો કિલોમીટરની ગતિ વધારતો બેફામ બની મોટરસાયકલ દોડાવી રહ્યો હતો. આગળ ચાર રસ્તા આવતા હતા. વચ્ચે મહમ્મદઅલી ઝીણા સર્કલ હતું. સર્કલ પર ગોઠવેલી સિગ્નલ લાઇટો પર તેણે એક નજર કરી. પૂર્વથી પશ્ચિમ તરફ જવાનો રસ્તો બતાવતી ગ્રીન સિગ્નલ લાઇટ ચાલુ હતી. તે દક્ષિણથી ઉત્તર દિશા તરફ જઇ રહ્યો હતો. દક્ષિણથી ઉત્તર દિશાના રસ્તા પર રેડ સિગ્નલ લાઇટ ચાલુ હતી. વચ્ચે બે પોલીસવાળા સતત સિસોટી વગાડતા બંને હાથ સમાન અંતરે રાખીને ગાઇડેશન આપતા હતા.
મુસ્તફાના ચહેરા પર ક્રૂર સ્મિત ફરી વળ્યું. મોટરસાયકલની ગતિને ઘટાડ્યા વગર કાંઇક વિચારીને તેણે સર્કલની બાજુમાં ઊભેલા બે પોલીસવાળાની વચ્ચે મોટરસાયકલ ઘુસાડી દીધી.
ધડાંગ...અવાજ સાથે મોટર સાયકલનું આગલું વ્હીલ એક પોલીસવાળાના ટાંટિયાને તોડતું એક તરફ નમી ગયું.
‘વોયમાં...’ જે પોલીસવાળાની ટાંગ પર મોટરસાયકલનું વ્હીલ અથડાયું તે જોરથી રાડ નાખતો નીચે બેસી ગયો.
‘એય..લો લફંગા, હરામખોર...’ બીજો પોલીસવાળો પોતાની સર્કલ પર મૂકેલી લાકડી ઉપાડી ગુસ્સાથી ગાળો બકતો મુસ્તફા તરફ ધસી ગયો.
એક તરફ નમી ગયેલો મોટરસાયકલને બેલેન્સ કરવા મુસ્તફાએ તે તરફના પગની લાત જમીન પર ભરાવી અને બીજી તરફ ધક્કો લગાવ્યો. મોટરસાયકલ સીધી થઇ.
મોટરસાયકલ સીધી થતાં જ પોતાનું બેલેન્સ જાળવતા મુસ્તફાએ પોતાનો હાથ લીવર પર દબાવ્યો અને ગેર બદલ્યો અને એક ઝાટકા સાથે મોટરસાયકલ પાછલા વ્હીલે અધ્ધર થઇ પછી આગલા વ્હીલ તરફ વજન આપી મુસ્તફાએ ભયાનક વેગ સાથે મોટરસાયકલ મારી મૂકી.
સર્કલ પાસે ધમાલ-ધમાલ મચી ગઇ.
ટ્રાફિકમાં મોટરસાયકલને આડી-અવળી કરતો પૂરવેગે દોડાવતો તે આગળ ધપી રહ્યો હતો.
વાઉં...વાઉં...વાઉં...અવાજ સાથે બે પોલીસની પેટ્રોલિંગ કાર સાયરન વગાડતી તેનો પીછો કરી રહી હતી.
પોલીસની ઠેકડી ઉડાડતો હોય તેમ મોટરસાયકલ પર ઊભા થઇ અટ્ટહાસ્ય વેરતા મુસ્તફાએ હાથ ઊંચો કરી હલાવ્યો.
‘સાલ્લા હરામખોર...ગુસ્સા સાથે પેટ્રોલિંગ કારમાં તેનો પીછો કરતો ઇન્સ્પેક્ટર ગુસ્સાથી ધૂંવાપૂંવા થઇ ગયો.
‘હલ્લો...હલ્લો...તૈયબઅલી સર્કલ...હું ઇન્સ્પેક્ટર રસીદી બોલું છું...હું એક મોટરસાયકલનો પીછો કરી રહ્યો છું. તે મોટરસાયકલ તૈયબઅલી સર્કલ તરફ ગતિ સાથે જઇ રહી છે. તમે તેને રોકવાનો પ્રયત્ન કરો.’ ઇન્સ્પેક્ટરે વાયરલેસથી આગળના સર્કલમાં મેસેજ મૂક્યો.
