ધરતીનું ઋણ - 1 - 1

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

 • મોતની તબાહી
 • ભાગ - 1

  વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉનહોલ તરફના રસ્તા પર જઇ રહી હતી.

  26મી જાન્યુઆરી...ભારતનો ગણતંત્ર દિવસ.

  15મી ઓગસ્ટના દેશને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી આઝાદી મળી અને 26મી જાન્યુઆરીના લોકતંત્રની શરૂઆત થઇ.

  આજ ભારતમાં ચારે તરફ અનેરો ઉત્સવ જોવા મળતો હતો.

  અંજાર શહેરને દુલ્હનની જેમ સમજાવવામાં આવ્યું હતું.

  અંજાર નગરપાલિકા ઓફિસ, મામલતદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ પર ભારતનો તિરંગો શાનથી પવનમાં આનંદની લહેરો સાથે ફરકી રહ્યો હતો.

  સવાસર નાકા પાસે આવેલ રઘુનાથજીની મંદર પાસે સૌ બાળકો એકઠાં થયાં હતા.

  સ્કૂલના એક સરખા ડ્રેસ પહેરેલ નાનાં નાનાં ફૂલ જેવાં બાળકો દેશ-ભક્તિની ખુમારી દિલમાં લઇ આનંદથી ઊછળતાં કૂદતાં રેલીમાં ચાલી રહ્યાં હતાં.

  ભગવાન રઘુનાથજી અને ભગવાન સ્વામીનારાયણનાં દર્શન કરી સૌ બાળકો એક લાઇનમાં ઊભાં રહ્યાં. અંજાર શહેરનાં પ્રમુખ મૃદુલાબેન પાંડે અને ઉપપ્રમુખ ભરતભાઇ શાહે રેલીને સ્ટાર્ટ આપી.

  દેશને આઝાદી અપાવવા શહીદ થયેલ વીર બંકાઓની યાદમાં આજ અંજાર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. શહેરનાં પ્રવેશદ્વારો, ટાવરો, સરકારી ઓફિસ નગરપાલિકા ભવન, સાથે સાથે ચારે તરફ દુકાનોને પણ ભવ્ય પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

  તે દિવસે વસંતપંચમી હોવાથી અંજારમાં ઘણાં લગ્નો હતાં. ઘણી જગ્યાએ ભવ્ય મંડપો બાંધવામાં આવ્યા હતા. અને આગલી રાત્રિના ઘણી જગ્યાઓએ દાંડિયારાસના પ્રોગ્રામો હતા. સૌ આનંદ અને ઉમંગ સાથે મહાલી રહ્યા હતા.

  સવાસર નાકાથી નીકળેલી બાળકોની રેલી માધવરાય ચોકથી પસાર થઇ મેઇન બજારમાં પહોંચી અને ત્યાંથી આગળ કસ્ટમ ચોકથી મોચી બજારથી ખત્રી ચોક થઇને ટાઉનહોલમાં પહોંચવાની હતી. ત્યાં ભારતની શાન ગૌરવ સમો તિરંગો લહેરાવવા માટે સૌ હર્ષ અને ઉલ્લાસ સાથે ઊમટ્યા હતા.

  રેલીમાં સૌથી આગળ બધી સ્કૂલોના શિક્ષકો ચાલી રહ્યા હતા. ત્યારબાદ બેન્ડ પાર્ટીવાળા તાલબંધ સંગીતના સૂર રેલાવતા આગળ વધી રહ્યા હતા.

  શિયાળાના દિવસો હોતાં વાતાવરણમાં આછી ગુલાબી ઠંડી પ્રસરેલી હતી. પ્રજાસત્તાક દિવસનો રોશની ભર્યો સૂર્ય અનેરો અલ્હાદક મધુર કિરણો વેરી રહ્યો હતો.

  ગગનમાં મુક્ત પક્ષીઓ આનંદના ગીત ગાંતા ગાતાં ઊડી રહ્યાં હતા.

