ધરતીનું ઋણ - 5 - 2

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

પાકિસ્તાનનો કેદી

ભાગ - 2

રામજીભા ખારવા મૂળ માંડવીના પણ ઘણા વર્ષોથી તે જખૌ સ્થાયી થયા હતા. અને માછીમારીનો ધંધો તેને વારસામાં મળ્યો હતો.

જખૌમાં પોર્ટ તરફથી તેને કઇ જગ્યાએ માછલીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહેશે તે માટે ગાઇડેશન આપવામાં આવતું. ઉપગ્રહથી માહિતી મેળવવા માટે પોર્ટ પર આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી હતી.

રામજીભાની બોટનું નામ એમ.એસ.1440હતું. આ તેનો લાયસન્સ નંબર હતો. એમ.એસ. લાકડાની બનાવટની વિશાળ બોટ હતી. તેના પર ઇસુકીનું 1500 હોર્સ પાવરનું એન્જિન લાગેલું હતું. બોટ પર ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકી રહ્યો હતો.

ગીતા ગાતા-ગાતા તેઓ જખૌ બંદરથી ઘણા આગળ નીકળી ગયા. પોર્ટ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ રામજીભાએ બોટનું એન્જિન બંધ કરી બોટને દરિયામાં તરતી મૂકી.

‘સલીમ, જાવેદ, મધુ...હલો હણ લંગર વજો અને મછલી પકડેજો શરૂ કર્યો.’ એન્જિનની કેબિનમાંથી ઊભા થતાં રામજીભા બોલ્યા.

‘હલ્લો...ભા...હલ્લો ઘણા જલસા કર્યા.’ ઊભા થતાં સલીમ બોલ્યો અને તેની સાથે જાવેદ અને મધુ પણ ઊભા થયા અને બોટના ધરામાંથી માછલી પકડવાની જાળને કાઢવા આગળ વધ્યા.

જાવેદે લંગરને પકડી અને ફરાવી-ફરાવીને લંગરનો ‘‘ઘા’’ કર્યો. લંગર નાખ્યા પછી સૌએ ભેગા મળીને જાળને ખોલી અને ચાર છેડાથી પકડીને જાળને પાણીમાં ‘‘ઘા’’ કરી. પછી રામજીભા ધબુસા પર બેસીને એક બીડી સળગાવી અને દમ ભરી પીવા લાગ્યા. સલીમ, જાવેદ, મધુ પણ ધબુસા પર બેઠા અને અલક-મલકની વાતો કરતા ટાઇમપાસ કરવા લાગ્યા.

બે કલાક પછી.

‘હલો હળે જાળ ખેંચો.’

ઊભા થતાં રામજીભા બોલ્યા.

અને ચારે જણા મળીને જાળને ખેંચવા લાગ્યા.

પણ વાહ, રે નસીબ ! ખૂબ જ ઓછી માત્રામાં માછલીઓ જાળમાં ફસાઇ હતી.

અત્યારે તેઓની બોટ જખૌ બંદરથી બાર કિલોમીટર દૂર પંજોરપીર નામના ટાપુથી પણ પાંચ-સાત કિલોમીટર આગળ નીકળી ગઇ હતી.

‘ભા...હણે કુરો કરધા સી...’ મધુ બોલ્યો.

‘અગીયા હલો હણે, બઇ જગ્યા તે જાળ વજો, બ્યો કુરો થીએ’ ભા બોલ્યા. અને ફરીથી બોટનું લંગર ઉઠાવીને તેઓ માછલીનો જથ્થો શોધવા આગળ વધ્યા.

બીજી વખત પણ તેઓની સાથે એવું જ થયું.

બોટ ઊભી રાખી લંગર નાખ્યું. પાણીમાં જાળ બિછાવી પણ માછલીઓ જથ્થો મળ્યો નહીં. અને પછી ફરીથી તેઓ આગળ વધ્યા.

તેઓ આગળને આગળ વધતા ગયા.

જખૌથી ઘણા જ દૂર નીકળી ગયેલા રામજીભાના ચહેરા પર ચિંતા વરતાતી હતી. તેમને મનમાં અસુખ થતું હતું. તેનું કારણ હતું તેઓ જખૌ બંદરથી ઘણા દૂર હતા. ન કરે નાથ અને જો ભૂલકે ભારતની બોર્ડર પાર કરી પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશી ગયા તો તો...મોટી આફત આવી પડે. તેઓને આજ ભારતીય પેટ્રોલિંગની કોઇ જ બોટ સામે મળી ન હતી.

