ધરતીનું ઋણ
વ્રજલાલ હિરજી જોષી
પાકિસ્તાનનો કેદી
ભાગ - 1
કરાંચી...પાકિસ્તાનનું એક ઔદ્યોગિક બંદરીય શહેર.
કરાંચી બંદરથી કરાંચી શહેરમાં જવા માટે ખૂબસૂરત ફોરલેન્ડ લીઆરી એક્સપ્રેસ હાઇવે આવેલ છે. કરાંચી એક માત્ર પાકિસ્તાનનું મોટું બંદરગાહ હોવાથી કરાંચી શહેરનો ઘણો વિકાસ થયેલ છે. લીઆરી એક્સપ્રેસ હાઇવે પર બંદરથી લગભગ ચાલીસ કિલોમિટર આગળ વધતાં ડાબી બાજુ એક રસ્તો વળે છે. તે રસ્તે આગળ વધતાં લગભગ વીસ કિલોમીટરના અંતરે કરાંચીની સેન્ટ્રલ જેલ આવેલી છે. સેન્ટ્રલ જેલ તે જેલ નહીં પણ કોઇ નવાબે બાંધેલ મોટો કિલ્લો હોય તેવું નજરે પડે. લગભગ ચાલીસ એકર જમીન પર તે જેલ બનેલી છે.
જેલના ઉત્તર ભાગમાં કરાંચી બંદરની ખાડીનાં પાણી ત્યાં ભરાય છે. કાયમ અરબી સમુદ્રનાં પાણી ત્યાં ભરેલ રહેતાં હોવાથી કાદવ કીચડથી ભરપૂર તે ખાડીમાં કોઇ અવર-જવર થઇ શકતી નથી. કોઇ બોટ પણ ખાડીમાં થઇને તે જેલ સુધી પહોંચી શકતી નથી. જેલની પાછળના ભાગમાં બાવળની કાંટાળી વનસ્પતિનાં ગીચ જંગલ આવેલ છે. જ્યાંથી કોઇ પણ માણસ પસાર થઇ જ ન શકે. એકવાર તે જંગલમાં ઘૂસી ગયા પછી બહાર નીકળવાનો રસ્તો મળે નહીં અને બાવળના ઝેરી કાંટા ખાઇને માણસ અધમૂઓ થઇ જાય. તે ઉપરાંત આ જંગલમાં બ્લેક કોબ્રા નામના ઝેરી સાપો પણ પુષ્કળ પ્રમાણમાં છે. જે દંશથી માણસ તરત તરફડીને મૃત્યુ પામે છે.
જેલની દક્ષિણ તરફના ભાગ તરફ ઉસ્માનિયા કોલોની આવેલ છે. જેમાં લગભગ કરાંચી પોર્ટના કર્મચારી, જેલના પોલીસ કર્મચારી, અને પાકિસ્તાન આર્મીના લોકો રહે છે. થોડા થોડા બંગલા પણ બનેલા છે. જેમાં કરાંચી બંદર પર વેપારી પેઢીઓ જેમની આવેલી છે તેવા મોટા-મોટા વેપારીઓનાં બંગલા છે.
સેન્ટ્રલ જેલ એક મોટા કિલ્લામાં બનેલી છે. જેલને ફરતે કાળા પથ્થરની લગભગ 60 ફૂંટ ઊંચી દીવાલ આવેલી છે. એકદમ લીસી દીવાલ પર ચડવા માટે કોઇ જ રસ્તો મૂકવામાં આવેલ નથી. દીવાલની પહોળાઇ લગભગ વીસ ફૂટની છે. તેની ઉપર જેલને ફરતી ફેન્સિંગ તારની જાળી બનાવેલી છે. જેમાં ચોવીસે કલાક ઇલેક્ટ્રિક કરંટ પસાર થતો રહે છે. જેલની બહારની તરફ જેલને ફરતે મોટી ખાઇ બનાવેલી છે. જેમાં સમુદ્રમાં પાણી ચોવીસે કલાક ભરાયેલાં રહે છે. આ ખાઇની પુષ્કળ પ્રમાણમાં દરિયાઇ મગરમચ્છો પણ ભૂખ્યાડાંસ થઇને પડ્યા છે. દીવાલને કૂદીને ભૂલેચૂકે કોઇ પણ કેદી ભાગી છૂટે તો તે જેલને ફરીથી બનાવેલ ખાઇમાં માનવભક્ષી જળચરોથી તો ન જ બચી શકે.
