ધરતીનું ઋણ - 3 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરતીનું ઋણ - 3 - 2

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

રેગિસ્તાનની યાતના

ભાગ - 2

સતત અડધા કલાક ચાલ્યા પછી અનવર હુસેન એક પથ્થર પર બેસી ગયો. ત્યાં બાવળાનું એક મોટું વૃક્ષ હતું. તેની નીચેની જગ્યા એકદમ સપાટ હતી. ત્યાં બે-ત્રણ મોટા પથ્થર પડેલા હતા.

‘હાશ...હવે તો આપણી મંજિલ ગઇ ને...!’ એક પથ્થર પર બેસતાં ચોથો પાર્ટનર બોલ્યો અને બંને હાથેથી પોતાના દુ:ખતા પગને દબાવવા લાગ્યો.

‘હા, દોસ્ત હવે મંજિલ બહુ દૂર નથી.’

‘એટલે...હજી આપણે ચાલવાનું છે એ જ કહેવાનો તારો ઇરાદો હોય તો સાંભળી લે, હવે મારાથી એક ડગલુંય આગળ ભરાય તેમ નથી.’ ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી એક સિગારેટ મોંમાં દબાવી બીજી સિગારેટ અનવર હુસેનને આપતાં ચોથો પાર્ટનર બોલ્યો.

‘દોસ્ત પહેલાં મારી પૂરી વાત સાંભળી લે...’ સિગારેટ સળગાવતાં અનવર હુસેન બોલ્યો.

‘હા...સંભળાવ, તારી પૂરી વાત સાંભળવા હું આતુર છું. પણ હવે ચાલવાની વાત ન કરતો.’

‘ના...હવે આપણે અહીં સવાર સુધી આરામ કરશું પછી સવારના સોનાના ભાગલા પાડીને છૂટા પડી જશું.’

‘હં...હવે તારી વાત બરાબર છે. હવે બોલ તું શું કહેતો હતો...’

‘તો સાંભળ પહેલાં હું તને મારો પરિચય આપી દઉં,’ સિગારેટનો એક ઊંડો કશ ખેંચીને અનવર હુસેન બોલ્યો.

અને...ચોથો પાર્ટનર સચેત થયો. સિગારેટનો લાંબો કશ ખેંચી અને અનવર હુસેનની વાત સાંભળવા તેના કાન સરવા થયા. તેનું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. તે જે કામ માટે આ ચંડાલ ચોકડી સાથે જોડાયો હતો તેનું રહસ્ય અત્યારે છતું થાય તેવં તેને લાગી રહ્યું હતું. તેને જે વાતની શંકા હતી તે સાચી છે કે ખોટી તે અત્યારે ખબર પડી જવાની હોતાં તે એકદમ સાવધાન થયો. ‘બોલ...’ અનવર હુસેન સામે જોઇને તેણે કહ્યું.

‘સાંભળ...પહેલાં તો હું ભારતનો નથી...’ અનવર હુસેન બોલ્યો.

‘ભારતનો નથી...?’ ચોંકી ઊઠી ચોથો પાર્ટનર બોલ્યો.

‘હા...હું પાકિસ્તાનનો છું. અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ.થી સંકળાયેલો છું.’

‘એટલે કે પાકિસ્તાનનો જાસૂસ છે...?’ ધડકતા દિલે ચોથા પાર્ટનરે પૂછ્યું. તેનું દિલ તીવ્ર ઉત્તેજના સાથે ધડકી રહ્યું હતું.