  હાર્દિક, ભાર્ગવ, કદમ, હિતેષ અને ભારત ગાઢ મિત્રો હતા. ચારે મિત્રો રેલીમાં અનેરા આનંદ સાથે ભાગ લેવા સ્વામિનારાયણ મંદિરેથી રેલીમાં જોડાયા હતા.

  સૌ મિત્રો આનંદથી વાજિંત્રોના લય સાથે સૂર મિલાવીને ‘વંદે માતરમ્...’ ગાઇ રહ્યા હતા.

  ‘ભાર્ગવ...ભાર્ગવ...મારી સાથે ઘરે ચાલને...!’ હરોળમાં ભાર્ગવની પાછળ ચાલતા હિતેષ ભાર્ગવનો કોલર ખેંચતા બોલ્યો.

  ‘મૂકને યાર...મસ્તી ન કર...’ છંછેડાઇને ભાર્ગવ બોલ્યો અને વંદે માતરમ્ ના ગીત સાથે તાલ મિલાવતા સૌની સાથે આગળ ચાલવા લાગ્યો.

  ‘ભાર્ગવ...પ્લીઝ યા...મારી મમ્મીને મારું થોડું કામ હતું, ચાલને યાર...હમણાં જ પાછા આવી જઇને રેલીમાં જોડાઇ જશું...!’

  ‘ભલે...ચાલ યાર,’ મોં બગાડીને ભાર્ગવ બોલ્યો, અને કદમને પણ સાથે ચાલવા માટે સંકેત કર્યો. કદમ પણ રેલીમાંથી બહાર આવ્યો અને ત્રણે મિત્રો હિતેષના ઘર તરફ ચાલવા લાગ્યા. ત્રણેને જતાં જોઇ ભરત પણ રેલીમાંથી બહાર આવીને ગંગા બજાર તરફના રસ્તા પર ચાલવા લાગ્યો.

  સવાસર નાકાથી કસ્ટમ ચોકથી આગળ વધી રહેલી રેલી મોચી બજાર તરફ વળી, અનેરા હર્ષ સાથે આજુ-બાજુની દુકાનો, મકાનો અને રસ્તા પર જઇ રહેલા લોકો ઊભા રહીને રેલીને નિહાળતાં હતાં.

  26મી જાન્યુઆરીને દેશનું મોટામાં મોટું પર્વ ગણવામાં આવે છે. પૂરો દેશ તે દિવસે આનંદમાં ગરક થઇ ગયો હતો. કચ્છના લોકોમાં પણ અનેરો ઉત્સવ છવાયેલો હતો.

  પણ...કોઇને શું ખબર કે કચ્છના ભાવિમાં શું લખ્યું હશે...! 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આનંદના હિલોળા લેતી કચ્છની ધરા...આનંદથી પુલકિત થઇ ઊઠેલ આકાશ...આનંદમાં મગ્ન માનવો...મુક્ત રીતે ગગનમાં ઊડતાં પક્ષીઓ...પશુ...બાગમાં ખીલેલ સુંદર ફૂલો, ચારે તરફ ઇશ્વરનાં મંદિરોમાં ગુંજતો ઘંટનાદ અને આરતીની બાઝતી ઝાલરો...

  આનંદ, ઉલ્લાસ, હર્ષ અને ભક્તિ...દેશની આઝાદીનો જશ્ન અને દેશ ભાવનાથી રંગાયેલ લોકો...નાનાં બાળકો, સ્ત્રી, પુરુષો, બુઝુર્ગો...કોઇને ક્યાં ખબર હતી કે આ આનંદનો દિવસ કાળો દિવસ બનીને રહી જશે...! રેલીમાં ખેલતાં-કૂદતાં દેશ ભક્તિના ગીતો ગાતાં બાળકોને ક્યાં ખબર હતી કે 8:45ના સમય પછી શું થવાનું છે. ખીલેલા ફૂલ જેવાં, નાદાન ઇશ્વરના પ્રસાદ જેવાં નાના બાળકોને ભાવિની ખબર ક્યાંથી હોય...?