આ ખાઇની અંદર પુષ્કળ પ્રમાણમાં પીરાના નામની માછલીઓ પણ મૂકવામાં આવેલી છે. પીરના માછલી દક્ષિણ આફ્રિકામાં દરિયાનું જળચર પ્રાણી છે. અને તે માનવભક્ષી માછલી છે. માણસની ગંધને પારખીને એકદમ તે માણસ પર હુમલો કરે છે. અને માણસના ટુકડા કરીને ખાઇ જાય છે. તે કદમાં એકદમ નાની હોય છે. પણ તે બહોળી સંખ્યામાં સાથે હુમલો કરે છે. આ માછલીઓ મગરનો ખોરાક પણ છે.
આમ આ કરાંચીની સેન્ટ્રલ જેલની ચારે તરફ મોત પોતાનું વિકરાળ રૂપ સાથે ચારે તરફ છવાયેલું હતું.
હવે આપણે કિલ્લા જેવી તે મજબૂત જેલની અંદર ભાગ જોઇએ. 20 ફૂટ લાંબો અને પચ્ચીસ ફૂટની પહોળાઇવાળો તે પાકા લાકડાનો મજબૂત ગેટ હતો. ગેટ પર ચારે તરફ તીર જેવા અણીદાર લોખંડના મજબૂત ખીલા ખોડેલા હતા. ગેટને ખોલવા માટે ચાર માણસોની જરૂર પડતી અવર-જવર માટે આ ગેટમાં એક નાની બારી બનાવેલી હતી, અને વાહનોની અવરજવર માટે ગેટનો એક જ પડ ખોલવામાં આવતો. આ મજબૂત ગેટને પસાર કરતાં આગળ લોખંડની પ્લેટનો સ્લાઇડવાળો ગેટ નં. ર આવતો. આ ગેટ અને પ્રથમ લાકડાના ગેટ વચ્ચે જેલની સિક્યુરિટીની ઓફિસ હતી તેમાં ગેટ નં.ર ને ખોલવા માટેનો કંટ્રોલ રૂમ હતો. ગેટ નં. 1માંથી કોઇ પસાર થઇને આગળ વધે કે તરત ઓફિસના કમ્પ્યૂટરમાં તેનો ફોટો અને ફિંગર પ્રિન્ટ આવી જતાં. ગેટ નં. 1 માંથી પ્રવેશ્યા બાદ પ્રવેશનારે ફિંગર પ્રિન્ટ આપવા પડતા અને તે જગ્યાએ લગાવેલ કેમેરો તરત તેનો ફોટો લઇને સિક્યુરિટીવાળા કંટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરતો. સિક્યુરિટી રૂમના કમ્પ્યૂટરમાં જેલની અંદર આવતી વ્યકિત અથવા બહાર જતી વ્યકિતના ફોટા નીચે તરત તેનો બાયોડેટા આવતો અને તેમાં તે વ્યકિતને પ્રવેશવા અથવા બહાર જવાની પરમિશન ઓથોરાઇડ તરફથી આપવામાં આવેલ હોય તો પરમિશન ગ્રાન્ટેડ લખેલું આવતું. ત્યારબાદ સિક્યુરિટી ઓફિસર કમ્પ્યૂટરમાં ગેટ નં.ર ખોલવાના નિશાન પર ઓ.કે. કરતો અને ત્યારબાદ ગેટ નં.ર તરત સ્લાઇડની જેમ ખૂલી જતો. ગેટ નં. ર ની અંતર પ્રવેશ્યા બાદ એક રસ્તો દક્ષિણ તરફ વળાંક લેતો આગળ વધતો હતો, તે રસ્તો બંકરની જેમ એકદમ પેક હતો. રાઉન્ડ લઇ ફરીથી લોખંડના જાળીનો એક ગેટ આવતો. તે પસાર કર્યા બાદ જેલની અંદર પ્રવેશ કરી શકાતો.