ભારત અને પાકિસ્તાનની જળસીમા નક્કી કરેલી હતી. પણ તેનાં કોઇ સીમા ચિહ્ન લાગેલ ન હોય. આ તો રહ્યો દરિયો તમે જળ સીમાનું ઉલ્લંઘન કરો અને જો પાકિસ્તાન કોસ્ટલ ગાર્ડની પેટ્રોલિંગ બોટના હાથમાં આવી જાવ તો જળસીમાં ઉલ્લંઘનના ગુના હેઠળ તમને કેદી બનાવવામાં આવે.

અને આ જ બીક રામજીભાને અસુખ કરતી હતી.

ઘરરર...અચનાક દરિયામાં ક્યાંકથી કોઇ સ્પીડ બોટનો અવાજ ગુંજી ઊઠ્યો.

સલીમ, જાવેદ, મધુ અને રામજીભા કચ્છી માણસો હતા અને તેઓ કચ્છી બોલતા, પણ કચ્છીભાષા બધા સમજી ન શકે તેથી અહીં હવે તેમનો વાર્તાલાપ ગુજરાતીમાં જ આપવામાં આવ્યો છે.

અચાનક દરિયાના પાણીમાં સ્પીડથી દોડતી એક બોટ રામજીભાની બોટ તરફ ધસી આવી રહી હતી.

‘રામજીભા...જુઓ તો ભારતીય કોસ્ટલગાર્ડની બોટ છે કે પછી પાકિસ્તાન કોસ્ટલ ગાર્ડની બોટ છે ?’ સલીમ બોલ્યો.

‘માર્યાસી...આ તો પાકિસ્તાનની બોટ છે. બાપ, આપણે ચોક્કસ ભૂલથી ભારતની જળસીમા પાર કરી પાકિસ્તાનની જળસીમાં પ્રવેશી ગયા છીએ.’ રામજીભા બોલ્યા. તેમના ચહેરા પર ચિંતાના ભાવ છવાયેલા હતા.

‘સ્ટોપ..સ્ટોપ...’ સામેથી આવતી કોલ્ટલ ગાર્ડની આધુનિક બોટના હાથા પર ગન લઇને ઊભેલા એક સૈનિક જોરથી ચિલ્લાયો.

આમે રામજીભાએ બોટનું એન્જિન તો બંધ જ કરી નાખ્યું હતું. અને પછી પાકિસ્તાન કોસ્ટલગાર્ડની બોટ તેમની સામે આવી ગઇ.

‘કેટલા જણા છો...?’ સામેથી પુછાયું.

‘સાહેબ...ચાર જણ છીએ.’

‘તમારી બોટનો રજિસ્ટર નંબર બોલો...’

‘અમારી બોટના નં.એમ.એસ. 1440 છે.’ રામજીભા બોલ્યા.

‘કોની માલિકની બોટ છે...?’

‘સાહેબ...મારી માલિકીની બોટ છે.’

‘ઠીક છે. તમે સૌ પાકિસ્તાન જળસીમામાં છો અને અમે તમને અરેસ્ટ કરીએ છીએ.’ ગનધારી ગાર્ડ બોલ્યો.

રામજીભાએ ઘણી આજીજી કરી પણ તેઓએ કંઇ જ સાંભળ્યું નહીં, સૌને પાકિસ્તાન કોસ્ટલગાર્ડની સ્પીડ બોટમાં લાવવામાં આવ્યા, અને રામજીભાની બોટનો કબજો લઇને એક ગાર્ડ તે બોટમાં સવાર થયો અને પછી બંને બોટોને એક સાથે કરાંચી બંદર તરફ મારી મૂકી.

‘આપણો તો ભવ બગડ્યો...’ હાથને કપાળ પર પછાડતા રામજીભા આગળ બોલ્યા. ‘વાલો જાણે હવે ક્યારે આ શેતાનોના પંજામાંથી છૂટશું, ઘરના બઘા રાહ જોઇને અધમૂવા થઇ જશે. તેમના ચહેરા પર દુ:ખ અને હતાશા તરવરી આવી. પણ તેઓથી કાંઇ જ થઇ શકે તેમ ન હતું.’

