ધરતીનું ઋણ
વ્રજલાલ હિરજી જોષી
ડોશીનો આત્મા....કે...!
ભાગ - 2
મીરાદ કોશ, પાવડો અને ત્રિકમ લઈ આવ્યો. ચારે જણા ભેગા થઈને ત્રિકમ, કોશની મદદથી દરવાજા ઉપરનો છજ્જો તોડી પાડ્યો. ઉપરના છજ્જો તૂટી જતાં બારસંગ પર દબાણ હળવું થયું. મીરાદે દરવાજાની વચ્ચે કોશ ભરાવી અને જોર કર્યું. એટલે એક દરવાજો ખૂલીને એક તરફ લટકી ગયો.
કોશનો જમીન પર ‘ઘા’ કરી મીરાદે બીજા દરવાજાને ધક્કો માર્યો. થોડી ચિચિયારીના અવાજ સાથે દરવાજો ખૂલી ગયો અને ચારે જણા અંદર પ્રવેશ્યા.
ટોર્ચનો પ્રકાશ ધીમો પડી ગયો હતો. આછા પ્રકાશમાં મીરાદે રૂમની ચારે તરફ નિરીક્ષણ કર્યું. ટોર્ચના પ્રકાશનું ગોળ વર્તુળ ફરતા ફરતા નીચે આવ્યું અને ચારે જણ ચોંકી ઉઠ્યાં.
જમીન પર ડોશીની લાશ પડી હતી.
‘અરે...! ડોશી તો મરી ગઇ છે,’ રઘુ બોલ્યો, સૌ લાશની નજદીક આવ્યા.
અને...ચારે જણાનાં રુંવાટાં ઊભાં થઇ ગયાં.
રઘુના મોંમાંથી ચીસ નીકળી ગઇ. ટોર્ચના આછા પ્રકાશમાં ડોશીનું શરીર ધ્રૂજતું હતું.
મીરાદના હાથમાંથી છટકીને ટોર્ચ નીચે ડોશીના માથા પાસે પડી.
‘મ..મ...મમ...માડી રે...ડોશીનું શરીર ધ્રૂજે છે. ચોક્કસ તેના શરીરમાં આત્માએ પ્રવેશ કર્યો છે.’ ઘ્રૂજતા ધ્રૂજતા રઘુ બોલ્યો, તેના બંને પગ ધ્રૂજારીથી જમીન પર રહી શકતા ન હતા. નીચે પડેલ ટોર્ચનો ધ્રૂજતો લંબવર્તુળ પ્રકાશ ડોશીના શરીર પર પડતાં ડોશીનો દેહ વધુ ધ્રૂજતો દેખાયો.
અચાનક કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો અને તરત એક આફ્ટર શોક પણ આવ્યો, એક સેકન્ડ ધડ-ધડ કરીને ધરતી ધ્રૂજી, ઠનનન...અવાજ સાથે આલમારીમાં અધ્ધર પડેલો એક ગ્લાસ ધરતીકંપના આંચકાથી ધ્રૂજારીથી હેઠો પડ્યો.
‘બા રે...ભાગો...’ રાડ નાખતો રઘુ બહારની તરફ નાઠો. તેની સાથે મીરાદ, અનવર હુસેન તથા ચોથો પાર્ટનર પણ દોડ્યા. સૌ ડોશીના ઘરની બહાર નીકળી ગયા.
‘તમે આમ ડરતા રહેશો તો ડોશીનો દલ્લો મલી રહ્યો.’ ચોથો પાર્ટનર બોલ્યો.
‘અ રઘુ સાલ્લો પોતે પણ ડરે છે અને આપણને પણ ડરાવડાવે છે. ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી તેમાંથી એક સિગારેટ બહાર કાઢતાં અનવર હુસેન બોલ્યો.’
સર્વત્ર ફેલાયેલા ભયાનક ગાઢ અંધકારમાં કાતિલ ઠંડી અને ભયથી ધ્રૂજતા ચારે જણા ભૂતના ઓળાની જેમ ડોસીના ઘરની બહાર ઊભા હતા.
‘હજી માની જાવ મારી વાત... મીરાદ, ડોશીનો આત્મા આપણને તેનું સોનું લૂંટવા નહીં દે, જોયું નહીં હજી તો આપણે અંદર ગયાને ડોશીનો દેહ કાંપવા લાગ્યો અને તરત ધરતીકંપનો આંચકો પણ આવ્યો. મીરાદ કદાચ આપણે ડોશીનું નું લઈ પણ ગયા તો જિંદગીભર આ ડોશી આપણને ચેનથી જીવવા નહીં દે...’ રઘુ બોલ્યો.