  26મી જાન્યુઆરી શુક્રવાર સમય સવારના 8:45 ના શુક્રવારની તે સવાર મનહુસ સાબિત થઇ.

  અચાનક કૌતુકની જેમ ગાય, કૂતરાં દોડા-દોડી કરવા લાગ્યાં.

  પક્ષીઓ ગભરાઇને આમ તેમ આકાશમાં ઊડવા લાગ્યાં.

  ગાયો ભાંભરતી હતી. કૂતરાં ઓનાયુ નાખતાં હતાં.

  ધુડુડુડુ...જેવા વિચિત્ર ભયનાક ભેદી અવાજ સાથે અચાનક ધરતીમાં કંપન પેદા થઇ અને ભયાનક તબાહીને નોતરી હોય તેમ ધરતી દરિયાના પાણીની જેમ હિલોળા લેવા લાગી. ગરમ તવી પર મૂકેલ ફુલાની જેમ જમીન ધ્રુજતી હતી.

  માણસો કાંઇ સમજે. વિચારે તે પહેલાં ધરતીકંપે તબાહી શરૂ કરી. લોકોની ચીસા-ચીસ અને રાડા-રાડ વચ્ચે ચારે તરફ મકાનો, દુકાનો પત્તાના મહેલની જેમ ધરાશય થવા લાગ્યાં.

  ચીસો પાડતાં ગભરાયેલા લોકો મનફાવે તેમ દોડવા લાગ્યા.

  જમીન પર પગ સ્થિર રહી શકતા ન હતા. લોકો ખૂબ જ ગભરાઇ ગયા હતા.

  અંજાર શહેર રાજાશાહી વખતનું ગામ હોવાથી લગભગ 60 ટકાનું બાંધકામ ચૂના ને ભૂકરિયા પથ્થરનું હતું. વળી અંજાર ગામ તળનો 40 ટકા જેટલો ભાગ વર્ષો પહેલાં તળાવને પૂરીને બનાવેલ હતો.

  ધડુમ-ધડુમના અવાજો સાથે ચારે તરફ મકાનો-દુકાનો તૂટીને નીચે પડતાં હતાં અને તેની નીચે માણસો કીડી-મકોડાની જેમ કચરાતાં-ચીસો પાડતાં હતાં. લોકો પર મકાનોના કાટમાળ, પથ્થર વીંઝાતા હતા.

  પહેલાં તો ઘણા લોકોને લાગ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તનાવભર્યું. વાતાવરણ હોવાથી પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો છે અને પાકિસ્તાન બોમ્બમારો કરી રહ્યુ છે.

  ખૂબ જ વિકટ પરિસ્થિતિ પેદા થઇ હતી.

  તૂટી પડેલાં મકાનો-દુકાનોના મલબાથી ચારે તરફ ધૂળોની ડમરીઓ છવાઇ ગઇ.

  ગણતંત્ર દિવસ નિમિત્તે નીકળેલી બાળકોની રેલી કસ્ટચોકમાંથી મોચી બજારમાં પહોંચી હતી અને ભયાનક ધરતીકંપ શરૂ થયો. ધડાધડ મકાનો પડવા લાગ્યાં. મોચી બજાર સાંકડી હોવાથી ત્યાં ભાગી છૂટવાનો કોઇ જ ઉપાય ન હતો.

  બાળકો ધરતીકંપ શરૂ થતાં જ ડરી ગયાં અને ચીસાચીસ કરતાં આમથી તેમ દોડવા લાગ્યા.

  ત્યાં અચાનક કોઇની બૂમનો અવાજ સંભરાણો.

  નીચે જમીન પર સૂઇ જાવ...પાકિસ્તાને હુમલો કર્યો છે.