જળસીમા ઉલ્લંઘનના કાયદા મુજબ તેઓએ પકડવામાં આવ્યા હતા. રામ જાણે ક્યારે તેઓનો છુટકારો થાય.

જખૌથી કરાંચી બંદર લગભગ વીસ નોર્ટીકલ માઇલના અંતરે આવેલ હતુ.

ખાધા-પીધા વગર હૈરાન થતા થતા લગભગ ચાર વાગ્યે સાંજે તેઓ કરાંચી બંદરે પહોચ્યા. ત્યાંથી તેઓને કરાંચી પોલીસને સુપ્રત કરવામાં આવ્યા. તે રાતે તેઓએ પોલીસ કસ્ટડીમાં જ વિતાવી.

બીજા દિવસની સવારના સરહદ પાર કર્યાના ગુના હેઠળ તેઓને કરાંચીનો સેન્ટ્રલ જેલમાં મૂકી દેવામા આવ્યાં.

આજ અંડર ગ્રાઉન્જ બેરેકમાં પડેલા તે કેદીની તબિયત લથડી હતી. ડાએરિયા, વોમેટીંગને લીધે તેના શરીરનું પાણી ઓછું થઇ ગયું અને તેનું બ્લડ પ્રેશર લો થઇ ગયું. તરત તેને જેલની હોસ્પિટલમાં ચેક અપ માટે લાવવામાં આવ્યો. તેની આંખોમાં અંધારા આવતાં હતાં. શરીરમાં એકદમ નબળાઇ જણાતી હતી.

સેન્ટ્રલ જેલમાં આવતા નવા કેદીઓની સૌ પ્રથમ મેડિકલ ચેક અપ કરવામાં આવતી. તેથી સલીમ, જાવેદ, મધુ અને રામજી ભાઇને પણ સેન્ટ્રલ જેલની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરના ચેક-અપ રૂમમાં ચારેને બેસાડવામાં આવ્યા હતા તે જ વખતે તે કેદીને સ્ટ્રેચરમાં નાખીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. સલીમ અને મધુનું મેડિકલ ચેક-અપ થઇ ગયું હતું. જાવેદ અને રામજીભાઇનું ચેક-અપ બાકી હતું.

‘ર્ડોક્ટર...પહેલાં આ કેદીને ચેક કરો, તેની તબિયત બહુ જ ખરાબ છે.’ કેદીને લઇ આવેલ સિપાઇમાંથી એક બોલ્યો.

‘ઠીક છે, તેને ચેક અપ માટે ટેબલ પર સુવડાવો અને તમે લોકો બહાર બેસો.’ ડોક્ટર બોલ્યા.

સેન્ટ્રલ જેલનો ર્ડો. રહીમ માયાળુ માણસ હતો. કેદીઓની ખરા દિલથી સારવાર કરતો. ભલેને પછી મોતની સજા પામેલો કેદી હોય, વલી તેનો નિયમ હતો કે જ્યારે કેદીને ચેક-અપ કરતો ત્યારે તેની ઓફિસમાં કોઇ જ સિપાઇને અંદર રહેવાની પરમિશન ન હતી. ભલે તેની ઓફિસની બહાર સિપાઇઓ ખડે પગે ઊભા રહે તેમાં તેને કોઇ વાંધો ન હતો. પણ ઓફિસની અંદર તો કોઇનેય ન રહેવા દેતો, આ તેનો કડક નિયમ હતો અને જેલ મેનેજમેન્ટ અને જેલરે પણ તેની વાતને માન્યતા આપી હતી.

‘શું થયું ભાઇ...’ હાથમાં બી.પી.કફ બાંધતા આત્મીયતા સાથે ડોક્ટરે કેદીને પૂછ્યું.

‘ર્ડોક્ટર સાહેબ સવારથી ઊલટી થાય છે અને લગભગ સાત વખત ઝાડા થયા છે ?’ અશક્તિભર્યા ધીમા અવાજે કેદી બોલ્યો.

‘બી.પી. તો બરાબર છે. પાણીમાં કે ખાવામાં કશું આવી ગયું હશે. ફૂડ પોઇઝનીંગ થયું હોય તેવું લાગે છે.’