‘અરે.... અક્કલના બળદિયા, આ ડોશી મરી નથી ગઈ જીવતી છે અને તેથી જ તેનો દેહ કંપતો હતો. તેં કેમ માની લીધું કે તે મરી ગઈ છે...’ ચોથો પાર્ટનર બોલ્યો.
‘હેં... ડોશી જીવતી છે.’ આશ્ચર્યથી મીરાદનું મોં ફાટી ગયું.
‘હા.... મીરાંદ મને તો ચોક્કસ ખાતરી છે કે ડોશી જીવતી છે. આ તો રઘુએ સૌને બિવડાવી નાખ્યા.’
‘મને પણ લાગે છે. આપણે બી ગયા. જો જરા ચોક્સાઈપૂર્વક તપાસ કરી હોત તો જરૂર ખ્યાલ આવત... ચાલો આપણે ફરીથી તપાસ કરીએ, અને ડોશી જો મરી ગઈ પણ હોય તો આત્મા-બાત્મા જેવું કાંઈ જ ન હોય. કાતિલ ઠંડીથી કદાચ ડોશીનું શરીર ધ્રૂજ્યું હશે. એમ કાંય આટલો મોટો દલ્લો થોડો જતો કરાય...’ અનવર હુસેન બોલ્યો.
‘હા... ચાલો જેવા પડશે તેવા દેવાશે... ભૂત-પ્રેત મનની બીકને લીધે જ ઉત્પન્ન થાય છે.’ હાથમાં કોશ લઈ મીરાદ ડોશીના ઘર તરફ ચાલવા લાગ્યો. બાકીના સૌ તેની પાછળ ચાલ્યા. કાંઈક વિચાર કરતો રઘુ પણ સૌથી છેલ્લે તેઓની પાછળ ચાલ્યો.
ચારે જણા ફરીથી જે કમરામાં ડોશીનો દેહ પડ્યો હતો. ત્યાં પહોંચ્યાં.
ડોશીના ફર્શ પર પડેલા દેહ પાસે આવી મીરાંદે ટોર્ચનો પ્રકાશ ડોશીના શરીર પણ ફેંક્યો. ટોર્ચનો પ્રકાશ ખૂબ જ આછો થઈ ગયો હતો. મીરાદે ટોર્ચને બીજા હાથના પંજામાં બે-ત્રણ વખત મારી, પ્રકાશ થોડો વધ્યો.
‘સાલ્લા... હરામી, તને ખબર છે. આજનું આપણું કામ અગત્યનું છે. છતાં તે ટોર્ચમાં નવા સેલ ન નખાવ્યા ડફોળ...’ ગુસ્સાભરી નજરે રઘુ સામે જોતાં તે બોલ્યો.
‘ડફોળ ભલે કહે, મને વાંધો નથી, પણ મને સેલ અંજારમાં ક્યાંય મળ્યા નહીં. સમજ્યો અને કરવાનું છે તે કામ કરને મારાભી.’ રઘુ નારાજ થઈને બોલ્યો.
ચોથો પાર્ટનર ડોશીની પાસે બેસી ગયો અને ડોશીના પૂરા શરીર પર નજર ફેરવી, પછી તેની નાડી પકડી ચેક કરી. ડોશીની નાડી મંદગતિએ ચાલુ હતી. તેનો શ્વાસ જરા ધીમી ગતિથી ચાલતો હતો, શ્વાસો-શ્વાસની ક્રિયાથી ડોશીનું પેટ અને છાતીનો ભાગ હાલતો હતો. ‘દોસ્તો, મેં કહ્યું તે સાચું નીકળ્યું. ડોશી મરી નથી પણ જીવે છે.’ ઊભા થતાં ચોથો પાર્ટનર બોલ્યો.
‘હાશ... હવે ડોશીને પડતી મૂકો અને જલદી ડોશીનું છુપાવેલું સોનું શોધવા લાગો. હરીઅપ...’ મીરાદ બોલ્યો અને પછી ડોશીને પડતી મૂકી સૌ તે કમરામાં છુપાવેલ સોનાનાં ઘરેણાં શોધવા લાગ્યા. અનવર હેનના હાથમાં આવેલ એક ડબ્બામાંથી રૂ. પાંચ હજાર સાતસો મળ્યા. તેણેપોતાના પેન્ટની પાછળના ખિસ્સામાં ખોસ્યા.
