ધરતીનું ઋણ - 1 - 2

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

 • મોતની તબાહી
 • ભાગ - 2

  ર્ડોક્ટરે હોસ્પિટલ નીચે ઊતરીને ચારે તરફ નજર ફેરવી તો તેના ઓપરેશન કરેલ દર્દીઓ નીચે લોબીમાં સૂતા હતા. કેટલાયના બાટલા ચાલુ હતા અને તેમના સગાઓ બોટલો પકડીના ઊભા હતા.

  કદમ, ભાર્ગવ, હિતેષની સાથે તેના ઘરના આંગણામાં પહોંચ્યા તે જ વખતે ધરતીકંપ થયો હતો. ‘જાકો રાખે સાંઇયા માર સકે ના કોઇ’...ની જેમ રેલીમાંથી ઘરે પરત ફરેલ ત્રણે બાળકો મોતના મોંમાંથી બચી ગયાં હતાં.

  ત્રણે બાળકો ઘણાં જ ગભરાયેલાં હતાં.

  હિતેષની મમ્મી તેમને આશ્વાસન આપી રહી હતી.

  તે જ વખતે ભાર્ગવની મમ્મી દોડતી-દોડતી આવી અને ભાર્ગવને હેમખેમ જોઇને છાતી સરસો ચાંપી દીધો.

  રેલીમાંથી જ્યારે તેઓ હિતેષના ઘરે જતા હતા, ત્યારે ભાર્ગવ હિતેષના ઘરથી થોડે દૂર પોતાના ઘરે પાણી પીવાના બહાને મમ્મી પાસેથી વાપરવા માટે પૈસા લેવા ગયો હતો. તેથી અનુબેનને ખબર હતી કે ભાર્ગવ હિતેષના ઘરે છે.

  કદમ બેબાકળો બની ગયો હતો. તેનું ઘર ઘણું જ જૂનું પુરાણું અને જર્જરિત થઇ ગયેલું હતુ. તે પોતાના ઘર તરફ રોતો રોતો દોડતો જતો હતો. પણ તેનું ઘર જે ફળિયામાં હતું ત્યાં જવાના રસ્તામાં ચારે તરફ મકાનોનો કાટમાળ પડ્યો હતો. તેથી ઘરે પહોંચી શકાય તે માટે કોઇ રસ્તો જ રહ્યો ન હતો. તે એક દુકાનના ઓટલા પર બેસીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો.

  આફ્ટર શોક આવતાં ધડાધડ સૌ ચીસો નાખતા હોસ્પિટલમાંથી નીચે ઊતરીને બહાર રોડ પર આવી ગયાં. ડોક્ટર પણ સ્ટાફ સાથે બધો સામાન લઇને નીચે આવી ગયા અને ફટાફટ ઘાયલોની સારવાર રોડ પર બેસીને કરવા લાગ્યા.

  ‘સાહેબ...બેન તથા ડીકુને હું મારે ઘેર લઇ જાઉં છું.’ મુકેશભાઇ બોલ્યા.

  ‘હા...હા...લઇ જાવ’ એક પેશન્ટને ચેક કરતાં ડોક્ટરે પોતાની પત્ની અને પુત્ર તરફ એક નજર ફેરવી અને ફરીથી કામે લાગી ગયા.

  ‘કિરણભાઇ...’ હોસ્પિટલમાંથી દવા સામાન લઇ સૌથી છેલ્લે નીચે ઊતરતા કિરણભાઇ...કિરણભાઇને કોઇએ બૂમ પાડી.

  કિરણભાઇએ ફરીને પાછળ નજર કરી. એક ઘાયલ થયેલ માણસે જેનું માથું ફાટી ગયું હતું અને પગમાં ફેક્ચર થયું હતું, તે કિરણભાઇને રાડ નાખીને બોલાવતો હતો.

  ‘કિરણભાઇ...મને બહુ જ તરસ લાગી છે. દોસ્ત...પાણી પીવડાવોને...!’

  ‘થોડીવાર થોભજે પછી પાણી પિવડાવું છું. હો...’ કહીને કિરણભાઇ હોસ્પિટલની નીચે ઊતરી ગયા અને નીચે ઊતરી તરત ઘાયલોની પાટા-પિંડી કરવામાં પડી ગયા.