‘સાહેબ...ગટર જેવું ગંદુ પાણી અને ચાર-પાચં દિવસની રોટલીના કટકા, હું દસ વર્ષથી ખાતો આવું છું. તો આજ ક્યાંથી ફૂડ પોઇઝન થઇ જાય...’ સ્મિતભર્યા ચહેરે તે બોલ્યો.

‘આજકાલ જેલર સાહેબની તમારા પર મહેરબાની ઊતરી લાગે છે નહીં...’ હસતાં-હસતા કેદીનો ઝભ્ભો ઊંચો કરી પેટ તપાસતાં હંટરનાં શરીર પર પડેલાં નિશાનો જોઇ ર્ડોક્ટર બોલ્યો.

‘સાહેબ, એ તો હવે મરીશ ત્યાં સુધી ચાલવાનું જ છે. આ જુઓને મારી આંગળીઓ જેલરે તોડી નાખી છે...’ કેદી બોલ્યો.

ર્ડોક્ટર રહીમ તેની આંગળીઓ ચેક કરતા હતા ત્યાં જ તેની ઓફિસનો દરવાજો કોઇએ જોરથી ઠક ઠકાવ્યો.

કેદીના હાથને નીચે મૂકી ગુસ્સાભરી નજરે ર્ડોક્ટરે દરવાજા તરફ નજર કરી અને પછી આગળ વધી દરવાજો ખોલ્યો.

‘બોલો કેમ દરવાજો પછડા છો...’ગુસ્સાભરી નજરે દરવાજા સામે ઊભેલ ગાર્ડ તરફ નજર કરતાં ર્ડોક્ટર બોલ્યા.

‘ર્ડોક્ટર સાહેબ...એક કેદીએ પોતાના હાથની નસ કાપી નાખી છે અને 304 નંબરની બેરેકમાં જેલર સાહેબે તમને તરત ડ્રેસિંગનો સામાન લઇ આવવાનું કહ્યું છે.’

‘તે કેદીને અહીં લઇ આવવામાં શું મોત પડે છે...?’ બબડતાં ર્ડોક્ટરે ડ્રેસિંગ ટ્રે ઉપાડી, જો કે જેલર એટલો ખરાબ માણસ હતો કે તેનો ડર ર્ડોક્ટરના મનમાં રહેતો.

‘ભાઇ થોડીવાર સૂતો રહેજે. હું હમણાં જ આવું છું.’ કહી ર્ડોક્ટર તેની ઓફિસમાંથી બહાર નીકળી ગયો.

‘રામજીભા...ભગવાન જાણે આપણો વારો ક્યારે આવશે ? મને તો કકડીને ભૂખ લાગી છે.’ જાવેદ કચ્છીમાં બોલ્યો.

‘હવે ક્યાં આપણે જલદી હતી, હવે તો છ-આઠ મહિના પાકિસ્તાના મહેમાન બનીને રહેવાનું છે. અને રહ્યો ભૂખનો સવાલ તો ભારત પાછા જઇ શકીએ નહી. ત્યાં સુખી ભૂખ, થાક, તરસ ભૂલી જજો,’ રામજીભા બોલ્યો.

રામજીભા અને જાવેદની વાતો સાંભળીને તે કેદીના કાન સચેત થઇ ગયા અને તેની આંખોમાં ચમક આવી ગઇ. બંને હાથની કોણીના ટેકે થોડા બેઠા થતાં તેમણે ઓફિસમાં ચારે તરફ નજર ફેરવી. તેઓ પાંચ સિવાય કોઇ જ ઓફિસમાં ન હતું.

‘તમારું નામ રામજીભા છે...? તમે ભારતના છો...?’ તે કેદીએ રામજીભા તરફ નજર ફેરવતાં આતુરતા સાથે પૂછ્યું.

‘હા,..ભાઇ અમે ભારતના છીએ. તમે પણ ભારતીયો લાગો છો નહીં...?’ રામજીભા બોલ્યો.

‘હા,...કાકા હું ભારતનો છું. અહીં દસ વર્ષથી સડી રહ્યો છું. પણ તમે કેમ પકડાયા છો, તમારી વાત પરથી તમે કચ્છના લાગો છો !’