જેલની અંદરનો ભાગ સુદર્શન ચક્ર જેવા આકારનો હતો. જેની વચ્ચે વિશાળ રાઉન્ડ શેપમાં ચોગાન આવેલું હતું. ત્યાંથી ચારે દિશામાં જવા માટે સિમેન્ટના રોડ બનાવેલા હતા. પશ્ચિમ દિશાનો ભાગ જંગલની જેમ ગીચ વૃક્ષોથી ઘેરાયેલો હતો. વચ્ચે-વચ્ચે નાની ટેકરીઓ આવેલી હતી. તે તરફ વૃક્ષો સિવાય એક નાનું સરોવર બનેલું હતું. આખી જેલને તે પાણી પૂરું પાડતું હતું. જેલની ઉત્તર દિશામાં સૌ પ્રથમ જેલરની ઓફિસ હતી. ત્યારબાદ અન્ય ઓફિસોની લાઇન આવેલી હતી. તેનાથી આગળ વધતાં જેલર તથા જેલના કર્મચારીઓના કવાર્ટસ આવેલ હતા. જેલની પશ્ચિમ દિશામાં આગળ વધતાં લોખંડના મજબૂત સળિયાથી જડાયેલ એક લોબી હતી. લોબીમાં આગળ વધતાં કેદીઓની બેઠક બનેલી હતી. આગળના ભાગમાં નાના-નાના ગુના કરેલ ઓછી માત્રામાં સજા ભોગવતા કેદીઓની બૈરક હતી. તે બૈરક પૂરી થતાં આગળ લોખંડનો એક ગેટ હતો. તે ગેટની અંદર લોખંડની જાળીમાં સિમેન્ટ, કાંકરીથી બનાવેલ ખૂબ મજબૂત દીવાલોવાળી બૈરક હતી. જેમાં ખૂન જેવા ગુના કરેલ ખતરનાક કેદીઓને રાખવામાં આવતા હતા. આ બૈરકની વચ્ચે એક સીડી અંદર ગ્રાઉન્ડમાં જવા માટે નીચેની તરફ રસ્તામાં ઊતરતી હતી.
અડંર ગ્રાઉન્ડમાં ચાર 15.ર0ની ઓરડીઓ બનેલી હતી. અંડર ગ્રાઉન્ડ નીચે બેરેકમાં અંદર ઊતરવા માટે એક ખૂણામાં સીડી બનાવેલી હતી. તે સીડી પર લોખંડની પ્લેટનો મજબૂત એક જ માણસ નીચે ઊતરી શકે તેવો દરવાજો હતો. બેરેકની અંદર એક ખૂણામાં લોખંડનો એક પાણી ભરેલ પીપ પડ્યો હતો અને પ્લાસ્ટિકનો એક મગ હતો. સામેની સાઇડમાં દરવાજા વગરની ખુલ્લી એક સંડાસની નાની ઓરડી હતી. બસ તે સિવાય કશું જ ન હતું. સિડીના લોખંડના દરવાજાની ચાવી જેલર પાસે રહેતી અને જેલરની પરમિશન અને હાજરી વગર તે ખોલી શકાતી નહીં. અંદરના કેદીને ખાવાનું આપવા માટે અને તે બેરેકમાં ઓક્સિજન મળી રહે તે માટે છત પર એક ફૂટના વ્યાસવાળો નાનો હોલ કરવામાં આવ્યો હતો. છત લગભગ 20ફૂટની ઊંચાઇ પર હતી. ત્યાંથી રોટલીના ટુકડા જે કૂતરા પણ ન ખાય તેવા ચાર-છ દિવસના વાસી ટૂકડા ફેંકવામાં આવતા. જે કેદીનો ખોરાક હતો અને પીપમાં ભરેલ પાણી જે પીવા માટે કે બીજા કોઇ ઉપયોગ માટે લેવામાં આવતો તે ડહોળું અને ગંદુ પાણી જ કેદી માટે રહેતું. 20 ફૂટની ઊંચી છત પર એક સો વોલ્ટનો બલ્બ લટકતો હતો. જે જેલર અંદર આવે ત્યારે જ ચાલુ કરવામાં આવતો. તે સિવાય તે કાળ-કોટડીમાં કાયમ અંધકાર છવાયેલો રહેતો. તે કેદીને મહિનામાં એક વખત એક મેડિકલ ચેક-અપ માટે બહાર લાવવામા આવતો. તે સિવાય તે કેદીની જિંદગી એ કાળ કોટડીમાં જ વીતતી.
આવી ભયાનક પાંચ કાળ કોટડીમાં ચાર ખાલી હતી. એક કોટડીમાં એક કેદી હતો. તે કેદી કોટડીની ફર્શ પર બનેલા સિમેન્ટના પાંચ બાય બેના ઓટલા પર ટંટિયું વાળીને સૂતો હતો. તેના શરીર પર મેલો ઘેલો કેદીઓને ઝભ્ભો અને લેંઘાનો પહેરવેશ હતો. તેની દાઢી એકદમ વધી ગઇ હતી.