  ઘાયલ લોકોનાં ધાડાં અને ધાડાં હોસ્પિટલ તરફ દોડીને આવતાં હતા. રાડા-રાડ અને ચીસા-ચીસોના અવાજથી વાતાવરણ ભરાઇ ગયું હતું. ર્ડો. શ્યામસુંદર અને તેમનો સ્ટાફ ખૂબ જ ઝડપથી પેશન્ટને પાટા-પિંડી, દવા-ગોળી, ઇંજેક્શનો આપી ટ્રીટમેન્ટ કરતા હતા. કેટલાય લોકો હોસ્પિટલ પાસે પહોંચીને મૃત્યુ પામતા હતા.

  ધીરે-ધીરે ચારે તરફ લાશોના ઢગલા થવા લાગ્યા.

  અહીં રોડની બાજુમાં કાંઇ જ કામ થઇ શકશે નહીં, મારે ઘણા બઘા લોકોને ટાંકા આપવા પડશે. કેટલાયને પ્લાસ્ટર આપવા પડશે. કેટલાય સિરિયસનો બોટલો લગાવવી પડશે. બ્લડ આપવું પડશે. જો હોસ્પિટલના પાછળના ભાગમાં ટેન્ટ બાંધવામાં આવે તો...?

  હં...એમ જ કરવુ પડશે...વિચારતાં ડોક્ટર બાજુમાં આવેલ ‘ગુજરાત ટેન્ટ હાઉસ’માં ગયા.અને તેના માલિક નેતરામભાઇને રિકવેસ્ટ કરી.

  ‘નેતરામભાઇ કાંઇક કરો...મને જલદી હોસ્પિટલના પાછળના ભાગમાં ટેન્ટ બાંધી આપો. આફટર શોક ચાલુ છે. તેથી હોસ્પિટલમાં તો કાંઇ કામ થઇ શકે તેમ નથી. મારે જલદી ઘણાય ઘાયલ લોકોના ટાંકા લેવા છે. ઘણાયની સારવાર કરવાની બાકી છે. પ્લીઝ, દુ:ખભર્યા વિલાયેલા ચહેરે ડોક્ટર બોલ્યા.

  ‘સાહેબ...તમે ચિંતા ન કરો. હું અડધા કલાકમાં જ પાછળ ટેન્ટ બંધાવી આપું છું. અને ઘાયલોને સુવડાવવા માટે તેમાં મોટાં ટેબલો પણ મુકાવી આપું છું.’ કહેતાં નેતરામભાઇ ઊભા થયા અને ફટાફટ પોતના માણસોને બોલાવી ઓર્ડર આપવા લાગ્યા.

  ફટાફટ હોસ્પિટલની પાછળ ટેન્ટ તૈયાર થયો. હર્ષદ નામનો કમ્પાઉન્ડર હિંમત કરી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી ઓટો કલેવ મશીન, ટાંકા લેવાનાં સાધનો, ગ્લાઉઝ, ગોસપીસ વગેરે ઉપાડી લાવ્યો અને થોડી જ વારમાં ‘ટેન્ટ હોસ્પિટલ’ શરૂ થઇ. અને ઘાયલ થયેલા લોકોને ટાંકા લેવાનું શરૂ થયું. થોડી પદ્ધતિસરની સારવાર શરૂ થઇ પણ ધીરે ધીરે સામાન ખૂટવા લાગ્યો. ડ્રેસિંગ મટીરિયલ, ટાંકા લેવાના દોરા, ગ્લુકોઝની બોટલો, પેઇનકિલરનો સ્ટોક ખલાસ થવા લાગ્યો.

  ‘સાહેબ...થ્રેડ (માર સિલ્ક) પૂરી થઇ ગઇ. હવે તો મેડિકલ સ્ટોરમાં પણ નથી.’ હર્ષદ બોલ્યો.

  ‘શું...? બધા દોરા ખલાસ થઇ ગયા ? હું અરે...આપણા દોરા ખલાઇ થઇ ગયા હોય તો શું થયું...જાવ જલદી આજુબાજુના ઘરમાંથી દોરાઓ લઇ આવો...’ ડોક્ટર ચિલ્લાયો.

  ‘વા...કુદરત...વા’ અને તે દિવસે ડોક્ટર આજુ-બાજુના ઘરોમાંથી મળેલ ગોદડાં સીવવાના જાડા દોરાઓથી ટાંકા લેવાનું શરૂ કર્યું.