‘હા...ભાઇ, અમે કચ્છના માછીમાર છીએ અને ભૂલેથી દરિયામાં માછીમારી કરતાં-કરતાં પાકિસ્તાનની જળસીમામાં ઘૂસી આવ્યા અને પકડાઇ ગયા, હવે છ-આઠ મહિના સુધી તો અમારો છુટકારો થાયે તેમ લાગતું નથી. પણ તમે દસ વર્ષથી અહીં જેલમાં સડો છો તે તમે એવો કયો ગુનો કર્યો છે...’ રામજીભા બોલ્યા.

‘રામજીભા...તમે મારા બાપ જેવા છો. તમે મારું એક કામ કરશો,’ બે હાથ જોડતાં તે કેદી બોલ્યો.

‘બોલ ભાઇ બોલ...એક ભારતીયના નાતે તારું એક શું એક હજાર કામ કરીશ પછી પાછો તું એમ ન કહેતો કે મને આ જેલમાંથી ભગાડી જાવ, અને રહ્યા માછીમાર એ અમારું ગંજુ નહીં.’

‘કાકા...ર્ડોક્ટર આવી જાય તે પહેલા મારી વાત સાંભળી લ્યો, કદાચ ર્ડોક્ટર આવી જશે તો મારી વાત મનમાં જ રહી જશે.’

‘બોલ ભાઇ બોલ...’ રામજીભા બોલ્યો.

‘કાકા...તમે ચાર-છ મહિના પાછા કચ્છ પહોંચો ત્યારે તમારે કચ્છના આઇ.જી.સાહેબને મળવાનું છે અને એટલું જ કહેવાનું છે, હું આનંદ મજામાં છું. આટલો સંદેશો સોમદત્તજીને આપે ?’

‘હું...હું… આનંદ મજામાં છું...કચ્છના આઇ.જી. સાહેબ, સોમદત્તજીને સમાચાર આપે...ભઇલા કાંઇ જ સમજ્યો નથી.’ માથા પર આંગળતા ટેરવાથી ટકોરા મારતા રામજીભા બોલ્યો.

ખટ...ખટ...અચાનક દરવાજો ખોલવાનો અવાજ આવ્યો, અને ર્ડોક્ટરે તેમની ઓફિસમાં પગ મૂક્યો, તે કેદી આંખો બંધ કરીને સૂઇ ગયો અને રામજીભા ચૂપ થઇ ગયા.

બસ...તે કેદી સાથે રામજીભાન તે પહેલી અને છેલ્લી મુલાકાત હતી, ત્યારબાદ રામજીભાએ તે કેદીને ક્યારેય જેલમાં જોયો ન હતો.

દોસ્તો...હવે તો તમારા મગજમાં આખી જ વાર્તા સમજાઇ ગઇ હશે.

દિવસોના દિવસ વીતતા ગયા. રામજીભાઇના ઘરના તથા યુસુફકાકાએ ખૂબ જ તપાસ કરી પણ ક્યાંય રામજીભાઇની બોટ તથા સલીમ, જાવેદ, મધુ અને ખુદ રામજીભાનો પત્તો લાગ્યો નહીં. સૌ જાય અને કેટલીય બોટો જળસમાધિ લઇ લે, પણ આ તો મધદરિયાની વાત ન હતી. રામજીભા સાથેની બોટ બીજી બોટો પણ પંજારપીર સુધી સાથે હતી. સાંજ સુધીમાં બધી જ બોટો પરત ફરી હતી. પણ રામજીભાની બોટનો અત્તો-પત્તો મળ્યો ન હતો. યુસુફકાકાએ બીજા દિવસે જાતે જઇને દરિયો ખૂંદ્યો પણ રામજીભાના કાંઇ જ સગડ ન મળ્યા, આખરે તેમણે જખૌ પોર્ટના પોલીસ થાણામાં રામજીભાની બોટ ગુમ થયાની ફરિયાદ લખાવી અને ભારતીય બોર્ડર વીંગ સીમા સુરક્ષાદળો યુવાનોએ બીજા દિવસે નેવીની ગનબોટથી જખૌથી છછી થઇને કોટેશ્વર સુધી અને જખૌથી તુણા સુધી પૂરી દરિયાઇ સીમા ચેક કરી પણ કાંઇ જ હાથ ન લાગ્યું. નવલખી બંદર પર પણ સમાચાર પહોંચાડવામાં આવ્યાં. બધી જ તપાસ પછી કાંઇ જ હાથ ન લાગ્યું. યુસુફકાકા ખૂબ જ હતાશ થઇ ગયા. તેના બે દીકરા, ભાઇ જેવા રામજીભા અને તેનો દીકરો મધુ તેમના બંને કુટુંબનો આધાર હતા.