  અવાજ સાંભળીને કેટલાંય ગભરાયેલાં બાળકો રોડ પર સૂઇ ગયાં. તો કેટલાંય દુકાનોમાં ઘુસી ગયાં.

  ધડા-ધડ...ધડામ કરતાં દુકાનો અને મકાનો તૂટીને તેનો કાટમાળ નીચે પડવા લાગ્યો.

  ધૂળોથી આખોય વિસ્તાર ભરાઇ ગયો. કાંઇ જ દેખાતું ન હતું.

  દુકાનો અને મકાનોનો કાટમાળ તૂટીને રોડ પર પડવા લાગ્યો અને દુકાનો, મકાનોના મલબા હેઠળ ફૂલ જેવાં માસુમ બાળકો કચરાવા લાગ્યા. ચીસા-ચીસ અને રાડા-રાડના અવાજો સિવાય કાંઇ જ સંભળાતું ન હતું.

  થોડીવારમાં જ મોચી બજાર પૂરી તૂટીને રોડ પર મલબાના રૂપમાં ઢગલો થઇ ગઇ. બાળકોની પૂરેપૂરી રેલી, શિક્ષકોની સાથે મલબામાં દબાઇ ગઇ.

  7.3ની તીવ્રતાથી આવેલ ધરતીકંપ માત્ર દોઢ મિનિટમાં જ હજારો માણસોને ભરખી ગયો. 26મી જાન્યુઆરીનો ઉમંગ ભર્યો ઉલ્લાસ માતમમાં ફેરવાઇ ગયો. કોઇને કલ્પના પણ ન હતી કે ફક્ત દોઢ મિનિટમાં જ અંજાર શહેરને નર્ક બનાવી દેશે.

  જૂનું અંજાર પૂરું તૂટીને કાટમાળમાં ફેરવાઇ ગયું હતું. તૂટી ગયેલ મલબાની ધૂળોથી આખો એરિયા ઢંકાઇ ગયો હતો. કાંઇ જ દેખાતું ન હતું. ચારે તરફ ચીસો અને રુદનના અવાજ ગુંજતા હતા. મીઠી નીંદરમાં સૂતેલા કેટલાક લોકો નીંદરમાં જ ઇશ્વરને પ્યારા થઇ ગયા હતા. આગળના દિવસે લગ્નની ગાંઠથી બંધાયેલા કેટલાંક કપલો સુહાગરાતની મધુરજની મનાવીને સવારના ચિરનિંદ્રામાં પોઢી ગયાં.

  વાચકમિત્રો, આ મારી જાસૂસી નવલકથા છે. પણ તેની શરૂઆત કચ્છમાં આવેલ ભૂકંપથી થતી હોવાથી મારી નજર સમક્ષ તે મોતના તાંડવનું ચિત્ર ઊપસી આવે છે. તો તે બનેલી સત્ય દુ:ખભરી ઘટનાને હું આલેખ્યા વગર રહી શકતો નથી.

  બોર ન થતાં...મારી ભૂંકપની વેદનાનો થોડો ભાર હું તમને આપવા માગું છું. જે સત્ય છે. પણ હા,...જાસૂસી કથા તો પહેલા પાનાથી જ શરૂ થઇ ચૂકી છે.

  થોડી ક્ષણોમાં જ ધમાલ-ધમાલ મચી ગઇ. કેટલાક લોકો મલબામાં દબાઇ ગયા. કેટલાય ઇશ્વરને પ્યારા થઇ ગયા. તો કેટલાયની જીવતી કબર થઇ ગઇ. કેટલાકના હાથ-પગ તૂટી ગયા. કેટલાકનાં માથા ફાટી ગયાં. ઘણા જ લોકો ઘાયલ થયા હતા.