રઘુના બતાવ્યા પ્રમાણે મીરાદ અને ચોથા પાર્ટનરે એક જૂના લાકડાના ખખડેલા વજનદાર કબાટને દીવાલથી દૂર હટાવ્યો, અને સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા તે દીવાલમાં એક મોટો ગોખલો હતો. રઘુએ ગોખલા પર લગાવેલ નાના તાળા પર કોશનો ઘા માર્યો અને એક ઝાટકે તાળું તૂટી ગયું. ગોખલનું કબાટ ખોલતાં અંદર એક જ ખૂબ જ પુરાણી ચામડાની બેગ મળી. મીરાંદે બેગને ખેંચી, બેગ ખૂબ જ વજનદાર હતી. ચોથા પાર્ટનરે આગળ આવીને મીરાદને મદદ કરી. બેગને ગોખલામાંથી બહાર કાઢી નીચે ફર્શ પર મૂકી. અનવર હુસેને બેગને ખોલી અને સૌ આશ્ચર્ય સાથે ટોર્ચના આછા પ્રકાશમાં ચમકતાં સોનાનાં ઘરેણાં અને સાચા હીરાઓના હારોને જોઈ જ રહ્યા.
‘વા... આપણો બેડો પાર થઈ ગયાં.’ હીરાના હારને હાથમાં લઈને આમ-તેમ ફેરવી જોતાં મીરાદ બોલ્યો, ‘રઘુ તને ધન્યવાદ દોસ્ત, તે આ મોટો દલ્લો બતાવ્યો.’
‘ચાલો હવે જોવાનો ને વાતો કરવાનો ટાઈમ નથી જલ્દી આ દલ્લો લઈને ભાગી છૂટીએ.’ અનવર હુસેન બોલ્યો. ‘પણ આ ડોશીનું શું કરશો’, ચોથા પાર્ટનરે પૂછ્યું.
‘અરે ડોશીને મરવા દ્યોને યાર...’ અનવર હુસેને કહ્યું.
‘મીરાદ... દોસ્ત આ ડોશીને બચાવી લે, આપણે ભલે તેનું બધું ધન લઈ જઈએ. પણ આ જીવતા જીવને આમ મરવા માટે મૂકી ન દેવાય. દોસ્ત, કુદરતા તેમાં રાજી નથી.’
‘કુદરતને માર ગોળી... શું...?’ માર ગોળી અને જલદી ભાગવા લાગો... અનવર હુસેન બોલ્યો.
મીરાદ વિચારવશ હાલતમાં થોડીવાર ઊભો રહ્યો.
‘મીરાદ... તેં મરેલ માણસોની લાશોનાં અંગો કાપી તેમનાં ઘરેણાં લૂંટ્યાં છે, મીરાદ, તે બધા તો મરણ પામેલ હતા પણ આ તો જીવતો જીવ છે. આને આપણે એમ ને એમ રહેવા દઈશું તો સવાર સુધીમાં ઠંડીથી આ ડોશી મરી જશે. મીરાદ... આ ડોશીનું મેં અન્ન ખાધું છે. મારા પર તેને વિશ્વાસ હતો. એટલે જ તેને ઘરે મને કામ પર રાખ્યો હતો અને મારી સામે તે ઘણી વખત તે ગોખલામાં ઘરેણાં રાખતી અને તેથી જ તેના વિશ્વાસનાં પ્રેમસંબંધનો તોડી આજ આપણે તે તેનાં ઘરેણાં લૂંટી રહ્યા ચીએ, મીરાદ તેનો મને અફસોસ પણ નથી, પણ દોસ્ત તેને જીવતી રાખવી તે આપણી ફરજ બને છે.’
‘બોલ.... મીરાદ બોલ.... તે આપણી ફરજમાં નથી આવતું...?’ ગળગળા સ્વરે રઘુ બોલ્યો.
‘રઘુ.... તારી વાત તો સાચી છે પણ...! વિચારમય હાલતમાં મીરાદ બોલ્યો.’
‘મીરાદ.... ભલે આપણે ચોર રહ્યા... પણ દોસ્ત આપણે પણ ઈન્સાન છીએ. આ ડોશીને બદલે આપણી મા હોય તો...?’