શરીર એકદમ કૃશ થઇ ગયું હતું. આંખો નિસ્તેજ દેખાતી હતી. છતાં તેના ચહેરાથી તેનું મનોબળ એકદમ મક્કમ હોય તેવું લાગતું હતું.
ખખડાટીના અવાજથી તે એકદમ જાગી ગયો અને સફાળો બેઠો થયો.
‘આજ ફરીથી મારો વારો ચડી આવ્યો લાગે છે. ભાઇ માર ખાવા તૈયાર થઇ જા...’ બબડતાં...બબડતાં તે હસી પડ્યો અને અંધકારભર્યા તે દોજખની સીડી તરફ નજર તાકી-તાકીને જોવા લાગ્યો. લગભગ દસ વર્ષથી તે આ દોજખમાં પુરાયેલો હોવાથી હવે અંધકારમાં જોવાથી થોડી પ્રેક્ટીસ (ટેવ) પડી ગઇ હતી. પોતાના શરીરને ટકાવી રાખવા માટે તે ઉપરથી ફેંકેલા રોટલીના એક-એક ટુકડાને ચાવીને ખાઇ જતો. નિયમિત લગભગ પાંચ લીટર જેટલું ગંદુ પાણી પીતો અને રોજ સવાર-સાંજ કસરત કરતો રહેતો, તેનાથી તેનું શરીર ભલે કૃશ દેખાતું પણ એકદમ મજબૂત થઇ ગયું હતું, અને માર ખાવાની પણ તેણે પૂરી પ્રેક્ટીસ કરી લીધી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇ પ્રોબ્લેમ થાય. પાકિસ્તાનનું નાક કપાય તેવો બનાવ બને, અરે...જો.ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ મેચ પણ હારી જાય તો પણ તેની સામત આવી જતી અને તેના પર સિતમ ગુજારવામાં આવતો.
ખખડાટીનો અવાજ તે ખંડના ઉપરના લોખંડનો દરવાજાને ખોલવાનો હતો. અને પછી ચિઇઇઇ ના અવાજ સાથે તે લોખંડનો નાનો દરવાજો ખૂલી ગયો. પહેલાં તેને બૂટ પહેરેલા પગ દેખાયા. પછી જેલરનું માટલા જેવું પેટ દેખાયું. પછી જેલરનો સુવર જેવો ચહેરો તેની નજરે ચડ્યો. જેલરના હાથમાં આજ નેતરની લાંબી સોટી હતી.. તે અવાર-નવાર અવનવાં સાધનો લઇ આવી તેના અખતરા કરતો. કોઇ વાર ડંડો હોય તો કોઇવાર લોખંડની ચેન તો, કોઇ વાર નેતરની સોટી હોય.
સાડા પાંચ ફૂટની લંબાઇ, ભરાવદાર શરીર અને તેનું મોં એકદમ ખૂંખાર જાનવર જેવુ લાગતું હતું. મોટી-મોટી લાલચોળ આંખોના ડોળા અડધા તો આંખની બહાર જ દેખાયા. ભરાવદાર દાઢી અને લાંબી મૂછો પણ માથામાં એકપણ બાલ નહીં, જેલરના વેશમાં તે એકદમ ખતરનાક ઓફિસર જેવો લાગતો, જેવો શું, તે ખરેખર ખતરનાક જ હતો.
સીડી ઊતરીને તે નીચે આવ્યો કે તરત છત પર લટકતો બલ્બ ચાલુ થયો.
ઘુ...ઉઉઉ...ના અવાજ સાથે ઊડતા બે-ત્રણ મચ્છરો તેના મોં પર આવીને ચોંટ્યા. તે એકાએક અટકી ગયો. તેનુ પૂરું ધ્યાન તેના ગાલ પર બેસેલા મચ્છર પર કેન્દ્રિત થયું.
થડાક..એકા-એક ઝાપટ તેણે તેના મોં પર મારી અને તરત મરેલ મચ્છર તેના હાથનાં આંગળાઓમાં ચોંટેલા દેખાયા. હાથની આંગળીઓ તરફ નજર ફેરવી. તેણે આંગળીને મોંમાં નાખી મરેલ મચ્છર જાણે પીપરમેન્ટ હોય તેમ ચૂસી ગયો.