‘ઓ...કે...સર અમે તેને તૈયબઅલી સર્કલ પર રોકવાની કોશિશ કરીએ છીએ...’ વાયરલેસમાંથી જવાબ મળ્યો.
‘સાલ્લા એકવાર હાથમાં આવ પછી તારા હાથ-પગને તોડી નાખું...’ ઇન્સ્પેક્ટર રસીદી ગુસ્સાથી મૂઠીવાળી બબડયો.
અને જ્યારે મુસ્તફાની મોટરસાયકલ તૈયબઅલી સર્કલ પાસે પહોંચી ત્યારે તેના સ્વાગત માટે રસ્તાને કોર્ડન કરી ચાર પેટ્રોલિંગ કાર ઊભી હતી.
‘હવે માર ખાવા માટે તૈયાર થા મુસ્તફા...’ આછા સ્મિત સાથે મુસ્તફા બબડયો અને ભયાનક વેગ સાથે મોટરસાયકલને જોરથી પેટ્રોલિંગ કાર સાથે અથડાવી.
ધડામ...અવાજ સાથે મોટરસાયકલ પેટ્રોલિંગ કાર સાથે અથડાઇ અને મુસ્તફા ઊછળીને રોડ પર પટકાયો.
તે ઊભો થાય તે પહેલા તો લગભગ સાત-આઠ પોલીસવાળા લાકડી લઇ તેના પર તૂટી પડ્યા.
લાકડી અને લાતોને માર ખાતો મુસ્તફા આંખો બંધ કરીને પડી રહ્યો. તે ધારત તો સાતે પોલીસવાળાને પહોંચી વળે તેમ હતો, પણ ગિરફ્તાર થઇ જેલમાં પહોંચવા માટે આટલું બસ હતું.
ત્યારબાદ મુસ્તફાની બરાબર ધોલાઇ કરી તેને પોલીસ વાહનમાં નાખી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો. બીજા દિવસે કોર્ટમાં ટ્રાફિક ભંગ, દારૂ પીને ગાડી ચલાવવાનો, ડ્યુટી પર રહેલા પોલીસવાળાનો પગ તોડવા જેવા કેટલાય કેસો લગાવી તેને બે મહિના માટે જેલની સજા મુકરર કરી, સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો.
ઓયમા...જેલના ઓટલા પર બેસી મુસ્તફા હાથ-પગ દબાવી રહ્યો હતો. તેના ઘૂંટણ છોલાઇ ગયા હતા. મોં સૂજી ગયું હતું અને આંખની આજુબાજુ કાળાં ચકમાં ઊપસી આવ્યા હતાં.
ઓછી સજાવાળા કેદી હોતા તેને આગળની ખુલ્લી બેરેકમાં રાખવામાં આવ્યો હતો, અને બે ટાઇમ તેને બેરેકની બહાર પણ નીકળવા મળતુ હતું. મેડિકલ ચેક-અપ દરમિયાન તે ભલા ર્ડોક્ટરને તેને પેનકિલર આપી હતી. દુ:ખાવામાં થોડી રાહત પણ હતી. વાતોમાં ને વાતોમાં તેણે ર્ડોક્ટરને પૂછી લીધું હતું કે મહિનાની દર પાંચ તારીખે જેલના બધા જ કેદીનો મેડિકલ ચેક-અપ કરવામાં આવે છે. હવે તેને કેદી નં. 107 ને મળવા પાંચ તારીખ સુધી વાટ જોવાની હતી.
જેલના વોર્ડન મહેમ્મુદ સાથે તેની પહેલાથી દોસ્તી હતી.
જેલમાં આવવાનો પ્લાન તેણે મહેમ્મુદ સાથે બેસીને બનાવવાનો હતો. પણ મહેમ્મુદ રજા પર હતો, ઘરે પણ ન હતો.
પાચં દિવસ પછી મહેમ્મુદ ડ્યુટી પર આવ્યો અને મુસ્તફાને જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગયો.
‘ભાઇ...તમે અને જેલમાં...?’ આશ્ચર્ય સાથે તે બોલ્યો.
‘મહેમ્મુદ...બપોરના કોઇ ન હોય ત્યારે મારી બેરેકમાં આવજે અને હા સાથે સિગારેટનું પાકિટ પણ લેતો આવજે.’