‘હા,’ અને કચ્છમાં ધરતીકંપ થતાં જ પાકિસ્તાનની આઇ.એસ.આઇ. સંસ્થાએ અને કચ્છ ભારત અને પાકિસ્તાનની બોર્ડરનું મહત્તવનું સ્થળ હોવા કચ્છના ભૌગોલિક વિસ્તાર, કચ્છરણ અને મહત્ત્વના સેન્ટર અને કચ્છના બને તેટલી બધી માહિતી એકઠી કરવાની, કચ્છમાં ધરતીકંપ થતાં ભયાનક અંધાધૂંધી ફેલાવવાની છે. અને બોર્ડર પરનું લશ્કર તાત્કાલિક ધોરણે બચાવ કાર્યમાં લાગી જવાનું છે. એટલે બોર્ડર પર સિક્યુરિટી ઓછી થવાની તેથી આઇ.એસ.આઇ. એ તેનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું અને કચ્છના રણમાંથી પોતાના જાસૂસોને ઘુસાડવાનુ ચાલું કર્યું. બીજી બાજુ પાકિસ્તાન ગવર્નમેન્ટ કચ્છની સહાય માટે ટીમો મોકલવાની શરૂ કરી. આમ કચ્છની રણ બોર્ડરથી ઘૂસીને હું કચ્છમાં આવ્યો હતો અને ફરતાં-ફરતાં અંજાર પહોંચ્યો અને અંજાર તથા કચ્છના રણવિસ્તારની જાસૂસી અને ફોટા લેવાનું શરૂ કર્યું. તને યાદ હશે કે જ્યારે ભુજથી મોટરસાયકલમાં આપણે હાજીપીર તરફ આવતાં હતા ત્યારે મેં ટી.વી. સ્ટેશનના ટાવર્સના ફોટા લીધા હતા. અને હું અહીંથી જ કચ્છમાં ઘૂસ્યો હોવાથી મને આ રસ્તો બરાબર યાદ રહી ગયો હતો અને તેના માટે મેં ખાસ ટ્રેનિંગ પણ લીધેલી છે.’

‘પણ...પણ...તું તો મીરાદનો ભાઇ છે અને કલકત્તાથી આવ્યો છે તેમ મીરાદ કહતો હતો.’

‘સાંભળ...મીરાદ પાસે મેં ગપ્પુ માર્યું હતું કે તારો બાપ અને મારો બાપ મિત્ર હતા અને તું મારો કઝીન છે. અમે કલકત્તા વર્ષોથી રહેતા હોવાથી તારા કોન્ટેકમાં નથી. આ તો ધરતીકંપ થયો એટલે લાગણીના તારથી ખેંચાઇને તારી પૂછા કરવા આવ્યો હતો. બાકી તો હું તેને ઓળખતો પણ નથી. આ તો હું અંજારમાં ચક્કર લગાવતો ત્યારે મીરાદ અને રઘુ મારી નજરે ચડી ગયા હતા અને અંજારમાં રહેવું હોય તો મારા માટે કોઇના સાથની જરૂર હતી. ક્યારેય પણ તપાસ થાય તો મીરાદની ઓળખાણ કામ લાગે, સમજ્યો.’

‘હું જાસૂસી કરવા આવ્યો હતો પણ મીરાદ અને રઘુની સોનું લૂંટવાના પ્લાનની વાત સાંભળી મારું મન પણ લલચાઇ ગયું, અને મેં પણ તેનો લાભ લેવાનું નક્કી કર્યું અને ચાન્સ મળતાં ચારને બદલે કેમ બે ભાગ થાય તેવો આઇડિયા મલાવી તને લઇને નાસી છૂટ્યો. મને રસ્તો પૂરેપૂરો યાદ હતો અને હાજીપીર બોર્ડર પર ચોકી પહેરો હજી પણ નહીં હોય તેની મને ખાતરી હતી અને હાજીપીર બોર્ડરથી પાકિસ્તાનનો રસ્તો માત્ર છપ્પન કિલોમીટર થાય એટલે મેં ભાગીને પાછું પાકિસ્તાન ચાલ્યા જવાનું નક્કી કર્યું.’

‘હવે પાકિસ્તાનની બોર્ડર કેટલી દૂર હશે...’ ચોથો પાર્ટનરે પૂછ્યું.