‘હં...ઘણા મચ્છર વધી ગયા છે. સુંદર...અતિસુંદર બબડતો બબડતો જેલર કે કેદીની સામે આવીને ઊભો થયો.’
‘કેદી નંબર 107...કેમ છો ભાઇ...તબિયત પાણી બરાબરને. આજકાલ કરતાં ઘણો સમય થઇ ગયો તને મળ્યાને...તને મારી યાદ આવતી હશે નહીં...? અને આવે પણ કેમ નહીં ભાઇ, હું તારો એકલૌતો સંબંધી છું ને આ દુનિયામાં મારા સિવાય તારો ખ્યાલ રાખવાવાળું છે પણ કોણ, કેમ બરાબરને...?’ તેણે કેદી સામે કાતિલ નજરે જોયું પછી આગળ બોલ્યો, ‘હા, તો 107 આજ મને તારી બહુ જ યાદ આવતી હતી. મને થયું લાવ મળી આવું...’ કહેતાં તે એકદમ નજીક આવ્યો.
‘એલો એય...હું ક્યારનો તારી સામે બકબક કરું છું નથી સાંભળતો...? સુવ્વર...!’
કેદીએ જેલર સામે નજર ફેરવી પણ તે એકદમ શાંત ચિત્તે બેસી રહ્યો.
‘તો નહીં બોલે એમ ને...? બરાબર...!’
‘હરામખોર...’ દાંત કચકચાવતાં ગુસ્સાથી રાતા-પીળા થતાં જેલર બરાડ્યો. ‘તારી જીભને કાપી ન નાખું તો મારું નામ જેલર કાદર અલી નહીં, એક દિવસ હું ચોક્કસ તારી જુબાન ખોલાવીને જ રહીશ. સમજ્યો, જવાબ દે...’
કેદીએ જેલર તરફ એક ઉપેક્ષા ભરી નજર ફેંકી, જાણે જેલરની વાત સાંભળી, જેલર જાણે તેને સામે કીડી-મકોડા જેવો હોય તેમ તેણે જેલરની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી.
‘મારી સામે જુએ છે, કૂતરા...’ અચાનક જેલર બગડ્યો અને પછી તેના હાથમાંની નેતરની સોટી તે કેદીના શરીર પર વીંઝાણી, સ્પાર્ક...સ્પાર્ક...સોટીન અવાજ બેકરમાં ગુંજી ઊઠ્યો અને ત્યારબાદ કાદર અલીના હાથ અટકયા જ નહી.
કેદીનાં કપડાં લીરે-લીરા થઇ ગયાં. તેના શરીર પર પડેલા શેળાથી ચિરાયેલી ચામડી તેનાં કપડાંમાંથી દેખાવા લાગી. અને તેમાંથી લોહીની ટસરો ચારે તરફ ફૂટવા લાગી.
થોડીવાર તો કેદી મૂંગો મોઢે પીડાને સહન કરતો રહ્યો. ત્યારબાદ તેની ચીસોથી બેરક ગુંજી ઊઠી.
જેલર મારતો જ ગયો. મારતો જ ગયો.
સતત પંદર મિનિટ પછી તેના હાથ થાક્યા.
સોટીને એક તરફ ફેંકતાં તે પોતાનો ઊંપડેલો શ્વાસ કાબૂમાં લેતાં, હાંફતો હાંફતો દીવાલને ટેકે ઊભો રહ્યો. તેના ઉજડે ચમન જેવા માથા અને મોં પર પરસેવો છવાયેલો હતો.
પાંચ મિનિટ થાક ખાઇને તે કેદી પાસે પાછળની તરફ આવ્યો, તેના માથાના બાલ એક હાથેથી પકડીને બીજા હાથેથી કેદીનો હાથનો પંજો પકડ્યો અને તેના હાથને પાછળની તરફ વાળી અને તેનાં આંગળાંને જોરથી મોડી નાખ્યા.
‘આ...આ...આ...’ કેદીની ચીસથી બેરેક ગુંજી ઊઠી.
તડાક...તડાક...અવાજ સાથે તેની બે આંગળીઓમાં ફેકચર થઇ ગયાં.
‘બોલ, કોણ છે તું, નહીં બોલે તો તારા એક એક અંગમાં ફેક્ચર કરી તોડી નાખીશ.’