  ગંગા બજાર, કસ્ટમ ચોક, મોચી બજાર, ખત્રી ચોક, મેઇન બજાર તૂટી પડી. લોકોનાં મકાનો ધરાશય થઇ ગયા. મંદિરો, મસ્જિદો, દેરાસરો, બેંકો અને સ્કૂલો, સરકારી ઓફિસો, કાટમાળમાં ફેરવાઇ ગઇ. અંજારની સરકારી હોસ્પિટલ ધ્વંસ થઇ ગઇ ને મલબામાં તબદીલ થઇ ચૂકી હતી. હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ દોડાદોડી કરીને ભાગી રહ્યા હતા. લગભગ ભાગી જ ગયા. પેશન્ટો કેટલાક મરાયા તો કેટલાક ઘાયલ થઇ બેહાલ થઇ ગયા.

  પૂરું ગામ જ કાટમાળમાં ફેરવાઇ ગયું હતું. ચારે તરફ મલબાની રેતી અને ધૂળો ઊડતી હતી. ધૂળોનાં ગોટાથી ધુમ્મસ જેવું છવાઇ ગયું.

  ગંગાનાકા અંદર મકાનો, દુકાનો ધરાશય થઇ ચૂક્યાં હતા. ગામની બહાર જવાનો રસ્તો કાટમાળથી પુરાઇ ગયો હતો. આજુ-બાજુ કાટમાળમાંથી બચાવો-બચાવોના અવાજો ઊઠતાં હતાં.

  બચાવો રે...હું અહીં છું. મને કોઇ બહાર કાઢો આહ...ઉહ...ઓયમાં...

  કાટમાળમાં ગાયો, કૂતરાં પણ દબાઇ ગયા હતાં.

  ચારે તરફ માનવોની લોહીલુહાણ વિચલિત લાશો પડી હતી.

  એક જગ્યાએ ચૂંથાયેલ કૂતરાનું માથું કાટમાળમાંથી બહાર દેખાતું હતું. તો કોઇ એક તૂટેલી દીવાલ નીચે ત્રણ ગાય મરેલ પડેલી દેખાતી હતી. તેના મોમાંથી જીભ બહાર નીકળી ગઇ હતી. મોંમાંથી લોહી રેલાઇ રહ્યું હતું અને જમીન પર એકઠું થયું હતું. આંખો ફાટીને બહાર નીકળી આવી હતી. કેટલીય જગ્યાએ તૂટેલા કાટમાળમાં વાહનો દટાયેલાં નજરે ચડતાં હતાં.

  ચારે તરફ નાસભાગ અને અંધાધૂંધી ફેલાયેલી હતી. લોકો પોતાના આપ્તજનોને શોધતા હતા.કોઇ કહે તે મારા દીકરાને જોયો ભાઇ...? કોઇ કહેતું હતું કે દોસ્ત મારા ભાઇને જોયો...? પત્ની, પતિ, પુત્ર, ભાઇનો-બહેનોને શોધવા માટે લોકો દોડા-દોડી કરતા હતા. કેટલાય લોકો બચાવો-બચાવોની રાડો નાખતા દોડતા હતા. તો કેટલાક લોકો પોતાના ઘાયલ થયેલ આપ્તજનોને લઇને હોસ્પિટલો તરફ દોડતા હતા.

  ગંગાનાકામાં કહેર વર્તાઇ ગયો હતો. પૂરી બજાર તૂટી પડી અને કેટલાક લોકો તેના કાટમાળમાં ફસાયા હતા. કેટલાય મૃત્યુ પામ્યા હતા. લક્ષ્મી ટોકીઝ તૂટી પડી હતી તો તેનાથી થોડે આગળ આવેલ જૈન સમાજવાડીમાં લગ્ન હતાં. તે સમાજવાડી પૂરેપૂરી ધ્વંસ થઇ ચૂકી હતી. ગામમાં જૈન દેરાસર ધ્વંસ થયું અને તેની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાની ઇમારત તૂટી પડી.