  નરસિંહભાઇ નામના એક દર્દીના પગમાંથી પુષ્કલ લોહી વહી રહ્યું હતું. ટાઇટ પાટા બાંધવા છતાંય લોહી બંધ થતું ન હતુ. તેને કેલ કેનિયમમાં ફેક્ચર હતું અને તે જોરજોરથી રાડો પાડી રહ્યો હતો.

  ‘ડેડી...આ ભાઇને કેટલી પીડા થાય છે...તેના પગમાંથી લોહી નીકળી રહ્યું છે આને લોહી બંધ થાય તેવું જલદી કાંઇક કર ને...!’

  આઠ વર્ષનો ર્ડોક્ટરનો દીકો ડીકુ દૂર ઊભો હતો તે બોલ્યો.

  ‘તેને કેલ-કેનિયમ જાતનું ફેકચર છે. તેને જલદી અમદાવાદ સિફ્ટ કરવો પડશે...બેટા.’

  ‘ડેડી, હું તમને ક્યારનોય કહું છું. આ બિચારો દર્દથી પીડાય છે. તું ર્ડોક્ટર છો કે કોણ...?’ પેશન્ટનું દર્દ સહન ન કરી શકતાં મોં ફેરવી લઇને તેમનો દીકરો બોલ્યો.

  ‘બેટા...!’ દર્દભર્યા અવાજે સાથે ર્ડોક્ટર એટલું જ બોલી શક્યા. તેમના ગળામાં ડૂમો બાઝી ગયો. અને તેની આંખમાં ભીનાશ તરવરી આવી.

  ખાધા-પીધા વગર સૌ સવારથી જ ઘાયલોની શુશ્રૂખામાં લાગી ગયા હતા.

  દિવસ ધીરે ધીરે નીકળતો જતો હતો. પણ ઘાયલોની સંખ્યા ઓછી થતી ન હતી. લગભગ ચાર વાગ્યા સુધીમાં બધાં જ દવાઓ ખતમ થઇ ગઇ હતી. લગભગ સાંજના છ વાગ્યાના ટાઇમે અંજાર ડેપ્યુટી કલેક્ટર સરવૈયા સાહેબ, ડી.વાય.એસ.પી. માલ સાહેબને લઇને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિર તેમજ અંજાર નગરપાલિકા પ્રમુખ મૃદુલાબેન પાંડે કેમ્પની મુલાકાતે આવ્યાં. થોડીવાર તો તેઓ ધમધમતા આ કેમ્પની ધમાલને જોઇ રહ્યાં. ઘાયલ લોકોની પૂછા કરી સૌને આશ્વાસન આપ્યું, પછી સૌ ર્ડોક્ટર પાસે આવ્યાં.

  ‘સાહેબ...તમને કોઇ જાતની હેલ્પની જરૂર હોય તો જણાવો.’ સરવૈયા સાહેબ બોલ્યા.

  ‘સર...મારા કામમાં તો આપ સૌ શું હેલ્પ કરી શકો, પણ જો શક્ય હોય તો જેની સ્પાઇનલ કોર્ડ તૂટી ગઇ છે, જેઓને માથામાં સખત લાગેલું છે. અને બ્રેઇન હેમરેજ થયેલ છે. જેની મેઇન આર્ટરી તૂટી ગઇ છે. તેવા ઘણા દર્દીઓ છે. જેની સારવાર અહીં શક્ય નથી. તેવા દર્દીઓને અમદાવાદ જેવા મોટા સેન્ટરોમાં પહોંચાડવામાં આવે તો તેઓ જરૂર બચી જશે. મારા રિકવેસ્ટ છે. કે તમે આવા દર્દીઓને મોટા સેન્ટરમાં પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરો. પ્લીઝ...’ દર્દીને ટાંકા લેતાં લેતાં હાથ જોડીને ર્ડોક્ટર બોલ્યા.

  ‘અમે ચોક્કસ પ્રયત્ન કરીએ છીએ...’ સરવૈયા સાહેબ બોલ્યા.

  ‘શ્યામ સુંદર સાહેબ ક્યાં છે ?’ દોડતા-દોડતા સવા કચરા આવ્યા અને પછી ડોક્ટર પર નજર પડતાં તેમની પાસે દોડી ગયા.