તે બપોરના મહેમુદ મુસ્તફાને મળવા આવ્યો, જેલમાં ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. જેલર ઘરે જઇને સૂઇ ગયો હતો. સિપાઇઓ અને ગાર્ડ અસહ્ય ગરમીથી બચવા માટે વૃક્ષોનાં છાંયડામાં બેઠા હતા, કેદીઓ બેરેકમાં સૂતા હતા.
‘ભાઇ...હવે બોલો તમને જેલમાં શા માટે આવવું પડ્યું.’ મુસ્તફાને સિગારેટનું પાકિટ આપતાં મહેમૂદે પૂછ્યું.
મુસ્તફાએ મહેમુદને બધી વાત કરી પણ અમુક બાબતો છુપાવીને.
‘ભાઇ...કેદી નંબર 107 કોણ છે. તેની તપાસ રેકોર્ડમાં કરીને કાલ તમને જણાવીશ. પણ જેલર ખૂબ ખરાબ માણસ છે. અને આ જેલ તે જેલ નહીં પણ દોજખ છે. આ જેલમાંથી કોઇને છોડાવવો તે ધોળે દિવસે તારા જોવા જેવી વાત છે. ભાઇ તમે આમાં ન પડો તો સારું.’
‘મહેમુદ...દોસ્ત તુ મને મદદ કરીશ તો હું ધોળે દિવસ પણ બતાવી દેખાડીશ અને તે કેદીની પહેલાં મારી સાથે મુલાકાત ગોઠવી આપ, પછી તેને છોડાવવાનું વિચારશું.’ સિગારેટનો એક ઊંડો દમ લેતાં મુસ્તફા બોલ્યો.
‘ભલે ભાઇ...તમે મારા દીકરાનું અપહરણ થયું હતું ત્યારે તેને મવાલીઓના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. તમારો આ ઉપકાર હું મરીશ ત્યાં સુધી નહીં ભૂલું ભાઇ, તમે હુકમ કરો હું બધી જ મદદ કરીશ, પણ ભાઇ મારી નોકરીનો ખ્યાલ રાખજો.’
‘મહેમુદ તું અમને અંદરથી મદદ કરતો રહેજે અમે ક્યાંય તારું નામ આવવા નહીં દઇએ.’
‘ભલે ભાઇ હુકમ...કાલ 107ની માહિતી લઇને તમને મળું છું.’
અને બીજા દિવસે બપોરના મહેમુદ મુસ્તફાની બેરેકમાં આવ્યો.
‘બોલ મહેમુદ...શું સમાચાર છે...?’
‘ભાઇ...107 નંબરનો પત્તો લાગી ગયો છે. 107 નંબરનો કેદી તો દેશની જાસૂસી કરવાના ગુના હેઠળ આજીવન કારાવાસની સજા ભોગવે છે. તે દુશ્મન દેશનો જાસૂસ છે અને તેને અંડર ગ્રાઉન્ડ બેરેકમાં રાખવામાં આવ્યો છે. અને જેલરની હાજરી વગર કોઇ જ તેને મળી શકતું નથી.’ ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી મુસ્તફાને આપતાં મહેમુદ બોલ્યો.
‘મહેમુદ ગમે તે કર, પણ મારે તેને મળવું છે.’ સિગારેટ સળગાવતાં મુસ્તફા બોલ્યો.
‘ભાઇ...કોઇ જ શક્યતા નથી.’ નિરાશ ભાવે મહેમુદ બોલ્યો.
‘શક્યતા છે. મહેમુદ...શક્યતા છે તે કેદીને ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવતો હશેને...?’ સિગારેટનો એક ઊંડો દમ લઇ મુસ્તફા બોલ્યો.
‘અરે...હા, ભાઇ એ વાત તો હું ભૂલી જ ગયો, તેને પાંચ તારીખે હોસ્પિટલમાં લાવવામાં આવે છે...ત્યારે તમારી મુલાકાત ગમે તે રીતે ગોઠવી દઇશ.’
‘ઠીક છે, પાંચ તારીખ યાદ રાખજે અને ત્યાં સુધી હું આરામ કરી જેલના રોટલા ખુટાડું બરાબરને...!’
અને પાંચ તારીખના કેદી નંબર 107 સાથે મુસ્તફાની મુલાકાત થઇ. જેલની હોસ્પિટલના વેઇંટીંગના રૂમનાં જ્યારે કેદી નંબર 107 ને લાવવામાં આવ્યો ત્યારે મહેમુદ મુસ્તફાને લાઇન વચ્ચેથી અંદર મોકલાવી દીધો. અને કેદી નંબર 107ની બાજુમાં બેસાડી દીધો.