  ગંગાનાકા પાસે આવેલ અંબામાતાનું ઐતિહાસિક મંદિર ધ્વંસ થયું, તો જેના નામ પરથી ગામનું નામ અંજાર પડ્યું છે તેવા અંજારના ધણી શ્રી અજેપાળ દાદાનું મંદિર ધ્વંસ થયું તો જેસલ-તોરલની સમાધિનું મંદિર ધ્વંસ થયું.

  અંજારમાં કહેવતો છે કે અજેપાળ દાદાની અખંડ જ્યોત બુઝાશે ત્યારે અંજારમાં ધરતીકંપ આવશે અને જેસલપીર અને સતી તોરલની સમાધિ જ્યારે ભેગી થશે ત્યારે અંજારમાં ધરતીકંપ આવશે. આવી વાયકાઓ હતી તેથી ડરેલ લોકો વાતો કરતા હતા.

  કોઇ કહે જરૂર અજેપાળ દાદાની અખંડ જ્યોત ઓલવાઇ ગઇ છે.

  કોઇ કહે જરૂર જેસલ-તોરલની સમાધિ ભેગી થઇ ગઇ છે...! આવી વાયકાઓ અત્યારે સાચી જણાતી હતી.

  તરેહ-તરેહની વાતો અને અફવાઓ ફેલાયેલી હતી. કોઇ કહેતું હતું કે કચ્છના રણમાં જવાળામુખી ફાટ્યો છે...અલ્લાબંધ તૂટી ગયો છે અને ફરીથી સિધું નદીનાં પાણી કચ્છના રણમાં આવ્યાં છે.

  આ તો બધા નવરા લોકોની વાતો હતી. પણ ગામમાં તો બચવા અને બચાવવા ધમાલ મચી ગઇ હતી. રાડા-રાડ, ચીસો અને રોકકળ સાથે લોકો ઘાયલોને લઇને દોડતા હતા. ચારે તરફ બૂમ બરાડા ને ચીસોના અવાજ ગુંજતા હતા.

  ઘણાય લોકો ફસાયેલા લોકને મદદ કરવા તૂટેલ ગામના કાટમાળમાં ઘૂસ્યા હતા અને ફસાયેલ લોકોમાં નીકળી શકે તેવાઓને કાઢીને હોસ્પિટલ તરફ મોકલાવતા હતા.

  રાડા-રાડ વચ્ચે કાટમાળમાં એક જગ્યાએ નાના બાળકના સતત રડવાનો અવાજ આવી રહ્યો હતો.

  લોકોની નજરે એક તૂટેલા મકાન પર પડી. બાળકના રુદનનો અવાજ તેના અંદરથી આવતો હતો. થોડા એકઠા થયેલ લોકોએ તૂટી પડેલ દરવાજાનો કાટમાળ મહામહેનતે હટાવ્યો અને અંદર ઘૂસી શકાય તેટલો માર્ગ થયો.

  લોકો ભેગા થઇને અંદર ઘૂસ્યા. અંદરનુ ર્દશ્ય જોઇને સૌનાં રુંવાટા ઊભાં થઇ ગયા.

  મકાનની અંદર એક સ્ત્રીના લાશ પડી હતી. મકાનની દીવાલ આડી પડવાથી તે સ્ત્રીનું માથું ફાટી ગયું હતું અને ફર્શ પર ચારે તરફ લોહી ફેલાયેલુ હતું. તે સ્ત્રીની ઉઘાડી છાતી પર એક નાનું બાળક વળગીને મૃત માતાના સ્તનમાંથી ધાવણ પી રહ્યું હતું. અને થોડી થોડી વારે હીબકાં નાખીને સતત રડતું હતું. એક માણસે મૃત સ્ત્રીની છાતી સાથે ચીપકેલા બાળકને ઉઠાવી લીધું. બાળક ખૂબ જોર જોરથી રડવા લાગ્યું.

  પૂર્ણા નર્સિંગ હોમ.

  ડોક્ટર શ્યામસુંદરની પ્રાઇવેટ હોસ્પિટલ તરફ લોકો દોડી રહ્યા હતા.