  ‘સાહેબ...સાહેબ, ચોબારીથી અઢાર ઘાયલ થયેલ માણસોને લઇને આવ્યો છું. જરા જલદી તેને ચેક કરો...’ હાથ જોડતાં તે બોલ્યા.

  ‘સવાભાઇ...શું ચોબારીમાં પણ આટલા લોકો ઘાયલ થયા છે...!’

  ‘હા...સાહેબ, પૂરું ગામ તબાહ થઇ ગયું છે. કેટલાક માણસો મરી ગયા છે. સાહેબ...ભચાઉ પૂરું ખલાસ થઇ ગયું. લગભગ ગામનાં મકાનો, દુકાનો બધાં જ તૂટી ગયાં છે. ઘણી જાનહાનિ થઇ છે. ભચાઉનું પોલીસ સ્ટેશન તૂટી પડ્યું છે અને આપણા પી.એસ.આઇ. ગોર સાહેબ પર છત પડતાં દટાઇને મરણ પામ્યા છે. બસ સ્ટેશન પૂરું ધરાશય થઇ ગયું છે. તેમાં રોડો પર મોટી-મોટી તિરાડો પડી ગઇ છે. ચારે બાજુ તબાહી મચી ગઇ છે. વાગડ વેલ્ફર હોસ્પિટલ પણ તૂટી ગઇ...’ એકી શ્વાસે તેઓ બોલી ગયા.

  અને ચોબારીથી આવેલા અઢાર ઘાયલોની સારવાર માટે થોડીવાર ધમાલ મચી ગઇ. શ્વાસ લીધા વગર કામ કરતા હોય. તેમ સૌ દોડાદોડી કરતા દર્દીઓની સારવાર કરી રહ્યા હતાં.

  ધરતીકંપ તબાહીથી કીડી-મકોડાની જેમ મરતા માનવી અને ચિલ્લાતા, રડતા ઘાયલોની પીડા જોઇને દુ:ખી થયેલ ભગવાન સૂર્ય નારાયણ જાણે આ દુ:ખ સહન થતુ ન હોય તેમ પશ્ચિમ તરફની ક્ષિતિજમાં ધુમ્મસની ચાદર વચ્ચે ડૂબતા જતા હતા. ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જતું હતું. ધરતીના પડ પર ધીમે ધીમ અંધકાર છવાતો જતો હતો.

  હજી પણ ચારે તરફ ચિત્કારોના અવાજ ગુંજતા જતા હતા.

  ધરતીકંપની ઇલેક્ટ્રિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી.

  બે ચાર દિવસ સુધી લાઇટ ચાલુ થાય તેવા કોઇ જ ચાન્સ ન હતા.

  ડોક્ટરે હોસ્પિટલની સામે આવેલ લેથમશીનવાળા દિનેશભાઇને કેમ્પમાં લાઇટ વ્યવસ્થા માટે જનરેટર ચાલુ કરવા માટે રિકવેસ્ટ કરી. કેમ્પ સુધી લાઇટ ખેંચી જવા માટે વિદ્યુતતારની વ્યવસ્થા થાય તેમ ન હતી. દિનેશભાઇએ આઇડિયા કર્યો. આજુબાજુથી તારના ટુકડા એકઠા કર્યા અને તેમને જોડી લાંબો તાર બનાવ્યો. અને થોડીવારમાં જ કેમ્પમાં લાઇટ વ્યવસ્થા ચાલુ થઇ ગઇ.

  કેમ્પમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો હજુ પડ્યા હતા. અને ડોક્ટર સૌને રસ્તામાં પડેલા ગાડી, ટ્રકો ઉપાડી લાવી તેઓને સિરિયસ દર્દીઓને જલદી ખસેડવા માટે વિનંતી કરતા હતા.

  અંધકારની સોડ તાણી સૂર્યનારાયણ ક્ષિતિજમાં ડૂબી ગયા. લાઇટ વ્યવસ્થા ખોરવાઇ ગઇ હોવાથી ગાઢ અંધકારનો પંજો દૂર રૂપ સાથે ચારે તરફ ફેલાઇ ગયો.

  ‘કિરણભાઇ...મને થોડું પાણી પિવડાવોને...!’