લગભગ બે મહિનાનો સમય વીતી ગયા બાદ પાકિસ્તાને જ્યારે પકડાયેલા ભારતીય માછીમારોની સૂચી ભારત મોકલાવી, સૂચીમાં ક્રમાંક નં. 7 બોટ નં. એમ.એસ. 1440સાથે માછીમાર નામ (1) રામજીભા જાદવજી (2) મધુ રામજીભા (3) સલીમ યુસુફ (4) જાવેદ યુસુફખાન બંદરીય વિસ્તાર જખૌ.

આ યાદી ભારતને મળતાં જ ભારતીય નેવીને એક નકલ મોકલવામાં આવી અને ભારતીય નેવીએ તરત યુસુફકાકાને બોલાવીને સમાચાર આપ્યા.

‘હાશ...સાહેબ ભલે તેઓ પાકિસ્તાનની જેલમાં હોય પણ રામજીભા સાથે અમારાં બાળકો જીવતાં છે. તે જ આનંદની વાત છે, ઠીક છે, ચાર-છ મહિના પાછા આવી જશે.’

રાજી થતા યુસુફકાકા ઘરે આવ્યા અને સૌને આ આનંદના સમાચાર આપી ગોળધાણા વહેંચ્યા.

પાકિસ્તાનની નૌકાદળના હાથમાં સીમા ઉલ્લંઘનના ગુનામાં પકડાઇને ચાર-છ મહિના પાકિસ્તાનની જેલમાં રહી આવવું તે અહીંના મછવારા જાતિ માટે કોઇ મોટી વાત ન હતી. આવું તો અવાર-નવાર બનતું.

હા, ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે ઘર્ષણ ચાલતું હોય ત્યારે એકાદ વર્ષ જેલમાં સબડવું પડે.

યુસુફકાકાને હવે શાંતિ થઇ અને તેઓ દિવસ ગણાતા, રામજીભા સાથે સૌના છૂટવાની વાટ જોતો હતા.

ટાઇમ પસાર થતો ગયો, આઠ મહિના બાદ ભારત અને પાકિસ્તાન બંને દેશોએ નિયમ મુજબ પકડાયેલા માછીમાર કેદીઓની આપ-લે કરી, ચાલીસ પાકિસ્તાની માછીમારોને ભારતે મુક્ત કર્યા અને ત્રીસ ભારતીય માછીમારોને પાકિસ્તાને મુક્ત કર્યાં.

મુક્ત થયેલા ભારતીય માછીમારોનાં રામજીભા, મધુ, સલીમ, જાવેદ પણ સાથે હતા. જખૌ ગામમાં આનંદની લહેર ફરી વળી, યુસુફ કાકાએ ગામના બધા જ માછીમાર ભાઇઓને લાપસી જમાડી.

પાકિસ્તાનથી છૂટીને આવેલ પોતાના મોટાભાઇ જેવા રામજીભાને યુસુફકાકા બાથમાં ઘાલીને રડી પડ્યા. ત્રણે દીકરાઓને ગળે લગાડ્યા. ગામના સૌ મછુઆરા રામજીભા અને યુસુફકાકાને પ્રેમ જોઇ રહ્યા. તે આખો દિવસ આનંદ અને ધમાલમાં નીકળી ગયો. રામજીભાની બોટ લગભગ દસ દિવસ પછી જખૌ પોર્ટમાંથી છોડાવવાની હતી. નિયમ અનુસાર પોર્ટમાં અરજી આપી કાગળ વિધિ પૂરી કરી રામજીભા અને યુસુફકાકા ઘર તરફ ચાલ્યા.

‘રામજીભા હવે થોડા દિવસ આરામ કરો અને ઘરના રોટલા ખાઇ તાજા થઇ જાવ, જુઓ તો તમારું શરીર કેવું લેવાઇ ગયું છે.’ ચાલતાં-ચાલતાં રામજીભાના શરીર તરફ નજર કરતાં યુસુફકાકા બોલ્યાં.