‘આપણે અત્યારે ભારતની નહીં પણ પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસી આવ્યા છીએ, એટલે જ હવે નિરાંતે બે કલાક આરામ કરવાનું કહું છું. હવે જો તારે મારી સાથે પાકિસ્તાન ચાલવું હોય તો તને હું પૂરેપૂરો સપોર્ટ આપીશ. અને જો ભારત પાછા ચાલ્યા જવું હોય તો સવારના આ સોનાનો અડધો ભાગ લઇને પાછો ભારતની બોર્ડરમાં ઘૂસી જજે, માત્ર અડધા કલાકનો જ રસ્તો છે. અડધો કલાક ચાલીશ એટલે તું પાછો ભારતની બોર્ડરમાં પહોંચી જઇશ.’

ચોથો પાર્ટનર અનવર હુસેનની પૂરી વાત સાંભળીને ચોંકી ઊઠ્યો હતો. તેને અનવર હુસેન ભારતનો નથી તેવી શંકા પહેલાંથી જ હતી. પણ હવે ખાતરી થઇ ગઇ હતી. તેનું શરીર પૂરી ઉત્તેજનાથી કંપી રહ્યું હતુ. તે પોતાની યોજનામાં સફળ થયો હતો. પણ અત્યારે તે પાકિસ્તાનની બોર્ડરમાં હતો. જે થાય તે પણ હવે જ કરવાનું છે તે ખૂબ જ સંભાળીને કરવું પડશે. તેણે વિચાર્યું અને અત્યારે જો બે કલાક આરામ મળી જાય તો સવારના જરૂર કોઇ પ્લાન ઘડી શકશે તેમ વિચારીને તેણે અનવર હુસેનને કહ્યું.

‘અનવર...આપણે બે કલાક નીંદર કરી લઇએ પછી સવારના બધું વિચારશું અને નક્કી કરશું. અત્યારે તો ઘણો થાક લાગ્યો છે અને એકદમ નીંદર પણ આવે છે.’ એક ઉબાકી ખાઇ આળસ મોડતાં તે બોલ્યો.

‘ઠીક છે, જેવી તારી મરજી, તો થોડી નીંદર કરી લઇએ’ જમીન પર પડતું મૂકતાં અનવર હુસેન બોલ્યો.

‘અનવર...તારું સાચું નામ શું છે...’ બંધ આંખે જ ચોથા પાર્ટનરે પૂછા કરી.

‘મારું નામ અલ્લ રશીદ છે.’ અનવર હુસેન બોલ્યો. તેનું નામ સાંભળી ચોથો પાર્ટનર ચમક્યો પણ પછી ચહેરાના હાવભાવને નોર્મલ કરતાં સૂઇ જવાની કોશિશ કરવા લાગ્યા. આ નામ તેણે ચોક્કસ સાંભળેલું હતું.

દોડા-દોડી અને બેહદ થાકથી થોડીવારમાં જ તેની આંખો ઘેરાવા લાગી અને તે ઘસઘસાટ નીંદરમાં સરી પડ્યો.

અનવર હુસેન સૂતો સૂતો કાલના ઊગતા તેની જિંદગીના નવા સૂરજનાં સ્વપ્ન નિહાળી રહ્યો હતો. તેણે આઇ.એસ.આઇ.ના એજન્ટ તરીકે ફરજ નિભાવી હતી અને કચ્છના ઘણા મહત્ત્વના પોઇન્ટોના કવરેજ લીધા હતા. તેથી તેને બઢતી મળવાના ચાન્સ હતા. તે હવે મોટો ઓફિસર બની જશે અને આ દોલત, સોના અને હીરાનો ખજાનો તેને હાથ લાગ્યો હતો. અહા...આટલી દોલત...પોતાનો સુંદર બંગલો હશે, એક સારી સેવરોલેટ ગાડી હશે. નોકર-ચાકર એસો આરામ બસ હવે તો આનંદ અને આનંદ પોતા પાસે આટલી દોલત હશે તો સારા ઘરની છોકરી પણ જલદી મળી જશે. સારું કર્યું કે દોલત લઇને ભાગી આવ્યો. નહીંતર ચાર ભાગ પડત અને કાંઇ વળત પણ નહીં તેણે વિચાર્યું અને સારી જિંદગીના સોનેરી સ્વપ્નમાં ખોવાઇ ગયો. આજ તે ખૂબ જ ખુશ હતો.