  અચાનક તે ઘાયલ વ્યકિત કિરણભાઇને .યાદ આવી. ધમાલમાં તે વ્યકતિને પાણી પિવડાવવાનું વીસરાઇ ગયું હતું.

  તેઓ પાણી લઇને કેમ્પમાંથી હોસ્પિટલ તરફ દોડ્યા. તેમના એક હાથણાં પાણીનો ગ્લાસ હતો અને બીજા હાથમાં સળગતી મીણબત્તી હતી. લાશો વચ્ચેથી પસાર થતાં તેઓ હોસ્પિટલમાં આવ્યા. હોસ્પિટલમાં ગાઢ અંધકાર સાથે તીવ્ર સન્નાટો પ્રસરેલો હતો. ચારે તરફ લાશો પડી હતી. પડેલી લાશો વચ્ચે ધીરે ધીરે પગ મૂકતાં તેઓ તે તરસી ઘાયલ વ્યકિત તરફ જવા લાગ્યા. ચારે તરફ પડેલું લોહી તેમના પગમાં ચોંટતું હતું. ચારે તરફ પડેલી બિહામણી લાશો અને તીવ્ર સન્નાટા વચ્ચે વાતાવરણમાં આવતા ‘બચાવ...બચાવ...’ની ચીસોના અવાજથી તેઓના રુંવાટાં ઊભાં થઇ ગયા. હિંમ્મત કરી તેઓ ઘાયલ તે વ્યકિત પાસે પહોંચ્યા.

  ગાઢ અંધકારમાં તેઓએ સળગતી મીણબત્તી વાળા હાથને આગળ ધર્યો. ઘાયલ વ્યક્તિ પર નજર પડતાં કિરણભાઇ ધ્રૂજી ઊઠ્યાં. તેમના હાથમાંથી ગ્લાસ છટકીને છનન અવાજ સાથે નીચે પડ્યો. તેમની આંખો દહેશતથી ફાટી ગઇ. તેઓનાં રુંવાટા ઊભાં થઇ ગયા.

  મીણબત્તીનો ધ્રૂજતા આછા પ્રકાશમાં તેઓએ જોયું.

  તે વ્યક્તિનો ચહેરો વિકૃત થઇ ગયો હતો. આંખો ફાટી ગઇ હતી અને લાલ ડોળા બહાર ધસી આવ્યા હતા. તેની જીભ બહાર લટકતી હતી. તે વ્યક્તિ પાણી પીધા વગર જ મૃત્યુ પામી હતી.

  તીવ્ર સન્નાટામાં ફરી એક વખત ‘બચાવ...બચાવ’નો અવાજ વાતાવરણમાં ફેલાયો. ભયાનક બિહામણું ર્દશ્ય જોઇને સુન્ન થઇ ગયેલા કિરણભાઇના મગજમાં ચેતનાનો સંસાર થયો. માથું ધુણાવી તેમણે મગજને ઝાટકો આપ્યો અને અંધકારમાં આછા મીણબત્તીના ધ્રૂજતા પ્રકાશમાં લાશો વચ્ચે દોડતા દોડતા તેઓ હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા. કાતિલ ઠંડીમાં પણ તેઓ પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા. તેઓનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો.

  તે દિવસની સાંજના

  અંજાર ભાજપના અગ્રણી અને લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ કોડરાણીએ નગરપાલિકા ડિસ્પેન્સરીના ર્ડોક્ટર વાઘવાણીને બોલાવી લોહાણા મહાજન વાડીમાં ઘાયલોની સારવાર માટે કેમ્પેન શરૂઆત કરી.

  હિતેશભાઇ સોની મલબામાં દટાયેલા હતા. માંડમાંડ લોકોએ તેમને બહાર કાઢ્યા. તેઓનો હાથ છૂંદાઇ ગયો હતો. તૂટેલા હાથ સાથે ક્યાં સારવાર કરાવવી તે માટે ચારે તરફ દોડાદોડી કરી રહ્યા હતા.

  પીરવાડી...જ્યાં આજ સમૂહ લગ્ન યોજાવવાનાં હતાં અને તેના માટે ભવ્ય મોટું સામિયાણું પણ બાંધવામાં આવ્યું હતુ. સાંજે લોકોને ખબર પડી કે પીરવાડીમાં બહારથી કોઇ ર્ડોક્ટર આવ્યા છે, અને મેડિકલ કેમ્પ શરૂ થયો છે તે જાણી ગામના લોકો ઘાયલોને લઇને તે તરફ જવા લાગ્યા.