‘તારી વાત સાચી છે. રઘુ... આપણે આ ડોશીને બચાવવી જોઈએ.’ મીરાદે કહ્યું.
‘હવે ડોશીને બચાવવાની વાતને મારો ગોળી અને કોઈ અહીં આવી જાય તે પહેલા વંજો માપી જઈએ...’ જૂના ચામડાના થેલાનો એક કળો પકડી બીજો ળો પકડવા ચોથા પાર્ટનર તરફ ઇશારો કરતાં અનવર હુસેન બોલ્યો.
‘આપણે આ ડોશીને મેડિકલ કેમ્પમાં પહોંચાડવી જોઈએ,’ ર્દઢ નિશ્ચય સાથે મીરાદ બોલ્યો.
‘તો તું પહોંચાડ, અમને તેની જરૂર નથી લાગતી,’ અનવર હુસેન બોલ્યો, ‘એક કામ કરીએ...’ સૌની સામે જોઈ ચોથો પાર્ટનર બોલ્યો.
‘હા, બોલ... હવે તું પણ હે કે ડોશીને પહેલાં કેમ્પમાં પહોંચાડી આવીએ પચી આ સોનું લઈ જઈશું. પણ મને મંજૂર નથી. હવે આ સોનાને રેઢું ન મુકાય.’ અનવર હુસેન બોલ્યો.
‘અનવર... પહેલાં મારી વાત તો સાંભળ.’
‘બકી લે તું પણ... બોલ શું કહેવું છે તારે,’
‘અનવર.... તતતતરઘુ અને મીરાદ આ ડોશીને મેડિકલ કેમ્પમાં પહોંચાડી આવે અને તું અને હું બંને આ સોનાની બેગ લઈને મીરાદના ઘરે પહોંચીએ.’
‘ના...ભાઈ.... ના... એમ ન બને...’ રઘુ તરત બોલી ઊઠ્યો.
ચોથા પાર્ટનરની વાત સાંભળી અનવર હુસેની આંખોમાં બિલાડી જેવી ચમક આવી અને મોં પર શિયાળ જેવી ચાલાકી ઊપસી આવી. તે બોલ્યો,
‘તારી વાત સાચી છે. રઘુ અને મીરાદ ભલે ડોશીને કેમ્પમાં મૂકી આવે. આપણે બંને આ માલ લઈને મીરાદના ઘરે પહોંચી જઈએ અને રઘુ-મીરાદ અમારા પર વિશ્વાસ રાખજે દોસ્ત અમે સીધા તારા ઘરે પહોંચશું.’
‘ઠીક છે, દોસ્ત...’ કાંઈક વિચાર કરતાં મીરાદ બોલ્યો, ‘તમે બંને મારા ઘરે પહોંચો, હું અને રઘુ જલદી ડોશીને કેમ્પમાં મૂકીને ઘરે આવી જશું.’
‘તો ચાલો અમે તારા ઘરે જઈએ છીએ. ચાલ પકડ થેલાને.’ ચોથા પાર્ટનર સામે જોઈ અનવર હુસેન બોલ્યો અને બંને તરતા સોના ભરેલ ચામડાના થેલાને લઈને ડોશીના ઘરની બહાર નીકળી ગયા.
‘મીરાદ... આ સારું નથી થયું. આ બંને પર મને ભરોસો નથી.’ રઘુ બોલ્યો.
‘રઘુ... તું ચિંતા ન કર. અનવર હુસેન મારો સંબંધી ભાઈ છે, અને મારો દોસ્ત છે. મારી પૂછા કરવા ખાસ તે કલકત્તાથી આવયો છે. અને ચોથો પાર્ટનર ભલે આપણાથી અજાણ્યો હોય તેના પર આપણે વિશ્વાસ મૂકી ન શકીએ પણ તે કોઈ નાટક કરશે તો અનવર તેને પહોંચી વળશે, માટે ચિંતા છોડ અને આ ડોશીને ઉપડાવ ચાલ.’
‘ઠીક છે, ચાલ મને તો તારા પર ભરોસો છે.’ રઘુ બોલ્યો અને બંને ભેગા થઈને ડોશીના શરીરરને ઉપાડ્યું અને ધીરે ધીરે ડોશીના ઘરની બહાર નીકળ્યા.