અચાનક તેને એક વિચાર આવ્યો. જાણે શાંત સરોવરના પાણીમાં કોઇએ જોરથી પથ્થર માર્યો હોય...

તેના મગજમાં ઝણઝણાટી થઇ. હ્રદય તેજ ગતિથી ધબકવા લાગ્યું. યા...પરવરદિગાર...આવો વિચાર..!

ના પણ વિચાર સારો છે. જો આ પૂરી દોલત મને મળી જાય તો, પણ મિત્રનો દ્રોહ કરીને તેના આત્માનો ઊંડાણથી અવાજ આવ્યો.

શેનો મિત્ર...કેવો મિત્ર...આ ક્યાં મિત્ર હતો અને કદાચ આને મિત્ર માનું તો મીરાદ અને રઘુ પણ મિત્રો જ હતા ને. તેના શેતાની દિમાગે કહ્યું.

પણ...દોસ્ત આટલાથી સંતોષ માનીએ...હ્રદયના ઊંડાણથી અવાજ આવ્યો.

ના...ના...આ બધી મિલકત મળી જાય તો...! અહા...! દુનિયા જખ મારે, કરાંચીમાં મોટો બિઝનેસ ચાલુ કરી દઉં...! મનમાં વિચારવાની ઊથલ-પાથલ થવા લાગી અને તેના શેતાની દિમાગે તેના પર કબજો જમાવી દીધો.

હા...ચાલ આટલી મિલકત ફરી ક્યારેય હાથમાં નહીં આવે...ચાલ ચૂપા-ચૂપ ભાગી નીકળું. પણ...પણ...મેં આ સાલ્લાને મારા નામથી માંડીને પૂરી ઓળખ બતાવી દીધી છે તેનું શું...? હા એ વાત સાચી...મારા વિરુદ્ધ ભારતની સરકાર આદુ ખાઇને પડી જાય...તો...તો મારે શું કરવું ? હું...મારી નાખું...? હે...મારી નાખવો છે. આને...? હા...આને મારી નાખું તો ન રહે બાંસ કે ન બાજે બાંસુરી...!

અનવર હુસેનના શેતાની દિમાગમાં ચોથા પાર્ટનરને મારી નાખવા માટે એકદમ ખુન્નસ ભરાઇ આવ્યું. આટલી કાતિલ ઠંડી રાતમાં પણ તેને કપાળ પર પરસેવો બાઝ્યો. તેની આંખોના ડોળા લાલ થઇ ગયા. જો અત્યારે કોઇ તેને જોઇ લે તો ચોક્કસ ડરી જાય, તેવો શેતાની ચહેરો તેનો લાગી રહ્યો હતો.

જરાય અવાજ કર્યા વગર ચૂપા-ચૂપ તે બેઠો થાય પછી અંધારામાં બંને હાથથી ધરતી પર હાથ ફેરવ્યા. તેનો હાથ એક મોટા પથ્થર પર પડ્યો. ચૂપાચૂપ તે પાસું ફેરવીને ઊભો થયો અને બંને હાથે કાંડાના બળથી તેણે તે મોટો પથ્થર ઉઠાવ્યો અને સૂતેલા ચોથા પાર્ટનરના માથાની પાછળની તરફ ફર્યો.

ચોથો પાર્ટનર તો તેની આ હિલચાલથી બે ખબર ઘસઘસાટ ઊંઘતો હતો. તેને પોતાના માથા પર કાળ ઊભો છે તેવી જરાય ખબર ન હતી.

અનવર હુસેને તેના માથાના પાછળના ભાગમાં આવી અને પથ્થર પકડેલાં બંને હાથને ઊંચા કર્યા પછી અંધકારમાં જ ચોથા પાર્ટનરના શરીરની આછી આકૃતિ પર માથાનું નિશાન તાકીને પોતામાં હતું તેટલા જોશ અને બળથી પથ્થરને ચોથા પાર્ટનરના માથામાં ઝીંકી દીધો.

આ...આ… આ… આ...રણની સ્મશાનવત શાંતિમાં ચોથા પાર્ટનરની ચીસનો અવાજ ચારે તરફ ફેલાઇ ગયો.