હવે વાત રહી વેઇટિંગ રૂમમાં ઊબેલા બે ગાર્ડને હટાવવાની તો મહેમુદ પોતાની નીચે કામ કરતા બે ગાર્ડને ત્યાં ગોઠવ્યા હતા અને પોતે કેદીનો ખ્યાલ રાખશે તેમ કહી બંને ગાર્ડને કોઇ કામ બતાવી બહાર મોકલાવ્યા.
ટાઇમ ફકત પાંચ જ મિનિટનો હતો.
‘તમે ભારતીય છો...?’ બાજુમાં બેઠેલ કેદી 107ને મુસ્તફાએ એકદમ ધીમા અવાજે પૂછ્યું.
‘હેં...!’ તે કેદી એકદમ ચોંકી ઊઠ્યો અને આશ્ચર્યભરી નજરે મુસ્તફાને જોઇ રહ્યો.
‘તમે સોમદત્તને કેવી રીતે ઓળખો છો...?’ મુસ્તફાએ બીજો પ્રશ્ન પૂછ્યો.
‘તમે...તમે...કોણ છો...? અને સોમદત્ત...કોણ સોમદત્ત...? તે આશ્ચર્ય સાથે મુસ્તફા સામે જોતાં બોલ્યો. તેના મોં પર મૂંઝવણના ભાવ છવાયેલા હતા.
‘સાંભળ...મારી પાસે ટાઇમ નથી. તેં કચ્છના માછીમાર પાસે જે વાત કરી હતી, તે અનુસંધાને તને મળવા આવ્યો છું. તારે જે કહેવું હોય તે ફટાફટ કહે’ કડક સ્વરે મુસ્તફા બોલ્યો,
‘ઓ માય ગોડ...તમે તમે...’ તે કેદીના મોં પર હજી મૂંઝવણના ભાવ છવાયેલા હતા. પોતાની વાત આને કહેવી કે નહીં તે તે નક્કી કરી શકતો નહોતો. કદાચ જેલરની પણ કોઇ ચાલ હોઇ શકે.
‘તમે સોમદત્તને કેવી રીતે ઓળખો છો...?’ આખરે તેણે મનમાં કાંઇક નક્કી કરી મનને મક્કમ કરતાં પૂછ્યું.
‘મેજર સોમદત્તન ભારતની જાસૂસી સંસ્થાના ચીફ છે અને હું તેનો પાકિસ્તાન ખાતેનો એજન્ટ છું. બસ...આટલી માહિતી તારા માટે ઘણી છે. ટાઇમ નથી તું કોણ છે તે ફટાફટ બોલવા માંડ.’
‘હં...સાંભળો હું મેજર સોમદત્તનો આસિસ્ટન્ટ આનંદ શર્મા છું.’ આખરે મનમાં કાંઇક નિર્ણય કરતાં તે કેદી બોલ્યો.
‘આનંદ શર્મા...બરાબર પણ તું સાબિતી આપી શકે તેમ છે ?’
‘કચ્છમાં જ્યારે ધરતીકંપ થયો ત્યારે મને મેજર સોમદત્ત સાથે કચ્છ મૂકવામાં આવ્યો હતો અને હું એક પાકિસ્તાની જાસૂસને પીછો કરતાં અહીં આવી ભરાયો છુ. વાત ઘણી લાંબી છે, ટાઇમ ન હોતાં કહેવાય તેમ નથી. પણ કચ્છમાં ધરતીકંપ વખતે એક દમ નામના છોકરાનું પૂરું પરિવાર મૃત્યુ પામ્યું હતું, તેનું મકાન તૂટી ગયું હતું, મેજર સોમદત્ત તેને લઇને દિલ્હી રવાના થઇ ગયા, અને મને કચ્છ મૂકતા ગયા હતા. આ વાતની મારા અને સોમદત્ત સાહેબ સિવાય લગભગ કોઇને ખબર ન હતી. તમે તેને પૂછી લેજો અને કહેજો કે આનંદ શર્મા જેલમાં સડે છે, તેને છોડાવો દસ વર્ષથી મને કાટ કોટડીમાં પૂરી રાખવામાં આવ્યો છે અને હું કોણ છું, તે બાતમી ઓકાવવા માટે મને જેલર અવાર-નવાર પારાવાર યાતના આપે છે. મારા હાથ પગ-તોડી નાખે છે. હંટરથી કે સોટીથી મને માર મારવામાં આવે છે. દસ વર્ષ થયા પણ તે મારું મોં ખોલાવી શક્યો નથી. પણ હવે હું વધારે સમય કાઢી શકીશ તેમ મને લાગતું નથી. મારું શરીર પૂરું ખલ્લાસ થઇ ગયું છે. પણ એટલું સોમદત્તજીને કહેજો કે હું મરીશ ત્યાં સુધી મારી પાસેથી આ જેલર કાંઇ જ બાતમી ઓકાવી શકશે નહીં.’