  ધરતીકંપ પૂરો થતાં ગર્લ્સ હાઇસ્કૂલના શિક્ષક સ્કૂલની વિદ્યાર્થિનીઓને આશ્વાસન આપી ગામ તરફ દોડ્યા. ધુમ્મસ અને ધૂળોની ડમરીઓ વચ્ચે દોડતા ગુપ્તાજી દેવળિયા નાકાથી ગામની અંદરની તરફ ઘૂસવાની કોશિશ કરતા હતા. હજી તો ચાર ડગલાં ચાલ્યા હશે ત્યાં જ તેઓની નજરે એક જીપ ગાડી ચડી. તે ગાડી પર બાજુની બિલ્ડિંગના ઉપરના બે માળા તૂટીને પડ્યા હતા. નજીક પહોંચીને ગુપ્તાજીએ નિરીક્ષણ કર્યું. જીપનો ચોબો વળી ગયો હતો અને એક સાઇડથી નીચે જમીન પર લોહી ટપકતું હતું. જીપની આગળની સાઇડ તરફ આવી તેમણે નજર કરી તો જીપ મામલતદાર સાહેબની હતી અને મામલતદાર તથા જીપના ડ્રાઇવર છૂંદાઇને રોટલા જેમ ચિપાઇ ગયા હતા. આંખો બંધ કરી ગુપ્તાજી ગામની બહારની તરફ વળી ગયા. તેઓને બાળકોની રેલીની ચિંતા હતી. જો જલદી સહાય મળી જાયો તો ઘણાં બાળકોને બચાવી શકાય. ગામમાં એટલી ધમાલ હતી કે અત્યારે સૌ બેસહાય હતાં.ગુપ્તાજીને લાગ્યું કે જો ભુજ આર્મી કેમ્પસમાં પહોંજી જવાય તો જરૂર આર્મીના જુવાનો અને ર્ડોક્ટરની સહાય મળી શકે. તે વિચારી ગુપ્તાજીએ પોતાનું સ્કૂટર સ્ટાર્ટ કર્યું. થોડા આગળ જતાં તેમને અંજાર નગરપાલિકાના પ્રમુખ મૃદુલાબેન પાંડે મળ્યાં. મૃદુલાબેનના ભાઇ ઘરમાં ફસાયેલા હતા. તેમણે ગુપ્તાજીને મદદ માટે હેલ્પ માંગી અને ગુપ્તાજીએ ઘણી મહેનત કરી તેમના ભાઇને બહાર કાઢ્યા. હવે ગુપ્તાજીને સમય બગાડવો પાલવે તેમ ન હતો. કિક મારીને તેમણે સ્કૂટર ભુજ તરફ ફૂલ સ્પીડમાં દોડાવી મૂક્યું. તેઓનાં કપડાં, મોં, માથાના વાળ પર ધૂળો ભરાયેલી હતી. શરીર પર ધૂળ સાફ કરવાની પણ તેમણે પરવા ન હતી. બસ તેમની આંખો સમક્ષ બાળકોની રેલી જ દેખાતી હતી અને કલાકનો રસ્તો તેમણે અડધા કલાકમાં કાપી નાખી ભુજ પહોંચ્યા.

  ભૂજ પહોંચતાં તેઓ સ્તબ્ધ થઇ ગયા. રોડ પર આવેલ ભુજની સિવિલ હોસ્ટિપટલ તૂટી પડી હતી અને કેટલીય લાશો રોડ પર પડી હતી. આર્મીના માણસો જખ્મી લોકોને દોડી-દોડી આર્મી કેમ્પસમાં લઇ જતા હતા. ભુજની હાલત અંજાર જેવી જ થયેલ જોઇ તેઓ તરત કલેક્ટરને મળી અંજારમાં જલદી હેલ્પ મોકલવાની વિનંતી કરી. મારતે સ્કૂટરે પાછા અંજાર તરફ રવાના થયા.

  ધરતીકંપ થતાં ગામ તૂટી પડતાં કેટલીક છોકરીઓ ડરતી રડતી સ્કૂલમાં જ બેસી રહી હતી. ગુપ્તાજી પણ આ છોકરીઓ સાથે તેને સમજાવતા આશ્વાસન આપતા બેઠા હતા. આ છોકરીઓને સાચવવાની તેમની જવાબદારી તેઓ સમજતા હતા.