ચોથા પાર્ટનરે માથા પર ઓઢેલી ચાદરને દૂર કરી અને ઉપરની તરફ નજર કરી અને અનવર હુસેનનો શેતાન જેવો ભયાનક ધૂંધળો ચહેરો તેને દેખાયો. તેના ચહેરા પર ક્રૂરતા ટપકતી હતી. ચોથો પાર્ટનર આશ્ચર્ય અને પીડા ભર્યા ચહેરે તેને જોઇ રહ્યો. ત્યારબાદ...

ચોથા પાર્ટનરને અનવર હુસેનનો ક્રૂરતા ભર્યો ચહેરો ગોળ-ગોળ ફરતો દેખાયો તેને. અંધારાં આવતાં હતા. પછી અનવર હુસેનનો ચહેરો ધીરે ધીરે અંધકારમાં ભળી જતો દેખાયો અને ચોથા પાર્ટનરની ચેતના ધીરે ધીરે લુપ્ત જતી હતી. તેનું માથું ફાટી ગયુ હતું. ને દળ...દળ કરતું લોહી વહીને રણની રેતીમાં રેલાતું હતું. તેના શરીરમાં એકદમ ખેંચ ઊપડી અને તેના હાથ-પગ ખેંચાવા લાગ્યા. તેની આંખો અકળ-વકળ થતી હતી અને મોંમાંથી ફીણ નીકળવા લાગ્યા. તેના શરીરમાં ફરીથી એક વખત ખેંચ ઊપડી ત્યારબાદ તેનું શરીર ધીરે ધીરે સ્થિર થતુ ગયું.

‘હાશ...મરી ગયો સાલ્લો...અડધો ભાગ જોઇતો હતો, હવે આવતા જન્મમાં તું મારી પાસેથી વસૂલ કરજે,’ હસતા હસતાં ક્રૂર અવાજે અનવર હુસેન બોલ્યો. ત્યારબાદ ઝડપથી તેણે સોનું ભરેલું ચામડાની બેગને ઉઠાવી અને દોડવા લાગ્યો.

અચાનક તેના શેતાની દિમાગમાં એક વિચાર સ્ફુર્યો, હજી દોલત મળે તો...હા, આટલી બીજી દોલત હજી મળી જાય તો...? તો..તો પછી પોતે શહેનશાહ બની જાય. મોટો બિઝનેસમેન બને, કરાંચીમાં તેનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય અને અને કદાચ મોટી હસ્તી કે મોટો નેતા બનવાનું પણ નસીબ થાય, હા...પણ હજી બીજી આટલી દોલત...! હં હજી હું પાછો ભારતની બોર્ડરમાં ઘૂસી જાઉં અને કચ્છમાં અંજાર સિવાય બીજા શહેર...! હા, ભુજમાં જઇ અને દોલત મેળવી આવું. આમે હજી કચ્છમાં અંધાધૂંધી ફેલાયેલી છે, તો શા માટે તેનો લાભ ન લઉં, હા...એ બરાબર.

અને તેના પગ ફરી ભારતની સરહદ તરફ વળ્યા, તેના માથામાં દોલતનું ઝનૂન એટલું છવાઇ ગયું હતું કે તેનામાં ભરપૂર તાકાત આવી ગઇ અને લગભગ તે અંધાધૂંધ દોડવા લાગ્યો. શરીરનો થાક, તરસ, ભૂખ બધું જ ભુલાઇ ગયું. તે શરીરની બધી જ તાકાત લગાવીને આંધીની જેમ દોડતો ભાગતો હતો.