હાંફતા-હાંફતા એક લાંબો શ્વાસ લઇ તે થોભ્યો, આટલી વાત કરતાં તે થાકી ગયો હતો.
ખરેખર તેની હાલત ખરાબ હતી, તેવું મુસ્તફાને લાગ્યું.
‘ઠીક છે...આનંદ શર્મા, અમે તને જલદી આ કારાવાસમાંથી છોડાવવાનો પ્રયત્ન કરીશું, તું હિંમત ટકાવી રાખજે,’ તેની પીઠ પર હાથ ફેરવતાં આશ્વાસન આપતાં મુસ્તફા ધીમા અવાજે બોલ્યો.
પછી તે કેદીનો નંબર આવતાં મેડિકલ ચેક-અપ માટે તેને ર્ડોક્ટરની ઓફિસમાં બોલાવવામાં આવ્યો.
મુલાકાત પૂરી થઇ ગઇ. પણ મુસ્તફાને જે બાતમી જોઇતી હતી. તે મળી ગઇ તેના ચહેરા પર સંતોષના ભાવ છવાયા હતા.
કેટલાય દિવસો નીકળી ગયા, મેજર સોમદત્ત ખૂબ જ વ્યાકુળતા સાથે મુસ્તફાના સંદેશાની વાટ જોઇ રહ્યા હતા.
બે મહિના નીકળી ગયા. મુસ્તફા જેલમાંથી છૂટ્યો.
મેજર સોમદત્ત વિચારવશ હાલતમાં પોતાની ચેમ્બર્સમાં બેઠા હતા.
અચાનક તેનો મોબાઇલ રણકી ઊઠ્યો.
સેલફોન ટેબલ પરથી ઉઠાવતાં મેજર સોમદત્તે સ્ક્રીન પર નજર કરી, કોઇ અજાણ્યા નંબર હતા.
‘હલ્લો સર હું 303 બોલુ છું.’
‘હલ્લો...કેમ છો...? અરે...કેટલાય દિવસથી તારા મેસેજની રાહ જોતો હતો. બોલ શું થયું...?’
‘સર...બે મહિના હું વેકેશન ગાળી આવ્યો અને તમારા મિત્રને પણ મળી આવ્યો.’
‘એમ...શું ગુલાબના છોડ સાચા હતા કે ખોટા...તેમાં થતાં ગુલાબનાં ફૂલો કેવા હતાં.’
‘સર...બહુ જ સરસ ગાર્ડન છે. અને ખરેખર ગુલાબના છોડ સાચા હતા. પણ સર...છોડની સ્થિતિ સારી નથી, ગુલાબ મુંરઝાઇ રહ્યા છે, આમ ને આમ પાણી-ખાતર વગર તે છોડો વધુ દિવસ ટકી નહીં શકે...’
‘તો શું કરશું...? તું પાણીને ખાતર મેળવી શકીશ...?’
‘સર...ખાતર તો મારી પાસે છે. પણ પાણીની લાઇન ત્યાંથી મોકલવી પડશે...’
‘ઓ...કે...પાણીની લાઇન પડી જશે અને બગીચામાં પાણી પહોંચી જશે...બાકીનું પાણી પિવડાવવાનું ને ખાતર નાખવાનું કામ તારું, જોજે...કોઇપણ હિસાબે ગુલાબનો છોડ કરમાઇ જવો જોઇએ નહીં...’
‘સર...મારા પર વિશ્વાસ રાખજો, અલ્લા તાલાની કૃપા હસે તો તમારો બગીચો ફરીથી ગુલાબનાં ફૂલોથી મહેંકતો થઇ જશે...અને હા, એક સફરજનની પેટી મોકલાવી છે. કાલ મળી જશે...’
‘ઓ...કે...હું પેટી લઇ લઇશ અને જેમ બને તેમ જલદી પાણીની લાઇન પણ પહોંચતી કરી દઇશ...’