‘યુસુફ...હજી તો મારે એક મહત્ત્વનુ કામ પૂરું કરવાનું છે. તે કામ પૂરું થાય પછી જ મને ચેન પડશે...’ રામજીભા બોલ્યા.

‘મહત્ત્વનું કામ...?’ ચાલતાં-ચાલતાં અચાનક અટકી જઇને આશ્ચર્ય સાથે રામજીભા સામે જોતાં યુસુફકાકા બોલ્યા.

‘હા...યુસુફ, આ કામ આપણા દેશની રક્ષા કરતા એક વીર પુરુષનું છે. કદાચ દેશની સુરક્ષા માટે મહત્ત્નું કામ છે.’

‘બોલો...રામજીભા દેશની રક્ષા માટે હું ગમે તે કરવા તૈયાર છું, ભલે પછી મારો જીવ પણ જાય. રામજીભાનો ખભો દબાવતાં યુસુફકાકા બોલ્યા.

‘ચાલ યુસુફ સામે ઓટલા પર બેસીએ. તને બધી જ વિગત સમજાવું.’ યુસુફકાકાનો હાથ પકડતાં રામજીભા બોલ્યા.

તલ્લીનતાથી રામજીભાની પૂરી વાત સાંભળ્યા બાદ યુસુફકાકા બોલ્યા, ‘રામજીભા એ માણસ કોણ હતો, ખરેખર તે ભારતનો હતો કે પછી પાકિસ્તાનની કોઇ ચાલ હતી કે ગમે તેને તમારી સામે ઊભો કરી એક નાટક રચ્યું હોય, અને તે ખરેખર જો ભારતીય હોય તો સરકારી ઓફિસર હતો કે ભારતનો કોઇ ગુનેગાર...?’

‘યુસુફ...તેની સાથે મારાથી વધુ વાત ન થઇ, તેણે કહ્યું કે કચ્છ જઇ આઇ.જી.સાહેબને જાણ કરજો કે ! ‘હું આનંદ, મજામાં છું. તેમ સોમદત્તજીને સમાચાર આપે...બસ એટલી વાત થઇ. ત્યારબાદ તરત તે ર્ડોક્ટર પાછો આવી ગયો અને અમારી વાત બંધ થઇ ગઇ. તે કોણ છે...? તેનું નામ શું છે...? તે બધું હું કાંઇ જ જાણી ન શક્યો અને આઠ મહિનાની જેલ દરમિયાન તે વ્યકિત મને ક્યારેય ફરીથી મળી નહી.’ વાત પૂરી કરતાં રામજીભાએ એક ઊંડો શ્વાસ લીધો. પછી બંનેએ એક એક બીડી સળગાવી અને વિચાર કરતાં કરતાં બીડી પીવા લાગ્યા.

‘તો રામજીભા તમે શું નિર્ણય કર્યો છે...?’ બીડીનો છેલ્લો દમ લઇ ઠૂંઠાને ઘા કરતા યુસુફકાકા બોલ્યા.

‘યુસુફ...હું કાલ આઇ.જી.સાહેબને મળવા જઇશ, અને તે કેદીએ કહેલી વિગત સાહેબને કહીશ. બસ...મારું કામ પૂરું પછી તે વાત પરથી શું પગલાં ભરવામાં આવે છે તે સાહેબ જાણે અને પેલા કેદીનાં નસીબ...’ ઠૂંઠાનો ઘા કરતાં વાત પૂરી કરીને રામજીભા ઊભા થયા.

‘તારી સાથે કાલ હું ચાલુ...?

‘ના...કાલ તો હું એકલો જ સાહેબને મળવા જઇશ પછી જરૂર પડે તો તને લઇ જઇશ...’ પછી બંને મિત્રો ચૂપાચૂપ ઘર તરફ ચાલવા લાગ્યા.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Sudhirbhai Patel 1 અઠવાડિયા પહેલા

Alpesh Thakar 2 અઠવાડિયા પહેલા

dayaljikacha624@gmail.com 2 અઠવાડિયા પહેલા

Kinjalpathak 2 અઠવાડિયા પહેલા

Kishor Rathod 3 અઠવાડિયા પહેલા