સોના ભરેલ ચામડાના થેલાને બંને હાથથી દબાવીને તે અંધાધૂંધ દોડતો હતો. હજી પણ વાતાવરણમાં ગાઢ અંધકાર છવાયેલો હતો. બાવળની કાંટાળી ઝાડીમાં દોડતાં-દોડતાં તેનાં કપડાં કેટલીય જગ્યાએથી ચિરાઇ ગયાં હતાં અને કાંટા વાગવાથી શરીરમાં ઘણી જગ્યાએ ચીરા પડી ગયા હતા અને તે પડેલ ચીરામાંથી લોહિનિ ટસરો ફૂટતી હતી. બસ પાગલની જેમ તે અંધકારભર્યા સૂના વાતાવરણમાં દોડતો જ ગયો. બાવળોના જંગલ ભર્યા રણમાં પસાર થઇ તે કાદવ કીચડવાળા રણમાં પહોંચી ગયો. તે ભારતની સહદમાં ઘૂસી આવ્યો હતો. હજી પણ તેના પગ થંભતા ન હતા. કાદવ-કીચડ ભર્યા રણમાં તેની દોડ ચાલુ જ હતી. તે ભયાનક રીકે હાંફતો હતો તેના હોઠ સુકાઇ ગયા હતા અને ભયાનક ઠંડા વાતાવરણમાં પણ તેના ચહેરા પર પરસેવાની બુંદો ટપકતી હતી. કાદવ કીટડભર્યા રણમાં દોડતાં તેના બૂટ, પેન્ટ પૂરા કીચડથી ભરાઇ ગયાં હતાં. દોડતાં-દોડતાં કેટલાય કિલોમીટર તેણે કાપી નાખ્યા.

ચંદ્રમાં પણ આકાશમાં દેખાતો બંધ થયો હતો અને તેની શીતળ ચાંદનીની રોશનીને બદલે વાતાવરણમાં કાળા-ડિબાંગ અંધકારે કબજો લઇ લીધો હતો.

દોડી-દોડીને ધમણની જેમ ચાલતા શ્વાસે કાબૂમાં લેતો તે કાદવ કીચડની વચ્ચે અંધકારમાં ભૂતના ઓળા જેમ ઊભા ઊભો હાંફતો હતો. તેના પગમાં હવે તીવ્ર પીડા થતી હતી, પગની પેંડીઓ જાણે ખોટી થઇ ગઇ હોય તેવું લાગતું હતું.

થોડીવાર પછી તેને સિગારેટ યાદ આવી. તેને સિગારેટ પીવાની ઇચ્છા થતાં ચામડાના થેલાને સાચવીને કાદવમાં ધીરેથી મૂક્યો અને હાથથી ફંફોસીને નીચે જમીન પર બેસી શકાય તેવી જગ્યા શોધી સુકાઇ ગયેલા કાદવના એક પોપડા પર તે સાચવીને બેઠા અને ખિસ્સામાંથી સિગારેટનું પાકિટ બહાર કાઢી એક સિગારેટ સળગાવી અને લાંબો કશ ખેંચી ફેફસાંમાં સિગારેટના ધુમાડાં ઉતાર્યા અને પછી તે ઝડપથી સિગારેટ પીવા લાગ્યો. નીચે બેસતાં તેના દોડતા પગને થોડો આરામ મળ્યો. એક હાથેથી સિગારેટ પીતાં બીજા હાથેથી પગને દબાવવા લાગ્યો. સિગારેટ પીવાઇ જતાં ઠૂંઠાને તેણે કાદવમાં ‘‘ઘા’’ કર્યો અને ચામડાના થેલાને હાથમાં લઇ ઊભો થયો. ત્યારબાદની રનરની જેમ ફરીથી તે દોડવા લાગ્યો. દોડતો જ ગયો. દોડતો જ ગયો અને છેવટે તે કચ્છના ‘‘વ્હાઇટ ડેઝર્ટ’’ રણમાં પહોચ્યો. ચંદ્રમાં આથમી ગયો હોવાથી ‘‘વ્હાઇટ ડેઝર્ટ’’ની ચમક પણ ઓછી થઇ ગઇ હતી.

દોડી-દોડીને તેનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. તેનું પૂરું શરીર ગરમ થઇ ગયું હતું, અને થાકથી ત્રોડ થતી હતી. પગ એકદમ ભારી થઇ ગયા હતા અને દુ:ખતા હતા.