બંને ડોશીના શરીરને સંભાળપૂર્વક ઉપાડીને મલબા વચ્ચેથી માર્ગ કરતા તે સાંકડી શેરીમાં આગળ વધ્યા. ડોશીનું ઘર એક નાની ગલીની અંદર હતું. મેઈન રસ્તા પર પહોંચવા. બે નાની ગલીઓ વટાવવી પડતી હતી. ગલીમાં ચારે તરફ કાટમાળ ખડકાયેલો હતો. ખૂબ જ તકલીફ વેઠીને બંને ગલી પસાર કરી.
ગામના મેઈન રસ્તા પર આવતાં તેઓની નજર થોડે દૂર સળગતા તાપણા પર પડી.
‘અરે.... અડધી રાત્રે અહીં તાપણું સળગાવીને કોણ બેઠું છે?’ ડોશીના શરીરને જમીન પર મૂકતાં રઘુ બોલ્યો.
‘રઘુ તું અહીં રહેજે હું ત્યાં કોણ બેઠું છે તે જોઈ આવું. કોઈ ઓળખીતું નીકળી આવે તો તેની મદદ મળે તો જલદી ડોશીને કેમ્પમાં પહોંચાડી શકીએ.’
અને મીરાદ તાપણું સળગાવીને બેઠેલા લોકો પાસે પહોંચ્યો.
‘કોણ....’ તાપણા પાસે બેઠેલામાંથી એક જણ આવતા મીરાદને જોઈ બોલ્યો.
‘અરે.. અમારી એક ઓળખાતી ડોશી તેના દટાયેલા મકાનના કાટમાળમાંથી જીવતી નીકળી છે. દોસ્ત તમે તો સૌ નવરા બેઠા તાપો છો. તો જરા અમને મદદ કરોને.’
‘શું લાગો છો. નવરા...? અરે ભાઈ આ પ્રજાપતિનાં મા મરણ પામ્યાં છે અને તેને અમે અગ્નિદાહ દઈ રહ્યા છીએ. જોતા નથી, આ મૃતદેહ સળગી રહ્યો છે,’ એક ભાઈ ગુસ્સાથી બોલ્યો.
અને ત્યારે જ મીરાદ ચમક્યો અને ચમકીને સળગતી ચિતા તરફ નજર કરી. ‘માફ કરજો ભાઈ મને ખ્યાલ ન હતો આવ્યો, ભૂલ થઈ... પણ તમે લોકો તેને અહીં જ અગ્નિદાહ કેમ આપો છો?’
ભાઈ... આમનાં માતાજી ખૂબ જ વજન ધરાવતાં હતાં. તેમને મૃતદેહ આ કાટમાળમાંથી બહાર લઈ જવો ઘણો મુશ્કેલીભર્યો લાગતો હતો. અમે અહીં જ તેમને અગ્નિદાહ આપવાનું નક્કી કર્યું. વળી સ્મશાનમાં પણ ક્યાં જગ્યા હતી. ત્યાં પણ ઢગલાબંધ મૃતદેહો આવે છે. અને લાઈન પ્રમાણે વગર વિધિએ એક મૃતદેહ બળે કે તેમના પર બીજો મૃતદેહ મૂકીને તરત અગ્નિદાહ આપવો પડે છે. અરે લાકડાં પણ સ્મશાનમાં ખૂટી ગયાં છે. કાલે સ્કૂલનાં બાકડાંઓની તોડીને કેટલાયને અગ્નિદાહ આપ્યો, તેનાથી આ સારું ને...!
હં... વાત સાચી છે. ભાઈ માફ કરજો, અંધકારમાં દૂરથી એવું લાગ્યું કે તમે સૌ બેસીને તાપણું કરો છો. એટલે મદદ માટે બોલવ્યા... ઠીક છે. રામ... રામ... હાથ જોડી મીરાદે ચાલવા માંડ્યું.
‘અરે ભાઈ... થોભો જરા... આ બે જણને મદદ માટે મોકલું છું.’ પ્રજાપતિ બોલ્યો, ‘જાવ... ભાઈ... જાવ... મદદ કરો...’ પોતાની સાથે આવેલ લોકોને ઉદ્દેશીને તે બોલ્યો.
‘ચાલો.... ભાઈ ક્યાં છે તમારાં મા...’ મીરાદની સાથે ચાલતા બેમાંથી એક જણ બોલ્યો.
‘આ સામે મારો મિત્ર બેઠો છે...’ આંગળી ચીંધી મીરાદ બોલ્યો અને થોડીવારની જહેમત પછી ડોશીને સૌ ગંગાનાકા બહાર ડો. શ્યામસુંદરના કેમ્પમાં લઈ આવ્યા.