  પીરવાડીમાં ર્ડોક્ટરો આવ્યા છે. તે સમાચાર મળતાં ગુપ્તાજી સ્કૂલની છોકરીઓ અને પોતાના થોડા મિત્રો જેઓ સ્કૂલમાં તેમની સાથે બેઠા હતા તેઓને લઇને પીરવાડી પહોંચ્યા. પણ બહારથી ર્ડોક્ટર આવ્યા તે અફવા જ હતી. ગુપ્તાજી ત્યાં પહોંચ્યા ત્યારે કેટલાય ઘાયલ થયેલાં લોકો ત્યાં રાડો નાખતા બેઠા હતા. તેઓના જખમમાંથી લોહી વહી રહ્યુ હતું. ર્ડોક્ટર આવ્યાના સમાચાર સાંભળી કેટલાક ઘાયલ લોકોનાં ટોળાં આવી રહ્યાં હતાં.

  ગુપ્તાજીએ તરત નિર્ણય લીધો અને પોતાના મિત્રોને કહ્યુ, ગામમાં જે મિડિકલ સ્ટોર ખુલ્લો હોય ત્યાં જલદી દોડો અને પાટા, કોટન, ડ્રેસિંગનો સામાન લઇ આવો...પછી થોડીવારમાં જ ગુપ્તાજીએ મિત્રોને સ્કૂલની છોકરીઓ સાથે મળીને પ્રાથમિક સારવાર ચાલુ કરી. બધા સમજ્યા કે બહારથી જે ર્ડોક્ટર આવવાના હતા તે ર્ડોક્ટર આ જ છે. તેથી તેમની પાસે લોકો ‘ર્ડોક્ટર સાહેબ, મારા દર્દીને લાગ્યું છે, જલ્દી સારવાર કરો’ કહીને આવવા લાગ્યા. તૂટેલા હાથ-પગ, માથામાંથી લોહીને બંધ કરવાની તાત્કાલિક જરૂર હતી. તેથી ગુપ્તાજીએ પોતાના મિત્રોને કહ્યું કે તમારે કોઇને કહેવાનું નથી કે આ ર્ડોક્ટર નથી. અત્યારે બધાને પ્રાથમિક સારવાર આપવાની ખાસ જરૂર છે. અને આ નિર્ણય સાથે એક શિક્ષક ર્ડોક્ટર બનીને ઘાયલ લોકોની સેવામાં લાગી ગયો અને લગ્ન મંડપમાં બાંધેલ શમિયાણામાં એક મોટો કેમ્પ શરૂ થઇ ગયો.

  તે સાંજના અંજારના અગ્રણી ઉદ્યોગપતિ જગદીશભાઇ મંગલજીભાઇ ઠક્કરે પોતાના બંગલામાં જ રસોયાઓને બોલાવીને મોટું રસોડું ચાલુ કરાવ્યું. તેમને ખબર હતી કે આજ ગામમાં કોઇના ઘરે ચૂલા સળગવાનો નથી. પોતાના ઘરના અનાજના કોઠારો તેમણે ખુલ્લા મુકી દીધા અને પોતાના ઘરના તથા મોટા મિત્ર વર્તુળને બોલાવીને સૌને કામે લગાડ્યા. આ રીતે ગામના લોકોને જમવા માટે જગદીશભાઇના ઘરે મોડું રસોડું ચાલુ થયું.

  બીજી બાજુ આર.એસ એસ.ના કાર્યકરો તાત્કાલિક એકઠા થયા. કેટલાય મલબામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા માટે લાગી ગયા, તો કેટલાય કાર્યકરોએ સાથે મળીને પૂરી અને શાક બનાવ્યા, અને કેમ્પમાં ઘાયલ લોકોને ખવડાવવા માટે સેવા શરૂ કરી.

  ***

  ***

  રેટ કરો અને રિવ્યુ આપો

  Sudhirbhai Patel 4 દિવસ પહેલા

  Veena Joshi 6 દિવસ પહેલા

  Alpesh Thakar 1 અઠવાડિયા પહેલા

  Umesh Patel 1 અઠવાડિયા પહેલા

  Kinjalpathak 2 અઠવાડિયા પહેલા