‘‘વ્હાઇટ ડેઝર્ટ’’ માં પહોંચતાં તેની નજર ઘટાદાર તે વૃક્ષ પર પડી. હાશ...હવે ખૂબ જ ઓછા કિલોમીટર બાકી રહ્યા. તે બબડ્યો અને આટલા કિલોમીટર તેણે ખૂબ ઝડપથી કાપી નાખ્યા. તેની તેને પણ નવાઇ લાગતી હતી.

અનવર હુસેન તે ઝાડના થડ નીચે સૂઇ ગયો અને સૂતાં સૂતાં જ તેણે ઉપરાઉપરી બે સિગારેટ પીધી. વાતા ઠંડા પવનમાં થાકને લીધે તેને ઘસઘસાટ નીંદર આવી ગઇ.

ધીરે-ધીરે અંધકાર દૂર થતો જતો હતો. સૂર્ય ઉદય પહેલાંનો ઉજાસ ચારે તરફ ફેલાતો જતો હતો.

અનવર હુસેનનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું. હજી પણ તે ઊંઘમાં હતો અને ઊંઘમાં જ ઊંહકારા કરતો જતો હતો.

સૂર્ય ઉદય થયો છતાં તે ત્યાં જ પડ્યો રહ્યો. તેનું પૂરું શરીર તૂટતું હતું અને શરીરમાં તાવ ભરાયો હોવાથી તેનું માથું ફાટફાટ થતું હતું. કાલ રાત પહેલાં તે જમ્યો હતો. જમવાનું તો ઠીક કાલ રાતથી તેણે પાણી પણ પીધું ન હતું. તેના ગળામાં શોષ પડતો હતો. હોઠ સુકાઇ ગયા હતા. જીભ તાળવેં ચોંટી ગઇ હતી. તપતા સૂર્યના પ્રકાશથી તેની નીંદર ઊડી હતી અને બેભાન આવ્યું હતું. છતાં ઊઠવાની મરજી થતી ન હતી. લગભગ ચાર કલાક સુધી તે એમ ને એમ પડ્યો રહ્યો.

પૂરો આરામ મળતાં તેને થોડું સારું લાગતું હતું, તે ધીરે ધીરે બેઠો થયો. સૌથી પહેલાં તેણે માથા નીચે મૂકેલા ચામડાના થેલા પર હાથ ફરાવ્યો. થેલો સુરક્ષિત હતો. તે જોતાં તેના સૂકા ચહેરા પર આછું સ્મિત ફળી વળ્યું. હાથ-પગ ઊંચા-નીચા કરી શરીરને એક ઝાટકો આપી તે ઊભો થયો. તેને ખૂબ જ તરસ લાગી હતી. પણ રણમાં પાણી ક્યાંથી કાઢવું. થોડીવાર વિચાર કરતાં-કરતાં તે ઊભો રહ્યો. ત્યારબાદ આગળ વધી તે ઝાડથી થોડે દૂર યુરીન પાસ કરવા ગયો. ત્યાં ઊભા ઊભા ચારે તરફ નજર ફેરવી. અચાનક તેની આંખમાં ચમક આવી.

ઝડપથી તે ઝાડ પાસે આવ્યો અને એક નીચી ડાળને પકડી ઉપર ચડ્યો. આટલું કરવામાં પણ તેને થાક લાગતો હતો. ઝાડ પર ચડતાં તે ખુશ થઇ ગયો.

રાતના પડેલાં ઝાકળનાં બિંદુ ઝાડનાં પાંદડાઓ પર બાઝ્યાં હતાં. ધીરે-ધીરે તે ઝાડ પર બેસીને પાંદડા કાપી અને ચાવવા લાગ્યો. ઝાડનાં પાંદડાં ભીનાં હતાં, ભીનાં પાંદડાં અને પાંદડાંના રસથી ધીરે ધીરે તેણે તરસ છિપાવવી.

પાંદડાં ચાવવાથી તેની તરસ છિપી અને થોડી ભૂખ પણ ઓછી થઇ, તેનાથી તેના શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી. તે ઝાડની નીચે ઊતર્યો અને તેના છાંયડામાં થડને ટેકે બેસીને નિરાંતે સિગારેટ પીવા લાગ્યો.

***