  ધરતીકંપ પૂરો થતાં જ ડોક્ટરને કાંઇ વિચારવાનો સમય મળે તે પહેલાં તો ઘાયલ થયેલાઓને ઉપાડીને લોકો દોડતા દોડતા આવી રહ્યાં હતાં.

  ધરતીકંપ પૂરો થતાં જ ડોક્ટર લૂંગી પહેરેલી હાલતમાં જ એક હાથમાં ટોર્ચ અને બીજા હાથણાં સ્ટેથોસ્કોપ લઇને પોતાના બંગલામાંથી ધડાધડ નીચે ઊતરી આવ્યા.

  ‘સાહેબ...સાહેબ જુઓ તો મારા દીકરાને શું થઇ ગયું છે...?

  બંને હાથેથી ઉપાડીને એક ભાઇ પોતાના દીકરાને તેડીને દોડતા આવ્યા હતા. તેમના દીકરાનું માથું પથ્થર વાગવાથી ફાટી ગયું હતુ. અને તેમાંથી લોહી દળ...દળ...દળ કરતું વહીને નીચે ફર્શ પર પડતું હતું.

  તરત ડોક્ટરે તેમના દીકરાની પલ્સ જોઇ...પલ્સ બંધ હતી.

  હાર્ટને સ્ટેથોસ્કોપથી ચેક કર્યું...હાર્ટ બંધ થઇ ગયું હતું.

  ટોર્ચથી આંખો ચેક કરી...આંખની રોશની બુઝાઇ ગઇ હતી.

  ‘લઇ જાવ ભાઇ...કાંઇ નથી,’ હતાશ ચહેરે ડોક્ટર એટલું જ બોલ્યા, ‘હે ભગવાન...’ તે વ્યક્તિ પોતાના છોકરાને બાથમાં લઇને પોકે પોકે રડવા લાગી.

  ‘સાહેબ...જલદી મારા ભાઇને જુઓને, તેનો હાથ તૂટી ગયો છે..’

  ‘સાહેબ...મારી પત્નીને શું થયું છે... જરા જલ્દી જુવોને.’

  ‘સાહેબ...પહેલાં મારા પેશન્ટને ચેક કરોને...તેને બહુ લોહી નીકળી રહ્યું છે. સાહેબ...મારા પિતાનું માથું ફાટી ગયું છે. જલદી જુવોને.’ લોકો રાડા રાડ કરવા લાગ્યા.

  દોડી દોડીને લોકો પોતાનાં આપ્તજનોને લઇને આવી રહ્યા હતા. સૌ પૂરા ધૂળથી ખરડાઇ ગયા હતા. કોઇના ચહેરા દેખાતા ન હતા. કેટલાકના હાથ-પગ તૂટી ગયા હતા. કેટલાય લોકોનાં માથાં ફાટી ગયાં હતાં. ચારે તરફ લોહી-લુહાણ લોકો ‘સાહેબ પહેલાં મને જુઓ...પહેલા મારા ભાઇને જુઓને...’ની રાડો નાખતા ડોક્ટરને ઘેરી વળ્યા હતા.

  ‘આ તો મૃત્યુ પામ્યો છે...!આના માથામાં ઊંડો જખમ થયો છે. તને ઝડપથી ડ્રેસિંગ કરો. આના હાથની વેન કપાઇ ગઇ છે. જલદી પાટો બાંધો, હરી અપ...જલદી આને ગ્લુકોઝની બોટલ લગાવો. આની નસ તૂટી ગઇ છે તેને બાંધવા માટે દોરો આપો...જલદી...જલદી કરો.’

  ‘હે ભગવાન...’ આંખો બંધ કરી તીવ્ર વેદના સાથે ડોક્ટર બબડ્યા.