‘હાંક થૂં... તે કેદી પાછળની તરફ વળીને જેલરના મોં પર થૂક્યો અને બોલ્યો, ‘તારાથી થાય તે કરી લેજે, હાથ-પગ, માથું બધું જ તોડી નાખજે...હું કોણ છું તે તું ક્યારેય જાણી નહીં શકે...હા...હા...હા...’ કરતો તે અટ્ટાહાસ્ય કરવા લાગ્યો...અને પછી,
જેલર તેના પર તૂટી જ પડ્યો, હાથના મુક્કા અને લાતોનો વરસાદ વરસાવ્યો. તે કેદીની ચીસોથી બરેક ગુંજી ઊઠી.
આખરે થાકીને જેલર નીચે પડેલા કેદીની કમર ઉપર એક લાત ફટકારી અને બોલ્યો, ‘તારે બોલવું જ પડશે. હરામખોર, હું તને મારી નહીં નાખું પણ આમ જ તરફડ્યા કરીશ.’
‘ભલે...ભલે...જેલર સાહેબ, તમે તારે તડફાવજોને, તમને છૂટ છે. આજ દસ વરસ થયાં તમે તડપાવવામાં ક્યાં કમી રાખી છે.’
ગુસ્સે ભરાયેલા જેલરે ગુસ્સાથી તેની સામે જોયુ પછી હાંફતો-હાંફતો સીડી ચડવા લાગ્યો.
‘આવજો જેલર સાહેબ, હવે ભારતની સામે જ્યારે પાકિસ્તાન મેચ હારી જાય, ત્યારે ચોક્કસ આવજો હું તમારી આતુરપૂર્વક રાહ જોઇશ.’ તે કેદી કટાક્ષમાં બોલ્યો.
ઉપરનો દરવાજો ખોલી જેલર બેરકની બહાર આવ્યો અને હુકમ આપ્યો. ‘આ સાલ્લાને આજ અન્નનો દાણો પણ આપવાનો નથી.’
અને ધડાક અવાજ સાથે તે લોખંડનો દરવાજો બંધ થઇ ગયો.
‘‘ઓ માજી રે અપના કિનારા, નદિયા કી ધારા...
તે ખુશનુમા સવાર હતી. ઠંડો પવન મંદ મંદ વાઇ રહ્યો હતો. આકાશમાં સફેદ સીબર્ડ ટ્રે...ટ્રે... અવાજ સાથે ઊડી રહ્યાં હતાં.
ધરરર...અવાજ સાથે મચ્છુવાઓની બોટો ધીમી ગતિએ પાણીમાં આગળ ને આગળ વધી રહી હતી. હિલોળા લેતું સાગરનું પાણી ઉછળી રહ્યું હતું.
એક બોટમાં ચાર વ્યકિતઓ બેઠી હતી. બે મુસ્લિમ હતા, અને બે હિન્દુ ખારવા હતા. ત્રણ યુવાન હતા અને એક લગભગ 55 વર્ષના કાકા હતા. ત્રણે યુવાનો બોટના ધબુસા પર બેઠા હતા. સલીમ આનંદ સાથે ગીત ગાઇ રહ્યો હતો અને જાવેદ ડફલી વગાડતો હતો અને મધુ માઉથ આર્ગન વગાડી રહ્યો હતો. રામજીભા બોટના એન્જિન પાસે બેઠા-બેઠા બોટનું સંચાલન કરતા હતા. જાતે તેઓ ખારવા હતા. મધુ તેમનો દીકરો હતો. સલીમ અને જાવેદ તેના મિત્ર યુસુફના પુત્ર હતા. કાયમા ચારે જણ સાથે જ મચ્છી પકડવા જતા. બોટ રામજીભા અને યુસુફની ભાગીદારીમાં લીધેલી હતી.
કચ્છનું જખૌ બંદર બહુ મોટું ન હતું. ત્યાંનો દરિયો છીછરો હતો, એટલે મોટાં જહાજો ત્યાં આવી શકતાં નહીં. પણ મચ્છીમારના વેપાર માટે તે પ્રખ્યાત હતું. અહીંના દરિયામાં ઝીંગા નામની માછલીઓ પુષ્કળ પ્રમાણમાં મળી રહેતી અને દરિયાના ઊઁડાણમાં આગળ શાર્ક અને વહેલ માછલીઓ પણ જોવા મળતી. ‘‘ઇન્ટર નેશનલ માર્કેટ’’માં ઝીંગા માછલીનો ઘણો જ ઉપાડ થતો અને સારી એવી કિંમત ઊપજતી. અહીંથી તે વિદેશમાં એક્સપોર્ટ થતી.
***