‘સાહેબ.... સાહેબ... આ માજી જીવતાં છે તેના તૂટેલ મકાનના કાટમાળમાંથી નીકળ્યાં છે. જરા જલદી જૂઓ’ સાથે મદદ માટે આવેલ બેમાંથી એક જણ ખુરશી પર બેઠા બેઠા ઊંઘતા ડોક્ટરને જગાડતાં બોલ્યો.
‘શું થયું.... ’ ઊંઘમાંથી જાગીને ડોક્ટર બોલ્યા અને પછી સામે ટેબલ પર સુવડાવેલ ડોશીને ચેક કરવા લાગ્યા.
અને કેમ્પમાં ધમાલ ચાલુ થઈ. ડોશીનું બ્લ્ડ પ્રેશર 70 આવતું હતું અને પલ્સ 65 હતાં. ડોક્ટરે રાડારાડ કરી ફટાફટ ડોશીને ગ્લુકોઝની બોટલ ચાલુ કરાવી અને ઈંજેક્શન મેફેન્ટીન, એટ્રોપીન્ડ ડેક્સોના અને એન્ટીબાયોટીક્સ ફટાફટ અપાવ્યા. સાથે ઓક્સિજન ચાલુ કરાવ્યો. રઘુ અને મીરાદ થોડે દૂર ઊભા ઊભા ધમાલ જોઈ રહ્યા. થોડીવાર પછી ડોશીનું બી.પી., પલ્સ અને શરીરના ઓક્સિજનનું પ્રમાણ રેગ્યુલર થયું. અને ડોશીનું હાર્ટ પણ રેગ્યુલર રીતે ચાલવા લાગ્યું. ધડાધડ બંને હાથમાં ગ્લુકોઝના બાટલા ફુલ સ્પીડમાં જતા હતા. મોં પર ઓક્સિજન માસ્ક લગાવેલ હતો. થોડીવારમાં જ ડોશી હાથપગ હલાવવા લાગી. ધીરે ધીરે ભાનમાં આવતી હતી.
ડોશીને હવે બરાબર થઈ ગયું છે તે જાણીને રઘુ અને મીરાદ ધીરે ધીરે કેમ્પની બહાર સરકી ગયા.
ડોશીના હાથ-પગ હાલતા જોઈ ડોક્ટરે આજુ-બાજુ નજર ફેરવી જોયું અને પૂછ્યું, ‘આ માજીનાં સગાં કોણ છે...?’
‘હા... સાહેબ અમે તેને લાવ્યા છીએ. પ્રજાપતિના સગા બોલ્યા અને આગળ આવ્યા.’
‘આના બંને હાથ પકડીને બેસી જાવ... માજી ભાનમાં આવે છે. તેથી હાથ-પગ હલાવે છે,’ ડોક્ટરે કહ્યુ અને તે બે જણા ડોશીના બંને હાથ પકડીને બેઠા.
કેમ્પની બહારથી રઘુ અને મીરાદે આ જોયું પચી પોતાની ફરજ પૂરી થઈ તે સંતોષ સાથે રોડ પર ચાલવા લાગ્યા.
રાત્રિના લગભગ બાર વાગ્યાનો સમય થયો હતો. ભયાનક અંધકાર વચ્ચે કાતિલ ઠંડીનો કહેર જારી હતો. રોડ પર એક હોટલ ‘બાલાજી રેસ્ટોરન્ટ’ ચાલુ હતી. હોટલમાં તો પૂરો દવાનો સ્ટોક ખરડાયેલો હતો પણ બહાર રેકડી પર ચા બનતી હતી. બે ચાર ખુરશી પડી હતી. તેની બાજુમાં તાપણું સળગતુ હતું.
‘ચાલ રઘુ ચા પીને પછી ઘરે જઈશું.’ કહી મીરાદે હોટલ તરફ પગ ઉપાડ્યા. મીરાદે બે કપ ચાનો ઓર્ડર આપ્યો અને સળગતા તાપણા પાસે બેસીને બંને બીડી પીવા લાગ્યા. ગરમ ગરમ ચા પીથા પછી કડકડતી ઠંડીમાં તેમને થોડી તાગી મહેસૂસ થઈ. પછી બંને મીરાદના ઘર તરફ જવા રવાના થયા.
***