  ‘ભગવાન...હું શું કરું...? કોને જોઉં...આટલા બધા ઘાયલોની સારવાર એક સાથે કેવી રીતે કરું હે ઇશ્વર...’તેમની આંખોમાંથી દુ:ખ અને લોકોની વેદના જોઇ બે બુંદ નીકળી પડ્યા. તેમણે ચારે તરફ એક નજર ફેરવી...તેમના પગ પાસે આજુ-બાજુ ચારે તરફ લાશો-લાશો પડી હતી.

  ‘સાહેબ...સાહેબ, આ દીકરી રેલીમાં દબાઇ ગઇ હતી, હું માંડ-માંડ તેને બહાર કાઢી લાવ્યો છું. સાહેબ...બ્રાહ્મણની દીકરી છે,જરા જલદી તેની સારવાર કરોને...!

  ડોક્ટરે તેમની તરફ નજરે ફેરવી જોયું.

  તે મુસલમાન ખત્રી હતો. બંને હાથેથી આઠ વર્ષની છોકરીને ઉપાડીને લાવ્યો હતો. છોકરી પૂરી લોહી-લુહાણ અને બેભાન હાલતમાં હતી. તે ખત્રીના ચહેરા પર દુ:ખ અને યાતનાના ભાવ છવાયેલા હતા.

  ડોક્ટરનો એક સ્ટાફ તરત તે છોકરીને પલંગ પર સુવડાવીને ચેક કરવા લાગ્યો.

  ‘સાહેબ...આનો ખ્યાલ રાખજો હું છોકરીના ઘરવાળાઓની ખબર કાઢવા માટે જાઉં છું.’ કહીને તે ખત્રી ગામ તરફ દોડ્યો.

  જૂના અંજારમાં ધમાલ મચી ગઇ હતી. પૂરું ગામ મલબાના રૂપમાં તબદીલ થઇ ચૂક્યું હતું. નજર પડે ત્યાં ચારે તરફ ધૂળોના ગોટા છવાયેલા દેખાતા હતા. લોહીથી તરબોળ, તૂટેલા હાથ-પગ ફાટી ગયેલ માથામાંતી દળ દળ લોહી વહી રહ્યા હતા. ચારે તરફ લોહી-લુહાણ થયેલ ભાગતા માણસો નજરે ચડતા હતા.

  ધડાધડ હોસ્પિટલમાં ઘાયલ લોકોનાં ટોળાં ઊતરી આવ્યાં હતાં. ર્ડો. શ્યામસુંદર અને તેના સ્ટાફ કિરણભાઇ દિનેશ, હર્ષદ, સોનીભાઇ ફટાફટ ઘાયલોની સારવાર કરી રહ્યા હતા.

  અચાનક ફરીથી આંચકો આવ્યો, હોસ્પિટલની બિલ્ડિંગ ધ્રૂજી ઉઠી.

  લોકો ગભરાઇને ભાગ્યા અને હોસ્પિટલની બહાર દોડ્યા.

  દર્દીઓના સગાંઓ પોતાના ઘાયલ આપ્તજનોને લગભગ ખેંચતા નીચે ભાગવા લાગ્યાં.

  હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તો ધરતીકંપ વખતે જ દોડીને બહાર ભાગી ગયા હતા.

  ‘ચાલો સૌ નીચે ચાલો...ડ્રેસિંગનો સામાન, ઇંજેક્શન, દવા બધું નીચે લઇ લ્યો...’ ચીસ જેવા અવાજ સાથે રાડો પાડતાં. ર્ડા. શ્યામસુંદર નીચે પડેલી લાશોની વચ્ચેથી પસાર થતાં હોસ્પિટલની નીચે ઊતરવા લાગ્યાં.

  ***

  ***

  રેટ કરો અને રિવ્યુ આપો

  Sudhirbhai Patel 3 દિવસ પહેલા

  Daksha 4 દિવસ પહેલા

  Veena Joshi 5 દિવસ પહેલા

  Kuldeepsinh Gohil 7 દિવસ પહેલા

  Alpesh Thakar 1 અઠવાડિયા પહેલા