‘ઓ...કે...સર’ કહીને સામેથી ફોન કટ થઇ ગયો.
ફોન પાકિસ્તાનથી મુસ્તફાનો હતો અને આનંદ શર્માને છોડાવવા માટે તે સક્રિય થઇ ગયો હતો. તેથી તે જરાય પણ શંકાની પરાધીનતામાં આવવા માગંતો ન હતો. એટલે જ તેણે મેજર સોમદત્ત સાથે કોડવર્ડમાં વાત કરી હતી.
સેલફોનને ટેબલ પર મૂકીને મેજર સોમદત્ત વિચારવશ હાલતમાં બેસી રહ્યા. તે કેદી આનંદ શર્મા જ છે તે જાણી તેના ચહેરા પર આનંદ સાથે મૂંઝવણના ભાવ તરી રહ્યા હતા, તેને ખબર પડતી ન હતી કે આનંદ કરાંચીની જેલમાં કેવી રીતે પહોંચ્યો.
કોઇપણ સંજોગમાં આનંદ શર્માને છોડાવવો જ રહ્યો. તે બબડ્યા પછી તાત્કાલિક પ્રલય અને આદિત્યને બોલાવવા માટે પટાવાળાને સૂચન કર્યું.
બે દિવસ પછી પાકિસ્તાની કશ્મિરી સેફની પેટી તેમને મળી. બધાં સફરજન ચેક કરતાં એક સફરજનમાંથી એક નાની ચીપ મળી આવી. ચીપમાં કરાંચીની જેલની વિગત અને આનંદ શર્માની મુલાકાતનો પૂરો ડેટા સેવ કરેલો હતો. ચીપને લેપ-ટોપમાં ડાઉનલોડ કરી મેજર સોમદત્ત, પ્રલય, કદમ, આદિત્ય પૂરી તલ્લીનતા સાથે પૂરી વિગતથી માહિતગાર થયા.
વિગતમાં પૂરી જેલથી કરીને કરાંચીના રસ્તાની માહિતી તથા આનંદ સાથે થયેલી પૂરી વાતચીત અને જેલમાં કેમ પહોંચવું, તેનો કોન્ટેક્ટ મહેમુદ સાથે કરાવી આપશે. જેલ તોડી નાસી છૂટવાનો પ્લાન પણ તે તાત્કાલિક ધોરણે ઘડી કાઢશે. તે સંપૂર્ણ વિગત કોર્ડવર્ડ ભાષામાં લખેલી હતી. પૂરી વિગત જાણ્યા પછી તેઓએ ઇન્ટરનેટમાં કરાંચીની જેલ તથા ત્યાંથી કરાંચી શહેરના ફોટા કંપોઝ કરીને જોયા.
‘સર...હવે...?’ પ્રલય બોલ્યો.
‘પ્રલય...તારે અને આદિત્યએ કરાંચીની જેલમાં પહોંચવાનું છે અને જેલ તોડીને આનંદને ભગાડીને ભારત પરત આવવાનું છે.’
‘પણ સર...જેલમાં અમે કેવી રીતે પહોંચશું...?’ આદિત્યે પૂછ્યું.
‘આદિત્ય..જેમ તુણા બંદરથી રામજીભા કરાંચીની જેલમાં પહોંચ્યા તેમ...’
‘અરે...વા સર. આપે ખૂબ જ સરસ ઉપાય શોધી કાઢ્યો છે...પ્રલય, આદિત્ય ભાઇ થઇ જાવ જેલ ભેગા’ કદમે કહ્યું.
‘દોઢ ડાહ્યો થા મા તારે પણ અમારી સાથે આવવાનું છે... સમજ્યો...’ પ્રલયે કહ્યુ.
‘ના...ભાઇ ના...આપણે તો અહીં દિલ્હીમાં જ બરાબર છીએ.’
‘સર...કદમને સાથે લઇ જઇએને...?’ આદિત્યે પૂછ્યું...
‘કેમ...તું અને પ્રલય સાથે મળીને મિશન પૂરું નહીં કરી શકો...?’
‘ના સર...એવું નથી...પણ...પણ...’
‘આદિત્ય મારા તો હજી ફરવાના દિવસો છે. યાર નાનો છું...’ જીભને બહાર કાઢી અંગૂઠો બતાવતાં મોં મચકોડી કદમ બોલ્યો.
***